- Gujarat
- જેલમાંથી શરતી જામીન પર બહાર આવેલા AAPના નેતા ચૈતર વસાવાએ મનસુખ દાદાના ગામના રસ્તા માટે પદયાત્રા કરી
જેલમાંથી શરતી જામીન પર બહાર આવેલા AAPના નેતા ચૈતર વસાવાએ મનસુખ દાદાના ગામના રસ્તા માટે પદયાત્રા કરી
ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 80 દિવસ જેલમાં ગાળ્યા બાદ હાઇકોર્ટમાંથી શરતી જામીન મેળવી બહાર આવતા જ આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફરી મેદાને પડ્યા છે. તેમણે નર્મદા જિલ્લાના જૂનારાજ ગામના 14 કિલોમીટર લાંબા અટકેલા રોડનું કામ શરૂ કરાવવા માટે જન આંદોલન શરૂ કર્યું છે.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જૂનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવવાની માગ સાથે સોમવારે (6 ઓક્ટોબર) વહેલી સવારે પદયાત્રા કરી હતી. આઝાદીના 78 વર્ષ બાદ પણ જૂનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલા ડામરના રોડનું કામ વન વિભાગે અટકાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જૂનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે જૂનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઐતિહાસિક પૌરાણિક ગામોમાં જૂનારાજ, ઉપલા જૂનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદિયા, દેવહાત્રાને જોડતા રસ્તાની માગ સાથે તેમણે પદયાત્રા બાદ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.
https://www.instagram.com/reel/DPdRwe7jN87/?utm_source=ig_web_copy_link&igsh=MWFxdGJsd3l5Y2YxaQ==
ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનારાજ ગામથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. સૌથી નોંધનીય વાત એ છે કે, આ આંદોલનમાં વિપક્ષના ધારાસભ્ય સાથે ભાજપના પીઢ આગેવાન ગોપાલ વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા પણ જોડાયા હતા.
https://www.instagram.com/p/DPdG05ziAGt/?utm_source=ig_web_copy_link&igsh=cWZkbWZubHpzb2Zs
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ રોડની માગણીને અંગત લાગણી સાથે જોડતા કહ્યું હતું કે, જૂનારાજ મારું મોસાળ છે. મારા મોસાળનો રસ્તો ન બને એમ કેમ ચાલે? જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરી હોય કે શામળાજી કોરિડોરનું કામ હોય, ત્યારે રાતોરાત જંગલ કપાઈ જાય છે અને મંજૂરીઓ મળી જાય છે, તો પછી જૂનારાજ ગામના રોડમાં કેમ વિલંબ થાય છે? લોકોની મૂળભૂત સુવિધાઓ માટેના રસ્તાઓ માટે ફોરેસ્ટ ક્લિયરન્સની માગણી શા માટે? આ વલણ ગેરવ્યાજબી છે.
ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારના જંગલ હેઠળ આવતા ગામોના રોડ ન બનવાના મુદ્દે 10 કિલોમીટરની પદયાત્રા કરી હતી. તેમણે તંત્રને 14 કિમીના રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે, જો 15 દિવસમાં કામગીરી નહીં ચાલુ થાય, તો અમે આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું અને 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માગીને આ રોડ મુદ્દે સીધી રજૂઆત કરીશું.
આ રેલી દ્વારા જૂનારાજ, ઉપલા જૂનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા અને દેવહાત્રા જેવા ઐતિહાસિક અને પર્યટક ગામોને જોડતા રોડ બનાવવાની માંગણી સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.
વસાવાએ જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ દેશના દરેક જિલ્લામાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વપરાય છે અને નર્મદા જિલ્લો SOU જેવા પ્રોજેક્ટને કારણે ગૌરવ લઇ રહ્યો છે, ત્યાં બીજી તરફ જિલ્લાના અનેક ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.
તેમણે કહ્યું કે, રસ્તા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે. ઘણા કિસ્સાઓમાં રસ્તે જ બાળક કે મહિલાનું મોત નીપજે છે, જેવી કે ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ 14 કિલોમીટરના મહત્ત્વના રોડનું ટેન્ડર ડી.બી. પટેલ કન્સ્ટ્રક્શન, વડોદરાને આપવામાં આવ્યું હતું. એજન્સી દ્વારા રોડનું કામ પણ ચાલું કરી દેવામાં આવ્યું હતું. જોકે, થોડા દિવસો કામ ચાલ્યા બાદ ફોરેસ્ટ વિભાગના કેટલાક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને બાંધકામના વાહનો જપ્ત કરી લીધા અને કામ અટકાવી દીધું.
ધારાસભ્ય વસાવાએ તંત્રના આ વલણ પર સખત સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકાવતા સ્પષ્ટ દેખાય છે કે સાંસદની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી.

