- Health
- બોડી બિલ્ડર વરિન્દરનું હાર્ટ એટેકથી નિધન! મજબૂત શરીર છતા કેમ જાય છે જીવ, ડૉક્ટરે સમજાવ્યું
બોડી બિલ્ડર વરિન્દરનું હાર્ટ એટેકથી નિધન! મજબૂત શરીર છતા કેમ જાય છે જીવ, ડૉક્ટરે સમજાવ્યું
પ્રોફેશનલ બોડીબિલ્ડર અને અભિનેતા વરિન્દર સિંહ ઘુમ્મનનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારતના પ્રથમ શાકાહારી બોડી બિલ્ડર માનવામાં આવતા હતા. તેઓ સલમાન ખાન સાથે ફિલ્મોમાં પણ દેખાયા હતા.
ફિટનેસ ઇન્ફ્લુઅન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રૂબલ ધનકરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું કે, વરિન્દર સિંહ ઘુમ્મનને ખભાની સર્જરી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે મીડિયા સૂત્રએ તેમની સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, 'વરિન્દર ઘુમ્મન મારા સિનિયર છે, અને મારી તેમની સાથે નિયમિતપણે વાત થતી હતી. તેમના અને મારા મેનેજર એક જ છે. તેમને ખભામાં ઈજા થઈ હતી અને અમૃતસરની એક હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી હતી. સર્જરી દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા. પહેલા એટેકમાં તો તેમણે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ બીજા એટેક દરમિયાન તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.'
જ્યારે કોઈની સર્જરી કરવામાં આવે છે, ત્યારે મોટાભાગના લોકો માને છે કે, વાસ્તવિક જોખમ સર્જરીથી જ છે, પરંતુ ક્યારેક સૌથી મોટું જોખમ હાર્ટ એટેકનું પણ હોય છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં લોકોને હાર્ટ એટેક આવ્યો હોય અને સર્જરી દરમિયાન તેમનું મૃત્યુ થયું હોય. આ ઘટનાથી મહત્વપૂર્ણ સવાલો ઉભા થયા છે કે, સર્જરી દરમિયાન હાર્ટ એટેકનું જોખમ કેમ વધી જાય છે, અને શું તેને અટકાવી શકાય છે? મીડિયા સૂત્રએ આ વિશે હૃદય નિષ્ણાત ડોકટરો સાથે વાત કરી અને જાણવા મળ્યું કે છેવટે આવું કેમ થાય છે.
એનેસ્થેસિયોલોજી મેગેઝિનમાં પ્રકાશિત સંશોધન મુજબ, દર વર્ષે વિશ્વભરમાં 80 લાખથી વધુ પુખ્ત વયના લોકો સર્જરી પછી હાર્ટ એટેકનો ભોગ બને છે, અને તેમાંથી 10 ટકાનું તો 30 દિવસની અંદર અવસાન થતું હોય છે. સંશોધકો કહે છે કે, આ હાર્ટ એટેકમાંથી 85 ટકાને તો તેના લક્ષણો ખબર ન હોવાને કારણે તેનું કારણ શોધી શકાતું નથી.
દિલ્હીમાં શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટરવેન્શનલ ક્લિનિકલ એન્ડ ક્રિટિકલ કાર્ડિયોલોજી અને ઇલેક્ટ્રોફિઝિયોલોજીના ડિરેક્ટર ડૉ. અમર સિંઘલે મીડિયા સૂત્રને જણાવ્યું, 'કોઈપણ સર્જરી દરમિયાન હાર્ટ એટેક આવવાના ઘણા કારણો હોય છે. સર્જરી દરમિયાન શરીર પર ઘણું બધું શારીરિક અને માનસિક પ્રેશર હોય છે, જેના કારણે હૃદય પર દબાણ વધે છે. ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતી એનેસ્થેસિયા અને પેઇનકિલર્સ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને ઓક્સિજનના સ્તરને અસર કરી શકે છે.'
'જો દર્દીને પહેલાથી જ હૃદય સબંધિત કોઈ સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવી બીમારી હોય, તો જોખમ વધુ વધી જાય છે. કેટલીકવાર, બોડીબિલ્ડર્સ અથવા દરેક રીતે સ્વસ્થ વ્યક્તિઓને પણ હૃદયના સ્નાયુઓ પર વધારાનો બોજ પડે છે, ખાસ કરીને જો તેઓએ લાંબા સમયથી પૂરક દવા અથવા સ્ટેરોઇડ્સ લીધા હોય. આવા કિસ્સાઓમાં, તે હૃદય માટે શસ્ત્રક્રિયાનો સામનો કરવો મુશ્કેલ બનાવી શકે છે.'
'કોઈપણ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીનું સંપૂર્ણ કાર્ડિયાક નિરીક્ષણ જરૂરી છે. બ્લડ પ્રેશર, ઓક્સિજન સ્તર અને હૃદયના ધબકારામાં અચાનક થતા કોઈપણ ફેરફારોને તાત્કાલિક સંભાળી શકાય તે માટે શસ્ત્રક્રિયા દરમિયાન અને પછી દેખરેખ મહત્વપૂર્ણ છે.'
દિલ્હીની એપોલો હોસ્પિટલ્સ ખાતે હૃદય અને લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અને કાર્ડિયોથોરાસિક અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મુકેશ ગોયલે મીડિયા સૂત્રને જણાવ્યું, 'શસ્ત્રક્રિયા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ સામાન્ય રીતે ઓછું હોય છે, પરંતુ હૃદય સબંધિત કોઈ સમસ્યાઓ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન, સ્થૂળતા અથવા વૃદ્ધાવસ્થા જેવા અન્ય જોખમી પરિબળો ધરાવતા દર્દીઓમાં આ જોખમ વધી જાય છે. ક્લિનિકલી, સૌથી મહત્વપૂર્ણ પગલું શસ્ત્રક્રિયા પહેલાં નિરીક્ષણ છે. આમાં સામાન્ય રીતે ECG, ઇકોકાર્ડિયોગ્રામ, તણાવ પરીક્ષણ (જો જરૂરી હોય તો), અને દર્દીના ઇતિહાસની સમીક્ષાનો સમાવેશ થાય છે. જો કોઈ ચિંતાજનક સ્થિતિ જોવા મળે, તો શસ્ત્રક્રિયા બંધ કરવી અથવા મુલતવી રાખવી સહિત વધારાની સાવચેતીઓ લઈ શકાય છે.'
શસ્ત્રક્રિયાનો તણાવ: શસ્ત્રક્રિયા દરમિયાન શરીર તીવ્ર શારીરિક અને ભાવનાત્મક તાણમાંથી પસાર થતું હોય છે. આ એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સનું ઉત્પાદન વધારે છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, અને જો તે પહેલાથી જ નબળું હોય અથવા ધમનીઓ બ્લોક થઈ ગઈ હોય, તો આ વધારાનો તાણ હૃદયરોગનો હુમલો લાવી શકે છે.
એનેસ્થેસિયા અને દવાઓ: કેટલીક એનેસ્થેસિયા બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અથવા હૃદયના ધબકારાને અસર કરી શકે છે, હૃદયના સ્નાયુમાં રક્ત પ્રવાહ ઘટાડે છે, જે હૃદયરોગનો હુમલો લાવી શકે છે.
લોહીનું વધારે વહી જવું અને ઓક્સિજનનો અભાવ: શસ્ત્રક્રિયા દરમિયાન, વધુ પડતું લોહીનું નુકસાન અથવા ઓક્સિજનના સ્તરમાં ફેરફાર હૃદયને વધુ સખત કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે, જેના કારણે હૃદયના પેશીઓમાં ઓક્સિજનની કમી થવાથી હૃદયરોગનો હુમલો થવાનું જોખમ રહેલું છે.
લોહીનું ગંઠાઈ જવું: કેટલાક કિસ્સાઓમાં, શસ્ત્રક્રિયા રક્ત વાહિનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે, હૃદયમાં જતો લોહીનો પુરવઠો બંધ થઇ શકે છે, જે હૃદયરોગના હુમલાનું કારણ બને છે.
હાલના હૃદય રોગ: સંકોચાઈ ગયેલી ધમનીઓ (કોરોનરી ધમની રોગ) ધરાવતા લોકો વધુ જોખમમાં હોય છે, કારણ કે તેમના હૃદયને પહેલાથી જ ઓછો ઓક્સિજન મળતો હોય છે. અને આ પરિસ્થિતિમાં સર્જરી કરવામાં આવે તો જોખમ વધી શકે છે.
ઘણી સર્જરી સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ તેમાં પણ જોખમ તો રહેલું જ છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) અને અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) જેવી સંસ્થાઓ નિયમિતપણે માર્ગદર્શિકા બહાર પાડતા રહે છે, જેથી કરીને ડોકટરોને તે નક્કી કરવામાં મદદ મળે છે કે, વ્યક્તિ હૃદયની સર્જરી ઉપરાંત કોઈ બીજી શસ્ત્રક્રિયા માટે તૈયાર છે કે નહીં.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી કહે છે, 'મોટાભાગના દર્દીઓ જેમને શસ્ત્રક્રિયાની જરૂર હોય છે તેમનું પ્રાથમિક મૂલ્યાંકન નિષ્ણાત પાસે કરાવવું જોઈએ. જો તમારા ડૉક્ટરને કોઈ સમસ્યા લાગે છે અથવા હાલના હૃદય રોગ માટે વધેલા જોખમના પરિબળની ખબર પડે છે, તો તેમણે દર્દીને કોઈ હૃદય નિષ્ણાત પાસે મોકલવો જોઈએ. જો તમારા હૃદયને કોઈ જોખમ હોય, તો તમારા ડૉક્ટર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) કરવાનું કહેશે, જે હૃદયના વિદ્યુત તરંગો અને સંકેતોની જીણવટભરી તપાસ કરે છે.'
'જો તમને હૃદયની કોઈ જાણીતી સ્થિતિ, જેમ કે કોરોનરી ધમની રોગ (CAD), હૃદયના વાલ્વ રોગ, અથવા કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર, અથવા જો તમને એવા નવા લક્ષણોનો અનુભવ થાય કે જે હૃદય રોગનો સંકેત આપતું હોય, તો તમારા ડૉક્ટરે તમને આગળની વધારાની તપાસ માટે હૃદય નિષ્ણાત પાસે મોકલવા જોઈએ.'

