- Tech and Auto
- અભિષેક શર્મા ઈનામમાં મળેલી કારને ભારતમાં નહીં ચલાવી શકે! કારણ છે ખૂબ મોટું
અભિષેક શર્મા ઈનામમાં મળેલી કારને ભારતમાં નહીં ચલાવી શકે! કારણ છે ખૂબ મોટું
એશિયા કપ 2025માં ભારતની પ્રભાવશાળી જીતનો શ્રેય ઘણા ખેલાડીઓને જાય છે, પરંતુ ઓપનર અભિષેક શર્મા સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. તેણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો, ત્યારપછી તેને HAVAL H9 SUV કાર ભેટમાં આપવામાં આવી. હવે, નવી વાત એ છે કે અભિષેક શર્મા દેશના એક કાયદાને કારણે આ કાર ભારતમાં લાવી શકાશે નહીં.
HAVAL H9 SUVએ લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ (ડાબી તરફ ડ્રાઇવરની સીટ)વર્ઝન છે, જ્યારે ભારતમાં ફક્ત રાઇટ-હેન્ડ ડ્રાઇવ (જમણી તરફ ડ્રાઇવરની સીટ) વાહનોને જ મંજૂરી છે. ભારતના રોડ સેફ્ટી અને વ્હીકલ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ, લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ કાર ભારતમાં રજીસ્ટર કરાવી અથવા ચલાવી શકાતી નથી. તેથી, અભિષેક શર્મા આ SUV ભારતમાં લાવી શકશે નહીં.
રિપોર્ટ્સ અનુસાર, HAVAL નવેમ્બર 2025 સુધીમાં ભારતમાં આ SUVને રાઇટ-હેન્ડ ડ્રાઇવ વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. જો આવું થાય, તો અભિષેક શર્માને ભારતીય સંચાલિત મોડેલ ભેટમાં મળી શકે છે. જોકે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
HAVAL H9 તેના વૈભવી દેખાવ અને અદ્યતન સુવિધાઓ માટે જાણીતું છે. આ વાહનમાં સલામતી અને આરામનું ખુબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. 7-સીટર લેઆઉટ સાથે આવનારી આ ગાડીમાં, તેમાં ચામડાની બેઠકો અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ બેઠકો, એપલ કારપ્લે અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પેનોરેમિક સનરૂફ જેવા ફીચર્સ મળે છે. ગાડીમાં 360-ડિગ્રી કેમેરા, છ એરબેગ્સ, પાર્કિંગ સહાય અને ABS-EBD જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
HAVAL H9 ભારતીય બજારમાં વેચાતી નથી. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 142,200 સાઉદી રિયાલ (SAR) છે. આ કિંમત રૂ. 33.60 લાખની સમકક્ષ છે. અહેવાલો અનુસાર, ભારતમાં અપેક્ષિત કિંમત રૂ 25 લાખથી રૂ. 30 લાખ (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. આ વાહન ચીની ઓટોમોબાઈલ કંપની GWM દ્વારા બનાવવામાં આવે છે. આ SUV ટોયોટા ફોર્ચ્યુનર જેવા વાહનો સાથે સ્પર્ધા કરે છે. આ એવોર્ડ અભિષેક શર્માના કારકિર્દી માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, નવી કાર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઓળખ બની શકે છે.
અહીં તમને બતાવી દઈએ કે, ભારતીય ઓપનર અભિષેક શર્મા, જેમને એશિયા કપ 2025માં મેન ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેમણે 7 મેચની 7 ઇનિંગ્સમાં 44.85ની સરેરાશ અને 200.00ના સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ 314 રન બનાવ્યા હતા. તેમણે આ ટુર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી હતી, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 75 હતો. અભિષેક શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન સામે 3 મેચમાં 110 રન બનાવ્યા હતા. તેમણે UAE સામે 30, પાકિસ્તાન સામે 31, ઓમાન સામે 38, પાકિસ્તાન સામે 74, બાંગ્લાદેશ સામે 75, શ્રીલંકા સામે 61 અને ફાઇનલમાં પાકિસ્તાન સામે 5 રન બનાવ્યા હતા.

