- Tech and Auto
- Bajajની નવી Pulsar N125 લોન્ચ, કિંમત જાણી લો
Bajajની નવી Pulsar N125 લોન્ચ, કિંમત જાણી લો

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ લાંબા સમયની રાહ જોવડાવ્યા પછી આખરે સત્તાવાર રીતે તેની નવી બજાજ પલ્સર N125 સ્થાનિક બજારમાં વેચાણ માટે લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જીનથી સજ્જ આ પોસાય તેવી બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 94,707 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકને સ્પોર્ટી લુક અને ડિઝાઇનની સાથે એડવાન્સ ફીચર્સથી સજ્જ કર્યું છે.
કંપનીએ નવી પલ્સર N125ને શહેરી-કેન્દ્રિત ડિઝાઇન આપી છે, તેને ખાસ કરીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તે શહેરની રાઇડને વધુ સારી બનાવે છે. તેને નેકેડ સ્ટ્રીટ ફાઈટર તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેને ટ્રેન્ડી ગ્રાફિક્સથી સજાવવામાં આવ્યું છે. આ સિવાય, શિલ્પવાળી ફ્યુઅલ ટાંકી અને ફ્લોટિંગ પેનલ્સ આ બાઇકના દેખાવને વધુ સ્પોર્ટી બનાવે છે.
આ બાઇકમાં કંપનીએ 124.58 cc ક્ષમતાનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપ્યું છે. જે 12 PSનો પાવર અને 11 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ બાઇકનો પાવર-ટુ-વેઇટ રેશિયો ઘણો સારો છે. જે બાઈકને ઉત્તમ પ્રવેગ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ બાઇક પલ્સર રેન્જનું પહેલું મોડલ છે, જે ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG) ટેક્નોલોજીથી સજ્જ છે. આ સિસ્ટમ બાઇકને ચુપચાપ ચાલુ કરવાની મંજૂરી આપે છે. તમે હોન્ડા મોટરસાયકલમાં પણ આવી જ ટેક્નોલોજી જોઈ શકો છો.
આ બાઇકનું કુલ વજન 125 કિલો છે અને તેની સીટની ઊંચાઈ 795 mm છે, જે ઓછી ઉંચાઈના લોકો માટે પણ આરામદાયક રાઇડિંગ પોઝિશન આપે છે. આ બાઇકને 198 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે, જે ખરાબ રસ્તાઓ પર પણ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે.
કંપનીએ પલ્સર N125ને બે વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જેમાં LED ડિસ્ક બ્લૂટૂથ અને LED ડિસ્કનો સમાવેશ થાય છે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા છે. જેની મદદથી યુઝર્સ બાઇકને પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. આમાં, કોલ એક્સેપ્ટ/રિજેક્ટ, મિસ્ડ કોલ, મેસેજ એલર્ટ અને ફ્યુઅલ ઇકોનોમી વિશે માહિતી ઉપલબ્ધ થતી હોય છે. બાઇકમાં એક USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે.
કંપનીએ નવી પલ્સરને ઘણા વાઇબ્રન્ટ રંગોમાં રજૂ કરી છે. તેનું LED ડિસ્ક બ્લૂટૂથ વેરિઅન્ટ એબોની બ્લેક અને પર્પલ ફ્યુરી, એબોની બ્લેક અને કોકટેલ વાઇન રેડ, પ્યુટર ગ્રે અને સાઇટ્રસ રશ રંગોમાં આવે છે. જ્યારે LED ડિસ્ક વેરિઅન્ટ પર્લ મેટાલિક વ્હાઇટ, એબોની બ્લેક, કેરેબિયન બ્લુ, કોકટેલ વાઈન રેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.