અજાતશત્રુ અટલ (4) - અંધેરા છટેગા, કમલ ખીલેગા...

29 Nov, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: rediff.com

વર્ષ 1977માં ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસના વિરોધી પક્ષોના શંભુમેળા સમાન જનતા પક્ષની સરકાર રચાયેલી અને મોરારજી દેસાઈને દેશના વડાપ્રધાન બનાવાયેલા. જયપ્રકાશ નારાયણે જનતા પક્ષના નેજા હેઠળ અનેક પક્ષોને ભેગા કરેલા અને દેશના હિત માટે એક રહી સુચારુ રૂપે સરકાર ચલાવવાના શપથ પણ લેવડાવેલા પરંતુ એક યા અન્ય કારણોસર તેમજ અહમોના ટકરાવને કારણે જનતા પક્ષની સરકાર શરૂઆતથી જ ડગુમગુ ચાલતી. સરકારની શરૂઆતથી મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંઘ વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. ત્યાં જુદાજુદા પક્ષોના નેતાઓ દ્વારા મોરારજી દેસાઈ સરકારની વિવિધ પોલિસીઓ પર વિરોધો થવાના શરૂ થયા. ખુદ ગૃહમંત્રી ચૌધરી ચરણસિંઘ વડાપ્રધાન દેસાઈના કેટલાક નિર્ણયો સાથે સહમત ન હતા. ઈનશોર્ટ દોઢેક વર્ષના ગાળામાં મોરારજી દેસાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું અને ચૌધરી ચરણસિંઘે કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવીને વડાપ્રધાન તરીકેના શપથ લીધા. જો કે છ મહિનાના ગાળામાં કોંગ્રેસે ફરીથી ચરણસિંઘની સરકારનો ટેકો ખેંચી લીધો અને ફરી જનતા પક્ષ સરકાર ડગુમગુ થઈ રહી. આ બધી રામાયણમાં બાબુ જગજીવન રામને પણ વડાપ્રધાન થવાના ઓરતા થયેલા અને એમણે દક્ષિણ ભારતના પક્ષોનો ટેકો લઈને રાષ્ટ્રપતિ પાસે જવાનું વિચારેલું. પરંતુ રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડીએ લોકસભાનો ભંગ કર્યો અને સામાન્ય ચૂંટણીઓ યોજી.

1980માં જ્યારે ફરી ચૂંટણીઓ થઈ ત્યારે લોકોનો જનતા પક્ષ પરનો વિશ્વાસ ઊઠી ગયો અને કટોકટી વખતની યાતનાઓ ભૂલીને જનતાએ ફરીથી કોંગ્રેસના હાથમાં દેશનું સુકાન સોંપ્યું. અરે, આ ચૂંટણીમાં ખૂદ અટલ બિહારી વાજપેયી પોતે પણ માત્ર પાંચ હજાર વૉટની સરસાઈથી જેમ-તેમ જીતેલા. નવી દિલ્હી બેઠક પર એમની સામે લો-પ્રોફાઈલ ઉમેદવાર સી.એમ. સ્ટીફનને ઊભા કરાયેલા. જેમણે 89,000 વૉટ પોતાને નામે કરેલા અને અટલજીને 94,000 મત મળેલા. વળી, જનસંઘનું પણ એ ચૂંટણીમાં સારું એવું ધોવાણ થયેલું. કારણ કે, એમના 31 ઉમેદવારોમાંથી માત્ર 17 ઉમેદવારો જ લોકસભા સુધી પહોંચી શકેલા. આ બાબત અત્યંત સ્પષ્ટ ઈશારો કરતી હતી કે, દેશના લોકો જનતા પક્ષથી ઘણાં કંટાળેલા હતા.

ચૂંટણીઓમાં હાર મળી પછી તો જનતા પાર્ટીના આંતરીક વિખવાદો આસમાને પહોંચ્યા અને આગલી સરકારની નિષ્ફળતા અને સામાન્ય ચૂંટણીમાં જનતા પક્ષને મળેલી કરારી હાર બાબતે બધા પક્ષના નેતાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહ્યા. આ બધામાં બાબુ જગજીવન રામ સહિત અનેક નેતાઓ એવું માનતા રહ્યા કે સામાન્ય ચૂંટણીમાં જનતા પક્ષની હારની પાછળ જનસંઘનો મોટો ફાળો છે. કારણ કે જનસંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલું હતું અને આરએસએસની છાપ હિન્દુવાદી સંગઠન તરીકેની હતી. જો કે આ બાબતે અટલ બિહારી વાજપેયી અને અડવાણી ભયંકર ઘુંઘવાયેલા અને બાબુ જગજીવન રામ સામે એમણે કડક શબ્દોમાં વિરોધ નોંધાવેલો.

જનતા પક્ષની સરકાર પડુંપડું થતી હતી ત્યારથી જ જનસંઘના નેતાઓ સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું હતું. મજાની વાત તો એ હતી કે જનતા પક્ષની શંભુમેળા સરકારમાં જનસંઘની સૌથી વધુ બેઠકો હતી. પરંતુ જનતા પક્ષના અનેક નેતાઓ એવી માગણી કરી રહ્યા હતા કે જનસંઘ આરએસએસ સાથેના એમના સંબંધો પર પૂર્ણવિરામ લાવે. આ માટે પક્ષમાં દ્વિસદસ્યતાનો મુદ્દો ઉઠાવાયો અને અનેક નેતાઓ જનસંઘ પર એવું દબાણ લાવી રહ્યા હતા કે આ પક્ષમાં દ્વિસદસ્યતા ધરાવતા નેતાઓને સાંખી શકાય નહીં. આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે વર્ષ 1980માં જનતા પાર્ટી એક રાષ્ટ્રીય કાર્યકારિણીની પણ બેઠક થયેલી. જો કે અટલ બિહારી વાજપેયી અને અડવાણી એ બાબતે બહુ સ્પષ્ટ હતા કે એમણે કોઈપણ ભોગે આરએસએસ સાથેનો એમનો નાતો તોડવો નથી.

જો જનસંઘ આરએસએસ સાથેનો એનો નાતો નહીં તોડે તો એ વાત અત્યંત સ્પષ્ટ હતી કે, જનસંઘે શંભુમેળામાંથી બહાર થવું પડે. આખરે થયું પણ એવું જ અને લોકોના આશ્ચર્ય વચ્ચે જનસંઘે જનતા પક્ષ સાથેનો છેડો ફાડ્યો. એ સમયે અનેક રાજકીય પંડિતો એવું માનતા હતા કે, અટલ બિહારી વાજપેયી કોઈપણ ભોગે જનતા પક્ષ સાથેનો એમનો નાતો નહીં તોડે. એનું એક કારણ એ પણ હતું કે, જનતા પક્ષની સરકાર વખતે એવું કહેવાતું કે, વાજપેયી હવે સંઘથી દૂર થઈ રહ્યા છે. અને અખબારોમાં સંઘ અને વાજપેયીની દૂરીના અનેક અહેવાલો પણ પ્રકાશિત થતા રહેતા. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે વાજપેયીએ સંઘ સાથે રહેવાનું નક્કી કરેલું.

વાજપેયીના આ નિર્ણય બાદ 5 અને 6 એપ્રિલ 1980ના રોજ જનસંઘના નેતાઓ વાજપેયીજીના નેતૃત્વમાં દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં ભેગા થયેલા અને એમણે એક નવા રાજકીય પક્ષની રચના કરી. જો કે પક્ષનું નામ શું રાખવું એ બાબતે જનસંઘના નેતાઓએ ઘણી ચર્ચા વિચારણા કરી હતી. અનેક નેતાઓ એવું કહી રહ્યા હતા કે પક્ષનું નામ ફરી જનસંઘ જ રાખીએ. એ સમયના કદાવર નેતા વિજયારાજે સિંધિયાનું પણ એવું માનવું હતું કે નવો પક્ષ પણ જનસંઘ તરીકે જ ઓળખાય. જો કે વાજપેયીજીનું માનવું એમ હતું કે નવો પક્ષ પોતાની નવી ઈમેજ સાથે ઊભરી આવે. વાજપેયીજી અને અડવાણી બંનેને જનતા પક્ષની વિચારધારામાં શ્રદ્ધા હતી. આ ઉપરાંત તેઓ જયપ્રકાશ નારાયણની વિચારધારા અને ગાંધીજીના સમાજવાદને પણ નવા પક્ષની વિચારધારામાં સામેલ કરવાનું વિચારતા હતા. એટલે અટલ બિહારી વાજપેયીએ જનસંઘની બેઠકમાં એમ પ્રસ્તાવ મૂક્યો કે, નવા પક્ષનું મોડેલ જનતા પક્ષ જેવું જ હોવું જોઈએ. અને એ નવો પક્ષ ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાવો જોઈએ.

આમ આ રીતે ભારતીય જનતા પક્ષની રચના થઈ એ નવનિર્મિત પક્ષનું પહેલું અધિવેશ મુંબઈમાં ભરાયું, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી હજારો લોકો મુંબઈ પહોંચેલા. કહેવાય છે કે, ભારતીય જનતા પાર્ટીના પહેલા અધિવેશનમાં પચાસ હજારથી પણ વધુ કાર્યકેરોએ ભાગ લીધેલો અને એ બધાને રહેવા માટે મુંબઈમાં વિશેષરૂપે ટેન્ટ્સથી એક નગર તૈયાર કરાયેલું, જેને 'સમતા નગર' નામ અપાયેલું. 'હાર નહીં માનૂંગા' પુસ્તકમાં જણાવાયેલા આંકડા મુજબ ભાજપની રચના થઈ પછી દેશભરમાંથી પચીસ લાખ લોકો એના સભ્ય બનેલા, જ્યારે 'જનસંઘ'માં માત્ર સોળેક લાખ જેટલા જ સભ્યો હતા!

વાજપેયીના હાથે પક્ષનો પાયો નંખાયો હોય એટલે દિલ્હીની બેઠક બાદ જ એ નક્કી હતું કે, વાજપેયીજીને ભાજપના પહેલા પ્રમુખ બનાવાશે. પરંતુ મુંબઈના અધિવેશનમાં વાજપેયીજીને સત્તાવાર રીતે પ્રમુખ બનાવાયા અને પ્રમુખપદેથી એમણે જે ભાષણ કરેલું એ અત્યંત પ્રભાવક અને અનન્ય હતું, જેના કેટલાક અંશો આપણે અહીં જોઈએ.

'બીજેપી કા અધ્યક્ષ પદ અલંકાર કા વિષય નહીં હૈ. યદ પદ નહીં, દાયિત્વ હૈ. પ્રતિષ્ઠા નહીં, પરીક્ષા હૈ. યે સન્માન નહીં, યે ચુનૌતી હૈ. પર મુઝે ભરોસા હૈ કી, આપ સબ કે સહયોગ સે, દેશ કી જનતા કે સમર્થન સે મૈં ઈસ જિમ્મેદારી કો ઠીક સે નિભાઉગા....'

'ભારતીય જનતા પાર્ટી જયપ્રકાશ કે સપનો કો પૂરા કરને કે લીએ બની હૈ. જનતા પાર્ટી તૂટ ગઈ, પર હમ જયપ્રકાશ કે સપનો કો તૂટને નહીં દેંગે. જયપ્રકાશ કીસી વ્યક્તિ કા નામ નહીં હૈ. જયપ્રકાશ કુછ આદર્શો કા નામ હૈ... કુછ મૂલ્યો કા નામ હૈ... જયપ્રકાશજી કા પૂરા જીવન, ઉન કી સાધના, ઉનકા સંઘર્ષ ઔર કુછ મૂલ્યો કે સાથે ઉન કી પ્રતિબદ્ધતા, હમારી વિરાસત કા અંગ હૈ...'

'હમ રાજનીતિ કો કુછ મૂલ્યો પર આધારિત કરના ચાહતે હૈ... રાજનીતિ કેવલ ખુરશી કા ખેલ નહીં રહેના ચાહીએ...'

'ભારતીય જનતા પાર્ટી મેં ગાંધીવાદી સમાજવાદ કો લેકર કોઈ મતભેદ નહીં. પર હમારી લોકતંત્રાત્મક પાર્ટી હૈ, હમ આંખ મુંદ કર કોઈ બાત સ્વીકાર નહીં કરતે. હમ બહેસ કરતે હૈ, અપના મત દૃઢતા સે પ્રકટ કરતે હૈ ઔર જો બહુમત કા ફૈસલા હોતા હૈ ઉસકા સ્વીકાર કરતે હૈ... હમને ગાંધીવાદી સમાજવાદ કો એક નિષ્ઠા કે રૂપ મેં સ્વીકાર કીયા હૈ, ઔર ઈસકે આધાર પર હમ ભાવિ ભારત કા નિર્માણ કરના ચાહતે હૈ. હમને સંપ્રદાય નિરપેક્ષતા કો ભી સ્વીકાર કિયા હૈ.'

'હમ એક હાથ મેં ભારત કા બંધારણ ઔર દુસરે મેં સમતા કા નિશાન લે કે કુદેગેં. હમ છત્રપતિ શિવાજી મહારાજ કે જીવન ઔર સંઘર્ષ સે પ્રેરણા લેંગે. સામાજિક સમતા કા બ્યૂગલ બજાને વાલે મહાત્મા ફૂલે હમારે પથપ્રદર્શક હોંગે.. ભારત કે પશ્ચિમી ઘાટ કો મંડિત કરને વાલે મહાસાગર કે કિનારે ખડે હો કર મૈં યે ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હું,

'અંધેરા છટેગા, સૂરજ નીકલેગા, કમલ ખીલેગા...' અને પછી ભારતીય જનતા પક્ષની રાજકીય સફર શરૂ થઈ, જ્યાં અનેક વખત આ પક્ષે વિપક્ષમાં બેસવું પડ્યું તો ક્યારેક સત્તામાં આવીને થોડા જ દિવસોમાં સત્તવિમુખ પણ થવું પડ્યું. 1999ની ચૂંટણી બાદ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી સતત પાંચ વર્ષ સુધી શાસન કરવામાં સફળ રહી અને ફરી સત્તાવિમુખ થઈને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જંગી બહુમતિએ સત્તામાં આવી. જોકે વાજપેયીજીએ જે મૂલ્યો સાથે બીજેપીનો પાયો નાંખેલો એ મૂલ્યો હજુ સુધી જળવાયેલા છે કે એમાં ધોવાણ થયું છે અથવા નવા નેતાઓ વાજપેયીજીના સપનાંને હજુ આગળ ધપાવી ગયા છે એ એક અલગ લેખનો વિષય છે.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.