વડોદરામાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે આવેલા 7 હોમગાર્ડ જુગાર રમતા ઝડપાયા

PC: youtube.com

ગુજરાતમાં દારૂ અને જુગારને લઇને ચાલતી ગેર કાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યશીલ રહે છે. ગુજરાત પોલીસ દ્વારા શ્રાવણ મહિનામાં ઘણી જગ્યા પર રેડ કરીને કેટલાક જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાઓ પર તો ઉદ્યોગપતિ અને બેંકના મેનેજરો પણ જુગાર રમતા પકડાયા હતા અને કેટલીક વાર પોલીસ ક્વાટર્સમાંથી જ જુગારધામ પકડાય છે, ત્યારે હવે વડોદરા પોલીસે એક જુગારધામ પર રેડ કરીને સાત જેટલા હોમગાર્ડના જવાનને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ તમામ હોમગાર્ડ દ્વારકાથી ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે વડોદરા આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર એફ ડીવીઝન ACP અને માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને મકરપુરા GIDC ખાતે આવેલા નાઈટ સેલ્ટરમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ જોવા મળતા પોલીસે નાઇલ સેલ્ટરમાં દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન સાત જેટલા ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ સાત જુગારીઓ હોમગાર્ડ તરીકે દ્વારકામાં ફરજ બજાવે છે અને તેઓ ગણેશ વિસર્જનના પોલીસ બંદોબસ્ત માટે વડોદરામાં આવ્યા હતા. પોલીસના હાથે પકડાયેલા હોમગાર્ડ જવાનોના નામ હિરેન પરમાર, નરેશ ગઢિયા, હિતેશ ગઢિયા, રમેશ વાસઠા, સંજય વાયલું, જેસાભાઈ ગઢિયા, વિજય ગૌસ્વામી છે.

પોલીસે આ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરીને તેમની પાસેથી 33,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં 12,240 રોકડ રૂપિયા અને 3 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp