- Gujarat
- શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું ત્યારે જ શિક્ષણ વિભાગને જ્ઞાન સહાયકની યાદ આવી — 6 મહિના સુધી વિદ્યાર્...
શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું ત્યારે જ શિક્ષણ વિભાગને જ્ઞાન સહાયકની યાદ આવી — 6 મહિના સુધી વિદ્યાર્થીઓ ભણ્યા શિક્ષક વિના
રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલી રહેલા અંધારાનો એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. મે મહિનાથી શરૂ થયેલું શૈક્ષણિક સત્ર હવે પૂરું થવા આવ્યું છે, ત્યારે હવે જઈને શિક્ષણ વિભાગને જ્ઞાન સહાયકોની ભરતી યાદ આવી છે. પરિણામે, છેલ્લા છ મહિનાથી રાજ્યભરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષક વિના જ અભ્યાસ કરવો પડ્યો છે.
“વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને ભણે ગુજરાત” જેવી યોજનાઓના ધમધમતા નારા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ધોરણ 9 થી 12 સુધીની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા માટે ‘જ્ઞાન સહાયક’ યોજના અમલમાં મુકાઈ હતી, પરંતુ આખું એક સત્ર પૂરું થવા છતાં જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ શકી નથી.
હવે શિક્ષણ વિભાગે પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં અમદાવાદમાં 500થી વધુ અને રાજ્યભરમાં આશરે 5,000 જ્ઞાન સહાયકોની નિમણૂક શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સહાયકો શાળાઓને હવે બીજા સત્રમાં જ મળશે — તે પણ ફક્ત 11 મહિનાની સમયમર્યાદા માટે.
આ વિલંબ અંગે રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ગ્રાન્ટેડ શાળાઓને ધીમે ધીમે બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. દર વર્ષે મે મહિનામાં જ ખબર પડી જાય છે કે કઈ શાળામાં શિક્ષક નિવૃત થયા, મૃત્યુ પામ્યા કે રાજીનામું આપ્યું. એટલે મે મહિનામાં જ નિમણૂક પ્રક્રિયા શરૂ થવી જોઈએ, જેથી 9 જૂને શાળાઓ શરૂ થાય ત્યારે શિક્ષકો હાજર રહે.”
તેમણે ઉમેર્યું કે, “છ મહિના સુધી સંચાલકોને જ્ઞાન સહાયક વિના શાળાઓ ચલાવવી પડી છે. વિદ્યાર્થીઓ ભણ્યા કે નહીં તેની ચિંતા કોઈને નથી, પરંતુ પરીક્ષાઓ લઈ લેવામાં આવી છે. હાલ ગણિત અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોમાં શિક્ષકો નથી. શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે ગુજરાતનું શિક્ષણ ખાડામાં જઈ રહ્યું છે.”
શૈક્ષણિક નિષ્ણાતોના મતે, આવી લાપરવાહી માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ જ નહીં, પરંતુ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

