- Gujarat
- હરિભાઇ ચૌધરીએ PM મોદીને પત્ર લખીને OBC સમાજ માટે અલગ મંત્રાલયની કરી માંગ
હરિભાઇ ચૌધરીએ PM મોદીને પત્ર લખીને OBC સમાજ માટે અલગ મંત્રાલયની કરી માંગ
દેશમાં અન્ય પછાત વર્ગો એટલે કે OBC કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલયની સ્થાપના કરવાની માંગ ઊઠી છે. જે અંગે OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર માર્ફત રજૂઆત કરી છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, હરિભાઈ ચૌધરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે હરિભાઈ ચૌધરીએ પત્ર મારફત કરેલી રજૂઆતમાં લખ્યું છે કે, હાલમાં OBC વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક કાર્યરત છે. જોકે, 146થી વધુ OBC જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવા છતા તેમને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી. SC અને ST સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે OBC વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી.’
વધુમાં રજૂઆત કરતા તેમણે લખ્યું કે, ‘2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 15% અને અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8 % છે. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ OBC સમાજની વસ્તી 50%થી વધુ હોવા છતા તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી. આ તફાવતને દૂર કરવા માટે હરિભાઈ ચૌધરીએ આગામી 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ આગ્રહભરી માગ કરી છે, જેથી OBC સમાજનો સચોટ ડેટા મળી શકે અને તે મુજબ નીતિઓ ઘડી શકાય.’
હરિભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે OBC સમાજ માટે ચોક્કસ યોજનાઓ અને નીતિ નિર્ધારણ માટે અલગ મંત્રાલય જરૂરી બની ગયું છે. તેમણે આ મુદ્દે ગુજરાત સરકારના વિવિધ વિભાગોને પણ પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે.OBC મંત્રાલયની માગને રાજકીય અને સામાજિક સ્તરે મળતું સમર્થન હવે આગામી સમયમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.’
હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે. ઋત્વિક મકવાણાએ કહ્યું કે OBC સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. સમાજના પ્રશ્નો, હક્કો અને વિકાસ માટે ચોક્કસ નીતિઓ બનાવવી જરૂરી છે અને તે માટે અલગ મંત્રાલયની રચના થવી જોઈએ.
આ રજૂઆતનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. જો સરકાર દ્વારા અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તો OBC સમુદાયના ઉત્થાન માટે વધુ ચોકસાઈપૂર્વક અને કેન્દ્રિત વિકાસ યોજનાઓ અમલમાં મૂકી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ હવે OBC સમાજના અલગ મંત્રાલય અંગે રજૂઆત કરી છે. જોકે, હરિભાઈ ચૌધરી અગાઉ GPSC પરીક્ષામાં OBC સમુદાયને થતાં અન્યાય અંગે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. હવે OBC સમુદાયના માટે અલગ મંત્રાલય માટે રજૂઆત PM મોદીને કરી છે.

