- Gujarat
- કપાસના ભાવને લઈને આંદોલન કરતા AAPને ખેડૂત નેતા રાજુ કરપડાને પોલીસે રાત્રે 3 વાગ્યે ઉપાડી લીધા, કેજરી...
કપાસના ભાવને લઈને આંદોલન કરતા AAPને ખેડૂત નેતા રાજુ કરપડાને પોલીસે રાત્રે 3 વાગ્યે ઉપાડી લીધા, કેજરીવાલ ભડક્યા
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની મોડી રાત્રે ધરપકડથી રાજકારણ ગરમાયું છે. દિલ્હીના પૂર્વ CM અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, 'BJPના શાસનમાં, જે કોઈ પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.'
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પોલીસે શુક્રવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ વિરોધ સ્થળ પરથી રાજુભાઈ કરપડાની ધરપકડ કરી હતી. તેઓ કપાસના વાજબી ભાવની માંગણી સાથે ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, રાજુભાઈ કરપડા ફક્ત ખેડૂતોના અધિકારો માટે લડી રહ્યા હતા, પરંતુ સરકારે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો.
https://twitter.com/ArvindKejriwal/status/1976867475162587251
અરવિંદ કેજરીવાલે પોતાના X હેન્ડલ પર લખ્યું, 'વહેલી સવારે 3 વાગ્યે, આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા @RajubhaiKarpad1ની પોલીસે ધરપકડ કરી. તેમનો એકમાત્ર વાંક એટલો જ હતો કે તેઓ ખેડૂતોના હકો માટે લડી રહ્યા હતા, કપાસના વાજબી ભાવની માંગ કરી રહ્યા હતા. ગુજરાતમાં ખેડૂતો સાથે ઉભા રહેલા કોઈપણ વ્યક્તિનો અવાજ BJP દબાવી દેશે, પરંતુ યાદ રાખો, સત્યને જેલમાં બંધ કરી શકાતું નથી. ખેડૂતોની લડાઈ હવે અહીંથી અટકી જવાની નથી.'
AAP ગુજરાત રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાએ પણ ધરપકડનો એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેમણે લખ્યું, 'વહેલી સવારે 3 વાગ્યે, અંધારામાં, ગુજરાતના ખેડૂત નેતા ભાઈ @RajubhaiKarpad1ને BJPની પોલીસ વિરોધ સ્થળ પરથી ઉઠાવીને લઈ ગઈ. સત્તાના નશામાં BJPની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ગુજરાતના લોકો BJPને માફ નહીં કરે.'
RajubhaiKarpadની ધરપકડથી ગુજરાતના રાજકારણમાં એક નવું તોફાન સર્જાયું છે. AAP કહે છે કે, તે ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ ચાલુ રાખશે. જોકે, BJP તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના ખેડૂત સેલના રાજ્ય વડા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ એક વીડિયો દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 'કાપ'ના નામે ખેડૂતોને લૂંટવાનું કાવતરું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.

