સરળ સૌમ્ય અને કુશળ વાજયેપી

20 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: intoday.in

અજાતશત્રુ અટલનો આ છેલ્લો લેખ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં બધાય મિત્રો ‘ડિજિટલી યોર્સ’ની વાત કરતા હતા ત્યારે થોડાંક લોકો એવા પણ મળ્યા, જેમણે ‘અજાતશત્રુ અટલ’ વિશેની વાતો કરી. આ સિરીઝ માટે જે ત્રણ પુસ્તકોનો રેફ્રન્સ તરીકે ઉપયોગ કરાયો છે એ પુસ્તકો વિશે પણ એ દોસ્તોને જણાવ્યું, જેથી તેઓ એ ત્રણ પુસ્તકો મેળવીને વાજપેયીજી વિશે અહીં નહીં આવરી શકાયેલી ઘણી બધી રસપ્રદ વાતોને માણી શકે. આગલા લેખમાં આપણે એક વાત અધૂરી રાખેલી. બીજી વખત વાજપેયી સરકાર બનેલી ત્યારે હમણા ભાજપના સ્વનિયુક્ત હનુમાન બની ગયા છે એ સુબ્રહ્મણિયન સ્વામીએ સ્વ. જયલલિતાને ઉશ્કેરેલા અને સરકારમાંથી ટેકો ખેંચાવી લઈ માત્ર એક મતના અભાવે તેર મહિનાથી ચાલતી વાજપેયી સરકારને હતી ન હતી કરી નાંખેલી. અને પછી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવાના ઓરતા જાગેલા, પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને અન્ય રાજકીય પક્ષોએ કરેલા ઉહાપોહને કારણે એ સમયે સોનિયા ગાંધીનું વડાપ્રધાન બનવાનું સપનું રગદોળાઈ ગયેલું.

માત્ર તેર મહિનાના ગાળામાં વાજયેયી સરકારે કારગીલ યુદ્ધમાં પ્રશંસનિય કાર્ય કરેલું અને પરમાણુ પરિક્ષણ કરીને દેશની સુરક્ષા બાબતે એક નક્કર પગલું લીધેલું એટલે લોકોમાં વાજપેયીજી અને એમની સરકાર બાબતે સારી છાપ પડેલી, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદમાં ગયા હોવા છતાં, જે રાજકારણ સંખ્યાબળ અને જોડતોડ પર આધાર રાખતું હોય એ રાજકારણમાં બહુમત ન ધરાવતી હોય એવી સરકારો માટે ટકી રહેવું અત્યંત મુશ્કેલ થઈ પડે છે.

ખૈર, બીજી વખત વાજપેયીની સરકાર તૂટી પડી પછી સોનિયા ગાંધી અને જયલલિતા ઉપરાંત ત્યારના કોંગી નેતા શરદ પવારને પણ ઈચ્છા હતી કે, ક્યાંક દેવેગૌડાની જેમ એમનો પણ મેળ પડી જાય અને તેઓ વડાપ્રધાન બની જાય! સરકાર ગઈ એટલે સ્વાભાવિક રીતે જ કોઈ એક પક્ષે એમની બહુમતી લઈને રાષ્ટ્રપતિ પાસે જવાનું હોય અથવા રાષ્ટ્રપતિએ કોઈ એક પક્ષને આમંત્રણ આપવાનું હોય અને એ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ.

તત્કાલિન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણે આ માટે એક આદેશ પાઠવીને એક તારીખ પણ નક્કી કરી કે, જે પક્ષે સરકાર બનાવવી હોય એ આ તારીખ સુધીમાં એમને મળવા આવે. ભાજપ બાદ કોંગ્રેસ પાસે સૌથી વધુ સાંસદો હતા અને પહેલાથી ભાજપની વિરુદ્ધ રહેવાનું વલણ ધરાવતા ડાબેરીઓ કોંગ્રેસને ટેકો આપવા તૈયાર હતા. અધૂરામાં ચારા ગોટાળામાં ભેરવાયેલા લાલુપ્રસાદ યાદવે પણ સો કોલ્ડ સેક્યુલરિઝમને નામે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. જોકે લાલુ યાદવનો આશય ચારા ગોટાળામાં બચવાનો હતો! એટલે સોનિયા ગાંધી નિયત કરાયેલી તારીખે રાષ્ટ્રપતિને મળવા ગયા અને એમની પાસે બે દિવસનો વધારાનો સમય માગ્યો. સાથે જ એમને ધરપત આપી કે, બે દિવસમાં તેઓ બહુમતી મેળવીને સરકાર બનાવશે!

સોનિયા ગાંધી ત્યારે નવાસવા જ રાજકારણમાં આવેલા એટલે એમને રાજકીય દાવપેચ વિશેની જાણકારી નહીં હોય એટલે રાષ્ટ્રપતિ પાસે બે વધારાના દિવસો તો માગી આવ્યા, પરંતુ રાષ્ટ્રપતિ ભવનની બહાર કેટલા વીસે સો થાય છે એની એમને ઝાઝી ખબર નહોતી. સોનિયા ગાંધી રાષ્ટ્રપતિને મળવા ગયા ત્યારથી જ દેશનું રાજકારણ અને પત્રકારત્વ ખૂબ તંગ થઈ ગયું અને દરેક જગ્યાએ એમનો વિદેશીમૂળનો પ્રશ્ન ચર્ચાવા લાગ્યો. રાજકારણ ઉપરાંત અનેક ક્ષેત્રના લોકો આ બાબતે ચર્ચા કરવા માંડ્યા કે, ભારતના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનવાનો અધિકાર માત્ર ભારતમાં જન્મેલી વ્યક્તિનો જ હોવો જોઈએ. કોંગ્રેસમાં શરદ પવાર અને પી.એ સંગમા પણ આ વિરોધમાં મોખરે હતા, શરદ પવારે તો આ મુદ્દે કોંગ્રેસથી છૂટા પડીને એનસીપીની સ્થાપના કરી અને દરેક વખતે કોંગ્રેસને ખોળે જ માથું મૂકીને તેઓ સત્તાની આસપાસ રહ્યા.

ભાજપે પણ આ મુદ્દાને લઈને ઠીકઠીક ઉહાપોહ મચાવ્યો. અડવાણી હોય એટલે આવા કે રામમંદિર કે હિન્દુત્વ જેવા મુદ્દા અમસ્તાય ખૂબ ચગે! રાષ્ટ્રવાદને નામે અમુક મુદ્દા ચગાવીને ઉહાપોહ મચાવવાની અડવાણી પાસે હથોટી હતી! પણ વાજપેયી આ આખી રમતથી દૂર રહ્યા. સોનિયાના વિદેશીમૂળના મુદ્દે એમણે એક પણ ટિકાટિપ્પણી નહીં કરી અને વેગળે બેસીને આખો ખેલ જોતા રહ્યા. બીજી તરફ સોનિયા ગાંધી રાહ જોઈ રહ્યા હતા કે, ડાબેરીઓ અને લાલુપ્રસાદ યાદવ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ પણ એમની પાસે આવે. એમાંય એમને મુલાયમસિંઘ યાદવ પાસે ઘણી અપેક્ષા હતી કે, ઉત્તરપ્રદેશનો મોટો પક્ષ એમને ટેકો આપશે, પણ એમાનું કશું નહીં થયું.

બલકે, મુલાયમે તો એ દિવસે અડધી રાત્રે જ્યોર્જ ફર્નાન્ડિસ અને અડવાણી સાથે મિટિંગ કરીને એ વાત સ્પષ્ટ કરી દીધી કે, સમાજવાદી પક્ષનો એક પણ સાંસદ સોનિયા ગાંધીને ટેકો નહીં આપે. જોકે આ સાથે મુલાયમે એક બીજી શરત પણ મૂકી કે, જો અડવાણી અને વાજપેયી ભાજપ વતી ફરી સરકાર બનાવવાની તજવીજ કરશે તો હું એવી જાહેરાત નહીં કરું કે, હું કોંગ્રેસને ટેકો નહીં આપું! આવી શરત મૂકવા પાછળનું કારણ એટલું જ કે, મુલાયમ સિંઘ ફરી સામાન્ય ચૂંટણી ઈચ્છતા હતા. જોકે આવું કરીને તેઓ ઈનડિરેક્ટલી ભાજપના હિતની જ વાત કરી રહ્યા હતા. કારણ કે, આગળ કહ્યું એમ કારગીલ યુદ્ધ અને અણું પરિક્ષણને કારણે જનસમાન્યમાં વાજપેયી સરકારની સારી છાપ પડી હતી, જેનો લાભ ભાજપને જ થવાનો હતો.

મુલાયમ સિંઘે સોનિયા ગાંધીને ટેકો આપવાની ના પાડી એટલે સોનિયા ગાંધી બહુમતીથી ઘણા દૂર થઈ ગયા, જેને પગલે એમણે જાહેરાત કરવી પડી કે, કોંગ્રેસ પાસે યોગ્ય બહુમત નથી એટલે સોનિયા ગાંધી સરકાર બનાવી શકે એમ નથી. બીજી તરફ રાષ્ટ્રપતિએ જોયું કે, કોઈ પણ પક્ષ પાસે યોગ્ય સંખ્યા નથી એટલે જો જોડતોડવાળી ડામાડોળ સરકારનું જ ગઠન થવાનું હોય તો એના કરતા ફરી ચૂંટણી થાય એ જ સારું છે, જેથી એમણે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી દીધી અને તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારી દેવી પડી.

આખરે 1999મા લોકસભાની સામાન્ય ચૂંટણીઓ થઈ અને ભાજપના નેતૃત્વવાળી એનડીએને કુલ 306 સીટો મળી, જેમાં 182 સીટો ભાજપે અંકે કરેલી. કોંગ્રેસની ખરાબ છાપને કારણે અને એમાં ચાલતા આંતરવિગ્રહને કારણે કોંગ્રેસ પક્ષ માત્ર 114 પર સમેટાઈ ગયો અને બારમી લોકસભા એટલે કે આગલી લોકસભા કરતા એને કુલ 26 સીટોનો ફટકો પડ્યો.

‘હાર નહીં માનૂંગા’ પુસ્તકમાં જે રીતે ઉલ્લેખ થયો છે એમ તેરના આંકડાને દુનિયા ભલે ખરાબ આંકડો કહેતી હોય, પરંતુ વાજપેયીજી માટે આ આંકડો શુભ હતો એટલે જ એમણે તેરમી લોકસભામાં જીત મેળવીને તેરમી ઑક્ટોબર 1999ના રોજ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા, જે સરકાર દેશની પહેલી એવી બિનકોંગ્રેસી સરકાર હતી, જેણે પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હોય. એ પાંચ વર્ષની સરકારે શું મેળવ્યું કે કયા વાયદા પર એમણે કામ ન કર્યું એ વિશેના લેખાજોખા અહીં અસ્થાને છે. આપણે તો વાજપેયીજી વિશે વાતો કરવી હતી, જે સાત લેખની આ શ્રેણીમાં કરી, જે વાતો સાથે દેશના રાજકારણની કેટલીક વાતોમાંથી પણ પસાર થવાનું બન્યું.

દેશનું રાજકારણ આટલી હદે ડહોળાયેલું હોય ત્યારે વાજપેયીજી જેવું વ્યક્તિત્વ એ બધામાં વિરલ કહેવાય. વિરલ એટલે કારણ કે, એક તરફ જ્યારે સારા લોકોએ જાહેરમાં બોલવાનું બંધ કરી દીધું છે વિકટ પરિસ્થિતિઓ સામે આંખ આડા કાન કરી પલાયનવાદ અપનાવ્યો છે ત્યારે વાજપેયીજીએ બધી વિકટ પરિસ્થિતિઓ, દાવપેંચ અને પડકારોની વચ્ચે રહીને ઝિંક ઝીલી અને પોતાના લક્ષ્યો સર કરતા રહ્યા. વાજપેયીજીને વંદન.

(સમાપ્ત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.