અફઝલ ગુરુ માનવ અધિકારનો હકદાર નથી

16 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વાર-તહેવારે રસ્તા પર ઊતરી પડીને ભીડ એકત્રિત કરવાની અને સરકાર વિરોધી હુરિયો બોલાવવાની આદત છે. કોંગ્રેસ સરકાર વખતે દિલ્હીમાં થયેલા અન્ના-કેજરીવાલના રાષ્ટ્રવ્યાપી આંદોલનો હોય કે આરુષી હત્યાકાંડ કે નિર્ભયા બળાત્કાર કાંડ વખતે દિલ્હીમાં થયેલા પ્રદર્શનો હોય કે પછી સમલૈંગિકોના અધિકારો માટેનું કોઇ આંદોલન હોય. એ બધામાં દેશમાંથી બીજુ કોઈ હાજર રહ્યું હોય કે નહીં રહ્યું હોય, પરંતુ ક્લાસરૂમ એક્ટિવિટી સિવાયની તમામ એક્ટિવિટીમાં અગ્રેસર રહેતી જેએનયુની નવરી ભીડ રસ્તા પર હોય હોય અને હોય જ. આ જ ભીડ પછી ઈન્ડિયા ગેટની સામે કે જંતરમંતર પર 'વી વોન્ટ જસ્ટીસ'ના નારા સાથે કાયદાની વિરુદ્ધ જઈ હિંસક કોલાહલ કરે અને દેશની રાજધાનીમાં ઢોરની ગમાણમાં જોવા મળે એવા દૃશ્યો ઊભા કરે. છતાં આજ સુધી એવો કોઇ દાખલો ધ્યાનમાં નથી આવ્યો કે, એ ભીડમાંની એકપણ વ્યક્તિની ધરપકડ કરીને એના પર દેશદ્રોહનો ખટલો ચલાવાયો હોય.

વાત આગળ ચલાવીએ એ પહેલા પ્રોટેસ્ટ, ધરણા કે આંદોલન વિશેની એક આડવાત! ઉપરના શબ્દો દ્વારા હું એ વાતને જરાય સમર્થન નથી આપતો કે, જે-તે સત્તા કે સરકારની સામે આંદોલનો કે વિરોધ પ્રદર્શનો કરવું અયોગ્ય છે. વિરોધ એ લોકતંત્રની સૌથી મોટી જરૂરિયાત છે અને સામાન્ય લોકોએ જ નહીં પરંતુ લેખકો-પત્રકારોએ પણ સત્તાપક્ષના ભક્તિમાર્ગે નીકળી ગયા વિના કે કોઈની પરવા કર્યા વિના સરકારની નીતિઓ કે એમના તંત્રમાં વાંધા-વચકા કાઢતા રહેવું જોઈએ કે તંત્રની સામે પ્રશ્નો ખડા કરતા રહેવું જોઈએ, જેથી બીજું કંઈ થાય કે નહીં થાય પરંતુ લોકતંત્રમાં પારદર્શિતા અને સમાનતા જરૂર જળવાઈ રહે.

જોકે આંદોલનો કે વિરોધ પ્રદર્શનો કરવાની પણ એક રીત હોય અને કોઈ પણ વિરોધની સૌથી મોટી માગ એ છે કે, આપણી પાસે વિરોધ કરવાના યોગ્ય કારણો હોવા જોઈએ અને આપણા વિરોધમાં વજૂદ હોવું જોઈએ. આપણી કઠણાઈ એ છે કે, મોટાભાગના વિરોધ પ્રદર્શનોમાં એકઠી થતી ભીડને વિરોધના મુદ્દા સાથે નથી તો કોઈ લેવાદેવા હોતી કે, ન તેઓ એ મુદ્દાને જાણતા-સમજતા હોય અને તોય બેગાની સાદીમાં સેંકડો નહીં પણ હજારો અબ્દુલ્લાઓ દિવાના થઈને નાચતા હોય છે. બાકી, ભારત દેશની ધરતી પર મોહનદાસ ગાંધી જેટલા વિરોધો અને આંદોલનો કરનારો બીજો કોઈ પાક્યો નથી અને એ મોહનદાસે તો અંગ્રેજો સામે બંડ પોકારેલું, પરંતુ મોહનદાસ જ્યારે આંદોલન કરતા ત્યારે તેઓ ન તો સરકારી સંપત્તિની તોડફોડ કરતા, કરાવતા કે ન કોઈના માટે એલફેલ શબ્દોનો ઉપયોગ કરતા!

પાછા મુદ્દા પર આવીએ. આપણે દેશદ્રોહના ખટલાની વાત કરતા હતા. અત્યાર સુધી અનેક તોડફોડ કરાયા છતાં જેએનયુના કોઈ વિદ્યાર્થીઓ પર દેશદ્રોહ તો શું કાયદાનો ભંગ કર્યા બદલના નાનામોટા આરોપો પણ લાગ્યા હોય એના કોઈ સમાચાર વાંચવા નથી મળ્યાં. પણ આ વખતે જેએનયુના એક વિદ્યાર્થી, નામે કનૈયા પર દેશદ્રોહનો કેસ દાખલ થયો છે અને આ બાબતે જેએનયુની બાકી ભીડ, યુનિવર્સિટીના અધ્યાપકો અને કોંગ્રેસ અને CPI(M) જેવા રાજકીય પક્ષો સરકાર સામે પ્રદર્શનો કરી રહ્યા છે અને ઈમરજન્સીના ઉદાહરણો આપી રહ્યા છે.

છોગામાં મીડિયાના કેમેરા સામે એ લોકો એવા ગાણા ગાઈ રહ્યા છે કે, દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જેવું કશું બચ્યું નથી! આવા લોકોએ માર્ક્સ-લેનીનના પુસ્તકોની સાથોસાથ ભારતનું બંધારણ વાંચવાની પણ તસદી લેવી જોઈએ. કારણ કે, જે બંધારણના વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તમે દુહાઈ દઈ રહ્યા છો એ ભારતના બંધારણમાં વાણી કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેની જે કલમો છે એમાં એવું ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે, 'જે ગદ્દારો ભારતનું ખાઈને ભારતની જ સરજમીન પર હિન્દુસ્તાન મુર્દાબાદના નારા લગાવતા કે ભારતના ટુકડા કરવાની વાત કરતા હોય એવા ગદ્દારોના સરઘસોનો અભિવ્યક્તિ કે વાણી સ્વાતંત્ર્ય તરીકે લેખી શકાય.'

આવા નમકહરામોને તો દેશદ્રોહી જ કહી શકાય. સરકાર જો એવાઓ સામે કડક પગલા લેતી હોય તો એમાં કશું ખોટું નથી, બલ્કે આ તો સમયસરનું પગલું કહી શકાય. કારણ કે, જે દેશદ્રોહીઓ દેશની રાજધાનીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી શકતા હોય તો, એ લોકો જો ખુલ્લેઆમ ફરતા રહે તો દેશમાં મોટું ન્યુસન્સ ક્રિએટ કરે અને આપણા દેશનો માહોલ બગાડે. એટલે જ માત્ર કનૈયાને જ નહીં , એ મિટિંગમાં જેટલા વિદ્યાર્થીઓ ભારત વિરોધી હુરિયો બોલાવતા હતા એ બધાની ધરપકડ કરો અને બધા પર એકસરખો મુકદમો ચલાવીને એમની શાન ઠેકાણે લાવો.

જેએનયુના ડાબેરી વિદ્યાર્થી સંઘો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, 'ભારત વિરોધી સૂત્રો અમે નહીં પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ બોલાવી રહ્યા હતા, પરંતુ સરકાર એમના પર કોઈ કાર્યવાહી નથી કરતી.' એમની વાતમાં તથ્ય હોઈ શકે છે અને આવા સમયે મહત્ત્વનું એ નથી હોતું કે, દેશ વિરોધી નારેબાજી કરતો ગદ્દાર કયા રાજકીય પક્ષનો છે કે, એ કયા વિદ્યાર્થી સંઘનો સભ્ય છે. મહત્ત્વની એક જ વાત બની જાય છે કે, પુખ્તવયની એ વ્યક્તિ દેશની ગદ્દાર છે અને એની વિરુધમાં સત્વરે કાર્યવાહી થવી જરૂરી છે. જો સરકાર એમાં ઉણી ઉતરી તો આ સરકાર પાસે નાગરિક તરીકે ભવિષ્યમાં બીજી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં.

હવે જેએનયુના ડાબેરી વિદ્યાર્થી સંઘ DSU એટલે કે, 'ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન' પર આવીએ. આ સંઘના વિદ્યાર્થીઓ માઓવાદી વિચારસરણીને અનુસરે છે અને આ વિદ્યાર્થીઓ જ અફઝલ ગુરુની ફાંસી પછી અનાથ થઈ ગયા હતા. માનવાધિકારમાં માનતા આ વિદ્યાર્થીઓને ભારતના લોકતંત્રનું મંદિર સમી સંસદ પર હુમલાનું આયોજન કરનારા અફઝલ ગુરુમાં ઈનસાનિયત દેખાઈ રહી હતી અને એમને અફઝલની માતા, પત્ની અને દીકરાના દુખની ચિંતા થઈ રહી છે. પરંતુ અફઝલની શોકસભામાં 'તુમ કીતને અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નીકલેગા'ના મરસિયા ગાનારા એ વિદ્યાર્થીઓને સંસદ હુમલામાં મૃત્યુ પામેલા આર્મીના જવાનો સહિતના ચૌદ સુરક્ષાકર્મીઓ, જેઓ પણ ભારતીય હતા એમની ચિંતા નહીં થઈ. જો અફઝલને તેઓ શહીદ ગણતા હોય તો અફઝલના આયોજન હેઠળના હુમલામાં જે ગરીબ અને નિર્દોષ જવાનોનું લોહી રેડાયું છે એમના મોતને તેઓ શું ગણે છે?

ચાલો એમ માની લઈએ કે, DSUના વિદ્યાર્થીઓએ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કર્યા અને એમની મિટિંગમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા હતા એ અન્ય કોઈ વિદ્યાર્થી સંઘના વિદ્યાર્થીઓએ ઉચ્ચાર્યા છે. પરંતુ સમગ્ર કિસ્સામાં જો દેશ વિરોધી નારા નહીં બોલાવાયા હોત તો પણ DSUની એ મિટિંગ દેશદ્રોહી પ્રવૃત્તિ કહી જ શકાય હોત. કારણ કે, આ દેશની સર્વોચ્ચ ન્યાય સંસ્થા, જેમાં દેશના એક એક નાગરિકને ભગવાનમાં હોય એટલી જ શ્રદ્ધા છે અને જે સુપ્રિમકોર્ટના ચૂકાદાને ભારતના નાગરિકો હંમેશાં ગ્રાહ્ય રાખે છે એ સુપ્રિમ કોર્ટના ચુકાદાની એ વિદ્યાર્થીઓએ અવહેલના કરી છે. અધૂરામાં પૂરું દેશની ન્યાય વ્યવસ્થા પર જાણે હલકી કક્ષાની કોમેન્ટ કરતા હોય એમ તેઓ અફઝલ અને મકબૂલ ભટની ફાંસીને જ્યુડિસિયલ કિલિંગ કહી રહ્યા છે. કેટલાક શૂરાઓ વળી, એમ કહી રહ્યા છે કે, ભારતના ન્યાયતંત્રમાં સમાનતાનો અભાવ છે, જેના કારણે જ મોટાભાગે મુસ્લિમોને ગંભીર સજા ફટકારવામાં આવે છે.

પરંતુ આવા નાદાનો એ વાત હંમેશાં ભૂલી જાય છે કે, આ જ દેશમાં આસારામ જેવા હિન્દુ ધર્મના બાવાઓ પણ બે-અઢી વર્ષથી જેલમાં સબડી રહ્યા છે, જેમને નામદાર કોર્ટે હજુ સુધી જમાનત સુદ્ધાં આપી નથી. અને ભાઈ, રહી વાત હિન્દુ-મુસ્લિમની તો કોર્ટ ક્યારેય વ્યક્તિનો ધર્મ કે જાત નથી જોતી. કોર્ટ હંમેશાં વ્યક્તિના ગુના મુજબ એને સજા ફટકારે છે, પણ મોટાભાગની ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે લાદેન, અફઝલ, કસાબ, યાકુબ, હાફિઝ કે બગદાદી જેવા નામો જ સંકળાયેલા હોય તો કોર્ટ પણ શું કરે? ન્યાયતંત્રએ તો એનું કામ કરવાનું જ હોય ને? તમે આતંકવાદીના ન્યાય અને અધિકાર માટે લડો તો કોર્ટ સામાન્ય માણસના ન્યાય અને અધિકાર માટે નક્કર કામ નહીં કરી શકે?

સંસદ પર હુમલો કરીને અફઝલ ગુરુએ ભારતના લોકતંત્ર પર હુમલો કર્યો હતો, તો હવે અફઝલની ફાંસીને જ્યુડિસિયલ કિલિંગ કહીને અફઝલનું સમર્થન કરી રહેલા લોકો અને રાજકીય પક્ષો આપણા દેશના ન્યાયતંત્રનું હળાહળ અપમાન કરી રહ્યા છે. ન્યાયતંત્રનું અપમાન એટલે ભારતના બંધારણનું અપમાન અને બંધારણનું અપમાન એટલે ભારતના એક એક જણનું અપમાન. દેશના આમ આદમી અને ન્યાયતંત્રમાંની એમની શ્રદ્ધાનું આવું અપમાન કનારાઓને સાંખી શકાય નહીં. હ્યુમનરાઈટ્સના નામે આતંકવાદીઓને છાવરતા આવા લોકોના કૃત્યોને કોઈ પણ કાળે ચલાવી શકાય નહીં. અને આવા તત્ત્વોને સત્વરે ડામવા જ રહ્યા નહીંતર, કાલ ઊઠીને આ જ લોકો અભિવ્યક્તિ સ્વતંત્રતાના નામે આતંકવાદી અજમલ કસાબની વર્ષી પણ ઉજવવાની હિંમત કરશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.