salil-dalal - (સલિલ દલાલ) - Khabarchhe

દિવ્યા ભારતી... યાદોં મેં બસાયા તુમ કો! (1)
1992ને આમ તો 25 વરસ થયાં છે. છતાં હજી જાણે ગઈકાલની કે બહુ તો ગઈ સાલની જ વાત લાગે છે! એ રવિવારે 26મી જાન્યુઆરીની રજા હતી અને પહેલા વીકમાં જ ફિલ્મ જોઇ કાઢવાની ટેવને લીધે એ સપ્તાહે જ આવેલું ‘વિશ્વાત્મા’ જોવા ગયા હતા. નવી આવેલી અભિનેત્રી દિવ્યા ભારતી ‘વિશ્વાત્મા’થી શરૂઆત કરવાની હતી. પણ એક બીક હતી. તેમાં મલ્ટી સ્ટાર્સની ભીડ હતી અને તેને લીધે એ પોતાની નોંધ લેવડાવી શકશે કે કેમ એ ચિંતા હતી. આમ પણ જ્યાં સની દેઓલ, નસીરુદ્દીન શાહ, ચંકી પાન્ડે, અમરીશ પુરી જેવા અભિનેતાઓ હાજર હોય ત્યાં હીરોઇનને શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાય શું કરવાનું હોય. વળી, અહીં તો બીજી હીરોઇન સોનમ ડાયરેક્ટર રાજીવ રાયની માનીતી જ નહીં પત્ની હતી. સોનમ અને રાજીવ રાય 1991મા પરણી ગયાં હતાં. પણ રાજીવ રાયે કમાલ કરી. તેમણે જો સોનમને ‘ત્રિદેવ’માં ‘ઓયે ઓયે... તિરછી ટોપીવાલે, બાબુ ભોલે ભાલે...” જેવું હીટ ગીત આપ્યું હતું; તો દિવ્યાને પણ ડાન્સનું એવું જ સુપરહીટ ગાયન ‘સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...” આપ્યું.

‘સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...” જેવું શરૂ થયું અને હાઉસફુલ થિયેટરમાં જે તાળીઓ અને સીટીઓ વાગી તે સાંભળીને તમને થાય કે એક સ્ટારનો જન્મ થઈ રહ્યો છે! કારણ કે તેની શરૂઆતમાં આપણા વિજુ શાહનું કમ્પોઝ કરેલું મ્યુઝિક તો જબ્બર મઝા કરાવી જ રહ્યું હતું; પણ દિવ્યા ભારતીની સેક્સી અદાઓને પણ એટલી જ ચિચિયારીઓ મળી રહી હતી. દિવ્યાની એન્ટ્રી એ રીતે ધમાકેદાર રહી. મલ્ટિસ્ટાર ભીડમાં પણ એ બધાની પાછળ પાછળ ચમકી ઉઠી. એ ઓછું હોય એમ તે પછીના શુક્રવારે 31મી જાન્યુઆરીએ દિવ્યાની બીજી ફિલ્મ ‘દિલ કા ક્યા કસૂર’ રિલીઝ થઈ. તેમાં પૃથ્વી નામનો હીરો ઇન્ટ્રોડ્યુસ થતો હતો.  એ પછી લગભગ દર મહિને એકની સરેરાશ સાથે પહેલા જ વર્ષે દિવ્યાની 10 હિન્દી ફિલ્મો આવી! જે માત્ર હિન્દી સિનેમાનો જ નહીં વિશ્વની કોઇપણ ભાષાનો વિક્રમ છે. વિશ્વાસ ના પડતો હોય તો લિસ્ટ જ જોઇ લો.... ફેબ્રુઆરીમાં ‘શોલા ઔર શબનમ’, તે પછીના મહિનાઓમાં ‘જાન સે પ્યારા’, જૂનમાં 26મીએ ‘દીવાના’, સપ્ટેમ્બરમાં 11મીએ ‘બલવાન’ અને 17મીએ ‘દિલ હી તો હૈ’, 2જી ઓક્ટોબરે ‘દુશ્મન ઝમાના’ તથા 23મીએ ‘દિલ આશના હૈ’ અને 20મી નવેમ્બરે ‘ગીત’! જાણે તેના આગમનના એ વર્ષોમાં ધૂંઆધાર બેટિંગ કરતો સચિન તેન્દુલકર હોય એમ, એ વર્ષે 1992મા દિવ્યાનો ટિકિટબારીનું પરફોર્મન્સ પણ રેકોર્ડ કરવાની શક્યતાવાળું હતું. તે સાલની સૌથી વધુ કમાણી કરાવનારી ટોપ ટેન ફિલ્મોમાંની ત્રણમાં દિવ્યા ભારતી હોવાથી કોઇપણ નવોદિત હીરોઇન માટે પુનરાવર્તન કરવું અઘરું પડે એવી એ સિદ્ધિ હતી.

તે સાલ દિવ્યાની સૌથી વધુ વકરો લાવનારી ‘દીવાના’ હતી. મઝા એ હતી કે ટોપ સ્ટારની રેસમાં માધુરી અને શ્રીદેવી વચ્ચે સાવ નવી દિવ્યા ભારતી સેન્ડવિચ હતી. કારણ, ધંધાની રીતે ‘નંબર વન’ સાબિત થયેલી માધુરીની ‘બેટા’ પછીના નંબરે ‘દીવાના’ હતી અને ત્રીજા સ્થાને શ્રીદેવીની ‘ખુદા ગવાહ’ હતી. આમ ક્વૉન્ટિટી અને ક્વોલિટી બન્ને રીતે દિવ્યા લગભગ અવ્વલ હતી. હકીકતમાં તો બોક્સ ઓફિસ છલકાવી દેનારી ‘દીવાના’ માટે એવી જ ઇન્તજારી હતી, જેવી ‘વિશ્વાત્મા’ માટે હતી. કેમ કે દિવ્યાના જૂનમાં આવનારા એ પિક્ચરમાં તેની અને રિશી કપૂરની સામે આવતા ‘નવા છોકરા’ શાહરૂખ ખાનનો એસિડ ટેસ્ટ હતો. એ પિચ્ચરમાં અમારો વિશેષ રસ એક અંગત કારણસર પણ હતો. એ ’90ના દાયકાનાં શરૂઆતનાં વર્ષો હતાં. હજી એક વરસ પહેલાં જૂન ’91માં જ મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવાયા હતા. તેમણે આર્થિક નીતિમાં આમૂલ પરિવર્તન લાવીને બજાર ખુલ્લું કરવા માંડ્યું હતું. તેથી મનોરંજન ક્ષેત્રે પણ ‘ઝી ટીવી’ જેવી ખાનગી ચેનલના ભણકારા વાગી રહ્યા હતા. દૂરદર્શનની મોનોપોલીના એ છેલ્લા દિવસો હતા. દૂરદર્શન પર ‘ચિત્રહાર’ હોય કે ‘વાગલે કી દુનિયા’ કે પછી ક્રિકેટ મેચનું પ્રસારણ અને કોમેન્ટ્રી કે ટેનીસ ટુર્નામેન્ટમાં સ્ટેફી ગ્રાફ તથા મોનિકા સેલેસ જેવી ખૂબસુરત ખેલાડીઓની રમત હોય, મારી ટીવીની કોલમમાં દર અઠવાડિયે તેના રિવ્યૂ કરવાની મઝા અનેરી હતી. તે દિવસોમાં દૂરદર્શનનું નામ કૉલમમાં ‘ડીડી’ને બદલે ‘દીદી’ પાડ્યું હતું.

‘દીદી’ની સારી શ્રેણીઓમાં એક ‘ફૌજી’ પણ હતી. તેમાં ‘બડી’ તરીકે લોકપ્રિય થયેલા એક્ટર શાહરૂખ ખાનના કૉલમમાં વારંવાર વખાણ કર્યાં હતાં. ‘દીવાના’ તેનું એ પહેલું પિક્ચર હતું. જો ટીવીનો એ એક્ટર અરુણ ગોવિલની જેમ સિનેમાના મોટા પડદે રિશી કપૂર જેવા અભિનેતા સામે નહીં જામે, તો ભોંઠા તો નહીં પડાયને? પણ શાહરૂખની એન્ટ્રી ફિલ્મમાં ઇન્ટરવલ પછી થતી હોવા છતાં એ જોરદાર એન્ટ્રી હતી! કોઇ નિરાશ ન થયું. બલ્કે કોઇપણ એમ ન કહી શકે કે આ કોઇ નવોદિતનું પહેલું પિક્ચર હતું. ત્યાં સુધીમાં બહુ ઓછા, બલ્કે નહીંવત્, એક્ટરોએ પોતાના પ્રથમ ચલચિત્રમાં એટલો આત્મવિશ્વાસ બતાવ્યો હતો, જેટલો શાહરૂખે ‘દીવાના’માં બતાવ્યો હતો. શાહરૂખને ‘કોઇ ન કોઇ ચાહિયે, પ્યાર કરને વાલા....’ એ ગીત મોટર સાયકલ પર ગાતો જુઓ અને ‘અંદાઝ’માં ‘ઝિંદગી ઇક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના...’ ગાતા રાજેશ ખન્ના કે પછી ‘મુકદ્દર કા સિકંદર’માં ‘રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જો જાએગા, વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહલાયેગા...’ ગાતા અમિતાભ બચ્ચનની યાદ તાજી થઈ જાય એવું ડાયરેક્ટર રાજ કંવરનું એ પ્રેઝન્ટેશન હતું.

શાહરૂખની જેમ જ રાજ કંવરની પણ ‘દીવાના’ પ્રથમ ફિલ્મ હતી. તે અગાઉ તેમણે સની દેઓલને એક વિશિષ્ટ ઇમેજ આપનારા સુપરહીટ ‘ઘાયલ’માં રાજકુમાર સંતોષીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને તેમાં પડદા ઉપર એ પોતે દેખાયા પણ હતા. ‘દીવાના’ માટે રાજ કંવરે શરૂઆતથી મ્યુઝિકનું અલાયદું બજેટ રાખ્યું હતું. વળી, એક સફળ સ્ટાર રિશી કપૂરને પણ તેમની બજાર કિંમત આપવાની હોઇ તેમને પોતાની પ્રથમ રચના માટે ઓછા ખર્ચે મળે એવા કલાકારો લેવાના હતા અને તેથી શાહરૂખ તથા દિવ્યા બન્ને તેમાં ફીટ બેસતા હતા. રાજ કંવરે ‘દીવાના’માં સંગીતકાર નદીમ-શ્રવણને લઈને અડધો જંગ જીતી લીધો હતો. એ સમય હતો નદીમ-શ્રવણનો સુવર્ણકાળ. માય ગોડ, કેવા કેવા આલબમ અને કેવા કેવા ગીતો! તે પણ કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ વગેરે જેવા ફ્રેશ ગાયકોના અવાજ સાથે? નદીમ – શ્રવણને પોતાની ધૂનો સહેજ ફેરફાર સાથે રિપિટ કરવાનો આક્ષેપ મૂકનારા પણ કાનને રસતરબોળ કરનારી તેમની તર્જોની સર્વોપરિતાને માને છે. ‘દીવાના’માં દિવ્યા ભારતીને ભાગે આવેલાં ગાયનો હોય કે રીશી કપૂરને ફાળે આવેલા અથવા શાહરૂખને મળેલા ગીતો હોય, ક્યાંય મેલડીનો અભાવ નહીં.

દિવ્યા ભારતી સાથેનું રિશી કપૂરનું ગીત ‘પાયલિયા.... તેરી પાયલિયા શોર મચાયે, નીંદ ચુરાયે, હોશ ઉડાયે, મૂજ કો પાસ બુલાએ રબ્બા હો...” તે સમયે લોકપ્રિયતામાં ખાસ્સું આગળ રહ્યું હોય તો તેમાં એ બન્ને એક્ટર્સની ડાન્સની આવડતનો મોટો ફાળો હતો. એ જ રીતે શાહરૂખ જોડેના ગાયન ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં...’ શરૂ થતામાં દિવ્યા કમરના ઠુમકે આખા થિયેટરમાંના સૌને રાજી રાજી કરી દે છે, તેમાં પણ નદીમ-શ્રવણને ફુલ માર્ક્સ આપવા જ પડે. એ ગાયન આજે ‘યુ ટ્યુબ’ પર જોઇએ તો શાહરૂખની બે હાથ પહોળા કરવાની સ્ટાઇલ પહેલી ફિલ્મથી જ પોતે શોધી હતી. એ જ રીતે ગીતકાર સમીરનો ફાળો પણ એટલો જ વિશિષ્ટ હતો. તેમને તે સાલ એ પિક્ચરના ગીત ‘તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈ, અય સનમ હમ તો સિર્ફ તુમ સે પ્યાર કરતે હૈં...” માટે સમીરને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર પુરસ્કારોમાં તે વર્ષે ‘દીવાના’ છવાઇ ગયું હતું. તેમાં નદીમ-શ્રવણ જ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર ઠર્યા. મઝાની વાત એ હતી કે દિવ્યાની એ બ્લોક બસ્ટર ફિલ્મ નદીમ–શ્રવણ માટે તો હેટ્રિક સાબિત થઈ. કેમ કે તે અગાઉનાં બે વર્ષોમાં તેમને ‘આશિકી’ અને ‘સાજન’ માટે સળંગ બે વાર અડોઅડ (બેક ટુ બેક) ‘શ્રેષ્ઠ સંગીત’ના ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ‘દીવાના’ માટે જ દિવ્યા ભારતીને ‘લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યર’નો પુરસ્કાર મળ્યો અને શાહરૂખને ‘બેસ્ટ ડેબ્યુ’ (શ્રેષ્ઠ પ્રારંભ)નો! તે વર્ષે શાહરૂખ સાથેની બીજી એક ફિલ્મ ‘દિલ આશના હૈ’ પણ હતી જેમાં હેમા માલિની પ્રથમ વખત દિગ્દર્શક બન્યાં હતાં. એ રીતે જુઓ તો એ બન્નેની દોસ્તીને સ્ટ્રોંગ કરવી જોઇતી હતી. પરંતુ, શું એવું થયું ખરું? કદાચ ના! કારણ કે શાહરૂખની જીવનકથાનું પુસ્તક કશુંક જુદું જ સૂચવી જાય છે. (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (14)
મધુબાલાના અંતિમ દિવસોમાં, છેલ્લે છેલ્લે તો તેમને કમળો થઈ ગયો હતો. પેટમાં પાણી ભરાઇ રહેવાની તકલીફ –વોટર રિટેન્શન-ને કારણે તેના નિકાલ માટે દવાઓ અને ગોળીઓ અપાતી. એક વાર પેશાબમાં લોહી આવતાં એ ખૂબ ગભરાઇ ગયાં હતાં. તેમનાં બેન મધુરે ‘સિને બ્લિટ્ઝ’ના પેટ્રિક બિશ્વાસને એક ઇન્ટરવ્યૂમાં એ વાત કર્યા પછી કહ્યું કે મધુબાલા રડતાં રડતાં બોલતાં રહેતાં હતાં, ‘મૈં જીના ચાહતી હું અલ્લાહ મૂઝે જીને દો...’ મધુર કહે, ‘તે સમયે મધુબાલાને તમે જુઓ તો તેમને કહેશો કે તમે મારી કોઇ ઓળખીતી વ્યક્તિ જેવા દેખાવ છો!’ એટલું શરીર નબળું પડી ગયું હતું. તેમના યુરિનમાં બ્લડ આવવા માંડ્યું હોવાથી મધુબાલાને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો અંત નજીક હતો. મધુર કહે કે તે દિવસોમાં મધુ આપાએ કહ્યું કે ‘જબ મૂઝે કામ કી સમઝ આઇ, તો ઉપર વાલે ને કહા હૈ, અબ બસ!’’

બાળ કલાકાર ‘બેબી મુમતાઝ’ તરીકે 8-9 વરસની ઉંમરે, એટલે કે સાવ નાનપણમાં સખીઓ સાથે રમવાના દિવસોમાં, કેમેરા સામે અભિનય કરવાનું શરૂ કરીને જાતે જ એક્ટિંગના પાઠ ભણવા પડ્યા હોઇ ‘કામ કી સમઝ’ ધીમે ધીમે જ આવી હતી. તેમના દિગ્દર્શકો હોય કે સાથી કલાકારો એ સૌ પાસેથી એ શીખ્યાં જરૂર હશે; પરંતુ આપ મેળે. એવું અનુમાન લગાવી શકાય કે તેમનું અસાધારણ રૂપ અને સદા ખિલખિલાતું હાસ્ય મધુબાલા માટે પોતાની તાલીમમાં અંતરાયરૂપ બન્યું હશે. જે રીતે તેમની જોડે ફિલ્મો કરનારા પ્રેમનાથ, દિલીપ કુમાર, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, કિશોર કુમાર અને ઇવન શમ્મી કપૂર પણ પ્રણય અને/અથવા લગ્નની સંભાવના ચકાસી ચૂક્યા હતા, તે જોતાં ટ્રેઇનિંગનો મુદ્દો કદી ઉપસ્થિત પણ થયો હશે કે? રૂપના મુદ્દે તેમની સરખામણી હોલિવુડની માદક અભિનેત્રી મેરેલિન મનરો સાથે થતી.

મેરેલિન પણ 36 જ વરસની ઉંમરે અવસાન પામવાને કારણે ઇત્તફાક માત્ર સૌંદર્ય સુધી મર્યાદિત નહોતો. તેમને ચાહનારા પુરુષોની યાદી પણ ક્યાં નાની હતી? એટલી ઉંમરમાં ત્રણ લગ્ન અને અમેરિકાના પ્રમુખ જહોન એફ કેનેડી સહિતના કેટલા તેમના રૂપના દીવાના હતા. તો મધુબાલાના ચાહકોમાં પછીથી પાકિસ્તાનના ધૂંઆધાર નેતા બનેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ હતા. જ્યારે ‘મુગલ-એ-આઝમ’ના ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’નું શૂટિંગ ’50ના દાયકામાં ચાલતું હતું તે દિવસોમાં વકીલ ભુટ્ટો મુંબઈ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા હતા અને કરાંચીથી આવ-જા કરતા હતા. ઓલરેડી બે વખત પરણી ચૂકેલા ઝુલ્ફીકારનું બાન્દ્રામાં ‘માય નેસ્ટ’ નામનું વિશાળ મેન્શન હતું. ફિલ્મના સેટ પર એ મધુબાલાના ગેસ્ટ તરીકે આવતા અને તેથી તેમની અવર-જવરની તે દિવસોના પ્રેસમાં ગંભીર નોંધ લેવાતી હતી. તે મુલાકાતો સામે વાંધા પડ્યા. એ માહિતી નથી મળતી કે સિંધના લારકાના શહેરમાં રહેતી એક ધનપતિની દીકરી એવી તેમની પ્રથમ બીવી શિરિન બેગમના કે પછી કરાચીમાં રહેતાં બીજાં પત્ની ઇરાનિયન લેડી નુસરત બાનુ (બેનઝીર ભુટ્ટોનાં મમ્મી)ના પરિવારોએ તેનો વાંધો લીધો હતો? પણ મુલાકાતો અટકી ગઈ અને ભુટ્ટો વકીલાત છોડીને પાકિસ્તાનના રાજકારણમાં ઉતર્યા પછી તો ’65ના યુદ્ધ વખતે મુંબઈમાંની ભુટ્ટો પરિવારની બધી મિલકતો સરકારે જપ્ત કરી લીધી હતી એ ઇતિહાસની જાણીતી હકીકતો છે.

ભુટ્ટો-મધુબાલાની કથા કેટલું આગળ વધી હોત એ કલ્પનાનો વિષય છે. પરંતુ, મધુબાલા માટે મેરેલિન મનરોની હયાતિમાં જ ઇન્ટરનેશનલ પ્રેસમાં એક સામયિકે શું લખ્યું હતું એ પણ જાણવા જેવું છે. અમેરિકાના ‘થિયેટર આર્ટ્સ’ મેગેઝિનના ઓગસ્ટ 1952ના અંકમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને આવું હેડિંગ કર્યું હતું, ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ફિલ્મ રસિકો જાણે છે એમ, ‘બેવરલી હિલ્સ’ એ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. એ લેખમાં લખ્યું હતું, ‘ભારતની છેલ્લા દસ વર્ષની કથા આ રીતે આલેખી શકાય વિશ્વયુદ્ધ, સિનેમા ઉદ્યોગનો ઉછાળો, સ્વતંત્રતા પ્રાપ્તિ અને મધુબાલા...  તે સૌથી વધુ ફી લેતી સ્ટાર છે... અત્યારે નવ ફિલ્મોમાં એ કામ કરી રહી છે... મધુબાલા માત્ર ઇન્ટેલિજન્ટ નથી, એ દેખાય છે પણ ઇન્ટેલિજન્ટ...  એ એક નજર નાખે છે તો ભારતમાં પુરૂષો સ્ત્રીઓ કરતાં વધારે ચઢિયાતા હોય છે એ માન્યતાનો ભૂક્કો બોલી જાય છે!’

મધુબાલાનાં વખાણ એ ચાર પાનાં સુધી પથરાયેલા લેખમાં થયાં એ એક માત્ર ઇન્ટરનેશનલ પ્રશંસા નહતી. ‘લાઇફ’ જેવા દુનિયાભરના ફોટો જર્નાલિઝમના સૌથી અગ્રેસર અને સ્ટાન્ડર્ડ મેગેઝિને તેમની પરંપરામાં એકાદ બે નહીં 34 બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી. એ ફોટા આજે પણ મધુબાલાનાં વિવિધ સહજ રૂપોને ઉજાગર કરતા રહે છે. તો જેના ઉપરથી રાજ કપૂર અને નરગીસની ‘ચોરી ચોરી’ ફિલ્મ બની હતી તેની ઓરિજિનલ ફિલ્મ ‘ઇટ હેપન્ડ વન નાઇટ’ના વિશ્વ વિખ્યાત ડાયરેક્ટર ફ્રેન્ક કાપ્રાએ તેમની મુંબઈની મુલાકાત વખતે મધુબાલાને હોલિવુડની ફિલ્મમાં લેવાની ઓફર કરી હતી. આવી મોટી સફળતા એક એવી યુવતિની જેને કોઇ નાટકમાં પણ અભિનય કરવાનો અનુભવ નહોતો. છતાં પાત્રના મનોભાવ પડદા ઉપર વ્યક્ત કરવાનું એ જાત મહેનતે શીખ્યાં હતાં. પરંતુ, જેમ મીનાકુમારીએ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ની ‘છોટી બહુ’ના પાત્રને પોતાના અસલ જીવન સાથે જોડીને શરાબને પોતાનો કાયમી સાથીદાર બનાવી દીધો હતો, એ જ કામ મધુબાલા માટે ‘અનારકલી’એ કર્યું. તેમણે પોતાની પ્રેમકથાનો નાયક ન મળવાની પીડાને અંગત જિંદગીમાંથી બહાર નીકળવા જ ન દીધી. એ પણ જાણે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ ની શરૂઆતની પંક્તિઓ જીવતાં હતાં... ‘ઇન્સાન કિસી સે દુનિયા મેં ઇક બાર મોહબ્બત કરતા હૈ, ઇસ દર્દ કો લેકર જિતા હૈ, ઇસ દર્દ કો લેકર મરતા હૈ...!’

બીમારીના છેલ્લા દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઇએ ખબર નહોતી પૂછી. છેલ્લા જન્મદિને 14મી ફેબ્રુઆરી 1969ના દિવસે પત્રકાર રામ ઔરંગાબાદકર ફુલો લઈને ‘એરેબિયન વિલા’ પહોંચ્યા. તેમને આવકારતા પિતા અતાઉલ્લાહે કહ્યું એક સમય એવો હતો જ્યારે આ રૂમ ફૂલોના ગુલદસ્તાઓથી આ દિવસે છલકાઇ જતો હતો. માંદગી દરમિયાન મધુબાલાએ સામે ચાલીને મિત્રોને બોલાવવા માંડ્યા હતા. તેમને પ્રણય અને સૌંદર્યની દેવી  (‘વિનસ ઓફ હિન્દી સિનેમા’) કહીને પોતાના મેગેઝિનમાં કાયમ નવાજનાર ‘ફિલ્મ ઇન્ડિયા’ના પત્રકાર બાબુરાવ પટેલને સંદેશો મોકલ્યો, તો એ દિલ્હી હતા. તેમણે પોતાનાં પત્ની સુશીલા રાણીને મોકલ્યાં. સુશીલાજી એ મહિલા હતાં જેમણે મધુબાલાને ઇંગ્લિશ શીખવ્યું હતું. તેમનો રિપોર્ટ હતો કે બચપણથી એક્ટિંગમાં આવવાને કારણે માંડ માંડ નામનું જ પ્રાથમિક શિક્ષણ મેળવનાર એ છોકરીએ અંગ્રેજી એટલી નિષ્ઠા અને ખંતથી શીખ્યું  કે ટૂંક જ સમયમાં એ બોલતાં તો ઠીક લખતાં અને વાંચતાં પણ શીખી ગઈ હતી! સુશીલા રાણી મધુબાલાને મળવા ગયાં ત્યારે તેમને જોરથી ભેટીને કહ્યું, ‘અંકલને કહેજો કે એક બીમારને જોવાનો ટાઇમ કાઢે...'

પણ બાબુરાવ પટેલ હોય કે કિશોર કુમાર કે પછી પિતા અતાઉલ્લાહ ખાન અને ખાસ કરીને મધુબાલાની મુંબઈમાં સારવાર કરતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જાલ વકીલ સહિતના એ સૌ જાણતા હતા કે હ્રદયમાં છિદ્ર હોય એવા દર્દીનો કોઇ ઇલાજ ત્યાં સુધીમાં શોધાયો નહોતો. હા, અમેરિકામાં ડોક્ટર ક્લેરન્સ વૉલ્ટન જેવા નિષ્ણાત હાર્ટ સર્જન બાળકો પર પ્રયોગો કરી રહ્યા હતા. પહેલી સર્જરી 13 મહિનાના એક બાળક પર સફળ થઈ હતી. પરંતુ, તે પછી એ અગિયાર દિવસ જ જીવતું રહ્યું હતું. તે પછીનાં વર્ષોમાં 44 દર્દીઓ પર ઓપન હાર્ટ સર્જરી કરાઇ અને તે પૈકી 32 બચ્યા હતા. ભારતમાં તેનું આગમન થવાની હજી વાર હતી. (કાશ, એ રિસર્ચ વહેલું આરંભ થયું હોત!) આજે તો ઓપન હાર્ટ સર્જરી ભારતમાં પણ કોમન થઈ ચૂકી છે. મધુબાલાને હતી એ તકલીફ ‘વીએસડી’ (વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ) માટે હવે તો બાળકોની સર્જરી સહિતની સારવારો ઉપલબ્ધ છે. પણ તે દિવસોમાં મધુબાલાના આવી રહેલા મોતની વાસ્તવિકતા સ્વીકારવા સિવાય કોઇ છૂટકો નહોતો. મધુબાલાના કરીબીઓમાં એ જ  સવાલ હતો જે ‘આનંદ’માં અમિતાભ બચ્ચનને અને સૌ પાત્રોને ‘આનંદ’ના મૃત્યુની રાહ જોતાં થતો હતો..... ‘કબ... કબ... કિસ વક્ત?’

છેવટે એ ગોઝારી ઘડી આવી 23મી ફેબ્રુઆરી 1969ના દિવસે. મધુબાલાના 37મા જન્મદિનના 9 જ દિવસ પછી. ઇન્ડસ્ટ્રીમાં ખબર ફેલાઇ અને સૌ પ્રથમ આવી પહોંચ્યાં નરગીસ. પિતા અતાઉલ્લાહ ચોધાર આંસુએ રડતા હતા. પછી તો મીનાકુમારી, આશા પારેખ, માલા સિન્હા, નિમ્મી, પ્રેમનાથ, અશોક કુમાર, સુનિલ દત્ત કે.આસિફ, પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શશિ કપૂર, નૌશાદ વગેરે એક પછી એક સૌ આવ્યા. મધુબાલાને લંડનથી આવ્યા પછી 1960મા જ વિમાનના અવાજોથી દૂર એક ઘર અને નર્સની વ્યવસ્થા કરી આપનાર પતિ કિશોર કુમાર સહિતના બંને પરિવારોના સૌ હાજર હતા. થોડો સમય એ ચર્ચા ચાલી કે એક અખંડ સૌભાગ્યવતીની જેમ શણગારીને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા કે દફન વિધિ કરવો? પરંતુ, તત્કાળ સ્વાભાવિક નિર્ણય લેવાયો કે જુહુ ગાર્ડન સામેના કબ્રસ્તાનમાં દફનાવવાં. જનાજાને ઉંચકનારાઓમાં સૌથી મોખરે કિશોર કુમાર હતા. દિલીપ કુમાર ‘ગોપી’ ફિલ્મના શૂટિંગમાં મદ્રાસ હતા. તેથી ફરી એકવાર ‘મુગલ-એ-આઝમ’ની પંક્તિઓ યાદ આવતી હતી... ‘ઉઠે જનાજા જો કલ હમારા, કસમ હૈ તુમ કો ન દેના કાંધા... ન હો મોહબ્બત હમારી રુસ્વા યે આંસુઓં કા પયામ લે લો... તુમ્હારી દુનિયા સે જા રહે હૈં ઉઠો હમારા સલામ લે લો’ કબ્રસ્તાનમાં હાજર સૌની આંખ ભીની હતી. 36 વરસ કોઇ મરવાની ઉંમર નહોતી. એક અતિ ખૂબસૂરત બદન માટીમાં મળી ગયું હતું. મધુબાલાને પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં દિલીપ કુમારને મળવાની ખુબ તમન્ના હતી. શું દિલીપ કુમાર પણ નાદીરાની માફક જાણી જોઇને નહીં ગયા હોય? નાદીરાજીએ કહ્યું હતું કે મધુને જે ખૂબસુરતીમાં તેમણે જોઇ હતી એ ચહેરાને પોતાની સ્મૃતિમાં એવોને એવો રાખવા પોતે અંતિમ દર્શન કરવા કે બીમારીમાં ખબર કાઢવા ગયાં નહોતાં.

દિલીપ સા’બ પણ એ અથવા અન્ય કોઇ કારણસર ના આવ્યા તે ના જ આવ્યા. દફનવિધિના બીજા દિવસે તે પ્લેનમાં મદ્રાસથી આવી પહોંચ્યા. કબર પર ફૂલ ચઢાવીને દુઆ કરી. મૃત્યુ પછીના દિવસોમાં શોકને કારણે મધુબાલાને ત્યાં  જમવાનું બનતું નહોતું; ત્યારે પરંપરા અનુસાર ત્રણ દિવસ સુધી દિલીપ કુમારના બંગલેથી જમવાનું ગયું. મધુબાલાનાં બેન મધુરના કહેવા પ્રમાણે તો ‘69મા દીદીના થયેલા ઇન્તકાલ પછી ‘કિશોર ભૈયા’ 1987મા અવસાન પામ્યા ત્યાં સુધીમાં  કદી મધુબાલાના કુટુંબને મળવા આવ્યા નહોતા. પરિવારે મજાર આરસપહાણની બનાવડાવી અને તેના પર કુરાનની આયાતો લખાવી. મધુબાલાની 75મી જન્મજયંતિ નિમિત્તે 2008માં ભારત સરકારે પાંચ રૂપિયાની સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડીને એ અદભૂત કલાધારિત્રીનું રાષ્ટ્રિય સન્માન કર્યું હતું. તેમની મજાર પર કુટુંબીજનો અને ચાહકો દર સાલ ફેબ્રુઆરીમાં પુષ્પાંજલિ કરતા.પરંતુ, અચાનક એક ખાસ કારણસર 2010મા એ બંધ થઈ ગયું.

તે સાલ મધુબાલાના જન્મના મહિના ફેબ્રુઆરીની બીજી તારીખે આમીર ખાનના પિતાજી તાહિર હુસૈનનો ઇન્તકાલ થતાં તેમનો દફનવિધિ જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં કરવાનો થયો. તે પછી અખબારોના અહેવાલોથી ખબર પડી કે ત્યાં મધુબાલા સહિતના 21 કલાકારોની કબરો કબ્રસ્તાનના વહીવટદારોએ ખોદી કઢાવી હતી! તેમાં મધુબાલા ઉપરાંત મોહંમદ રફી, નૌશાદ, સાહિર લુધિયાનવી, જાં નિસાર અખ્તર, અલી સરદાર જાફરી, તલત મેહમૂદ અને પરવીન બાબી જેવા બધાની મજાર, તેમનાં સગાં-સંબંધીઓને કોઇ જાણ કર્યા વગર ઉખાડી નંખાઇ હતી.  પરંતુ, એમ કબર ઉખાડી નાખે મધુબાલાની (કે કોઇપણ આર્ટિસ્ટની) સ્મૃતિઓ ક્યાં ભૂસાવાની હતી? મધુબાલા તો ઓરિજિનલ ‘બ્યુટી ક્વિન’ અને તેનાથી પણ વધુ તો ‘ક્વિન ઓફ હાર્ટ’ એટલે કે પ્રેક્ષકોના હૈયાની રાણી! એટલે જ તો, મધુબાલાની યાદનાં આંસુમાં પણ સૌંદર્ય અને પ્રેમની દેવી ‘વિનસ’ તેમની જ ખૂબસુરતીથી ઝળકે છે. શૂન્ય પાલનપુરીના શબ્દોમાં કહીએ તો,

‘અજાણે પણ કલાકારો અંતરછાપ પાડે છે,

પડે છે અશ્રુઓ જ્યાં જ્યાં ઊઠે છે દિલની તસવીરો...’

મધુબાલાનું અંગત જીવન તેમના (શારીરિક રીતે પણ!) તૂટેલા હ્રદયની કરુણ દાસ્તાનથી છલોછલ હતું, જે કોઇપણ સહ્રદયી વ્યક્તિને લાગણીશીલ કરી દે. પરંતુ, એ જ હકીકતને બીજી રીતે જોઇએ તો, ‘ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં...’ની મધુબાલાથી વધારે મોટી કઈ મિસાલ હોઇ શકે? એટલે જ તો એ કહ્યાગરી દીકરીની કબરમાં તેને ખૂબ ગમતા અત્તરની બૉટલ મૂકવાનું પોતે ભૂલી ગયાનો અફસોસ અબ્બાજાન અતાઉલ્લાહને પોતે જીવ્યા ત્યાં સુધી રહ્યો. આપણે સૌ સિનેમાપ્રેમીઓ માટે તો એ ‘વેલેન્ટાઇન ડે’ના શુભ જોગે જન્મેલી હુસ્નની પરી હતી. પરંતુ, પિતાની ખુશી માટે પોતાના સાચા પ્રેમની પણ બલિ ચઢાવી દીધી એ મધુબાલા માટે વાત્સલ્યસભર કોઇપણ પપ્પા કહેશે, એ પણ હતી એક ‘દીકરી વહાલનો દરિયો’!

આમીન.

(મધુબાલાને ‘મુગલ-એ-આઝમ’નું પેલું ગીત યાદ આવતું હશે... ‘હમેં કાશ તુમ સે મોહબ્બત ન હોતી, કહાની હમારી હકીકત ન હોતી...’)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસ કી... (13)
મધુબાલાને મળવા દિલીપ કુમાર ‘એરિબિયન વિલા’ પર આવ્યા તે વર્ષ 1966નું હતું. મજાની વાત એ છે કે ‘66માં જ તેમની શાદી સાઇરાબાનુ સાથે થઇ હતી. એ મુલાકાતની થોડીક વિગતો મધુબાલાના જીવન વિશેના પુસ્તક ‘મધુબાલા- હર લાઇફ હર ફિલ્મ્સ’નાં લેખિકા ખતીજા અકબરે આપેલી છે. દિલીપ કુમારે પણ 2014મા પ્રસિદ્ધ થયેલી પોતાની આત્મકથામાં એ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે, પણ તેમની આગવી રીતે. દિલીપ કુમારની આત્મકથાના 17 વરસ પહેલાં 1997માં પ્રગટ થયેલી અને તે સમયે મીડિયામાં ખૂબ ચર્ચાયેલી વિગતોમાં ખતીજા લખે છે કે દિલીપ કુમાર મળ્યા ત્યારે મધુબાલા બે મહિનાથી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યાં નહોતાં. દિલીપ સા’બને એ પુસ્તકમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ‘એ સમયે પણ તે એટલી જ આકર્ષક લાગી રહી હતી...’ જ્યારે દિલીપ કુમાર પોતાની આત્મકથામાં એ મુલાકાતનો ઉલ્લેખ સાઇરાજીના ઉમદા સ્વભાવના ઉદાહરણ તરીકે કરે છે.

સાઇરાબાનુ સાથે 11મી ઓક્ટોબર, 1966ના રોજ શાદી થયા પછી પતિ-પત્ની થોડોક સમય મદ્રાસ રહેવા ગયાં હતાં. ત્યાં એક દિવસ મધુબાલાનો મેસેજ આવ્યો કે તે દિલીપ સા’બને તાત્કાલિક મળવા માગે છે. તેમણે સાઇરાજીને પૂછ્યું અને એ નવી પરણેલી દુલ્હન હોવા છતાં તરત જ મંજૂરી આપી દીધી. દિલીપ કુમાર જ્યારે મળ્યા ત્યારે તેમને લગ્નના અભિનંદન આપતાં મધુબાલાએ કહ્યું કે ‘હમારે શેહજાદે કો ઉનકી શેહજાદી મિલ ગઈ… મૈં બહુત ખુશ હું...’ દિલીપ કુમાર તેમની આત્મકથામાં એ મુલાકાતની વધુ વિગતો નથી આપતા. એ સ્વાભાવિક પણ છે. તેમણે કોઇનું (એટલે કે કિશોર કુમારનું?) નામ પાડ્યા વગર કહ્યું છે કે ‘તે  (મધુબાલા) કેટલીક અંગત બાબતોથી ચિંતિત હતી. તેમાં તેને મારી સલાહની જરૂર હતી અને એ થોડી-ઘણી સંતુષ્ટ ન થઈ ત્યાં સુધી અમે ચર્ચાઓ કરી.’

એ જ મુલાકાત અંગે ખતીજા અકબરે પોતાના પુસ્તકમાં દિલીપ કુમારને એક વચન આપતા પણ ટાંક્યા છે. તે અનુસાર, એ વખતે મધુબાલાએ એક એવો સવાલ કર્યો હતો, જેનાથી એ પોતાના સ્વાસ્થ્ય માટે કેટલાં આશાવાદી હતાં, એ પણ સમજાય છે. પુસ્તકમાં દિલીપ કુમાર કહે છે, ‘તેણે જ્યારે મને એમ પૂછ્યું કે જ્યારે હું પૂરેપૂરી સાજી થઈ જઈશ, ત્યારે મારી સાથે એક ફિલ્મ કરશો ને? ત્યારે હું બહુ જ દુઃખી થયો. મેં તેને કહ્યું કે તું સાજી થઈ જ રહી છું. તું સરસ રીતે સાજી થઈ જા હું તારી સાથે એક ફિલ્મ ચોક્કસ કરીશ...’  એ બંનેની મુલાકાત વખતે મધુબાલાને શું પેલો તમાચો યાદ આવ્યો હશે, જે દિલીપ કુમારે ‘મુગલ-એ-આઝમ’ના શૂટિંગમાં સાચેસાચ જ મારી દીધો હતો? એ પ્રસંગ પણ બહુ જાણીતો જ છે કે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ એ ગાયન પહેલાં દરબારમાંના તેના નૃત્ય માટે તૈયાર થતી અનારકલીને ગુસ્સામાં સલીમ ખખડાવે છે અને પછી એક લાફો ચોડી દે છે. એ દૃશ્ય એવા સમયે શૂટ થતું હતું જ્યારે મધુબાલાના તેમના હીરો સાથે અબોલા ચાલતા હતા. દિલીપ કુમારે પોતાના ડાયલોગને ધીમે તાપે ચઢતા મરચાંના વઘારની માફક ઊંચા સ્વર ભણી લઈ જતાં કહ્યું, ‘...અકબર કી બુઝદિલ લૌંડી, તુ સલીમ કી મેહબૂબા નહીં... તુ એક ઝુઠી કસમ થી જો મેરા ઇમાન બદલ ગઈ.... એક શર્મનાક બદનામી કા વો દાગ જો મેરે દામન પર લગા ઔર ધૂલ ગયા...’ અને પછી મારે છે અનારકલીને એક જોરદાર થપ્પડ!

મધુબાલાને દિલીપ કુમારે મારેલો એ તમાચો, ફિલ્મ જોતાં સમજાય એમ છે કે, ખરેખર તો અવળા હાથની અડબોથ હતી. એવા અભિનયમાં ટાઇમિંગની ભૂલ થઈ જાય તો સીન તો વાસ્તવિક લાગે, પણ શૂટિંગ રખડી જાય. અહીં પણ બીક એવી જ હતી. મધુબાલાના અત્યંત નાજુક ચહેરા ઉપર પેશાવરી પઠાણ એવા દિલીપ કુમારના અવળા હાથની અડબોથ પડતાં મધુબાલા નારાજ થઈ ગયાં. ખાસ કરીને એ સંજોગોમાં જ્યારે બંને વચ્ચે ઝગડો થયેલો હતો. ફિલ્મ જે મંથર ગતિએ આગળ વધતું હતું એ જોતાં જો મધુબાલા તેને વિલંબમાં પાડે તો કોઇને અચરજ તો ન થાય, પણ કોઇને પોસાય પણ નહીં.... ખાસ કરીને દિગ્દર્શકને. મૌકે કી નજાકત કો દેખતે હુએ, કે.આસિફે મધુબાલાને સમજાવતાં કહ્યું કે દિલીપ કુમાર સાથે ભલે તારે સંબંધ તૂટી ગયો છે. પણ તું એ જો કે તેની સાથે તું નથી બોલતી તેનાથી એ કેટલો અકળાયેલો છે? તારા પ્રત્યેના તેના પ્રેમની આનાથી વધારે મોટી સાબિતી કઈ હોઇ શકે છે?

કે. આસિફની એ દલીલ અંગત સંબંધોમાં એવી તો અસરકારક છે કે ‘કભી ખુશી કભી ગમ’માં કરણ જોહરે પણ રિતિક રોશનના મુખે એવો જ સંવાદ બોલાવ્યો હતો, યાદ છે ને? જ્યારે પિતા અમિતાભ સમક્ષ એ શાહરૂખને માફ કરવાની દલીલ કરતો હોય છે, ત્યારે છેલ્લે એમ કહી દે છે કે ‘ઇશ્વરને આપકો સબ કુછ દિયા, ડૅડ.... કાશ, એક દિલ ભી દિયા હોતા...’ અને ગુસ્સામાં બચ્ચન પોતાના માનેલા પુત્ર માટે પ્રેમ નથી એ મ્હેણું ન સાંભળી શકતાં સગા દીકરાને એક થપ્પડ મારી દે છે? તે પછી આંસુ મિશ્રિત મુસ્કાન સાથે રિતિક કહે છે, ‘બહોત પ્યાર કરતે હૈં આપ ઉસ સે.... મૂઝે મેરા જવાબ મિલ ગયા.... બહોત પ્યાર કરતે હૈં આપ ઉસ સે....”  કે. આસિફની સમજાવટના એ અમર શબ્દોની કેવી અસર થઈ તેનો પુરાવો મધુબાલાની તે થપ્પડ પછીની એક્ટિંગમાં જોઇ શકાય છે. મધુબાલાએ તે ધોલ ખાધા પછી જાણે કે કશુંક નક્કી કર્યું હોય એવો અભિનય કરવામાં કેવી બારીકીઓ દેખાડી છે? જે લોકો તે અભિનેત્રીને માત્ર રૂપનો કટકો ગણતા હોય એવા સૌએ ‘પ્યાર કિયા તો ડરના ક્યા....’ એ ગાયન શરૂ થતા અગાઉના આ દૃશ્યની છેલ્લી ફ્રેમોમાં થપ્પડ ખાવા છતાં મધુબાલા અર્થપૂર્ણ છતાં બિલકુલ હળવી મુસ્કુરાહટ સાથે સીન પૂરો કરે છે, એ જોવું. તેને લીધે જ મધુબાલાના સુક્ષ્મ અભિનય (સટલ એક્ટિંગ)નો એ અમારો સૌથી પ્રિય સીન છે.

એટલે મધુબાલાને જ્યારે દિલીપ કુમાર મળ્યા, ત્યારે બેઉને ‘મુગલ-એ-આઝમ’ની કંઇ કેટલીય યાદો તાજી થઈ હશે. પરંતુ, સાથે સાથે પોતાની એક સમયની પ્રિયતમા પોતાના પિયરમાં એકાંત ઓરડામાં મોતનો ઇન્તેજાર કરી રહી હતી તેનો પણ દિલીપ કુમારને અહેસાસ થયો હશે. દિલીપ સા’બ તે દિવસે એ ખૂબસૂરત વ્યક્તિને મળ્યા હતા જેને રૂદિયાની રાણી બનાવવા, તેની સાથેની શાદીની રીતસરની દરખાસ્ત મૂકવા, એક વાર પોતાનાં સૌથી મોટાં બેનને તેને ત્યાં મોકલ્યાં હતાં. સામે પક્ષે કન્યાના પિતા અતાઉલ્લાહ ખાને પોતાની શરતો ન મનાય તો ઇનકાર કરતાં દિલીપ કુમાર જેવા તે સમયના સૌથી લાયક મુરતિયા (મોસ્ટ એલિજિબલ બેચલર) માટે નન્નો સાંભળવાનું અપમાન પણ મોટીબેન (બડી આપા)ને સહન કરવું પડ્યું હતું. એ ભૂલાય એવા પ્રસંગો ન હતા. એ બધાથી મોટી તકલીફની વાત એ હતી કે પોતાની સાથેની દરખાસ્તને છોડીને રિબાઉન્સમાં જેની સાથે લગ્ન કર્યાં હતાં તેની સાથે પણ એ ખુશ નહોતી. બલ્કે આખો ફિલ્મ ઉદ્યોગ એ વાતે એકમત હતો કે કિશોર કુમાર સાથેનાં લગ્ન એક ‘મિસ મૅચ’નો (ગામઠી ગુજરાતીમાં કહીએ તો ‘કજોડા’નો) કિસ્સો હતો. બંને અલગ અલગ રીતે સરસ કલાકારો પણ એક દંપતિ તરીકે ‘મિસમૅચ’!

કિશોર કુમારનાં મુસ્લિમ મધુબાલા સાથેનાં લગ્ન અને તેમણે ઇસ્લામ અંગીકાર કર્યાની વાતોથી તેમની વિરુદ્ધમાં ઘણા બંગાળી કલાકારો હતા. એ શાદી પછી મ્યુઝિક ડિરેક્ટર એસ.ડી. બર્મને કિશોર કુમારને ખાસા સમય સુધી પોતાના સંગીતમાં ગવડાવવાનું બંધ કરી દીધું હતું. તે એટલે સુધી કે જે એક્ટર માટે સચિન દા તેમના અવાજનો ઘણીવાર ઉપયોગ કરતા તે દેવ આનંદ માટે પણ કિશોર કુમારને બદલે રફી સાહેબ કે અન્ય પુરૂષ ગાયકો પાસે ગાયનો ગવડાવતા. કિશોર કુમારનાં મધુબાલા સાથેનાં 1960ના લગ્ન પછી આવેલી દેવ સાહેબની આટલી ફિલ્મોમાં એસ.ડી. બર્મનનું સંગીત હોવા છતાં કિશોર કુમારનું પ્લેબેક એક પણ ગાયન માટે નહોતું..... ‘કાલા બાઝાર’, ‘મંઝિલ’, ‘બાત એક રાત કી’, ‘એક કે બાદ એક’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઈ કા બાબુ’! આમ પોતાની કરિયર ઊંચે જવાને બદલે, જ્યાં હતી ત્યાંથી પણ નીચે ઉતરી રહ્યાની ચિંતાને લીધે પણ કિશોર કુમાર અલગ રહેવાનું ઉચિત માનતા થયા હોય. તેમણે પત્નીને પિયરમાં મોકલી દેવાનું એક કારણ એ કહેલું છે કે તેમના પોતાના ઘર પરથી પસાર થતાં વિમાનોના અવાજથી મધુબાલા વિચલિત થઈ જતાં હોવાથી એમ કરવું પડ્યું હતું. જ્યારે મધુબાલાના નૌશાદ જેવા કરીબી હિતેચ્છુ તેમની સમક્ષ થયેલી કિશોર કુમારના વર્તનની ફરિયાદોના હવાલા આપતા હતા.

નૌશાદને ત્યાં આવતા એક ફકીરને ખાસ મળવા ગયેલાં મધુબાલાએ પોતાના જીવનમાં શાંતિ માટે દુઆ માગવા કહ્યું હતું. નૌશાદના કહેવા મુજબ તો તેમણે મધુબાલાને કિશોર કુમારથી અલગ થઈ જવા (તલાક લેવા)નું સૂચન પણ કર્યું હતું. પરંતુ, જવાબમાં મધુબાલાએ મોઇન એહસાન જઝ્બીનો આ શેર કહ્યો હતો,

‘જબ કશ્તિ સાબિત-ઓ-સાલિમ થી,

સાહિલ કી તમન્ના કિસ કો થી?

અબ ઐસી શિકસ્તા કશ્તિ મેં,

સાહિલ કી તમન્ના કૌન કરે?’

એ રીતે હિંમત હારી જવા પાછળ મધુબાલાની જીવનદૃષ્ટિ ખોટી સાબિત થયાનો અફસોસ પણ હતો. તેમણે એ દિવસોમાં સતત એ ફરિયાદ કરી હતી કે મને તો નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે સારાં કર્મોનો બદલો હંમેશાં સારો જ મળે છે. તો પછી મારે શા માટે આ બધી તકલીફો વેઠવી પડે છે? તેમની એ કાયમની પ્રથા હતી કે જ્યારે પણ પોતાની ફિલ્મનું તમામ શૂટિંગ પતી જાય, ત્યારે છેલ્લા દિવસે યુનિટના નાના-મોટા સૌ માટે તેમના તરફથી મીઠાઇ વહેંચવામાં આવતી. એ જ રીતે જાહેર દાનમાં પણ તે કદી ઇનકાર ન કરે. એક દાખલો બહુ જાણીતો છે. જ્યારે દેશ આઝાદ થયો અને ભાગલાને કારણે અત્યારના બાંગ્લાદેશમાંથી, એટલે કે તે વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી, ત્યાં ચાલતી કત્લેઆમથી ત્રાસીને ભાગી આવેલા, મુખ્યત્વે હિન્દુ શરણાર્થીઓ માટેના ફાળામાં રૂપિયા 50,000/-નો ફાળો આપવા મધુબાલા તે વખતના મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન મોરારજી દેસાઇની ઓફિસે ગયાં હતાં. તે વખતે શરૂઆતમાં અક્કડ લાગતા મોરારજીભાઇ એવડી મોટી રકમનો ચેક એક ફિલ્મ કલાકાર તરફથી જોઇ એટલા પ્રભાવિત થયા હતા કે દરવાજા સુધી મૂકવા આવ્યા હતા. એટલું જ નહીં, મધુબાલાને તેના થોડાક દિવસ પછી ટપાલમાં મોરારજીભાઇનો પ્રશંસા-પત્ર પણ મળ્યો હતો. એવાં સત્કાર્યો સતત કર્યાં હોય, કદી કોઇ સાથી કલાકારની ટીકા-ટીપ્પણી નહીં. એકવાર હસવાનું શરૂ કરે તો રોકાય જ નહીં એવું ખળખળ વહેતા ઝરણા જેવું વ્યક્તિત્વ આખી જિંદગી રાખનારને દેખીતા કશા વાંક-ગુના વિના વરસો સુધી મૃત્યુની રાહ જોતા એક ઘરમાં પુરાઇ રહેવાનું? તેમના અંતિમ દિવસોની સ્થિતિ વર્ણવતાં બેન શાહિદા કહે છે કે છેલ્લે છેલ્લે મધુબાલા એમ જ કહેતાં હતાં કે, ‘મુઝે મરના નહીં હૈ.... મુઝે જીના હૈ...’ (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (12)
મધુબાલા અને કિશોરકુમારના દામ્પત્ય જીવનમાં મતભેદ હતા, તેની ગવાહી સંગીતકાર નૌશાદે પૂરેલી છે. તેમણે ‘શો ટાઇમ’ મેગેઝિનમાં કહ્યું હતું કે પોતાની સમક્ષ મધુબાલાએ શારીરિક ત્રાસ અપાયાની વાત કરી હતી. એ જ રીતે મધુબાલાનાં બેન મધુરે પણ કહ્યું છે કે લંડનથી આવ્યા પછી બે જ મહિનામાં કિશોર કુમાર પત્નીને તેને પિયર એટલે કે ‘એરેબિયન વિલા’ બંગલામાં મૂકી આવ્યા હતા. કિશોર’દાનો મજાકિયો સ્વભાવ સંવનનના પ્રારંભિક કાળમાં કદાચ ગમતો હતો અને પછીથી ‘જે પોષતું તે મારતું’ એ  કુદરતી ક્રમ બન્યો હોય એમ એ જ હળવો સ્વભાવ અભાવનું કારણ બન્યો હોય. કિશોર’દા તે સમયે પોતાની કરિયરના સંઘર્ષમાં હતા અને બીમાર મધુબાલા માટે સમય ફાળવી શકે એમ નહોતા તેથી એમ કર્યું હશે? તેમના લગ્નના શરૂઆતના દિવસોમાં તો કિશોર કુમાર અને મધુબાલા બંનેને સમજુ સાથીદારની જરૂર હતી. મધુબાલા માટે કરિયરની રીતે એક મોટો આઘાત એ પણ હતો કે જે ભૂમિકામાં રીતસર પોતાની જાનની બાજી લગાવી દીધી હતી, એ ‘અનારકલી’ના રોલ માટે તે સાલનો ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ‘ફિલ્મફેર’ એવોર્ડ ના મળ્યો!

‘અનારકલી’ તરીકેનો મધુબાલાનો અભિનય આજે પણ અજોડ છે અને છતાં તે સાલ એ એવોર્ડ અપાયો કોને અપાયો હતો, જાણો છો? બીના રાયને તેમના ‘ઘૂંઘટ’ ફિલ્મમાંના રોલ માટે. તે સાલ જાણે કે ‘મુગલ-એ-આઝમ’ની અપ્રતિમ સફળતાને નજર અંદાજ કરવાનું નક્કી થયેલું હોય એમ ‘બેસ્ટ એક્ટર’નો પુરસ્કાર પણ એ ફિલ્મને  ના મળ્યો. અલબત્ત વિજેતા તો દિલીપ કુમાર જ હતા... પણ તેમની અન્ય ફિલ્મ ‘કોહિનૂર’ માટે! તો ‘અકબર’ની શહેનશાહી શાનોશૌકતને પડદા પર પોતાની ચાલ અને સંવાદોની અદાયગીથી દબદબાભેર પ્રસ્તુત કરનાર પૃથ્વીરાજ કપૂરને ‘સહાયક અભિનેતા’ તરીકે એવોર્ડ તો ઠીક નોમિનેશન પણ ન મળ્યું. (અત્યારના જેવો સમજદાર સમય હોત તો તેમને ‘બેસ્ટ એક્ટર’ જ જાહેર કરત, કારણ વાર્તા તો અકબરના ‘પોઇન્ટ ઓફ વ્યૂ’થી કહેવાઇ છે ને?) એ કેટેગરીમાં ‘ઘૂંઘટ’ માટે કોમેડિયન આગા પણ હતા, પરંતુ, ‘આલમપનાહ ઝિલ્લેઇલાહી જલાલુદ્દીન મોહમ્મદ અકબર’ ક્યાંય નહોતા. તે ભૂમિકા અદા કરવા માટે ઔલાદની મન્નત માગવા જતા બાદશાહ તરીકે ઉઘાડા પગે બળબળતા બપોરે રેતીમાં પૃથ્વીરાજ કપૂર ચાલ્યા હતા. એ સીન આજે પણ યુ ટ્યુબ’ પર જુઓ તો પાપાજીનો પડછાયો તદ્દન નાનો જોઇ શકાય છે. એ સીનમાં પોતાના એ મહાન એક્ટરને સાથ આપવા ડાયરેક્ટર કે. આસિફ પણ એ ધીખતી રેતીમાં  કેમેરામેનની પાછળ જ ‘નંગે પૈર’ ચાલ્યા હતા. એટલું જ નહીં, પૃથ્વીરાજજી જેવા જ ફોલ્લા પોતાના પગે પણ પડવા દીધા હતા! આ બધી વાતો તે વખતે આખું વરસ ચર્ચાઇ જ હતી.

તેમ છતાં વરસના અંતે પુરસ્કારોનો નિર્ણય લેવાયો ત્યારે પૃથ્વીરાજ કપૂર તો ઠીક પોતાના આ ઐતિહાસિક પ્રોજેક્ટને એટલી ખૂબસૂરતીથી પૂર્ણ કરવા દસ વરસ મહેનત કરનાર ખુદ કે. આસિફ પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ ના ઠર્યા. શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ નૌશાદને ન મળ્યો. ગીતકાર તરીકે શકીલ બદાયૂનિ પસંદ થયા, ‘ચૌદહવીં કા ચાંદ’ના ટાઇટલ ગીત માટે. એ વાત ખરી કે કોઇ હસીનાના રૂપ માટે શકીલ સા’બે પ્રયોજેલી એ કલ્પના અજોડ હતી. (પૂનમનો નહીં પણ સુદ ચૌદસના ચંદ્ર જેવો ચહેરો!) પણ ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ જેવી યુગપ્રવર્તક રચનાની સાથે તેમના બીજા કોઇ ગાયનને સરખાવી પણ ન શકાય. સહાયક અભિનેત્રી તરીકે ‘મહારાણી જોધાબાઇ’નો ઠસ્સો પડદા ઉપર પૂરી જાહોજલાલી સાથે પ્રસ્તુત કરનાર દુર્ગા ખોટે પુરસ્કારને લાયક ત્રણ ઉમેદવારોમાં પણ નહોતાં. એવું પણ નહોતું કે માત્ર નંદા અને કુમકુમ જેવી યુવા અભિનેત્રીઓ જ એ કેટેગરીમાં હતી. ત્યાં લલિતા પવારનું પણ નામ હતું. પરંતુ, દુર્ગાજી નહોતાં. હા, સંવાદો માટે એ ફિલ્મ જરૂર પસંદ થઈ હતી, પણ વિવાદ વગર નહીં. ‘મુગલ-એ-આઝમ’ના ડાયલોગ ચાર લેખકોની મહેનતનું પરિણામ હતા. હવે ટ્રોફી એક જ હતી. તેથી આસિફને કહેવામાં આવ્યું કે તે ફિલ્મના સંવાદો લખનારા કમાલ અમરોહી, વજાહત મિર્ઝા, એહસાન રિઝવી અને અમાન સાહેબ (અમાનુલ્લાહ ખાન, એટલે કે ઝિન્નત અમાનના પિતાજી) પૈકીના જેનું પ્રદાન સૌથી વધુ હોય તેનું નામ કહે. તેમને ટ્રોફી આપીશું. આ એ સમયની વાત છે, જ્યારે વિજેતાઓની યાદી અગાઉ પ્રસિદ્ધ થતી અને સમારંભ પછીથી યોજાતો. એવોર્ડ ફંક્શનમાં જ વિનરની ઘોષણા કરવાની ‘ઓસ્કાર’ પ્રથા હજી શરૂ થઈ નહતી. નેચરલી, કે. આસિફે પોતાના કોઇ લેખકનું નામ ન દીધું. તેમની દલીલ હતી કે પુરસ્કાર આપવો હોય તો તમામ રાઇટર્સને આપવા ચાર ટ્રોફી બનાવો. આસિફે તો પોતાને ‘બેસ્ટ પિક્ચર’ માટે મળેલો એવોર્ડ પણ સ્વીકારવાની ના પાડી હતી... પૂરા લોજિક સાથે.

તેમનું કહેવું હતું કે જો મધુબાલા ‘અનારકલી’ તરીકે એવોર્ડને લાયક ન હોય, દિલીપ કુમાર, પૃથ્વીરાજ કપૂર, દુર્ગા ખોટે તેમના અભિનય માટે પુરસ્કૃત ન થતા હોય, ફિલ્મનું ગીત-સંગીત શ્રેષ્ઠ ન હોય કે ડાયરેક્શન પણ સર્વોચ્ચ ન હોય તો મારી ફિલ્મ ‘બેસ્ટ’ કેવી રીતે કહેવાય? ગમ્મતની વાત એ હતી કે તે સાલ ‘બેસ્ટ આર્ટ ડિરેક્ટર’ની ટ્રોફી ‘ચૌદહવીં કા ચાંદ’ને અપાઇ, જેના સેટ માટેનો સામાન આસિફે ભલમનસાઇથી સાથી સર્જક ગુરૂ દત્તને ‘મુગલ-એ-આઝમ’ના સેટમાંથી કાઢી આપ્યો હતો! તેમણે કાઢી આપેલા પીલર અને ફર્નિચર જેવા થોડાક સામાન મુસ્લિમ સોશ્યલ ફિલ્મના ઓથેન્ટિક સેટ ગણાયા અને આખા મોગલ કાળને આટલી ભવ્યતાથી પેશ કરનાર આર્ટ ડિરેક્ટર (સૈયદ સા’બ) ગણતરીમાં પણ ન લેવાયા! શું કે. આસિફની ફિલ્મ અપ્રતિમ બિઝનેસ કરતી હતી એ તેનો ગુનો હતો? ફિલ્મ રસિકો જાણે છે એમ, ‘મુગલ-એ-આઝમ’ના કલેક્શનનો રેકોર્ડ સળંગ પંદર વરસ સુધી કોઇ પિક્ચર તોડી શક્યું નહોતું. ઠેઠ 1975મા ‘શોલે’ આવ્યું ત્યારે નવો વિક્રમ બન્યો હતો. ‘શોલે’ને પણ એક માત્ર ‘બેસ્ટ એડિટીંગ’ સિવાય  ક્યાં કોઇ એવોર્ડ મળ્યા હતા? (આ તો એવી વાત હતી જાણે કે પ્રિય અશ્વિની ભટ્ટ્ને કે પ્રિય હરકિસન મહેતાને સાહિત્યનો કોઇ એવોર્ડ માત્ર એટલા માટે નહીં આપવાનો કે એ અત્યંત લોકપ્રિય નવલકથાઓ લખતા હતા!)

મધુબાલાને ‘અનારકલી’નો રોલ કરવા બદલ ફિલ્મફેર એવોર્ડ નહીં મળવા કરતાં તેમને વધારે ખટકે એવી વાત એ હતી કે તે સાલ ‘ઘૂંઘટ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી ઠરનાર બીના રાય અગાઉ ‘અનારકલી’ ફિલ્મમાં એ જ ટાઇટલ રોલ કરી ચૂક્યાં હતાં. તેમણે પડદા ઉપર ગાયેલું ગીત ‘યે ઝિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા...’ પણ અમર છે જ. પરંતુ, મદ્રાસની કૌટુંબિક વાર્તાવાળી એક સામાજિક ફિલ્મ ‘ઘૂંઘટ’ માટે અગાઉ ‘અનારકલી’ બનનાર અભિનેત્રી અંતિમ ત્રણમાં પહોંચ્યા પછી પોતાને હરાવીને વિજેતા થાય એ ડિસ્ટર્બ કરનારી હકીકત હતી. એવા સમયે પતિનો સાથ સહકાર ભરપૂર જોઇએ. સામે પક્ષે હકીકત એ પણ હતી કે કિશોર કુમાર સાથેના લગ્ન સમયે મધુબાલા પોતાની કરિયરના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હતાં; જ્યારે સરખામણીએ કિશોર કુમાર હજી પણ, એટલે કે ‘60- ‘61ના વર્ષોમાં અભિનેતા તરીકે એક સંઘર્ષશીલ કલાકાર જ હતા. તેમની એ સ્ટ્રગલમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં કિશોર’દાએ કદાચ ઘર આંગણે એવું ધ્યાન ન આપ્યું હોય એમ બની શકે. મધુબાલાની માંદગીમાં કિશોર કુમાર ધ્યાન આપી ન શકે એમ થતી રજુઆતની સાથે સાથે જ એ પણ હકીકત છે કે 1954મા આવેલા ‘શરાબી’ના સવાલિયા ગાયન ‘તુમ હો હસીં કહાં કે?’માં દેવ આનંદને ‘હમ ચાંદ આસમાં કે...’ એમ જવાબ આપતાં મધુબાલાને જુઓ, તો ક્યાંય એક પથારીવશ બીમારીમાંથી શૂટિંગ માટે આવેલી અભિનેત્રીની છાંટ પણ ન દેખાય. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે મધુબાલાની તબિયત લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષોમાં એટલી ખરાબ નહોતી.

તો શું મધુબાલા અને કિશોર કુમારના દામ્પત્યજીવનના એ મતભેદો અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના બેમિસાલ પિક્ચર ‘અભિમાન’માં બતાવાય છે એવા હશે? એક અત્યંત સફળ અને લોકપ્રિય પત્નીના સ્ટ્રગલ કરતા અભિનેતા તરીકે કિશોર કુમારનો પુરુષ અહમ્ (મેલ ઇગો) ઘવાતો હશે? આજે કિશોર’દા કે મધુબાલાજી કોઇ હયાત નથી અને તેથી બેમાંથી આપણા કોઇપણ પ્રિય પાત્રને અન્યાય ન થાય એ રીતે, જજમેન્ટલ થયા વિના જોવા ઉપલબ્ધ લેખિત સાહિત્ય અને ફિલ્મોને આધારે માત્ર શક્યતા જ વિચારી શકાતી હોય છે. તેથી મધુબાલાનું શારીરિક આરોગ્ય સાચા અર્થમાં ક્યારે બગડ્યું તેનો કોઇ સમયગાળો ઉપલબ્ધ નથી. છતાં રેકોર્ડ પરથી એટલું તો નિઃસંકોચ કહી શકાય એમ છે કે ઠેઠ 1966મા પણ તેમનું આરોગ્ય સુધરતાં મધુબાલા રાજ કપૂર સાથેની પોતાની ફિલ્મ ‘ચાલાક’ પૂરી કરવા એ સ્ટુડિયોમાં પહોંચી ગયાં હતાં. થોડાક શૂટિંગ પછી ત્યાંની લાઇટ્સ પોતે સહન ન કરી શક્યાં અને ફિલ્મ અધુરી રહી એ અલગ વાત છે. બીમારી વધતાં શરીર ફિક્કું પડી ગયું હતું. તેથી પિતાજી કોઇને મળવા દેતા નહોતા. અમુક સમય પછી તો હાલત એવી થઈ કે પથારીવશ થઈ ગયેલાં મધુબાલાને એકલા પોતાના બેડરૂમમાં પડી રહેવાનું હતું. બહારનું કોઇ આવે જાય નહીં. પોતાના એ રૂમમાંથી આઇના કઢાવી નાખ્યા હતા. (વર્ષો પહેલાં મોટેભાગે ‘પારસ’ સાપ્તાહિકમાં એવું વાંચ્યાનું યાદ છે કે મધુબાલાએ અરીસો તોડી નાખ્યો હતો. જો કે એ વાતની કોઇ પુષ્ટિ પ્રાપ્ત નથી થતી. એ કદાચ પરિસ્થિતિની પરાકાષ્ટા દર્શાવવા લખાયું હોઇ શકે છે.)

મન થાય ત્યારે 16mmના પ્રોજેક્ટર પર પોતાને ‘મુગલ-એ-આઝમ’ની અનારકલી તરીકે જુએ. તેમની બેન શાહીદાના કહેવા મુજબ,’પ્યાર કિયા તો ડરના ક્યા...’ મધુબાલાએ પાંચસો વખત જોયું હશે. (અમે ગણતા નથી એટલો જ ફરક છે!) તે દિવસોમાં તેમને મળવા આવનાર ખાસ વ્યક્તિઓમાં પત્રકાર ગુલશન યુઇંગ પણ હતાં. એ મહિલા પત્રકારે નોંધ્યું છે કે મધુબાલાનું શરીર નબળું પડી ગયું હતું. પરંતુ, તેમની આંખોમાં એ જ ચમક અને મસ્તી હતી. એવા એ દિવસોમાં મધુબાલાએ ઇચ્છાએ વ્યક્ત કરી કે પોતે દિલીપ કુમારને મળવા માગે છે. તેમને ખબર આપો. ઘરમાં ઇન્તજારી હતી કે અનારકલીને મળવા સલીમ આવશે? ત્યાં એક દિવસ સંદેશો આવ્યો કે દિલીપ કુમાર મળવા આવશે. (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (11)
મધુબાલા અને દિલીપ કુમાર બેઉ મુખ્ય કલાકારો ‘મુગલ-એ-આઝમ’ના પ્રિમિયરમાં હાજર ન રહ્યા એ તે દિવસોની મોટી સ્ટોરી હતી. છતાં બીમાર મધુબાલા કરતાં પણ વિશેષ તો દિલીપ કુમારના કિસ્સામાં એ કેટલેક અંશે અપેક્ષિત હતું. તેનું કારણ એ હતું કે એ મહાન ફિલ્મના સર્જન દરમિયાન ડાયરેકટર કે. આસિફ (કરીમુદ્દીન)ને વારંવાર હીરોના બંગલે જવા-આવવાનું થતું અને પરિણામ? દિલીપ સા’બની સૌથી લાડકી બેન અખ્તર સાથે કે.આસિફે ચૂપચાપ શાદી રચાવી લીધી હતી! આસિફ કાંઇ કુંવારા નહતા. બલકે તેમણે અગાઉ નૃત્યાંગના સિતારાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. સિતારાજીએ ‘સોસાયટી’ મેગેઝિનને એક મુલાકાતમાં જણાવ્યા મુજબ તો, તે પછી આસિફે પોતાની માતાની પસંદગીની ફિરોજા નામની યુવતિ સાથે પણ શાદી કરી હતી, જેને ગામડે જ રહેવા દીધી હતી. એટલું જ નહીં, ‘મુગલ-એ-આઝમ’ના સર્જન દરમિયાન આસિફે ‘બહાર’નું પાત્ર ભજવનાર માંજરી આંખોવાળી આકર્ષક અભિનેત્રી અને સિતારાદેવીની અંગત સહેલી એવી નિગાર સુલ્તાન સાથે પણ લગ્ન કર્યાં હતાં. નિગાર એટલે ‘તેરી મેહફિલ મેં કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે....’ એ કવ્વાલીમાં મધુબાલાની સામી પાર્ટી ‘બહાર’ બને છે તે. આમ, ત્રણ વાર પરણેલા આસિફે ચોથી શાદી માટે પોતાના મિત્ર દિલીપ કુમારની જ બેનને પસંદ કરી એ આઘાત યુસુફભાઇ માટે મધુબાલા સાથેના પ્રેમસંબંધના અંત કરતાં પણ ભારે હતો.

પરિણામ એ આવ્યું કે દિલીપ કુમારે કે. આસિફ અને સગી બહેન અખ્તર બંને સાથે સંબંધ કાપી નાખ્યો! એ હતાશા એટલી ભયંકર હોવાનું કારણ એ પણ હતું કે તે સમયના પરંપરાગત મુસ્લિમ વડેરાની અદામાં દિલીપ કુમારે બેનને નાની ઉંમરે પરણાવી નહોતી દીધી. તેને બદલે પોતાના પરિવાર અને જૂની પરંપરાઓમાં માનતા સમાજમાં અળખામણા થઈને પણ અખ્તરને ભણવા દીધી હતી. તેને વધુ અભ્યાસ અર્થે વિદેશ પણ મોકલી હતી. એ જ ભગિનીએ ભાગીને એવા પુરુષ સાથે શાદી કરી લીધી જે અગાઉ ત્રણ વાર પરણી ચૂક્યા હતા! (કે. આસિફ અને નિગાર સુલ્તાનની પુત્રી એટલે અભિનેત્રી હીના કૌસર, જે અન્ડરવર્લ્ડના બદનામ ઇકબાલ મિર્ચી સાથે પરણેલી છે.) પોતાના અગિયાર ભાઇ- બહેનોના પરિવારના સંખ્યાબંધ વ્યક્તિઓ માટે એક આશ્રયસ્થાન સરખા વિશાળ બંગલાના દરવાજા હંમેશાં ખુલ્લા રાખનાર દિલીપ કુમારે 44 વરસની ઉંમર સુધી લગ્ન એટલા માટે નહોતાં કર્યાં કે બાકીના બધાની શાદી થઈ જાય. જ્યારે બન્યું એવું કે જે બહેનના અત્યંત ઉજ્વળ ભાવિની ભાઇને આશા હતી, તેણે જ સૌથી વધુ દુઃખી કરી દીધા હતા. એ રીતે જુઓ તો મધુબાલા અને દિલીપ કુમાર બંનેએ પોતપોતાના કુટુંબના સૌ સભ્યોના હિતને ખાતર પોતપોતાની અંગત જિંદગીની યુવાની અને મોહબ્બતને હોમી દીધી હતી. ફરક હતો તો બેઉની તંદુરસ્તીનો. મધુબાલાની હતાશામાં હ્રદયની બીમારીની શારીરિક અને પ્રણયભગ્ન થવાની તકલીફ ઓછી હોય એમ ‘મુગલ-એ-આઝમ’ રજૂ થયા પછીના સમયમાં ‘અનારકલી’ના ઐતિહાસિક અસ્તિત્વ વિશે સવાલો ઉઠવા જેવા વિવાદોએ પણ ઉમેરો કર્યો હશે.

એ વિવાદ અનુસાર તો, ‘અનારકલી’ નામની રાણી જોધાબાઇની કોઇ ‘ખાસ દાસી’ કે અકબરના દરબારની રાજ-નર્તકી ઇતિહાસમાં નોંધાયેલી નથી; એવી એક થિયરી તે વખતે બજારમાં આવી હતી અને સમયાંતરે એ આવ્યા કરતી રહી છે. એમ અનુમાન મૂકાયું હતું કે મુગલ શહેનશાહ અકબરને અને વિવિધ ધર્મોના સમન્વય જેવા તેમના મજહબ ‘દીન-એ-ઇલાહી’ને હાઇલાઇટ કરવા ‘મુગલ-એ-આઝમ’નું સર્જન કરાયું હતું. મધુબાલાના પાત્ર ‘અનારકલી’ને કોઇ ઐતિહાસિક ટેકો ન હતો. બાકી અકબરના વારસ પુત્ર એવા જહાંગીર એટલે કે ‘નુરુદ્દીન સલીમ’ના નામે તો ડઝનબંધ કાયદેસરના નિકાહની નોંધ છે. જહાંગીરે તો જ્યાં પોતાનું લશ્કર ફતેહ મેળવે ત્યાંના રાજવી પરિવારની કોઇને કોઇ ખૂબસૂરત કુમારી સાથે નિકાહ પઢી લેવાની પ્રથા રાખી હતી. એવામાં મહેલની કોઇ અદની કનીઝ માટે રાજપાટ છોડવા અથવા શહેનશાહ સામે બળવો કરવા સુધીની મોહબ્બતનો સવાલ જ નહોતો એમ ઇતિહાસનો અભ્યાસ કરનારાઓ કહેતા. તે વિવાદ અનુસાર, ‘સલીમ-અનારકલી’ની કાલ્પનિક પ્રેમ કથાનું મૂળ ઇંગ્લેન્ડના રાજ પરિવારમાં હતું. બ્રિટનના રાજા તરીકે બેઠા પછી એડવર્ડ આઠમાએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા રાજપાટનો ત્યાગ કર્યો હતો, એ વીસમી સદીની એક અમર પ્રેમકથા છે. બ્રિટીશ રાજા જ્યોર્જ પાંચમાના (આપણે ત્યાં જેમને પંચમ જ્યોર્જ કહેતા તેમના) દેહાંત પછી સૌથી મોટા પુત્ર એડવર્ડ ગાદીનશીન થયા અને એ પોતાની પ્રેમિકા ‘મિસિસ સિમ્પસન’ સાથે લગ્ન કરવા માગતા હતા. એ મહિલા ‘મિસિસ સિમ્પસન’ કોઇ રાજઘરાનામાંથી નહતાં આવતાં. બલકે એ તો અંગ્રેજ નહીં, પણ અમેરિકન હતાં. એટલું જ નહીં, સિમ્પસનનાં અગાઉ બે વાર લગ્ન થઈ ચૂક્યાં હતાં!

એટલે કે. આસિફે અથવા તો અગાઉ ‘અનારકલી’ ફિલ્મની કથા લખનાર કમાલ અમરોહીએ જો તે દિવસોની આ સૌથી સનસનાટીભરી લવસ્ટોરીમાંથી પ્રેરણા લીધી હોય તો પણ; એડવર્ડ આઠમાએ 10મી ડિસેમ્બર 1936ના દિવસે રાજગાદી ત્યાગ કરવાના પોતાના ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એબ્ડિકેશન’ પર હસ્તાક્ષર કર્યા, ત્યારે એ પ્રેમની એવી મોટી મિસાલ હતી કે તેની સામે સલીમ-અનારકલીની પ્રણયકથા સાચી હોય તો પણ કશું ન લાગે. જે સમયે એડવર્ડ આઠમાએ પોતાની બે વાર લગ્ન કરી ચૂકેલી અમેરિકન મહિલાના ત્રીજા પતિ બનવા રાજગાદીનો ત્યાગ કર્યો, ત્યારે એ બ્રિટીશ તાજના વારસદાર ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ (ગુજરાતીમાં ‘પાટવી કુંવર’ અને ઉર્દૂમાં ‘વલી-એહદ-એ-સલ્તનત’ કહેવાય તે) નહોતા; એ ઓલરેડી ઇંગ્લેંડના રાજા હતા અને 327 દિવસ કિંગ ઓફ ઇંગ્લેન્ડ તરીકે તખ્ત પર બિરાજમાન રહી ચૂક્યા હતા! એ એવા અંગ્રેજ સામ્રાજ્યના શહેનશાહ હતા, જેના તાબામાં 50 જેટલા દેશો હતા અને જેનો સૂરજ આથમતો નહતો. એ રજવાડી લગ્નના વિરોધીઓ ત્યારે કહેતા હતા કે મિસિસ સિમ્પસને આ લગ્ન રાજાની દોલત માટે કર્યાં હતાં અને તેથી એ મેરેજ બહુ લાંબું નહીં ટકે. પણ ‘37માં લગ્ન થયાથી માંડીને ઠેઠ 1972માં પ્રિન્સ એડવર્ડનું અવસાન થયું, ત્યાં સુધી એટલે કે 35 વરસ એ લગ્નજીવન ટક્યું હતું. એડવર્ડ આઠમાના ગાદીત્યાગ પછી તેમનાથી નાના ભાઇ પ્રિન્સ આલ્બર્ટ રાજા બન્યા અને ‘જ્યોર્જ છઠ્ઠા’ તરીકે તખ્તનશીન થયા. તેમનાં દીકરી પ્રિન્સેસ એલિઝાબેથ આજે 90 પ્લસની ઉંમરે ઇંગ્લેન્ડનાં રાણી તરીકે કડેધડે છે. જો એડવર્ડ આઠમાની પ્રેમકથા ન હોત તો? બ્રિટનના આજના રાજવી તરીકે ક્વીન એલિઝાબેથ ન હોત અને કદાચ ‘મુગલ-એ-આઝમ’ કે ઇવન ‘અનારકલી’ જેવી ફિલ્મો પણ બની હોત કે કેમ એ સવાલ જ છે!

‘મુગલ-એ-આઝમ’ની તમામ ભવ્યતાઓ છતાં તેમાં જેના પરથી પ્રેરણા લીધી હોવાનું કહેવાયું હતું એ એડવર્ડ આઠમાની પ્રેમકથા કરતાં તે અકબરની યશગાથા વધુ હતી, જ્યારે બીના રોય અને પ્રદીપકુમારની મુખ્ય ભૂમિકાવાળી ‘અનારકલી’ એ કનીઝની દુઃખભરી દાસ્તાન કેન્દ્રિત હતી. એટલે મધુબાલાની જીવનકથા ‘અનારકલી’ની જ વાર્તાને અસલી જિંદગીમાં જીવવાની હોય એવી થઈ ચૂકી હતી. કિશોર કુમાર સાથેના લગ્ન પહેલાં મધુબાલાની બીમારીના નિદાન અને ઇલાજ માટે પિતા અતાઉલ્લાહ ખાનનો આગ્રહ હતો. પરંતુ, શાદી કરીને જ જવાના કિશોરદાના આગ્રહને પગલે શાદી પછી બંને લંડન ગયાં. જો કે, ત્યાં સુધી કદાચ હાર્ટની હાલત કેટલી ગંભીર હતી તે વિશે કોઇને અંદાજ નહતો. મધુબાલાના હ્રદયમાં કાણું હોવાની શારીરિક સ્થિતિને મેડિકલ દુનિયામાં ‘વીએસડી’ એટલે કે ‘વેન્ટ્રિકયુલર સેપ્ટલ ડિસઓર્ડર’ કહે છે, જેનો હવે તો ઇલાજ પણ થઈ શકે છે. પરંતુ, ‘60ની શરૂઆતમાં એ સારવાર હજી એવી પ્રચલિત કે સામાન્ય થઈ નહોતી. લંડનમાં જે ડોકટરે તપાસ કરી તેમણે શબ્દો ચોર્યા વગર કિશોર કુમારને સ્પષ્ટ કહી દીધું કે મરીઝની હાલત એવી છે કે તેનું ઓપરેશન શક્ય નથી. હ્રદયમાં જતું અને ત્યાંથી આવતું એ બંને લોહી ભેગાં થઈ જતાં હોવાથી દરદીની જીવાદોરી ગમે ત્યારે તૂટી જઈ શકે છે!

એ ખુલાસો એક નવપરિણિત પતિ માટે અને વધારે તો તેની દુલ્હન માટે કેવો આઘાતજનક હોય એ કલ્પના કરવી મુશ્કેલ નથી. પેશન્ટ મધુબાલાને ડોક્ટરનું નિદાન નેચરલી એટલા સ્પષ્ટ શબ્દોમાં કિશોર કુમારે નહીં જ કહ્યું હોય. પરંતુ, મુંબઈના ડોક્ટરોએ ઓપરેશનની તૈયારી સાથે લંડન મોકલ્યા હોય અને ટેસ્ટ્સ પછી દરદીને એવી કોઇ ટ્રિટમેન્ટ વગર પાછા વતન જવાનું થાય તો પોતાની માંદગી લાઇલાજ છે એવી સમજણ પડી જ જાયને? મધુબાલાને પણ એવો ભય લાગી ગયો હશે. કેમ કે એ દંપતિ જ્યાં ઉતર્યું હતું એ લંડનની બહુમાળી હોટલની બારીમાંથી કૂદીને મધુબાલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ખુલાસો ખુદ કિશોર કુમારે એક સમયની સૌથી નિષ્પક્ષ અને સ્ટાન્ડર્ડ હિન્દી ફિલ્મપત્રિકા ‘માધુરી’ના વિનોદ તિવારીને આપેલી મુલાકાતમાં કહી હતી. એ ઘટના કિશોરદાએ આ શબ્દોમાં કહી હતી, ‘હમ વાપસ લૌટ આયે. લૌટને કે પહલે મધુને ઉસ હોટલ કી ખિડકી સે કૂદ કર જાન દે દેને કી કોશીશ કી, જિસ મેં હમ ઠહરે હુએ થે. ઠીક વક્ત પર મેરી આંખ ના ખુલ ગઈ હોતી, તો ઉસને ખુદ કો ઉસી દિન ખતમ કર લિયા હોતા...’

લંડનના ડોક્ટરે લોહીના દબાણના પ્રશ્નો થવાની શક્યતાને લીધે મધુબાલા માતા ન બને તેની પણ ચેતવણી કિશોર કુમારને આપી હતી.  નિષ્ણાતની ભવિષ્યવાણી અનુસાર વરસ-બે વરસ જે કોઇ સમય મધુબાલાની આયુષ્યરેખામાં હોય એટલો વખત પસાર કરવા સિવાય એ લગ્નજીવનમાં કશું રહ્યું નહોતું અથવા એ બંને એમ માનતાં થઈ ગયાં હતાં. આવી વાતો તે વખતે વહેતી થયેલી અને મધુબાલાને યોગ્ય રીતે નહીં પ્રસ્તુત કરવા માગતા લોકોએ કહેલું/લખેલું છે. પરંતુ ભારત પરત આવ્યા પછીની ફિલ્મોમાં મધુબાલાના અભિનયમાં હતાશા ક્યાંય દેખાઇ નહોતી. ઉલ્ટાનું આપઘાત કરવા જેવા ભયાનક ડિપ્રેશનમાં મધુબાલા હોય તો લંડનથી આવ્યા પછીની ફિલ્મોમાંની તેમની એક્ટિંગને તેમના રૂપ કરતાં પણ બહુ ઊંચા માર્ક્સ આપવા પડે. વિશ્વાસ ન પડતો હોય તો 1961માં રિલીઝ થયેલી ‘બોયફ્રેન્ડ’માં શમ્મી કપૂર સાથેના ગાયન ‘આઇગો આઇગો યે ક્યા હો ગયા...’ ક્યારેક જો જો. એ જ રીતે ‘ઝુમરૂ’ અને ‘હાફ ટિકિટ’ જેવી બે ફિલ્મોમાં પતિ-પત્ની સાથે આવ્યાં, જે કોમેડી હતી. જ્યારે ‘શરાબી’ (1964)માં તે દેવ આનંદની નાયિકા હતાં. એ તમામ પિક્ચરો આજે પણ જોવાથી મધુબાલાની એ જ નટખટ અદાઓ જોઇ શકાય છે, જે ‘ચલતી કા નામ ગાડી’માં હતી. છતાં મિયાં-બીવી વચ્ચેના ખટરાગની વાતો તો સંભળાતી જ હતી, જેની ગવાહી ‘મુગલ-એ-આઝમ’ના સંગીતકાર નૌશાદે આપેલી છે. (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (10)
મધુબાલાને ‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર કિશોર કુમારમાં પોતાના જીવનસાથી દેખાયા હતા. કિશોર કુમારનાં પ્રથમ લગ્ન જેમની સાથે થયાં હતાં તે રૂમાદેવી સાથેના અલગાવ માટે ઘણા મધુબાલાને જવાબદાર ઠેરવતા હોય છે. પરંતુ, હકીકત તો એ હતી કે મધુબાલા તો કિશોરદાના પ્રથમ લગ્ન ટકી રહે તે માટે પ્રયાસ કરતાં હતાં. કિશોર કુમારે પોતે ‘માધુરી’ના વિનોદ તિવારીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘વહ હમારે દર્દ કો કિસી ઔર કે મુકાબલે ઇસ લિયે ભી જ્યાદા સમઝ સકતી થી, કિ ઉન દિનોં દિલીપ કુમાર કે સાથ ઉસકા સંબંધ તૂટ ચૂકા થા ઔર કુછ ઝગડા ચલ રહા થા. રૂમા સે મિલકર ઉસને હમારા મેલ કરાને કી કોશીશ કી. મગર ના રૂમા સે મેરી બાત બન સકી ના દિલીપ કુમાર કે સાથ ઉસકે ઝગડે સુલઝે. તબ કિન્હી નાજુક ક્ષણોં મેં હમને એક હોને કા ફૈસલા કર લિયા...’

કિશોર કુમાર સાથેના લગ્નની ઘટના તો 1960ની અને ‘ચલતી કા નામ ગાડી’ આવ્યું તેના બે વર્ષ પહેલાં 1958મા. એ પિક્ચરની પડદા પાછળની વાર્તા તો એવી કહેવાય છે કે તેનું નિર્માણ કિશોર કુમારે ખોટ ખાવા કર્યું હતું. એ નુકશાનીના પૈસા પોતાને ઇન્કમટેક્ષમાં રાહત અપાવશે એ ગણતરીએ કોમેડી ફિલ્મ બનાવી, જે પ્રકાર મોટેભાગે ફ્લોપ થતો. જો તમે ‘ચલતી કા નામ ગાડી’ જોઇ હોય તો તેના ટાઇટલમાં જે રીતે કાર્ટૂનની દોડાદોડથી કલાકારો અને કસબીઓનાં નામ પ્રસ્તુત થાય છે, તેનાથી જ કોમેડીનો માહૌલ બંધાવો શરૂ થઈ જાય છે. જ્યારે કોમ્પ્યુટર્સનું નામ-નિશાન નહોતું; એવા સમયે પચાસના દાયકામાં રેખાચિત્રોની મદદથી કરેલો એ પ્રયોગ પણ એક નોવેલ્ટી આઇટમ હતો. ફિલ્મમાં ત્રણેય કુમાર ભાઇઓની રમુજી એક્ટિંગની સાથે સાથે મધુબાલાના અભિનય તથા રૂપનું ગ્લેમર અને એસ.ડી. બર્મનનું સંગીત મળીને એવી ફોર્મ્યુલા બની કે ટિકિટબારી પર અપેક્ષાથી ઉંધું થયું!

‘ચલતી કા નામ ગાડી’ ચાલ્યું અને એવું અણધાર્યું ચાલ્યું કે તે વરસની કમાણી કરાવનારી ટોપ ટેનમાં પ્રથમ નંબરે આવેલી દિલીપ કુમારની ‘મધુમતી’ની પાછળ જ બીજા નંબરે આવી પહોંચી. ત્રીજું સ્થાન ફરી એકવાર દિલીપ સા’બની ‘યહુદી’નું હતું. ટૂંકમાં, નંબર ગેમમાં મધુબાલા અને કિશોરકુમારની જોડી દિલીપ કુમારની લગોલગ હતી. ‘ચલતી કા નામ ગાડી’નાં ગીતો આજે પણ એવરગ્રીન છે. તેના લોકપ્રિય ગાયન ‘ઇક લડકી ભીગી ભાગી સી...’માં મધુબાલા કશાય પ્રયત્ન વગર, સાવ સ્વાભાવિક રીતે, વરસાદના પાણીમાં ભીંજાઇને વગર મેકઅપે નીતરતા રૂપમાં આકર્ષક દેખાઇ બતાવે છે. મોટર ગેરેજ જેવા નિરસ બેકગ્રાઉન્ડમાં પણ જો એ હીરોઇન પોતાની કુદરતી ખૂબસૂરતીથી ખીલી શકતી હોય, તો પછી અન્ય એક ગાયન ‘દે દો મેરે પાંચ રૂપૈયા બારા આના...’ તો ડ્રીમ સિક્વન્સનું ગીત હતું! વળી તેમાં મધુબાલા માટે કિશોર કુમાર ‘રૂપ કા તુમ હો ખજાના...’ એમ ગાતા હોઇ નાયિકાને ગ્લેમરસ બતાવવાની સરસ તક હતી અને તેનો સરસ ઉપયોગ કરાયો હતો. (બાય ધી વે, મધુબાલાની સિરીઝનું ટાઇટલ ‘રૂપ કા તુમ હો ખજાના...’ રાખવાનું પણ એક તબક્કે વિચાર્યું હતું!)

તો અન્ય એક ગીત ‘’હાલ કૈસા હૈ જનાબ કા...? ક્યા ખયાલ હૈ આપકા...?’ પણ કિશોર કુમાર સાથેની મધુબાલાની કેમેસ્ટ્રી કેવી જામી રહી હતી, તેની નિશાની હતી. જો આજે એ ગાયન ‘યુ ટ્યુબ’ પર જોઇએ તો સમજાય કે તેના આઉટડોર શૂટિંગ માટે –ભલેને મુંબઈથી નજીકના પણ - કોઇક રમણીય સ્થળે બંને ગયાં હશે. તેના મજરૂહ સુલતાનપુરીએ લખેલા શબ્દો પડદા પર હળવાફૂલ લાગી શકે. પરંતુ, જો તેને ભજવનારી જોડી પ્રેમમાં પડુંપડું થઈ રહી હોય તો એક વધારાનો ધક્કો મારી શકે એવા અર્થપૂર્ણ અલ્ફાઝ જરૂર હતા. દાખલા તરીકે આ અંતરો... ‘પગલી, પગલી કભી તૂને સોચા રસ્તે મેં ગયે મિલ ક્યૂં?’ એમ પૂછતા કિશોર કુમાર અને સામો મધુબાલાનો જવાબ.... ‘પગલે, પગલે તેરી બાતોં બાતોં મેં ધડકતા હૈ દિલ ક્યૂં?’ જો એ સમયની મધુબાલા અને કિશોર કુમારની અંગત જિંદગીમાં આવેલા તોફાનનો વિચાર કરી શકીએ તો કલ્પના કરવી સરળ થશે.

એ તો જાણીતી હકીકત છે કે બંને મુખ્ય કલાકારોના પોતપોતાના તે સમયના પ્રણય-સાથીઓ જોડેના સંબંધો તૂટી ચૂક્યા હતા. મધુબાલા સાથેના પોતાના પ્રેમપ્રકરણનો અંત અતાઉલ્લાહ ખાનની જીદને લીધે આવ્યો હતો, એમ દિલીપ કુમારે હવે તો કહ્યું છે. વળી, તે સાચું હોવાની શક્યતા એટલા માટે વધારે છે કે  કિશોર કુમાર સાથેની વધતી નિકટતા સામે પિતાએ વાંધો લીધાનું ક્યાંય નોંધાયું નથી. બલ્કે કિશોર દાએ લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે ‘ખાન સાહેબે’ સામેથી મધુબાલાની બીમારી અને તે માટે લંડન લઈ ગયા પછી શાદીની રસમ પૂરી કરવા સલાહ આપી હોવાના એકથી વધુ ઉલ્લેખો મળે છે. અતાઉલ્લાહને પોતાની દીકરી માટે, દિલીપ સા’બ પોતાના આત્મકથનના પુસ્તકમાં કહે છે એવા, પતિ અને પોતાના પ્રોડક્શન માટે હીરો એવા ‘ટુ ઇન વન’ની શોધ કદાચ કિશોર કુમારમાં પૂરી થતી લાગી હશે. કારણ કે તેમના ઘરના બેનર ‘મધુબાલા ફિલ્મ્સ પ્રાઇવેટ લીમીટેડ’ના પિક્ચર ‘મેહલોં કે ખ્વાબ’ના હીરો તરીકે કિશોર કુમારને પસંદ કર્યા હતા. બાકી મધુબાલાને લગ્નની દરખાસ્ત તો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણે પણ કરી જ હતીને?

પ્રદીપ કુમાર સાથે મધુબાલાએ તે દિવસોમાં ‘પોલીસ’ ફિલ્મમાં કામ કર્યું હતું, જે હીરોના પોતાના બેનર ‘દીપ એન્ડ પ્રદીપ પ્રોડક્શન’ દ્વારા નિર્માણ પામી હતી અને જેના દિગ્દર્શક પ્રદીપ કુમારના ભાઇ કાલીદાસ હતા. પ્રદીપ કુમાર સાથેની તેમની ફિલ્મોનાં કેટલાંક ગાયનો આજે પણ સાંભળવાં ગમે એવાં સુરીલાં છે. એ બન્નેની જોડીનું ‘રાજહઠ’નું સંગીત પચાસના દાયકાનાં શંકર-જયકિશનનાં યાદગાર આલ્બમોમાં ગણાય છે. તેનાં ગીતોમાં ‘યે વાદા કરો ચાંદ કે સામને, ભુલા તો ન દોગે મેરે પ્યાર કો...’ (મુકેશ-લતા) અને ‘આયે બહાર બન કે લુભા કર ચલે ગયે...’ (રફી સાહેબ) આજે પણ મધ મીઠાં લાગે છે. તો ‘શીરીં ફરહાદ’ના એક ગાયનની શાયર તન્વીર નકવીએ લખેલી આ પ્રમુખ પંક્તિ ભૂતકાળને વાગોળવા ઘણીવાર કામ લગાડાતી હોય છે, ‘ગુઝરા હુઆ જમાના આતા નહીં દુબારા... હાફીઝ ખુદા હમારા...!’ તેમાંનો આ એક અંતરો તો શીરીં અને ફરહાદ જેવા અમર પ્રેમીઓને જ નહીં વર્તમાન સહિતના કોઇપણ સમયના છૂટા પડતા લવર્સને પોતાની વ્યથા-કથા જેવો લાગી શકે છે....

ખુશીયાં થી ચાર દિન કી, આંસુ હૈં ઉમ્ર ભર કે,

તન્હાઇયોં મેં અક્સર રોએંગે યાદ કર કે

વો વક્ત જો કિ હમને ઇક સાથ હૈ ગુજારા

હાફીઝ ખુદા હમારા....

તો મધુબાલાને લગ્નની ઓફર કરનાર બંને હીરો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ સાથેની ફિલ્મ ‘ગેટવે ઓફ ઇન્ડિયા’માં રફી સા’બ અને આશાજીનું યુગલ ગાન ‘દો ઘડી વો જો સાથ આ બૈઠે, હમ જમાને સે દૂર આ બૈઠે...’ સંગીતકાર મદન મોહન અને ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્નની જોડીનાં અવિસ્મરણીય ડ્યુએટ્સમાં સમાવિષ્ટ હોય છે. ભારત ભૂષણની સીધી સાદી પર્સનાલિટી સાથે તેમને ભાગે કેટલાંક સરસ સરસ ગાયનો આવ્યાં છે, તેની અલગ યાદી થઈ શકે. પરંતુ, મધુબાલા સાથેની બે ફિલ્મોનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. એક તો ‘ફાગુન’ જેનું ગીત ‘ઇક પરદેસી મેરા દિલ લે ગયા, જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા...’ તેની સપેરાના બીનની ટ્યુન માટે એક જમાનામાં અત્યંત લોકપ્રિય થયું હતું. ‘ફાગુન’ અગાઉ ‘નાગિન’માં આપણા કલ્યાણજીભાઇએ ‘મન ડોલે, મેરા તન ડોલે...’માં બીન બજાવીને જબ્બર સનસનાટી કરી હતી. તે પછી એવું જ લોકપ્રિય થયેલું ‘ફાગુન’નું આ ગીત. ગામડાંમાં કે શહેરની શેરીઓમાં સાપ અને નાગના ખેલ બતાવતા મદારીઓની સૌથી ફેવરીટ બે ધૂનો ‘નાગિન’ અને ‘ફાગુન’. મધુબાલા અને ભારત ભૂષણની બીજી યાદગાર ફિલ્મ ‘બરસાત કી રાત’.

‘બરસાત કી રાત’માં સૌ જાણે છે એમ, રોશન દાદા અને પરમ પ્રિય સાહિર લુધિયાનવી બંને ફુલ ફોર્મમાં હતા અને ‘ના તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફર કી તલાશ હૈ...’ એ કવ્વાલીની સ્પર્ધાએ તો અમરત્વ પ્રાપ્ત કરેલું જ છે. પણ તે ઉપરાંત ટાઇટલ ગીત ‘જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત...’ છે, જે હીરો-હીરોઇન બેઉ ગાય છે. તે ઉપરાંત મધુબાલાનાં વખાણ શાયર ભારત ભૂષણ કરે છે તે બેમિસાલ કૃતિ ‘મૈંને શાયદ તુમ્હેં પહલે ભી કહીં દેખા હૈ...’ આ શબ્દો તો જુઓ, પ્રશંસાની કેવી ઊંચાઇઓ સાહિર સર્જે છે,

અજનબી સી હો મગર ગૈર નહીં લગતી હો,

વહમ સે ભી હો જો નાજુક વો યકીં લગતી હો,

હાય યે ફુલ સા ચેહરા યે ઘનેરી ઝુલ્ફેં

મેરે શેરોં સે ભી તુમ મુઝકો હસીં લગતી હો!

એવો કોઇ શાયર હોય ખરો કે જેને કોઇ સ્ત્રીનું રૂપ પોતાની ગઝલના શેરો કરતાં પણ હસીન લાગે? એ ફિલ્મી ‘શાયર’ ભારત ભૂષણે મધુબાલાના ઇનકાર પછી ‘બરસાત કી રાત’માં જ કામ કરનાર એક અન્ય અભિનેત્રી રતન સાથે લગ્ન કરીને પોતાની પ્રથમ પત્નીના દેહાંત પછીનું ગૃહજીવન થાળે પાડ્યું હતું. આમ, મધુબાલા માટે શાદીની દરખાસ્ત કરનાર પ્રદીપ કુમાર, ભારત ભૂષણ અને કિશોર કુમાર એ ત્રણમાંથી એક પણ ઉમેદવાર તેમના મજહબના નહોતા. તેમ છતાં તેમની પ્રપોઝલ્સ અબ્બાજાન સુધી પહોંચી શકી હતી; એ ‘નયા દૌર’ના કોર્ટ કેસ પછી મધુબાલાના પરિવારમાં દિલીપ કુમારના દરજ્જા (સ્ટેટસ)ની નિશાની હતી. દિલીપ કુમારને ‘બતાવી દેવા’ની કોઇ ક્ષણે કિશોર કુમાર જેવા ધારણા કરી ન શકાય એવા (અનપ્રિડિક્ટિબલ) વ્યક્તિ સાથેનું લગ્ન મંજૂર થયું હશે એમ માનવાનું મન થાય છે. વધારામાં અબ્બાજાનને ગમે તે પ્રમાણે કિશોર દાએ ધર્મ પરિવર્તન કરવાની પણ તૈયારી બતાવી હતી.

મધુબાલાનાં કિશોર કુમાર સાથેનાં લગ્ન અને ‘મુગલ-એ-આઝમ’ની રજૂઆત એ બન્ને 1960ની ઘટનાઓ. મોગલ ઇતિહાસના એ કહેવાતા પ્રેમપ્રકરણના પોતાના ભવ્ય સર્જનના પ્રિમિયર માટે કે. આસિફે કરેલી અભૂતપૂર્વ તૈયારીઓ સિનેમાની દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી; આજે પણ છે જ. આફ્ટર ઓલ, કેટલી ફિલ્મોની પ્રિન્ટ તે અગાઉ (કે ઇવન તે પછી પણ!) શણગારેલા હાથી પર મૂકીને થિયેટર પર લાવવામાં આવી હતી? મરાઠા મંદિર સિનેમાગૃહ વિશાળકાય કટ આઉટ્સ અને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. પ્રિમિયર શોમાં રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, ગુરૂ દત્ત, બિમલ રોય, નૌશાદ, જયકિશન, લતા મંગેશકર, મીના કુમારી, વહીદા રહેમાન, નંદા, નૂતન, માલા સિન્હા, શ્યામા, નાદીરા એમ લગભગ ઇન્ડસ્ટ્રીના કેટલાય ધુરંધર સેલિબ્રીટી હાજર હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે ‘અનારકલી’ અને ‘સલીમ’ બંને ગેરહાજર હતાં. કારણ, મધુબાલા ઉપરાંત દિલીપ કુમારનો એક બહુ મોટો ઝગડો કે.આસિફ સાથે થયો હતો. આસિફે દિલીપ સા’બના પોતાના પરિવારના ભાઇઓ-બહેનોના સંબંધોમાં પણ એક બહુ મોટો ધરતીકંપ લાવી દીધો હતો! (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી.... (9)
મધુબાલાને અમર કરી દેનારું ગાયન ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ શરૂ થાય તે પહેલાં આવતા સાખી જેવા શબ્દો અત્યારે તો આવા છે, “ઇન્સાન કિસી સે દુનિયા મેં ઇક બાર મોહબત કરતા હૈ, ઇસ દર્દ કો લેકર જીતા હૈ, ઇસ દર્દ કો લેકર મરતા હૈ....” પણ  શરૂઆતમાં શકીલ બદયૂનિની કલમથી નીકળેલા અલ્ફાઝ આમ હતા, “હમ આજ તુમ્હારી મહફિલ મેં ઇસ દિલ કો જલા કર દેખેંગે, દુનિયા કા તમાશા દેખ ચૂકે અબ અપના તમાશા દેખેંગે.....” આમ તો યોગ્ય લાગતા આ શબ્દો કે.આસિફની આકરી કસોટીમાંથી પાર ન ઉતર્યા અને શકીલ સાહેબ પાસે નવી પંક્તિઓ લખાવી, જે મજબૂત રીતે ચોંટી ગઈ. એ જ રીતે એ ગાયનનો છેલ્લો અંતરો લખવામાં અડધી રાત વિતાવવી પડી, ત્યારે આસિફ સાહેબે પોતાના શાયરનો કેડો મૂક્યો હતો. સૌ જાણે છે એમ, એ ગીત બાદશાહ સામે બગાવતનું હતું અને તે પણ ભર્યા દરબારમાં. રાજાનો અનાદર જે કારણે કરવાનો હતો એ સંવેદના પ્રેમની હતી અને તે છીછરા શબ્દોથી વ્યક્ત કરવાની નહોતી. ‘અનારકલી’ (મધુબાલા)એ પોતાના ઇશ્કની પવિત્રતા સ્થાપિત કરવાની હતી. શકીલની આનાથી મોટી કસોટી કદાચ નહીં થઈ હોય.

છેવટે કલાકોની જહેમત પછી શકીલ બદાયૂનિ એ શબ્દો લઈ આવ્યા, જેનાથી એ ગાયનની ઊંચાઇ જાણે કે હિમાલયને સ્પર્શી ગઈ. યાદ હોય તો, છેલ્લા અંતરામાં મધુબાલા નમાઝ પઢવાની અદામાં ઘૂંટણ પર બેસીને બે હાથ દુઆ માટે ઊંચા કરી ગાય છે, ‘‘પર્દા નહીં જબ કોઇ ખુદા સે, બંદોં સે પર્દા કરના ક્યા?’....’ ત્યારે ગુસ્સામાં લાલ ચોળ થયેલા અકબર (પૃથ્વીરાજ કપૂર) આંખો ઝુકાવી દે છે. રાજાથી સંતાવાની કે ડરવાની પોતાને જરૂર નથી એમ કહેવા એ ભગવાનને વચ્ચે લાવે છે અને એ હતો શકીલ સાહેબનો માસ્ટર સ્ટ્રોક! કેમ કે ફિલ્મની શરૂઆતમાં અકબર સંતાનની ખોટ પૂરી કરવા શેખ સલીમુદ્દીન ચિશ્તીના ધાર્મિક સ્થાનક પર જઈને અલ્લાહને “શહેનશાહોં કે શહેનશાહ’ કહીને સંબોધે છે. તેથી અહીં સમીકરણ જડબેસલાક બેસી જાય છે. ‘તમે રાજા ખરા, પણ તમારે પણ જેને શહેનશાહ કહેવા પડે છે એ ખુદાથી કશું સંતાડી નથી શકાતું, તો પછી તમે પણ આખરે તો તેની બંદગી કરનારા, તેની પાસે માગનારા બંદા જ છો ને?’ બાદશાહ પણ આંખો નીચી કરીને જાણે કે કહેતા હોય ‘યુ હેવ એ પોઇન્ટ, બેબી!’

મધુબાલાના ચહેરા પરના હાવભાવ કે એ ગીત પછી કરાતી ધરપકડ અને રાજદરબારમાંથી વિદાય લેતી વખતનો અભિનય કશું ભૂલી શકાય એવું નથી. અમારે મન એક માત્ર ‘મુગલ-એ-આઝમ’ અને તેમાં પણ આ ગાયન ‘પ્યાર કિયા તો ડરના ક્યા....’ મધુબાલા પર સમરકંદ બુખારા જ નહીં તમે કહો તે ઓવારી જવા માટે પૂરતું છે! ‘મુગલ-એ-આઝમ’ની અન્ય વાતો આગળ ઉપર કરીશું. મધુબાલાએ તે દિવસોમાં, 1957-58ના સમયમાં, હીરો સાથેના અણબનાવને લીધે એ પિક્ચરના શૂટિંગમાં કામ પૂરતી વાત રાખીને બીજી ફિલ્મો પર ધ્યાન આપવા માંડ્યું. મધુબાલાને ક્રેડિટ આપવી પડે એ વાતે કે ‘નયા દૌર’ના કેસમાં જે કાંઇ બન્યું હતું અને તે પછી દિલીપ કુમાર સાથે જે સંજોગોમાં સંબંધ તૂટ્યો હતો, તેની કડવાશ તેમણે ક્યારેય કોઇ ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી નહોતી. અરે, ત્યાર પછી પણ નહીં, જ્યારે પોતે સામે ચાલીને પત્રકાર બન્ની રૂબેન મારફત મોકલેલા સંદેશાનો દિલીપ સા’બે નિરાશાજનક પ્રત્યુત્તર આપ્યો હતો.

બન્ની રૂબેને પોતાના પુસ્તકમાં મધુબાલા સાથેની પોતાની એ મિટીંગનો વિગતે અહેવાલ આપેલો છે. એ વાત ‘નયા દૌર’નો કેસ પત્યા પછીના દિવસોની છે. ત્યારે ‘ફિલ્મફેર’માં ‘આઇ વીલ નેવર ફર્ગેટ’ શિર્ષક હેઠળ પોતાના જીવનની અવિસ્મરણીય ઘટનાઓ ખુદ સ્ટાર્સના શબ્દોમાં આલેખાતી. જે પ્રકારની પબ્લિસિટી મધુબાલા સામેના એ મુકદ્દમાને મળી હતી, તે જોતાં મેગેઝીનના તંત્રી એલ.પી. રાવ અને સહાયક ગુલશન યુઇંગ (જે મહિલા આગળ જતાં ‘ફિલ્મફેર’ના હરીફ બનેલા સિને-સામયિક ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’નાં એડિટર બન્યાં હતાં તે) બન્નેએ મળીને તેમના પત્રકાર બન્ની રૂબેનને મધુબાલાનો ઇન્ટરવ્યૂ લેવાનું કામ સોંપ્યું. આમ કરવા પાછળનું એક કારણ એ પણ ખરું કે દિલીપ કુમારના કરીબી દોસ્તારોમાં બન્નીનો સમાવેશ થતો હતો. બન્નીએ પછીનાં વર્ષોમાં તો દિલીપ કુમારની જીવનકથા પણ લખી અને તે પબ્લિશ થઈ ત્યારે તેને ‘સૌથી સત્તાવાર જીવનકથા’ (મોસ્ટ ઓથોરિટેટિવ બાયોગ્રાફી ઓફ દિલીપ કુમાર) તરીકે પ્રચારિત કરાઇ હતી.

એટલે મધુબાલાનો ઇન્ટરવ્યૂ કરવા બન્ની શ્રેષ્ઠ વ્યક્તિ હતા. તેમણે ફોન કર્યો અને મધુબાલાએ મુલાકાતની મંજૂરી તો આપી; પણ કોઇ સ્ટુડિયોમાં નહીં, પોતાને ઘેર આવવાનું કહ્યું. હવે આ પણ નવાઇભરી વાત હતી. મધુબાલાના બંગલા ‘એરેબિયન વિલા’માં કોઇ પત્રકાર જઈ શકતા નહોતા. થોડાં વરસ પહેલાં મીડિયા સાથે અણબનાવ થયો, તે પછી મહિનાઓ બાદ સમાધાન થયું; ત્યારે બધા જર્નાલિસ્ટોને એક સાથે બાંદ્રાના એ નિવાસસ્થાને આમંત્ર્યા હતા, તે માફ. બાકી જ્યાં વિશાળકાય કૂતરાઓ કાયમ ચોકી પહેરો કરતા, એ ‘વિલા’માં કોઇ અનધિકૃત વ્યક્તિની એન્ટ્રી નામુમકિન હતી. જો પ્રોડ્યુસર કે દિગ્દર્શક જેવા કોઇને સમય અપાયો હોય તો કૂતરાઓને બાજુ પર લઈ જવાયા પછી જ અંદર અવાય. તેને બદલે એક પત્રકાર હોવા છતાં બન્નીને પોતાને ઘેર બોલાવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે એ બંગલામાં પહોંચ્યા ત્યારે તેમને સામાન્ય રીતે મહેમાનોને બેસાડાતા એ નીચેના દીવાનખાનામાં ના બેસાડાયા. બન્નીને સીધા ઉપર મધુબાલાના રૂમમાં લઈ જવાયા. થોડી વાર પછી મધુબાલાની એન્ટ્રી થઈ અને વળી એક આશ્ચર્યજનક ઘટના ઘટી.

મધુબાલાએ બારણું બંધ કર્યું અને અંદરથી સ્ટૉપર મારી દીધી! તેમણે ખુલાસો કર્યો કે જ્યારે આ ઇન્ટર્વ્યૂની દરખાસ્ત ‘ફિલ્મફેર’ તરફથી આવી ત્યારે એક હીરોઇનનો ઇન્ટરવ્યૂ કરવા મહિલા જર્નાલિસ્ટ ગુલશન યુઇંગને મોકલવાની વાત હતી. પરંતુ, મધુબાલાએ પોતે બન્નીના નામ માટે આગ્રહ રાખ્યો હતો, કારણ કે એ દિલીપ કુમારના મિત્ર હતા. થોડી મિનિટોનો ઇન્ટરવ્યૂ થશે એમ ગણીને ગયેલા બન્નીને બે કલાક સુધી શ્રોતા બનવાનું થયું. એ લખે છે કે “મધુબાલાએ વાત કરવાની શરૂ કરી ત્યારથી તેમને જાણે કે ‘યુસુફ ખાન’ સિવાય બીજી કોઇ વાત જ કરવાની નહોતી. તેમના સંબંધોની નાનામાં નાની વિગતો આપવા માંડી. કેવી રીતે એ રિલેશનશીપમાં દરાર પડી અને બન્નેને અલગ થવું પડ્યું તેના પોતાને થયેલા અપાર દુઃખનો ભાર તેમણે હળવો કરવા માંડ્યો અને મારા ખભા પર માથું મૂકીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યાં....”

બન્ની લખે છે કે મધુબાલાની ઇચ્છા હતી કે હું દિલીપ કુમારને એ વાતે સમજાવું કે તેમની મધુને તેમણે કેટલી ખરાબ રીતે ટ્રીટ કરી હતી અને તે (મધુ) હજી પણ પોતાના યુસુફને ચાહતી હતી. પત્રકારને તો ‘ફિલ્મફેર’ માટે સરસ (‘ટેરિફિક’) લેખ મળી ગયો હતો. પરંતુ, ઓફિસમાં સબ્મિટ કરેલા એ સ્ફોટક  આર્ટિકલની જગ્યાએ, જ્યારે મેગેઝીનની પ્રિન્ટ કોપી બહાર આવી ત્યારે, સ્વ-નિયંત્રણના એ દિવસોમાં ખાસી કાપકુપવાળો ઇન્ટરવ્યૂ છપાયો હતો. તે લેખનો અંત, આખી મુલાકાતના સારાંશ જેવા, મધુબાલાના આ વાક્યથી આવ્યો હતો, “અને છેવટે હું કદી નહીં ભૂલું......... મારા સૌથી પ્રિય (માય ડિયરેસ્ટ વન) જે દુશ્મન બની ગયા.” એ મુલાકાત પછી બન્ની રૂબેન, વાદે કે મુતાબિક, મધુબાલાનો સંદેશો લઈને દિલીપ કુમારને મળ્યા પણ હતા. બન્નીએ જ્યારે એમ કહ્યું કે “મધુબાલાના દિલમાં હજી તેમના માટે પ્રેમની જ્યોત (ટોર્ચ) ઝળહળી રહી છે. તમે એક વાર તેની સાથે.....” ત્યારે દિલીપ કુમારે તેમની વાત આગળ સાંભળવાને બદલે અકળાઇને કહ્યું, “વ્હોટ બ્લડી ટોર્ચ!” બન્ની લખે છે કે ત્યાર પછી તેમણે કદી મધુબાલાનું નામ દિલીપ કુમાર સમક્ષ નહોતું લીધું.

એ આખા પ્રસંગની અને વિશેષ અગત્યના એવા મધુબાલાના બયાનની સત્યતા માટે બન્ની સિવાયના કોઇ પર આધાર રખાય એવો નથી. આજે બન્ની પણ હયાત નથી. ત્રીજા પાત્ર એવા દિલીપ કુમારે જાતે લખાવેલા આત્મકથનમાં તેમણે પોતે પત્રકાર સાથેની આવી કોઇ વાતનો ઉલ્લેખ નથી કર્યો. બલ્કે મધુબાલા વિશેના પ્રકરણ (13)માં ‘ઓથોરેટિટેવ’ શબ્દને અવતરણ ચિન્હોમાં મૂકીને બન્ની રૂબેન પ્રત્યે આડકતરી રીતે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. ટૂંકમાં, મધુબાલાના જીવનમાં દિલીપ કુમારના પ્રકરણનો અંત જે સંજોગોમાં આવ્યો તેનાથી નિરાશાની ગર્તામાં ડૂબી જવાનું અને શરાબ કે અન્ય સહેલા રસ્તાઓ અપનાવવાનું શક્ય હતું તે જ દિવસોમાં તેમણે જે ફિલ્મોમાં અભિનય આપ્યો હતો તે એકદમ મનોરંજક હતી. તેમણે છોડેલી ‘નયા દૌર’ જે સાલ આવી તેના પછીના જ વર્ષે આવેલી ‘હાવડા બ્રીજ’ અને ‘ચલતી કા નામ ગાડી’માં મધુબાલાને જુઓ તો ક્યાંય પેલા પ્રણયભંગનો અણસાર પણ તેમની મૌજમાં ન દેખાય.

‘હાવડા બ્રીજ’માં મધુબાલાને નાઇટ ક્લબ સિંગર તરીકે “આઇયે મેહરબાં, બૈઠિયે જાને જાં....” ગાતાં આજે પણ ‘યુ ટ્યુબ’ પર જોઇ શકાય છે. તેમની આંખોની મસ્તી અને અલ્લડ હંસી એક જુદી જ ઇમેજ ઉભી કરે છે. (‘હાવડા બ્રીજ’નું એક ગાયન તેના અનોખા રેકોર્ડ માટે પણ યાદગાર છે. તેના એક યુગલ ગીત ‘‘દિલ મેરા લૂટ લિયા....”ને સ્ક્રિન પર જે કપલ રજૂ કરે છે એ કોમેડિયન મેહમૂદ અને મીનુ મુમતાઝ અસલી જિંદગીમાં સગ્ગાં ભાઇ બહેન હતાં, જે તે દિવસોમાં હજી સ્ટ્રગલ કરતાં હતાં!) ‘હાવડા બ્રીજ’નું દિગ્દર્શન શક્તિ સામંતાનું હતું. તે પહેલાં શક્તિ દા ચાર ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એટલું જ નહીં, પોતાની કરિયરમાં પછીનાં વર્ષોમાં ‘એન ઇવનિંગ ઇન પેરિસ’, ‘કશ્મીર કી કલી’, ‘કટી પતંગ’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘અનુરાગ’, ‘બરસાત કી એક રાત’, ‘ગ્રેટ ગેમ્બલર’, ‘મેહબૂબા’ વગેરે જેવી સંખ્યાબંધ સફળ ફિલ્મો બનાવી હતી એ તો સૌ જાણે જ છે. પરંતુ, તેમને સાચા અર્થમાં પહેલી હીટ ફિલ્મ મળી ‘હાવડા બ્રીજ’માં અને મધુબાલાને અંજલિ આપતી વખતે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે ટિકિટબારી પરની એ પ્રથમ સફળતામાં પોતાની હીરોઇનના બેમિસાલ ગ્લેમરનો કેવો મોટો ફાળો હતો. શક્તિ સામંતે તે પછી મધુબાલાને દેવ આનંદ સાથે લઈને ‘જાલી નોટ’ પણ બનાવી હતી. ‘હાવડા બ્રીજ’ની સાથે જ જેમાં પોતે કામ કરતાં હતાં તે કિશોર કુમારની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું મધુબાલાના જીવનમાં આગવું સ્થાન હતું. (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (8)
મધુબાલા સામે કરેલા કેસમાં વિવાદનો મુદ્દો એ હતો કે આઉટડોર શૂટિંગ કરવા માટે મુંબઈથી દૂર ભોપાલ અને પૂણે સુધી જવાનું જરૂરી હતું? બી.આર. ચોપરાના પક્ષે થયેલી જુબાનીઓ અને રજૂઆતો પછી એ લગભગ નક્કી હતું કે કેસનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. ન્યાયાધીશ પારેખ એ વાતની ચોકસાઇ કરવા ફિલ્મ જોવા ગયા હતા કે ખરેખર તેમાં આઉટડોરની જરૂર હતી કે નહીં? જેમણે પણ ‘નયા દૌર’ જોયું હોય (અને આટલી સુંદર ફિલ્મ કોઇએ કેમ ના જોઇ હોય?) એ સૌ જાણે છે કે ફિલ્મની વાર્તામાં રોડના બાંધકામનો પણ મહત્ત્વનો રોલ હોઇ બહાર શૂટિંગ જરૂરી હતું જ. તેને હાઇલાઇટ કરતું ગીત ‘સાથી હાથ બઢાના....’ તો ઠીક ચોપરાજીએ અન્ય ગાયનો ‘માંગ કે સાથ તુમ્હારા, મૈંને માંગ લિયા સંસાર....’, ‘આના હૈ તો આ રાહ મેં કુછ દેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ....’ ઉપરાંત જહોની વોકર પર ફિલ્માવાયેલું ગીત ‘મૈં બમ્બઈ કા બાબુ, નામ મેરા મસ્તાના, ઇંગ્લિશ સ્કૂલ મેં ગાઉં મૈં હિન્દુસ્તાની ગાના...’ પણ રોડ કન્સ્ટ્રક્શનની સાઇટ પર શૂટ કર્યું હતું.

વળી, છેલ્લે આવતી રેસનાં દૃશ્યો માટે તો વિશાળ ખૂલ્લી જગ્યા જોઇએ જ, જ્યાં ગામલોકો બેસીને તેનો અંત જોઇ શકે. ‘નયા દૌર’ના એ સીન જોયા પછી મેજિસ્ટ્રેટ પારેખ સાહેબને સમજાઇ ચૂક્યું હતું અને તે તેમણે જજમેન્ટ આપતાં ભારપૂર્વક કહ્યું પણ ખરું. ચુકાદામાં એમ કહેવાયું કે ‘નયા દૌર’ સ્ટુડિયોમાં ના બની શકે. તેને માટે આઉટડોર શૂટિંગ જરૂરી જ હતું. આમ કેસનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો. હવેની મુદતે મધુબાલા સામે આરોપો ઘડવાના હતા. તે દિવસે શું થશે તેની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી. આ બાજુ ‘નયા દૌર’ ટિકિટબારી પર ધૂમ મચાવતું હતું. બી.આર.ચોપરાનો મુદ્દો સાબિત થઈ ચૂક્યો હતો. આઉટડોર માટે હીરોઇને આવવું જ પડે એવી વાર્તા હતી. જો મધુબાલાએ  સ્ટોરી સાંભળીને નાયિકાના રોલ માટે સંમતિ આપી હોય તો એ તે માટે ઇનકાર ન કરી શકે. નિર્માતા-દિગ્દર્શકે પોતાના હીરોને તેના પ્રેમપ્રકરણમાં મદદરૂપ થવા શૂટિંગ મુંબઈ બહાર કરવાનું બહાનું નહતું ઊભું કર્યું. હવે સુનાવણીની તારીખે મેજિસ્ટ્રેટ આગળની કાર્યવાહી કરે તે પહેલાં ચોપરાજીએ ખેલદિલી બતાવી.

તેમણે ‘બી.આર. ફિલ્મ્સ’ તરફથી કરાયેલી ફરિયાદ પાછી ખેંચવાની અરજી કોર્ટને આપી. હવે કાનૂની વ્યવસ્થાના અભ્યાસીઓ જાણે છે એમ, ક્રિમિનલ કેસમાં ફરિયાદ પાછી ખેંચવાની અરજદારને છૂટ હોતી નથી. કેમ કે ફરિયાદ કાયદો અને વ્યવસ્થાના ભંગ અંગે થતી હોઇ, ફોજદારી કેસમાં સરકાર પાર્ટી થઈ જાય. પરવાનગી ના મળી. ચોપરા સાહેબે અપીલ કરી અને છેવટે ફરિયાદ પાછી ખેંચાઇ. પણ મધુબાલા માટે એ આખો સમય ભારે હતાશા અને તણાવનો રહ્યો. દિલીપ કુમાર સાથે સંબંધ રહ્યા નહીં. એ બંનેનું એક માત્ર પિક્ચર ‘મુગલ-એ-આઝમ’ બાકી હતું. એ બેઉ કલાકારોને અમર પ્રેમીઓ બતાવતા રોલ હતા. શૂટિંગમાં મુશ્કેલી થઈ શકી હોત. પરંતુ, કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર મધુબાલાએ આખું પિક્ચર પૂરું કરાવ્યું. સૌ જાણતા જ હશે કે જે સીનને હિન્દી સિનેમાના ઇતિહાસનાં પ્રણય દૃશ્યોમાં શિરમોર કહેવાય છે, એ પણ આ અબોલા દરમિયાન જ શૂટ થયો હતો. યાદ છે ને એ સીન?

એક બાજુ સંગીત સમ્રાટ તાનસેન પોતાના શાસ્ત્રીય ગાયનનો રિયાઝ કરતા ‘પ્રેમ જોગન બન કે....’ ગાતા હોય છે. પ્રિન્સ સલીમે પત્ર લખીને જ્યાં મળવાનું કહ્યું હોય છે એ સ્થળે અનારકલી પહોંચે અને પછી બંનેની પ્રણયક્રિડાને કે. આસિફે એક કવિતાની માફક કચકડે મઢી છે એ જ્યારે જુઓ ત્યારે તે પ્રેમની કોમળતાનું અદભુત ચિત્રણ લાગ્યા વિના ના રહે. મધુબાલાના ખૂબસૂરત ચહેરાને સફેદ પીંછા વડે લાડ કરાવતા દિલીપકુમારના એ દૃશ્યને સેક્સના અભ્યાસીઓ ફોરપ્લેનો શ્રેષ્ઠ નમૂનો કહે છે. ધીમે ધીમે એ જ પીંછાની આડમાં ચુંબન કરવા આતુર સલીમ અને અનારકલી ઢંકાઇ જાય! કેમેરો બંનેને રાતભર સાથે રહ્યાં હોવાનું બતાવવા પરોઢિયે ખરેલાં પુષ્પોથી ઢંકાઇને સૂતેલાં મધુબાલા પર આવે. એક પગથિયા નીચે દિલીપ કુમાર પણ સૂતા છે. જાગીને એ મધુબાલાના ચહેરા પરનો પારદર્શક દુપટ્ટો ભારે નજાકતથી ખસેડે અને મધુબાલાના ચહેરાને નાજુકાઇથી પસરાવતા દિલીપકુમાર! પ્રણયની આ પરિભાષા હિન્દી પડદા માટે ત્યારે બેનમૂન હતી. (અને કદાચ આજે પણ છે.)

એ લવ-સીન માટે ખુદ દિલીપ કુમારે પોતાના આત્મકથનમાં આવી નોંધ કરી છે... ‘પેલો કલાસિક સીન જ્યારે પીંછું અમારા હોઠ વચ્ચે આવી જાય છે, જેનાથી લાખો કલ્પનાઓ પ્રજ્વલિત થઈ હતી, એવા સમયે શૂટ થયો હતો, જ્યારે અમે બંનેએ એકબીજાને ‘કેમ છો’ એમ પણ પૂછવાનું બંધ કરી દીધું હતું. ન્યાય કરવાની રીતે એ દૃશ્ય ફિલ્મ ઇતિહાસનાં પાનાં પર વ્યાવસાયિક રીતે પ્રતિબદ્ધ બે કલાકારોની કળાને અંજલિ કહેવાવી જોઇએ જેઓએ પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને પડદા પરની એક સંવેદનશીલ, આકર્ષક અને કામુક ક્ષણની નિર્દેશકની પરિકલ્પનાને પરિપૂર્ણ કરી....’ તેથી ‘મુગલ-એ-આઝમ’ના શૂટિંગમાં મુખ્ય કલાકારોના અણબનાવને લીધે કોઇ અંતરાય ન આવ્યો. એ ફિલ્મ અને તેના મેકિંગની પડદા પાછળની વાતોનો પાર નથી. પરંતુ, અત્યારે આપણે મધુબાલાની કથા માંડી છે, ત્યારે તેમના સંદર્ભે જોઇએ તો પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર એક કમિટેડ આર્ટિસ્ટ કેટલી જવાબદારીથી કામ કરી શકે તેનું એ ફિલ્મ અને તે અભિનેત્રી અપ્રતિમ ઉદાહરણ કહી શકાય.

મધુબાલાની તબિયત કેટલી નાજુક હતી એ ઠેઠ 1954મા મદ્રાસમાં ‘બહુત દિન હુએ’ના શૂટિંગ દરમિયાન તેમની ઉલ્ટીમાં લોહી દેખાયા પછી ઇન્ડસ્ટ્રીમાં કોઇનાથી અજાણ્યું નહોતું. છતાં પિક્ચરની શરૂઆતમાં અનારકલી બાદશાહ અકબર અને શાહજાદા સલીમની સમક્ષ રૂબરૂ પ્રસ્તુત કરાય છે એ નાટ્યાત્મક દૃશ્ય માટે મધુબાલાને કેવું કષ્ટ સહન કરવું પડ્યું હતું? એ સીનમાં સફેદ આરસમાં ઘડેલી મૂર્તિ તરીકે સ્થિર અવસ્થામાં મધુબાલાને ઊભા રહેવાનું હતું. તે માટે પોતે આખા શરીરે સફેદો લગાવડાવવાનો હતો. પગથી માથા સુધી વાળ, આંખો અને પાંપણો સહિત સફેદ રંગાયા સાથે તેમનો ડ્રેસ તેની ગડીઓ વગેરે તમામ એક સફેદ મૂર્તિનાં હોય એવાં લાગે એમ બતાવવા કલર કરાયાં હતાં. તેને કારણે વસ્ત્રોનું વજન પણ ઘણું વધી ગયું હતું. જો તમે પ્રથમવાર ‘મુગલ-એ-આઝમ’ જોતા હો તો, જ્યાં સુધી મધુબાલા હાલે નહીં ત્યાં સુધી કલ્પના પણ ન થઈ શકે કે આ કોઇ સ્ટેચ્યુ નહીં પણ જીવતી જાગતી વ્યક્તિ છે! એક હાર્ટ પેશન્ટ માટે આ શ્રમ જ હતો. પરંતુ, મધુબાલાએ એ સીન પણ એતલી જ નિષ્ઠાપૂર્વક કર્યો, જેટલી તકલીફો વેઠીને એક કેદી તરીકે સાંકળોમાં બંધાઇને જેલમાં રહેવાનાં તથા રાજદરબારમાં ઉપસ્થિત થવાનાં દ્દશ્યો ભજવ્યાં.

જેલમાં ગવાતા ગાયન ‘મોહબ્બત કી જુટી કહાની પે રોયે....’ માટે દિગ્દર્શકે સાચી વજનદાર સાંકળો પહેરાવવાનો આગ્રહ રાખ્યો હતો. આજે પણ ‘યુ ટ્યુબ’ પર એ ગીત જુઓ તો સીનમાં વાસ્તવિકતા લાવવા કે.આસિફે પથરાવેલી અને લટકાવેલી લોખંડની સાચી સાંકળો જોતાં તો ‘વાહ’ કહેવાનું મન થાય. પરંતુ, મધુબાલાના હાથ પર જે સંખ્યામાં સાંકળો લટકાવાઇ છે, તે જોઇને તો એ છોકરીની દયા જ આવે! પોતાની બીમાર હીરોઇનને રાહત આપવા વજનમાં હલકી કલર કરેલી એલ્યુમિનિયમની સાંકળો ન લવાય? અથવા હાથે પહેરાવાયેલા સાંકળોના ઝુમખામાંથી બે ઓછી પણ ના કરી શકાય? મધુબાલાનો એ દાખલો જોઇને જ કદાચ કમાલ અમરોહીએ ‘પાકીઝા’ના અમુક ડાન્સમાં મીનાકુમારીને બદલે પદ્મા ખન્નાના લોંગ શોટ લઈને પોતાની પત્નીને રાહત આપી હશે. જો કે ડાયરેક્ટર કે.આસિફને અન્યાય ન થાય તે માટે એક ચોખવટ જરૂરી છે.

આસિફ સાહેબનો વાસ્તવિકતાનો આગ્રહ એવો હતો કે હીરોઇનનાં ઘરેણાં પણ અસલ સોનામાં જ તૈયાર કરાવ્યાં હતાં અને તેમાં મઢેલાં હીરા-મોતી પણ અસલી હતાં. યાદ રહે, મૂળે તો ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ જ હતી. છતાં એવો આગ્રહ!  આવા બધા ખર્ચાઓ અને ‘ચાલશે.... ફાવશે’નો અભિગમ નહીં પણ પોતાને સંતોષ થાય એવો સેટ ન તૈયાર થાય ત્યાં સુધી કામ શરૂ નહીં કરવાની જીદને લીધે, તેમના ફાયનાન્સારે તો એક તબક્કે આસિફ સાહેબને કાઢીને સોહરાબ મોદીને ડાયરેક્શન સોંપવાનું નક્કી કરી દીધું હતું. એ સમય હતો જ્યારે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ એ અમર ગીત માટે શીશ મહલનો ૧૩૦ બાય ૮૦ ફુટનો ૩૦ ફુટ ઊંચો સેટ ઉભો કરતાં બે વરસ લાગ્યાં હતાં. તેમાં જડવાના ખૂબસુરત કલરફુલ કાચ બેલ્જીયમથી મંગાવવાનો આગ્રહ રાખ્યો હતો. એ વાત અલગ છે કે શૂટિંગ પતી ગયા પછી પણ એ સેટ બે વરસ સુધી મુંબઈના મુલાકાતીઓ માટે ટુરિસ્ટ એટ્રેક્શન બન્યો હતો. પરંતુ, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું શૂટિંગ શરૂ થતું નહોતું એવા સમયે એક દિવસ એ બનતો સેટ તોડવાનો તથા આસિફને કાઢીને સોહરાબ મોદીને લેવાનો નિર્ણય ફાયનાન્સર શાપૂરજીએ લીધો હોવાના સમાચાર ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ ચૂક્યા હતા. બીજે દિવસે સવારમાં સોહરાબ મોદી અને શાપૂરજી સેટ પર આવ્યા અને શું જુએ છે?

કે. આસિફ શહેનશાહ અકબરના સિંહાસન પર બેઠા છે અને ધમકીની ભાષામાં કહી રહ્યા હતા, “આ સેટને તોડવાની હિંમત કરનારના હું ટાંટીયા તોડી નાખીશ....”! આવો હિંસક મૂડ જોઇ બન્ને પારસી બિરાદરો ખચકાયા. આસિફે બેઉની માફી માગીને કહ્યું કે એક વાર ગાયન શૂટ થઈ જવા દો. તમને ના પસંદ પડે તો જે નિર્ણય તમે લેશો તે સ્વીકારીશ. આજે આટલા દાયકા પછી પણ એ સ્તરનું, પ્રેમીઓના બળવા પ્રત્યે એવી લાગણીઓ ઉભી કરનારું બીજું કોઇ ગીત અમને તો દેખાતું નથી. એ ગાયન શરૂ થતાં અગાઉનું મધુબાલાનું નૃત્ય જુઓ કે ગીત દરમિયાનના ચહેરાના હાવભાવ ક્યાંય ખામી ન કાઢી શકો. મધુબાલાની ટેલેન્ટનું એ ગીત અલ્ટિમેટ સર્ટિફિકેટ છે. તેમના અભિનયમાં સલ્તનતના બાદશાહની અમાપ સત્તાની કોઇ પરવા વગરનું, નર્યા પ્રેમનું, એલાન છે. પરંતુ, પ્રેમીઓની પેઢીઓની પેઢીઓ જેનાથી પ્રોત્સાહિત થાય છે એવા એ શબ્દો ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ શરૂઆતમાં ક્યાં હતા? શાયર શકીલ બદાયૂનિએ એ ગીતને જુદી રીતે લખ્યું હતું. (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (7)
મધુબાલા તરફથી કાયદેસરની કેવી કાર્યવાહી થઈ શકે તે માટેની વિચારણાઓ હજી ચાલતી હતી અને તે દરમિયાન જ બી.આર.ચોપરાએ ક્રિમિનલ કેસ દાખલ કરી દઈને સૌને ચોંકાવી દીધા. મધુબાલા અને ‘બી.આર.’ના વિવાદમાં ઘણી બધી રીતે તાકાતની અસમતુલા(ઇમ્બેલેન્સ ઓફ પાવર) હતી. સૌથી મોટો તફાવત તો એ કે બી.આર. ફિલ્મ્સ એક પ્રોડક્શન હાઉસ હતું. એ પૈસા, તાકાત અને અનુભવમાં તેમની હીરોઇન કરતાં વધારે જોરાવર હોય જ. તેમને કોન્ટ્રાક્ટ વગેરે કરવાના હોવાથી ત્યાં લિગલ બાબતો માટે ઇનહાઉસ વકીલ પણ હોય જ. એડવોકેટ સાથે તેમની ઓફિસના માણસો કેસની ચર્ચા કરે અને ચોપરા સાહેબ તેમનું અન્ય કામ કરે તો પણ ચાલે. જ્યારે મધુબાલાએ તો પોતાનું કામ છોડીને વકીલો સાથે બેસવું પડે. પિતાજી પણ ખાસ ભણેલા નહોતા. સામેપક્ષે ચોપરા સાહેબ લાહોરની લૉ કોલેજમાં બાકાયદા કાનૂનનો અભ્યાસ કરી ચૂકેલા લેખક-પત્રકાર હતા. તેમણે ‘પહેલો ઘા રાણાનો’ સ્ટાઇલમાં ફોજદારી ફરિયાદ કરીને મધુબાલાની ટીમને ડિફેન્સિવ પોઝિશનમાં મૂકી દીધી.

બી.આર. ચોપરા પ્લાન પ્રમાણે ફિલ્મો પૂરી કરીને તેમના ડિસ્ટ્રીબ્યુટરોને સમયસર પ્રોડક્ટ પહોંચાડવા માટે જાણીતા હતા. મોડું કરવાનું આમ પણ પોસાય એમ નહોતું. તેમાંય ‘નયા દૌર’નો પ્રોજેક્ટ તો અન્ય સર્જકોને ખોટા પાડવાનો તેમને માટે એક પ્રેસ્ટિજ ઇશ્યુ પણ હતો. કેમ કે ‘નયા દૌર’ જે વાર્તા પરથી બનવાની હતી તેના લેખક અખ્તર મિર્ઝા (‘નુક્કડ’ સિરિયલના ડાયરેક્ટર સઈદ મિર્ઝાના પિતાજી)એ પોતાની એ સ્ટોરી અગાઉ એક કરતાં વધુ નિર્માતા-દિગ્દર્શકોને સંભળાવી હતી. એ સૌએ તે રિજેક્ટ કરી દીધેલી હતી. હકીકતમાં તો મિર્ઝા સાહેબ, સફળતા મળતાં અવિવેકી થઈ જતા એક ગાયકની વાર્તા બી.આર. ચોપરાને તે દિવસે વેચી ચૂક્યા હતા. તેના પેમેન્ટ વગેરેની વિધિ પત્યા પછી મિર્ઝાએ પોતાના હૈયાની નજીક એવી એક બીજી વાર્તા સાંભળવા ચોપરાઓને વિનંતી કરી. બી.આર. અને યશ ચોપરા બંને ભાઇઓ સંમત થયા. પણ શરૂઆત કરતા પહેલાં ઇમાનદાર મિર્ઝાજીએ એક ખુલાસો કર્યો.

તેમણે કહ્યું કે આ વાર્તા પોતે રાજ કપૂરને વેચવા માગી હતી અને તેમણે તે ખરીદી નહોતી. તેમણે બીજી એક સ્ટોરી લીધી જેના ઉપરથી ‘આર. કે.’ના બેનર તળે ‘અબ દિલ્લી દૂર નહીં’ બની હતી. એ જ રીતે એસ. મુખરજી અને મદ્રાસના એસ.એસ. વાસને પણ તે કહાની પસંદ નહોતી કરી. અન્ય એક સર્જક મેહબૂબ ખાને તો તેને દસ્તાવેજી ફિલ્મ બને એવી સ્ટોરી કહી હતી. તેને લીધે બિચારા અખ્તર સા’બ તો એ સ્ક્રિપ્ટ લઈને સરકારી ડોક્યુમેન્ટ્રી બનાવતી સંસ્થા ‘ફિલ્મ્સ ડિવિઝન’ના વડા મિસ્ટર ભવનાની પાસે પણ જઈ આવ્યા હતા! એ બધો ઇતિહાસ કહ્યા છતાં ચોપરા બંધુઓએ મિર્ઝાને ધ્યાનથી સાંભળ્યા અને એ સ્ટોરી સેશનને અંતે ‘નયા દૌર’ના રાઇટ ખરીદી લીધા. જેવી એ વાત ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ કે એક દિવસ મેહબૂબખાને બી.આર.ને રૂબરૂ મળીને ચેતવ્યા ‘હજી કહું છું આ ડોક્યુમેન્ટ્રી ના બનાવીશ... તારા પૈસા ડૂબશે!’

એટલા નકારાત્મક અભિપ્રાયોને ખોટા પાડવાની ચેલેન્જવાળો એ પ્રોજેક્ટ હતો અને હીરોઇનના પિતાજીની હઠને કારણે તે અટકી જાય તો કેમ ચાલે? બંને પક્ષે અક્કડ વલણ હતું. તેથી વાટાઘાટોને સ્થાન હતું નહીં. મધુબાલા અને દિલીપ કુમારને સળંગ બે મહિના મુંબઈની બહાર રહેવા મળે એ હીરોઇનના પિતાજીને થવા દેવું નહોતું. ચોપરાએ હીરોઇનને પડતી મૂકવાની જાહેરાત જે રીતે કરી તે મધુબાલાની પ્રોફેશનલ પ્રેસ્ટિજ પર અસર કરે એવી હોઇ માનહાનિનો અને વળતરનો દાવો થાય એવો હતો. પણ એવું કાંઈ અતાઉલ્લાહ કરે તે પહેલાં તો તેમની સામે ક્રિમિનલ કેસ ગિરગામની પ્રેસિડેન્સી કોર્ટમાં દાખલ થઈ ચૂક્યો હતો. મધુબાલાના પિતાજીએ રૂ.ત્રીસ હજાર લઈને કરાર કર્યો હતો. હવે તે નાણાં સામે કરાર મુજબની સેવાઓ નહીં આપીને છેતરપીંડી કરી હોવાનો કેસ હતો, જે સાબિત થાય તો જેલની સજા પણ થઈ શકે.

એ કેસ જ્યારે ચાલવા પર આવ્યો, ત્યારે છાપાં-મેગેઝિનોને તો મઝા પડી ગઈ. જ્યારે મુદત હોય ત્યારે જાણે કે કોઇ ફિલ્મનું શૂટિંગ હોય એમ અદાલતની અંદર અને બહાર લોકોનાં ટોળાં ઉમટતાં. પત્રકારો કોર્ટની કાર્યવાહીનો તથા યુનિટના માણસોની સંભળાતી ગુસપુસનો રિપોર્ટ કરતા. મધુબાલા ‘આરોપી’ અને તેમની સામે કેસ દાખલ કરનાર ફરિયાદી ‘બી.આર. ફિલ્મ્સ’ના સી.વી.કે. શાસ્ત્રી હતા. દાવામાં જુબાની આપવા શાસ્ત્રીજીની સાથે સાથે પ્રોડક્શન હાઉસના અન્ય કર્મચારીઓ આવતા. ઉપરાંત પિક્ચરમાં ‘જુમ્મનચાચા’ બનનારા મનમોહન ક્રિશ્ના પણ અદાલતમાં હાજર થયા હતા. પરંતુ, સૌથી મોટી સનસનાટી ત્યારે થઈ જ્યારે ખુદ દિલીપ કુમારને જુબાની આપવાની થઇ. એ કેસ અંગે દિલીપ સા’બની જીવનકથા વર્ષો પહેલાં લખનાર અને એક સમયના તેમના અંગત વર્તુળોમાં ગણાતા પત્રકાર બન્ની રુબેને પોતાના અન્ય એક પુસ્તક ‘ફોલિવુડ ફ્લેશબુક’માં લખ્યા પ્રમાણે દિલીપ કુમારની જુબાની સાત દિવસ સુધી ચાલી હતી.

એ જુબાની બી.આર. ચોપરાની તરફેણમાં એટલે કે મધુબાલાની વિરુદ્ધમાં અપાતી હતી. એક તબક્કે ભરી અદાલતમાં શાહજાદા સલીમની અદામાં દિલીપ કુમારે એવું કહ્યું કે ‘હું મધુને પ્રેમ કરું છું અને તેના મૃત્યુ સુધી કરતો રહીશ.’ અખબારોને હેડલાઇન તો મળી જ, સાથે સાથે અર્થઘટન કરવાની તક પણ પ્રાપ્ત થઈ. એક દલીલ એ આવી કે દિલીપ કુમાર ‘મારા’ છેલ્લા શ્વાસ સુધી મધુને ચાહીશ એમ કહેવાને બદલે જેને પોતે પ્રેમ કરતા હોવાનો દાવો કરતા હતા તેના છેલ્લા દિવસ સુધીનો વાયદો કેમ કરતા હતા? તેમને પોતાની વિરુદ્ધમાં જુબાની આપતા જોઇ મધુબાલાના હ્રદયમાં જે કુદરતી છેદ હતો એ કેવો વધારે પહોળો થયો હશે તેનો અંદાજ એક એડવોકેટ શ્રી ચઢ્ઢાએ કાઢ્યો હશે. એ આર.ડી. ચઢ્ઢા મધુબાલા અને અતાઉલ્લાહખાનના લૉયરના જુનિયર વકીલ હતા.

નેચરલી, મધુબાલાના કેસમાં ચઢ્ઢા કોર્ટમાં રોજે રોજની કાર્યવાહીમાં હાજર રહેતા હતા. જો કેસનો ચુકાદો તેમના અસીલની ફેવરમાં ના આવે તો તેમને જેલની સજા પણ થઈ શકે, એ શક્યતા અગાઉથી સૌ જાણતા હતા. અખબારોમાં એ સંભાવનાની ચર્ચાઓ પણ થયેલી હતી. તેથી દિલીપ કુમારને પોતાની વિરુદ્ધ જુબાની આપતા જોઇને એક તબક્કે મધુબાલાએ ચઢ્ઢાને પૂછ્યું (હકીકતમાં તો જાતને પૂછ્યું હશે!) ‘શું આ એ જ માણસ છે જે મને પ્રેમ કરતો હતો? અને જેને મેં પ્રેમ કર્યો હતો?” ચઢ્ઢાએ લેખિકા સુશીલા કુમારી સમક્ષ વ્યક્ત કરેલા મત મુજબ તો, ‘મધુબાલાને જેલની સજા થઈ હોત તો પણ દિલીપ કુમારને કોઈ પશ્ચાતાપ ન થાત.’ એ જ સુશીલા કુમારીએ મધુબાલા અને દિલીપ કુમારનું પ્રેમ પ્રકરણ કેવી રીતે પૂરું થયું હતું તેનો આંખો દેખ્યો હાલ એક્ટર ઓમ પ્રકાશે કહેલો છે, તે તેમના લખેલા પુસ્તક ‘દર્દ કા સફર’માં આપ્યો છે. એ દિવસે મધુબાલાના અભિનયવાળી ફિલ્મ ‘ઢાકે કી મલમલ’ના સેટ પર ઓમપ્રકાશ હાજર હતા. (જો યાદશક્તિ ભૂલ ન કરતી હોય તો ઓમજી કદાચ તે ફિલ્મના બિનસત્તાવાર નિર્માતા હતા.) હીરોઇન મધુબાલા પોતાના મેકઅપ રૂમમાં હતાં, જ્યાં દિલીપ કુમાર પણ હાજર હતા.

દિલીપ કુમારે ઓમપ્રકાશને ત્યાં બોલાવ્યા. વાતાવરણ ગરમ હતું. દિલીપ સા’બે ઓમજીને કહ્યું કે તે હવે મેકઅપ રૂમમાં જ રહે અને જે બની રહ્યું હતું તેના સાક્ષી બને. સુશીલા કુમારીના પુસ્તક અનુસાર, ઓમપ્રકાશે જોયું કે દિલીપ કુમાર પોતાની સાથે લગ્ન કરવા મધુબાલાને યાચના કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘અત્યારે જ આપણે મારે ઘેર જઈએ. મેં કાજીને તૈયાર રાખ્યા છે. શાદી આજે જ મુકમ્મલ કરી લઈએ. તે પછી તારે પિતા સાથે સંબંધ રાખવાનો નહીં.’ દિલીપ કુમાર કદાચ મીના કુમારીએ પોતાના પિતા સાથે છેડો ફાડીને કમાલ અમરોહી જોડે લગ્ન કર્યાના ઉદાહરણને દોહરાવવા માગતા હતા. આ અંગે એક વાત એવી પણ પછી બહાર આવી હતી કે દિલીપ કુમાર પોતે જે ફિલ્મ બિનસત્તાવાર રીતે પ્રોડ્યુસ કરી રહ્યા હતા; તે ‘ગંગા જમુના’નો બધો પ્રોફિટ અતાઉલ્લાહને આપી દેવાનું પણ કહ્યું હતું, જેને લીધે પરિવારને આર્થિક તકલીફ ન પડે અને લગ્ન પછી મધુબાલાએ કામ ન કરવું પડે. પરંતુ, ઓમપ્રકાશના કહેવા મુજબ, મધુબાલાએ પોતાના પિતા અથવા પ્રેમી બેમાંથી એક એવી પસંદગી કરવાની તૈયારી ન બતાવી. છેલ્લે દિલીપ કુમારે અલ્ટિમેટમની ભાષામાં કહ્યું કે એનો અર્થ એ કે મધુ લગ્ન કરવા નથી માગતી. હવે પોતે જતા રહેશે તો ફરી ક્યારેય પરત નહીં આવે!

બસ. એ મુલાકાત પછી બંને અલગ થયાં એ ઓમપ્રકાશનું વર્ઝન છે. એ પ્રસંગના ત્રણ પાત્રોમાંથી અત્યારે ઓમજી કે મધુબાલા બેમાંથી કોઇ હયાત નથી. એ સંજોગોમાં દિલીપ કુમારને અન્યાય ન થાય એટલા માટે એ પણ નોંધવું જોઇએ કે તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી આત્મકથામાં આ પ્રસંગનો ક્યાંય ઉલ્લેખ નથી. બલ્કે આખા પુસ્તકમાં ઓમજીનો ઉલ્લેખ એક જ વાર છે અને તે પણ ‘ગોપી’ ફિલ્મના સંદર્ભે. એટલે એ ઘટનાની સત્યતાને કેટલું વજન આપવું એ દરેક વાચકની વિવેકબુદ્ધિ પર છોડવાનું થાય છે. પરંતુ, એવું કોઇ બેકગ્રાઉન્ડ હોય કે ન હોય, ‘નયા દૌર’ના એ કેસમાં દિલીપ કુમારની જુબાની મધુબાલાની વિરુદ્ધની હતી એ ચોક્કસ. એક બાજુ એ કેસની મુદતો પડતી હતી અને બીજી બાજુ ‘નયા દૌર’નું શૂટિંગ ધમધોકાર ચાલતું હતું.

પિક્ચરમાં આવતા રોડ બાંધવાના સીન્સ માટેનું આઉટડોર ભોપાલ નજીક નક્કી કર્યું. જ્યારે છેલ્લે થતી ટાંગા અને મોટર વચ્ચેની રેસ પૂણે નજીક ફિલ્માવાઇ. છેવટે ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ. પણ કેસનો નિકાલ નહતો થયો. પાંચમી ઓગસ્ટ 1957ના દિવસે ‘નયા દૌર’ મુંબઈના શ્રેષ્ઠ પૈકીના એક લિબર્ટી થિયેટરમાં રિલીઝ થઈ. એ તારીખો મેહબૂબ ખાને પોતાના ‘મધર ઇન્ડિયા’ માટે બુક કરાવેલી હતી. તેમની ફિલ્મ  કલરમાં હોઈ પ્રિન્ટો ડેવલપ કરવા લંડન લઈ જવાની થઈ. તેમનાં ખાલી પડેલાં થોડાંક અઠવાડિયાં ‘નયા દૌર’ને તેમણે આપ્યાં, એમ સમજીને કે એ ડોક્યુમેન્ટ્રી વળી કેટલુંક ચાલવાની હતી? પરંતુ, ‘નયા દૌર’ તો સુપરહીટ થઈ! તેની આસપાસના વિવાદો કરતાં વધુ તેમાંના નવતર વિષય ‘માનવ વિરુદ્ધ મશીન’ની મનોરંજક ટ્રિટમેન્ટ તથા ઓ.પી. નૈયરના ઝકાસ મ્યુઝિકને લીધે બોક્સ ઓફિસ પર તે વરસની બીજા નંબરની કમાણી કરાવનારી ફિલ્મ બની. (પહેલો નંબર ‘મધર ઇન્ડિયા’નો હતો.) આ બાજુ ગિરગામ પ્રેસિડેન્સી કોર્ટમાં ન્યાયાધીશ આર.એસ. પારેખ સમક્ષના કેસમાં જુબાનીઓ અને રજૂઆતો પૂરી થઈ હતી. ફોજદારી કેસ હતો એટલે આરોપો ઘડવા પડે. અંગ્રેજીમાં જેને ‘ચાર્જ ફ્રેમ’ કરવાના કહે છે તે તબક્કે કેસ આવી પહોંચ્યો હતો. ફિલ્મને ટિકિટબારી પર કેવો આવકાર મળે છે, એ જોવા બી.આર. ચોપરા અને તેમના સાથીદારો નિયમિત સિનેમાગૃહ પર આંટો મારતા. એક દિવસ તેમણે જોયું તો ‘નયા દૌર’નો શો જોઇને ઓડિયન્સમાંથી કોણ નીકળતું હતું? જજ પારેખ સાહેબ! (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (6)
મધુબાલાએ સતત કામ કરીને તેમના પિતા પાસે ફિલ્મ બનાવવા માટે પૂરતા હોય એવી સ્થિતિ કરી આપી હતી. તે પાછળ અતાઉલ્લાહ પ્રોડ્યુસર બની જાય અને તે બિઝનેસમાં એ સરખું કમાતા થઈ જાય, પછી પોતે પરણીને થાળે પડી શકે એવો ખ્યાલ પણ હોઇ શકે. કારણ ગમે તે હોય, ‘મધુબાલા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની બની ચૂકી હતી. એટલું જ નહીં, 1955મા એ સંસ્થાએ પ્રોડ્યુસ કરેલી ‘નાતા’ ફિલ્મ આવી અને ફ્લોપ પણ થઈ ગઈ! એટલે મધુબાલા સાથે દિલીપ કુમારને લઈને તેમની નિર્માણ સંસ્થાના બેનર તળે એક પિક્ચર બનાવવાની દરખાસ્ત અબ્બાજાને તેમના ભાવિ જમાઇ સમક્ષ મૂકી. આ ‘ભાવિ જમાઇ’ લખવાનું કારણ એ પણ ખરું કે ‘55માં જ ‘ફિલ્મફેર’ના એક અંકમાં આર્ટિકલ આવ્યો હતો જેમાં દિલીપ કુમાર અને મધુબાલાનો ફોટો મૂકીને સવાલ પૂછાયો હતો, ‘’તેમના માટે લગ્નની શરણાઇઓ ક્યારે વાગશે?’ (વ્હેન વીલ વેડિંગ બેલ્સ રિંગ ફોર ધેમ?) તે જ આર્ટિકલમાં મધુબાલાએ કહ્યું હતું કે એક વાર એ પોતાના પસંદગીના પુરુષ સાથે શાદી કરશે, તે પછી પોતાને અભિનય બહુ ગમતો હોવા છતાં, તે આ લાઇન છોડી દેશે.

આમ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને (અને કદાચ એ જોડીને પણ!) લગ્નનો જ ઇન્તેજાર હતો. ત્યાં નવી ફિલ્મ માટેની અબ્બાજાનની દરખાસ્ત આવી. પણ દિલીપ કુમારે એ પિક્ચર સાઇન કરવા ઇનકાર કર્યો અને વાત વણસી. તેની સીધી અસર ‘નયા દૌર’ પર આવી. દિલીપ કુમારે પોતાના તાજા બહાર પડેલા આત્મકથન ‘ધી સબ્સ્ટન્સ એન્ડ ધી શેડો’માં આ પ્રસંગની ચોખવટ કરતાં એ ખુલાસો કર્યો છે કે મધુબાલા સાથેનો સંબંધ તૂટવામાં તેમના પિતાજીએ ઓફર કરેલી ફિલ્મની દરખાસ્ત નહીં સ્વીકારવાથી ઊભા થયેલા ખટરાગનો જ ફાળો હતો. (દિલીપ કુમારનો હવે આવેલો ખુલાસો તો એમ કહી જાય છે કે તેમને એવો ભય હતો કે આખી જિંદગી સસરાની ફિલ્મો તેમણે કરવી પડશે.) મધુબાલા સાથે બી.આર. ચોપરાએ ‘નયા દૌર’નું દસ દિવસનું ઇનડોર શૂટિંગ સ્ટુડિયોમાં પૂરું કરી દીધું હતું. હવે બહારગામ જવાનું થતું હતું. ચોપરા સાહેબે ભોપાલ પાસે એક રોડ બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં શૂટિંગ કરવાની પરવાનગી લઈ લીધી હતી. પરંતુ, અતાઉલ્લાહે પોતાની દીકરી આઉટડોર શૂટિંગ માટે ભોપાલ કે પૂણે નહીં જાય એમ સ્પષ્ટ કહી દીધું, ત્યારે વાત વણસી ગઈ.

અતાઉલ્લાહનું કહેવું હતું કે મધુબાલા મુંબઈની બહાર શૂટિંગ કરવા જતાં નથી. છતાં જેવી જગ્યાઓ નિર્માતાને જોઇએ છે એવી મુંબઈની આસપાસ છે જ. એ તો ઓફિશિયલ કારણ હતું. પરંતુ, આ મામલે ઘણા લોકોની માફક અતાઉલ્લાહને પણ શંકા હશે કે મહિનો દહાડો મુંબઈની બહાર સજોડે રહ્યા પછી પ્રેમીપંખીડાં પોતાનું ધાર્યું કરી લેશે. જો કે પિતાની એક દલીલમાં વજૂદ જરૂર હતું કે દીકરી મધુને બહારના પાણીની એલર્જી હતી. ફિલ્મ ઉદ્યોગને (અને ખાસ તો તે વખતનાં સિનેમાનાં સામયિકોને!) પણ અગાઉનો ‘નિરાલા’ ફિલ્મના શૂટિંગનો કિસ્સો યાદ હતો. ‘નિરાલા’ માટે દિગ્દર્શક પી.એલ.સંતોષીએ મુંબઈ નજીકના ઘોડબંદરમાં પાણીના ઝરામાં તેમની હીરોઇન ઘૂંટણ સુધીના પાણીમાં ઉતરે છે એવો સીન પ્લાન કર્યો હતો. પણ મધુબાલાએ પાણીમાં ઉતરવાનો ઇનકાર કરી દીધો. પોતાની સ્કિનને ફ્લોરાફાઉન્ટેઇન પાસેના એક પારસી કૂવા સિવાયનું પાણી અનુકૂળ આવતું નહોતું, એ બધા નિર્દેશકોને ખબર જ હોય છે વગેરે દલીલો ધરાઇ.

પણ પી.એલ. સંતોષી તો ગુસ્સામાં શૂટ છોડીને જતા રહ્યા! એટલું જ નહીં, ચાર દિવસ સુધી આવ્યા જ નહીં. આ પ્રસંગનો રિપોર્ટ તે સમયના નવજવાનિયા પત્રકાર બી.કે. કરાંજિયાએ પોતાના મેગેઝિન ‘મુવી ટાઇમ્સ’માં કર્યો અને હાહાકાર થઈ ગયો. ઇન્ડસ્ટ્રીમાં ‘મધુબાલા ઉદ્દંડ (એરોગન્ટ) છે’,‘પોતાની નાની વાત પર નિર્માતાને આર્થિક નુકશાનમાં ઉતારે છે’, ‘તેનો ઇલાજ કરો’ જેવા અભિપ્રાયો આવવા માંડ્યા.  વાત વધુ વકરે એ પહેલાં અતાઉલ્લાહ સંતોષીજીની ગાડીને રસ્તામાં ઊભી રખાવીને તેમને પોતાને ઘેર લઈ આવવામાં સફળ થયા. મધુબાલાએ પણ ચાર દિવસથી અન્ન સાથે રિસામણાં લીધાં હોવાનું પિતાએ સંતોષીને કહ્યું હતું. એટલે બંનેએ એકબીજાને ‘સોરી’ કહ્યું અને સમાધાન થઈ ગયું. હવે હીરોઇન પાણીમાં ઉતરશે, પણ એક સવલત સાથે. તે ઘેરથી પાણી લઈને આવશે અને શૂટિંગ પછી તરત પોતાના સ્પેશિયલ વોટરથી પગ ધોઇ નાખશે. આમ પ્રોબ્લેમ તો ઉકલી ગયો. પણ એ બબાલના મૂળમાં કરાંજિયાનો પેલો અહેવાલ હતો એ કેમ ભૂલાય?

મધુબાલાએ પોતાના કોઇપણ શૂટિંગમાં આમંત્રણ સિવાય પત્રકારો હાજર નહીં રહી શકે એવી શરત પોતાના કોન્ટ્રાક્ટમાં ઉમેરાવી દીધી. હવે તો વાત ઓર બગડી! તે પુરુષપ્રધાન જમાનામાં સ્ત્રીઓનું અને તેમાંય અભિનેત્રીઓનું જે સ્થાન હતું તે જોતાં ‘એક હીરોઇનની આ મજાલ?’ જેવા સ્વાભાવિક પ્રત્યાઘાત આવ્યા. ફિલ્મી સામયિકોમાં મધુબાલાને ઉતારી પાડતી સ્ટોરીઓ આવવા માંડી. મધુબાલા વિશેનો જે કાંઇ ‘મસાલો’ ગોસીપ કૉલમોમાં આવ્યો હોવાનું દેખાય છે, તેની પાછળ આવી કહાણી પણ હોઇ શકે છે. પણ મધુબાલા વિશે લખતાં મોટેભાગે આ લડાઇનો ઉલ્લેખ થતો જ નથી. બાકી મુંબઈમાં ‘વૉર ઓન મધુબાલા’ એવાં પોસ્ટર પણ લાગ્યાં હોવાનું ખતીજા અકબરે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે. (અત્યારે અમેરિકા કહે છે ‘વૉર ઓન ટેરર’. પણ તેના દાયકાઓ પહેલાં એવું સૂત્ર ભારતમાં છપાઇ ચૂક્યું હતું!)

આટલી લોકપ્રિય અભિનેત્રી વિશે કશું રૂબરૂ જોવા-જાણવા કે તેના વિશે લખવા ન મળે એ પત્રકારત્વની તકલીફ કરતાં પત્રકારોને પોતાની ઓથોરિટી ચેલેન્જ થતી વધારે લાગી હશે. આખું મીડિયા મધુબાલા સામે હતું, ત્યારે એકમાત્ર બાબુરાવ પટેલ અને તેમનું ‘ફિલ્મ ઇન્ડિયા’ મેગેઝિન એ પોપ્યુલર હીરોઇન સાથે હતા. તેમણે એક આર્ટિસ્ટના એ અધિકારનું સમર્થન કરતા લેખો લખ્યા કે પોતાના કામના સમયે બહારના લોકો વિક્ષેપ ન કરે એવું દખલ વગરનું વાતાવરણ માગવાનો કલાકારનો અધિકાર હતો. વર્ષો પછી અમિતાભ બચ્ચનને જે અનુભવ થવાનો હતો તેનો એ પૂર્વજ પ્રસંગ હતો. અમિતાભ બચ્ચનની જેમ જ, તે દિવસોમાં આવનારી મધુબાલાની ફિલ્મોના વકરા ઉપર કોઇ અસર ના પડી. બલ્કે સામયિકોને વેચાણની અને જાહેરાતોની આવકમાં અસર પડવા માંડી. મધુબાલાને નનામા પત્રો મળવા માંડ્યા. કોઇએ ધમકી મોકલી કે તેના ચહેરા ઉપર એસિડ ફેંકાશે! (તમને લાગે છે કે સમાજ આટલાં વર્ષોમાં જરાય બદાલાયો હોય?)

એટલે સરકાર પણ હરકતમાં આવી. મધુબાલાને તાત્કાલિક રિવોલ્વરનું લાયસન્સ ઇશ્યુ કરી આપ્યું. મધુબાલાએ પોતે પણ ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા કરીને સ્ટુડિયો જવા-આવવા માંડ્યું. એક વરસ સુધી આમ ચાલ્યું. મીડિયાએ પણ અકળાયેલી હીરોઇન સામે પોતાની ‘ઓલ ઇન્ડિયા એક્શન કમિટી’ બનાવી હતી. પછી હંમેશ બને છે એમ, ડાહ્યા માણસો વચ્ચે પડ્યા. બેઉ પક્ષે સમાધાન માટે તૈયારી બતાવી અને એ જ કરાંજિયાના ઘરમાં મિટીંગ ગોઠવાઇ, જેમના રિપોર્ટને પગલે આ બધી બબાલ થઈ હતી. કરાંજિયા પછી તો ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રિન’ના એડિટર તરીકે વર્ષો સુધી રહ્યા અને તેમણે પોતાનાં સ્મરણોના પુસ્તક ‘બ્લન્ડરિંગ ઇન વન્ડરલેન્ડ’માં આ બનાવ વિશે વિગતે લખ્યું છે. એ મિટીંગમાં મધુબાલાને પહેલી વાર કરાંજિયા સાહેબે રૂબરૂ જોયાં અને સફેદ સાડીમાં સાદગીથી આવેલી એ સૌંદર્યની સાક્ષાત મૂર્તિને જોતાં તેમને જે થયું તે શબ્દોમાં આમ વર્ણવ્યું છે.... ‘મધુબાલાને હું પ્રથમવાર રૂબરૂમાં જોતો હતો અને કોઇ જાતના મેક અપ વગરની સફેદ સાડીમાં આવેલી એ હીરોઇનને જોઇને હું અવાચક જ રહી ગયો! મેં મારી જિંદગીમાં આટલી રૂપાળી છોકરી જોઇ નહતી...’

કરાંજિયા પારસી હતા અને ખૂબસુરતીનું જે વિપુલ પ્રમાણ પારસી મહિલાઓમાં હોય છે તે જોતાં મધુબાલાની બ્યુટીની કલ્પના જ કરવાની રહે. ટૂંકમાં જ પોતાની વાત કહેવા ટેવાયેલા કરાંજિયાજીએ એક જ વાક્યમાં આમ પ્રશંસા કરી હતી, “તેનો એક પણ ફોટો મધુબાલાની બ્યુટીને ન્યાય નથી કરતો!’ પછી તો અતાઉલ્લાહે એક દિવસ પત્રકારોને તેમના બંગલા ‘એરેબિયન વિલા’ પર ચા-પાણી માટે બોલાવ્યા અને કરાંજિયા મધુબાલાના ખાસ નિકટના મિત્ર પત્રકાર બન્યા. તેમની દોસ્તીનો નાતો પછી તો એવો પાકો થયો કે જ્યારે આર્થિક કારણોસર કરાંજિયા પોતાનું મેગેઝિન ‘મુવી ટાઇમ્સ’ બંધ કરી દેવા તૈયાર થયા, ત્યારે મધુબાલાએ તેમને ઓફર કરી હતી કે પોતે તેમને માટે એક પિક્ચરમાં મફત કામ કરશે. તે સમયની સૌથી વધુ પૈસા લેતી હીરોઇનોમાં મધુબાલાની ગણતરી થતી હતી. તેથી એ સહાય લાખો રૂપિયામાં થતી હતી. કરાંજિયાએ તે ઓફર સ્વીકારી નહીં એ અલગ વાત હતી. પણ મધુબાલાએ, એટલે કે અતાઉલ્લાહે, જ્યારે ‘નયા દૌર’ માટે  બી.આર.ચોપરાને મુંબઈથી બહાર જવાનો ઇનકાર કર્યો, ત્યારે ફિલ્મ ઉદ્યોગમાં સૌને ‘નિરાલા’ વખતે બહારના પાણીને કારણે થયેલો વિવાદ ખબર હતો.

એટલે એ બનાવનાં થોડાંક જ વર્ષો પછી ‘નયા દૌર’નો મુદ્દો ઉપસ્થિત થયો, ત્યારે ફરી એકવાર મધુબાલા અને તેમના પિતા વિવાદમાં આવ્યાં. શૂટિંગ માટે આઉટડોરની તમામ તૈયારીઓ થઈ ગઈ હોઇ સમયસર યુનિટને ભોપાલ પહોંચાડવાનું હતું. આ બાજુ હીરોઇન તરફથી ગ્રીન સિગ્નલ મળતો નહતો. બી.આર.ચોપરા તરફથી એડવાન્સમાં રૂ. ત્રીસ હજાર ચૂકવાયેલા હતા. દસ દિવસનું ઇનડોર શૂટિંગ પણ કરેલું હતું. એવામાં હીરોઇન બદલવાનો જ વિકલ્પ રહેતો હતો. મધુબાલાને ભોપાલ નહીં મોકલવા પાછળનો અતાઉલ્લાહનો આશય પોતાની દીકરીનું સ્વાસ્થ્ય સાચવવાનો હતો કે પોતાના બિઝનેસમાં સહકાર નહીં આપનાર દિલીપ કુમાર મધુબાલાને પિતા સામે બળવો કરવા સમજાવી કાઢશે એવો ભય હતો; એવાં સંભવિત કારણોમાં પડ્યા વગર એક સાચા બિઝનેસમેનની માફક ચોપરા સાહેબે મધુબાલાની જગ્યાએ વૈજયન્તિમાલાને સાઇન કરી લીધાં. વાત વાયુવેગે ફેલાઇ અને અતાઉલ્લાહનો ગુસ્સો ઓર વધ્યો. હજી એ કળ વળે તે પહેલાં તો બી.આર.ચોપરા તરફથી વધુ એક કડક પગલું ભરાયું.

તેમણે ‘સ્ક્રિન’ અખબારમાં બે ફુલ પેજની જાહેરાત છપાવી. તેમાં એક આખા પાના ઉપર મધુબાલાનો ફોટો હતો અને સામા પાન ઉપર વૈજયન્તિમાલાની તસવીર. ત્યાં સુધી તો હજી ઠીક હોત. પણ ‘નયા દૌર’માંથી વિદાય લેતી હીરોઇનને માત્ર પડતી નહોતી મૂકાઇ, પણ અપમાનિત કરીને કાઢવામાં આવી હોય એવું દર્શાવતા હોય એમ મધુબાલાના ફોટા ઉપર મોટો ચેકડો મારવામાં આવ્યો હતો. મધુબાલા અને અતાઉલ્લાહ બંને માટે આ તેમની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડનારું પગલું હતું. ગુસ્સો થવો સ્વાભાવિક હતો. બી.આર. સામે કેસ કરી શકાય કે કેમ એની કાનૂની સલાહ લેવાતી હતી, ત્યાં બી.આર.ચોપરાએ એક નવો ધડાકો કર્યો! (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (5)
મધુબાલા ઉપર કડકાઇ રાખવા બદલ તેમના પિતા અતાઉલ્લાહ ખાનની ટીકાઓ થતી રહી છે. એ કડક નિયમોમાં કોઇને મધુબાલાના મેક અપ રૂમમાં જવાની છૂટ નહોતી કે નહોતી ઘેર આવવાની પરવાનગી. પરંતુ, એ બંદીશો પાછળ સોનાનાં ઇંડાં આપતી મરઘીને સાચવતા માલિકની મનોદશા ઉપરાંત એક રૂઢિચુસ્ત પિતાની ચિંતાઓ પણ હતી. તેમની નજર સામે નરગીસ અને મીનાકુમારીના બબ્બે કિસ્સા હતા જ. એ બંને પણ મધુબાલાની જેમ જ બાળ કલાકારમાંથી હીરોઇનો થઈ હતી. તે દિવસોમાં, નરગીસના પરિણીત રાજ કપૂર સાથેના નિકટતમ ગાઢ સંબંધોએ અને મીનાકુમારીએ શાદીશુદા કમાલ અમરોહી સાથે પિતાને અંધારામાં રાખીને કરેલાં લગ્ને ઇન્ડસ્ટ્રીમાં હીરોઇનોના સૌ વાલીઓને ચૌકન્ના કરી દીધા હતા. નેચરલી, અતાઉલ્લાહ તેમાં અપવાદ નહોતા.બલ્કે એ તો અગ્રેસર હતા!

પિતાની પાબંદીઓને મધુબાલાએ એક આજ્ઞાંકિત પુત્રી તરીકે માની અને પોતાના વિશાળ પરિવારની આર્થિક જરૂરિયાતોને પૂરી કરી એ કાંઇ નાની વાત નહતી. નેચરલી, ઉંમર પ્રમાણે તેમને પણ દિલમાં અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઉર્મિઓ જાગી જ હોય. એ કુદરતી પ્રક્રિયા છતાં જે રીતે પોતાની અંગત લાગણીઓને બીજા નંબરે રાખી એ કુટુંબ માટે સંતાને કરેલા ત્યાગ અને બલિદાનની એ એક વિશિષ્ટ મિસાલ હતી. દિલીપ કુમાર સાથેના મધુબાલાના સંબંધો ‘તરાના’ વખતથી જ શરૂ થયેલા હતા અને તે ‘સંગદિલ’ અને ‘અમર’ સુધી લંબાયા હતા. તે દરમિયાન દિલીપ કુમાર અને 1951ની ‘હલચલ’ નામની ફિલ્મથી હલચલ મચાવનાર કે.આસિફ વચ્ચે દોસ્તી થઈ હતી. કે. આસિફે એક સાહસી યુવાન તરીકે માત્ર 22 વર્ષની ઉંમરે સલીમ અને અનારકલીની પ્રેમકહાણી આધારિત ‘મુગલ-એ-આઝમ’નું પ્લાનિંગ 1944મા કર્યા પછી, તેના હીરો એક્ટર ચંદ્રમોહનનું અવસાન થઈ જતાં ફિલ્મ અભરાઇએ ચઢાવી દીધી હતી. દિલીપ કુમાર સાથેની વાતચીતમાં એ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાનું નક્કી થયું. દિલીપ કુમારે પોતે પણ તેમાં પૈસા લગાવ્યા હોવાનો એક રિપોર્ટ જૂન 1952ના ‘ફિલ્મફેર’માં પછી તો આવ્યો હતો. એટલે ‘મુગલ-એ-આઝમ’માં મધુબાલા સ્વાભાવિક રીતે જ હોય એવું લાગે. પણ હકીકત અલગ હતી.

મધુબાલાની પસંદગી થતા અગાઉ નવી હીરોઇન લેવાનું આયોજન કરાયું હતું. એવા મહાપ્રોજેક્ટ માટે શૂટિંગની સળંગ તારીખો મળે તે માટે કોઇ નવોદિત જ યોગ્ય રહે. એટલે 8મી ફેબ્રુઆરી 1952ના ‘સ્ક્રિન’માં જાહેરાત છપાવીને 16થી 22 વર્ષની કન્યાઓની અરજીઓ મગાવવામાં આવી હતી. એટલું જ નહીં, અભિનેત્રી શોભના સમર્થની તે વર્ષે જ ‘મિસ ઇન્ડિયા’ બનેલી દીકરી નૂતનને પસંદ  પણ કરવામાં આવી હતી. (નૂતન એટલે કાજોલનાં સગ્ગાં માસી) નૂતન વિદેશમાં (મોટેભાગે સ્વીટ્ઝરલેન્ડમાં) ભણીને આવેલી છોકરી અને અહીં સ્ક્રિપ્ટમાં ‘સાહેબ-એ-આલમ આફતાબ કી રોશની દુનિયા કે હર ગોશે કો રોશન કરતી હૈ, ખુદ આફતાબને ક્યૂં તકલીફ કી?’ જેવા ભારેખમ ઉર્દૂ સંવાદો હતા. નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરવા માંડી. એવો એક અહેવાલ તે જ વરસના મે મહિનાના ‘ફિલ્મફેર’માં આવો આવ્યો હતો, ‘કે.આસિફ અને દિલીપ કુમારે રાષ્ટ્રવ્યાપી શોધ આદર્યા પછી અને સેંકડો છોકરીઓના ઇન્ટરવ્યૂ કર્યા પછી છેવટે નૂતનને પસંદ કરી છે, જે એ ભૂમિકા માટે અયોગ્ય સાબિત થશે… મધુબાલા સારી ચોઇસ હોત...’

છેવટે નૂતને (એટલે કે સગીરનાં વાલી મમ્મી શોભનાજીએ) જ ફિલ્મ છોડી દીધી. આનાથી એક વાત એ પણ સાબિત થાય છે કે મીડિયા વર્ષોથી આવી સલાહો આપતું આવ્યું છે અને તેની અસર પણ ઘણી વાર થતી જ હોય છે. નૂતનની વિદાયને પગલે એ પિક્ચર બનશે કે નહીં એ અનિશ્ચિતતા ઉભી થઈ અને સાથે સાથે મોહન સ્ટુડિયોમાં લગાવાયેલા સેટ પણ ઊભા રહી ગયા. કામ અટક્યું અને નાણાંનો પ્રવાહ અટકી ગયો. ઇન્ડસ્ટ્રીમાં એ અફવા ફેલાઇ ગઈ કે હીરોઇન વગર પ્રોજેક્ટ લટકી જશે. એટલે એક અન્ય પ્રોડ્યુસર શશધર મુકરજીએ ‘અનારકલી’ના નામે ફિલ્મ ઝડપથી હાથ ઉપર લીધી. વાર્તા તો ઠેઠ 1944મા લેખક સૈયદ ઇમ્તિયાઝ અલીએ લખી હોઇ બધાને ખબર હતી. બાય ધી વે, સલીમ-અનારકલીનો એવો કોઇ કિસ્સો ઇતિહાસમાં નોંધાયેલો નથી. એ સૈયદ સાહેબની કલ્પના હતી! ‘અનારકલી’ તરીકે બીના રાયને પસંદ કરવામાં આવ્યાં અને ‘સલીમ’ બન્યા હતા પ્રદીપ કુમાર. તેમાં સંગીતકાર વસંત પ્રકાશની જગ્યાએ આવેલા માસ્ટર મ્યુઝિક ડાયરેક્ટર પ્રિય સી.રામચંદ્રએ શૈલેન્દ્ર, હસરત જયપુરી, જાં નિસાર અખ્તર અને રાજેન્દ્ર ક્રિશ્ન જેવા ચાર ચાર શાયરોની કવિતાઓને સ્વરબદ્ધ કરીને ‘યે જિંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા....’  જેવાં ગીતો આપ્યાં અને જોતજોતામાં 1953મા તો ફિલ્મ રિલીઝ કરી દેવાઇ અને તે સાલનો સૌથી વધુ વકરો લાવીને બોક્સ ઓફિસ પર નંબર વન થઈ. તેને લીધે વાર્તા સુપરહીટ છે એ નક્કી હતું.

‘અનારકલી’નું પ્રોડક્શન ઝડપભેર શરૂ થતાં જ ‘મુગલ-એ-આઝમ’ની હીરોઇનની પસંદગી કરવાના કામે પણ સ્પીડ પકડી. છેવટે ‘ફિલ્મફેર’માં સૂચવાયું હતું એમ મધુબાલા ફાયનલ થયાં. પિતા અતાઉલ્લાહખાન આમ પણ દીકરીના શૂટિંગમાં હાજરી નહતા આપતા.મધુબાલાને સવારે ગાડી મૂકી આવે અને સાંજે મોકલેલી કાર સમયસર દીકરીને ઘેર પરત લઈ આવે એ તેમની શિસ્તનો શિરસ્તો. સ્ટુડિયોમાં ગયા પછી મધુબાલાથી ગાડી વગર બહાર જવાય નહીં અને મેક અપ રૂમમાં કોઇને પરવાનગી નહીં. સેટ પર હાજર લોકોની વચ્ચે કશું અજુગતું થાય તો પણ તરત વાત બહાર આવી જાય. જે કાંઇ અંગત વાતચીત કરવી હોય તે રિહર્સલ દરમિયાન ડાયરેક્ટરને વિશ્વાસમાં લઈને કરી શકાય. દિગ્દર્શક કે. આસિફ મધુબાલાની દિલીપ કુમાર સાથેની કેમેસ્ટ્રી પિક્ચરને મદદરૂપ થશે એ સમજતા હતા. તેથી બેઉ પ્રેમીપંખીડાંને સવલત કરી આપતા. પોતાને ઘેર પણ મોકલતા એમ આસિફનાં પ્રથમ પત્ની નૃત્યાંગના સિતારાદેવીએ કહેલું છે.

સિતારાદેવીના શબ્દોમાં, ‘એ બેઉ અમારે ત્યાં ઘણી વાર આવતાં. હું અને આસિફ તેમને સગવડ કરી આપવા બહાર જતા રહેતા...’ મધુબાલા અને દિલીપ કુમારની નિકટતા કન્યાના પિતા પણ જાણી ગયા હતા. છતાં એક મર્યાદા હતી. જેમ સિગરેટ પીનાર વડીલોની હાજરીમાં ધુમ્રપાન ન કરે પણ ઘરનાં સૌ જાણતા તો હોય જ, એવી સ્થિતિ હતી. પિતાને કે પરિવારને વાંધો હોય એવું કશું જ નહતું. બંને પાત્રો મુસ્લિમ હતાં. રૂપાળાં હતાં, કુંવારાં હતાં અને એક સરખાં જ લોકપ્રિય! આનાથી વધારે સારા ગુણાંક ક્યાં મળવાના હતા? મધુબાલા અને દિલીપ કુમારની સજોડે પ્લાન થતી ફિલ્મો વધતી જ જતી હતી. એક હતી ‘ગોહર’ તો બીજી એક ગુરૂ દત્તની ગ્રેટ સાબિત થયેલી ‘પ્યાસા’ પણ હતી. એ જ દિવસોમાં, ગુરૂ દત્ત સાથે મધુબાલાએ ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’માં કામ કર્યું હતું. તેમાં મધુબાલાની કોમેડી માટેની ટેલેન્ટ પણ જોવા મળે. પરંતુ, એ બધાથી વધારે મઝા એ જોવાની આવે કે ધનવાન પિતાની પુત્રી તરીકે એ કેપ્રી અને ટોપ જેવા અર્બન ડ્રેસમાં પણ એટલાં જ ખૂબસૂરત લાગે છે, જેટલાં અનારકલી તરીકે મોગલકાળના લેબાસમાં. (અમને તો જો કે અકબરની જેલમાં ‘મોહબત કી ઝુટી કહાની પે રોયે...’ ગાતાં પહેરેલા કેદીના સાવ સાદા કાળા પહેરવેશમાં પણ જબ્બર એટ્રેક્ટિવ લાગે છે!)

ગુરૂ દત્તે 1955ની એ કોમેડી પછી ‘પ્યાસા’ માટે દિલીપ કુમાર, મધુબાલા અને નરગીસની સ્ટારકાસ્ટ નક્કી કરી હતી. એ જ રીતે ‘ચિત્રલેખા’ નામે બનનારી ફિલ્મ માટે પણ એ બે ફાઇનલ થયાં હતાં. જોડી બરાબર જામી હતી. પડદા ઉપર અને પડદા બહાર પણ. પિતાજીને વાંધો ન હોવાનો એક વધુ પુરાવો મળ્યો ‘ઇન્સાનિયત’ના પ્રિમિયર વખતે. સિનેમાપ્રેમીઓ જાણે છે એમ, જેમીની સ્ટુડિયો મદ્રાસના એ ચલચિત્રમાં દિલીપ કુમાર અને દેવ આનંદ પહેલી (અને છેલ્લી) વાર એક સાથે આવ્યા હતા. તેના પ્રિમિયરની લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. થિયેટર પર હજારોની ભીડ પોતાના ચહિતા સ્ટાર્સને જોવા પડાપડી કરતી હતી. પોલીસ માટે કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ હતું અને ત્યાં જ પોલીસને વધારે તકલીફ પડે એવો સીન થયો. સૌએ જોયું કે દિલીપ કુમાર આવ્યા હતા. પણ તેમની સાથે આવેલી મહિલા કોણ હતી? પિક્ચરની બે નાયિકાઓ બીના રાય અને સાઉથની વિજયા લક્ષ્મી પૈકીની એકેય નહોતી.

દિલીપકુમાર મધુબાલા સાથે આવ્યા હતા! એટલું જ નહીં, બંને એક બીજાના હાથમાં હાથ પરોવીને થિયેટરમાં પ્રવેશ્યાં. આજના જેવી ન્યૂઝ ચેનલો ત્યારે નહોતી. નહિતર બ્રેકિંગ ન્યૂઝ અને દિવસો સુધી ચલાવવા જેવાં વિઝ્યુઅલ મળ્યાં હોત. મધુબાલાએ ‘બહુત દિન હુએ’ના સેટ પર વોમિટમાં લોહી દેખાયા પછી વાસન સાહેબે જે સારવાર મદ્રાસમાં કરાવી હતી તે ઉપકારનો બદલો વાળવા પ્રિમિયરમાં હાજરી આપવા દેવા પિતાજીને સંમત કર્યા હતા. એ અપવાદ પરવાનગી અને બેઉની સજોડે ખુશખુશાલ ઉપસ્થિતિના રિપોર્ટ છતાં અતાઉલ્લાહ નારાજ થયા હોય એવા કોઇ પુરાવા ક્યાંય નથી મળતા. ઉલ્ટાના અબ્બાજાન રાજી લાગતા હતા. તેની એક ઓર નિશાની એ હતી કે એ પ્રિમિયર પછી પણ દિલીપ કુમાર સાથે ‘નયા દૌર’ પણ સાઇન કરી હતી. જો કે તેનું એક કારણ ધંધાદારી પણ હોય.

તે સમયે મધુબાલાની ફિલ્મો એવી ચાલતી નહોતી. તેમના હીરો પણ ‘નાતા’માં અભિ ભટ્ટાચાર્ય, ‘તીરંદાજ’માં અજીત જેવા હતા; જેમની નાયક તરીકેની કરિયર પતવાની ધારે હતી. સામે પક્ષે દિલીપ કુમાર હિન્દી પડદે ગ્લેમર અને ટેલેન્ટનું જબ્બર મિશ્રણ ધરાવતા હીરો તરીકે લોકપ્રિયતાનાં નવાંને નવાં શિખરો ચઢતા હતા. ‘નયા દૌર’નું શૂટિંગ શરૂ થયું અને એક દિવસ મધુબાલાના પિતાજીએ દિલીપ કુમાર સમક્ષ સાથે મળીને કામ કરવાની એક એવી દરખાસ્ત મૂકી જેનાથી એ હેપી લવસ્ટોરીમાં અણધાર્યો અને કમનસીબ ટર્ન આવ્યો! (વધુ આવતા અંકે)

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (4)
‘મધુબાલા’ નામની એ ફિલ્મ બનાવતા હતા રતિભાઇ શેઠ અને મધુબાલાને પોતાના બાળ કલાકાર અને હીરોઇન થવાની વચ્ચેના કિશોરી તરીકેના દિવસોનો એક ઉપકાર યાદ હતો. તે દિવસોમાં મધુબાલાનાં અમ્મી પ્રેગ્નન્ટ હતાં. તેમને અચાનક કોઇ ગાયનેક કોમ્પ્લિકેશન્સ થતાં ગંભીર હાલતમાં દવાખાને લઈ જવાયાં. ડોક્ટરે ઇલાજ પેટે ત્રણ હજાર રૂપિયાની ફી કહી. ત્યારે ‘બેબી મુમતાઝ’ને સ્ટુડિયોમાંથી માસિક પગાર ત્રણસો રૂપિયા મળતો હતો. પૈસા ઉછીના લેવા સિવાય છૂટકો ન હતો. પણ કર્જદારની આવકથી દસ ગણી રકમ ઉધાર આપવા કોઇ તૈયાર નહતું. એવા સમયે બેબીએ રતિભાઇને ત્યાં ટહેલ નાખી અને સરદાર ચંદુલાલ શાહના ભત્રીજા એવા રતિભાઇએ એવડી નાની છોકરી પર ભરોસો મૂક્યો. તેને માગી રકમ આપીને માતાની જિંદગી બચાવી હતી. મધુબાલા એ એહસાન આખી જિંદગી ન ભૂલ્યાં.

એ જ રીતે તેમની જિંદગીમાં એ કોઇ ફિલ્મ પ્રિમિયરમાં ગયાં ન હતાં. પણ ‘બહુત દિન હુએ’ના પ્રિમિયરમાં અપવાદરૂપે હાજર રહ્યાં હતાં. કારણ શું હતું? 1954મા જ્યારે મદ્રાસ (ચેન્નઈ)માં ‘બહુત દિન હુએ’ના સેટ પર મધુબાલાને ઉલ્ટી થઈ અને તેમાં લોહી દેખાયું ત્યારે ‘જેમીની સ્ટુડિયો’વાળા નિર્માતા એસ એસ વાસને અદ્યતન સારવાર અને આરામની દરકાર કરી હતી. મધુબાલા એવા ઉપકાર પણ કદી ભૂલતાં નહીં. સ્ટાર બન્યા પછી તેમણે જરૂરતમંદોને તો મદદ કરી જ; પણ માતાને નવી જિંદગી બક્ષનાર રતિભાઇને વિશેષ ફેવર કરી. રતિભાઇની ફિલ્મને ‘મધુબાલા’ નામ રાખવા દીધું અને વાર્તા કે અન્ય કોઇ વિગતોમાં પડ્યા વગર શૂટિંગની તારીખો આપી દીધી. પરિણામ એ આવ્યું કે દેવ આનંદ જેવો ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે પગ જમાવતો હીરો હોવા છતાં એ પિક્ચર ફ્લોપ ગયું અને ટીકાઓ માત્ર મધુબાલાને સહન કરવાની આવી.

તે ફિલ્મ વિશે બાબુરાવ પટેલે પોતાના મેગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’માં લખ્યું કે ‘આ ફિલ્મથી સાબિત થાય છે કે ઇવન મધુબાલા જેવી લોકપ્રિય અને ટેલેન્ટેડ સ્ટાર પણ ક્વોલિટી કે પોતાની પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર ગમ્મે તેવાં ચિત્રોમાં કામ કરવા ધસી જાય છે...’ પરંતુ, મધુબાલા એવી ટીકાઓ પાછળની બાબુરાવની શુભ દાનત સમજતાં હતાં. કેમ કે અગાઉ ‘લાલ દુપટ્ટા’ માટે એ જ મેગેઝિને લખ્યું હતું કે ‘મધુબાલા જ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે...’ તો ‘સિંગાર’માં સુરૈયા જેવી ધરખમ અભિનેત્રી સામે હોવા છતાં, સરખામણી કરતાં બાબુરાવે લખ્યું હતું કે, ‘સુરૈયા સાથેના દરેક સિકવન્સમાં મધુબાલા તેને ખૂબ પાછળ રાખી દે છે. મધુબાલાના એક ચહેરામાં એટલાં ઇમોશન્સ સંઘરેલાં હોય છે જેટલાં હજાર છોકરીઓ હજાર ચહેરામાં ધરાવી શકે...!’

એટલે બાબુરાવ કે ‘ફિલ્મ ઇન્ડિયા’ કારણ વગર ટીકા ન કરે એ સમજાતું હતું. પણ પોતે માત્ર ઉપકારનો બદલો વાળવા ફિલ્મ કરી હતી એ તેમને ખબર હતી. વળી, ‘મહલ’ની અપાર સફળતાએ એક હીરોઇન તરીકે મધુબાલા પાસે અપેક્ષાઓ વધારી દીધી હતી, તેની એ નિશાની હતી. એ ટીકા તે જ અરસામાં એક ફિલ્મ શરૂ થયા પછી અટકી ગઈ હતી તેનું પણ પ્રતિબિંબ હોઇ શકે. તે ફિલ્મ ‘હાર સિંગાર’માં હીરો હતા દિલીપ કુમાર. તેના સેટ પર 26-27 વરસના સોહામણા યુસુફ ખાનને જોતાં યુવાનીમાં પગ મૂકતી મધુબાલા ના આકર્ષાય તો જ નવાઇ હતી. પરંતુ એ બંનેને આખા ચલચિત્રમાં સાથે કામ કરવાનો મોકો 1951મા રિલીઝ થયેલી ફિલ્મ ‘તરાના’માં મળ્યો. એ જ દિવસોમાં ‘બાદલ’ નામના પિક્ચરમાં મધુબાલા પ્રેમનાથ સાથે પણ કામ કરે અને અહીં જ પેલું પ્રખ્યાત ‘ગુલાબ પ્રકરણ’ થયું.

મધુબાલાની જીવનકથા લખનારા પૈકીના અમુકે તેમના ચારિત્ર્ય ઉપર છાંટા ઉડાડવા જેનો ઉપયોગ કર્યો છે, એ ઘટનાઓને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અને ખાસ તો જજમેન્ટલ થયા વગર જોવાની આવશ્યકતા છે. મધુબાલાએ પ્રેમનાથ અને દિલીપ કુમાર બંનેને એક સરખી રીતે તેમજ એક જ સમયે પ્રેમનું નિમંત્રણ આપ્યું હતું એવી સ્ટોરી છે. તેમણે પ્રેમનાથ સાથે ‘બાદલ’, ‘સાકી’ અને ‘આરામ’ એમ ત્રણ પિક્ચરમાં કામ કર્યું હતું.  બંને હીરો સાથે પરિચયના શરૂઆતના દિવસોમાં પોતાની હેરડ્રેસરને પ્રેમનાથ પાસે એક ગુલાબનું ફૂલ આપીને મોકલી. તેની સાથે એક કાગળ પણ મોકલ્યો. તેમાં લખ્યું હતું કે જો તમે મને પ્રેમ કરતા હો તો આ ફૂલ સ્વીકારજો. આજે ‘વેલેન્ટાઇન ડે’ કે પછી ‘રોઝ ડે’ ઉજવવા એક કરતાં વધુ વ્યક્તિઓને ગુલાબ ઓફર કરી શકતા જુવાનિયાઓના આજના જમાનાથી 50-60 વરસ પહેલાંના તાજા આઝાદ થયેલા હિન્દુસ્તાનની એક નવી-સવી  પુખ્ત થયેલી બ્યુટીફુલ છોકરીની ક્રિએટિવ પહેલ હતી. (કોઇ એ વાતે દાદ તો આપો!) નેચરલી, આટલી ખૂબસુરત છોકરીનો પ્રસ્તાવ કોણ નકારી શકે? પ્રેમનાથે ગુલાબ રાખી લીધું. એ જ રીતે ‘તરાના’ના સેટ પર દિલીપ કુમારને પણ હેર ડ્રેસર મારફત ગુલાબ મોકલ્યું. દિલીપ કુમારે પણ તેનો સ્વીકાર કર્યો.

પછી એક દિવસ પ્રેમનાથ અને દિલીપ કુમાર બેઉ ભેગા થયા, ત્યારે પોત પોતાની પ્રેમિકાઓની વાત કરતાં આ ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ...’ જેવો સિનેરિયો બેઉનો કોમન થયો. બંનેએ મળીને આગળ ખણખોદ કરતાં બેઉ કિસ્સાની નાયિકા પણ એક જ મધુબાલા! પ્રેમનાથ દોસ્તીનો હક અદા કરવા દિલીપ કુમારની ફેવરમાં ખસી ગયા અને મધુબાલાનું દિલીપ કુમાર સાથેનું પ્રેમ પ્રકરણ આગળ વધ્યું. આમાં મધુબાલાએ ટુ ટાઇમિંગ કર્યું એવો એક આરોપ લગાડવામાં આવે છે. પણ આ બધી મધુબાલાના અવસાન પછી બહાર આવેલી વાતો છે. તે પ્રકરણના એક પાત્ર એવા દિલીપ કુમારની 2014મા બહાર પડેલી આત્મકથામાં મધુબાલા વિશે ખુલાસાવાર લખ્યા છતાં તે પ્રસંગનો કે ગુલાબનો કોઇ ઉલ્લેખ નથી. મધુબાલાનાં બહેન શાહીદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે તો મધુબાલા અને પ્રેમનાથ વચ્ચે છ માસ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતા. અન્ય એક સ્થળે એમ પણ ઉલ્લેખ મળે છે કે મધુબાલા રોજ સવારે પાંચ વાગે નિયમિત દરિયા કિનારે દોડવા જતાં અને પછી પ્રેમનાથ સાથે ટેનીસ રમવાનું ચૂકતાં નહીં. શાહીદાના કહેવા પ્રમાણે  મધુબાલા અને પ્રેમનાથના લગ્નની દરખાસ્ત ધર્મના આધાર પર પડી ભાંગી હતી. તે પછી ‘આપ્પા’ દિલીપ કુમારના પ્રેમમાં પડ્યાં અને તે એક વ્યક્તિને તેમણે જી-જાનથી ચાહી હતી.

હવે મધુબાલાએ જો કદાચ એક સમયે બે હીરોને પોતાની અંગત જિંદગી માટે ચકાસ્યા હોય તો પણ તેમાં ખોટું શું હતું? મુરતિયાઓ એક કરતાં વધુ કન્યાઓને જોતા નથી? જો કે અમારું અનુમાન તો એ છે કે, શું તે એક 17-18 વરસની એવી છોકરી જેણે નાનપણથી કોઇ રમતો રમી નથી કે મજાક મસ્તી કરી નથી તેનું જુવાનીમાં પ્રવેશતાં કરેલું નિર્દોષ તોફાન ન હોઇ શકે? તેનું વલ્ગર થયા વગરનું પણ અર્થઘટન કરી શકાયને? તે દિવસોની મધુબાલા વિશે દિલીપકુમારે પોતાની 2014ની આત્મકથામાં આવું વર્ણન કર્યું છે, ‘... મેં અગાઉ કહ્યું છે તેમ, એ બહુ પ્રફુલ્લિત અને આનંદી સ્વભાવની હતી અને, ખાસ તો એ મારા શરમાળ અને ઓછાબોલા સ્વભાવમાંથી વિના પ્રયત્ને મને બહાર કાઢી શકી હતી...’ આગળ ઉપર એ જ ખુલાસામાં દિલીપ કુમારે મધુબાલાને એવી સ્ત્રી કહી છે જેના જીવંતપણા અને ચાર્મની તેમને તે સમયે જરૂર હતી.

દિલીપ સા’બની એ કેફિયત શું દર્શાવે છે? મધુબાલા એ કેટેગરીમાં લાગે છે જે મસ્તીખોર હોય. યુવાન છોકરીઓમાં એવો મસ્તીનો સ્વભાવ આજે તો સ્વાભાવિક ગણાય છે. પણ આજથી 40-50 વરસ તો ઠીક પણ આ મિલેનિયમ અર્થાત 2000ની સાલ સુધી પણ ગેરસમજ ઊભી કરનારો હતો. (આવાં ગાયનો પણ એ જ જમાનામાં આવતાં હતાં ને? ‘વો હસ કે મિલે હમ સે, હમ પ્યાર સમઝ બૈઠે....’)  સામે પક્ષે તેમની કરિયરમાં આવેલા કેટલા હીરોએ મધુબાલાને પ્રપોઝ કર્યું હતું? ભારત ભૂષણ વિધુર થયા અને દરખાસ્ત કર્યાની કહાણી જાણીતી છે. એ જ રીતે ‘જીવન જ્યોતિ’, ‘રેલ કા ડિબ્બા’ અને ‘બોય ફ્રેન્ડ’માં તેમની સાથે કામ કરનાર શમ્મી કપૂરે ખુલ્લેઆમ કહેલું છે કે પોતે મધુબાલાને પરણવા માગતા હતા. પણ ‘મધુબાલાએ પોતાનું દિલ દિલીપ કુમારને આપી દીધું હતું.’ શમ્મીકપૂરે તે અંગે આગળ શું કહ્યું છે તે તેમના જ શબ્દોમાં સાંભળીએ, ‘મને તેના માટે ખૂબ માન હતું. ભગવાન આવા લોકો હવે નથી બનાવતા અને હું જ્યારે આમ કહું છું ત્યારે ખૂબ જ પ્રામાણિક છું. ગીતા (ગીતા બાલી તેમનાં પ્રથમ પત્ની) આ જાણતી હતી અને મારાં હાલનાં પત્ની પણ આ વાત જાણે છે. મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. મને નથી લાગતું કે હું તેને ભૂલી શકું...’

કોણ ભૂલી શકે? વર્ષો પછી શમ્મી કપૂરે જ લેખિકા ખતીજા અકબરને મધુબાલા વિશે કહ્યું હતું કે, ‘તે સામે આવતાં જ મારી જીભ સીવાઇ જતી. તેની સામે હું ડાયલોગ ભૂલી જતો. તેણે જ મને ધીમે ધીમે એ સ્થિતિમાંથી બહાર કાઢ્યો. જરા પણ વિલંબ વિના હું તેના પ્રેમમાં પડી ગયો. મેં ત્યારે કહ્યું હતું અને આજે પણ કહું છું કે એટલી રૂપાળી સ્ત્રી મેં જોઇ નથી પરફેક્ટ ફેસ અને અત્યંત નાજુક સુકુમાર ત્વચા લગભગ અલૌકિક...!’ એ બ્યુટીફુલ ચહેરા ઉપરાંત શિસ્તબદ્ધતા મળી ત્યારે જ પિતા મધુબાલા પાસે તેમની હીરોઇન તરીકેની કારકિર્દીનાં પ્રથમ ચાર જ વર્ષમાં 24 ફિલ્મો કરાવી શક્યા હતા. કરિયરની શરૂઆતમાં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા અગાઉના અને લાખો કમાતા અત્યારના એમ બધા કલાકારો એવું કરતા જ હોય છે. કામની એટલી વ્યસ્તતા વચ્ચે થોડી સ્વભાવગત મજાક-મસ્તી કરતી 18-20 વરસની છોકરીને તેના અવસાન પછી ‘પુરુષભૂખી’ ચિતરનારા લેખકો પણ હતા. ત્યારે તેની હયાતિમાં પિતા કડકાઇ રાખે તેમાં નવાઇ ખરી કે? ખાસ કરીને જ્યારે અતાઉલ્લાહ ખાનની નજર સામે બે જીવતા-જાગતા દાખલા હાજર હતા. (વધુ આવતા અંકે)