સુરતની આ ફેમસ લોચાની દુકાનના 6 કર્મચારી કોરોના સંક્રમિત થયા

PC: khabarchhe.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સૌથી વધારે કેસ ધરાવતા અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. લોકોના ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા ધનવંતરી રથ દ્વારા સોસાયટીએ સોસાયટી જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે. તો સુરતમાં હાલ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરતના અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતના સીટી લાઈટ રોડ વિસ્તારમાં એક ખાસ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો હતો. જો કે, આ સર્વે દરમિયાન સુરતની પ્રખ્યાત કહેવાતી શ્રીજી લોચાની દુકાનના કર્મચારીઓનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ કરતા લોચાની દુકાનમાં કામ કરતા 6 કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક શ્રીજી લોચાની દુકાનને સીલ કરવામાં આવી હતી.

દુકાન સીલ કર્યા બાદ પોઝિટિવ આવેલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શ્રીજી લોચોની દુકાનમાં કામ કરતા કર્મચારી સિવાય પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉકટરો, બેંક મેનેજર, ગેરેજ ચલાવનાર, સુરત મહાનગરપાલિકા કર્મચારી અને વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં સેટેલાઈટ રોડ ઉપર વિસ્તારમાં આવેલા 3500થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 13,000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં સુરતના જે વિસ્તારમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધુ મળી રહેશે તે વિસ્તારમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની ઝુંબેશ ચલાવીને સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

સુરતમાં કોરોનાના કેસ વધતાં બે વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સુરતની મુલાકાત લેવામાં આવી હતી. આરોગ્ય અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિએ સુરતમાં રોકાઇને હોસ્પિટલમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા લોકોને ઘરેથી માસ્ક પહેરીને બહાર નીકળવાની અને કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp