- Business
- ઓમાનથી ગુજરાત: ભારતનું ઉર્જા ભવિષ્ય બદલી નાખનારી મેગા પાઇપલાઇન ફરી ચર્ચામાં
ઓમાનથી ગુજરાત: ભારતનું ઉર્જા ભવિષ્ય બદલી નાખનારી મેગા પાઇપલાઇન ફરી ચર્ચામાં
વધતી જતી વૈશ્વિક રાજકીય અસ્થિરતા વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના રસ્તાઓ શોધી રહ્યું છે, ત્યારે અરબી સમુદ્રના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી પ્રસ્તાવિત ગેસ પાઇપલાઇન ફરી એકવાર દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે.
આશરે રૂ. 40,000 કરોડના અંદાજિત ખર્ચ ધરાવતી 'ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન' દ્વારા કુદરતી ગેસ સીધો ઓમાનથી ભારતના પશ્ચિમ કિનારે ગુજરાત લાવવામાં આવશે. આ પાઇપલાઇન વિશ્વના અત્યાર સુધીના સૌથી ઊંડા દરિયાઈ માર્ગોમાંથી એક પર નાખવામાં આવશે. જો આ પ્રોજેક્ટ વાસ્તવિકતા બનશે, તો તે ખાડી દેશો અને ભારત વચ્ચે સીધો ઉર્જા કોરિડોર બનાવશે. આ સાથે જ તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થતા દરિયાઈ જહાજોના માર્ગો પરની ભારતની નિર્ભરતાને ઘટાડશે, જે વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ ચેક પોઇન્ટ્સમાંથી એક છે.

આ વિચાર નવો નથી. 1990ના દાયકાની શરૂઆતથી આ પ્રસ્તાવના વિવિધ સ્વરૂપો પર ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ટેકનોલોજીની મર્યાદા, ઊંચો ખર્ચ અને વ્યાપારી સદ્ધરતા અંગેની ચિંતાઓને કારણે આ પ્રોજેક્ટ ક્યારેય પ્લાનિંગ સ્ટેજથી આગળ વધી શક્યો નહોતો. હવે, જ્યારે ભારત ભરોસાપાત્ર અને લાંબા ગાળાના ઉર્જા પુરવઠાની શોધમાં છે અને ખાડી વિસ્તારમાં વારંવાર રાજકીય તણાવ ઊભો થાય છે, ત્યારે આ પ્રોજેક્ટ ફરીથી કેન્દ્રસ્થાને આવ્યો છે.
ભારત હજી પણ ઉર્જાની આયાત પર ખૂબ મોટો આધાર રાખે છે. દેશ પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને કુદરતી ગેસ, ખાસ કરીને LNG - લિક્વિફાઇડ નેચરલ ગેસના વિદેશી પુરવઠા પર નોંધપાત્ર રીતે નિર્ભર છે.
આ આયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે અને પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતી સાંકડી દરિયાઈ પટ્ટી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દ્વારા ભારત પહોંચે છે. આ માર્ગ પર કોઈપણ પ્રકારની અડચણ કે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો તેની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજારો પર પડે છે, જેનાથી શિપિંગ ખર્ચ, ઇંધણના ભાવ અને સપ્લાય ચેઇન પ્રભાવિત થાય છે.
પશ્ચિમ એશિયામાં તાજેતરના તણાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે માત્ર એક જ દરિયાઈ માર્ગ પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. એલએનજીના ભાવોમાં આવતી ભારે અસ્થિરતા અને શિપિંગ સુરક્ષા અંગેની ચિંતાઓએ હવે એવા વિકલ્પો શોધવાની જરૂરિયાત ઊભી કરી છે જે વધુ સ્થિર પુરવઠો પૂરો પાડી શકે.
ઓમાન-ગુજરાત પાઇપલાઇનને આવા જ એક મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.

સામાન્ય રીતે LNGની આયાત માટે પહેલા ગેસને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવો પડે છે, ટેન્કર દ્વારા તેનું વહન થાય છે અને ભારતમાં આવ્યા પછી તેને ફરીથી ગેસ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તેની સરખામણીમાં, આ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ સીધો તેના સ્ત્રોતથી ભારતમાં પહોંચશે. સમર્થકોની દલીલ છે કે આનાથી વધુ વિશ્વસનીયતા મળશે અને દરિયાઈ વેપાર માર્ગોને અસર કરતા અવરોધોનું જોખમ ઘટી જશે.
આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને ઘણીવાર 'મિડલ ઇસ્ટ-ઇન્ડિયા ડીપવોટર પાઇપલાઇન' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અરબી સમુદ્રમાં ફેલાયેલા અંડરવોટર નેટવર્ક દ્વારા ઓમાનને સીધું ગુજરાત સાથે જોડશે.
આ માર્ગના કેટલાક ભાગો સમુદ્ર સપાટીથી 3,000 મીટર (આશરે 10,000 ફૂટ) કરતાં વધુ ઊંડાઈએ હોવાની અપેક્ષા છે, જે તેને અત્યાર સુધીના સૌથી ઊંડા સબસી પાઇપલાઇન પ્રોજેક્ટ્સમાંનો એક બનાવે છે. આ ઊંડાઈ સામાન્ય દરિયાઈ ઉર્જા પ્રોજેક્ટ્સ કરતાં ઘણી વધારે છે અને તેના માટે અત્યંત વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉકેલોની જરૂર પડશે.
આ પાઇપલાઇન લાંબા ગાળાના સપ્લાય કરાર હેઠળ કુદરતી ગેસનું વહન કરશે, જે ભારતને તેના ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ કરશે અને ઓમાનને એક સ્થિર નિકાસ બજાર પૂરું પાડશે.
પ્રોજેક્ટના પ્રસ્તાવો અનુસાર, આ માર્ગે ગેસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પ્રતિ MMBtu (મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) આશરે $2 થી $2.25 ની આસપાસ હોઈ શકે છે, જોકે અંતિમ ખર્ચ ફાઇનાન્સિંગ વ્યવસ્થાઓ, બાંધકામ ખર્ચ અને ભવિષ્યના ગેસના ભાવો પર આધારિત રહેશે.
ઓમાન અને ભારત વચ્ચે સીધી ઉર્જા કનેક્ટિવિટીનો આ વિચાર 30 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં, અરબી સમુદ્રની નીચે પાઇપલાઇન નાખવાની શક્યતા ચકાસવા માટે ઘણા અભ્યાસો કરવામાં આવ્યા હતા. જોકે, અગાઉના પ્રસ્તાવો ઊંચા ખર્ચ અને ટેકનોલોજીકલ મર્યાદાઓને કારણે ક્યારેય આગળ વધી શક્યા નહોતા.
તે સમયે, મુખ્ય પ્રશ્ન એ હતો કે શું આટલી ઊંડાઈએ કામ કરતો પ્રોજેક્ટ આર્થિક રીતે ફાયદાકારક અને તેની જાળવણી શક્ય બનશે કે નહીં. સમય જતાં ઉર્જાના ભાવોમાં થતા ફેરફારોએ આ બિઝનેસ પ્લાનને વધુ જટિલ બનાવ્યો હતો.
આ ચિંતાઓ આજે પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી, પરંતુ ઓફશોર એન્જિનિયરિંગમાં થયેલી પ્રગતિ અને ઉર્જા સુરક્ષાના વધતા વ્યુહાત્મક મહત્વને કારણે આ પ્રોજેક્ટમાં રસ ફરી જાગ્યો છે.
આ પાઇપલાઇનને પ્રોમોટ કરનાર ખાનગી કન્સોર્ટિયમ SAGE એ કથિત રીતે તેના ટેકનિકલ અને નાણાકીય સદ્ધરતાના અભ્યાસો પૂર્ણ કરી લીધા છે. કન્સોર્ટિયમે અંડરવોટર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા અને સંભવિત એન્જિનિયરિંગ પડકારોને ઓળખવા માટે પ્રસ્તાવિત માર્ગ પર દરિયાઈ પેટાળના સર્વેક્ષણો પણ કર્યા છે.
ભારત સરકારની સરકારી કંપનીઓ જેમ કે GAIL અને ઇન્ડિયન ઓઇલ (IOC) એ પણ આ પ્રોજેક્ટની વ્યવહારિકતા ચકાસવા માટે તેના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો છે. આ સકારાત્મક મૂલ્યાંકન ભવિષ્યમાં ઓમાન સાથે ગેસના ભાવો, ધિરાણ અને પ્રોજેક્ટના અમલીકરણ અંગેની વાટાઘાટોનો માર્ગ મોકળો કરી શકે છે.
આ પ્રોજેક્ટ વ્યુહાત્મક રીતે ભલે ગમે તેટલો આકર્ષક લાગતો હોય, પરંતુ તેની સામે મોટા પડકારો છે:
1. એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટો પડકાર: 3,000 મીટરની ઊંડાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું એ સામાન્ય પાઇપલાઇન પ્રોજેક્ટ્સ કરતાં ઘણું મુશ્કેલ છે. સમુદ્રના પેટાળનું અતિશય દબાણ, મુશ્કેલ પરિસ્થિતિઓ અને મર્યાદિત પહોંચને કારણે પાઇપલાઇન નાખવાનું અને તેની જાળવણીનું કામ અત્યંત જટિલ બની જાય છે. કોઈપણ લીકેજ કે ટેકનિકલ ખામી સર્જાય તો તેનું સમારકામ કરવું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થશે, જેના માટે ખાસ જહાજો અને અદ્યતન અંડરવોટર સાધનોની જરૂર પડશે.
2. આર્થિક સદ્ધરતા : રૂ. 40,000 કરોડનો અંદાજિત ખર્ચ હજી પ્રારંભિક છે, અને આવા મોટા પ્રોજેક્ટ્સમાં ઘણીવાર વિલંબ થતાં ખર્ચ વધી જતો હોય છે. આ પાઇપલાઇન લાંબા ગાળે વ્યવસાયિક રીતે ફાયદાકારક રહેશે કે નહીં તે ભવિષ્યના ગેસના ભાવો, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને બજારની માંગ પર નિર્ભર કરશે. અગાઉ આ પ્રોજેક્ટ ફ્લોપ થવાનું મુખ્ય કારણ આર્થિક રીતે તે બહુ ફાયદાકારક નહોતો. જોકે, સમર્થકો માને છે કે બદલાતી બજારની સ્થિતિએ હવે આ પ્રોજેક્ટનો પક્ષ મજબૂત કર્યો છે.
3. નાણાકીય ભંડોળ : આ પ્રોજેક્ટ માટે ફંડિંગ કોણ પૂરું પાડશે, ખર્ચની વહેંચણી કેવી રીતે થશે અને શું લાંબા ગાળાના સપ્લાય કરારો રોકાણકારોને પૂરતો ભરોસો આપી શકશે કે નહીં, તેવા પ્રશ્નો હજી પણ યથાવત છે.
માત્ર ઉર્જા પ્રોજેક્ટ નહીં, એક વ્યુહાત્મક કદમ
ભારતના નીતિઘડવૈયાઓ માટે ઓમાન-ગુજરાત પાઇપલાઇન માત્ર કુદરતી ગેસની આયાત પૂરતો સીમિત વિષય નથી.
આ પ્રસ્તાવ ભારતની ઉર્જા ક્ષમતાને મજબૂત કરવા અને ભૌગોલિક-રાજકીય અવરોધોથી બચવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. ભારતને ખાડી દેશો સાથે જોડતો સીધો ઉર્જા કોરિડોર પ્રાદેશિક ભાગીદારો સાથેના આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવી શકે છે અને ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને સંભાળવામાં વધુ સુગમતા પ્રદાન કરી શકે છે.
કેટલાક ઉર્જા નિષ્ણાતો આ પ્રોજેક્ટને આવનારા વર્ષોમાં ખાડી દેશો અને ભારત વચ્ચેના વ્યાપક ઉર્જા જોડાણના પાયા તરીકે જુએ છે. જેમ જેમ વિશ્વ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, તેમ આજે બનેલું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યમાં હાઇડ્રોજન સહિતના વૈકલ્પિક ઇંધણના વહન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ વિઝન ક્યારે સાકાર થશે તેનો આધાર આગામી વર્ષોમાં લેવાનારા નિર્ણયો પર રહેશે.
હાલ પૂરતું, ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન ભારતનો સૌથી મહત્વાકાંક્ષી ઉર્જા પ્રસ્તાવ છે. ઉર્જા સુરક્ષાની ચિંતાઓ વધતાં તેની પાછળનો વ્યુહાત્મક તર્ક વધુ મજબૂત બન્યો છે, પરંતુ સામે એન્જિનિયરિંગના પડકારો પણ એટલા જ અઘરા છે. ત્રણ દાયકા કરતાં વધુ સમયની ચર્ચા પછી, આ પ્રોજેક્ટ ફરી એકવાર ભારતની સૌથી મોટી ઉર્જા નબળાઈ (એક જ દરિયાઈ માર્ગ પર નિર્ભરતા) ના સંભવિત જવાબ તરીકે મૂલ્યાંકન હેઠળ છે. હવે સવાલ એ નથી કે આ વિચાર કેટલો આકર્ષક છે, પરંતુ સવાલ એ છે કે શું ટેકનોલોજી, અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સિંગ આ બધું ભેગું મળીને આ સપનાને હકીકતમાં બદલી શકશે કે નહીં.

