- Gujarat
- ગુજરાતમાં અમૃત 2.0 યોજનાથી શહેરી વિકાસને નવી ગતિ: 16,316 કરોડના 927 કામો મંજૂર
ગુજરાતમાં અમૃત 2.0 યોજનાથી શહેરી વિકાસને નવી ગતિ: 16,316 કરોડના 927 કામો મંજૂર
ગુજરાતમાં છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના નાગરિકોને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. શહેરી વિકાસ, અર્બન મોબિલિટી, સામાજિક સુવિધાઓ અને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે.
આ જ દિશામાં ‘અમૃત 2.0 મિશન’ (Atal Mission for Rejuvenation and Urban Transformation) રાજ્યમાં શહેરી માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. આ યોજનાના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી 16,316 કરોડ રૂપિયાથી વધુના કુલ 927 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારનો ફાળો ₹4,504 કરોડ, રાજ્ય સરકારનો ₹5,597 કરોડ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) તરફથી ₹6,215 કરોડનો ફાળો છે.
વિકાસ સપ્તાહની ઉજવણી
વડાપ્રધાનના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, 07 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઈ રહી છે. “ગ્રોથ એન્જિન” ગણાતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસને નવી ઊંચાઈ મળી રહી છે.
અમૃત મિશનનો હેતુ
અમૃત મિશનનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, તળાવો અને બાગ-બગીચા જેવી પાયાની સુવિધાઓને આધુનિક બનાવવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી, જ્યારે તેનો સુધારિત આવૃત્તી ‘અમૃત 2.0’ 1 ઓક્ટોબર 2021થી અમલમાં આવી હતી.
ગુજરાતમાં અમૃત મિશનની અમલવારી
અમૃત 1.0 હેઠળ રાજ્યના 31 શહેરો આવરી લેવાયા હતા, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર જેવી મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. અમૃત 2.0 હેઠળ રાજ્યની બધી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કામો હાથ ધરાયા છે. આ યોજનામાં પીવાના પાણીની સુવિધા, ભૂગર્ભ ગટર નેટવર્ક, તળાવોના નવીનીકરણ અને બાગ-બગીચા વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
અત્યાર સુધીના મંજૂર થયેલા મુખ્ય કામો
મહાનગરપાલિકા વિસ્તારમાં:
પાણી પુરવઠા માટે ₹4,931 કરોડના 149 કામો
ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન માટે ₹5,437 કરોડના 112 કામો
તળાવ નવીનીકરણ માટે ₹207 કરોડના 37 કામો
બાગ-બગીચા વિકાસ માટે ₹8 કરોડના 4 કામો
નગરપાલિકા વિસ્તારમાં:
પાણી પુરવઠા માટે ₹3,739 કરોડના 292 કામો
ગટર વ્યવસ્થાપન માટે ₹1,440 કરોડના 55 કામો
તળાવ નવીનીકરણ માટે ₹443 કરોડના 151 કામો
બાગ-બગીચા વિકાસ માટે ₹110 કરોડના 127 કામો
માળખાકીય સુવિધાઓનો વ્યાપ
અમૃત 2.0 હેઠળના પ્રોજેક્ટમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે —
પાણી પુરવઠા: સોર્સ ઑગમેન્ટેશન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રાન્સમિશન લાઈન, ભૂગર્ભ અને ઉંચી ટાંકી, પાઈપલાઈન નેટવર્ક અને ઘર જોડાણ.
ગટર વ્યવસ્થા: કલેક્શન નેટવર્ક, ઘર જોડાણ, પમ્પીંગ સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને ટર્શ્યરી ટ્રીટમેન્ટ સુવિધા.
રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ યોજનાઓના અમલીકરણથી શહેરી જીવનની ગુણવત્તામાં સુધારો થવાનો છે અને ગુજરાતના શહેરો વધુ સ્વચ્છ, સુવિધાસભર અને ટકાઉ બનશે.

