- Business
- LG ઈન્ડિયાના શેરને લઈને મોટો ટારગેટ, એક્સપર્ટ્સ બોલ્યા-અત્યારે પણ ખરીદી શકો છો સ્ટોક
LG ઈન્ડિયાના શેરને લઈને મોટો ટારગેટ, એક્સપર્ટ્સ બોલ્યા-અત્યારે પણ ખરીદી શકો છો સ્ટોક
શાનદાર લિસ્ટિંગ બાદ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેરની ખૂબ ચર્ચા થઈ રહી છે. સબ્સ્ક્રિપ્શન રકમની દૃષ્ટિએ તેના IPOએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના IPOની લિસ્ટિંગ 50% સાથે થઈ, જેની અપેક્ષા નહોતી. આ ઉછાળા બાદ કંપનીનું માર્કેટ કેપ લગભગ 1.15 લાખ કરોડ રૂપિયા થયું છે, જે તેની દક્ષિણ કોરિયન પેરેન્ટ કંપની કરતા પણ વધારે છે. દક્ષિણ કોરિયાની LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક.નું માર્કેટ કેપ હાલમાં લગભગ 90,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
શું LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેરમાં વર્તમાન ભાવથી પણ વધુ ઉછાળાની અપેક્ષા છે? લિસ્ટિંગ બાદ કેટલાક રોકાણકારોએ નફો મેળવી લીધો છે અને સ્ટોક રેન્જ-બાઉન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, પ્રોફિટ-બુકિંગ બાદ પણ સ્ટોક 1700ની આસપાસ છે. શાનદાર લિસ્ટિંગ બાદ પણ બ્રોકરેજ શેર પર સકારાત્મક રહ્યા છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, 21% સુધીનો ઉછાળો હજુ પણ સંભાવ છે. કારણ કે LG ઇન્ડિયાને સ્થાનિક બજાર અને નિકાસ બંને તરફથી મજબૂત સમર્થન મળવાની અપેક્ષા દેખાઈ રહી છે.
ઘણા બ્રોકરેજ હાઉસે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેરને ‘બાય’ રેટિંગ આપ્યું છે, જેનો લક્ષ્યાંક 2,000 રૂપિયાથી વધુ છે. એમ્બિટ સિક્યોરિટીઝનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 25-28 દરમિયાન કંપનીની આવક અને EBITDA વાર્ષિક 11% CAGRથી વધી શકે છે. એમ્બિટ સિક્યોરિટીઝે 1,820 રૂપિયાનો ટારગેટ આપ્યો છે. ICICI સિક્યોરિટીઝે 1,700 રૂપિયાનો ટારગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે 1,800 રૂપિયા અને PL કેપિટલે 1,780નો ટારગેટ આપ્યો છે. જ્યારે Emkay ગ્લોબલે ‘બાય’ રેટિંગ સાથે 2,050 રૂપિયાનો સૌથી વધુ ટારગેટ પ્રાઇઝ આપી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક્સ કંપની LGનો IPO 7 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો. IPO પ્રાઇસ બેન્ડ 1080 રૂપિયાથી 1140 રૂપિયા પ્રતિ શેર હતી અને તે 14 ઓક્ટોબરના રોજ લિસ્ટેડ થયો હતો. આ કંપની 1997માં ભારતમાં આવી હતી. નવી દિલ્હી સ્થિત LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, ઘરેલુ ઉપકરણ અને ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ (મોબાઇલ ફોન સિવાય)નું ઉત્પાદક અને વેચાણકર્તા છે. તે ભારત અને વિદેશમાં B2C અને B2B ગ્રાહકોને ઉત્પાદનો વેચે છે. તે પોતાના તમામ ઉત્પાદનો માટે ઇન્સ્ટોલેશન, રિપેર અને મેંટેનેન્સ સેવાઓ પ્રદાન કરે છે.

