ગુજરાતે ફરી બનાવ્યો બાગાયતી એક્શન પ્લાન: 10000 કરોડની આવકનો લક્ષ્યાંક

PC: blogspot.com

ગુજરાતમાં બાગાયતી પાકોની આવક 10000 કરોડ કરવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકારે ખેડૂતોને વિવિધ પ્રોત્સાહનો આપવાની યોજના બનાવી છે જેમાં ગ્રીનહાઉસ, નર્સરી અને કલસ્ટરની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટારગેટ બનાવ્યો છે કે દેશના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરાશે. ગુજરાતે આ ટારગેટને સ્વીકારી 2022 સુધીનો આ પ્લાન બનાવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગે નક્કી કરેલા 2019-2022 ના પ્લાનિંગ પ્રમાણે બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધવા સાથે ઉત્પાદનમાં બમણો વધારો કરવાની અપેક્ષા રાખવામાં આવી છે.

કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે આગામી બજેટમાં હોર્ટીકલ્ચર સેક્ટરને વધુ મહત્વ આપી ફળ, ફુલ, મસાલા અને શાકભાજીના ઉત્પાદન માટે ઇઝરાયલના નિષ્ણાતોની મદદ મેળવવામાં આવશે. ગુજરાત સરકારે માંગ આધારિત ઉત્પાદનનો સિદ્ધાંત અપનાવી હોર્ટીકલ્ચર એક્ટિવિટીનો વ્યાપ વધારવાનું આયોજન કર્યું છે, પરિણામે ફળ, શાકભાજી, મસાલા અને ફુલ પાકોનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થવાની ધારણા રાખવામાં આવી છે. બાગાયતી પાકોમાં એન્ડ ટુ એન્ડ એપ્રોચ, કલસ્ટર અને પ્રોજેક્ટ બેઝ ઉત્પાદન કાર્યક્રમ તેમજ પ્રિસીઝન ફાર્મિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

કૃષિ નિયામકના અંદાજ પ્રમાણે ગુજરાતના ખેડૂતો બાગાયતી પાકોમાં પ્રતિ વર્ષ સરેરાશ હાલ 3000 કરોડની આવક મેળવી રહ્યા છે, જ્યારે માર્ચ-2019 અંતે વાવેતર વિસ્તાર 17.5 લાખ હેક્ટરને ક્રોસ કરશે ત્યારે બાગાયતી પાકોનું ઉત્પાદન 285 લાખ મેટ્રીક ટન થશે અને તેના થકી કુલ 6000 કરોડની આવકના ટારગેટને પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર ફળપાકમાં 1000 નવા કલસ્ટર તૈયાર કરી રહી છે જ્યારે શાકભાજીનું ઉત્પાદન 145 લાખ મેટ્રીક ટન સુધી લઇ જવા 2000 નાની પ્લગ નર્સરી અને 100 હાઇટેક નર્સરી માટે માન્યતા આપી રહી છે. વિભાગના જણાવ્યા પ્રમાણે ગ્રીનહાઉસની સંખ્યા વધારીને 20 હજાર કરવામાં આવશે. ખાસ કરીને શહેરોની આસપાસના વિસ્તારમાં શાકભાજીના 250 નવા કલસ્ટર ઉભા કરવામાં આવશે.

ગુજરાત એવું રાજ્ય છે કે બાગાયતી પાકોના કુલ ઉત્પાદન પૈકી 12 ટકાની નિકાસ કરે છે. એટલે નિકાસલક્ષી પાકોને વધારે પ્રોત્સાહન આપવાનો સરકારનો આ રોડ મેપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp