- Gujarat
- બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના
શ્રીલંકા નજીક બંગાળની ખાડીમાં એક હવામાન પ્રણાલી (System) સક્રિય થઈ છે, જે મજબૂત બનીને દક્ષિણ અરબ સાગરમાં આગળ વધશે.
એક ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અનુમાન મુજબ, જો આ સિસ્ટમને અનુકૂળ વાતાવરણ મળશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. જોકે, સ્કાયમેટે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક સંભાવના છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના
સ્કાયમેટના અનુમાન પ્રમાણે, જો હાલની સ્થિતિ પ્રમાણે જ વાતાવરણ રહે તો આગામી દિવસોમાં મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ બની શકે છે.
17 ઓક્ટોબરથી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી ગતિવિધિની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. શરૂઆતમાં આ સિસ્ટમની અસર શ્રીલંકા, કેરળ અને લક્ષદ્વીપમાં જોવા મળશે.
સિસ્ટમનો સંભવિત માર્ગ
સ્કાયમેટના હાલના અનુમાન પ્રમાણે, દક્ષિણ અરબ સાગરમાં આ સિસ્ટમ બન્યા બાદ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ગતિ કરીને ઓમાન તરફ જવાની સંભાવના વધુ છે. જોકે, સિસ્ટમનો ચોક્કસ માર્ગ તેના બન્યા બાદના વાતાવરણ પર આધાર રાખે છે.
2017ના 'ઓખી' વાવાઝોડા સાથે સરખામણી
વર્ષ 2017માં નવેમ્બર-ડિસેમ્બરમાં બનેલું 'ઓખી' નામનું ઘાતક વાવાઝોડું પણ લગભગ આ જ ઠેકાણે બન્યું હતું, જ્યાં હાલની સિસ્ટમ બનવાની સંભાવના છે.
'ઓખી' વાવાઝોડું 'વેરી સિવિઅર સાયક્લોનિક સ્ટોર્મ' બન્યું હતું, જેમાં પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાકથી પણ વધારે નોંધાઈ હતી. તે અરબ સાગરમાં મધ્ય ભાગ આસપાસ આગળ વધ્યા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાયું હતું.
સદનસીબે, નબળું પડ્યા બાદ તે 'વેલમાર્ક લો પ્રેશર'ના રૂપમાં ગુજરાતના સુરત અને દહાણુ વચ્ચેના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ (IMD)નું અનુમાન
હવામાન વિભાગે હજુ સુધી વાવાઝોડાની કોઈ સંભાવના વ્યક્ત કરી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
તેના કારણે 19 ઓક્ટોબરે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં લક્ષદ્વીપ અને કેરળ નજીક એક લો પ્રેશર સર્જાઈ શકે છે.

