- Gujarat
- સાણંદમાં પૈતૃક જમીન વિવાદ: 25 વર્ષીય યુવકની હ*ત્યા, 3 આરોપી ઝડપાયા
સાણંદમાં પૈતૃક જમીન વિવાદ: 25 વર્ષીય યુવકની હ*ત્યા, 3 આરોપી ઝડપાયા
સાણંદ તાલુકાના નિધ્રાડ ગામે પૈતૃક જમીનના વિવાદને લઈને શનિવાર રાત્રે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 25 વર્ષીય યુવકની છરી અને લાકડી વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના અનુસંધાને સાણંદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ માહિતી મુજબ, નિધ્રાડ ગામના દેવ ડાભી નામના યુવક પર જમીન વિવાદને લઈને હુમલો થયો હતો. અથડામણ દરમિયાન દેવને પેટમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે હરેશ ડાભી અને ધનાજી ડાભીને હાથ અને ખભામાં ઈજાઓ થઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દેવ ડાભીનું મોત થયું હતું.
આ મામલે સાણંદ પોલીસે બિપિન ભીખાજી ડાભી, રોહિત ભીખાજી ડાભી અને દેવાંગ છાનાજી ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહેલા પૈતૃક જમીનની માલિકી સંબંધિત કુટુંબી ઝઘડાથી ઉદ્ભવ્યો હતો, જે અંતે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, “ફરિયાદ અને ઉપલબ્ધ પુરાવાના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાનો ગુનો નોંધાયો છે અને બંને પક્ષોની ક્રોસ-ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હાલ જમીન વિવાદ અને અથડામણની પરિસ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે.”

