સુરતમાં કચરા પેટી પર કોણે લગાવ્યા ભા.જ.પા. ભંડોળ પેટીના સ્ટીકર?

PC: Youtube.com

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કચરા પેટીની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા લગાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીના આક્ષેપ પછી કોંગ્રેસે પણ SMCના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. હવે કચરા પેટીની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો વધારે વકર્યો છે. કોંગ્રેસ દ્વારા કચરા પેટીને ભાજપની ભંડોળ પેટી ગણાવવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અનુપ રાજપુત દ્વારા કેટલીક કચરા પેટીઓ પર કેસરી કલરના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં લખવામાં આવ્યું છે- 'ભા.જ.પા ભંડોળ પેટી'. સુરત કલેક્ટર કચેરીની બહાર મુકવામાં આવેલી કચરા પેટીમાં કોંગ્રેસના નેતા દ્વારા 'ભા.જ.પા ભંડોળ પેટી'ના લખાણવાળું સ્ટીકર લગાવવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઇ ગઈ હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવે છે. સુરતને કન્ટેનર મુક્ત સિટી બનાવવા માટે અંદાજે દોઢથી બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરતના રસ્તા પર રહેલા તમામ કચરાના કન્ટેનરને દૂર કરવામાં આવ્યા હતા અને તેની જગ્યા પર શહેરમાં 3.80 કરોડ રૂપિયાના ખર્ચે કેટલીક નાની-નાની કચરા પેટીઓ મુકવામાં આવી હતી. પરંતુ કચરા પેટી મુક્યાના થોડાં સમય પછી જ કચરા પેટીઓના દરવાજા તૂટવા લાગ્યા હતા. આટલી હલકી ગુણવત્તાની કચરા પેટીના સુરત મહાનગરપાલિકાએ 13,000 રૂપિયા ચુકવ્યા હતા. ભાજપના ધારસભ્ય હર્ષ સંઘવીના ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇને SMC કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતાના આ પ્રકારના વિરોધ પછી એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં કોંગ્રેસ કચરા પેટીના મુદ્દાને લઇને આકરા પાણીએ શાસક પક્ષની સામે વિરોધ નોંધાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp