Magazine: કથા ક્લાસિક - Khabarchhe

બૂટપૉલિશવાળો
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)સ્ટેશન ઉપર, ગાડી મોડી હતી એટલે ભરત અને ગિરીશ બાંકડા ઉપર બેસી વાતો કરતા હતા તેમાંથી યાદ આવ્યું કે, અઠવાડિયા પછી પંચગની હવા ખાવા જવાનું ગોઠવ્યું હતું એટલે શું શું સાથે લઈ જવું તેની યાદી કરવા બેસીએ. ભરતે પેન કાઢી, ગિરીશે કાગળ કાઢ્યો, આપ્યો ને કહ્યું : 'પ્રથમ રસોઈ માટે કયા કયા સાધનો જોઈશે, તે નોંધો.'

ભરત : 'રસોઈનાં સાધનની ભાંજગડમાં પડીને આપણે શું કામ છે? એ તો લલિતા અને કાન્તા ફોડી લેશે.'

ગિરીશ એના સ્વભાવ પ્રમાણે ઘાંટો પાડીને બોલી ઊઠ્યો : 'બૈરાં ફોડી લેશે અને આપણો દહાડો વાળશે એ ભ્રમ આબુનો અનુભવ થયો છે છતાં તારો નથી ગયો? કેટલી ચીજો એમણે ઘેરથી નહોતી આણી? આપણે નાહક પૈસા ખર્ચી ખરીદવી પડી હતી! હજુ ફરી એનો એ અખતરો કરવો છે?'

ભરત કંઈ બોલે તે પહેલાં બૂટપૉલિશ કરનાર એક બારચૌદ વર્ષના છોકરાઓ વચ્ચે ઝુકાવ્યું : 'સાહેબ! બૂટપૉલિશ ! સરસ કરી દઈશ.'

ગિરીશે છાંછિયું કર્યું : 'જા ને હવે બૂટપૉલિશવાળો મોટો! સહેજ ઠરીને નિરાંતે વાત કરવા દે.'

પણ ભરતની નજર બૂટ ઉપર હતી એટલે છાંછિયાંથી ટેવાયેલ છોકરાએ એને ઉદ્દેશીને કહ્યું : 'સાહેબ! સરસ કરી દઉં તો પૈસા આપજો.'

બૂટપૉલિશ કરાવવા અંગે ભરતના દિલમાં કોઈ કોઈ વખત વૈરાગ આવી જતો, પણ આજ સુધી મોટે ભાગે એ સ્મશાનવૈરાગ્ય જ નીવડ્યો હતો. બૂટને પૉલિશ કરવી જોઈએ એમ એ માનતો પણ સ્ટેશન ઉપર ગમે તેવી હલકી પૉલિશ છોકરાઓ વાપરતા હોય છે એટલે ડાઘા પડી જાય છે, એ અનુભવ એણે ઘેર બૂટપૉલિશ કરવા કીવીની પૉલિશ આણી હતી તે પડી પડી સુકાઈ ગઈ પણ એકેય વખત કરી ન હતી. ઘેર હોય ત્યારે પૉલિશ કરવાનું યાદ ન આવે, બહાર જતી વખતે બૂટના દેદાર જોઈ એને થાય કે પૉલિશ ઘેર આવીને તરત જ કરી નાખીશ. પણ બૂટ પહેરતાં જેટલો મોહ હોય છે. તેટલો ઘરમાં આવી બૂટ કાઢતી વખતે વૈરાગ્ય હોય છે. તે વખતે પૉલિશ કરવાનું ભરતને ક્યારેય સૂઝતું નહિ. છેવટે સ્મશાનવૈરાગ્ય ઊડી જતો અને સ્ટેશન ઉપર બૂટપૉલિશની બૂમ પડે એટલે સારી પૉલિશ કરજે એમ ચેતવણી આપીને એ કરાવી લેતો. કઈ પૉલિશ છે તેમ પૂછતાં છોકરો કીવીની ડબ્બી બતાવી પૉલિશ કરવા બૂટ લેતો પણ બૂટ તૈયાર થતાં માલૂમ પડતું કે કીવીની ડબ્બીમાં બીજી પૉલિશ ભરેલી હતી, બાકી આવી ખરાબ પૉલિશ બને નહિ.

આવો કડવો અનુભવ એને છેલ્લી વખત વધારે થયો હતો એટલે એનો ઉલ્લેખ કરતાં બુટપૉલિશવાળા છોકરાને ભરતે કહ્યું : 'જો આ બૂટ. ગયે વખતે એના ઉપર ડાઘા પાડી નાખ્યા છે. એવું જો બનશે તો પૈસા નહિ આપું.'

છોકરાએ આમ ભરતનું કૂણું મન જોતાં સીધા પગમાંથી બૂટ કાઢી લીધા અને પોતે સારી પૉલિશ કરશે એની ખાતરી તરીકે ડબ્બી ખોલીને અંદરની લાલ પૉલિશ ભરતને બતાવી. એના તરફ નજર પણ કર્યા વગર એણે કહ્યું : 'હલકી પૉલિશ ઊંચી ડબીમાં ભરીને તમે લોકોને છેતરો છો એનો મને પૂરો અનુભવ છે.'

ભરતે બૂટ પૉલિશ કરવા આપ્યા તે ગિરીશને ગમ્યું ન હતું. એનું કારણ જોવા જાઓ તો કંઈ ન હતું. જો બૂટપૉલિશવાળો પૂછે તો એ ના પાડે અને એ બોલ્યા વગર ચાલ્યો જતો હોય તો એને બૂમ પાડીને બૂટ આપે! વળી એક વખત ના કહી તો હા ન પાડે. તેમાં વળી એ યાદી કરવાના કામમાં હતો, ત્યાં એણે ડખલ કરી એટલે એ છોકરા ઉપર ગુસ્સે થયેલો હતો. એ ભાવ વ્યક્ત કરતાં એણે ભરતને કહ્યું : 'સારી પૉલિશ નથી કરતાં તો શું ઝખ મારવા બૂટ આપ્યા?'

છોકરો બોલ્યો : 'સાહેબ! સારી પૉલિશ કરીશ એની ખાતરી રાખજો. હું એવી છેતરામણી કદી કરતો નથી, સારી પૉલિશ જ રાખું છું. મારી પાસે કીવીની પૉલિશ છે કે નહિ, તે તો હમણાં બૂટ તૈયાર થાય ત્યારે તમે કબૂલ કરશો.'

ગિરીશ : 'હજામત અને બૂટપૉલિશ બેનો શોખ જ નકામો છે. ગમે તેટલી સારી હજામત કરીએ પણ બીજે દિવસે ધૂળ! પૉલિશનું પણ એવું. હમણાં પગમાં બૂટ ઘાલ્યા કે ધૂલ ચોંટી સમજવી.'

ભરત : 'કાયમનું તો જગતમાં શું છે? દાતણ આજ કર્યું એટલે આવતીકાલે નહિ કરવું પડે? એક દિવસ નાહીએ એટલે બીજે દિવસે નહાવું નથી પડતું? એક ટંક ખાધું એટલે બીજે ટંક ખાવું નથી પડતું? બુટપૉલિશ અને હજામતનો દોષ શું કામ કાઢે છે?'

ગિરીશ : 'બધું તત્વજ્ઞાન ગાડીમાં બેસીએ ત્યારે ઉકેલજે, ગિરદીમાં એનો વાંધો નહિ આવે. તે પહેલાં એક વખત ચાલને યાદી બનાવી લઈએ?'

ભરત : 'પંચગનીમાં આબુ જેટલી સગવડ એટલે બનતાં લગી કોઈ વસ્તુ રહી ન જાય તે જોવાનું.'

ગિરીશ : 'બે મહિના જેટલો લાંબો ગાળો રહેવાનું એટલે ચલાવી પણ શાના વગર લેવાય?'

આમ કહી બંને જણ યાદી કરવાના કામમાં લાગી ગયા. સંભારી સંભારી બંને જણા વસ્તુઓનાં નામ બોલતા જતા હતા. જાજરૂના ટમ્બલરનું નામ આવ્યું એટલે બન્ને વચ્ચે મતભેદ ઊભો થયો. ગિરીશ એના સ્વભાવ પ્રમાણે એક વખત ના પાડે તો પછી દલીલ કરો તોય હા ન પાડે. એણે કહ્યું : 'એની શી જરૂર છે? લોટો ચાલશે.'

ભરત : 'લોટાને દર વખત ક્યાં માંજવા બેસવું? ટમ્બલર જ જોઈએ.'

ગિરીશ : 'માંજતા શાં વરસો જવાનાં હતાં? એવી બધી વસ્તુઓ લેવા બેસીએ તો આખું ઘર જ ત્યાં ઉપાડી જવું પડે.'

ભરત : 'ટમ્બલર તે એવું કયું મોટું હતું કે જગા રોકી પાડવાનું હતું? મારી યાદીમાં એનો સમાવેશ કરીશ. પછી છે?'

ચોર કોટવાળને દંડે તેમ ગિરિશ બોલ્યો : 'તું ખોટો જક્કી છે. તારીમારી યાદીની ક્યાં વાત છે? એના વગર ચાલશે એટલે એ જક શું કામ જોઈએ?'

પૉલિશવાળો છોકરો ભરતના પગ આગળ બૂટ મૂકી ક્યારનો ઊભો રહ્યો હતો. બે વખત એણે ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. ત્રીજી વખત ધ્યાન ખેંચતાં એણે કહ્યું : 'સાહેબ! બૂટ.'

ગિરીશ ખિજાઈ જતાં બોલ્યો : 'હવે સહેજ તારો ઘોડો તાણી રાખને! જોયાં બૂટ હવે.'

છોકરો : 'સાહેબ! મને પૈસા આપો એટલે હું બીજે જાઉં ને!'

ભરત ખિસ્સામાં હાથ નાખવા જતો હતો. ત્યાં ગિરીશે એક આનો કાઢી છોકરાના પગ આગળ નાખ્યો અને કહ્યું : 'તું મોટો કામગરો છે તે જા અહીંથી.'

છોકરો : 'એક આનો નહિ સાહેબ, બે આના.'

ગિરીશ વધુ ખિજાઈ જતાં બોલ્યો : 'શું બોલ્યો અલ્યા? બોલ જોઉં ફરીથી?'

છોકરાએ ગિરીશને કંઈ જવાબ ન આપતાં ભરત સામે જોયું.

ભરત બોલ્યો : 'બધા એક આનો લે છે અને તું બે આના શાનો માગે છે?'

છોકરો : 'હું સારી પૉલિશ રાખું છું, એટલે મને એક આનો શી રીતે પોસાય?'

વચ્ચે ગિરીશ બોલી ઊઠ્યો : 'તો પહેલેથી તેં કહ્યું કેમ નહિં કે બે આના લઈશ? જા નહિ મળે! જોઈએ તો એક આનો લે, નહિ તો ચાલતી પકડ.'

છોકરે કંઈ બોલ્યા વગર ઊભો રહ્યો, એક આનો એમ ને એમ નીચે પડ્યો પડ્યો એ ત્રણેનો તમાશો જોઈ રહ્યો હતો.

ભરત નમતું મૂકીને કદાચ એક આનો આપી દેશે એ શંકાએ ગિરીશ બોલ્યો : 'એની હઠને તાબે થવાની જરૂર નથી. રેલવેના પોર્ટરો જેમ રકઝક કરી વધારે મજૂરી પડાવવા ટેવાઈ ગયા છે. તેમ આ છોકરાઓ પણ હરામી થઈ ગયા છે. સારી પૉલિશ રાખે એમાં આપણા ઉપર ઉપકાર કરે છે? વધારે ધંધો કરવો હોય તે બધા સારો માલ રાખે છે' અને બૂટ ઉપર નજર કરી ઉમેર્યું : 'એમાં શું સારી પૉલિશ તેં કરી નાખી છે? એક આનામાં આનાથી સારી મેં દર વખતે કરાવી છે.'

છોકરો નમ્ર થઈ બોલ્યો : 'સાહેબ! તમે સારા માણસ થઈને સારા કામની કદર નહિ કરો તો કોણ કરશે?'

ભરતને થયું કે પૉલિશ તો એણે સારી કરી હતી : બીજો એક આનો આપી દેવામાં વાંધો પણ ન હતો. પરંતુ ગિરીશનું ઊંહુ એ મિયાંભાઈના ઊંહું જેવું હતું. એક વખત ઊંહું થયું તેનું 'હા' ન થાય. વળી એની એક દલીલ ભરતને પણ વાજબી લાગી હતી કે જો એ બે આના લેતો હતો તો પહેલેથી એણે કહ્યું કેમ નહિ? જો કે એ મોટી વાત ન હતી, પરંતુ ગિરીશ લપ કરે ત્યારે વચ્ચે ન પડવું એમ માની ભરત યાદી આગળ કરવા લાગ્યો.

ગિરીશને વસ્તુઓ લખાવવા લાગ્યો. વચ્ચે ટમ્બલર જેવો મુદ્દે આવે તો ચર્ચા કરવા લાગે પણ ઊભેલા છોકરા તરફ કોઈ ધ્યાન ન આપે. છેવટે છોકરો બોલ્યો : 'સાહેબ...!'

ગિરીશે એને આગળ બોલતાં અટકાવીને કહ્યું : 'અહીંથી જાય છે કે નહિ? જા અહીંથી, નહિ તો એક તમાચો ચોડી દઈશ!'

ગિરીશનું ભલું પૂછવું. એ ગાડીમાં મુસાફરી કરતો હોય ત્યારે ભાગ્યે બાઝવાનું ન બને. રેલવેના નોકરો સાથે તો એ નાની બાબતમાં બાઝ્યા વગર ન રહે. એ લોકોને સીધા કરવામાં ન આવે તો એમની આંખ ન ઊઘડે એમ એ માનતો, એટલે એ કદાચ છોકરાને મારી બેસશે એમ માની ભરતે એને ખભે હાથ મૂક્યો.

પછી છોકરા તરફ નજર કરે છે તો એની આંખમાંથી દડદડ આંસુ વહ્યે જતાં હતાં! પહેલી જ વખત ભરતની નજર એ છોકરાના મોં ઉપર સ્થિર થઈ. ગોરું નહિ અને શ્યામ નહિ એવું એ કુમળું મોં હતું, આવા ધંધામાં પડેલા છોકરાઓ ખંધા થઈ જાય છે તેવો એ ખંધો ન હતો એમ એની થરથર ધ્રૂજતી કાયા કહેતી હતી. અને એવો ખંધો હોય તો આમ એ નિરાધાર જેવો બની રડે પણ નહિ. ભરતને એની દયા આવી. એક આનો આપવા એણે ખિસ્સામાં હાથ નાખ્યો.

ગિરીશે એ હાથને પકડી રાખતાં કહ્યું : 'નથી આપવાનો બીજો આનો!'

ભરત : 'મૂકશે હવે એ વાત.'

ગિરીશ : 'પણ એ રડ્યો શું કરવા? મેં એને માર્યો તો નથી ને? એમ રડી એ ઓશિયાળો બને એટલે વધારે મળે, એ ગિરીશ પાસે નહિ બને. દાદાગીરીનાં બે રૂપ છે. એક ડરામણી અને બીજું ઓશિયાળાપણું.'

છોકરો બોલ્યો : 'હું ઓશિયાળો બની કંઈ લેવા નથી માગતો, મારા ખરા હક્કનું માગું છું, આપવા હોય તો બે આના આપો, નહિ તો મારે કંઈ જોઈતું નથી.'

ગિરીશ : 'તો ચાલ્યો જા અહીંથી.'

છોકરો આમ તરત ચાલ્યો જશે એમ ભરતે નહિ કલ્પેલું. એને દૂર જતો જોઈ ભરતે ગિરીશને કહ્યું : 'શું કરવા આમ કરે છે?'

ગિરીશ : 'તમે વેવલા લોકો જ આમ કરીને આ પ્રજાને બગાડો છો. એ ક્યાંય મરવાનો નથી. ગાડી આવશે તે પહેલાં જોજે, બાપા કહીને એ જ પાછો એક આનો લઈ જશે.'

ગિરીશના કથન ઉપર ભરતે ભરોસો રાખ્યો અને છોકરો આવશે ત્યારે પોતે એને બે આની આપી દેશે માની બંને જણ વાતોએ વળગ્યા. ગાડી યાર્ડમાં આવી એટલે બંને ઊભા થયા. જગા મેળવવા પ્લેટફોર્મના આગળના ભાગમાં ઝડપથી પગ ઉપાડવા માંડ્યા અને પહેલા ડબ્બામાં જગા મળી ગઈ એટલે નિરાંતનો શ્વાસ લીધો. અધૂરી વાત ગિરીશે આગળ ચલાવી.

ગાડી ઊપડવાના ટકોરા પડ્યા. ગાર્ડે વ્હીસલ મારી, અને એ નાની વ્હીસલ કોઈએ સાંભળી ના સાંભળી માની એન્જિને મોટો બરાડો પાડ્યો. અને એ બરાડો જાણે પેલા બૂટપૉલિશવાળા છોકરાએ પાડ્યો હોય તેમ ભરતનો ધ્રાસ્કો પડ્યો. એ છોકરો યાદ આવ્યો. ગાડી ઊપડી ચૂકી હતી. ભરતે ઊભા થઈને બારી બહાર ડોકું કાઢી પ્લેટફોર્મ ઉપર નજર કરી તો છોકરો નજરે ન પડ્યો.

ગિરીશે પૂછ્યું : 'શું જુએ છે?'

ભરત : 'પેલો પૉલિસવાળો છોકરો જણાયો નહિ.'

ગિરીશ : 'ભોગ એના. એટલી બધી ચરબી રાખીને એણે શું કાંદો કાઢ્યો? એક આનો ખોયો એ જ કે બીજું?'

ભરત ચૂપ રહ્યો. એના હૈયામાં રડતા છોકરાનું દયામણું મોં લપાઈને બેસી ગયું હતું. એણે બૂટપૉલિશ સારી કરી હતી તેમાં શંકા ન હતી, કીવીની ડબીમાં હલકી પૉલિશ રાખી છેતરપિંડી કરી ન હતી, બીજા છોકરાઓની માફક ખંધાઈ બતાવી ન હતી, સહેજ ઊંચા સાદે બોલતાં રડી દીધું હતું. બે આના કરતાં પોતે ઓછું નહીં લે તેવો પોતાનો પ્રમાણિક ભાવ અને મક્કમ નિર્ણય જણાવ્યો હતો, પરિણામમાં એણે શું મેળવ્યું?'

સારી બૂટપૉલિશ થતી નથી એમ કાયમ બૂમ પાડનાર ભરતને થયા કરતું, કે એનો જવાબ આપે તેવો એકાદ છોકરો નીકળ્યો, ત્યારે પોતે એની કેવી કદર કરી? એને થયું, ગિરીશ ન હોત તો પોતે આવું વર્તન કદી આચરી શક્યો ન હોત. એક પ્યાલો પાણી પીધા બદલ એણે ક્યારેય પૈસા કે બે પૈસા છૂટા શોધ્યા નથી. પણ ગરમીમાં પાણી પાનારને એણે કાયમ એક આનો આપ્યો છે. શું કરવા? ખિસ્સામાં છૂટા બે પૈસા હોય છતાં ઓછું આપવાની વૃત્તિ બતાવી નથી, કારણ તાપમાં, સ્ટેશનોએ કૂવાની સગવડ ન હોય છતાં દૂરથી પાણી લાવી પાનારને શા માટે ઓછું આપવું? તો શા માટે પ્રમાણિક રીતે જીવવા પ્રયત્ન કરનાર છોકરાને એણે દુભાવ્યો?

વચ્ચે ગિરીશ દેખાયો. શા માટે એની ઈચ્છાને તાબે થયો? ગિરીશના હૃદયને આ લાગણીઓ ન સ્પર્શતી હોય, એને એમાં ન્યાય દેખાતો હોય. તો ભલે એ એવું વર્તન રાખે, પણ પોતાની લાગણીઓ પ્રમાણે પોતે કેમ ન વર્ત્યો? ગિરીશથી એ કંઈ દબાયેલો ન હતો, વળી એની ઈચ્છા વિરુદ્ધ એક આનો આપ્યો હોત તો એ કંઈ એને ના પાડી ન શકત. સ્વભાવ પ્રમાણે થોડું બોલત એટલું જ. અને એ ક્યારે નથી બોલતો? એના સ્વભાવ તરફ ધ્યાન આપવામાં આવે તો મૈત્રી ટકી પણ ક્યાંથી હોય? એ તો એના સ્વભાવનું એક લક્ષણ હતું એટલું જ, બાકી એ જ છોકરાને વગર પૉલિશ કરાવ્યે રૂપિયા આપવાનો હોય તો એ આપી દે. એણે કોને કોને કેટલી મદદ કરી છે, તે કોણ જાણે છે? એણે ક્યારે કોઈને જાણવા પણ દીધું છે? અને એણે તો આ ખોટું કર્યું છે એમ માન્યું પણ ક્યારે છે? એટલે એ ગમે તેમ વર્તે. પણ હું આ બધું અંતરમાં અનુભવ્યા છતાં શું કરી બેઠો?

ભરતના હૈયામાં આ ચટપટી ચાલી રહી હતી ત્યારે ગાડી ચાલી જતાં પ્લેટફૉર્મને એક છેડે, લીમડા નીચે પૉલિશવાળા પાંચ-સાત છોકરાઓ સહિયારી ત્રણ કપ ચા અને અર્ધો શેર ભજિયાં મંગાવી ખાતા-પીતા હતા. કેશવે એકલાએ પોતાને ચા નથી પીવી તેમ કહ્યું.

છગને કહ્યું : 'કેમ નથી પીવી?'

કેશવ : 'નથી પીવી વળી!'

મનોર : 'હું મારા ભાગના પૈસા આપીશ, પછી ના ભસ્યો એમાં તને નુકસાન નહિ જાય ને?'

છગન એ જવાબથી કેશવ તરફ તાકી રહ્યો. રડી રડીને એનું મોં ઊભર્યું હતું એમ એને તરત સમજાઈ ગયું. બોલ્યો : 'સાચું બોલજે, કકેશવ! તું રડ્યો છે ને?'

કેશવ : 'હું ક્યારેય જૂઠું બોલું છું તે સાચું બોલજે એમ તારે કહેવું પડે છે? હું કેમ રડ્યો તે જાણીને તમે બધા હસશો. દરેક વખતે મશ્કરી કરો છો તેમ મશ્કરી કરશો. એક વખત ચા ઠરી જાય છે પી લ્યો, પછી એ વાત જાણવી જ હશે તો કહીશ.'

બૂટપૉલિશવાળા છોકરાઓમાં કેશવ એની પ્રામાણિકતા અને સચ્ચાઈને લીધે માનીતો થઈ પડ્યો હતો. તેમ ધંધામાં એ અળખામણો પણ થઈ પડતો હતો. બધાં કરતાં એ સારી બૂટપૉલિશ કરતો એ બીજાઓથી ખમાતું નહિ, એને વધારે ઘરાકી મળે તે પણ વેઠાતું નહિ. બીજા એ કારણે એનો જીવ કાઢતા કે આમાં નથી તને ફાયદો કે નથી અમને ફાયદો, એક આનામાં તું સારી પૉલિશ વાપરે એટલે કંઈ કમાવાનું રહે નહિ. બીજાની ઘરાકી ઓછી થાય એટલે એમને પણ ગેરલાભ, એના કરતાં તું સૌના જેવી પૉલિશ રાખે તો શું ખોટું?

છેવટે કેશવે અપ્રામાણિક રીત તો ન સ્વીકારી, પણ પોતાનો ભાવ વધાર્યો. એ કારણે પોતાને ઘરાકી ઓછી થાય એ બીજાઓને મળે, અને પોતાને ઓછી ઘરાકીમાં પણ આવક સરખી થઈ રહે. આ કારણે બીજાઓને તો નિરાંત થઈ, પણ એને કપાળે મુશ્કેલી લખાઈ. બે આના કહે એટલે મોટો ભાગ બૂટપૉલિશ ન કરાવે, અને જે કરાવે એ પણ કામ પત્યા પછી કહે - 'બે આના શાના? એટલી બધા સારી તે કંઈ પૉલિશ કરી નથી. હજુ એક હાથ વધારે માર, વગેરે વગેરે. અને એને લીધે જે પ્રસંગો બનતા એ કેશવ પોતાની સાથે કામ કરનાર છોકરાઓને કહેતો ત્યારે એની મૂર્ખાઈ પર બધા હસતા અને મૂર્ખાઈ છોડી દેવા ઉપદેશ આપતા.'

કેશવે જે પ્રસંગ બન્યો હતો તે કહી જણાવ્યું : 'મને જે રડવું આવ્યા કર્યું તેનું કારણ મારા બે આના ગયા તે નહિ, પણ સારા માણસોય કેવી દાદાગીરી કરે છે તે.'

મનોર : 'પૈસાદાર પૂરતા એટલા એ માણસ, બાકી છેતરપિંડી તો સારા દેખાતા વધારે કરે છે. આપણે એક આનાની પૉલિશમાં છેતરી છેતરીને શું છેતરી લઈએ? અને એ તો હજારો લાખો રૂપિયા છેતરી લે છે.'

છગન : 'જેમ વધારે મોકો મળે તેમ એ વધારે છેતરપિંડી કરે.'

કેશવ : 'મને દુઃખ થયું તે એટલા માટે કે પંચગની હવા ખાવા જનાર બે મહિનામાં ગમે તેટલા રૂપિયા વાપરી નાખશે, પણ એક આનો મારા ખરા હક્કનો એમને આપવાનું દિલ ન થયું.'

રણછોડ : 'હક્કને ફક્ક. તને હજાર વખત તો કહ્યું કે તારા જેવો એક રઘો હતો. હરામીવેડા નહિ અને કોઈનાથી દબાવુંય નહિ. ફોજદાર સાહેબના બૂટ મફત પૉલિશ કરવાની ના પાડી પૈસા માગ્યા, ને ત્રીજે દિવસે રેલવેની ચોરીના કિસ્સામાં એનું નામ ઘાલી દીધું અને ગયો એક મહિનો જેલમાં!'

મનોર : 'એથી એ તો છૂટ્યો બૂટપૉલિશમાંથી. પહેલાં આપણા સ્ટેશને એ આપણા જેવો મેલોઘેલો રહેતો હતો, હવે રેલવેમાં ચોરીઓ કરતાં શીખી તે લીલાલહેર કરે છે ને?'

કેશવ : 'પણ ચોરીઓ કરવી સારી છે?'

રણછોડ : 'એમ તો બધા કહે છે કે સારી નથી. પણ બધા કરે છે તે ચોરીઓ કે બીજું? કાળું બજાર એ ચોરી છે કે બીજું? પછી રઘો ચોરી કરે છે એમાં એના એકલાનો શો દોષ? તને બે આના ન આપનાર શું ચોરી વગર માલદાર થયા હશે? પંચગની હવા ખાવાની વાત અમસ્તા કરતા હશે? આપણને ખાવાનું મળતું નથી અને એમને હવા ખાધા વગર ચાલતું નથી, એનું શું કારણ?'

છગન : 'આ બધું કહી કહીને શું કાઢવાનું છે? અને આવું બને છે ત્યારે દર વખતે આપણે કહીએ છીએ. કે હરિચંદર રાજા થવા જેવું તારું ભાગ્ય હોત તો કોઈ રાજા કે શેઠિયાને ત્યાં તારો જનમ થયો હતો આટલી નાની ઉંમરે બૂટપૉલિશ કરવાનો અવતાર મળ્યો છે, પછી પેટ માટે વેઠ કરવાની એમાં છેતરપિંડી અને સારું ખોટું કરવાનું શું? સારું કામ કરવાનો શો શિરપાવ મળે છે તે જોતો નથી?'

કેશવ માટે આ ચર્ચા નાનપણમાં મા મરી ગઈ ત્યારથી બાપે સાંભળીને બહેરા થઈ ગયા હતા. નાનપણમાં મા મરી ગઈ ત્યારથી બાપે એને ઉછેરીને મોટો કર્યો હતો. બાપ એક મિલમાં પટાવાળો હતો. આખી ઉંમર એક જ મિલમાં નેકીથી નોકરી કરી હતી. કેશવને રમાડતાં રમાડતાં પહેલાં એવાં સ્વપ્ન રચતો કે મોટો થતાં શેઠને બંગલે એને નોકરી ઉપર મૂકી દેવો. એ કારણે બંગલાંના નોકરો સાથે એ કોઈ વખત વાતો કરતો ત્યારે સુખદુઃખની વાત પૂછતો. એમાં સુખ કરતાં દુઃખની જ વાતો સાંભળવા મળતી, ત્યારે એને થતું કે શેઠિયા લોકોને દૂરથી સલામ ભરવી સારી. એટલે એણે વિચાર્યું કે મોટો થશે ત્યારે મિલમાં દાખલ કરાવવો. પરંતુ કેશવ દસ વર્ષનો થયો ત્યાં એણે પોતે ધંધો શોધી લીધો. એનો બાપ મિલની જે ઓરડીમાં રહેતો હતો તેની બાજુમાં વસતા લોકો મજૂરો હતા, કેશવથી પાંચેક વર્ષ મોટા છોકરા બૂટપૉલિશ કરવા સ્ટેશને જતા, કેશવને એ કામ ગમી ગયું. બાપાને કહ્યા વગર એક દિવસ એ એના દોસ્તારો સાથે ઊપડી ગયો. પહેલે દિવસે એક જણ સાથે સારું સહિયારું કામ કર્યું, ચાર આના એને મળ્યા.

ઘેર આવી એણે બાપાના હાથમાં પૈસા મૂક્યા. પૂંજાનો હાથ પૈસા દેવતા હોય તેમ ધ્રૂજી ઊઠ્યો. લાલ આંખ કરતાં એણે કેશવને પૂછ્યું : 'સાચું બોલ! ક્યાંથી ચોરી લાવ્યો?'

કેશવ : 'ચોરી નથી કરી, કમાઈ લાવ્યો છું.'

પૂંજાએ વાત જાણી, સાચી છે તેની ખાતરી કરી, ત્યારે એના હર્ષનો પાર ન રહ્યો. જે આનંદ થયો તે દસ વર્ષના દીકરાઓ કોઈની તાબેદારી નહિ તેવો ધંધો શોધી કાઢ્યો હતો. લડાઈ શરૂ થઈ ત્યારથી પહેરાવાળાની નોકરીમાં પણ પૂંજાનો જૂઠું કરવું પડતું. ચોરીછૂપીથી, સરકારને છેતરવા માલ મિલમાંથી લઈ જવામાં આવતો હતો અને તે પૂંજાએ ઝાંપામાંથી જવા દેવો પડતો હતો, એને આ ગમતું નહિ. જિંદગીમાં પોતે કશું ખોટું નથી કર્યું એ એનો શબ્દ રોજની વાતોમાં બંધ થઈ ગયો હતો, એને થતું કે શેઠને શું નથી કે આવું પાપ કોટે બાંધતા હશે? પરંતુ પૂંજાને ક્યાં ખબર હતી કે એના શેટ કરોડાધિપતિ થવાની તાલાવેલીમાં પડ્યા હતા?

પૂંજાએ નોકરીમાં આટલું ખોટું કરવું પડતું હતું, છતાં દીકરાને એ કોઈનો હરામનો પૈસો ન લેવાનો, કામ સારું કરવાનો અને ખરા પરસેવાનું ખાવાનો ઉપદેશ આપતો હતો. એક વખત ઝાંપામાંથી પસાર થતાં મોટરલૉરી પકડાઈ ગઈ, ત્યારે શેઠે જાણે એનો ગુનો હોય તેમ સરકારના ઈન્સ્પેક્ટરને બતાવવા પૂંજાની બધાના દેખતાં ધૂળ કાઢી નાકી હતી. તે વખતે પૂંજાને નોકરીમાંથી છૂટા થવાનું મન થઈ આવ્યું હતું. પરંતુ પાછલી ઉંમરે એ બીજું કરે પણ શું?

ગયે અઠવાડિયે જ મિલના એક હૉજમાંથી દારૂની બાટલીઓ પકડાઈ ગઈ હતી. એ હોજ વપરાતો ન હતો અને એ કારણે એનો એ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ જાણભેદુની કૂટ વગર એ પકડાય તેમ ન હતું. કોણ ફૂટ્યું તેની શોધ કરવાનો એ વખતે અવકાશ ન હતો, પહેરાવાળાએ પોતે મિલમાં દારૂ સંતાડ્યો હતો એમ જો કોઈ પહેરાવાળો કબૂલ કરે તો જે દંડ થાય તે દંડ આપવા શેઠ તૈયાર હતા, સજા થાય તે દરમિયાનનો પગાર મળવાનો હતો. આવો લાભ જૂના નોકરને આપવો માની શેઠ પ્રથમ પૂજાને બોલાવ્યો. એણે ચોખ્ખી ના સંભળાવી દીધી. ઉપરથી કહ્યું કે : 'મારા પહેલા વખતે કાપડની ચોરી થાય છે એ જ મને ગમતું નથી, ત્યાં આવું નામોશીભર્યું કામ હું કેવી રીતે માથે લઉં?'

શેઠ તો તે વખતે કંઈ બોલ્યા નહિ, બીજા પહેરાવાળાને એ લાભ આપ્યો. પરંતુ પૂંજો એમની ધ્યાન બહાર શેનો રહે? એનો શો ગુનો કાઢવો એની શોધમાં હતા. બાકી મજૂર મહાજનવાળા એને પડખે લડે એ બીક હતી. એટલે અઠવાડિયામાં વિચાર કરી, રાતની એની નોકરી વખતે એ ઊંઘતો હતો અને નાની ચોરી થઈ એવો કેસ કરી એને છૂટો કર્યો હતો.

કેશવ દિવસે ઘેર આવ્યો, ત્યારે એનો બાપ લમણે હાથ દઈને બેઠો હતો. મોં ઊતરી ગયું હતું. કેશવે કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે ચોવીસ કલાકમાં આપણે ઓરડી ખાલી કરવાની છે, શેઠે મિલમાંથી પોતાને છૂટો કર્યો હતો.

એ કેશવને શોધવા ભરતે સ્ટેશન ઉપર બીજી વખત આવવા ઘણો પ્રયત્ન કર્યો પણ એનો પત્તો મળ્યો નહિ. એની તપાસ કરતાં એક બૂટપૉલિશવાળા છોકરાને ભરતે પૂછી જોયું : 'ઘઉંવર્ણો, પંદરેક વર્ષનો, બૂટપૉલિશ કરતો છોકરો જોયો? તમે બધા એક આનો લ્યો છો ત્યારે એ બે આના લેતો હતો.'

છોકરો : 'કેશવની વાત કરો છો, શેઠ?'

ભરત : 'નામ હું નથી જાણતો, પણ મારે એનું કામ છે.'

છોકરો : 'એ તો હવે ક્યાં છે એની ખબર નથી.'

ભરત : 'ક્યારથી નથી?'

છોકરો : 'એ તો કોને ખબર છે? પણ છેલ્લે એક શેઠે પૉલિશ કરાવી એક આનો આપ્યો : એણે ન લીધો પછી ઘણું રડેલો. એ બધી વાત અમને કરીને એ ઘેર ગયો. ફરી બૂટપૉલિશ કરવા આવ્યો નથી, તમારે એનું શું કામ છે?'

ભરત : 'પૈસા ન આપનાર શેઠ હું જ!'

છોકરો : 'એવા તો એને ઘણા મળતા. તમે જ છેલ્લા હશો તેની શી ખબર? એ શેઠ તો તે દહાડે પંચગની જવાની વાત કરતા હતા એમ એ કહેતો હતો.'

ભરતથી નિશ્વાસ નાખતાં કહ્યું : 'હા ભાઈ! હા, એ જ પંચગનીવાળો શેઠ હું. પંચગની ગયો હતો ત્યાં મને કેશવ યાદ આવ્યા કર્યો છે. એ નહિ મળે અને તેનું લહેણું ચૂકતે નહિ કરું ત્યાં સુધી મને ચેન નહિ પડે.'

છોકરો ઘડીભર ભરત સામે તાકી રહ્યો. શેઠ ગાંડા થઈ ગયા છે કે શું? ગાંડા થયા ન હોય તો કોઈ કેશવ પાછળ ગાંડાં કાઢે?

ભરતને એ પછી જ્યારે જ્યારે એ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પગ મૂકવાનો થાય ત્યારે કેશવ યાદ આવે, તેની પૂછપરછ કરે પણ એનો પત્તો ન મળે.

છેવટે અચાનક ત્રણ વર્ષ પછી એક દિવસ સુરતના પ્લેટફોર્મ ઉપર એનો ભેટો થઈ ગયો. ભરત ગાડીમાં ચડતો હતો, ધક્કાધક્કી પુષ્કળ હતી અને કોઈએ એની પેન ખેંચી એની એને ખબર પડી. તરત જ એણે ખેંચનારનો હાથ પકડ્યો. આમ ખબર પડવાના તો આવી ચોરીમાં ઘણાં પ્રસંગ બનતા, પણ તે ઘડીએ ચોરી કરનાર હાથ ખેંચીને એવો આબાદ રીતે છટકી જતો હોય કે ન પૂછો વાત.

પરંતુ ભરત અખાડિયન. એનો હાથમાં જેનું કાંડું ગયું, તે હાડકું ભાંગે પણ છૂટે શાનું? 'શું છે, શું છે?' થઈ રહ્યું.

ભરત : 'આ મારી પેન ઉઠાવતો હતો.' એ સાથે જ બીજા ઉતારુઓએ મુષ્ટિપ્રહાર શરૂ કર્યો.

ભરતે અઢાર વર્ષના એ નવજુવાન સામે નજર ઠેરવી, ત્યાં બૂટપૉલિશવાળો?

અને કેશવ જવાબ આપે તે પહેલાં ભરત ઉતારુઓને સંબોધી બોલી ઊઠ્યો : 'કોઈ મારશો નહિ, એ મારો ઓળખીતો છે!'

પોસ્ટઑફિસ
(વાર્તાકારઃ ધૂમકેતુ)

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ , કોઈક વહેલાં ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે “શીમણી” બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાશ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઇ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઇ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : “પોસ્ટ ઓફિસ”.

ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બેચાર જણ કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલીસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.

અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમૅન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમૅન અલી ડોસા !’

વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.

‘ગોકળભાઈ !’

’કોણ ?’

‘કોચમૅન અલી ડોસાનો કાગળ કીધો નાં ?….. હું આવ્યો છું.’

જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’

કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.

અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય ! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાસડા’ ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા, ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા, આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઇ હસતો. આ એનો – શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર જોઇ રહેતો ! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે ! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસનાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટઑફિસે આવીને બેસતો.

પોસ્ટઑફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન – એનું ધર્મક્ષેત્ર – તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમૅન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોય છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકેદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો.

કોઈના માથા પર સાફો. તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દેવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલમાસ્તર’ , આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે !

અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.

‘પોલીસ કમિશનર !’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો.

‘સુપરિન્ટેન્ડન્ટ !’

બીજો એક પટાવાળો આગળ આવ્યો – અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હંમેશાં પઢી જતો.

અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો ! અરે ! સૈકાઓ પહેલાંનો ગામડિયો !

‘આ માણસ ગાંડો છે ?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.

‘હા, કોણ ? અલી ના ? હા સાહેબ ; પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ! એનો કાગળ ભાગ્યે જ હોય છે !’ કારકુને જવાબ આપ્યો.

‘કોણ નવરું બેઠું છે ? હંમેશ તે કાગળ ક્યાંથી હોય ?’

‘અરે ! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે ! તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ! ભાઈ, કર્યાં ભોગવવાં છે !’ પોસ્ટમૅને ટેકો આપ્યો.

‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’

‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો : બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશાં નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી !’

‘અરે, એક ગાંડાને એવી હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે ! બીજો એક કવિતા ગાયા કરતો ! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો !’

આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે-ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા અને જતાં જતા કહ્યું :

‘ સાળું, ગાંડાની પણ દુનિયા લાગે છે ! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે !’

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક દિવસ અલી બે-ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો, અવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.

આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું : ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે ?’

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

‘ભાઈ, તમે કેવા છો ?’

‘મારું નામ અલી !’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા. પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે ?’

‘નોંધી રાખોને, ભાઈ ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે !’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે ?

પોસ્ટમાસ્તર તપી ગયા : ‘ગાંડો છે કે શું ? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય !’

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઇ લીધું ! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો ! અરે ! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે ?

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ‘ભાઈ !’

કારકુન ચમક્યો ; પણ તે સારો હતો.

‘કેમ ?’

‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી.

જોઇ કારકુન ભડક્યો.

‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો ?’

‘શું ?’

‘આ ઉપર શું દેખાય છે ?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.

‘આકાશ.’

‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.’

કારકુન આશ્ચર્ય માં સ્થિર ઊભો : ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો ?’

‘મારી કબર ઉપર !’

‘હેં ?’

‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે ! અરેરે છેલ્લો ! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું.

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.

ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમૅન અલી ડોસા !’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર – અને કદાચ એની દીકરી મરિયમનું.

‘લક્ષ્મીદાસ !’ એમણે એકદમ બૂમ પાડી.

લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.

‘કેમ સાહેબ ?’

‘આ તમારા કોચમૅન અલી ડોસા ….. આજે હવે ક્યાં છે એ ?’

‘તપાસ કરશું.’

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઇચ્છા હતી.

વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમૅન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઈ ! આ તમારો કાગળ !’ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લાં આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્તર સામે જોયું ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું !

‘કોણ સાહેબ ? અલી ડોસા ….!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું ? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો :

‘હા, અલી ડોસા કોણ ? તમે છો નાં ?’

‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે ! પણ એનો કાગળ લાવો મારી પાસે !’

‘હેં ? કે દી ? લક્ષ્મીદાસ !’

‘જી, એને તો ત્રણેક મહિના થઈ ગયા !’ સામેથી એક પોસ્ટમૅન આવતો હતો. તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિઙ્મૂઢ બની ગયાં. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો ! અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં ! એમનું મન ભ્રમમાં પડ્યું : મે અલીને જોયો કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો ? –

પાછી રોજનીશી ચાલી : ‘ પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન- ‘ કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઇ રહ્યા છે ! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દિષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું ? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ ! આજે સવારે તમે સૌથી વહેલા આવ્યા કાં ?’

‘જી. હા.’

‘– અને તમે કીધું, અલી ડોસા…..’

‘જી હા.’

‘પણ – ત્યારે ….ત્યારે, સમજાયું નહિ કે….’

‘શું ?’

‘હાં ઠીક, કાંઈ નહી !’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ર્વર્ય, શંકા અને પશ્ર્વાત્તાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

ચંદ્રનું અજવાળું
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

'હલ્લો થ્રીફાઈવટુફોરનાઈનઝીરો?'

'નો.'

'ઓહ! આઈ એમ.... સોરી.'

દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું.

'હલ્લો... હલ્લો કોણ? કોણ રડે છે એ?' સામે છેડેથી કંપતો સ્વર આવ્યો.

સુશી ચમકી ગઈ. ભૂલથી રિસીવર હાથમાં જ પકડી રાખી એ રડી રહી હતી. એણે ધીમેથી રિસીવર મૂકી દીધું. એમાંનો કંપતો સ્વર એ હજી સાંભળી શકતી હતી. એણે પૂછ્યું હતું તો માત્ર એટલું જ - હલ્લો... હલ્લો કોણ? કોણ રડે છે? સાદો પ્રશ્ન હતો એ. - આમ જુઓ તો એમાં કશું નહોતું, છતાં એ હલી ગઈ હતી.

એ ટેલિફોન પાસેથી ખસી ગઈ. આજુબાજુ નજર કરી લીધી, કૉરિડૉરમાં કોઈ નહોતું. બપોર રસળતી હતી. મોટા શહેરની ગીચ વસ્તીમાં આવેલી એકદમ ગંદી સસ્તી હોટલ. કાળા ધોતિયાનો છેડો હાથમાં પકડી સામેથી મહારાજ ચાલ્યો આવતો હતો. એનું અદોદળું આગળ ધસી આવેલું પેટ એના દરેક પગલા સાથે ઝૂલતું હતું. સુશી પર નજર પડતાં લબડતા હોઠ પહોળા કરી એ હસ્યો. પીચ.... કાબરચીતરી ભીંત પર એણે પાનની પિચકારી છોડી અને સુશીને ઘસાઈને પસાર થઈ ગયો. એના શરીરમાંથી હજી રોટલીની વાસ આવતી હતી.

સુશીને ઊબકો આવી ગયો. મોં ફેરવી એ ઝડપથી પોતાની ખોલીમાં ઘૂસી ગઈ અને બારણું વાસી દીધું.

સાવ નાનકડી ખોલી. માંકડ ને પરસેવાથી તરબતર ખાટલો, ખોડંગાતું એક ટેબલ, કલાઈ ઊખડેલો અરીસો અને ગટર ભરાયેલો બાથરૂમ- આંસુ સુકાયેલા ચહેરે એ નજર ફેરવતી રહી. એનું સમગ્ર વિશ્વ સંકોચાતું સંકોચાતું આવડા ભૌમિતિક આકારમાં સમાઈ ગયું હતું.

જો ખરેખ જ એ ન આવ્યો તો... 'તો' શબ્દથી એ સખત ડરી ગઈ હોય એમ આંખ બંધ કરી ગઈ.

પરંતુ આંખ બંધ કરતાં જ જાણે બીજું વિશ્વ ખૂલી ગયું - તરુણ એને ચૂમી રહ્યો છે. વૃક્ષોનાં પાનના મર્મર સમો એનો ધીમો ગુંજતો સ્વર.... પ્રણયની ફૂટતી કૂંપળની મીઠી સુગંધ...

સુશીની છાતી હાંફી ગઈ. આંસુના પડદાની પેલે પાર એને દેખાતી હતી બીજી સુશી - જે હિન્દી ફિલ્મની હીરોઈનની જેમ રૂપાળા યુવાન સાથે પ્રેમમાં પડી હતી, હિંદી સિનેમાની જેમ જ બન્નેનાં ઘરનાંએ સખત વિરોધ કર્યો હતો. હિંમતથી એ તરુણની સાથે ભાગી જવા નીકળી હતી - સુંદર નવી દુનિયા વસાવવા. તરુણે ઝુલફાં ઉછાળતા ધર્મેન્દ્રની સ્ટાઈલમાં હિંદીમાં કહ્યું હતું.

અને આ સુંદર નવી દુનિયા હતી - ગંદી હોટલની એક સાવ સસ્તી ખોલી.

ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂંસીને એ ચાલી નીકળી હતી. સ્ટેશન પર પહોંચી ધડકતી છાતીએ તરુણની પ્રતીક્ષા કરી હતી. ટ્રેનના સમયે એને એક ચિઠ્ઠી મળી હતી.

પ્રિય સુશી,

હું હમણાં નહીં આવી શકું. નક્કી કર્યા પ્રમાણે તું ચાલી જા. સી વ્યૂ હોટલના 206 રૂમમાં મળીશ. રાહ જોજે. થ્રીફાઈવટુફોરનાઈનઝીરો પર ફોન કરજે.

ચિઠ્ઠીને ચૂમી લઈ એ ચાલી આવી હતી. સી વ્યૂ હોટલના 206 રૂમની ચાલ દીવાલોએ એને ભીંસી નાખી ત્યાં સુધી એ પ્રતિક્ષા કરતી રહી. પછી ગર્ભની જેમ એક બિહામણો ભય એની અંદર થરકવા માંડ્યો. પ્રસવવેદના વેણે વેણે એ જાણે બહાર ધસી આવતો હતો - તરુણ હવે નહીં જ આવે... તો...?

બંદૂકની ગોળી જેવા 'તો' શબ્દથી હવે એ ખૂબ ડરતી હતી. સી વ્યૂ હોટલ છોડવી પડી હતી અને હવે જયહિંદ હોટલમાં રહેતી હતી.

ફોન નંબરની એક પાતળી દોરીને આધારે એનું જીવન લટકતું હતું. કદાચ હજી પણ... અને એ ધ્રૂજતા હાથે ફોન જોડતી.

'હલ્લો થ્રીફાઈવફોરનાઈનઝીરો?'

સામેથી એ જ સ્વર, એ જ કંપ,

'હલ્લો... તમે કોણ?'

સુશીને થયું એ ઊંડા કળણમાં ખૂંપી રહી છે. એણે બચવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. રિસીવર પરસેવાથી ભીનું થઈ ગયું હતું - 'જુઓ... હું... તમને રોજ તકલીફ આપું છું... ત્યાં... ત્યાં તરુણ છે? તમે એને ઓળખો છો?'

આ ક્ષણે, સતી અનસૂયાએ સૂરજ થંભાવી દીધો હતો એમ પૃથ્વી ભ્રમણ કરતાં થંભી ગઈ હતી. કાળનો ધસમસતો પ્રવાહ એક નાનીશી પાળ સાથે અટકી ગયો હતો.

કંપતા સ્વરે એક ઊંડો શ્વાસ લીધો પછી ધીમેથી કહ્યું - 'ના, હું તરુણને ઓળખતો નથી. પણ તમને ઓળખું છું.'

સુશી અવાક થઈ ગઈ. થીજી ગયેલી ક્ષણો પીગળી ગઈ... 'તમે... તમે મને... ઓળખો છો?'

કંપતો સ્વર સ્થિર થયો.

'હા. કારણ કે હું તમારા રુદનને ઓળખું છું.'

કોઈક એને કંઈક કહેતું હતું. એકલતાના શૂન્યાવકાશમાં એને કોઈ સાદ દેતું હતું. કદાચ રિસીવર હાથમાંથી સરકી ન પડે. શું કહેવું, શું બોલવું એને કશું સૂઝ્યું નહીં અને છતાં આ રિસીવર...

'હલ્લો...હલ્લો...'

કંપતા સ્વરમાં ઉત્તેજના હતી.

એ માંડ બોલી શકી...'હલ્લો....'

'તમારું નામ કહેશો પ્લીઝ મૂકી ન દેશો.'

એ સ્વરમાં એવી આરઝૂ હતી કે રિસીવર મૂકવા લંબાયેલો એનો હાથ થંભી ગયો. બીજો કશો વિચાર એ કરી શકી નહીં. રિસીવર ફરીથી કાને મૂક્યું. કેવી અર્થહીન ક્રિયાઓ કરતી હતી આ બધી! હવે કશાનો કોઈ જ અર્થ નહોતો. આ ગંદી હોટલમાં પણ હવે રહી શકાય એમ નહોતું. આના કરતાં કશું જ ન હોવું... મૃત્યુ!

સુશીનો હાથ એટલો ધ્રૂજી ગયો કે એને થયું રિસીવર હમણાં પડી જશે.

'હલ્લો...હલ્લો...'

સુક્કા હોઠ પર એણે જીભ ફેરવી, 'જી...'

આ બધું જ ખોટું છે. આ જ ક્ષણે રિસીવર પછાડી બહાર દોડી જવું જોઈએ.... ટ્રેન... બસ કે પછી દરિયો... અને એક ફુગાયેલી, દુર્ગંધ મારતી લાશ - કે જેનું નામ સુશી નથી. જે દુનિયામાં એકલી નથી પડી. જેને કશું જ સહન કરવાનું નથી.

રિસીવરમાંથી કંપતો સ્વર વહી રહ્યો હતો... 'હું જાણું છું તમે કોઈ ઊંડી વ્યથાથી પીડાઓ છો, પરંતુ દુઃખને તમારા મનમાં આશરો ન આપશો. એ મહેમાનમાંથી માલિક થઈ બેસશે. એકવાર તમારી અંતરની આંખ ખોલીને જુઓ. દુનિયા કેટલી સુંદર છે, જીવવા જેવી છે!'

રિસીવર કાને પકડી રાકી સુશી લાકડાના ટુકડાની જેમ ઊભી હતી.

'તમે... તમે... સાંભળો છો? ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એની યોજનામાં કશું જ અપૂર્ણ નથી.'

સુશીએ ધીમેથી રિસીવર પાછું મૂકી દીધું. માંડ કરીને એ ખોલીમાં પહોંચી. જાણે હમણાં જ પડી જવાશે! પલંગમાં એ ઢગલો થઈ ગઈ. આ દુનિયા જીવવા જેવી છે અને એ મૂર્ખ બનીને માની લે! મૂર્ખ જ. એનાં શમણાંના બી એણે ખડકાળ જમીન ખોદીને વાવ્યાં હતાં. આંસુથી સીંચ્યાં હતાં, અને એમાંથી સુંદર નવપલ્લવિત વૃક્ષ ઊગી જવાની એ પ્રતીક્ષા કરી રહી હતી.

એણે ચોમેર નજર ફેરવી લીધી. આ છોડીને જતાં કશી જ વેદનાનો સંભવ નહોતો. સઘળું સમાપ્ત. શરીરને ધક્કો મારતી હોય એમ એ ઊઠી. આ બેગ... તરત એને હસવું આવ્યું. મરવામાં બેગની શી જરૂર? અભાનપણે એણે વાળ ઠીક કર્યા, કપડાં પર હાથ ફરી ગયો. એ ખોલીનું બારણું અટકાવી બહાર નીકળી. સાંકડી પરસાળમાંથી બહાર નીકળતાં, ભૂલથી ટેલિફોન પાસે અટકી જવાયું. અરે પણ હવે શું? એણે જવા માટે પીઠ ફેરવી. પણ ના, ના. તો યે છેલ્લો ટેલિફોન. કશું જ નહીં. માત્ર જરા હલ્લો કે આવજો. આટલા દિવસોમાં માત્ર આ ટેલિફોને જ, એ આ વિશ્વમાં છે અને જીવે છે એવી પ્રતીતિ કરાવી હતી. માત્ર એક ફરજ ખાતર...

સુશીએ ડાયલ ફેરવ્યું.

'હલ્લો થ્રીફાઈવટુફોરનાઈનઝીરો?'

કંપતો સ્વર હસી પડ્યો.

'હલ્લો, કેમ છો? આજે સંધ્યા ખૂબ ખીલી છે નહીં?'

સુશીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે થ્રીફાઈવટુફોરનાઈનઝીરો એના અસ્તિત્વનો જ એક ભાગ બની ગયા હતા. અજાણપણે એ રોજ એ જ સમયની પ્રતીક્ષા કરતી હતી કે એ ક્યારે ફોન કરે, એ સ્વર સાંભળે! પણ એ તરત સાવધ થઈ ગઈ. પણ હવે શું? આ વિશ્વ સાથેનો એકમાત્ર સંપર્ક - ટેલિફોનની લાઈન કાપી નાખવાનો સમય થઈ ગયો છે. એણે અત્યંત મુદુતાથી કહ્યું - 'આવજો.'

કંપતો સ્વર એકદમ ઉતાવળો અધીરો બની ગયો - 'ના, એમ આવજો કહેશો તો નહીં ચાલે, ટેલિફોન શું કામ? મને મળવા આવોને! આપણે થોડી વાતો કરીએ. ખૂબ આનંદ આવશે. જુઓ મારું સરનામું છે...'

ચૂપચાપ સુશી સાંભળતી રહી. રિસીવર મૂકીને એ હોટલની બહાર નીકળી. પવન ખૂબ જ ખુશનુમા હતો. એના કપડાં, વાળ ઊડવા માંડ્યાં. એને ખૂબ જ સારું લાગ્યું. રસ્તાની એક બાજુ પવનની છાલકથી ભીંજાતી એ ઘડીભર ઊભી રહી. જાતજાતનાં લોકો, અવાજો- પણ સૌને કશેક જવું હતું. સૌ ઉતાવળમાં હતાં, પોતે જાણે આ અખંડ માનવપ્રવાહની બહાર ધકેલાઈ મૃત્યુ તરફ જતી હતી. એક નિશ્વાસ મૂકી એણે પગ ઉપાડ્યા. પોતાનું કોણ હતું? ક્યાં જવાનું હતું?

તમે મને મળવા આવો. આપણે ખૂબ વાતો કરીશું. હું તમારી રાહ જોઉં છું.

પાગલ જ ને! મારી તે રાહ કોઈ શું કામ જુએ? મારી સાથે કોઈને સંબંધ જ નથી ત્યાં!

એણે ભીડમાંથી માર્ગ કરતાં જવા માંડ્યું. આ સર્વ અનિશ્ચિતતાનો અંત. દુનિયાને એનો ખપ નથી. એને પણ ક્યાં કોઈની જરૂર હતી! સ્પષ્ટ વાત હતી.

.... હું તમારી રાહ જોઉં છું.... રાહ જોઉં છું......

મનના પોલાણમાં શબ્દો ગુંજતા હતા. એક જ વાર મળી લીધું હોય તો! જવું તો છે જ. તો પછી બિચારાએ કહ્યું છે તો -

કોઈને ઊભા રાખી એણે રસ્તો પૂછ્યો. એને નવાઈ લાગી. એ સાવ નજીક જ હતી! બસ. છેલ્લી વાર કોઈ સાથે બોલી લે! આખો દિવસ એ ચકલીની જેમ ચીં ચીં કર્યા કરતી. કેટલા બધા સમયથી કોઈની સાથે એ બોલી સુદ્ધા નથી!

ઘર આસાનીથી મળી ગયું. એ ખચકાઈ ગઈ. પડું પડું થતું એ એક જર્જરિત ઘર હતું. પણ મારે શું? એણે અંધારામાં ફંફોસતાં બારણું ખખડાવ્યું. થોડી વારે બારણું ખૂલ્યું. બારણામાં કોઈ દેખાયું નહીં. ઘરમાંથી આવતો ફિક્કો પીળો પ્રકાશ અંધારાને વધુ ઘેરું બનાવતો હતો.

'આવો. હું તમારી જ રાહ જોતો હતો.'

અંદરથી અવાજ વહી આવ્યો. એ જ કંપ! એ જ સ્વર ! એ ઘરમાં દાખલ થઈ. ફિક્કા પ્રકાશના વર્તુળમાં કોઈ આકાર લાંબો થઈને સૂતો હતો. એ વધુ નજીક ગઈ અને સ્તબ્ધ થઈ ગઈ.

નાનકડી પાતળી પથારીમા, વેરણછેરણ પુસ્તકો, બાજુમાં પાણીનો જગ, ચા બનાવવાનો સામાન હતો. એ દુર્બળ ને બીમાર લાગતો હતો. એના બન્ને પગ ઘૂંટણથી કપાયેલા હતા.

પથારી પાસે બેસી પડી સુશી આડું જોઈ ગઈ. આંસુથી એના ગાલ ભીના થઈ ગયા હતા.

'છી છી. તમે રડો છો? રડવું તો કાયરતાની નિશાની છે.'

સુશીએ આંખો ઊંચકી એની પર ઠેરવી.

'તમે મનમાં લગીરે ઓછું ન આણશો. તમારું દુઃખ જે હો તે હો. તે જળોની જેમ તમારું લોહી પી જાય એ પહેલાં એને ઉખેડીને ફેંકી દો.'

'તમે બારણું શી રીતે ખોલ્યું?' સુશીને થયું આ પોતાનો અવાજ નથી.

એ હસી પડ્યો. આછા ઉજાસભર્યા ખંડમાં, સાંજના ઠંડા પવનની પાંખે ચડી એ હાસ્ય ઘરમાં વેરાઈ ગયું. અકારણ સુશી પણ મલકી પડી.

'જુઓ, આ બાજુમાં દોરી રાખી છે. એનો છેડો બારણે બાંધ્યો છે. બાજુવાળાં બહેન સવારે એક ટાઈમ રસોઈ કરી, મારી પથારીની આજુબાજુ બધું ગોઠવી જાય છે. એક છાપાનો ફેરિયો મારો દોસ્ત છે, એ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપે છે, ને બંદા ખાઈપીને લહેર કરે છે.'

કંઠમાં ગૂંગળાતું રુદન રૂંધીને સુશી ધીમેથી બોલી - 'આ શું લખો છો?'

એક ક્ષણ એ વિચલિત થઈ ગયો હોય એમ સુશીને લાગ્યું. કંપતા સ્વરે એણે કહ્યું :

'નવલકથા લખું છું. એક વ્હીલચેર બસ મળી જાય.'

ફરી એ હસી પડ્યો.

'તમે જાણો છો? મારી મોટામાં મોટી લકઝરી છે ટેલિફોન. કેટકેટલાં લોકો આવે ફોન કરવા! બધાંને મળવાનું બને. બધાંની સુખદુઃખની વાતોમાં ભાગીદાર થઈ શકાય. એ શું નાનીસૂની વાત છે? જુઓ ને! તમને જ હું મળી શક્યો. આ ક્ષણ, આ જ રીતે ઈશ્વરે અનંત કાળ પહેલાં ઘડી રાખી હશે.'

સુશીની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. આંસુ લૂછી એણે કહ્યું :

'વ્હીલચેર ન હોય તો શું થયું? મારે ટેકે તમને બહાર લઈ જઈશ.'

એની આંખો ચમકી ઊઠી.

ખરેખર! ઓહ. ઈશ્વરની અસીમ કૃપા છે મારા ઉપર. હમણાં જ ચંદ્ર નીકળશે. આ નાની બારીમાંથી ખૂબ સરસ દેખાય છે. એ.

પરંતુ સુશીને તો લાગ્યું કે ચંદ્ર ઊગી ગયો છે અને નાનકડી અંધારી ખોલી એના અજવાળાથી ઝાકમઝોળ થઈ ગઈ છે.

સદાશિવ ટપાલી
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)

'થવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલે ને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે !'

આટલું બોલી ભવાનીશંકર કાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી, તાળોટાના રણકાર સારા બોલ્યા.

'જોયું, મારી તાળી પણ સાક્ષી પૂરે છે!' એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહીછલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકર કાકાની એ દૃષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુકલાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો.

લોટ માગવાનો વ્યવસાય મોળો પડ્યો હતો. મોરુકા વખતની કણબણો ખોબા શુકલોને વિદાય દેતી. જાતમહેનતના ધંધામાં ઊણપ લાગતી. એટલે ભવાનીશંકર કાકાની ડેલીએ શુકલ ન્યાતના નવરા બ્રહ્મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે સદાશિવ ટપાલીની ચર્ચા મંડાઈ.

'ભવાનીકાકા! ઘર બંધાવા દ્યો ને બાપડાનું, બિલાડાની જેમ 'વઉ વઉ' કરી રહેલ છે !'

'એમ કાંઈ ઘર બંધાશે ! મોટો ભાઈ કુંવારો મૂઓ તેનાં લીલ પરણાવ્યાં નથી, બાપનું કારજ કર્યું નથી, અરે ! પોતેય જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પે'રી લીધા છે. આટલી પેઢીથી ન્યાતનાં ભોજન ઊભે ગળે ખાધાં છે, અને હવે ખવરાવવામાં ઝાટકા શેના લાગે છે !'

'બાપના વખતનું કંઈ ઘરમાં ખરું કે નહિ, ભવાનીકાકા?'

'ખોરડું છે ને? શીદ નથી વેચતો?'

'પણ પછી એને રે'વું ક્યાં?'

'એને શું છે? વાંઢો છે. આપણા ખડવાળા ઓરડાની ઓસરીને ખૂણે ભલે ને રોજનાં બે દબડાં ટીપી લ્યે. કોણ ના પાડે છે?'

'પણ અત્યારે કોણ એ ખોરડાનાં નાણાં દેતું'તું?'

'ન્યાતનું મોં મીઠું થતું હોય, ન્યાતનો ધારો સચવાતો હોય, ને એનું સારું થતું હોય તો હું રાખી દઉં.'

'હાં ! ભવાનીકાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે. દીકરા મોટા : જુવાન દીકરી ઘરમાં : પોતાનું ત્રીજી વારનું પરણેતર : વસ્તાર તો વધે જ ના !!'

'ભવાનીકાકાને સળંગ ઓસરીએ એના બે શિરાબંધ ઓરડા ઊતરે, હો !'

'મારે તો ઠીક, સાંકડ્યમોકડ્યે ચલાવી લેવાય, પણ આ તો ન્યાતનું ભૂષણ નથી રે'તું, ન્યાતનો ધારો તૂટે છે. શુકલ બામણનાં બસો કુટુંબોના મોઢાંમાંથી મીઠો કોળિયો જાય છે.'

એ વખતે જ ભવાનીશંકરકાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઈ ઓરડે ચાલી ગઈ. મંગળાનાં હેલ્ય ઉપર કાગડો બેસે એ રીતે ઊડી ઊડીને બ્રાહ્મણોનાં હૈયાં એ રૂપ ઉપર રમવા લાગ્યું. કોઈ ટીખળીએ કહ્યું : 'કાકા ! સદાશિવને જમાઈ જ ન કરી લેવાય?'

'નરહરિશંકર !' કાકા કોચવાઈ ગયા. 'કાગડાને મોતીના ચારા નીરનાર હું ગમાર નથી. હું અંબાજીનો ઉપાસક દ્વિજપુત્ર છું. દ્વિજોનો પણ શુકલ છું. એથી તો દીકરીને દૂધપીતી કરીશ, પણ કઠેકાણે કેમ નાખીશ?'

જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર લઠ્ઠ પગ ગામના બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. 'દાકતર સાહે...બ', 'ફોઝદાર સાહે...બ', 'હીરાચંદ પાનાચંદ', 'સપાઈ દાદુ અભરામ', 'પગી ઝીણિયા કાળા' અને 'મેતલ માલિયા ખસતા' એવા સિંહનાદે એક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો સદાશિવ સડેડાટ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડ્યા વિના ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો શુકલ અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે 'મારો કાગળ છે?' તો જવાબમાં 'ના જી !' ને બદલે એકલી 'ના' જ કહેવાની. સદાશિવિયાની તોછડાઈને કારણે નગરશેઠે પોસ્ટ ખાતાને ફરિયાદ કરી હતી. નોટ-પેઈડ થયેલું પરબીડિયું છાનું વાંચવા દઈને પાછું લઈ જવાની એણે ના પાડેલી તેથી મ્યુનિસિપાલિટીના નવા કાઉન્સિલર જમિયતરામભાઈનો એ ગમારે ખોફ વહોરેલો, પરિણામે એના ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તે નહોતી મળી.

પણ સદાશિવ ટપાલીનો કોળીવાડાને, કુંભારવાડાને તેમજ ઢેઢવાડાને ભારી સંતોષ હતો. ઘરધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તરડમાંથી સેરવી આવતો. ઢેઢવાડાના કાગળો એ ઠેઠ રામદેપીરના ઘોડાની દેરી સુધી જઈને આપી આવતો. માલિયા ઝાંપડાનું રજિસ્ટર આવેલું તેની પહોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલું. અને ગલાલ ડોસી કહેતાં કે : 'મારા દીકરાનું મનીઑર્ડર આવેલું તે દી હું ખેતર ગઈ'તી, તે સદાશિવ બાપડો દી આથમતાં સુધીમાં ત્રણ આંટા ખાઈને પણ તે દી ને તે દી પૈસા પોગાડ્યે રિયો'તો. તે દી જો મને નાણાં ન મળ્યાં હોત ને, તો તળશી શેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નો'તો!'

ને તે સાચે જ તું સદાશિવ રૂપાળો હતો? હા, એની સચોટ સાક્ષી જોતી હોય તો પૂછો ભવાનીશંકર કાકાની જુવાન દીકરી મંગળાને. પણ ના ના, મંગળાને એમાં શું પૂછવું છે? બ્રાહ્મણ મા-બાપનું કિશોર બાળ પૂછ્યે જવાબ પણ શો આપવાનું હતું? પોસ્ટઑફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી ત્યારે સદાશિવ એને બેડું ચડાવવા આવતો ખરો, પણ એ કદી હસ્યોય નહોતો, મંગળાની સામે ટીકતોય નહોતો, બની શકે તેટલો છેટો રહીને બેડું ચડાવતો. ગામની મેમણિયાણીઓ આડાં બેડાં નાખીને ગોરાવરીથી મંગળાનો વારો ટાળતી ત્યારે સદાશિવ ખડેપગે ઊભો રહીને મંગળાને રક્ષણ દેતો. પણ એ કાંઈ પ્રેમ કહેવાય? પ્રેમ શું એવો મૂઢ હોય? પ્રેમની તો અદ્દભુતતા હોવી જોઈએ ને?

મંગળા તો ગામની કન્યાશાળામાં પાંચ ગુજરાતી ભણી હતી. દાકતરે દીકરીઓને અંગ્રેજી શીખવવા ઘેર એક માસ્તર રાખ્યો હતો, ત્યાં જઈને અંગ્રેજી ભણવા માટે પણ મંગળાએ મન કરેલું, પણ ભવાનીશંકર કાકા તો શુકલની દીકરી અર્ધે માથે અને ખસી ગયેલે ઓઢણે વંઠેલ ભાષા ભણવા બેસે તે કલ્પનામાત્રથી જ કંપી ઊઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી અને કન્યાશાળાના મેળાવડાઓમાં ગીતગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા તે તો કોઈ સારો મુરતિયો મેળવવાના હેતુથી. કોઈ દબારી કે સરકારી અમલદાર મળી જાય તો મંગળાને પણ ભયો ભયો, પોતાનો પણ વશીલો. દીકરાઓને કોન્ટ્રક્ટનાં બહોળાં કામકાજ હાથમાં આવે. એ બધું એમની ગણતરી બહાર નહોતું.

(2)

શુદ્ધ શુકલ-ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળી. ઈડર રાજના પબ્લિક પ્રોસિક્યુટર રાંડ્યા. ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી એની ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યુટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ ભવાનીશંકર કાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી? મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઈ રહેવાનાં હતાં. ટૂંકામાં, પ્રોસિક્યુટર પચાસ માણસોની જાન લઈને એક દિવસ આવ્યા. ઈડરના ઠાકોરસાહેબના ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઈને એક કલાક માટે પ્રોસિક્યુટરની જાનમાં આવ્યા તે બનાવે તો આખા ગામને હેરત પમાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાનીશંકર કાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેંત અધ્ધર ચાલતા થયા. પ્રોસિક્યુટરે ચોરાશી જમાડી તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને ઢેઢવાડા ધરાયા ને મોટે મોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્યાં. ઈડર રાજનું દરબારી બેન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી જલસા કરાવી ગયું એ તો અવધિ થઈ ગઈ.

આવી જાહોજલાલીથી પરણી ઊતરેલી પંદર વર્ષની ઉગ્રભાગી મંગળા ઈડર રાજ્યના પ્રોસિક્યુટરની અર્ધાંગના બની. 'અર્ધાંગના' શબ્દ આંહી અલંકારમાં કે કટાક્ષમાં નથી વાપરેલો. સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો. ઈડર રાજના પ્રોસિક્યુટરની પડખોપડખ બેઠેલી બહેન મંગળા, એના પિતા ભવાનીશંકર પંડ્યાને તો બરોબર કોઈ ઘટાદાર આમ્રવૃક્ષને વળૂંભતી માધવી-લતા સમાણી લાગી હતી. પણ આ તો આડું ઊતરી જવાયું. કહેવાનું એ હતું કે બેન મંગળા પરણીને સિધાવી તેના વળતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો. પોસ્ટઑફિસ સામે એક બગીચો હતો તેના બાંકડા ઉપર બેસીને બે-ચાર પૈસાનાં ભજિયાં કે ગાંઠિયા ખાઈને ફુવારાના નળનું પાણી પી લેતો.

વાણિયાની દુકાનનાં ભજિયાંગાંઠિયાં ખાઈને સદાશિવ ટપાલીએ બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો. એનું એક કારણ કહેતાં ભૂલી જવાયું છે. જે દિવસે મંગળાના વિવાહની ચોરાશી જમી, તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું- સહેજ જળી ગયેલું - રેશમી પીતામ્બર પહેરી, પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસતનો ચકચકિત લોટો લઈ, ચોટલી ઓળી, ખાસું ચાર ઈંચનું ત્રણ પાંખિયાળું ત્રિપુંડ તાણી જમવા ગયેલો, પણ પતંગમાં બેસવા ગયો ત્યારે એને દરેત તડાએ 'આંહી જગ્યા નથી' કહીને તારવેલો-ટલ્લે ચડાવેલો. ચોરાશાની ન્યાતમાં તે દિવસે સદાશિવ ટપાલીની દશા દ્રૌપદી-સ્વયંવરમાંના દાસીપુત્ર કર્ણના જેવી થઈ હતી. દાઝમાં ને દાઝમાં ગમારે બોળી માર્યું કે : 'શું હું શુકલ બ્રાહ્ણણ નથી?'

એ વખતે કોઈકે અવાજ કર્યો :

'વાં...ઢો ! ત્રીસ વરસનો ઢાં...ઢો !'

કોઈ શિકારી શ્વાનના જૂથને સિસકારે તેવી મજાની આ શબ્દોની અસર થઈ હતી. ખિખિયાટી અને હસાહસ ચાલ્યાં હતાં. કોપાગ્નિમાં સળગતા સદાશિવે જવાબમાં હૈયે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે : 'વાંઢો વાંઢો કરતાં લાજતા નથી? શા સારુ પારકાને તેડાવીને દીકરીયું દઈ દિયો છો? શું અમે મજૂરી કરીનેય બાયડીનાં પેટ પૂરતા નથી? શું અમને બાયડી વા'લી નથી? શા સારુ પારકાને'.

એ જ વખતે કાકો ભવાનીશંકર શુકલ આ રંગભૂમિ પર દેખાયા. એણે સદાશિવની બોચી ઝાલી આટલું જ કહ્યું : 'હું સમજુ છું તારા પેટનું પાપ ! જા, બાપનું કારજ કર્યા પછી જ પતંગમાં બેસવા આવજે!'

સદાશિવ ટપાલી ઘેર ચાલ્યો ગયો. પછી એ આખા બનાવમાંથી ફક્ત એક જ બિના એ વારેવારે સંભારતો ને મનમાં મનમાં બબડતો કે : 'તે વખતે બાઈઓની પંગતમાં મંગળા બેઠી'તી ખરી ! એણેય ખિખિયાટા કર્યા'તા ખરા? આજ બે વરસે હું શા સાટુ નીમ તોડીને ન્યાતમાં ગયો? મંગળાને છેલ્લી વાર જોઈ લેવાનો મોહ કેમ ન છોડ્યો? એ ત્યાં બેઠી હતી ખરી? એ હસી હશે ખરી? એના દેખતાં જ શું આ ફજેતી થઈ?'

તે દિવસથી સદાશિવ ઉઘાડેછોગ વાણિયાનાં ભજિયાં ખાઈને ન્યાત ઉપર દાઝ કાઢતો હતો.

(3)

ભવાનીકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો થેલો ઉપાડીને નદીકાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજેરોજ ચાલી નીકળે છે. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો છે. બન્ને એકલા છે, બન્ને મૂંગા છે, બન્નેને તાપમાં તપતાં બસ કેવળ પંથ જ કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વાદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા, અને બીજાના માથા પર અનેક માનવીઓનાં સુખદુઃખની છૂપી-અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો, પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગતેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, બંનેનું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઈ શોષાઈ જતી. સદાશિવનું જીવન-વહેણ પણ એકલતાની ધરતીમાં ઊતરીને વરાળ બની જતું. પારકાંના અધમણ કાગળો ઉપાડનારને પોતાને તો એક ચપતરી મોકલવાનું પણ કોઈ સરનામું નહોતું. ઘણી વાર તેની આંગળીઓ ત્રમ ત્રમ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત 'તમો સુખી છો?' એટલું જ લખીને ચોડ્યો હતો. સરનામું 'બેન મંગળા, ઠે.' એટલું લખતાં તો આંગળીઓ પરસેવે ટપકી ગયેલી ને એ કવરની ઝીણી ઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી, ફેરણીએ નીકળતી વખતે કોઈ ન દેખે તેમ નદીમાં પધરાવી દીધેલી.

જગતમાં 'વાંઢા' જેવો કોઈ ગહન કોયડો છે ખરો? એને કોઈ પડોશમાં ઘર ન આપે. કોઢિયા અને રક્તપિત્તિયા જેવો એ ભયંકર છે. એનું ટીખળ સહુય કરે, પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ છે. પાડોશના બાળકને જો એ પિપરમીંટ લાવીને આપે તો તે ઘડીથી 'બબલીની બા' અને પિપરમીંટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલીક ડિગ્રીને ખૂ્ણે મળે છે તેની ગુપ્ત તપાસ બબલીના બાપા રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરાં સમજે કે 'પીટ્યો અમને સંભળાવવા સારુ આરડે છે!' એ જો મૂંગો મરી રહે તો હલકા મનસૂબા ગોઠવતો લાગે. તેની આંખો અમસ્તી જોતી હોય તો પણ ચકળવકળ થતી લાગે. એની અનંત વેદનાઓને વ્યક્ત થવા માટે સભ્ય વાક્ય એક જ : 'મારે રોટલા-પાણીની વપત્ય પડે છે!'

(4)

'મારું કરમ ફૂટી ગયું, ભાઈ ! દીકરી મંગળાનો ચૂડો ભાંગ્યો.'

'ઓચિંતાનું શું થયું?'

'હરિ જાણે ! જમાઈની કાયા તો કંચન સરખી હતી, પણ એકાએક હૃદય બંધ પડી ગયું. ઓછામાં પૂરું દરબારે મકાન પણ પાછું લઈ લીધું, જમીન આપી'તી તે રાજમાં દાખલ કરી લીધી, અને દીકરીને પહેર્યે લૂગડે બહાર કાઢી.'

'આ તે શો કોપ?'

'હું જાણું છું, ભાઈ, જાણું છું. દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમુખો સદાશિવિયો તે દી નિસાસો નાખી ગયેલો ને શરાપી ગયેલો. વાઘરીવાડે જઈને કાંઈક કામણટૂમણ પણ કરાવતો હતો. એનાં પાપ મંગળાને આડાં ફરી વળ્યાં.'

ભવાનીકાકાની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે. જમાઈરાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહિ, પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું, એ માધવી-લતાનો ઓધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઈ પડ્યો હતો.

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંગલા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની કીકી એની કેડ્યે રમે છે. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી. વરના પિત્રાઈઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઈ આ 'રાંડ મૂંડી'ને માસિક બે રૂપિયા જિવાઈના ઠરાવી આપ્યા છે. ભવાનીકાકાને નવી વહુથી થયેલી બાળગોપાળવાડી બહોળી હોઈ આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું, પણ મંગળાનો રંડાપો એને ભારી ઉપયોગ થઈ પડ્યો. નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંગલા જ કરશે અને એટલી બધી સુવાવડને કારણે નવી મા માંદાસાજાં રહે છે તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે.

નદી કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી ગોહિલવાડમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઈ રંગ ઊઘડતો! ભવાનીકાકાને નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકીને તેડી, ખંભે કોશ ઉપાડી, માથા પર પછેડી લઈ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘરકામ હોય તેથી બળતે બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઈને જ સદાશિવ હલકારાનો કેડો જાતો. એ રીતે કોઈકોઈ વાર એ નદી-પ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ટપાલી - ત્રણેના નિત્યસંગાથમાં એક ચોથું જણ ભળતું - રાંડીરાંડ મંગળા. મંગળાની કીકી સારુ સદાશિવ પોતાની કેડ્યે પિપરમીટની પડીકી ચડાવી રાખતો. કોઈ કોઈ વાર થેલો ઝાડના થડ પાસે મેલીને માટી ખોદી આપતો, ગાંસડી ચડાવતો, પણ અગાઉની માફક જ મૂંગો રહેતો, સામી મીટ માંડતો હતો ખરો, પણ સસલાની માફક બીતો બીતો.

હા ! ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઊગ્યું : આ ઓરિયાની અંદર મંગળા થોડેક વધુ ઊંડાણે ઊતરી જાય, એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે, એ ક્ષણે જ પોતે નીકળે, નાની કીકી રોતી હોય, મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મૂંડો જરીક બહાર દેખાતો હોય, તે નિશાનીએ દોડીને પોતે મંગળાને એ દડબા નીચેથી બહાર કાઢે, પાણી છાંટે, પવન નાખે, જીવતી કરે, ને પછી -

અહાહા ! પછી શું? અદ્દભુત કોઈ નવલકથાના વીરની માફક મંગળાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી, ઘર માંડવું હતું, આ માટીથી ઓરડો લીંપાવવો હતો. મંગળાને માથે ભલે વાંભ એકનો ચોટલો ન હોય, ભલે મૂંડો જ રહે, ભલે એનું રૂપ શોષાઈ ગયું, સદાશિવ તૈયાર હતો.

પણ જીવતર ક્યાં નવલકથા છે? આવા કશા જ દટ્ટણપટ્ટણની જરૂર ન પડી. એવો એક દિવસ સીધીસાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચંપાતાં ચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા-મારવાની હિંમત ભીડી.

મંગળા એટલું જ બોલી : 'આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું.'

સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી, કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યું : 'આ નદીની સાક્ષી - આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.'

વૈશાખ સુદ પાંચમની રાત, નદીકાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ શુકલ બ્રાહ્મણોના હાથની ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્યાં : પરણવા બેઠેલાં ટપાલી સદાશિવનું ને વિધવા મંગળાનું, તેમજ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું. વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો, બેશુદ્ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બબડતો હતો. ગામના બ્રાહ્મણો એને 'સાળો વિશવો આર્યસમાજીડો !' કહી ઓળખતા.

ત્રણ જણાં એક પખવાડિયે દવાખાનામાંથી સાજાં થયાં. સદાશિવને પોસ્ટખાતામાંથી 'બરાબર નોકરી કરતો નથી' એ કારણે રજા મળી. કોળીવાડને પડખે એ બેય જણાંને ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું. કોળીઓ ભેગા થઈને કહે કે : 'મા'રાજ ! તું જો કે'તો હો ને, તો અમે ઈ પચાસે શુકલોનાં ઘરમાં આવતે અંધારિયે ગણેશિયા ભરાવીએ.' સદાશિવે હસીને ના પાડી.

- ને દુનિયા શું આટલી બધી નફ્ફટ છે ! એની નફ્ફટાઈની અને એના ભૂલકણા સ્વભાવની તે શી વાત કરવી ! સદાશિવ અને મંગળા રોજ પેલા ઓરિયાની માટી લાવે છે. ઉનાળે કરગઠિયાંની ભારી લાવે છે. નફ્ફટ લોકો એ ચંડાળોથીયે બેદ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે!

બે વરસમાં તો કીકી પણ પોતાની નાનકડી ભારી માથે લઈને મા-બાપની વચ્ચે ઊભતી થઈ ગઈ. હૈયાફૂટાં ગામલોકો એ ત્રણ ગાંસડીઓ પર જ શા સારું અવાયાં પડતાં હશે!

- ને શાં ઘોર પાપ બિચારા ભવાનીકાકાનાં કે સગી આંખે એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડ્યું ! ઓ અઁબાજી મા ! ક્યાં ઘોર પાપે !

ઝાંઝર
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

'મા... તારી પાસે ચાંદીના ઝાંઝર છે?'

રોમા સોફા પર પર્સ ફેંકી અને બેડરૂમમાં દોડી ગઈ. અજબ! મા અહીં યે નથી. દરરોજ બપોરે એ એમ.એ.ના લેક્ચર ભરી ઘરે આવે કે ચોપડા ફેંકતી બેડરૂમમાં દોડી જાય - મીરાં હોય જ. અચૂક રોમા માટે મોતીની પર્સ ભરતી હોય કે હેમંત માટે સ્વેટરની ડિઝાઈનના ટાંકા ધ્યાનપૂર્વક ગણતી હોય. રોમા પર નજર પડતાં એની આંખો હસી ઊઠે. રોમા મા પાસે નીચે જ બેસી પડે - 'જાણે છે મા! બસ, તારી આ હસવાની અદા પર જ ફીદા છું. ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે આવતે ભવ જો મને પુરુષ બનાવે... બટ માય ગોડ! પપ્પાએ તો તારું સાત જનમનું બુકિંગ કરી લીધું છે. હું રખડી પડી.'

મીરાં દીકરીને મોંએ હાથ દાબી દે 'શું બક બક કર્યે જાય છે રોમા? જા નાસ્તો કરી લે. તારે માટે પાઈનેપલ કેક બનાવી છે.'

ઊઘડતી વાદળી જેવું રોમા ખિલખિલ હસી પડે - 'બસ, આટલા જ માટે આવતે જન્મ તારી સાથે શાદી કરવી હતી. મને ક્યારે શું જોઈએ તે તું જાણે. અરે હા. આઈડિયા. લગ્ન તારી સાથે ન થાય તો કંઈ નહીં. જો દીકરો બનું તો તો તારી સાથે રહેવા મળે ને!'

મીરાં તરત કહેતી :

'જો હવે તારી બક બક બંધ નહીં થાય તો તારી પ્રેઝન્ટ નહીં બતાવું.'

રોમા આંખો ફાડી હોઠ ભીડી દેતી. મીરાં હસવું ખાળી, ગંભીર મોંએ રોમાના હાથમાં પેકેટ મૂકી દેતી. રોમા ઝટપટ પેકેટ ખોલતાં જ ચીસ પાડી દેતી - 'લવલી, ફર્સ્ટ ક્લાસ... પંજાબી ડ્રેસ. પણ આ કપડું તો... અરે આ તો તારી પેલી સિલ્કની સાડી! તું તો જાદુગર છે જાદુગર, મા!'

- રોમા પલંગમાં પડી પડી માનો જ વિચાર કરતી હતી. સદુએ કહ્યું : 'મા બહાર ગઈ છે. હમણાં જ આવશે, એમ કહી ગયાં છે.'

મા. એ સમજણી થઈ ત્યારથી એને પપ્પા કરતાં માનું આકર્ષણ રહ્યું છે. અત્યંત. કોઈ પાગલ જ ગણી લે એટલું. મા ખૂબ ગમે છે. એની બધી જ વાત અદ્દભુત. એનું રૂપ, એની આવડત, એની રસોઈ એની મમતા, બધું જ અનોખું. રોમા જોતી આવી છે કે પપ્પા પણ માને ખૂબ જ પ્રેમ કરે છે. ચૂપચાપ. સંપૂર્ણ હૃદયથી. બહારનાં લોકો કહે છે પપ્પા ઑફિસમાં ખૂબ કડક છે. આસિસ્ટન્ટો પપ્પાને જોઈ મોંએ નથી બોલી શકતા પણ પપ્પા ઑફિસરનો અંચળો બહાર ઉતારીને ઘરમાં દાખલ થાય છે. માનું વ્યક્તિત્વ જ એવું છે. એના પરિઘમાં આવનાર માણસ માત્ર બદલાઈ જાય. રોમાએ ઘરમાં ક્યારેય કલંક કે ઉદ્વિગ્નતા જોયાં નથી. હવામાં એનાં સ્પંદન સુદ્ધાં નહીં.

એના વાળમાં સુંવાળો સ્પર્શ થયો.

'મા!'

રોમા ઊછળી પડી.

મીરાં હસીને બાજુમાં બેસી પડી. 'કેમ રે! હું કાંઈ વરસ-દહાડો બહારગામ ગઈ હતી કે આમ વળગી પડે છે?'

'જવા જ નહીં દઉં ને!'

'અને તું જ સાસરે ચાલી જશે. ત્યારે?'

'ઘરજમાઈ જ લઈ આવીશ, બસ?'

'ના રે. હું જ બંનેને ઘરમાંથી કાઢી મૂકીશ. ચાલ હવે ગપ્પાં મારતી ઊભી થા જોઉં. મને જરા રસોડામાં મદદ કર તો. પુડિંગ...'

રોમા પલંગમાંથી કૂદી પડી. 'બાપ રે! ભૂલી ગઈ.'

રસોડામાં જતાં મીરાં અટકી. 'વળી તને શું ભૂત ભરાયું?'

'ભૂત નહીં છૂમક છૂમ.' રોમા ફરી પલંગ પર પોઝમાં ઊભી રહી.

'ખરેખર રોમા. તારી વાતમાં નહીં ધડ નહીં માથું.'

'ધડ પણ નહીં, માથું પણ નહીં, ને પગ. બોલો ચતુર કામિની આ ઉખાણું શોધે તેને...'

'તું નાચ્યા કર, હું આ ચાલી.' મીરાં ઉતાવળી રસોડામાં જવા લાગી કે રોમા દોડતી આવી ને હાથ પહોળા કરી ઊભી રહી.

'વાહ રે મા. ગ્રેટ. તેં ઉકેલ પણ શોધી કાઢ્યો.'

મીરાંએ ઝટ દઈ રોમાનો કાન પકડ્યો, 'શું ક્યારની બક બક કરે છે, બોલ રે? મને કામ છે. તારી બહેનપણીઓ આવવાની છે, ભૂલી ગઈ કે?'

'સાચે જ ભૂલી ગઈ હતી. ઝટપટ કહીં દઉં? મને ઝાંઝર જોઈએ છે. ન હોય તો અપાવી દે.'

'તું ને ઝાંઝર? મિયાં-મહાદેવનો મેળ ક્યાંથી મળ્યો?'

રોમા ગોળ ગોળ ઘૂમવા લાગી. 'મળ્યો રે બાબા મળ્યો, આ તારી પુત્રી ગરબામાં રહી છે. મતલબ જોરજુલમથી સૌએ રાખી છે. અને ગરબાની પ્રેક્ટિસ માટે ઝાંઝર જોઈએ છે. પાતળી સેરનાં નહીં. હં કે? સરસ વજનદાર.'

મીરાં સ્થિર આંખે બારી બહાર જોતી રહી.

'શું થયું તને મા! આમ કેમ ચૂપ થઈ ગઈ? મારી વાત નથી સાંભળતી ને? જા, તારી કિટ્ટા.' મીરાં ચમકી ગઈ.

'શું-હું ના રે ના... ઝાંઝર જોઈએ છે ને તને?'

'ચાલને મા! લઈ આવીએ બજારમાંથી. મારી ફ્રેન્ડઝને આવવાને હજી વાર છે. બસ હવે મને એકદમ મન થઈ ગયું છે. છૂમક છૂમક... છમાછમ...'

મીરાંએ હસીને રોમાનો હાથ પકડી લીધો. 'છે મારી પાસે રોમા, તને જોઈએ એવાં જ. એકદમ વજનદાર અને અવાજવાળાં.'

'ખરેખર?' રોમા ખુશ થઈ ગઈ. 'પણ ક્યાં છે? મેં તો કબાટમાં જોયાં જ નથી.'

'કાલે બેન્ક-લૉકરમાંથી લાવી આપીશ, બસ! ચાલ હવે કામમાં મદદ કરાવ જોઉં.'

સાંજ હંમેશની જેમ વીતી ગઈ. રોમાના હાસ્ય-કિલ્લોલ, મીરાંની શાંત ભાવભરી આંખો અને હેમંતની ધીમી વાતો-વીતેલી ઘણી રાતોમાંની આ એક રાત હતી, જાણે કશું જ બન્યું નહોતું.

- પણ મીરાંના મનમાં ઝાંઝરનો આછો ઝંકાર પડઘાયા કર્યો. હેમંતની પાસે નીચે બેસી ટેબલક્લૉથ પરનું ઝીણું સુંદર ભરતકામ કરી રહી હતી, ત્યાર પણ ઝાંઝરની ઘૂઘરીઓ મનમાં રણકતી હતી. એની સાથે જ દૂરના ભૂતકાળમાં વહી આવતો રુદનનો કરુણ સૂર...

મીરાં ચમકી પડી.

'શું થયું?' છાપામાંથી નજર ખસેડી હેમંતે પૂછ્યું.

'હું... ના ના, જરા સોય...'

પણ રુદનનો કરુણ સૂર જ ભોંકાઈ ગયો હતો. મીરાં કશું ન બોલી શકી. ત્યારે પણ ક્યાં કંઈ બોલી શકી હતી!

'શું થયું તને મીરાં? કેમ ફિક્કી થઈ ગઈ? તબિયત તો સારી છે ને?'

હેમંતે છાપું મૂકી દીધું.

'ના... ના રે.' મીરાંએ પરાણે હસીને ભરતકામ સમેટી લીધું. 'થાકી ગઈ છું. ચાલો સૂઈ જઈશું?'

રાત્રે પણ અંધારાનો ઓથાર ભીંસતો રહ્યો ત્યાં સુધી એ જાગતી પડી રહી. ચૂપચાપ દબાતે પગલે શાંત ઘરની હવા વીંધીને ઝાંઝરનો ધીમો ઝંકાર એની નજીક આવતો ગયો. જીભ લચકાવતો કાળોતરો સરકી આવ્યો હોય એમ એ બેઠી થઈ ગઈ. આંખો મીંચીને એ હાંફતી બેસી રહી.

કેટલાં વર્ષો થયાં એ વાતને? હા. બરાબર બાવીસ વર્ષ. રોમાના જન્મ જેટલાં જ. વર્ષોનાં પડળ વીંધીને ઝાંઝરનો ધીમો ઝંકાર એના શ્વાસની ગતિ જેવો તેજ બનતો ગયો.

પરણીને ઘરમાં આવતાં આ બાપુએ એના હાથમાં ઘરની ચાવીઓ મૂકી દીધી હતી અને સાથે એ ઝાંઝર પણ. માથે ધીમે ધીમે સ્નેહથી હાથ ફેરવતાં બાપુએ એને જોડે જ બેસાડી હતી.

'જો બેટા! વર્ષોથી હેમંતની બા ચાલી ગઈ છે. અમે બાપ-દીકરાએ સૂના સૂના ઘરમાં માંડ આટલાં વર્ષો વિતાવ્યાં. હવે તું એને સ્ત્રીની સુવાસથી, આ ઝાંઝરના રણકારથી ભરી દેજે, બેટા! તું આ ઘરની વહુ માત્ર નથી, અમારી મા પણ છે.'

બંનેની આંખો છલકાઈ ગઈ હતી. ઘરની હૂંફ, વાત્સલ્ય, આવો સ્નેહ - કશું જ એ અત્યાર સુધી પામી નહોતી. એ ધીમે ધીમે મોટી થતી ગઈ એમ જાણતી ગઈ. નિયમિત બૉર્ડિંગમાં એના નામથી પૈસા આવતા પણ એ કોણ મોકલતું તે કદી એ જાણી શકી નહોતી. એ ઘણીવાર સિસ્ટરને પૂછતી, પોતાનાં વિષે, મા-બાપ વિષે.

સિસ્ટર સ્નેહથી કહેતાં :

'એ બધું જાણીને સું કરશે મીરાં? છોડ ક્યાં ઊગ્યો છે, કોણે એની માવજત કરી છે - એનું મહત્ત્વ નથી. ફૂલની ઓળખ એની સુગંધ. તું જ્યાં જશે ત્યાં મહેકી ઊઠશે.'

ખૂબ હોશિયાર હતી મીરાં. લાંબી રજાઓમાં બૉર્ડિંગ ખાલી થઈ જતી. મીરાં વિદ્યાર્થીઓના બંધ ઓરડાઓને તાકતી, લાંબી સૂની પરસાળમાં ઊભી રહેતી. ન એનું કોઈ હતું, ન એને કશે જવાપણું રહેતું. પોતાનો ખંડ બંધ કરી એ સિસ્ટર સાથે રહેતી. પોતાની એકલતાને અવનવી કળાઓથી ભરી દેતી. ક્યારેક દુઃખનો તીવ્ર સણકો ઊપડી આવતો. આંતરબાહ્ય પીડ્યા કરતો. પોતાનું કોઈ નથી. અથવા કદાચ, ક્યાંક છે તો એની કોઈને જ જરૂર નથી. - આવા વિચારો આળા મન પર પરુ ભરેલા ફોલ્લાની જેમ ઊપસી આવતા, અને ફૂટી જતા, ત્યારે તેનું મન એક ઊંડી વેદનાથી ભરાઈ જતું.

એકલતાના આવા શૂન્યાવકાશમાં એ જીવતી હતી ત્યાં -

હેમંતે એના મનમાં પ્રવેશ કર્યો અને સઘળું જ પલટાઈ ગયું. વૃક્ષો, પશુપંખી, આકાશનો ઘુમ્મટ. આખું વિશ્વ જ. એ હવે અનાથ કે એકલી નહોતી. હેમંતને ખભે માથું ઢાળી દઈ એ બધું જ કહી શકતી. એનાથી છૂટા પડતા નાના બાળકની જેમ રડી પડતી. એના ભીના, ચમકતા ગાલને ચૂમી લેતા હેમંત હસી પડતો. મીરાં ચિડાતી :

'તમે નથી જાણતા હેમંત! કેવી ભયંકર એકલતા મેં અનુભવી છે! અગર તમે જો જિંદગીમાંથી ચાલ્યા જશો તો હું નહીં જીવી શકું.'

'ચાલ્યો જાઉં? પાગલ. ચાલ, હું તો તને લઈ જવા આવ્યો છું. બાપુ પાસે.'

મીરાં હેમંતના ઘરે આવી ત્યારે કેમે કરીને પાછી જઈ ના શકી. જાણે વર્ષોની તરસ ટીપે ટીપે ટપકતાં બુંદથી આગ બની ભડકી ઊઠી હતી. થોડા વખતમાં એ જ ઘરમાં એ સ્વામિની બનીને પ્રવેશી ત્યારે એને થયું વિધાતાએ સુખનું છલોછલ પાત્ર એના હાથોમાં મૂકી દીધું છે. એ પાત્રને હોઠે લગાવી એની અમીધારા એ આકંઠ પીતી રહી.

બાપુના મમતાભર્યા લાડ, હેમંતનો અવિરત સ્નેહ, ઘરનો લગાવ અને... અને રોમાનો જન્મ.

જે અંધારી એકલવાયી જિંદગીમાં લપાઈને દૂરથી જે અજાયબ વિશ્વનાં એ દર્શન કરતી હતી, એ વિશ્વની એ હવે સંપૂર્ણ સ્વામિની બની ચૂકી હતી. બાપુ અને હેમંત એને એટલું બધું ચાહતા હતા કે ક્યારેક એ ભયથી ફફડી ઊઠતી. કદાચ આ પ્રેમની વર્ષા થંભી જાય, કદાચ હાથ આવેલો આ સુખનો ખજાનો ખોવાઈ જાય... આગળ એનાથી વિચાર પણ થઈ શકતો નહીં.

એક વાર એને બાપુએ આપેલાં ઝાં સાંભર્યા અને ઘરમાં દોડમદોડ કરતી રોમાને પહેરાવ્યાં. ઘર મધુર ઝંકારથી ગુંજી ઊઠ્યું. એક-બે દિવસ રોમા ખૂબ નાચી. ખુદ બાપુ રોમાનો હાથ પકડી ફુદરડી ફરતા રહ્યા. રોમાને રમાડવા તેરચૌદ વર્ષની એક દૂબળી છોકરી બાપુએ રાખેલી - મીઠી. તેય ખિલખિલ હસતી તાળીઓ પાડતી.

રોમાને ઝાંઝર વહાલાં થઈ પડ્યાં. વજનદાર ઝાંઝરથી એના નાનકડા પગ છોલાઈ જાય, ત્યારે કાઢીને એના રેશમી તકિયા નીચે મૂકી દે. બાપુ હસીને કહેતા - મીરાં! ઝાંઝર શકુનિયાળ છે હોં! હેમંતની બાને પણ બહુ ગમતાં અને મારી રોમા ય એની પાછળ ઘેલી ઘેલી.

એક દિવસ ઝાંઝર ખોવાઈ ગયા. ઘણી શોધાશોધ ચાલી. બાપુએ આખું ઘર ઉથલાવી નાખ્યું, પણ ઝાંઝર ન જ મળ્યાં. રોમાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ન તો એણે દૂધ પીધું, ન તો એ ઊંઘી. બીજાં ઝાંઝર બજારમાંથી ખરીદી આવવાની હેમંતની વાત પણ એણે ન સાંભળી - બસ, મારાં ઝાંઝર મને લાવી દો. એ જ એની વાત.

ઝાંઝર શોધ્યાં, ન મળ્યાં એટલે મીરાંને શંકા થઈ. કોઈ ચોરી તો નહીં ગયું હોય? મીઠી સિવાય બહારનું માણસ હતું કોણ ઘરમાં? મીઠીને પણ ઝાંઝર બહુ ગમતાં હતાં. એક વાર રોમાએ ઘડીક ઉતારેલાં ત્યારે મીઠીએ પહેરી લીધેલાં. રોમાએ ચીસાચીસ કરી મૂકી ત્યારે ઝટપટ ઉતારી નાખેલાં, મીરાંના મનમાં તાળો બેસી ગયો - નક્કી મીઠી જ ઝાંઝર લઈ ગઈ હતી.

અને એક દિવસ એણે મીઠીને કહી દીધું :

'જો મીઠી, ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ. ઝાંઝર પાછાં લાવી દે. તને કંઈ નહીં કહું.'

મીઠી કશું બોલ્યા વિના આંખો ફાડીને એને તાકતી જ ઊભી રહી.

નક્કી પકડાઈ ગઈ એટલે ડરી ગઈ. મીરાંએ સમજાવટથી કહ્યું :

'ડરવાની જરૂર નથી. કોઈની પણ ભૂલ થઈ જાય. ભારે જાંઝર છે. વેચી તો નથી દીદાં ને?'

મીઠી તો નીચે બેસી પડી ધ્રૂસકે ધ્રૂસકે રડવા જ લાગી.

હેમંત અને બાપુ બંને રસોડામાં આવ્યા. 'કેમ, શી વાત છે મીરાં? અરે મીઠી રડે છે? પડી ગઈ કે શું?'

'ના, બાપુ, એ તો રોમાનાં ઝાંઝર મીઠીએ લીધાં છે તે પાછાં દેવા સમજાવું છું.'

'છી! છી! મીઠી! તને ઘરની છોકરી ગણીને રાખી અને તેં જ ચોરી કરી? ચાલ દઈ દે જોઉં ઝાંઝર. જો મારી રોમા સાવ વિલાઈ ગઈ છે.'

ન મીઠી રડતાં અટકી, ન ઊંચું સુધ્ધાં જોયું. કદાચ વધુ જોરથી રડવા લાગી. મીરાં ચિડાઈ.

'જાણે અમે તને મારતાં હોઈએ એમ ઢોંગ શેનો કરે છે?' કહ્યું તો ખરું કે તને નહીં વઢીએ.'

મીઠી ફ્રોકમાં મોં ખોસી જોરજોરથી રડતી રહી.

હેમંત ખૂબ ગુસ્સે થઈ ગયો. 'આ શી મુસીબત?' મીરાં કહે છે નહીં વઢીએ તો ય તમાશો માંડ્યો છે! સીધેસીધા ઝાંઝર આપી દે નહીં તો પોલીસમાં જશે તો બરાબર ખબર પડશે, સમજી?'

બાપુ વચ્ચે પડ્યા - 'ના, ના. બેટા! ગમે તેમ તોય ઘરના જેવી છોકરી છે. પોલીસનું નામ ન લઈશ. ઝાંઝર દઈ દે એટલે પત્યું. - બીજી જોઈએ એટલી નોકરાણીઓ મળી રહેશે.'

કોઈનું કશું સાંભળતી જ ન હોય એમ મીઠીનું એકધારું રડવાનું ચાલુ જ હતું.

આખરે મીરાં કંટાળી. રડતી-કકળતી મીઠીને બાવડેથી ખેંચીને પાછલી ચાલમાં લઈ ગઈ એના ઘરમાં. એની માને મીઠીનાં પરાક્રમ કહ્યાં. માએ પણ બહુ સમજાવી પણ મીઠી જેનું નામ ! રડીરડીને હીબકે ચડી ગઈ. પણ ઝાંઝર ક્યાં છે તે કહ્યું નહીં.

બીજે દિવસે મીરાંને ખબર પડી કે મીઠીને એની માએ બરાબર પીટી નાખી હતી. પણ મીઠી જબરી જિદ્દી નીકળી. ક્યાં ઝાંઝર છુપાવ્યાં તે બોલી જ નહીં. ચાલીમાં ય સૌ એને ચોર કહીને ચીડવતાં. બહેનપણીઓને કિટ્ટા કરી દીધી.

થોડા દિવસ પછી મીઠીની મા આવી. રડતાં રડતાં બહુ યે માફી માગી. 'ભાભીજી! તમારા જેવું ઘર ક્યાં મળવાનું હતું? એ અભાગણીએ જાતે ઓથ ખોઈ. સાહેબે તો એનાં લગન સારું કપડાં લઈ દેવાનું ય કહ્યું હતું. પણ હવે તો...'

'કેમ?'

'એનાં સગપણની વાત ચાલતી હતી, છોકરો જોવા ય આવેલો ત્યાં અડોશપડોશમાંથી ખબર પડી ગઈ એટલે...'

નીચું જોઈ મીઠીની મા રડતી રહી. પછી સાડલાને છેડેથી થોડી ચોળાયેલી નોટો અને પરચૂરણ કાઢીને બાજુ પર મૂક્યાં.

'ભાભીજી! તમારાં ઝાંઝર તો બહુ મોંઘાં હતાં. મારી પાસે આટલા પૈસા છે. ના નહીં પાડતાં. મારા સમ.'

'ના, ના ગાંડી થઈ છે! મારે તારા પૈસા નહીં જોઈએ. મીઠી ક્યારેક જાંઝર બતાવી દે તો આપી જજે. મારાં આંસુની યાદગીરી છે.'

'મળશે તો જરૂર આપી દઈશ. પૈસા તો રાખજો જ. એટલું ય પાપ ઓછું થાય. રોમાબહેનને ઢીંગલી...'

'ના ના, તું પૈસા લઈ જ લે.'

કમને પૈસા છેડે બાંધતી આંખો લૂછતી, મીઠીની મા ગઈ.

ઘણો સમય થઈ ગયો એ વાતને. રોમા સ્કૂલમાં દાખલ થઈ ગઈ હતી. ઝાંઝરનો મોહ છૂટી ગયો હતો, પણ મીરાંને ક્યારેક સાંભરી આવતાં. કેવી અસ્સલની કારીગરી અને પાછાં તોલદાર! બાપુની એ પહેલી ભેટ. મીઠી પણ ગજબની નીકળી. માર ખાઈને અધમૂઈ થઈ ગઈ, પણ ન આપ્યાં તે ન જ આપ્યાં.

હેમંતને ઑફિસમાં બઢતી મળી હતી. બાપુએ રોકેલા પૈસા પણ છૂટા થયા હતા. હેમંતે ખૂબ સરસ વિશાળ મકાન ખરીદ્યું હતું. રોજ થોડો થોડો સામાન ખસેડવાનું કામ ચાલ્યા કરતું હતું.

- અને અચાનક મીરાંના હાથમાં ઝાંઝર આવી પડ્યાં.

એક હળવી ચીસ પાડીને એ ઊભી થઈ ગઈ. નીચે જમીન પર થોડાં કાળાં અને ધૂળવાળાં થઈ ગયેલાં ઝાંઝર ટૂંટિયું વાળીને પડ્યા હતા.

મીઠી રડી રડીને લાલચોળ થયેલી આંખો અને એ છેલ્લી નજર...

માંડ જમીનથી એ ઝાંઝર ઊંચકી શકી. હાથ ભારે ભારે થઈ ગયા. કબાટમાં ઊંડે, ક્યારેય નજરે ન પડે એમ ખોસી દીધાં.

હેમંત અને બાપુને હવે શું કહેવું? એની છાતી ધડકી ગઈ. આ ઘરમાં એનું સ્થાન, સૌનો સ્નેહ, એની આવડત, એની કળા... બધું જ શું પછી અકબંધ રહેશે? કે પછી... ના ના. ઘણાં વર્ષોની પ્રતીક્ષા પછી જે મળ્યું છે, તે ખોઈ દેવાની શક્તિ એનામાં નથી.

એ બીજે દિવસે મીઠીને ઘરે ગઈ હતી. મીઠીની મા તો એને આવેલી જોતાં ઓછી ઓછી થઈ ગઈ. અચકાતાં મીરાંએ મીઠીનાં ખબર પૂછ્યાં.

'મીઠીનાં ખબર તમે શું કામ પૂછો હવે? એ તો તમે મોટા મનનાં એટલે. બારી મારી મીઠી તો કડવી નીકળી, બહેન! બહુ સમજાવી. પણ મૂઈ, મોંમાં મગ ભરીને તે દિ'ની જેમ રડ્યા જ કરે. પણ ભસે નહીં કે ક્યાં સંતાડ્યાં છે.'

'પછી... પછી...' મીરાંના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા.

'હતી શોખીન જીવડો. વેચીને ખાધું હશે ને સિનેમા જોયા હશે બહેન.'

'અત્યારે... અત્યારે મીઠી ક્યાં છે?'

'મીઠી? આવાં કામો કર્યે ઠાકર કાંઈ સુખમાં રાખે? મા છઉં. દુશ્મન નથી. બહુ જીવ બળે. પણ નસીબમાં માંડેલું શું કરું? મારે તો શે'રમાં જ પરણાવવી'તી. પણ આ બધી વાત ફેલાઈ ગઈ. કોઈએ હાથ ન ઝાલ્યો. દેશમાં આછુંપાતળું સાસરું મળી ગયું. કે છે ત્યાં બચાડીને કામનાં સીંદરાં તાણવા પડે છે. અરે, અરે, પણ બેસો તો ખરાં ભાભીજી! રોમાબહેન, કેમ છે?'

મીરાંએ બેચાર સાડી અને થોડા રૂપિયા મૂકતાં ચાલવા જ માંડ્યું. મીઠીની માએ છાતીનો ભાર વધારી દીધો હતો.

'આ... આ બધું એને મોકલી દેજો.'

મીઠીની મા અવાક થઈ તાકી રહી. "અરેરે ભાભીજી! એના સારુ આટલું બધું? તમે તો દેવી છો દેવી, ભાભીજી!"

મીરાં ઝડપથી જતી હતી ત્યાં પાછળથી ગોફણના ઘાની જેમ 'દેવી' શબ્દ એને વાગ્યો. એ માંડ ઘરે પહોંચી. ઝાંઝરને એણે કબાટમાં પૂરી દીધાં. કેટકેટલાં વર્ષો વીતી ગયાં! ક્યારેક કોઈક મધુર ઝંકારે સ્મૃતિ કારમો ડંખ દઈ દેતી.

- અને આજે અચાનક રોમા ઝાંઝર માટે રટ લઈ બેઠી હતી. મીરાંએ ઝાંઝર રોમાના હાથમાં મૂક્યાં કે રોમા ઊછળી પડી.

- ઓહ લવલી! કેવાં સરસ ઝાંઝર છે!

સાંજે હેમંત ઘરે આવ્યો ને રોમાનાં ઝાંઝરનો ઝણકાર સાંભળતાં બોલી ઊઠ્યો, 'અરે! આ વળી ક્યાંથી મળ્યાં?'

'એ તો... એ તો... મેં પછી નવા કરાવ્યાં હતાં.' મીરાં ધીમેથી બોલી,

'કેવાં વજનદાર છે નહીં, મા?'

આંખો ઢાળી દઈ મીરાં ધીમેથી બોલી, 'હા, વજનદાર ઝાંઝર છે, રોમા.'

આંસુની મહેફિલ
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)

આ સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો?

તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુધારે ધોવાઈને દયાહીન બની ગઈ છું. મારપીટ, ગડદાપાટુ અને ગાળાગાળીની સાક્ષી છું. એટલે શું હું સ્ત્રીજાતિની મટી ગઈ છું, વીરા મારા?

તમે પાન ચાવીને મુખ રાતાં કરી-કરી ઘેરથી દમામભેર ચાલ્યા આવો છો, એટલે શું એમ માનો છો કે તમારી હોજરીના ભડકા હું નથી જાણતી? જાણું છું, બધુંય જાણું છું. આ કળામુખા સત્યાગ્રહે તમારું કામ દસગણું વધારી દીધું છે. પણ સરકાર કંઈ દિવસના પચીસ કલાકો થોડી કરી શકે છે? – તમારાં સ્ત્રી-બાળકો માંદા મરે છે તેને માટે દવા લઈ આવવાનીય તમને વેળા નથી : તમારી રસોઈ કરનાર કોઈ નથી, તમે ચા પીને પેટના ખાડા પૂરો છો, દરેક અક્કેક પાનપટ્ટી ચાવો છો. પીળી પડેલી આંખો ઘુરકાવી-ઘુરકાવીને તમે એ ટોળે ટોળે આવતા ગુનેગારો ઉપર રાતાચોળ ચહેરા કરો છો, તમે અંદર અંદર કામની મારામારી ને ગાળાગાળી ચલાવો છો. એ એ બધું શું હું નથી ભાળતી? તમે પુરૂષો થઈને આવા કાયર, ત્યારે હું નારી છતાં કેટલું સહું છું!

હા-હા-હા-હા !

તમે મારા હસવાના ખડખડાટ નહિ સાંભળતા હોય, ખરું? લોઢાના સળિયા મારા કાળા-કાળા દાંત છે. હું તો ડાકિની છું. હું તો તમને જૂઠુંજૂઠું કહેતી હતી. મારે વળી લાગણી કેવી? જાડીજાડી દીવાલ : એમાં જકડેલું મારું દેહપિંજર : લોઢાના સળિયાની બનેલી મારી પાંસળીઓ : તેની ઉપર પણ પાછી લોઢાની નસો જેવી તારની જાળી : આખા દેહમાં ક્યાંય છાંટો લોહી ન મળે, કે ન મળે લચો માંસ : ન મળે આંખો, કે ન મળે છાતી. ફક્ત જામે એકલું દાંતવાળું મોઢું અને તળિયા વગરની હોજરી.

સવાલ પડ્યું છે. મારી પાંસળીઓની આરપાર ઠંડો પવન ફૂંકાય છે. ફૂંકો જોરથી. હજુ વધુ સુસવાટા લગાવો. જુઓ પેલા કાળમુખા કેદીઓના કતાર ચાલી જાય છે જેલની બહાર મજૂરી ખેંચવા. જુઓ, એની છાતી ઉપર તો ચામડી છે. ચામડી ઉપર પાછાં કૂડતાં છે, તોયે જાણે પવન એનાં ખોળિયાંની આરપાર શારડી-શો છેદ પાડતો પરોવાઈ જાય છે. જુઓ-જુઓ કાળી ટોપી, લાલ ટોપી, લાલ-કાળી ટોપી, ધોળી ટોપી, પીળી ટોપી : ટોપી ! ટોપી ! ટોપી ! તેની પાછળ ડંડા મારતી પીળી પગડી : તેની આગળ ખાખી વેશવાળો ચાબુકદાર ચોકીદાર : ચોકીદારનાં ચકચકતાં ચગદાં ઉપર પણ તાળું અને ચાવી કોતરેલાં ! જુઓ, માનવ-પશુઓનાં ટોળાં ચાલ્યાં જાય. બેડીઓનાં ઝંકાર બોલે છે. ચાવીઓ અને તાળાં ચીં-ચીં કરે છે, જૂની વાર્તાઓ માંહેલી કોઈ નજીવા નગરીમાં ઢૂંઢા રાક્ષસને રાજદરબારે જાણે નાટારંભ થાય છે.

જાવા દો બેટાઓને. બપોરે તો હું આંહીં મારા ખોળામાં એમાંના કંઈકને પોસપોસ આંસુડે રોવરાવીશ. ભલે જાય, ભલે છૂપી બીડીઓ પીએ પગે બાંધીને છૂપી બીડીઓ છોને જેલની અંદર લઈ આવે! હું ડાકિની છતાં સ્ત્રીજાત હોવાથી ન બોલી શકું તેવી ગલીચ ચાલાકી કરીને ભલે તમાકુ,  ગાંજો ને અફીણ એની બુરાકોમાં ચોરી લાવે, મારો વારો તો બપોરે છે ને!

જાવા દો બેટાઓને. બપોરે તો હું આંહીં મારા ખોળામાં એમાંના કંઈકને પોસપોસ આંસુડે રોવરાવીશ. ભલે જાય, ભલે છૂપી બીડીઓ પીએ, પગે બાંધીને છૂપી બીડીઓ છોને જેલની દર લઈ આવે! હું ડાકિની છતાં સ્ત્રીજાત હોવાથી ન બોલી શકું તેવી ગલીચ ચાલાકી કરીને ભલે તમાકુ, ગાંજો ને અફીણ એની બુરાકોમાં ચોરી લાવે, મારો વારો તો બપોરે છે ને!

બપોર તપતા આવે છે. મારી ભૂખતરસની જ્વાલા વધતી જાય છે. મારું જઠર ‘આંસુ ! આંસુ !’ અને ‘નિઃશ્વાસ! નિઃશ્વાસ!’ એમ ભોજન માટે પોકારી કરી રહ્યું છે. ઓ ડંડાખાન ! ઓ પીળી પગડીવાલા દીનમહમદ ! હવે તો મુલાકાતવાળાઓને તેડી લાવ. જો, એનાં ત્રણ-ત્રણ મહિને આવેલાં સગાંઓ બહાર તાપમાં ટળવળે છે. તું તો ખૂની છે, બુઢ્ઢો છે. તોયે રહમદિલ છે. તારે તો ત્રણ વર્ષ પછી છૂટીને શાદી કરવી છે ને!

‘હાં સા’બ! શાદી ક્યોં ન કરે ! જરૂર કરેંગે !’

વાહ ડંડાખાન, તો બોલાવી લે મુલાકાતવાળાઓને અને એની દુવાઓ ભેગી કર, ભાઈ! હું કંઈ તારા ભલા સારુ કહું છું કે દયા ખાતર કહું છું એમ ન માનતો. હું તો ચીસો પાડું છું. કેમ કે મારે તો મારું જઠર ભરવું છે, મારે આ ચોરડાકુઓના નિઃશ્વાસ, હાહાકાર અને હૈયાફાટ વિલાપની ઉજાણી માણવી છે.

ડાંગોવાળા બારૈયાઓ, ધીંગાધીંગા ધારાળાઓ, લૂંગી પહેરેલા મુસલમાનો, સુરમેભરી કાળી આંખો અને વાંકડિયા ઓડિયાંવાળા પઠાણો : આ કોઈ નવાં ઓઢણાં પહેરીને આવેલી નવયૌવનાઓ, અને લીરા લીરા થઈ ગયેલ સાડલામાં અંગની એબ ઢાંકીને ઊભેલી બચરવાળ ઓરતો : આ મેલાંઘેલાં છોકરાં અને નવા આંગડી પહેરીને બાપને મળવા આવેલી કોઈક છોકરીઓ : હા-હા-હા-હા! કેવાં એ બધાં મારી સામે મેંઢાં બનીને ઊભાં છે! આ શેરબહાદુરો ટીકીટીકીને મને જોઈ રહેલ છે. દિલમાં થાય છે કે એ તમામને ટગવવા હું થોડી વાર મારાં બારણાં બંધ કરી દઉં, અને પછી એ સહુની આજીજીઓ ને ચીસોમાંથી ઊઠતું મીઠું સંગીત સાંભળું છું. પણ ત્યાં તો –

આવો કસળાજી બારૈયા ! આવો રૂપસંગ ભીલ ! આવો-આવો મિયાં જમાલુદ્દીન ! આવો ઠાકરડા ગેમાજી !

આવો કસળાજી બારૈયા ! આવો રૂપસંગ ભીલ ! આવો-આવો મિયાં જમાલુદ્દીન ! આવો ઠાકરડા ગેમાજી !

ચાર પાંચ કેદીઓને લઈને ડંડાખાન આવી પહોંચ્યા.

તમે પાંચેય જણા અહીં મારી પાસે જ ઊભા રહો. નહિ, નહી, મારી બાજુમાં બીજી બારી છે ત્યાં નહિ જવાય. ત્યાં કેમ દોડ્યા જાઓ છો, ગમારો? ઓ મુકાદમ! મારો, મારો એને બે-ચાર તમાચા, અને પાછા મારી પાસે ધકેલો. સાન નથી એ જંગલનીઓને કે એ બારીના સળિયા આડી મારા જેવી તારની જાળી ક્યાં ગૂંથેલી છે! પણ હું તમારી લુચ્ચાઈ સમજું છું. તમારે તો એ બારીના નર્યા સળિયામાંથી સગાંવહાલાંનાં મોં ચોખ્ખેચોખ્ખાં જોવાં છે, ખરું કે? મારી જાળીમાંથી તમને એકબીજાનાં શરીરો ટુકડા-ટુકડા દેખાય છે તે નહિ ગમતું હોય ! તો ગુનો શીદ કર્યો? ગુનો નથી કર્યો, તો પૂરા સાક્ષી પુરાવાથી બચાવ કાં ન કર્યો? બિચારા મેજિસ્ટ્રેટની તથા પોલીસની બચરવાળ સ્થિતિનો વિચાર પણ ન કર્યો? શા સારુ તમે સીધેસીધી જુબાની આપી દીધી વારુ?

માટે ચૂપ બનીને અહીં ઊભા રહો. ઓ મુકાદમ ! પેલો પાંચમો ગેલિયો આવ્યો, તેને પણ આ ચારની વચ્ચે ઠાંસી દે. સમાતા નથી? તો પછી શા સારુ એનાં શરીરો એટલાં બધાં જાડાં રાખેલાં છે? રસોડામાંથી તેલ હમણાં કેમ ઓછું ચોરાય છે? સાંજની ભાજીમાં શકરિયાનાં કોઈ-કોઈ બટકાં પણ શા સારુ રહેવા દો છો?

હાં, કરો હવે વાર્તાલાપ. તમારી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારી પાંચની સામે પચીસ જણાં મુલાકાતિયાં ઊભાં છે. તમારી અને એની મળી ત્રીસ જીભો બની. વાહ વાહ! ચીડિયાખાનામાં જાણે ચીંકાર ચાલુ થયા. બોલોબોલો, જે પૂછવું હોય તે પાંચ મિનિટમાં પૂછી લો. જવાબ પકડવાની પરવા ન કરો. સામાં પચીસ જણાં જવાબ આપે એમાં મારો શો ગુનો?

ક્ષુધાતુર જીભો જાણે ખાઉંખાઉં કરતી હોય તે રીતે ચિત્કાર કરે છે. મજા આવે છે. કોઈ કોઈનું કાન પડ્યું સંભળાય જ નહિ. એ તમામ ચીંકારોમાંથી એક નવી ભાષા સરજાય છે. ફૂલઝરમાંથી ઝરતા રંગો સમાન એ શબ્દો –

“મારા બરધિયા શું કરે છે?” એ કાકા, મારા બરધિયાને બરાબર ચારજો હો કે! હું છ મૈને બા’ર આવીને ખેતરડાં ખેડી નાખીશ. હું તુટી મરીને પણ તમારાં નાણાં ભરી દઈશ, પણ મારા બરધિયાને ચાર નીરજો હો ! એને ભૂખ્યા રેવા દેશો મા !

આહાહા ! એટલું કહેતાં તો ગેમો બારૈયો રડી પડે છે.

ઓ મુકાદમ ! નજર રાખ. આ કેદી મુલાકાત કરવા આવ્યો છે કે રડવા ? માર ડંડો ને કાઢ પાછો.

પગે લાગે છે? આજીજી કરે છે? ‘ભાઈસાબ, હવે નહિ રડું’ એમ કહે છે? તો ઠીક, છો ઊભો.

સામેથી સગાંવહાલાં જવાબ વાળે છે, ‘તું હેમત રાખ્ય! હેમત રાખ્ય ! મરદ છો કે બૈરું! હું બાર જીવતો બેઠો છું તાં લગી તારા બરધિયાને શો વાંધો છે? હેમત રાખ્ય ને સજા ભોગવી કાઢ્ય, ભૂંડા!’

ઘૂમટો કાઢીને પેલી રૂપસંગ ભીલની બૈરી ઊભી છે. એકબીજાને નીરખે છે. અરે, ડાઘો રૂપસંગ ભીલ પણ રડી પડે છે ! શાબાશ, મારા પથ્થરો રૂપસંગ ભીલને આંસુડે ભીના થયા, એ મારો વિજય કંઈ જેવો તેવો છે? સાવજ સરખો રૂપસંગ ચોધાર આંસુડે પેલી ઘુમટાવાળીને કરગરે છે કે “અરે ભૂંડી, ત્રણ-ત્રણ મૈનાની મુલાકાતમાં પણ તું ના આવે ! મોઢુંય ન બતાવે ! મારાં છોકરાંની ખબરેય ના આલે?”

“શું કરું?” ઘૂમટાવાળી રડતી-રડતી કહે છે : “રેલભાડાનાં નાણાં નૂતાં, તે મેં મારા કડલાં મેલીને ભાડું જોગવ્યું. અને દીચરી તો પંદર દી પેલાં માતામાં ગુજરી જઈ-”

અને રૂપસંગની આંખોએ ઝરા વહેતા મૂક્યા.

મુકાદમ ! ઓ મુકાદમ ! આ રડે છે, મુલાકાતમાં રડે છે ! લગાવ એને ધોકલા. એની બૈરી દેખે તેમ લગાવ. જોજો મોટો મુછાળો થયો છે અને રડે છે ! મારો એને, પાછો કાઢી મૂકો.

બારણાં સુધી જઈને વળી એ કેમ ઊભો રહે છે? ત્યાં દૂરથી બીજી બારી સોંસરવી નજર માંડીને કેમ એ એની બૈરીને જોઈ લે છે? એની મુલાકાત પૂરી થયા પછી એનાથી આવું તારામૈત્રક થઈ શકે કે? કાયદો શા માટે શિથિલ કરી મૂકે છો, મુકાદમ? આ તે જેલ છે કે બૈરી સાથે પ્રેમની નજર ખેલવાનું ભીલડાંનું ખેતર છે? દીચરી મરી ગઈ તેમાં આંહીં શાનો રડવા બેઠો? બહાર નીકળે તે દાડે પોક મૂકી મૂકીને દીચરીને સંભારજે ને!

શા સારુ આવી મુલાકાતો જ થવા દેવી? હવે ચાર દિવસ સુધી રૂપસંગ ભીલડો સરખું કામ નહિ કરી શકે. તમે મારી મારીને તે એને કેટલો મારશો?

સાંજના ઓળા ઊતરે છે. પચીસ જણાની આવી મુલાકાતો પતી જાય છે. કેદીઓની ચોપડીઓમાં ‘ત્રૈમાસિક મુલાકાત આપી’ તેવી છાપ છપાઈને જેલરની સહી થઈ જાય છે. રાત્રિના અંધારામાં હું એકલી પડીને એ ચોપડીઓ સામે તાકું છું. પવનને બોલાવીને એ ચોપડીઓનાં પાના ઉરાડાવી મશ્કરી કરાવું છું. એટલાં બધાં એ ચોપડીના ખાનાંની અંદર ખરાં ખાનાં તો આંકેલાં જ નથી ના! આંસુનાં ટીપાંની સંખ્યા મૂકવાનું ખાનું ક્યાં? રૂપસંગની દીચરી મરી ગઈ તેનું ખાનું ક્યાં? મુલાકાત કરતાં-કરતાં રખે રડી પડશું તો પાછળથી ધોકા લાગશે, એવી બીકે ગેમાએ કેટલીવાર પછવાડે જોયા કર્યું તેની નોંધ ક્યાં? જમાલુદ્દીન મિયાંના દિલના ધબકારા કેટલા ગણા વધી ગયા હતા તેની તો નોંધ જ નહિ ને?

અંધારે બેઠીબેઠી હું એ આંસુઓને મારા ખોળામાંથી વીણી-વીણીને ગણું છું. અંધારે એ ટીપાં સરોવરની માછલીઓ જેવાં ચોખ્ખાં ચળકે છે. એ અક્કેક ટીપામાં જુદાજુદા આકારો દેખાય છે : કોઈમાં બરધિયા કોઈમાં ખેતર : કોઈમાં પાંચીકે રમતી નાની દીચરી : કોઈમાં વળી મૂએલી પુત્રીનું મડદું : કોઈમાં કબાલો લેવા ઘેરે આવી ઊભેલો વિકરાળ સંધી : તો કોઈમાં વળી ઘરનાં બે ઠામડાંની જપ્તી કરતા સિપાહીદાદા : નદીકાંઠે નાનાં ગામડાં, ગારાનાં ભૂખરાં ખોરડાં, ખોરડામાં પડેલી સુવાવડી બાયડી : એવા તો અપરંપાર આકારો.

આંસુના પ્રત્યેક બિંદુને હું નિહાળી-નિહાળીને જોઉં છું. એ તો મારી રોજની કમાણીનાં રત્નો છે. દિવસવેળાએ ધગધગતા છાંટા પડતાં મારા ખોળાનો ચૂનો પણ ખદબદી જાય છે. ઝતાં હું ધીરજ ધરીને સહી-સહી સંઘરું છું. પછી એ થીજેલાં ટીપાંની અંદર આખી રાત આવી રીતના આકારો પ્રકટતા જોવાની લહેર આવે છે. મારી એ કમાણી જોઈજોઈ હું છાનીમાની ફુલાઉં છું. ચાલતું હોત તો એ ટીપાંનો હાર પરોવીને મારે સળિયે તોરણ બાંધત. પણ પચાસ વર્ષથી એકઠાં થતાં એ અભારણોને હું ક્યાં સમાવત ! જોઈને કેટલાય લોકો ઈર્ષ્યાથી ફાટી પડત. પેલો ફાંસી દેનારો કસાઈ કેદી જો જોઈ જાત તો ચોરી કરીને ઉઠાવી જાત. રાતભર મારો ખજાની નીરખી-નીરખીને પ્રભાતે પાછું જાણે કશું જ બન્યું નથી. મારી કને ગુપ્ત કશી સંપત્તિ નથી – એવી ચાલાકી કરીને હું કેવી ડહીડમરી થઈ ઊભી રહું છું.

ફરી પાછી ફિક્કી આંખોવાળા કારકુનોના મોંમાંથી પાનની પિચકારીઓ મારી જાળી પર છંટાવી શરૂ થાય છે, ને હું થરથરી ઊઠી પુકારું છું કે શા સારુ મને અબળાને સંતાપો છો? હું જેલની બારી એટલે શું મને હીન, અકુલીન માની લીધી? નીચા કુળની બધીને જ શું તમે ભ્રષ્ટ સમજો છો? તમારી જુવાનીમાં તે હવે એવું શું બળ્યું છે કે તમે પાનબીડાં ચાવો છો ને પિચકારીઓ છાંટો છો?

કવિતાનો જન્મ
(વાર્તાકારઃ ધૂમકેતુ)

વીસમી સદીનાં ઘણાં વર્ષો વહી ગયાં હતાં. સમાજની કાયાપલય થઈ ચૂકી હતી.

એવી રચના થઈ હતી કે ન એમાં કોઈ શ્રીમંત હતો ન કોઈ ગરીબ. કોઈ માલિક મળે નહિ, મજૂર મળે નહિ. નોકર મળે નહિ. સઘળા માણસ હતા. સૌ શ્રમ કરે, શ્રમ વડે જીવે. શ્રમમાં જ આનંદ માને. કોઈને પોતાનું ઘર ન હતું. ખાસ વિશિષ્ટતા ન હતી, વ્યક્તિત્વ પણ ન હતું. સઘળા સવારે એક મહા ઘંટનાદે જાગી જતા : સાડા-છ ન થાય ત્યાં સામાન્ય પ્રાર્થનામાં જોડાઈ જતાં.

પ્રાર્થનામાં જે મનુષ્યોએ આ સૃષ્ટિ આવી બનાવી તેનાં સંસ્મરણો હતાં ઈશ્વરને તો ખુલ્લેખુલ્લું ચેલેન્જ હતું કે તારાથી બને તો તું મહાસાગર સૂકવી દેઝે : અમે નવો મહાસાગર સરજીશું. તારાથી બને તો તું મહામારી મોકલજે : અમે એને મારી હઠાવીશું. દીનતા ને નમ્રતા દોષ ગણાતી, વિવેક, વિદ્યાના અભાવનું પરિણામ.

કોઈ મોટું હતું નહિ, કોઈ પોતાને નાનું માનતું નહિ. સૌ સ્વતંત્ર હતા. પણ 'સ્ટેટ'ની નિયમાવલિ પ્રમાણે ચાલતા. વ્યક્તિ નાશ પામી હતી, સમષ્ટિ જન્મી હતી.

સૌના રસ-રંગ, ઈચ્છા-આકર્ષણ ને આકાંક્ષા એક હતાં. સૌ સિનેમા-નાટક સાથે જોતાં, સાથે જમતાં, સાથે બેસતાં, સાથે જ ફરતાં.

કોઈ 'ખાનગી' જેવો શબ્દ બોલતું નહિ.

કોઈની ખાનગી માલિકીનું કાંઈ ન હતું. એનું 'શરીર' 'સ્ટેટ'નું હતું આત્માના અસ્તિત્વ વિશે વાત કરવી એ ગુનો ગણાતો.

મનુષ્ય સમાજમાં એક અંગરૂપ હતો, એ સમુદ્રમાં તરંગ હોય તેમ રહેતો. તે જમાનાનો પુરુષ નિયમિત ઊઠતો. નિયમસર કામ કરતો, નિયત વખતે જ સ્ત્રીને મળી શકતો, નિયમિત સિનેમા જોતો. ભાષણ, નાટક - સઘળું નિયમ પ્રમાણે જ સાંભળતો. એને પુરુષ કરતાં તમે 'નિયમ' કહો તો વધારે યોગ્ય ગણાય.

દરેક મનુષ્ય 'સ્ટેટ'ના 'એરોપ્લેન'માં અમુક ધારાધોરણ પ્રમાણે ફરવા જઈ શકતો. સામાનમાં અધ્ધર બાંધેલા 'આકાશી પ્રાસાદોમાં નૃત્ય-સંગીતના જલસા થતા. ત્યારે સૌ ત્યાં હાજરી આપવા જતા. કોઈ માણસ 'નિયમ' સિવાય બીજા કોઈ વિચાર કરતો નહિ.

'ગરીબ' શબ્દ કેવળ કવિતામાં હતો, સદ્દગુણ, નીતિ ને સૌન્દર્ય કલ્પનામાં, શાસ્ત્રીય વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સૌન્દર્યને, માલિકી હકમાંથી નિર્મૂળ કરવા માટે, કદરૂપાં મનુષ્યોને રૂપાળાં બનાવવામાં આવતાં.

સ્ત્રીઓ સ્વેચ્છાએ પુરુષો બની શકતી, પુરૂષો સ્વેચ્છાએ સ્ત્રીરૂપ ધારી શકતા. થોડો વખત આ સ્વેચ્છાનિયમને લીધે ગેરવ્યવસ્થા થઈ ને સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધતી ચાલી. માટે છ મહિના અગાઉથી નોટિસ આપવી પડતી. ને દર વર્ષે અમુક ટકા જાતિ-ફેરફાર થાય એવો નિયમ પણ ઘડવામાં આવ્યો હતો. દરમિયાન વિજ્ઞાનવેત્તાઓ સ્ત્રી-પુરૂષ બંને જાતિનો નાશ કરી વચ્ચેનો સમાધાનમાર્ગ મેળવવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા હતા.

સદ્દગુણ ને નીતિનું સ્વરૂપ જમાનાએ-જમાનાએ બદલાતું ચાલ્યું છે, માટે જે વ્યવસ્થાથી માનવને રોટી મળી છે, તે વ્યવસ્થાને ઊંચા પ્રકારનાં નીતિ ને સદ્દગુણ ગણી, કોઈ પણ મનુષ્ય, પ્રચલિત નિયમો સિવાય બીજી કાલ્પનિક, ઊર્મિલ કે તરંગમય કોઈ પણ વાત ન કરે તેને માટે ખાસ નિયમો કર્યા હતા. અને આ નિયમો બહુ જ કડક રીતે અમલમાં મુકાતા.

વ્યવસ્થા એ જ માનવતા છે એ સૂત્રને પ્રધાનપદે સ્થાપી, લૂલાંલંગડાં, રક્તપિત્તિયાં, આંધળાં ને અશક્તોનો સમાજમાં દેખાવ જ ન જોઈએ. માટે તદ્દન તંદુરસ્ત સ્ત્રી અને પુરુષ સિવાય બીજાં સ્ત્રીપુરૂષ વચ્ચેના શારીરિક સંબંધોનાં પરિણામોનો તાત્કાલિક નાશ કરવામાં આવતો.

આકાશી પ્રાસાદોમાં સામાન્ય સ્ત્રીઓનાં સામાન્ય ગૃહો રાખવામાં આવ્યાં હતાં, અને દરેક માનવ પોતાનો આરામનો વખત ત્યાં આનંદમાં પસાર કરી શકતો.

આવા જ નિયમબદ્ધ વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રદેશમાં ઘર, બાગબગીચા, રસ્તા અને છોકરાંછોકરીઓ - સઘળાં એક પ્રકારનાં જોઈ શકાતાં. સૌન્દર્યે દુનિયાને ઘેલછા લગાડી છે ને કવિઓએ તેની પ્રશસ્તિ કરી છે. એ ઉપરથી એ માનસિક રોગોનું જંતુ કોઈ વ્યક્તિમાં પ્રવેશ ન કરે માટે શસ્ત્રપ્રયોગથી સ્ત્રી-પુરુષ - સઘળાંના ચહેરા એક સરખા બનાવવામાં આવ્યા હતા.

ઘર, ફર્નિચર, બાગબગીચા, વૃક્ષ, રસ્તા-સઘળું એક કરી મૂકવામાં આવ્યું હતું. જેથી માલિકીપણાની તૃષ્ણા જાગે જ નહિ. તેમ જ એ ભાનને નિર્મૂળ કરવા માટે સ્ત્રીપુરૂષોના નામકરણની પ્રથાનો ત્યાગ કરવામાં આવ્યો હતો.

કોઈ ચાંદની રાતે માણસ આકાશમાં ફરવા નીકળે, તો અદૃશ્ય વીજળી-કિરણ સપાટાબંધ પોતાની પાંખે વળગાડીને ઊડ્યાં જતાં હજારો સ્ત્રીપુરૂષો આનંદ કરતાં નજરે પડે. જાણે નિરભ્ર આકાશમાં વિહરતાં માન-પંખી. પણ એમાં કોઈ એકનો ચહેરો બીજાથી ભાગ્યે જ જુદો પડી શકે.

સંખ્યાને યાદ રાખવાની શક્તિ પણ એ સમાજે ઊંચી રીતે ખીલતી હતી, અને તેથી જ નામના વિનાશ પછી, દરેક વ્યક્તિ પોતપોતાના નંબરથી ઓળખાવા છતાં, ભૂલ પડતી નહિ. એ રીતે તમારે કોઈ પણ વ્યક્તિ વિશે ત્રણ નંબર યાદ રાખવા પડતા : વ્યક્તિ નંબર. રૂમ નંબર ને સ્ટ્રીટ નંબર.

સ્ટ્રીટ નંબર ને વ્યક્તિનો નંબર એના શરીરને વળગેલી સહેલાઈથી બીડી-ઉઘાડી શકાય તેવી ઊડણપાંખ ઉપર જ મુકાતા. આ પ્રમાણે 'નંબર 3750612, રૂમ નં. 1750621, સ્ટ્રીટ નં. 731' એમ બોલીને તમે કોઈ પણ 'મેમ્બર'નો પત્તો મેળવી શકો.

(2)

રજની ખીલી હતી. કવિઓ, ચિત્રકારો અને ઘેલાં પ્રેમીઓની કહેલી ઊર્મિમય સઘળી પ્રશસ્તિઓનો નાશ કર્યા છતાં, આજની રજનીએ ઓઢેલો ચાંદનીનો સાળુ દુનિયાને મુગ્ધ કરે એવો આકર્ષ હતો. આવા આકર્ષણથી માનવ ઘણી વખત ઊર્મિમય ને કાલ્પનિક બની જાય છે. એથી એ અસર ટાળવા માટે એક વૈજ્ઞાનિક નંબર 637751 - એણે પ્રયત્ન કર્યો હતો. પણ હજી એ પ્રયત્ન સફળ થયો ન હતો. એની યોજના એવી હતી કે, આકાશમાંથી લાખો તારાની જેમ વિદ્યુતબિંદુઓ ફેલાવીને ચાંદનીને એવી રીતે છાઈ દેવી કે એનામાં રહેલું અકુદરતી સૌન્દર્ય નાશ પામે અને તે પણ માનવકૃતિની જેમ વાસ્તવિક રૂપ ધારી દુનિયાને અજવાળે...

આ યોજના હાથ પર લેવાનું મુખ્ય કારણ એટલું હતું કે કોઈ રડ્યાખડ્યા ટાપુ ઉપર એક રખડતું યુગલ આવી ચડ્યું હતું. એને આ સઘળી એક જ પ્રકારની રચના જોઈને અને વિવિધતાનો અભાવ જોઈને નવુંનવું લાગવા માંડ્યું. મેંદીની કાપેલ વાડ જેવી રચનાથી પહેલાં થોડા દિવસ તો એને સારું લાગ્યું. પણ પછી વાતાવરણ એટલું કૃત્રિમ ને એકધારું લાગ્યું કે એણે પોતાની તજેલી જન્મભૂમિનું વિરહગામ પોતાની જર્જરિત વીણા ઉપર છેડ્યું!

આકાશમાંથી દરરોજ પાંચ ને દસે નિયમિત મળતા 'સર્વગાન'નો જ આ અવાજ છે? - એમ ધારીને પહેલાં તો કોઈનું લક્ષ ગયું નહિ. પરંતુ એટલામાં વર્ષોથી નહિ સાંભળેલો એવો મૃદુ, મીઠો, મોહક આરોહઅવરોહ સાંભળીને, હજારોનાં અંતઃકરણમાં નિયમવિરુદ્ધ આનંદોર્મિ થવા લાગી. કેટલાંકનાં અંતરમાં ન સમજાય તેવી કલ્પના જાગી, કોઈકના મનમાં, જાણે, આ સ્થળ છોડીને, કોઈ દૂર-દૂરના પ્રદેશમાં રખડવાની લગની ઊઠી, કેટલાંક નેત્રો મીંચી કેવળ સ્વરોની મનોહારી રચનામાં તલ્લીન થઈ ગયાં, કોઈ કોઈને પોતાના અંતરમાં કોઈ દિવસ ન સાંભળેલો એવો એકાદ અદૃશ્ય ખંડ નજરે ચડ્યો.

જ્યાં વ્યવસ્થા-નિયમ-શિસ્તપાલન-સ્પષ્ટ વિચારસરણી - એ શબ્દોએ મનુષ્યને, મેંદીની વાડ જેમ કાપીને એક જ ઊંચાઈનો - એક જ સ્વરૂપનો - એક જ વિચારસરણીનો બનાવ્યો હતો, ત્યાં આ તોફાન જોઈને પ્રથમ તો 'ટેસ્ટ'ના કેટલાક અધિકારીઓ આ વિપત્તિનો શી રીતે અંત લાવવો તે સમજ્યા નહિ પણ અંતે જે લોકોએ આવી નબળાઈઓ બતાવી હતી. તેમના ઉપર શસ્ત્રપ્રયોગ કરી, જે રસગ્રંથિ વડે આ ગેરવ્યવસ્થાનો જન્મ શક્ય બન્યો હતો, તે રસગ્રંથિનો નાશ કરી તેને બદલે બીજી ગ્રંથિઓ મૂકી દીધી.

ફરી એક વાર સઘળે સ્થળે શાંતિ થઈ ગઈ. પેલા રખડતા યુગલને તો દરિયાકિનારે લઈ જઈ હોડીમાં બેસાર્યું. અને તેમના કલ્પનાના પ્રદેશ તરફ, અનન્ત પ્રવાસ માટે મોકલી આપ્યું.

(3)

પણ મંગળલોક ને ચંદ્રલોક સાથે વૈજ્ઞાનિક સંબંધ બંધાયા પછી કોઈ ચાંદની રાતે ત્યાંથી પણ કોઈ રડ્યુંખડ્યું યુગલ પૃથ્વી ઉપર ક્યારેક ફરવા નીકળી આવતું. આ પ્રમાણે ચંદ્રલોકમાંથી એક રસિક સ્ત્રી અને પુરૂષ પૃથ્વીનું સૌન્દર્ય જોવા આવી ચડ્યાં.

સ્ત્રીએ ઈન્દ્રધનુ રંગની આછી રૂપેરી વાદળીની સાડી પહેરી હતી, શુક્રલોકમાં બનતી તેજસ્વી ઘૂઘરીઓની કનકમેખલા તેના અંગ ઉપર શોભી રહી હતી. અંબોડે સાચાં પારિજાતનાં ફૂલ વાળેવાળે પરોવ્યાં હતાં. નમણા નાક ઉપર ચંદ્રામૃતના સત્વનું મોતી શોભતું હતું. હાથમાં આકાશગંગાની છીપોમાંથી બનાવેલાં કંકણ હતાં. એનો ચહેરો મોહક હતો, આંખમાં મદિરા હતી, ચાલમાં ગૌરવ, શરીરની રેખા સ્પષ્ટ ને સ્વચ્છ હતી.

એની સાથેનો પુરૂષ પણ એટલો જ મોહક હતો. પરંતુ એના ચહેરા ઉપર પથરાયેલી શાંતિ અજબ હતી. અને એને મૂકીને એના મોહક ચહેરાને જોવાનું અશક્ય બની જતું.

વાડીની અંદર નાની ઝૂંપડી હતી. એની આસપાસ ફૂલછોડ હતા. આગળ હરિયાળા ઘાસથી છવાયેલી ભોં હતી. પાછળના ડુંગરમાંથી નાચકું-કૂદતું ઝરણ વહી રહ્યું હતું. થોડે દૂર નિર્ભાન્ત બનીને હરણાં ફરતાં હતાં. એક તરફ પાંખથી પાંખ લગાવી પક્ષીઓ નિઃશંકપણે બેઠાં હતાં. વાડીના સુંદર ફૂલછોડો ઉપર યથેચ્છ ફૂલો ખીલી રહ્યાં હતાં. સમગ્ર વાતાવરણ સ્વચ્છ, સુંદર ને શાંત હતું.

પરંતુ વાડીમાં કેવળ વાતાવરણ હતું, આગળ-પાછળ ક્યાંય મનુષ્યનો પગરવ ન હતો - કોઈએ શરીર તજીને પોતાના આત્માને રહેવા માટે જાણે એક સુંદર એકાંત સ્થળ પસંદ કર્યું હોય! જ્યાં પૃથ્વી ઉપર મહાન ગગનચુંબી મહેલો, વિમાનો, વીજળીમાર્ગો, ઊડણપાંખો, લોકો, યંત્રો, આવજો, રસ્તાઓ આવું-આવું જોયું હતું ત્યાં એકાદ સ્થળમાં લગભગ અદૃશ્ય જેવું આ એકાંત સ્થાન જોઈને ચંદ્રલોકના યુગલને આનંદ આવ્યો - તે ત્યાં ગયું અને શાંતિથી બેઠું - કોઈનો પગરવ સંભળાય તે માટે કાન માંડીને.

પણ સઘળું શાંત હતું - ઝૂંપડીમાં પડેલી મૂકવાણીની વીણા જેવું ઝૂંપડીમાં કેવળ એક વીણા પડી હતી - ને બીજું કાંઈ ન હતું. ક્યાંય અવાજ ન હતો - ક્યાંય અશાંતિ ન હતી - ક્યાંય અવ્યવસ્થા ન હતી. માત્ર એવું લાગ્યા કરતું હતું કે કોઈએ આંહી દેહ તજ્યો છે ને શબ્દો રાખ્યા છે. પેલી મૂંગી વીણામાં પોતાનું અંતરગાન મૂકીને કોઈ કવિ મરણ પામ્યો હતો. નિયમ-નિયમ - નિયમથી બચવા માટે એક રખડુ સ્વતંત્ર-સ્વમાની, લગભગ સ્વચ્છંદી, મગજનો ફરેલ, મસ્ત, તોફાની કવિ પેલા નિયમપ્રદેશમાંથી એક વખત આંહી આવી ચડ્યો હતો. અને પછી એટલું જ ગાજો - ને આ પ્રમાણે જ લખજો - એ નિયમિત જીવનચક્રમાંથી પોતાના સ્વતંત્ર ગાનને ગૂંથવા અહીં જ રહી ગયો.

એણે એ ગાનમાં જીવન ગાયું, વેદના ગાઈ, યાંત્રિક એકતામાંથી જન્મતો શાપ ગાયો, વિલાસે આપેલ અતૃપ્તિ ગાઈ, વિજાને આપેલ સાધન, સુખ ને અશાંતિ ગાયાં, જીવનને જીવનની મહત્તા ગાઈ, પક્ષીઓ ને કુદરતને ગાયાં, ઝરણાંને ગાયાં, ચંદ્રલોકનું ગાન કર્યું, ને બહારની વ્યવસ્થા છતાં પણ રહી જવા પામેલ અવ્યવસ્થિત આંતરજીવનનો કલહ ગાયો. એણે બહારની સૃષ્ટિનું બધું લીધું. અંદરની સૃષ્ટિનું સઘળું લીધું અને એ બંનેના સમન્વયમાંથી ઉત્પન્ન થતો નવજીવનનો મહિમા ગાયો. એને મન માનવસંઘનો એક જ વર્ગ હતો. એણે એકેએક 'માણસ' બનાવવા પ્રયત્ન કર્યો. માણસ 'માણસ' બને તો જ વિકાસ શક્ય છે. એવી એની ભાવના એણે ગાઈ. અંતે એનો દેહ ગયો, શબ્દો રહ્યા.

એનાં એ સર્વ મૂક ગાનો વાડીમાં વેરણછેરણ પડ્યાં હતાં.

આજે ચંદ્રલોકના યુગલના સ્પર્શથી હોય તેમ પેલી મૂંગી વીણામાંથી અનેક સ્વરો આવવા લાગ્યા. સૃષ્ટિને- સૃષ્ટિમાં વ્યાપી રહેલા સૌન્દર્યને -માનવને અને માનવતાને, કુદરતને અને જીવનને-જીવન, વ્યવસ્થાઅને જીવનવિકાસને મૂર્તિમંત કરતી મૂક વીણાના સ્વરો આવવા લાગ્યા : આવવા લાગ્યા, ફેલાવા લાગ્યા ને આકાશમાં ચડી ઘેરઘેર ને હૃદય-હૃદયને સ્પર્શવા લાગ્યા.

(4)

હવે કસોટીનો સમય આવ્યો.

આ વખતે માત્ર થોડા જ રસગ્રંથિથી પીડિત લોકોની કલ્પના જાગી - સૌન્દર્યઅભિલાષ જાગ્યો - કાંઈક અદૃશ્ય માટે લગની લાગી - એવું ન થયું. પણ જે લોકો તંત્રવાહક હતા તેમનાં સ્ત્રીઓ ને બચ્ચાં, હજારો જુવાનો ને વૃદ્ધો, પેલા સ્વરોમાં મુગ્ધ બનીને, જાણે કાંઈક અનિયમિત આપો, કાંઈક વિવિધતા આપો. કંઈક અપૂર્ણ છે, જીવનમાં કાંઈક રહી જાય છે તે આપો - એમ કરતાં જ્યાંથી સ્વરો આવતા હતા તે દિશા તરફ દોડ્યાં! એમને જાણે લાગતું હતું કે એમનું જીવન એ નિયમિત જીવન છે પણ નવજીવન નથી. એ જીવનનો સંદેશો લેવા પેલા કવિની એકાંત વાટિકા તરફ દોડ્યાં.

એને ત્યાં સૌન્દર્યમૂર્તિ જેવું પેલું ચંદ્રલોકનું યુગલ જોઈને લોકો સઘળા નિયમો તોડી, ઘેલાની પેઠે નૃત્ય કરવા લાગ્યા ! આજે પહેલી જ વખત પોતાના કરતાં જુદા ચહેરાવાળાં માનવો એમણે જોયાં હતાં. અધિકારીઓ અને તંત્રવાહકો થોડી વારમાં જ શસ્ત્રવૈદ્યો સાથે આવી પહોંચ્યા. પણ લોકો તો એક જ અવાજે કહી રહ્યા હતા : 'વિવિધતા આપો ! સૌન્દર્ય આપો ! સ્વપ્ન આપો ! થોડી અવાસ્તવિકતા આપો ! અમને આ નિયમિત જીવન હણી નાખે છે! અમને નવજીવન આપો!'

તમે સ્વપ્ન માગો છો? - જે નથી તેની વાત કરવાનું તમે કહો છો? નૃત્ય, સંગીત, કલા, કાવ્ય, સાહિત્ય - આ મદિરાએ તમને એક વખત ભિખારી નથી બનાવ્યાં? આજ ફરી એ માગો છો?

અમને પાછું ભિખારી ભલે થવું પડે, પણ આ લાગણી જીવનની ગરીબી અસહ્ય છે : અમને તમે વજ્ર જેવા બનાવવાને બદલે, જડ જેવા બનાવી રહ્યા છો!'

મૃતકવિનું ચંદ્રલોકનું ગાન મૂકવીણામાંથી જામ્યું. ઈન્દ્રધનુરંગની સાડી પહેરેલી સુંદરીએ નૃત્ય શરૂ કર્યું : પુરુષ તાલ દઈ રહ્યો.

લોકો ગગનભેદી અવાજે એક જ શબ્દ બોલી રહ્યા : 'અમને લાગણી વિનાના યંત્ર ન બનાવો - અમને પણ સ્વપ્ન આપો ! જીવન પોતે પણ ક્યાં સાચું છે?'

અને સૌ એકધ્યાનથી નૃત્યમાં તલ્લીન થઈ ગયાં.

મૃતકવિની મૂકવીણામાંથી 'જીવન જીવવાની મહત્તા'નું ગાન નીકળતું!

હજારો કંઠમાંથી અવાજ આવ્યો : 'સુંદરી ! તમારું નામ કહો - અમે તમારું નામ કહો - અમને, કારણ કે અમે નંબર જાણીએ છીએ. અમને તમારું નામ કહો - અમારે તમારો સ્વર સાંભળવો છે.'

'મારું નામ - મારું નામ - અનામી!' ચંદ્રામૃતની ધારા જેવા સ્પષ્ટ - સ્વચ્છ - મૃદુ - શાંત શબ્દોમાં જવાબ મળ્યો :

'મારું નામ અનામી!'

પરિવર્તન
(વાર્તાકારઃ ધૂમકેતુ)

સાત x પાંચની પોતાની નાનકડી ઓરડીમાં સવારના સાત વાગ્યે જ્યારે કિશોરલાલ ચા કરવા બેઠો, ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. ચા કરવાનો એને અનુભવ બિલકુલ નહિ. અને એમાં ચૂલાનો ધુમાડો આખી ઓસરીમાં ભરાઈ જતાં એની આંખ આંસુથી છલકાઈ ગઈ. અને એમાં ઘર સાંભરતાં બંને પ્રકારનાં આંસુઓ ભેગાં થઈને વહેવા લાગ્યાં.

એટલામાં બહારથી છાપવાળાએ 'છાપું' બોલી બહાર રસ્તા ઉપર પડતા બારણાની તડમાંથી છાપું ફેંક્યું.

કિશોરીલાલે છાપું લીધું. એમાં પહેલા જ પાના ઉપરની જાહેર ખબર વાંચીને, તે મનમાં ને મનમાં ધૂંધવાઈ ઊઠ્યો. મોટેથી મનમાં આવેશભર્યો એનો સંવાદ ચાલ્યો : 'આવતો રહે, ભાઈ, આવતો રહે, આવતો રહે, તને કોઈ લડશે નહિ. પૈસા જોઈતા હોય તો મંગાવજે.' હવે તમતમારે જાહેરખબરો આપ્યા કરો. ભાઈ હવે આવી રહ્યો. આવવા માટે ભાગે, એ બીજા. ભાઈ આવવાનો નથી. કાં તો આ પાર ને કાં પેલે પાર - એ સંકલ્પ કરીને જ હું તો નીકળ્યો છું. જે થાવું હોય તે ભલે થાય. આખો દિવસ બસ, કચકચ ને ટકટક. આ તેં આમ ન કર્યું ને આ તેં આમ ન મૂક્યું, ને આ રહી ગયું.

'અરે! બે પળી દૂધ ઢોળાણું એમાં તો ત્રણ ધોલ પડી. બે પળી દૂધની બે ધોલ પણ નહિ. ત્રણ ધોલ, બાપાએ લગાવી દીધી. ને એ ઓછી હોય તેમ 'મારા પીટ્યા, દેખતો નથી, મોંઘા ભાવનું દૂધ ઢોળે છે તે!' એમ કહીને માએ પણ એક વધુ ધોલ દઈ દીધી.

'તો હવે ભલે એ જાહેરખબરો આપ્યા કરે. જવાબ વાળે એ જુદા.'

કિશોર કિશોરીલાલ પોતાને ઘેરથી ભાગ્યો હતો અને એના મનમાં એવો નિશ્ચય એણે કર્યો હતો કે હવે તો ભણીગણીને બેરિસ્ટર થઈને જ બાપને મળવું. એને દેખાડી દેવું.

આંહીં આ અજાણ્યા શહેરમાં એ એક-બે દિવસ તો ભટક્યો. છેવટે આ નાનકડી સાત x પાંચની ઓરડી મળી ગઈ. એમાં એણે પોતાની ઘડિયાળ ને વીંટી વેચીને, જરૂરજોગો સામાન વસાવી લીધો હતો.

આજે આઠદસ દિવસ પછી પહેલવહેલો ચા કરવા બેઠો ત્યાં ઓરડી આખી ધુમાડાથી ભરાઈ ગઈ ને ઘર પણ સાંભર્યું. બંનેનાં ભેગાં આંસુ વહી રહ્યાં. પણ એનો સ્વભાવ એક રીતે ગણો તો જક્કી ને બીજી રીતે ગણો તો અડગ આગ્રહી. એટલે છાપામાં પોતાને માટે કેવાં બધાં, ઘેર એની રાહ જુએ છે, ને બાપા રડે છે, ને માએ ખાધું નથી, ને એવુંએવું બધું વાંચીને, એના કિશોર દિલમાંથી પ્રત્યાઘાતો આ ઊઠ્યા, કે હવે તો આ પાર કે પેલે પાર, બાકી ઘેર જવું નથી, ને એ દિશામાં પગ પણ માંડવો નથી. થવું હોય તે ભલે થાય. છાપાને એક બાજુ રાખી દઈને એ પાછો પોતાના ચા કરવાના કામમાં લાગી ગયો. આંસુ તો હજી વહેતાં હતાં. પણ હવે એ ધુમાડાનાં જ હતાં, એમ કહી શકાય.

એણે પાણી ઊકળતું જોઈને એમાં ખાંડ નાખવા માટે ડબલું ઉઘાડ્યું ત્યાં એના ફળી તરફના બારણામાં કોઈ આવીને ઊભું રહ્યું.

કિશોરીલાલે ઊંચી દૃષ્ટિ કરી. આવનાર, પાસે રહેનારો એનો પાડોશી હતો. તે ક્યાંક નોકરી કરતો હતો. કિશોરીલાલ એને હંમેશાં દસ સાડાદસે તૈયાર થઈને જતો જોતો. પણ હજી કોઈ દિવસ એમના વચ્ચે કોઈ વાતચીતનો વ્યવહાર ચાલ્યો ન હતો. એટલે કિશોરીલાલ અત્યારમાં એને જોઈને નવાઈ પામ્યો.

એ કાંઈક દેવા આવ્યો હતો.

એટલામાં આવનારે હાથમાં એક નાનકડી લોટી હતી એ ત્યાં મૂકી અને કહ્યું, 'આમાં ચા છે - તમારે માટે. શું તમારું નામ?'

'કિશોરીલાલ !'

'ત્યારે તમારે અત્યારમાં ચૂલાની વેઠ કરવી નહિ. અમારી ચા અત્યારે થતી જ હોય છે, એમાં તમારો એક પ્યાલો વધારે. લ્યો આ...'

'ના ના, પણ મારી ચા તૈયાર થઈ ગઈ છે.'

'તો એક વધારે લેજો.'

'પણ કાલથી ન લાવતા...'

'એમ નહિ. કાલથી હવે તમે ચાની ઊઠબેસ ન કરતા. અત્યારે અમારી થાય છે, તેમાં તમારી મુકાઈ જશે. લ્યો આ - અને હા, બીજું - તમે આંહીં ભણવા આવ્યા છો? એકલા જ છો? તમે ક્યાંના ?'

કિશોરીલાલે એના જવાબ કાંઈ બહુ સ્પષ્ટ ન થાય તેમ આપ્યા. આવનારને એટલું લાગ્યું કે છોકરો લાગે છે જરાક થોડાબોલો ને બહુ હળેમળે નહિ તેવો. પણ જતાંજતાં એ વધારે આગ્રહથી કહેતો ગયો, 'હવે તમે કાલે ચાની વેઠ કરતા નહિ હો. ચાના વખતે ચા આવી જ જશે!'

'પણ તો-તો હું જ લઈ જઈશ!'

'ના, ના. એ તો હું જ પહોંચાડવા આવીશ. દસ ડગલાં માંડ છે. એ રીતે તમારી ઓરડીમાં નજર નાખી લેવાય નાં? કાંઈ જોઈતું-કારવતું હોય. આંહીં તમારે કોણ સગું હોય?'

કિશોરીલાલ ચા લીધી ને એ પીવા બેઠો. પણ એના મનમાં આ માણસે અકારણ ઉઠાવેલી સેવાએ ઘણી ભારે અસર કરી.

એને થયું આ માણસ ભણનારા પ્રત્યે કોમળ દિલ ધરાવે છે. આવી કોમળતા એણે પહેલવહેલી જોઈ.

(2)

કિશોરીલાલને આંહીં સ્થિર થયા હવે તો ઠીક સમય થયો છે. તે પોતાની રસોઈ પોતે કરી લેતો. એક ઠેકાણે એક ટ્યૂશન જેવું મળી ગયું હતું ને થોડાક પૈસા એની પાસે હતા, એમાંથી એ બહુ સંભાળપૂર્વક ધીમેધીમે પોતાનું ગાડું ગબડાવ્યે જતો હતો. પણ એના સ્વભાવમાં અતડાઈ બહુ હતી. કોઈ સાથે હળવુંમળવું નહિ, કોઈનામાં ખાસ રસ કે વિશ્વાસ નહિ - ઘર તરફના તંગ વાતાવરણમાંથી એણે પ્રાપ્ત કરેલી એ હવા હજી ચાલુ રહી હતી.

એક વખત છાપું આવ્યું. તેણે નજર નાખી પેલી જાહેરખબર એક વધુ વખત પ્રગટ થયેલી. મોટા અક્ષરે. તેના ઉપર એની દૃષ્ટિ ગઈ, અને એ કાંઈક ગુસ્સામાં, કાંઈક ધૂંધવાટમાં, જરાક મોટેથી બોલી ઊઠ્યો : 'હવે ભલે તે ગમે તેટલી જાહેરખબર આપે. જવાબ વાળે એ બીજા!'

પણ એના શબ્દો, જરાક મોટેથી બોલાયેલા શબ્દો, બહાર નીકળ્યા ન નીકળ્યા, એ જ વખતે એના પાડોશી હરિપ્રસાદભાઈને એટલામાં ચાની લોટી લઈને, હંમેશના નિયમ પ્રમાણે, ત્યાં બારણે ઊભેલા એણે જોયા. - હરિપ્રસાદભાઈએ શબ્દો સાંભળ્યા હતા અને કિશોરીલાલની નજર છાપા ઉપર હતી એ પણ એમણે જોયું હતું. એટલે એમને તરત મનમાં આવી ગયું - આ કિશોરીલાલ, કહો ન કહો પણ ક્યાંકથી ભાગ્યો લાગે છે. તે પહેલાં એણે કિશોરીલાલની વાત મેળવવા બે-ચાર વખત પ્રયત્ન તો કર્યા હતા, પણ એમાંથી એટલો જ સાર એને મળ્યો હતો કે આ છોકરાને કોઈ કહેતાં કોઈ નથી. મા-બાપ મરી ગયાં છે. દૂરનાં એક ફોઈ છે, તે માંડ પોતાનું પેટિયું કાઢે તેવાં છે. બીજાં કોઈ સગાં છે નહિ. આ વાત એમણે માની પણ હતી. પણ આજે આ છાપું, કિશોરીલાલ, એની છાપા ઉપરની નજર, એનો ચહેરો, પોતાની હાજરીથી જરાક થયેલો એને ગભરાટ- એ બધું જોઈને એમણે અનુમાન કર્યું : છોકરાની વાતમાં કાંઈક ઊંડાણ છે તે એ સમજ્યા નહિ.

એણે તો ચાની લોટી ત્યાં મૂકી અને હંમેશની માફક એક-બે વાતો - 'આજ શું રાંધવાના છો? કેમ ચાલે છે ભણવામાં? પછી બીજું ટ્યૂશન મળ્યું ક્યાંય? એક છે, તે હું તમને પછી કહીશ...' એવીએવી વાતો કરીને એ ગયા. એમણે ઘેર જઈને તરત છાપામાં દૃષ્ટિ કરી. પહેલા પત્તા ઉપર એમની નજર ગઈ ને એ ત્યાં સ્થિર થઈ ગઈ. એમને થયું : કદાચ આ જાહેરખબર - ભાઈ ! હવે આવતો રહે - એ આ છોકરા સંબંધે જ હોય. તે વિચારમાં પડી ગયા. સીધી રીતે કિશોરીલાલને પૂછે તો એ નામુકર જ જાય. એવો તેનો સ્વભાવ હતો. એ એમણે જોઈ લીધું હતું. પણ આ જાહેરખબર વાંચતાં તે કિશોરીલાલની આજની વાત સાંભરતાં, એ પોતે જ દ્રવિત થઈ ગયા હોય તેમ લાગ્યું. એમની આંખમાં આંસુ આવી ગયાં અને બરાબર એ જ વખતે, એમનાં વહુ લલિતાબહેન, એમને કાંઈક પૂછવા માટે આવી ચડ્યાં. હરિપ્રસાદભાઈની આંખમાં આંસુ જોતાં એ બારણામાં જ થંભી ગયાં. હરિપ્રસાદભાઈએ તો તરત ઉતાવળે સ્વસ્થતા મેળવી લીધી, પણ એમનાં આંસુ લલિતાબહેને જોઈ લીધાં હતાં. તેમણે અચાનક સીધી રીતે જ પૂછ્યું : 'એવું શું છે છાપામાં, કે તમારી આંખમાં આંસુ આવી ગયાં?'

'આપણી જ વાત જાણે...' હરિપ્રસાદ વધુ બોલી શક્યા નહિ. એમણે છાપું જ સામે ધર્યું. ને પેલી જાહેરખબર ઉપર મૂંગામૂંગા આંગળી ફેરવી.

લલિતાબહેન પણ એ વાંચીને ભૂતકાળની વાત સાંભરતાં ગદ્દગદ થઈ ગયાં.

એમનો સોળ-સત્તર વર્ષનો એકનો એક દીકરો, આ પ્રમાણે જ, વર્ષો પહેલાં અદૃશ્ય થઈ ગયો હતો. ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ પછી એનો પત્તો ન લાગ્યો. જાહેરખબરો પણ આપી, પણ કાંઈ સમાચાર ન આવ્યા. આજની જાહેરખબરે આજે એ ભૂતકાળ તાજો કરી દીધો. બંને ઘડીભર અવાક બનીને, ત્યાં ધરતી ઉપર આંસુ સારતાં જોઈ રહ્યાં.

પણ ત્યાર પછી કિશોરીલાલને શંકા પડી ગઈ કે પોતાની વાત આ હરિપ્રસાદભાઈ જાણી ગયા લાગે છે કે ગમે તેમ, પણ એક દિવસ એણે અચાનક જ પોતાની ઓરડી ફેરવી નાખી. અને એ ક્યાંક બીજે રહેવા ચાલ્યો ગયો.

પણ લલિતાબહેન હવે વારંવાર હરિપ્રસાદભાઈને પૂછતાં રહેતાં : 'કિશોરીલાલના કાંઈ વાવડ? ક્યાં રહેવા ગયો છે? કાંઈ પત્તો?'

'અરે ! ગયો હશે ગમે ત્યાં. આપણે એ બધાની ક્યાં સંભાળ રાખવા બેસીએ? આ તો પડખે રહેતો હતો, એટલે આપણે ચા પહોંચાડતા હતા. છોકરો બહુ ઊંડો લાગે છે!'

'ઊંડો તો શું? બિચારો થાકી ગયો છે, ને હવે કાંઈક જાણે એનો મનમાં ગભરાટ છે. એનો પગ પણ એ દિશામાં હવે વધતો નથી!'

'પણ ત્યારે જવું હોય પાછું તો કોણે રોક્યો છે? પણ ઊંડો છે. હઠીલો છે. એણે તો વાત સૂઝવા જ નથી દીધી. મેં જાહેરખબરનું જાણ્યા પછી એક-બે વખત પૂછ્યું પણ ખરું. પણ એ તો વાત ટાળી નાખે એટલો બધો અતડો!'

'છોકરાં કોને કહે? હઠે ચડે - એ પછી ઠેકાણએ આવતાં આવે. પણ પત્તો તો મેળવજો. આપણએ એક વખત, એને એની મા પાસે પાછો...' લલિતાબહેન વધુ બોલી શક્યાં નહિ. એમનો અવાજ ધીમો શોકઘેરો બની ગયો.

એના મનમાં તો હવે સતત આ એક જ વાત જાણે ચાલી રહી હતી. એની મા બિચારી કેટલું ઝૂરતી હશે? કેવી રાહ જોતી હશે? કેવા રાત્રિના ઉજાગરા ખેંચતી હશે?

અને પોતાનો એવો સ્વાનુભવ એમના હૃદયને કરુણાથી ભારોભાર ભરી દેતો. પોતે પોતાના છોકરા માટે કેટલું ઝૂરી હતી - એ યાદ આવતાં. આ બીજી અણજાણ માતાને જાણે એ પ્રત્યક્ષ જોતી હોય તેમ દ્રવી જતી હતી.

પણ કિશોરીલાલ ક્યાં હતો એનો હજી પત્તો મળ્યો ન હતો.

પણ જેવો એ પત્તો મળ્યો કે તરત જ, એક દિવસ એ પોતે જ ચાની લોટી લઈને સવારમાં જ ત્યાં જવા નીકળી.

એ ત્યાં પહોંચી, ત્યારે કિશોરીલાલની ઓરડી બંધ લાગી. એણે બહારથી ટકોરા કર્યા. અંદરથી કાંઈ જવાબ મળ્યો નહિ.

એ થોડી વાર થોભી. પછી એણે ફરી ટકોરા માર્યા.

જવાબમાં કિશોરીલાલે બારણું તો ઉઘાડ્યું. પણ એના અસ્વસ્થ શરીરે એ માંડમાંડ ત્યાં ઊભો રહી શક્યો હતો.

લલિતાબહેન અંદર આવ્યાં. એમણે ઓરડીમાં ચારે તરફ જોયું. કિશોરીલાલ બે-ત્રણ દિવસ થયાં માંદો હોય તેમ લાગ્યું. ઠામણાં રમણભમણ પડ્યાં હતાં.

કિશોરીલાલ બારણું ખોલીને પાછો અંદર પથારીમાં આવી ગયો હતો.

લલિતાબહેન એની પથારી ઉપર પાસે જ બેઠાં. પ્રેમથી એના કપાળ ઉપર હાથ મૂક્યો. શાંતિથી - જાણે પોતાનો જ છોકરો માંદો હોય તેમ તેમણે કહ્યું : 'ભાઈ ! કિશોરીલાલ ! શું જણાય છે? તાવ હતો? તેં અમને કહેવરાવ્યું પણ નહિ ! આપણે એવી ઓળખાણ તો થઈ છે.'

'અરે ! આ તો સહેજ - અમસ્તો !'

'પણ તું એકલો છે ભાઈ ! તેં અમને કહેવરાવ્યું હોત તો હું આંટો મારી ન જાત? આ ચા તારે માટે હું લાવી છું, લે. હું કાઢી આપું ને આજ હવે તને હું જ રાંધી દઈશ. તું મપતનો ઊઠબેસ ન કરતો ! શરીર કેટલું લેવાઈ ગયું છે?'

કિશોરીલાલને પહેલી જ વખત મળેલા આ વાતાવરણે, એના હૃદયમાં એક પ્રકારની શાંત-નરમ લહરી ફેલાવી દીધી. એ પોતાની હવામાંથી જાણે બહાર આવ્યો. કુમળા દિલે કુમળું દિલ જાગ્રત કર્યું.

'અને કિશોરીલાલ !' લલિતાબહેને એના દિલને વધુ સ્પર્શવા પોતાની જ જાતે વાત આદરી : 'ભાઈ ! તને જોઈને મને મારો દીકરો યાદ આવે છે. અમે સોળ-સત્તર વરસ પહેલાં - આ જ પ્રમાણે એને ખોયો છે. નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ એટલું જ. દૂધ ઢળ્યું એટલી જ વાત ! અને ભાઈ ! મેં એને ખોયો. એનો પત્તો ન મળ્યો તે ન મળ્યો. રોઈને બેઠાં રહ્યાં ભાઈ ! તારી માના દિલમાં પણ, તું સંભાર, ભાઈ, શુંનું શું થાતું હશે? મારી વાત સંભારીને તો હું તને મળવા આવી છું. એટલા માટે બેટા ! કે મા-બાપના શબ્દો કર્કશ હોય છે, પણ દિલ કાંઈ કર્કશ હોય છે? એક જરા જેટલો તું વિચાર કર ! એમના દિલમાં શું થતું હશે? એમને દુઃખ કેટલું થાતું હશે?'

લલિતાની વાતની એવી તો અસર થઈ ગઈ કે, કિશોરીલાલની આંખમાંથી શાંત આંસુ ટપકવા લાગ્યાં.

'તારાં મા-બાપ ક્યાં છે ને કોણ છે - ને તું કેમ ભાગ્યો છે' એવો કોઈ જ પ્રશ્ન ન કરતાં લલિતાબહેને એકદમ સીધી જ વાત ઉપાડી : 'ભાઈ ! તું મારી સાથે ચાલ - મારે તારી માને મળવું છે. એ પણ મા છે. હું પણ મા છું. અમે બંને મળીએ તો અમને પણ આનંદ થાય! આપણે આજે જ જઈએ.'

'પણ ક્યાં?'

'તું કહે ત્યાં દીકરા ! તારે ઘેર. મારે તારે ઘેર આવવું છે !'

કિશોરીલાલની આસપાસની બધી જ હવા ઊડી જતી હતી.

પોતાની માના ખોળામાં માથું મૂકતો હોય તેમ તેણે લલિતાબહેનના ખોળામાં માથું મૂકતાં ધીમેથી કહ્યું : 'મા ! હવે તમે જ મારી મા છો ! મારે ઘર ક્યાં છે?'

'ના ભાઈ ના ! તારી મા - એ તારી રાહ જુએ છે. મને ખબર છે. તારે ઘર પણ છે. મા પણ છે, મારે આ કરવું જ પડે તેમ છે ભાઈ ! તો જ મેં મારી મૂર્ખાઈમાં જે મારો દીકરો ગુમાવ્યો છે, તેનું પ્રાયશ્ચિત્ત થઈ જાય... આપણે ક્યારે જવું છે ભાઈ?'

કિશોરીલાલના દિલમાં હવે આ શબ્દોએ જાણે એની માની નવી જ મૂર્તિ ઊભી કરી હોય તેમ તે ધીમેથી : 'આપણે આજે જ જઈએ !'

'ક્યાં જઈશું ? ટિકિટ મંગાવવી પડશે નાં ?'

કિશોરીલાલે હવે ગામનું નામ આપ્યું - અને લલિતાબહેન ચોંકી ગયાં, અકસ્માત પોતાના જ પિયરનું ગામ નીકળતું હતું !

એમણે ધીમેથી કિશોરીલાલના માથામાં હાથ ફેરવતાં કહ્યું : 'બેટા ! ત્યારે તો તું મારો પણ દીકરો છે. હું પણ ત્યાંની જ છું. ચાલ, એ બહાને મારા પિયર હું આંટો મારી આવીશ. આપણે હવે ઘેર જઈએ ! ત્યાંથી બંદોબસ્ત કરી લઈશું!'

કિશોરીલાલની આંખમાં, આ પ્રેમહવાએ, વધુને વધુ આંસુ આણ્યાં !

માછીમારનું ગાન
(વાર્તાકારઃ ધૂમકેતુ)

જ્યાં ભૂરા વ્યોમ જેવો નિર્મળ દરિયો છે. જ્યાં ચોખ્ખાં અગાધ પાણી, સ્વચ્છ મનુષ્યના મનની માફક હેલે ચડે છે પણ તોફાને ચડતાં નથી, જ્યાં સંધ્યાના લાખો રંગથી ભરેલો સાળુ દરિયાની દેવી હંમેશાં પહેરે છે. જ્યાં નીલમ જેવા જળમાં સોનેરી, રૂપેરી, તારાની માફક માછલીઓ કૂદી રહી છે. એકએક કરોડ તરંગમાં ઊછળતાં સમુદ્રફીણ જ્યાં પવિત્ર મનુષ્યના સ્મિત જેવાં સુંદર દેખાય છે. જ્યાં નાખી નજર ન પહોંચે એટલે દૂર જલસુંદરીઓ હરરોજ અને હરઘડી નૃત્ય કરે છે, જ્યાં મૂંગા શબ્દોમાં સચરાચર પ્રાણ ભર્યા છે, જ્યાં પવન નહિ પણ પ્રેરણા ને પવિત્રતા જ આવ્યા કરે છે, જ્યાં રસસુંદરી જેવી ઉષા, દરિયાની ભૂરી ચાદર ખસેડાતાં પહેલાં, ઋગ્વેદની ઋચા જેવું સંગીત બજાવે છે, ત્યાં.

હિંદી મહાસાગરને કિનારે મદ્રાસ પાસે માછીમારોનાં નાનાં નાજુક ઝૂંપડાંથી વસેલું એક અત્યંત સુંદર ગામ હતું. તેને ફરતી નાળિયેરીનાં ઝાડની ઘટા હતી. આસપાસ જંગલ હતું. છીપમાં બેઠેલ મોતી જેવું તે સુંદર લાગતું.

આ ગરીબ ગામમાં એક વૃદ્ધ માછીમાર રહેતો હતો. સાઠ-સિત્તેર વર્ષ થયાં દરરોજ સવાર ને સાંજે એણે હિંદી મહાસાગરના રૂપને નિહાળ્યું હતું. એ બાળક હતો ત્યારે મહાસાગર યુવાવસ્થાનું રૂપ ધારીને ગર્જતો હતો. આજે જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે દરિયો સ્વચ્છંદી બાળકના જેવું રૂપ ધારી રહ્યો હતો. એમાં પાણી એટલાં જ હતાં, કાંઠો એવો જ ચોખ્ખો હતો, રેતીમાં એટલી જ સોનેરી-રૂપેરી છીપો હતી, માછલીઓ એની એ જ હતી, માત્ર એકલો માછીમાર જ વૃદ્ધ હતો.

આ માછીમારની પાસે એક-બે અમૂલ્ય વસ્તુ હતી, એની પાસે દુનિયાનું ઝવેરાત તુચ્છ લાગે. ભરદરિયે નીલાંકાળાં પાણીમાં અકસ્માત હાથ પડેલી છીપમાંથી મળેલું, રતિની નશાભરેલી આંખ જેવું એક સુંદર મોતી તેની પાસે હતું. જ્યારે એ જુવાન હતો, જ્યારે મહાસાગરનાં પંદર પંદર માઈલનાં પાણી કાપીને સાંજ પડ્યે પોતાના ત્રાપાને કાંઠે પહોંચાડવાની એનામાં શક્તિ હતી. જ્યારે દરિયો રમવાના મેદાન જેવો લાગતો હતો ત્યારે એની વહુના ગળામાં પહેરાવવા માટે, મોટાં શહેનશાહબાનુને પણ ન મળે એવું, આ મોતી તેણે હાથ કર્યું હતું. એ વખતે એની જુવાની હતી. એને જમીન કરતાં દરિયો વધારે વહાલો લાગતો. જમીન ઉપર એ મૂંઝાઈ જતો. હલેસાં મારીને મોજાં ઉપર ચડવા-ઊતરવાની મજા માણવામાં જ એણે જીવન વિતાવ્યું હતું. એ ખરેખર દરિયાનો જ બન્યો હતો. જુવાનીમાં તો એ બે જ જણાંનો ભક્ત હતો : દરિયાનો અને એની જુવાન વહુનો. એ બેમાં કોણ વધારે વહાલું એમ જો કોઈ માછીમારને પૂછતું તો એ બિચારો ગભરાઈ જતો, એ કાંઈ બોલતો નહિ. બન્ને સરખાં વહાલાં, પણ કોણ વધારે વહાલું એ કેમ ખબર પડે? જેમ તેમ આ માછીમાર પણ કાંઈ જવાબ આપી શકતો નહિ. એક રહે ને એક જાય, એવી અવસ્થા સાચો પ્રેમ ક્યારેય કલ્પી શકતો જ નથી. પણ માછીમારને દરિયા કે વહુ વિશે ન પૂછો તોપણ પેલા મોતી સિવાય એક બીજી એવી જ અમૂલ્ય વસ્તુ એની પાસે હતી. જીવનની કોઈક પળે જ, બહુ સાચવી સાચવીને પ્રેમથી એને એ લડાવતો, પોતે આનંદ પામતો ને પાછો ધીમેથી એને મૂકી દેતો. એ વસ્તુ પણ દરિયામાંથી જ મળી ગઈ કહેવાય. રત્નાકર વિના બીજે ક્યાંથી આવાં રત્નો મળે?

(2)

આ વસ્તુ તે એની વહુએ એક સાંજે દરિયામાં ગાયેલું ગીત હતું. એ જુવાન હતો ત્યારે તેને એ મળ્યું હતું અને હજી સુધી તેણે એને જતનથી સાચવ્યું હતું. એક વખત સ્વચ્છ ચાંદની ખીલી હતી. ભૂરું વ્યોમ દૂધ જેવા દરિયા પર અનેક તારાઓથી ભરેલું વસ્ત્ર ધરી રહ્યું હતું. આવી રળિયામણી રાતે મેદાનમાં ફરવાનું મન કોને ન થાય? માછીમારને પોતાના મેદાન પર બે ઘડી ફરવાની મરજી થઈ. અને જુવાન વહુ વિના એકલા ફરવાનું ફાવે જ નહિ. એટલે એને પણ સાથે લીધી. ઘાટા જાંબુડિયા રંગની આકાશી કોરવાળી સાડી પહેરીને એ પણ દરિયાના મેદાને બે ઘડી સફર મારવા ચાલી. હોડકું દરિયાના શાંત તરંગો પર ધીમેધીમે આગળ ને આગળ ચાલતું ગયું.

માછીમારને પોતાના કાંઠા પર તો વિશ્વાસ હતો જ, પણ એથી વધુ તો પોતાના દોસ્ત દરિયા પર એને અનહદ વિશ્વાસ હતો. એ વારંવાર કહેતો કે દરિયો મને કોઈ દિવસ દગો નથી દેવાનો. એનાં પાણી જોઈને મને પ્રેમ છૂટે છે. એનાં તોફાન જોઈને મને નાચવાનું મન થાય છે. એની શાંતિ જોઈને ગાવાની ધૂન ચડે છે. દરિયો મને કોઈ દિવસ નહિ ડુબાડે એ વાત ચોક્કસ છે.

આજ તો રળિયામણી રાત હતી. દૂધ જેવી ચાંદની હતી. શાંતિભર્યો સાગર હતો. ઠંડો પવન આવતો હતો. લાખો તારાથી શણગારેલી રજનીરાણી ખીલી હતી અને માછીમાર પ્રેમની પ્રતિમા જેવી જુવાન વહુની નવી સાડીની સુગંધી સોડમાં ભરાઈને બેઠો હતો. વહુનું કાળું તેજસ્વી વદન હસુંહસું થઈ રહ્યું હતું. વહુની આંખમાં પણ આજે કાંઈ અજબ તેજ હતું. રાગ અને પ્રેમની વચ્ચે હીંડોળે ચડી હતી. રાગ હતો કે પ્રેમ એ ખબર ન પડે. માછીમાર પણ વહુનો તંદુરસ્ત હાથ મરડીને ગાલ પર બે-ચાર હેતની નિશાની મૂકવા અધીરો બની રહ્યો હતો અને વહુ આવા તોફાનની આશા રાખીને, મસ્તીખોર નશાભરી આંખે માછીમારને નિહાળી રહી હતી અથવા માછીમારને તોફાન કરવા આમંત્રી રહી હતી!

પણ હોડકાની બધી રમત જાણનાર માછીમાર પોતાની વહુને ગાલ પર હેતથી જરા ટાપલી લગાવીને જ અટકી ગયો. સમતોલપણું ખોઈને પાણીથી તરબોળ થવાની સજા ભોગવવાની એને ઈચ્છા ન હતી.

તેણે વહુનો હાથ પકડ્યો, વહુએ હાથ પાછો સેરવ્યો, પણ માછીમારે છોડ્યો નહિ. 'રખ્ખી ! રખ્ખી ! આજ તો હવે એક ગીત ગા!'

'કયું ગાઉં?'

'પેલું - તારી દાદીએ શિખવાડ્યું છે તે, એવું કોઈને નથી આવડતું એ ગીત એકલું જ છે અને તને એકને જ આવડે છે. બસ, આજ તો એ ગીત ગા !'

રખ્ખીની દાદીએ જૂના વખતથી મોંપાઠમાં જળવાઈ રહેલું એક અદ્દભુત હલકવાળું ગીત રખ્ખીને શિખવાડ્યું હતું. દાદી મરી ગયા પછી રખ્ખી સિવાય બીજા કોઈને તે આવડતું નહિ. રખ્ખીએ એ ગીત એક જ વખત શરદપૂનમની રાતે ગાયું અને તેની હલક, મીઠાશ, તેજ અને વાતાવરણથી માછીમારો ગાંડા-ગાંડા થઈ ગયા હતા. એ લોકગીતમાં પ્રેમની, રાગની, મસ્તીની એવી-એવી વેદના ભરી હતી કે ફરી વાર એ ગીત કોઈ માછીમારને રખ્ખીએ સંભળાવ્યું ન હતું. સંભળાવ્યું હોત તો સોમરસના અધિકારીની માફક કે સિંહણના દૂધની જેમ માછીમારોના નબળા દેહ આટલું રસાયન જીરવા શકત નહિ. એ લોકગીતમાં વીંધી નાખે તેવા હજારો શબ્દો હતા. માછીમારો સોમરસ માટે તૈયાર ન હતા. રખ્ખીએ કોઈ દિવસ એ ગીત ગાયું ન હતું. નહિ તો અપાત્રે રેડેલી વિદ્યાની માફક કંઈક તોફાન જાગી ઊઠત !

આજે રખ્ખીને માછીમાર કનૈયા જેવો રૂપાળો લાગતો હતો. રાતની રાણી તો 'રાધા તું ગોરી ગોરીક્કની જેમ કાંઈ અજબ બની રહી હતી. અને રખ્ખી પોતે સ્ત્રીની આખી જુવાની વીતી જાય ત્યારે એકાદ વખત દર્શન-માત્ર દઈ જાય છે, એવી પ્રેમ અને રાગની હીંડોળ ભરેલી અવસ્થામાં હતી. હોડકું સ્થિર બન્યું હતું. માછીમાર ભૂરા-ભૂરા પાણી ઉપરથી નજર ફેરવી લઈ વહુને નિહાળવા લાગ્યો. અને રખ્ખીએ પોતાની દાદીએ બતાવેલી હલકથી એ અજબ અને અદ્દભુત લોકગીત છેડ્યું.'

(3)

છેલ્લામાં છેલ્લી ટોચ પર પડેલા સાચા દિલના શબ્દો મૂળ તત્વો જેવા છે : અવિનાશી.

રખ્ખી જે ગાઈ રહી હતી, તેમાં ઘણુંઘણું ભર્યું હતું. એ હલક અજબ હતી, પણ શબ્દોની સરળ મીઠાશ હૃદય ભેદી નાખે તેવી હતી. મૃત્યુ કરતાં પણ વધારે બળવાન એવા પ્રેમનું એ ગીત હતું. સાતસાત સાગરને વીંધીને મેઘલી રાતે પ્રિયતમને મળવા જનારી પ્રિયતમાનું અને આવી જ રાત્રે મળવા માટે પ્રિયતમને આમંત્રણ કરનાર પ્રિયતમાનું - એવું બેવડું રસાયન એક જ ગીતમાં ગૂંથેલું હતું. મળવા આવે તો આવી જ રાતે આવજે. બીજી રાતે આવતો નહિ - એમ આવાહન કરી રહેલી પ્રેમની મૂર્તિ એમાં ખડી થઈ હતી, અને એ ગીતમાં પ્રેમનાં તોફાન, વેદના, વ્યથા, વિરહ અને જ્વાલા ભારોભાર છલકાતાં ભર્યા હતાં. પ્રેમનું રૂપ ન સમજનારને જાણે કોઈ જોબનવંતી નારી, ઈશારા કરીને રાગમાત્રને જગાડી રહી હોય એવું લાગે - અને પછી તો જાગેલા રાગની જ્વાલાઓ ફૂંફાડા મારતા વિષધરોની પેઠે, શરીરને વીંટાઈને એની રગેરગમાં મોહનું ઝેર દોડતું કરી દે ! મિસરની મશહૂર રાણી ક્લીઓપેટ્રાએ પોતાના એક આશકને ઝેરનો પ્યાલો દેતાં પહેલાં ઈશ્કની જરાક ચટકી દેખાડવા માટે શરીર પરથી એકનું એક અમૂલ્ય વસ્ત્ર ફેંકી દઈને જેવું નૃત્ય કર્યું હતું તેવું જ નૃત્ય આ ગીતમાં પણ જાણે કે રાગની મૂર્તિ જેવી સ્ત્રી કરી રહી હોય એવું લાગે! ઈશ્કમાં આંધળી બનેલી કોઈ ફાટફાટ જોબનવંતી નારી સાત સમુદ્રની પાર નરને સાદ દઈ રહી છે, પણ યૌવનનો આટલો તનમનાટ ને ઉકળાટ એ માત્ર ઉપરનો ખોટો ચળકાટ હતો - અંદર, એ ગીતમાં તો સાતસાત સાગર વીંધીને તરનારો, જીવન-મૃત્યુની ગાંઠ બાંધનારો નિઃશબ્દ ને નિર્વિકાર. અદ્દભુત અને અનન્ય આત્માની જ્યોતિ જેવો પ્રેમનો સાદ હતો - એવો સાદ હતો કે જેવો રતિએ કામને માટે કર્યો હતો. જેવો શંકરે પાર્વતી માટે કર્યો હતો, જેવો પંપાસરોવરને કિનારે રામચંદ્ર ભગવાને સીતાજીને માટે કર્યો હતો.

(4)

રખ્ખી જેવી મીઠી હલકદાર જુવાન સ્ત્રી ગાનારી, આવું રૂડું ગીત, શબ્દ, તાલ, સરળતા, સંગીત અને ભાવ - બધાંનો દૂધ-સાકરના જેવો એકરસ થયેલો મેળ. એકાંત શાંત રાત્રિ અને દરિયાના દોસ્ત જેવો માછીમાર સાંભળનારો, પ્રેસાગરના સંગીત જેવું એ અનન્ય ગીત, બન્ને જુવાન વરવહુ ફરીફરીને ગાતાં લાગ્યાં, ફરી ફરીને છીલવા લાગ્યાં. એક ગીત તે બન્નેનું બની ગયું. માછીમારને એ ગીત આવડી ગયું.

પણ વહુએ કહ્યું હતું કે 'જોજે, માછીમાર ! આ ગીતને આવી હલકથી ક્યારેય ગાતો નહિ. કોઈ એને સમજશે નહિ. એ ગીત સાંભળીને માછીમાર તાડી પીવા દોડશે. દારૂ પીવા દોડશે, ઈશ્ક કરવા દોડશે અને જેમ શેતાનની સેના છૂટે તેમ વિકાર-માત્ર છૂટા થશે. એ ગીત સાંભળનારાઓમાં અજબ જોર ને અજબ સંયમ જોઈએ. જોજે, ભૂલેચૂકે આ ગીત ગાતો નહિ. દાદીએ ગાવાની ના પાડી છે. છોકરાથી છાશ પિવાય નહિ. કોઈને આપતો નહિ. એના કરતાં તો દરિયામાં જ દફનાવજે.'

એ દિવસે ગાયેલું ગીત વહુએ પછી ફરી વાર ક્યારેય ગાયું નહિ. માછીમારે એને ફરીફરીને મનમાં સંભાર્યે રાખ્યું. અને જેવું એનું મોતી હતું તેવું આ ગીત બની ગયું. મોતી જેમ વહુની યાદ આપતું, તેમ ગીત વહુને સંભારી આપતું. પછી કાળે-કાળે વહુ તો ગઈ, માછીમાર વૃદ્ધાવસ્થામાં એકલો થઈ ગયો. પણ દરિયો રહ્યો, પેલું મોતી રહ્યું ને આ ગીત રહ્યું.

(5)

જુવાન માછીમારે વૃદ્ધાવસ્થા સુધી જે એક-બે અમૂલ્ય ચીજો સંઘરી હતી તેમાં એક તો પેલું મોતી હતું ને બીજું આ ગીત હતું. વહુના મરણ પછી તો માછીમાર દરિયા માટે જ જીવતો હતો. મોતી નિહાળવું. ગીત ગાવું ને દરિયો ખેડવો - બસ, એ વૃદ્ધ બન્યો ત્યાં સુધી આટલી જ ક્રિયા કર્યે રાખતો. આ બધાં જીવનમિત્રોને પોતે પ્રેમથી લડાવતો ને તેમની પાસેથી પ્રેમ મેળવતો. જ્યારે ભૂરા દરિયામાં એકલો હોય ત્યારે જ માછીમાર એ ગીત ગાતો.

એક દિવસ માછીમારોનો ઉત્સવદિન હતો. નવા શણગાર સજીને અનજાન લોકની આનંદ પ્રદર્શિત કરવાની રીત પ્રમાણે મીઠાઈ ઉડાવી દારૂની મજા ચાખવા સૌ સજ્જ થયા હતા. એટલામાં એક જુવાને કહ્યું ને સૌએ ઝીલ્યું કે ચાલો વૃદ્ધ માછીમાર પાસે, એને એની વહુ પાસેથી જે ગીત મળ્યું છે તે ગવરાવીએ.

માછીમારો આવ્યા ત્યારે સાંજ પડતી હતી અથવા પૃથ્વીના મનુષ્યો દિવસે જેટલા જુદા જુદા રસ અનુભવે તે બધામાં પીંછી બોળીને કોઈએ આકાશને રંગી દીધું હતું. જેનું હૃદય લાગણીપ્રધાન હોય તેને માટે આ સમયે અનેક સંદેશ અનેક વાચા અનેક ગુપ્ત મંત્રો ભર્યા હોય છે. માછીમાર પોતાની જુવાન વહુની સાડીના રંગ આકાશમાં નિહાળતો બેઠો હતો. એટલામાં આ ટોળાના નાયકના જેવો પેલો જુવાન માછીમાર આવ્યો. બેસતાં જ તે બોલ્યો :

'આજે સૌ શોખમાં છે. તમે પેલું ગીત ગાશો?'

'કયું?'

'પેલું તમારી વહુ પાસેથી શીખ્યા છો તે.'

'હા - પેલું ....કાં?.... પણ બીજું ગાઉં તો?'

'ના, એ તો એ જ. આજ સૌને સાંભળવું છે !'

'એમ?'

તે ઘડીભર જવાબ આપ્યા વગર આકાશમાં જોઈ રહ્યો. સાંજ એવી સુંદર હતી કે રાત્રી વધારે સુંદર બનવાની આગાહી આપી રહી હતી. આવી રાત્રે એ ગીત ગાવા માટે માઝીમારનો જીવ પણ તલપાપડ થવા લાગ્યો.

'તમારામાં હોડકું હાંકવામાં સૌથી હોશિયાર કોણ છે? શરત કરી હોય તો કોણ સૌથી આગળ જાય?'

જુવાન કાંઈ બોલ્યો નહિ, પણ ધીમેથી ડોકું નીચું નમાવ્યું :  'સૌથી પહેલો તો હું જ આવું!'

વૃદ્ધે તેને ઘડીભર નિહાળ્યો : ' આજે કેમ તને એ ગીત સાંભળવાનું મન થઈ આવ્યું?'

'ઈશ્કની વાત જુવાનીમાં કોને ન ગમે?'

વૃદ્ધે એક પળમાં નિશ્ચય કર્યો હોય તેમ અકસ્માત બેઠો થયો, ઝૂંપડાની અંદર ગયો ને એકદમ બહાર આવ્યો.

'જો આ શું છે?'

વૃદ્ધના હાથમાં પેલું મોતી હતું. શું તેનું તેજ ! ઘૂંટીઘૂંટીને ચંદ્રને કોઈએ નાનો બનાવી દીધો હોય!

જુવાનને લલચાવતું જાણે બોલતું હોય તેમ, વૃદ્ધના હાથમાં તે શોભી રહ્યું. કામદેવને મોહ પમાડવા જાણે રતિ આખું શરીર સંતાડીને માત્ર એક આંખ દેખાડી રહી હોય!

વૃદ્ધે જુવાનની છેક નજીક તે ધર્યું : 'આ જોયું? કાળાંભમ્મર પાણીમાં, કોઈ પચાસ-સો વર્ષે, શરદપૂનમની રઢિયાળી રાતે. અકસ્માત્ એકાદ સોનેરી જલબિંદુ પડે તેનું આ મોતી બંધાય છે. એ પૃથ્વીમાં મળતું નથી ને સ્વર્ગમાં બનતું નથી. આની જોડ આખી દુનિયામાં કોઈની પાસે નથી.'

જુવાન આશ્ચર્યમુગ્ધ બનીને બધું સાંભળી રહ્યો. વૈશાખમાસની પૂનમે જેમ કોઈ ધન્ય પળે બંસી બજતી હોય. સારસ હલક દેતાં હોય, ઠંડો હિમાળા જેવો પવન આવતો હોય. જળમાં પોયણી ખીલીને ચંદ્ર સામે નીરખી રહી હોય, સૃષ્ટિ જાણે પ્રેમથી ભરીભરી લાગતી હોય, એ વખતે કોઈ વિરલ સ્ત્રી ઓધાન ધરે ને એમાંથી જેમ દુનિયાના મુકુટમણિ જેવો પુરુષપ્રવર બહાર આવે, તેમ આ મોતી કોઈ ધન્ય પળે ઝિલાયેલું સોનેરી જલબિંદુ હતું : અને હતું તો જલબિંદુ, પણ રતિએ કામદેવને પિવરાવવા પ્રેમરસનું જે છલોછલ પ્યાલું ભર્યું હતું. તેમાંથી અકસ્માત જ પડી ગયેલું.

જુવાન અનિમિષ તે મોતી નિહાળી રહ્યો, નિહાળી જ રહ્યો. મોતી આટલું સુંદર હોઈ શકે, એવી કલ્પના પણ એને ક્યારેય થયેલી નહિ.

'આ મોતી તારું છે, તને આપું છે.' વૃદ્ધ માછીમાર શાંતિથી બોલ્યો. જાણે ભયંકર અકસ્માત થયો હોય તેમ જુવાન સ્થિર રહી શક્યો નહિ. અતિ આનંદ અકસ્માતનું જ રૂપ છે.

'મારું?... મા...રું?... હેં !'

વૃદ્ધે શાંતિથી - દૃઢતાથી જવાબ વાળ્યો - 'હા, તારું - પણ એક શરતે.'

જુવાન આવા અમૂલ્ય મોતીના બદલામાં મળનારી શરતની કલ્પનાથી ધ્રૂજવા લાગ્યો.

'મને હોડીમાં બેસારીને, બધા માછીમારો આંહી પહોંચે તે પહેલાં દરિયામાં હું કહું ત્યાં તારે હોડી છોડી દેવી.'

આવી સહેલી શરતથી જુવાન રાજીરાજી થઈ ગયો. તેણે થોડી વારમાં દરિયાકિનારે પહોંચી વૃદ્ધને બેસારીને હોડી હંકારી મૂકી ને તેને મૂકીને પવનવેગે બીજી હોડીમાં પાછો આવી ગયો. તેના હાથમાં પેલું અમૂલ્ય મોતી ચળકતું હતું !

(6)

જુવાન માછીમાર પાછો આવ્યો ત્યારે બીજા બધા વૃદ્ધના ઝૂંપડામાં એકઠા થઈ ગયા હતા. કેટલાક કહેતા હતા હતા કે એને બાંધીને પણ આજે ગવરાવવું. કોઈએ કહ્યું કે ગીત તો આપણે લઈ જ લેવું છે. એટલામાં આ જુવાન માછીમાર પાસે આવ્યો.

એક ઝપાટે સૌ તેના તરફ ફર્યા. છુપાવવાનું મન હોય છે. છતાં માણસ હદ ઉપરાંતનો મનોભાવ છુપાવી શકતો નથી. તે આનંદથી હસુંહસું થઈ રહ્યો હતો.

'લઈ લીધું ! આવી ગયું ! હવે જખ મારે છે !'

'શું ? શું ? શું લઈ લીધું?' ના અવાજોથી ટોળું તેને વધારે ને વધારે ઘેરવા લાગ્યું.

માઝીમાર તરીને સૌથી દૂર ઊભો. તેણે હથેળી ઉઘાડી : 'જુઓ, આ શું છે?'

'આ હા હા હા !' એક અવાજે સૌ બોલી ઊઠ્યા.

'આ તે મોતી કે પાર્વતીના પ્રેમનું આંસુ !.... પણ... એ ક્યાં છે? એ ડોસો ક્યાં છે? પેલું ગીત ક્યારે ગાય છે?'

અત્યાર સુધી જુવાન ગીતની વાત જ ભૂલી ગયો હતો. તેને હવે તે સાંભરી. 'આ હા હા હા ! ત્યારે એ ગીત - એ ગીત તો ખોયું !'

'કેમ, ક્યાં છે એ? ક્યારે ગાય છે?'

'વૃદ્ધ માઝીમાર તો દરિયામાં પહોંચ્યો. હું જ તેને મૂકી આવ્યો.

'બસ, ચાલો !j પીછો પકડીને આજ તેની પાસેથી સાંભળવું છે તે ચોક્કસ છે, આ મોતી આપીને તેણે તને ઠગ્યો. ચાલ, એ પાછું એને આપી દેવું છે.'

માછીમારો ઝપાટાબંધ દરિયા તરફ ઊપડ્યા. પણ થોડી વારમાં શબ્દો સ્પષ્ટ ન સંભળાય તેમ ગીતના સ્વર કાને આવવા લાગ્યા. વૃદ્ધ માઝીમાર ગાતો હતો. પણ આજે ગાનને ગાનારો બન્ને જુદાં હતાં. આજે તો જાણે માઝીમારનો આત્મા શબ્દરૂપ બનીને ધીમેધીમે ઊંચે ને ઊંચે ચઢી રહ્યો હતો !

માઝીમારો પાસે ને પાસે જવા લાગ્યા. ગીત વધારે સ્પષ્ટ થવા લાગ્યું. વિરહ ને વ્યથા એટલાં હતાં, પ્રેમ ને વિયોગ એવાં ભર્યા હતાં કે સાચી વ્યથાને, સાચા પ્રેમને, સાચા આંસુને જાણે વૃદ્ધ માઝીમાર સાદ કરી રહ્યો હતો. એ સંગીત ન હતું, સાદ હતો.

એણે દૂરદૂર પોતાના દોસ્ત દરિયાના તરંગ પર, હજારો રંગની સાડી પહેરીને નૃત્ય કરતી પોતાની જુવાન વહુને જોઈ હોય કે ગમે તેમ, તે સાદ કરી રહ્યો હતો. અથવા સાદ દઈ રહ્યો હતો.

આગળ વધતા માછીમારો છેક પાસે આવ્યા. બોલાવે તો સંભળાય એટલું જ છેટું રહ્યું. ગીતની છેલ્લી - છેક છેલ્લી - એવી તો અજબ મીઠાશ ને વેદનાથી ભરેલી હલક આવી કે ન જાણનારા માછીમારોએ પણ કહ્યું : 'અરેરેરે! આ છેલ્લું લાગે છે. ગીત છેલ્લું છે. નહિંતર આટલી મીઠાશ ન જ હોય.' સાગરના તરંગેતરંગમાં એના સ્પષ્ટ પડઘા પડી રહ્યા હતા.

'આ હા હા ! શી હલક છે !' સૌ એકીસાથે બોલી ઊઠ્યા. એ વખતે ગીતમાંથી શબ્દો નહિ. પણ પ્રેમનાં આંસુ ટપકતાં હતાં.

માછીમારો આગળ ને આગળ વધવા લાગ્યા. વૃદ્ધ માછીમાર સ્પષ્ટ દેખાવા લાગ્યો. જાણે દરિયાના તરંગો પર તેણે કાબૂ મેળવ્યો હોય તેમ જલ શાંત બન્યાં હતાં. હજારો સોનેરી, રૂપેરી ને આસમાની માછલીઓ પોતાનાં ડોકાં કાઢીકાઢીને આવો સાદ ક્યાંથી આવે છે તે સાંભળી રહી હતી. રાત થંભી ગઈ હતી. તારાઓ સ્થિર બન્યા હતા. કાળ અટકી ગયો હતો. માછીમાર સંગીત નહિ પણ આર્ત્તનાદ - રણમાં ભૂલો પડેલો માણસ પોતાના સાથીને કરે છે તેવો - દરિયાના અગાધ જલમાં કરી રહ્યો હતો. અને એ છેલ્લું હતું.

માછીમારો જ્યારે છેક પાસે આવ્યા, જ્યારે એક હોડીમાંથી બીજીમાં કૂદાય એટલું જ છેટું રહ્યું. ત્યારે છેલ્લો બોલ પૂરો થયો. અને વૃદ્ધ માછીમાર તેમની સામે જોયા વિના શૂન્ય બનીને, શાંત બનીને તદ્દન સ્થિર ઊભો રહ્યો !

પણ આકાશ, દરિયો ને અંતઃકરણ પેલી હલકના પડઘાથી અનેક શબ્દો બોલી રહ્યાં હતાં.

'અમને એ ગીત ફરી સંભળાવ - શિખવાડ!' માછીમારોએ કાંઈક આવું કહ્યું.

પણ બોલ્યા વિના, માત્ર દૃષ્ટિથી જ જાણે જવાબ અપાઈ ગયો હોય તેમ જરાક નજર કરીને માછીમાર પાછો સ્થિર ઊભો રહ્યો.

એટલી વારમાં તેની દૃષ્ટિ દરિયાના લાખો તરંગો ઉપર ફરી વળી પછી તે ધીમેથી બોલ્યો :

'દોસ્ત ! મિત્ર ! તેં મને કેટલું ને કેવું કેવું રમાડ્યો છે ! આજ હવે છેલ્લે પણ એવું જ રમાડજે.' માત્ર પોતે જ સાંભળે તેવા આટલા શબ્દો બોલીને વૃદ્ધ માછીમાર પોતાની હોડીમાં આગળ વધ્યો.

તેને અટકાવવા પેલા જુવાન માછીમારે એક છલાંગ મારી અને પેલું અમૂલ્ય મોતી તેના તરફ ફેંક્યું 'લે, આ તારું મોતી લે !'

પણ એ શબ્દો પૂરા સાંભળ્યા ન સાંભળ્યા તે પહેલાં વૃદ્ધ ઊંચે કૂદ્યો, પોતાના બધા જોરથી દરિયામાં- પોતાના મિત્ર જેવા દરિયામાં - એણે ભૂસકો માર્યો. તેના માથા પર અથડાઈને પેલું મોતી થોડેક ઊંચે ઊડ્યું ને જ્યાંથી નીકળ્યું હતું ત્યાં જ, પોતાના સ્વામીની સાથે, પાછું દરિયામાં પડ્યું.

'અભિમાની'
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)

મારા વકીલાતના કામને અંગે બે ગાઉ પર ટીંબરવા ગામે ગયેલો. પણ અસીલ ઘેરે નહોતા. ધરમધક્કો થયો એવો ખેદ લઈને હું ટીંબરવાથી શહેરમાં પાછો વળતો હતો. નીકળતાં નીકળતાં વળી સાધારણ યાદ આવી ગયું કે અહીં વાસુદેવ રહે છે. મહાત્માજીએ કહ્યું તે મારી બાબતમાં પણ - બેશક, મહાત્માજી બાબતથી જુદી રીતે - સાચું જ છે કે, '42 તે '44 નથી, એટલે '42ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં હું જે વાસુદેવને 'રાષ્ટ્રવીર' કહી વર્તમાનપત્રમાં એની બિરદાવલિનાં બયાનો મોકલતો હતો. (બેશક, એ કોઈ છાપાં છાપતાં નહોતાં), તે વાસુદેવને એના જેલમાંથી છૂટ્યા પછી હું મળ્યો પણ નહોતો, તેમ નહોતી ત્રિવેણી વિશે કશી માહિતી. સાંભળ્યું હતું કે વાસુદેવ અને ત્રિવેણી બેઉ એકબીજાંને માથે પછાડવા જેવાં અભિમાની હતાં. ખાવાં ભલે ધાન ન હોય, છતાં બરોબાર ગામને રાખે એવાં માણસોની દુનિયામાં ક્યાં ખોટ છે?

યાદ આવ્યો ત્યારે તો હવે એને ફળિયે થતો જાઉં, નહિ તો ભૂંડો દેખાઈશ, એમ વિચારીને ટપાવાળાને પાદર જઈ ગાડી થોભાવવા કહ્યું, ને હું વાસુદેવને ફળિયે ફક્ત ડોકિયું કરવા ચાલ્યો. મનમાં એમ તો ખરું કે એ જો ન જ ભેટે, અને બાલબચ્ચાંને 'કેમ છો' એટલું પૂછીને જ ચાલ્યા આવવાથી પતી જાય તો ઠીક, કારણ કે ત્રિવેણી ભારી અભિમાની છે, એટલે આદરમાન ન આપે - ને વખતે મોઢું પણ તોડી લ્યે !

શેરીમાં જ વાસુદેવ ભેટી પડ્યો. દરબાર દીપુભાની ડેલીએ બેઠો હતો ત્યાંથી કૂદકો મારીને કેમ જાણે મારા પર હુમલો કરતો હોય એમ મને ભેટી પડ્યો. એનું જોર, એનું જોમ, એના મોં પરની લાલી, એના શરીરની સ્ફૂર્તિ - બધાં જ અગાઉ હતાં તેવાં જોઈને મને કોણ જાણે કેમ પણ કાંઈક બેચેની થઈ આવી. આવી બેચેની આપણે જે ધારી મૂક્યું હોય તેનાથી વસ્તુસ્થિતિ ઊલટી નીકળી પડે છે ત્યારે થવી સ્વાભાવિક છે. જે ઘરને રાતમાં આગ લાગી હોય તેને આપણે સવારે ભસ્મીભૂત ખંડિયેર જોવાની ધારણા રાખી હોય, પણ કોઈકે વખતસર એ આગ ઓલવીને ઘરને હેમખેમ રાખ્યું હોય તો કોણ જાણે કેમ પણ એક પ્રકારની નિરાશા થાય છે. એમ પોલીસનો મરણતોલ માર ખાઈને મૂર્છિત બનેલો વાસુદેવ બેભાન સ્થિતિમાં ટીંગાટોળી થઈને જેલમાં ગયેલો, એટલે એ જીવતો રહ્યો તો છો રહ્યો પણ કાંઈક ખખડી તો ગયો જ હોવો જોઈએ, એવી જે કલ્પના મેં કરેલી તે ખોટી પડી.

એ કહે : 'ચાલો.'

મેં કહ્યું : 'ગાડી બહાર ઉભાડીને ડોકિયું કરવા જ આવ્યો છું.'

'પણ ડોકિયું તો કરી લેશો નેં?' એમ કહીને એણે સામેની દરબારી ડેલીમાંથી એક માણસને પાદર ગાડી પાછી વાળવા મોકલ્યો.

'તમે વળી એ ડેલીએ ક્યાંથી?' મેં ઠપકો ને અચંબો એકઠા કરીને મારગ ઓળંગતાં કહ્યું, 'દીપુભા તો તમારા વિરોધી છે ને?'

'વિરોધી તો શું, મારા ભૈ !' વાસુદેવ વાતને રોળીટોળી નાખતો મારો હાથ ઝાલી પોતાની ડેલીમાં પ્રવેશતો બોલ્યો : 'સૌ પોતાનાં હિતો માટે લડે. મારા દાદાને દીધેલ જમીન એ અમને તો ન જ ભોગવવા દે ને ! એમાં વિરોધ શો?'

વાસુદેવની આ ચાબાઈ મને ગમી નહિ. મેં કહ્યું : 'પણ મારે કાને તો એટલે સુધી વાત આવેલી કે તમે જેલમાં હતા ત્યારે રાતમાં દીપુભાની ડેલીએથી જ બાળબચ્ચાં સાંભળે તેમ બોલાતું કે, 'અભાગિયો પોલીસે આટલું આટલું માર્યો તોય જીવતો કેમ રહ્યો ! મરી કેમ ન ગયો?'

'તમને, ત્યારે તો, આ ખબર છે ને શું?' વાસુદેવ મને ફળિયામાં બે-ત્રણ ઢોરોની વચ્ચેથી દોરી જતાં જતાં રાત્રિના પ્રથમ અંધકાર વચ્ચે બોલ્યો.

એનો ચહેરો એ બોલવા ટાણે હું જોઈ ન શક્યો, પણ એ હમણાં કંઈક પ્રહાર કરશે એવી મને બીક લાગી. હમણાં જાણે મને ડાંભશે કે, 'ખબર હતી ત્યારે તમે કેમ ત્રિવેણીની સારસંભાળ સુધ્ધાં ન લીધી !' પરંતુ ના, વાસુદેવ મનની મોટપથી આવું ન બોલ્યો તે કરતાં તો મારી સામે એવું બોલવાની હિંમત જ ન કરી શક્યો એમ હું માની લઉં છું, કારણ કે એ 'કરેંગે-મરેંગે' વાળી જમાતનો માણસ ટાણું આવ્યે ઘા ભૂલે એવો મહાનુભાવ હોય એમ માનવા હું તૈયાર નથી. હોય તોયે શું? એ જે કંઈ હોય, મુદ્દાની બાબત તો હું એને શું માનું છે તે છે.

વારુ, એણે તો ફળીમાં પેસતાંની વાર જ ચાર છોકરાંનું ધાડિયું ધસી આવ્યું તેને પોતાના ખોળામાં, ખંધોલા પર તેમ જ ઝૂલતા પગના પોંચા પર ચડાવતે ચડાવતે ઉમેર્યું :

'ત્રિવેણી આખી રાત રોજ આંહીં ડેલીને દરવાજે જ જાગતી બેસી રહેતી, કારણ કે દરબારી માણસો ખોરડે ચડીને અંદર આવશે એવી એને બીક હતી. એક વાર તો એ લોકો બંદૂક લઈ ખોરડે ચડેલા પણ ખરા, બંદૂકનો ભડાકો પણ કરેલો, ને આણે પડકાર પાડ્યા એટલે જ ઘર બચ્યું.'

'આણે' એ શબ્દ બોલતાં બોલતાં વાસુદેવે અંધારી પરશાળમાં સરકીને પાછા રસોડામાં ચાલ્યા જતા એક ભર્યાભર્યા માનવદેહના સંચરાટ તરફ મોં ચીંધાડ્યું.

ત્રિવેણીને મેં બે-ત્રણ વારથી વિશેષ જોઈ નહોતી, પણ અભિમાની છે એમ જાણ્યું હતું. મને એવી તુંડમિજાજી સ્ત્રીની પ્રશસ્તિ ન રુચિ. ફાનસ એક જ હતું ને તે રસોડામાં તબકતું હતું, એટલે પરસાળમાં ફરકી ગયેલ સ્ત્રીનું છેલ્લાં ત્રણ વર્ષથી તોબરો ચડેલ મોં મને જોવા ન મળ્યું, તથાપિ એ નક્કી કોઈક મીંઢા સ્વભાવની માનિની હોવી જોઈએ. ઠીક, એ તો જમતી વખતે જોઈ શકાશે એમ ગણતરી રાખીને મેં ખાટ પર ઝૂલતાં ઝૂલતાં વાત ચલાવી :

'કેટલાં છોકરાં તમારે?'

'પાંચ.'

'પાંચેને લઈને અહીં જ શીદ પડ્યાં રહ્યાં ત્રિવેણી?'

આટલું બોલતાં તો બોલાયું, પણ તુરત ફાળ પડી. હમણાં જાણે પરખાવશે કે, 'તો શું તમારે ત્યાં આવીને પડે?' વાસુદેવની '42 ઓગસ્ટ પૂર્વેની તીખાશ તો જાણીતી હતી. તેમાંય એણે ગજવેલી સભાઓ, પોલીસનો ખાધેલો માર, એને કંઠે પડેલી સૂતરની વરમાળો અને બે વર્ષનો જેલવાસ - એટલાં એટલાં વાનાં એની તીખાશમાં શું બાકી રહેવા દે?... ત્યાં તો એણે સલુકાઈથી જવાબ વાળ્યો :

'અહીંથી તો એને મારા પકડાયાને વળતે જ દહાડે કાઢેલી.'

'કોણે?'

'મારા કાકાએ !'

'શું કહે છે તું!'

'ન કાઢે તો કરેય શું બિચારા !' વાસુદેવની આ ઉદારતાથી હું જરા લેવાઈ ગયો. 'આ તો એમની જગ્યા : દાદાને દરબારોએ આપેલી : મારા પિતાએ હક્ક ઉઠાવી લીધેલો : કાકા મોટું મન રાખીને મને રહેવા આપતા. પણ કાકાને તો મેં ગૃહસંસાર માંડીને કોચવેલા.'

'કોચવેલા?'

'હા જ તો. નાગનાથની જગ્યા જેવા ધીકતા ધર્માલયનો મને બ્રહ્મચારી બનાવવાની ગણતરીએ તો એમણે મને ભણાવ્યો-ગણાવ્યો, અને એક તો મેં ઘરસંસાર માંડ્યો, ઉપરાંત પાછો આ બધા ધરમવિરોધી કામમાં પડ્યો. કાકાની ઉમેદો તો પડી ભાંગી, ને ઉપર જાતે અમારા ઘર માટે ઘસાતું બોલાયું. તે છતાં કાકાએ મને અહીં રહેવા દીધો.'

'પણ આ ઘરમાં શું બળ્યું છે!' મેં સંધ્યાના છેલ્લા ઉજાસમાં ટીંબરવા ગામના ખંડેર-ઢગલા જોયેલા, અને તેની વચ્ચે ખંડેર બનવાની ઝડપી ઉમેદવારી કરી રહેલું આ વાસુદેવનું ખોરડું પણ નિહાળી લીધેલું, એટલે કહ્યું.

'ગમે તેમ પણ વિસામો છે, કાકાનો ગરાસ છે, ને સરકાર શંકાથી કે દબાણ લાવવા માટે પણ મારા ગુના બદલ એમનું બધું આંચકી લ્યે એવી એમને બીક લાગી હશે.'

'આ બધું એણે તમને જેલ જતાં પહેલા કહેલું ?'

'ના, શરમાયા હશે. પણ ત્રિવેણીને તો વળતે જ દહાડે સવારમાં આવી ઘર ખાલી કરાવ્યું. એ તો એણે તુરત ખાલી કરી આપ્યું હતું.'

સાંભળેલું સાચું પડ્યું. ત્રિવેણી બહુ ઘમંડી હોવી જ જોઈએ.

'કાકાને કંઈ સમજાવ્યું પણ નહિ?'

'ના, ના, એ એવી નથી. કાકાએ તો ટંક બપોરનીયે રાહ જોવા ચોખ્ખી ના કહી. તુરત ત્રિવેણી ગામમાં જઈને ગાડું ભાડે કરી આવી, પિયર ચાલી ગઈ - ઘરવખરી અને છોકરાં સાથે.'

'અમને તો કોઈને આ ખબર જ નથી. અમને કોઈને ખબર પડી હોત તો...'

બોલતાં તો મારાથી બોલાઈ ગયું, પણ તુરત જ હું ડર્યો. હમણાં જાણે વાઘણ રસોડામાંથી બહાર ધસી આવી તો મોં તોડી લેશે કે, 'તમે બધા ખબર લેવા કેમ ન આવ્યા?'

ત્યાં તો સારું થયું કે વાસુદેવનો નાનો છોકરો રસોડામાંથી થાળી લઈ બહાર નીકળ્યો અને વેલણ વતી થાળી વગાડવા લાગ્યો.

'વગાડ મા, ભાનુ !' વાસુદેવે એને વાર્યો. છોકરે અટકી જઈને તોતલી બોલીમાં પૂછ્યું : 'ન વદાલું, તાતા ? મેમાનને ન દમે એતલે?'

'આ એટલે.'

વાસુદેવના એ શબ્દોમાં તો કેવળ અર્થહીન હકાર હતો, પણ નાના બાળકના બોલ મારે માટે ઊંડા અર્થના સૂચક બન્યા. આ લોકો જાણે જગતનાં ગુનેગારો હતાં. એનું બાળક પણ કોઈને બીજાને જે ન ગમે તે ન કરવાની સંભાળ રાખવાનું શીખ્યું હતું.

વાસુદેવે આગળ ચલાવ્યું : 'મને પણ જેલમાં ઘણે મહિને ખબર પડી હતી. મને ફાળ પણ પડી હતી. ત્રિવેણીને માટે આ પહેલી વારનો અનુભવ હતો. મને ચિંતા હ તી કે એ મારા કામને, મેં લીધેલ પગલાને અને દેશને, દેશનેતાઓને ધિક્કારવા લાગશે.'

'ઠીક, પણ,' મેં કહ્યું : 'એ બધાં ઠેકાણાસર એને મોસાળ પહોંચી ગયાં એટલું સારું થયું.'

'ના,' વાસુદેવ હસ્યો : 'બે જ મહિને એ તો કચ્ચાંબચ્ચાંને પાછાં લઈ અહીં આવીને પડેલી.'

'જરા અભિમાની છે ખરી ને ! ભાઈ-ભોજાઈની ઓશિયાળી ન બની શકી. જેલમાં પહેલી મુલાકાતે આવી ત્યારે કહ્યું કે, 'આવા કાળમાં તે સસરાને આંગળે જ શોભું.'

'એટલે શું પાછાં તારા કાકાને ઘેર...'

'અરે હોય ! રામ રામ કરો. એમ તો બડી અભિમાની છે. આ ગામને જ એણે એના સસરાનું ઘર માન્યું. અહીં આવીને એક કોઢિયું ભાડે રાખીને પડી.'

'નિર્વાહનું સાધન તો પિયરથી લાવ્યાં હશે.'

'ના રે ના, એમ તો એ ભારી અભિમાની છે. ચાર કમાલત ભાઈઓ છે, પણ એક રૂપિયોયે હાથમાં પકડવાની ના પાડીને ચાલી આવી. અહીં એક ઓળખીતા રબારી હતા તેની ભેંસ વેચાતી લીધી ને દૂધ-ઘી વેચવા લાગી.'

એ જ વખતે ડેલીમાં કોઈક મનુષ્ય પેઠાં. મને તો અંધારામાં ઓળખાયાં નહિ, પણ વાસુદેવ જાણે ગંધ પારખી લેતો હોય તેમ બોલ્યો : 'એ આવો સાકુંબા ! બાલુબા ! ભેંસ દોવાઈ ગઈ છે. આવો.'

બે કાળા ઓળા પરશાળ પર ચડ્યા. રસોડે ગયા, પાછા વળ્યા, ડેરી બહાર નીકળી ગયા, ત્યારે વાસુદેવે સ્ફોટ કર્યો : 'ઓજલવાળું વરણ. સગા દરબારની ડેલીઓ અહીં ચોમેર. દા'ડે તો દૂધ લેવા જઈ શકે નહિં. પૂરાં વસ્ત્રો પહેરવા ન મળે. બીજે ક્યાંઈ દૂધ લેવા જઈ શકે નહિ, એટલે આવે ટાણે અહીં આવીને ખરીદી જાય અધશેર-પાશેર. છોકરાંને વાળુ કરાવવા.'

કહેતો કહેતો વાસુદેવ ઊઠ્યો, પાવડી જેવું કાંઈક લીધું અને બે ભેંસો તથા એક ગાય પાસેથી એમનાં છાણના પોદળા ઘસડી દૂર કરીને પાછો આવીને બેઠો. ત્યાં બીજો અવાજ ડેલીમાં આવ્યો : 'વાસુદેવભાઈ ! દાદા ! દૂધ હશે?'

મને પણ આ પરિચિત બોલના લહેકા લાગ્યા. શબ્દો ન સંભળાયા હોય તો એમ બોલાયું લાગે કે, 'એ બા ! મને શિરામણ દઈ જાવ ને!'

રૂડી ફૂઈ અંદર આવી, પરશાળ નીચે ઊભી રહી. રસોડેથી ત્રિવેણીએ આવીને અંધારામાં એક અધશેરની ટૂબડી ભરીને અધ્ધરથી ધાર કરી ત્યારે અવાજ ચોખ્ખું બોલી ઊઠ્યો કે, દૂધ લેવા આવનારના હાથમાં ટીનનું ડબલું હતું.

'પહેલાં તો -' વાસુદેવના હવેના બોલમાં કવિતાની મીઠાશ હતી : 'પહેલાં તો ત્રિવેણી આ ઢેઢભંગીઓને ડેલી બહાર ઊભાં રાખતી. મને પણ હું અંત્યજવાસમાંથી આવતો ત્યારે છાંટ નાખ્યા વગર ઉંબરે ચડવા ન દેતી. કોણ જાણે શૂં થયું કે મારા જેલમાં રહેવા દરમિયાન એ તેમને પણ આ રીતે દૂધ વેચતી બની ગઈ. કહે છે કે, આપણું દૂધ લેવા કોઈ નહોતું આવતું ત્યારે આ રંડવાળ્ય ગરાસણીઓ ને આ ઝાંપડાંઓએ જ આપણી ઘરાકી ટકાવી રાખી. આનંદ છે, ભાઈ લીલાલહેર છે. જેલમાંથી આવ્યા પછી જોયું તો એણે એકનાં ત્રણ દુઝાણાં કરી નાખેલ. કહે કે, "ત્રણસોક રૂપિયાનું કરજ વહોર્યું છે, પણ લેણદાર સારા છે. એક તો કાસમ પિંજારો છે ને બીજો ખોડો રબારી છે. બેમાંથી એકેય ઉતાવળ કરતા નથી." દૂધ-ઘી વેચીને ત્રિવેણી કરજ ભર્યે જાય છે. છોકરાં પણ દૂધછાશનો ઠીક ઠીક મારો રાખે છે.'

એમ કહીને એણે ખાટલા પર ઊંઘમાં ઢળી ગયેલાં ચારે છોકરાંનાં શરીર પર હાથ ફેરવ્યો.

રસોડામાંથી ફાનસ બહાર આવ્યું હતું. તેને અજવાળે મેં ત્રિવેણીને અમારા તરફ પીઠ વાળીને બેઠેલી નિહાળી. એ પીઠ પણ જાણે બોલતી હતી કે, 'ભારી અભિમાની !'

'તમારા કાકા તો પછી મોં દેખાડવા નહિ આવ્યા હોય?' મેં પૂછ્યું.

'ના, મને જેલને બારણે લેવા આવેલા ને !'

'પછી?'

'પછી શું? મેં એને કહ્યું કે, કાકા, તમે આમ કેમ કર્યું? એમણે કબૂલ કર્યું કે પોતે બીકને વશ બની ગયેલા તે સાચી વાત છે. પણ એણે માફી માગી, અમને પાછાં આ જ ઘર રહેવા કાઢી આપ્યું. મેં કહ્યું કે, 'ખેર ! મને એનું કાંઈ નથી.'

'પણ આટલું બધું બન્યું - આટલા મિત્રો - સ્નેહીઓ હતાં, તેમનામાંથી તો કોઈને કહેવું હતું તમારી વહુએ !'

'હા, એની સામે મિત્રો-સ્નેહીઓની એ જ ફરિયાદ રહી છે. એમાંના બેને તો ઊંડો ધોખો રહી ગયો છે. એક તો રજનીબહેન, ને બીજા હેમન્તભાઈ, રજનીબહેન તો, તમે જાણો છો કે, મારા પર પોલીસનો માર પડ્યો ને હું બેભાન બન્યો ત્યારે સરકારનો લેશ પર ડર રાખ્યા વગર મને ઝોળીમાં નંખાવી એમને બંગલે લઈ ગયાં હતાં, અને ત્રણ દિવસ, ત્રણ રાત મારે ઓશીકેથી ખસ્યા વગર મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યે રહ્યાં હતાં. હેમન્તભાઈને આ ત્રિવેણીએ આજ પાંચ વર્ષથી પોતાના સગા ભાઈ માનેલા છે. એ બેઉના કાગળો મને જેલમાં મળ્યા હતા. હેમન્તભાઈએ લખ્યું હતું કે, 'હું દૂર દેશાવરથી ટીંબરવે મારે ઘેર રજા પર આવી ત્રણ દિવસ રહ્યો, છતાં ત્રિવેણી મને મોં દેખાડવા પણ ન આવી - એટલી બધી અભિમાની !' ને રજનીબહેને પણ મને જણાવ્યું કે, 'ત્રિવેણી અહીં મારી પાસે ડોકાઈ પણ નથી, નહિતર અમે શું એને મદદ ન કરત?'

'તો પછી તમારે ત્રિવેણીને કહેવું જોઈતું હતું ને!'

'મેં એને મુલાકાતમાં કહ્યું જ હતું.'

'શું?'

'- કે શાબાશ !'

'શું શાબાશ?'

'એણે ચાર છોકરાં વચ્ચે દટાઈ ગયેલીએ, મારાં કોઈ સંબંધી પાસે ન હાથ લંબાવ્યો, ન ઓશિયાળું મોં બતાવ્યું.'

આ સાંભળી હું છોભીલો પડ્યો.

વાસુદેવના તે પછીના શબ્દો મારી અકળામણને વધારનારા હતા : '42ના ઓગસ્ટની દરરોજ રાતની સભાઓમાં મારી વીરઘોષણા થતી. હું તો તે દિવસોમાં ઘેર પણ નહોતો આવતો - રખે કદાચ આ રડશે ને મને પોચો પાડી દેશે એ બીકે ! હું મારથી મૂર્છિત બન્યો તે વખતે મને ઝોળીમાં લઈ જતો જોનારે કોઈકે આને અહીં આવીને કહ્યું કે, વાસુદેવ તો ખલાસ થયો. બસ, એ એક જ વાર, આ ટીંબરવેથી રાજકોટ સુધી બે ગાઉ મોં ઢાંકી કૂટતી કૂટતી આવી હતી. પણ મને જીવતો જોઈને પાછી વળી ગયેલી. પછી મને ઓચિંતો પકડી ગયા. એટલે એનો ને મારો મેળાપ થયો નહોતો. પણ મેં મૂર્છા વળી ત્યારે કહેલું છાનુંમાનું, કે આ બધા વીરઘોષ-જયઘોષથી ભરમાતી નહિ.'

'અરેરે !' મેં મનમાં પ્રસન્નતા અનુભવીને અને મોં પર સંતોષ લાવીને કહ્યું : 'ત્યારે તો તમે પણ અમારી માફક ધરાઈ ગયા !'

'શાનાથી?' વાસુદેવ ચમક્યો.

'કરેંગે-મરેંગેથી.'

'એટલે ?'

'એટલે શું ? - '30-'32માં અમે પણ 'ચડ જા બચ્ચા સૂલી પર : ઝુગ ઝુગ હોતી હૈ!' એવી ચડાવણ-વિદ્યાના ભોગ બનીને ઝંપલાવ્યું હતું. બહાર આવ્યા ત્યારે કોઈએ ભાવ ન પૂછ્યો. અંદર હતા ત્યારેય કોઈએ પૂછ્યું નહિ કે, ઘેર શી સ્થિતિ છે. નફરત આવી ગઈ, ભાઈ ! આ એની જ નફરત આવી ગઈ, અને ચડી ગયા ધંધાપાણીએ. એમ તમે પણ -'

'ભૂલો છો, મોટા ભાઈ !' વાસુદેવે જરા પણ ઉતાવળ ન હોય તેવી અદાથી મને પૂરેપૂરું બોલવા દઈને પછી ટાઢાબોળ સ્વરે સંભળાવ્યું : 'ત્રિવેણીએ હવે તો મને વધુ છૂટો કર્યો છે. હવે તો એ કહે છે કે, છોકરાંનું બહાનું બતાવીને ઘેર બેસતા નહિ. આ તમને કરું છું તે વાત પણ એ તમે નહિં હો ત્યારે મારી ધૂડ કાઢી નાખશે, કહેશે કે, 'શું જોઈને બીજાનો ધોખો કરો છો? હું છું જ, સાડીસાત વાર અભિમાની છું. હું કોઈ ઠેકાણે પિસાઉં નહિ. ને દેશનું કામ એ કાંઈ કોઈના ગગાની જાન નહોતી જોડી તે આના ને તેના ધોખા કર્યા કરો છો.' તમે જ કહો : હવે આમાં મને નફરત શાથી આવે? ઊલટાના રસના ઘૂંટડા આવે છે, યાર ! ઊલટાની ભૂખ ઊઘડી છે કામ કરવાની.'

વાસુદેવને વધુ કાંઈ આવું બોલતો રોકવાની ગણતરીથી મેં વચ્ચે વાત નાખી : 'ભૈ ! હું તને એક વાત કરતાં ભૂલી ગયો છું. મારે અત્યારે દૂધ ને રોટલા સિવાય કશું જ ખાવું નથી, હો કે ! ફક્ત દૂધ ને રોટલો.'

'વારુ !' કહેતો એ ત્રિવેણી પાસે જઈ, કાંઈક વાતો કરી પાછો આવીને કહે : 'એ ભારી અભિમાની છે. મહેમાનને રોટલો આપે તેવી નથી. લાપસી, દાળ, ભાત ને શાક ક્યારની રાંધીને બેઠી છે. રોટલો પણ તમારે ખાવો હશે તો તૈયાર છે, પણ એ તો છેલ્લે મળી શકશે.'

ભારી અભિમાની !

મારે લાપસી - અને તેમાં ઘરાઉ ઘીની ઊંધી વાળેલી વાટકી - આરોગ્યા વિના છૂટકો ન રહ્યો. જમતાં જમતાં મેં ત્રિવેણીને નિહાળી શકાય તેટલી નિહાળી. બેશક, અભિમાનના તો મોં પર થરો ચડેલા. બોલતી નહોતી. સામાન્ય જે કંઈ શબ્દો બોલી તેના ઉચ્ચાર તદ્દન ગ્રામ્ય હતા. એક પણ પુસ્તક કે લેખ એણે વાંચ્યો હોય તેવો સંભવ નહોતો. ગર્વભરી ચાલ્ય, પ્રત્યેક હાવભાવ ને ચેષ્ટામાં ગર્વ, ગર્વ ને ગર્વ.

ગર્વ કે સમતા ? અભિમાન કે આત્મતૃપ્તિ ? બરો કે ગરવું મૌન ? - સમસ્યાને ઉકેલવા યત્ન કરતો હું આખી રાત પથારીમાં જાગતો રહ્યો. વાસુદેવ મારી પાસેના જ બિછાનામાં ઘસઘસાટ ઊંઘતો હતો. મેં મારી જાગ્રતાવસ્થામાં એ ધુડીઓ ઓરડામાંથી એકાદ વાર એક ધાવણા બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હશે. તે સિવાય એ પાંચ બાળક અને છઠ્ઠી માતાની રાત્રિ નિરુત્પાત અને નીરવ હતી. ને બહારથી કોઈક દૂર ગાતા ભજનિકના બોલ ગળાઈ આવતા હતા :

ખૂંદી રે ખમે માતા પૃથમી ને

વાઢી તો ખમે રે વનરાઈ,

કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે,

નીર તો સાયરમાંરે સમાય !

જી રે લાખા ! ભગતીનો મારગ

બોત રે કઠણ છે હો જી !

વળતા દિવસનું પ્રભાત : અભિમાનિનીને નખશિખ નિહાળી. દાતણ ને લોટા મૂકી ગઈ, દૂધના વાટકા હાથોહાથ દઈ ગઈ. વિદાય લેતી વેળાએ એને, એની ખુશામદ કરતો હોઉં અથવા તો એના આભારમાં ભાવભીનો બની ગયો હોઉં તેવી અદાથી, 'જેજે !' કરી હાથ જોડ્યા. તેની સામે કોઈ શિષ્ટતા બતાવ્યા વગર એ નીચાં નમેલાં લોચને અને મોટા કંકુચાંલ્લાનું કોઈ સ્ફટિકના ચોકમાં મંડળ પૂરેલ હોય એવા ચોખાચણાક લલાટે ઊભી થઈ રહી. હું ન ભૂલતો હોઉં તો તેના મોં પર થઈને એક અતિ આછીપાતળી સ્મિત-લહરી ફરકીને ચાલી ગઈ. પણ ત્યારથી આજ સુધી એ એક જ શબ્દ મને સતાવી રહેલ છે : અભિમાની !

મૂંગો ગૂંગો !
(વાર્તાકારઃ ધૂમકેતુ)

એનું નામ શું હતું એ આખા ગામમાં કોઈને ખબર ન હતી. સૌ એને મૂંગો કહેતા. મૂંગો કહેતાંની સાથે પાતળી, સુકલકડી, ઝીણી આંખવાળી કાંઈક કઢંગી ગણી શકાય તેવી એક માનવમૂર્તિ આંખની સમક્ષ ખડી થઈ જાય છે. કોઈ દયાળુ માણસને એમ લાગ્યું હશે કે આ તદ્દન અજાણ્યા અને અપંગ જેવા માણસને એકલો મૂંગો કહ્યા કરવો તે ઠીક નથી, એટલે પછી એનું નામ દઈને એને બોલવાનું શરૂ કર્યું. એનામાં કાંઈક કવિતાની સમજણ હશે એટલે પ્રાસાનુપ્રાસના રમણીય મેળમાં શોભી ઊઠે તેવું 'મૂંગો ગૂંગો' એવું નામ એને આપ્યું. ત્યારપછી એ આખા ભંડેરિયા ગામમાં 'મૂંગો ગૂંગો' એ નામે જ પ્રસિદ્ધ થયો.

પહેલાં તો મૂંગો ગૂંગો પોતાનું ગુજરાન માગી-ભીખીને ચલાવતો હતો. એક વખત એવું બન્યું કે ભંડેરિયા ગામના વિશાળ ભાડમાં ભર ચોમાસે સમુદ્રની માફક પાણી રેલી રહ્યાં હતાં. એક તરફ કાંઠાના થોડા ભાગમાં થોડું છીંછરું પાણી હતું. ત્યાં કેટલાક ટીખળી છોકરાઓ ખોટી ડુબકીદાની રમત રમતા હતા. મૂંગા ગૂંગાને તો બીજું શું કામ હતું ! એ તો જ્યાં જાય ત્યાં બે-ચાર કલાક બેઠો રહે. આજ પણ એ જ પ્રમાણે એ બેઠો બેઠો છોકરાંઓની રમત જોયા કરતો હતો.

એવામાં એક મોટા ટીખળી છોકરાને આ મૂંગા ગૂંગાનું કાંઈક અટકચાળું કરવાનું મન થઈ આવ્યું. એટલે કાંઠે મૂંગા ગૂંગા ઉપર પાણીનો વરસાદ વરસ્યો. મૂંગો આખો ભીંજાઈ ગયો. ને છોકરા બધા ખડખડાટ હસી પડ્યા.

પણ એમ તો મૂંગો પાછો રિસાળ પણ ઓછો ન હતો. એને વાણી તો હતી નહિ, એટલે એનો ક્રોધ પ્રાણીના જેવી ન સમજાય તેવી ગડબડિયા અસ્પષ્ટ ચીસાચીસમાં પરિણમતો. મૂંગાએ આજે તો એ કિકિયારીને થોડાક કાંકરાઢેફાંનો પણ સાથ અપાવ્યો. પરિણામે સાત-આઠ છોકરા પાણીમાંથી બહાર નીકળ્યા, ને મૂંગાને પકડવા દોડ્યા. મૂંગો આગળ ને છોકરા પાછળ ! એક જોણું થઈ પડ્યું.

ગૂંગાને ધ્યાન ન રહ્યું ને રસ્તામાં એક ખાડો આવતાં એમાં એ ટપકાણો. ખાડામાં પાણી કેડ સમાણાં હતાં. એટલે એને ઠીક ઠીક ભીંજાવાનો લાભ મળ્યો. છેવટે તો છોકરાઓએ એને પકડીને ભાડનાં પાણીમાં નવરાવ્યો ત્યારે જ એનો કેડો મૂક્યો.

(2)

પણ તે દિવસે સાંજે એક વસ્તુ બની. મૂંગો મોડે સુધી આકાશી અંધારા પૃથ્વી ઉપર ઊતરવા માંડ્યાં ત્યાં સુધી, પેલા ભાડને કિનારે બેઠો રહ્યો હતો. ભાડનાં ડોળાં હિલોળે ચડેલાં પાણી ધીમે ધીમે શાંત નિર્મળાં થતાં જતાં હતાં. મૂંગો બેઠો બેઠો કોણ જાણે શું વિચારમાં પડ્યો હતો પણ એ ત્યાં બેઠો જ રહ્યો.

આજે પેલા ટીખળી છોકરાઓએ એની પાછળ પડીને એને પકડી પાડ્યો હતો. અને પછી વળી એમાંના કોઈએ સૂચન કર્યું અને બીજાઓએ હર્ષભેર એ ઉપાડી લીધું પણ ખરું. એટલે ટીંગાટોળી કરીને ભાડના છીછરા પાણીમાં ઠીક વાર સુધી ઝબોળવાની રમત કરી. મૂંગાએ પાણીમાં તરફડિયાં તો બહુ માર્યાં, છૂટવા સારું, પણ બે છોકરાઓએ એને ગોઠણેથી પકડ્યો. બે જણાએ ખભેથી પકડ્યો. બે જણા પડખે ઊભા રહ્યા. ને 'તરો મૂંગાજી! તરો નહિતર બૂડી મરશો.' એમ મશ્કરીમાં બોલતાં બોલતાં સારી વાર સુધી મૂંગા ગૂંગાને પાણીની સૃષ્ટિનો સ્વાદ ચખાડ્યો. ગૂંગો બહાર નીકળ્યો ત્યારે ધ્રૂજતો હતો. પછી તો પાછો છોકરાઓએ જ કરગઠિયાં વીણીને તાપ કરી દીધો. કોઈએ કાંઈ ને કોઈએ કાંઈ એમ કરીને એને લૂગડાં પણ બે ત્રણ દીધાં, પણ ગૂંગાને કોણ જાણે શું થયું તે બધા ચાલ્યા ગયા પછી પણ એ તો ભાડને કાંઠે પાણી નિહાળતો બેઠો જ રહ્યો. એની પાસે વાણી તો કાંઈ હતી નહિ એટલે એને શું થતું હતું એ કાંઈ કોઈને કહેવાનું તો બને તેમ હતું નહિ. ને વાણી હોય જેવી તેવી તો પણ ગૂંગાને કોઈ કહેતાં કોઈ આખા ગામમાં સગું કહેવાય એવું કોઈ સ્વજન હતું નહિ. એટલે એ પાણી પાસે બેઠો રહ્યો. ભાડનાં પાણી એની મન વાત સમજતાં કે નહિ એ એ જાણે, પણ મૂંગાએ ઘણી વાર સુધી તે દિવસે, એના શાંત થતાં જતા તરંગોને દિલની કૈં કૈં વાણી સંભળાવી હોય તેમ લાગ્યું. એણે પછી પાણીને ઠપકો આપ્યો હોય, પોતાના જેવા અપંગની મશ્કરી કરવા માટે, કે પ્રાર્થના કરી હોય એને પાણીમાં રહેલી કવિતા બતાવવા માટે, કે પછી વિજ્ઞપ્તિ કરી હોય પોતાનામાં એના રસહીન જીવનને સમાવી લેવા માટે, કે પછી કેવળ ભક્તવિનમ્રભાવે પાણીને એ નમતો જ રહ્યો હોય. એણે શું કર્યું, એણે શું અનુભવ્યું. એણે શું જાણ્યું કે એને શું લાગ્યું, એ એના અંતરની વાત એ જાણે, પણ ત્યાર પછી એ ભાડને કાંઠે ઘણી વખત દેખાતો. છોકરાઓ તરવા પડ્યા હોય ત્યારે પોતે પણ જાણે તરવાનો પ્રયત્ન કરવા માંડતો. ને બધા એના વ્યર્થ પ્રયત્નને હશે તો પણ એ તો ફરી ફરીને મથામણ કર્યા જ કરતો. છેવટે તો એ એક તુંબડું પણ લાવ્યો'તો.

(3)

ગૂંગાની ખ્યાતિ ત્યાર પછી ધીમે ધીમે એક અઠંગ તરવૈયા તરીકેની થઈ ગઈ હતી. એને પાણીએ સાંભળ્યો હોય કે ગમે તેમ પણ મૂંગો પાણીમાં પડે એટલે જાણે કે અજવાળું થઈ જાય. એટલું જ નહિ એ સારા શુકનનો ગણાવા માંડ્યો. એણે એક બે જણાને આ ભાડમાંથી જ આંખમાંથી કણું કાઢે તેમ કાઢી દીધા હતા. પછી તો કોઈની ગાગર પડી પાણીમાં કે 'ચાલો ગૂંગાભાઈ!' એમ વરધી આવે. કોઈનો લોટો પડી જાય કે ગૂંગાની શોધ થાય! એક વખત તો એ કૂવામાંથી એરીંગ શોધી લાવ્યો હતો. ગૂંગાની કીર્તિ હવે ગૂંગા તરવૈયા તરીકેની થઈ ગઈ.

આ અપંગ માણસના અર્થહીન જીવનને આ પ્રમાણે જ્યારે અર્થ મળ્યો ત્યારે એના મૂંગા જીવનમાં પણ, સૂતેલી તમામ અભિલાષાઓ બેઠી થઈ. એને પણ ઘર માંડવાનું, ગૃહસ્થી થવાનું, ઘર કરવાનું, જીવન ગોઠવવાનું મન થઈ આવ્યું. એણે એક નાની સરખી ઓરડી પણ કરી. પછી તો ગૂંગાને ગમે ત્યાં શોધવાની કડાકૂટ મટી ગઈ. ગૂંગો એની ઓરડીએ તો સાંજ-સવાર મળે જ મળે. આ પ્રમાણે ગૂંગો એ નાનકડા ગામનો ગ્રામવાસી થયો. અને કારીગરમાં ખપવા લાગ્યો.

(4)

પણ બોલનારા માણસોના જીવનમાં કીર્તિનું જે સ્થાન હોય તેનાથી કોઈ જૂદું જ સ્થાન આ અપંગ માણસના જીવનમાં કીર્તિનું હશે. કોઈ વખત કોઈનો એકનો એક છોકરો એ પાણીમાંથી જીવતો બહાર લાવી શકતો, ત્યારે જે સેંકડો અમીભરી આંખો એના ઉપર મંડાતી, છોકરાની મા એના પગ પાસે પડી હતી, ને એના કઢંગા દેહને જે પ્રેમભર્યા ધબ્બા ઉપરાઉપરી માણસો તરફથી મળતા, એ બોલી શકતો નહિ, પણ એનો અંતરઆત્મા પાંચ-પચીસ રૂપિયાનું જે ઈનામ મળતું તેના કરતાં ખરી રીતે આનાથી અંદર ને અંદર, એ પોતે સમજી શકે પણ કહી ન શકે એવી, આત્માનંદની મહામોલી તૃપ્તિ જાણે અનુભવતો જણાતો ! મૂંગા ગૂંગાને જાણે એની કારીગરી હવે ઘડી રહી હતી. પેલું એક વાક્ય નથી આવતું? 'કલાકાર કૃતિ ઘડી રહ્યો હતો. પણ કૃતિ કલાકારને ઘડી રહી હતી.' - એવી આ એક વિરલ પરિસ્થિતિ હતી.

એક વખત આ પ્રમાણે મૂંગો ગૂંગો બેઠો હતો. ત્યાં પડખેને પાણીશેરડે એણે બૂમાબૂમ સાંભળી. એ એકદમ એમ ને એમ દોડ્યો. ત્યાં ગયો તો ખબર પડી કે એક છોકરો પાણીમાં પડ્યો'તો. ગૂંગાને જોયો ને સૌને આશા બંધાઈ ગઈ. એકદમ જ, ગૂંગાને પાણીમાં આંગળી વતી બતાવીને છોકરો ક્યાં પડ્યો હતો તે કોઈએ દેખાડ્યું. ને બીજી જ ક્ષણે ગૂંગો પાણીમાં અદૃશ્ય થઈ ગયો.

ગૂંગો ગયો એટલે છોકરો આવવાનો જ છે એવી સૌને આશા બંધાઈ ગઈ. કૂવાને કાંઠે આતુરતાથી અંદર જોતી સેંકડો સ્ત્રીઓ ઊભી રહી ગઈ હતી. માણસોનો મેળો થયો હતો. સૌ કોઈ એકીટશને પાણીમાં જ જોઈ રહ્યા હતા.

પણ કોઈ દિવસ નહિ ને તે દિવસે ગૂંગો અફળ થયો. એ પાણી ઉપર આવતો દેખાયો ને પ્રશંસાની એક જબરજસ્ત ગર્જના ઊપડવાની તૈયારી થઈ. પણ તેના હાથ ખાલી જણાયા ને સૌના પેટમાં ધ્રાસકો પડી ગયો. અરે ! ગૂંગો ખાલી?

કોઈ માની શક્યું નહિ, પણ ગૂંગાની લાલ આંખમાં અકથ્ય વેદના બેઠી હતી - તે ફરીને અદૃશ્ય થઈ ગયો.

થોડી વાર પછી ફરીને એ દેખાયો, પરંતુ આ વખતે પણ એના હાથ ખાલી હતા !

છોકરાના જીવનની હવે સૌએ આશા છોડી દીધી. ચારે તરફ રોકકળ શરૂ થઈ ગઈ. બૈરાંઓ મોટેથી હૃદયફાટ રોવા માંડ્યાં. છોકરાનો બાપ માથે હાથ મૂકીને ત્યાં ભાંગી ગયો હોય તેમ બેસી જ ગયો. જાણે કે એ પ્રાણ વિનાનું પૂતળું હોય!

પણ ગૂંગો ત્રીજી વખત પાણીમાં ગયો.

હવે એ બાજી હારી ચૂક્યો હતો, પણ એના હૃદયની અપાર વેદના એના ચહેરામાં દેખાઈ આવતી હતી. આ વખતે ગૂંગો ગયો છે છોકરો કદાચ હાથ આવશે, પણ હવે એ છોકરાનો જીવ બચે એ આશા કોઈને ન હતી.

ત્રીજી વખત ગૂંગો, જેમ પાણીમાંથી કોઈ ધોધમાર પ્રવાહ ઉપર ચડતો હોય તેમ આવી રહેલો, ચોખ્ખા પાણીમાં જણાયો, ને એના હાથમાં માથાની ચોટલી પકડીને ઉપાડેલો, છોકરાનો દેહ દેખાયો અને આકાશપાતાળ એક કરી નાખે એવી જબરજસ્ત પ્રશંસાગર્જના ચારે તરફથી ઊપડી. ગૂંગાએ એ સાંભળી હોય કે કોણ જાણે કેમ, પણ પાણીમાંથી બહાર આવતાં જેવો એણે છોકરાનો દેહ ઊંધે માથે લટકાવીને ત્યાં ઊભેલા ગામના વૈદ હકીમના હાથમાં સોંપ્યો અને એની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળી! એને શું થતું હતું તે કાંઈ જાણી શકાય તેમ ન હતું. પણ એ બે હાથ જોડીને સૌને નમી રહ્યો હતો. વારંવાર નમી રહ્યો હતો. અને વધુ તો પેલાં ગંભીર, ઊંડાં, નીલાં, ઘેરાં જળને માથું નમાવીને જાણે એમ કહેવા માગતો હોય કે, 'આજ તો તમે મારી આબરૂ રાખી છે,' એમ ઘણી વાર સુધી નમી જ રહ્યો !

છોકરાની તરત સંભાળ લેવાવા માંડી. દવાદારૂ શરૂ થયાં. પાણી કાઢવા માંડ્યા. પણ એનામાં કાંઈ જીવ જણાતો ન હતો. લોકો આ વ્યવહારમાં મશગૂલ થયા ને ગૂંગો એ વખતે પછી તક જોઈને છાનોમાનો ચાલ્યો ગયો.

(5)

બીજે દિવસે સવારે તો ગૂંગાની ઓરડી પાસે દિવસ ઊગ્યામાં મોટી માનવમેદની ભેગી થઈ ગઈ હતી. કોઈ મહાન ઉત્સવ હોય તેમ ઢોલ ત્રાંસા, શરણાઈ વાગી રહ્યાં હતાં. ગામની સ્ત્રીઓએ ગીતોની રમઝટ ઉપાડી હતી. 'શેરી વળાવી' એ ગુજરાતણોનો ગરબો વર્ષાહેલી જેમ વરસી રહ્યો હતો.

પેલો છોકરો બચી ગયો હતો, એના મા-બાપનો એકનો એક લાડકવાયો પુત્ર હતો એટલે એના બાપે આખા ગામને નિમંત્રીને ગૂંગાને, પોતાની રીતે બહુમાન આપવાનો નિશ્ચય કર્યો હતો. ગૂંગો જાણે તે પહેલાં આંહીં સૌ અત્યારમાં આવી ગયાં હતાં.

પણ કાલના થાકથી હોય તેમ ગૂંગાની ઓરડી હજી બંધ હતી.

ગૂંગો જેમને ઊઠતાં વેંત કટકું કટકું નાખીને સત્કારતો તે એક બે રખડું કૂતરાં પણ ગૂંગાની ઓરડી ઊઘડવાની રાહ જોતાં ત્યાં ઊભાં હતાં.

અને ગૂંગાના જેવી જ એક જુવાન ભિખારણ પણ ત્યાં જાણે ગૂંગાના પરાક્રમથી ખુશ થઈ હોય તેમ અત્યારમાં આવીને ઊભી રહી હતી. એ પણ મૂંગી હતી. એને કોઈ ઠામઠેકાણું ન હતું. ગૂંગાને કોઈ રોટલો ઘડી દે એમ ન હતું. આ અકસ્માત સંજોગો તો ગામલોકના હર્ષમાં વધુ હર્ષનો ઉમેરો કર્યો. મીઠા વિનોદ સાથે ગૂંગાને બહાર લાવવા માટે વધુ ઢોલ-ત્રાંસાં શરૂ થયાં.

થોડી વાર સુધી કોઈ આવતું નથી. એ જોઈને એક અધીરા પ્રેક્ષકે ગૂંગાની ઓરડીના બારણાને ધક્કો માર્યો.

જવાબમાં ઓરડી ઊઘડી ગઈ. ગૂંગાની આખી રિયાસત ત્યાં પડી હતી. એક ચટાઈ હતી. એક તૂટેલ પાટલૂન લટકતું હતું. એક બે લૂગડાં ત્યાં લટકતાં હતાં. ચૂલા ઉપર એલ્યુમિનિયમનું એક તપેલું હતું. એક લોટો માટલા પાસો ઊંધો પડ્યો હતો. એક થાળી ને વાટકો રાખમાં સાફ થવાની રાહ જોતાં બેઠાં હતાં !

પણ અંદર હડુડુ ધસતા માણસો આશ્ચર્યમાં હોય તેમ તરત પાછાં હટી ગયાં. જેને માટે આ ઉત્સવ યોજ્યો હતો, જેને મળવા માટે સૌ આતુર હતા, જેને પેલા છોકરાનાં મા-બાપ નવાજવા આવ્યાં હતાં, તે ગૂંગો જ ત્યાં ન હતો !

સૌના મનમાં સવાલ જાગ્યો. 'ગૂંગો ક્યાં હતો?'

- પણ એનો પ્રત્યુત્તર ત્યાર પછી એ ગામમાં કોઈને કોઈ દિવસ મળ્યો નહિ.

બે ને પાંચ મિનિટ
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

આજે બે ઘટનાને બરાબર એક મહિનો થયો હતો.

બપોરે બે ને પાંચ મિનિટે. સમય વિશે પૂરી ચોકસાઈ હતી. પાડોશની રૂપા અને દૂધવાળાએ ખાતરીથી કહ્યું હતું. રૂપા એના દીકરાને સ્કૂલબસમાંથી ઉતારી લેવા બેમાં દસ મિનિટે ઘર બંધ કરી નીચે ઊતરી. પાંચ-દસ મિનિટમાં ચિકુને તેડી એ ઉપર આવી જતી.

એ દિવસે પણ રૂપા ચિકુને લેવા ઘરની બહાર નીકળી ત્યારે એણે કેતકીને દૂધવાળાને બાટલી આપતાં જોઈ હતી. કેતકી એની સામે હસી અને રૂપા ઝડપથી દાદર ઊતરી ગઈ. એ દિવસે બસ વહેલી આવી ગઈ હતી, એટલે ચિકુને લઈ એ તરત ઉપર આવી ત્યારે ઘર બંધ હતું. એ ઘરમાં દાખલ થઈ, તેડેલા ચિગુને નીચે ઉતારવા જતી હતી, ત્યાં એણે દૂધવાળાની ચીસો સાંભળી. એ હાંફળીફાંફળી બહાર દોડી આવી તો ગભરાયેલો દૂધવાળો એકસરખી ચીસો પાડતો હતો. રૂપા અધખુલ્લા બારણાને ધક્કો મારી ઘરમાં દાખલ થઈ એ સાથે એની આંખો ફાટી ગઈ...

લોહીના ખાબોચિયામાં કેતકી પડી હતી. કેતકીનું ખૂન થયું હતું.

આજે એ વાતને એક મહિનો થયો હતો. તારીખ 10મી, બપોરે એકને પંચાવનથી બેને પાંચ મિનિટ સુધીમાં.

યોગેશ સૉફામાં ગુમસૂમ સવારથી બેસી રહ્યો હતો. બા, દીપ્તિ, મોટાભાઈ આવન-જાવન કર્યા કરતાં હતાં. વહેલી સવારથી બાએ બ્રાહ્મણને બોલાવ્યો હતો, કંઈ ને કંઈ વિધિઓ ચાલતી હતી. બહારના ઓરડામાં બ્રાહ્મણો જમતા હતા. એક તરફ અંધશાળાના મેનેજરને મોટાભાઈએ બોલાવેલા તે બેઠા હતા, કેતકીના બાપુજી અમદાવાદથી ખાસ આવ્યા હતા, પણ આઘાતથી બીમાર પડી ગયા હતા. મોટાભાઈને એની યે દોડધામ કરવી પડતી હતી ને ફોનની ઘંટી સતત રણકતી હતી.

અને આ બધી ધાંધલધમાલથી અલિપ્ત હોય એમ યોગેશ ગૂંચળું વળી એક તરફ બેસી રહ્યો હતો. અગિયાર વાગ્યા હતા. એ દિવસે એ અત્યારે શું કરતો હતો? અગિયાર વાગ્યે... હા, અગિયાર વાગ્યે ચા પીતો હતો... ના, ના. ઑફિસમાં ટાઈપિસ્ટને બે કાગળો ટાઈપ કરવા આપ્યા હતા એ વાંચી જતો હતો...

અને અહીં કેતકી શું કરતી હશે?

છેલ્લા થોડા દિવસોથી આ પ્રશ્ન પોતાને પોતે કેટલી વાર પૂછ્યો હતો ! પોતે ઘરેથી ગયા પછી અમુક વાગ્યે કેતકી શું કરતી હશે એવો વિચાર કદી કરેલો જ નહીં, એટલે એનો જવાબ પણ એને જડતો નથી.

અગિયાર ને પાંચ.

ઘડિયાળ સામે નજર કરતાં એ અસ્વસ્થ થઈ ગયો. હવે એ કદી જાણી નહીં શકે કે એની ગેરહાજરીમાં કેતકી શું કરતી હતી. સાંજે ઑફિસેથી આવી, ચા પીતાં ઑફિસમાં શું બન્યું હતું તે પોતે કહી જતો અથવા રસપૂર્વક સાંજનું છાપું વાંચતો કે પછી વિડિયો પર ફિલ્મ જોતો. કેતકી શાંતિથી સાંભળતી હતી, ક્યારેક એકાદ પ્રશ્ન પૂછી લેતી. પછી રસોઈમાં ગૂંથાતી.

અગિયાર ને પંદર થઈ હતી. યોગેશને સિગરેટની સખત તલપ લાગી હતી, પણ મોટાભાઈએ સવારથી એને સિગરેટ પીવાની ના પાડી હતી.

ઘડિયાળનો કાંટો, એના હૃદયમાં ભોંકાતો ભોંકાતો આગળ ચાલતો હતો.

સાડા અગિયાર ! અને એને ખબર નહોતી કે એની ગેરહાજરીમાં એનું પત્ની શું કરતી, શું વિચારતી !

મોટાભાઈ ઓરડામાં આવ્યા અને ખાનામાંથી ચેકબુક લઈ અંધશાળાના વિદ્યાર્થીઓ માટે 2000 રૂ.નો એક ચેક લખી આપ્યો.  યોગેશ સાંભળતો હતો - જુઓ કેતકી યોગેશ મહેતાની સ્મૃતિમાં આ રકમ સંસ્થાને યોગ્ય લાગે તેમ વાપરે. સામાજિક સેવાનાં કામોમાં તેનું ખૂબ દિલ હતું.

યોગેશને નવાઈ લાગી. ખરેખર ! કેતકીનો એવો સ્વભાવ હતો ! બા ડિશમાં નાસ્તો મેનેજર માટે લઈ આવી, આગ્રહ કરીને ખવડાવ્યો. આંખો લૂછતાં એ બોલતી હતી :

'મારી વહુ તો સાચે જ કેતકીનાં ફૂલ જેવી હતી. કોણ જાણે કયા હૈયાફૂટાએ આમ ઘડીકમાં એનું ખૂન...'

બા રડવા લાગી. દીપ્તિ પાણી લઈ આવી. બાને છાની રાખતાં એ રડવા લાગી.

'મારી ભાભી ખરેખર સોના જેવી હતી. અમારા મકાનમાં એકેએક પાડોશીને કંઈ ને કંઈ મદદ કરે, સલાહ આપે, માંદેસાજે ખબર કાઢવા જાય, કોઈ ટેલિફોન કરે તો એક પૈસો ન લે, કહેશે આપણે કોઈને કામ આવ્યા ને, બસ.'

યોગેશ દીપ્તિની વાત ધ્યાનથી સાંભળતો હતો. કેતકીને બધા જ લોકો ચાહતા હતા, એમ ! મેનેજર ગયા. મોટાભાઈ કેતકીના બાપુજી પાસે બેઠા. દીપ્તિ અને બા બ્રાહ્મણોને જમાડવામાં ગૂંથાયાં. સફેદ સાડલા પહેરેલી સ્ત્રીઓ આવ્યા કરતી હતી અને ઘરમાં અવાજો વધતા જતા હતા.

'લ્યો, બાર વાગ્યા.'

કોઈ મોટેથી બોલ્યું. બધા અવાજોની ઉપર થઈને એક અવાજ મોટા મોજાની જેમ બળપૂર્વક ધસી આવ્યો અને ફીણ ફીણ થઈ તૂટીને ફેલાઈ ગયો.

'હવે ઊઠને, બાર વાગ્યા.'

ટાઈપિસ્ટ શીલાનો આ અવાજ.

યોગેશે ચમકીને આજુબાજુ જોયું, પણ કોઈએ એ અવાજ સાંભળ્યો ન હોય એમ સૌ પોતપોતાનાં કામમાં ગૂંથાયેલા રહ્યા.

'આસ્તે બોલ શીલા. હજી લંચ ટાઈમને વાર છે, અને બૉસ કેબિનમાં છે.'

'બૉસ ક્યારના ગયા. હવે સાંજે આવશે.' શીલા ટેબલ પર ઝૂકીને બોલી.

'તું નીકળી જાય. હું દસ મિનિટ પછી નીકળીશ. રોજની જગ્યાએ.'

ટપ ટપ ટપ શીલાની ઊંચી એડીનો અવાજ, બ્રાહ્મણના મંત્રોચ્ચારને દાબી દેતો ધીમે ધીમે વિલીન થયો.

યોગેશે હાંફતાં હાંફતાં ચારે તરફ જોયું, અને છેલ્લે ડરતાં ડરતાં ઘડિયાળ તરફ જોયું. સાડા બાર.

કેતકી અત્યારે શું કરતી હોય? ક્યારે જમે? પછી વાંચતી વાંચતી ઊંઘે કે પછી પડોશનાં રૂપાબહેન પાસે જાય... કે પછી મકાનમાં કોઈની ખબર કાઢવા જાય કે પેલાં નાનકડાં મોજાં...

જોરથી ધડ્ વિચારનો એક મોટો ખીલો માથામાં ઠોકાયો અને લોહીના ધાર ફૂટી.

પોતે પિતા બનવાનો હતો અને એ જાણતો ન હતો!

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી એ જડ બની ગયો હતો. કેતકીએ એને કહ્યું ન હતું કે એમના સંસારમાં એક બાળક આવવાનું હતું!

જાગતાં, સૂતાં, સપનામાં છેલ્લા એક મહિનાથી એક નાનકડા બાળકને એ રમાડતો હોય એવું જ દૃશ્ય, એને દેખાતું. બા અને દીપ્તિ સતત એ જ વાતો કરતાં અને રડતાં. શહેરનાં બધાં અખબારોને પ્રથમ પાને સમાચાર ચમક્યા હતા. પોલીસ પણ મૂંઝાઈ હતી. સુખી દામ્પત્યજીવન, ચોરી-લૂંટ કશું જ નહીં. તો પછી આવી ભલી પ્રેમાળ ગૃહિણીનું ખૂન કોણે કર્યું?

ખૂન કોણે કર્યું?

જાણે પોતે કોર્ટમાં પિંજરામાં ઊભો છે અને ન્યાયાધીશ સખત ચહેરે એને પૂછી રહ્યા છે, બોલો મિ. યોગેશ, તમારી પત્ની કેતકીનું ખૂન કોણે કર્યું?

એક ને પાંચ.

યોગેશને છાતીમાં ગભરામણ થઈ હોય એમ ઊંડા શ્વાસ ભરતો ઊઠ્યો અને પંખાની ગતિ વધારી. પંખો ઝડપથી ફરવા લાગ્યો. ખંડમાં ઘૂમતો પ્રશ્ન પંખાનાં પાંખિયાં સાથે જોરજોરથી આમતેમ ફંગોળાવા લાગ્યો. એની સાથે ભટકાઈ જવાનો હોય એમ ડરીને એ સોફાના ખૂણામાં ભરાઈ ગયો.

'આમ શું બેસી રહ્યા છો?'

ફરી શીલાનો અવાજ, આ વખતે જરા વધુ મોટો અને ધારદાર. એ ઝબકી ગયો. મોટાભાઈ ઓરડામાં જ હતા અને કશુંક શોધતા હતા, પણ એમણે શીલાનો અવાજ નહીં સાંભળ્યો હોય કારણ કે કશુંક એમને મળી ગયું હતું અને એ બહાર નીકળી ગયા હતા. યોગેશને શાંતિ થઈ.

'આસ્તે બોલ શીલા.' એણે ગભરાઈને કહ્યું હતું.

એ હસી પડી હતી : 'આ હોટલની આટલી ધમાલ અને અવાજમાં કોણ સાંભળવાનું હતું? સાચે તું બબૂચક છે. યોગેશ ! તને પ્રેમ કરતાં શીખવતાં બે વર્ષ નીકળી ગયાં અને એટલા સમયમાં તું પરણી પણ ગયો. કેતકીએ તને શિખડાવ્યું?'

મોટાભાઈનો મોટો ઘાંટો સંભળાયો. શીલાને ધક્કો મારી કાઢી મૂકતો હોય એમ યોગેશ હાથ વીંઝતો ઊભો થઈ ગયો. મોટાભાઈ ઝડપથી ઓરડામાં દાખલ થયા અને આરામખુરશીમાં પડતું મૂક્યું. પાછળ જ બા આવી.

'શું થયું મોટા? આમ કેમ બૂમો પાડે છે?'

મોટાભાઈએ ચશ્માં ઉતારી કફનીના છેડાથી આંખો લૂછી. ગળું ભરાઈ આવ્યું હોય એમ થોડા વખત સુધી એ ચૂપ રહ્યા. એણે બીજી વાર મોટાભાઈને આટલા અસ્વસ્થ જોયા હતા - એક વખત કોરોનર કોર્ટમાંથી કેતકીનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે અને આજે.

'થયું શું? નહીં તો તારો તે કદી ઘાંટો સંભળાય?'

'શાંતિમામી... યોગેશને... એટલે કે એમની... નણંદની દીકરીનું માગું લઈને આવ્યાં હતાં.'

'અરરર. શરમે ય ન આવી શાંતિમામીને? આવા ટાણે?' બાનો અવાજ તરડાઈ ગયો.

'એટલે તો એમને કાઢી મૂક્યાં. શું આપણે રાક્ષસ છીએ? મને તો એવો ગુસ્સો આવ્યો કે ગળચી દાબી દઉં.'

'મને પહેલેથી એ શાંતિ દીઠી ગમતી નહોતી, પણ શું કરું, તારા બાપુજીને એમની સાથે સાત પેઢીનો સંબંધ...'

'મને કંઈ પડી નથી કોઈની. અરે, આપણી કેતુને હજી...' મોટાભાઈથી બોલાયું નહીં.

દીપ્તિની બૂમ પડી એટલે મોટાભાઈ તરત ચાલી ગયા. બા નજીક આવીને બેઠી, ધીમે ધીમે યોગેશની પીઠ પર હાથ પસવારતાં બોલી :

'સ્વાર્થનાં સગાં છે સૌ. તું મન પર ન લેતો યોગેશ. બનવાકાળ બની ગયું. બધાની છાતીમાં જખમ થયો છે દીકરા! હજી કેતકીએ જિંદગી જ ક્યાં જોઈ હતી ! લગ્ન થયે બે વર્ષ થયાં. તને પ્રમોશન મળ્યું, ગાડી મળી. તમારી તો હરવાફરવાની ઉંમર કહેવાય. અને એમાં એને સીમંત...' બાનો હાથ ધ્રૂજતો હતો. બાએ આંખો મીંચી સોફાને ટેકે માથું ઢાળી દીધું.

ઘરમાં અચાનક શાંતિ થઈ ગઈ હતી. ઘનઘોર જંગલની એકલતાના પોલાણમાં હોય એવી ભેંકાર અને ભયાનક. ઝાડીમાં લપાયેલું હિંસક જાનવર પોતાની પર તૂટી પડવાનું હોય એમ યોગેશ ડરી ગયો. ચકળવિકળ આંખે એણે ચારે તરફ જોયું. કેતકીની તસવીર સામે ભીંત પર લટકતી હતી. તાજાં સુગંધી ફૂલોના હાર વચ્ચેથી એ મીઠું હસી રહી હતી. ટી.વી. પર કેતકીનો ભરત ભરેલો રૂમાલ હતો. આ જ ખુરશી પર બેસી એ રાત્રે મોડે સુધી ભરતી. એ ઘણી વાર મોડો આવતો. જરા ચિડાઈને કહેતો :

'તું મારી રાહ શું કામ જુએ છે? સૂઈ જતી હોય તો?'

એ મીઠું હસતી -

'મને એકલા ઊંઘ નથી આવતી. આ જુઓ તો, કેવું લાગે છે?'

'સરસ...' જેવું કંઈ બબડીને એ પથારીમાં પડતો.

બા હવે ધીમે ધીમે બોલવા લાગી હતી, મનમાં પડી ગયેલી વાતોની ગડ ઉખેળતી હતી.

'મને તો ઘણું થતું કે અહીં આવીને રહું. નાના ગામમાંથી આવીને આવડા મોટા શહેરમાં વહુ મૂંઝાતી હશે, પણ ત્યારે પેલે ઘરે ય કોણ કરે એવું છે? દીપ્તિને કૉલેજ અને મોટાની સંભાળ રાખનારું કોણ? કેતકી કાગળ લખતી : બા ! તમે અહીં આવો એ મને બહુ ગમે, પણ મોટાભાઈ તો ભગત માણસ છે. એમનું ધ્યાન ખાસ રાખજો. એટલી કાળજી હતી કેતકીને બધાની. દીપ્તિ માટે સરસ છોકરો ય શોધ્યો હતો વહુએ. લખતી કે એનું ભણવાનું પતી જાય એટલે અહીં જ આવીને રહો બધાં... તો દેવ જેવા મોટાભાઈને સાચવી શકું.'

બા ઊંડો શ્વાસ લઈ ચૂપ રહી.

બા, ભાઈ, દીપ્તિ બધા જ કેતકીને કેટલું ઓળખી શક્યા હતા ! અને પોતે !

દોઢ વાગ્યો હતો.

અજાણપણે જ એનું શરીર ટટ્ટાર થઈ ગયું. મુઠ્ઠીઓ સખત ભિડાઈ ગઈ. અત્યારે આ સમયે શીલા માટે એ પર્સ ખરીદી રહ્યો હતો અને અહીં એની પત્ની એના મોટાભાઈ, બા અને દીપ્તિની ચિંતા કરતી હતી. એના બાળકના આગમનની તૈયારી કરતી હતી.

કેતકીએ કેમ એને કહ્યું નહીં?

છેલ્લા એક મહિનાથી આ પ્રથમ એના મનમાં સતત ઘોળાતો, પીડતો, રંજાડતો, મૂંઝવતો.

'તમારું રામ-સીતાનું જોડું હતું.' બા ભરાયેલા કંઠે બોલી ઊઠી, 'અને આ પોલીસ જો, એટલું ય નથી શોધી શકતી કે કોણે આ કાળાં કામો કર્યાં? શું કામ કર્યાં?'

દીપ્તિએ આવીને કેતકીનો કબાટ ખોલ્યો. કોઈને આપી દેવા બેચાર સાડી કાઢતાં એણે ગુસ્સાથી કહ્યું :

'જો એ માણસ મારા હાથમાં આવી જાયને તો એ હરામખોરનો ટોટો પીસી નાખું.'

દીપ્તિ બાનો હાથ પકડીને લઈ ગઈ. રામ-સીતાનું જોડું... બાના શબ્દો ગોળગોળ ઘૂમતી ડમરીની જેમ ઓરડામાં ઘૂમતા હતા અને તપેલી ધૂળની જેમ આંખ, કાન, મોંમાં ભરાતા હતા. રામ-સીતાનું જોડું... કેતકી સીતા હતી, પણ એ તો માત્ર યોગેશ હતો. શીલા નામની એક યુવતી સાથે લફરું કરતો હતો. લફરું? ના... ના... એ તો...

'રખે એે પ્રેમ કહેતો.' ફરી કોઈ બોલ્યું. શાંતિમાં એ અવાજ વધુ ઘેરો અને મોટો લાગ્યો. 'શીલા પરણેલી છે અને લફરેબાજ સ્વભાવ છે એટલે લફરું કરે છે.'

ટાઈપિસ્ટ સુબ્રહ્મણ્યમે એક દિવસ એને કહ્યું હતું ત્યારે પોતે ખડખડાટ હસ્યો હતો, પણ સુબ્રહ્મણ્યમ ચિડાયો હતો. 'હસ, ખૂબ હસ યોગેશ ! એટલું જ તને એ એક દિવસ રડાવશે. ઝાડ ખંખેરે એમ પૈસા ખંખેરી લેશે તારા. પછી શોધી લેશે.'

અકળાઈને યોગેશ ઊભો થઈ ગયો. દીપ્તિથી અધખુલ્લા રહી ગયેલા કેતકીના કબાટ પર એની નજર પડી. એણે કબાટ ખોલ્યો. કબાટ વ્યવસ્થિત અને સુઘડ રીતે ગોઠવાલે હતો. સાડીઓની પસંદગી ખૂબ સુંદર હતી. નેઈલપૉલિશ, પર્સ, પરફ્યૂમની શીશીઓ, લિપસ્ટિક, કંઈક અવનવી વસ્તુઓથી કબાટ ભરેલો હતો.

યોગેશ આશ્ચર્યચકિત બની જોઈ રહ્યો. આમાંનાં કપડાં-દાગીના કેતકીએ એની સામે ઘણી વાર પહેર્યા હશે, પણ કેમ એને કશું યાદ નહોતું આવતું? આમાંની કોઈ પણ વસ્તુ માટે કેતકીએ જીદ કરી હોય અથવા એ પોતે એને ખરીદવા લઈ ગયો હોય એમ બન્યું નહોતું. આમાંનાં ઘણાં કપડાં તો અકબંધ હતાં. નવીનકોર સાડી ગડ ખોલ્યા વિનાની પડી હતી. કોઈક પરફ્યૂમની બાટલી પરથી સીલ પણ નહોતું તૂટ્યું.

એક નવી જ સિલ્કની સાડી એણે હળવા હાથે કાઢી... આછા પોપટી રંગ પર સોનેરી જરીની કિનાર હતી. એના મુલાયમ પોત પર સ્પર્શ થતાં મનમાં સ્મૃતિની એક લહેર વહી આવી. હા, આ સાડી તો પ્રથમ લગ્નતિથિએ પોતે જ કેતકી માટે લાવેલો. ખરું પૂછો તો બે લીધેલી. એક શીલા માટે અને બીજી... સાડીની ગડમાંથી એક કાગળ સરકી પડ્યો.

યોગેશે જલદીથી વાંકા વળી કાગળ લીધો અને ખોલ્યો, એ સાથે જ જાણે અચાનક કોઈએ એને ધક્કો મારી ઊંડા કૂવામાં ફેંકી દીધો હોય એમ સોફામાં ફસડાઈ પડ્યો. આ કાગળ શીલાએ એને લખ્યો હતો છ મહિના પહેલાં, જ્યારે એ રજા પર હતો.

તો કેતકી બધું જાણતી હતી? ગડી ખોલાયા વિનાની સાડીઓ, સીલ તોડ્યા વિનાની બાટલીઓનું રહસ્ય એને સમજાવા લાગ્યું અને આ નાના મોજાંનું અકબંધ રહસ્ય પણ હવે એ ઉકેલી શકતો હતો.

એ બાળક કેતકીનું હતું અને એ આનંદમાં પતિને એ સહભાગી બનાવવા માગતી નહોતી.

એણે ઝડપથી કબાટ બંધ કર્યો. રઘવાયો બની આમતેમ આંટા મારવા માંડ્યો, ત્યાં દીપ્તિ દોડતી આવી.

'ભાઈ... એક સારા સમાચાર.'

એ દીપ્તિ સામે જોઈ રહ્યો.

'હમણાં જ ફોન હતો ઈન્સ્પેક્ટર રાવનો. ભાભીનાં ખૂન માટે તેમને એક અગત્યની કડી મળી છે. કદાચ ખૂની કોણ છે એની ખબર પડી શકશે.'

એક હળવી ચીસ સાથે યોગેશ સોફાના ખૂણામાં ભસાઈ ગયો. એણે આંખો ફાડી ઘડિયાળ સામે જોયા કર્યું.

ઘડિયાળમાં બરાબર બે ને પાંચ થઈ હતી.