અજાતશત્રુ અટલ (6) - તેર મહિનાના વડાપ્રધાન

13 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: opindia.com

ટલ બિહારી વાજયેયીના જીવન પરની સિરીઝ 'અજાતશત્રુ અટલ'નો છઠ્ઠો અને છેલ્લેથી બીજો લેખ. આવતા મંગળવારે સિરીઝનો છેલ્લે લેખ હશે અને પછી 25મી ડિસેમ્બરે આપણે સૌ ભેગામળીને વાજપેયીજીનો 92મો જન્મ દિવસ ઉજવીશું. વાજયેપીજી ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યાં, જેમાં માત્ર એક વખત એમને પાંચ વર્ષની ટર્મ પૂરી કરવાની તક મળી. પહેલા એક વાર એમને મોરારજી દેસાઈની 'જનતા પક્ષ' સરકારમાં પણ વિદેશમંત્રી બનવાની તક મળેલી, પરંતુ  કમનસીબે મોરારજી દેસાઈ સરકાર પણ તૂટી પડેલી. પોતાની દીર્ધ રાજકીય કારકિર્દીમાં મોટાભાગે વાજપેયીજીને પક્ષે વિપક્ષમાં બેસવાનું વધુ આવ્યું, પરંતુ વિપક્ષમાં બેસવા છતાં તેઓ દેશમાં લોકપ્રિય અને સર્વસ્વીકૃત નેતાઓની યાદીમાં અગ્રક્રમે રહ્યા અને રહેશે.

 

આજની શરૂઆત વાજપેયીજી બીજી વખત વડાપ્રધાન બન્યા સમયની થોડીઘણી વાતોથી કરીએ. વાજપેયીજીની સરકાર બીજી વખત તૂટી પડી પાછળ હજુ સપ્તાહ પહેલા અવસાન પામેલા તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા જવાબદાર હતા. અને ષડયંત્ર કરવા માટે જયલલિતાને ઉશ્કેરનારા હતા ચલક ચલાણી કયે ઘેર ધાણીવાળા સુબ્રહ્મણિયન સ્વામી, જેમને જે-તે સમયે જયલલિતા સાથે ઘણો ઘરોબો હતો!

વર્ષ 1996મા લોકસભામાં સૌથી વધુ સીટ ધરાવતી વાજપેયી સરકાર સંસદમાં બહુમતી નહીં મેળવી શકી અને તેર દિવસમાં સરકાર તૂટી પડી. ત્યાર બાદ બહારથી કોંગ્રેસના ટેકા દ્વારા દેવેગૌડાને વડાપ્રધાન બનાવાયા, પરંતુ  કોંગ્રેસે અવળચંડાઈ કરીને ટેકો ખેંચી લીધો એટલે દેવેગૌડા પણ એક વર્ષ પૂરું કરે પહેલા ઘરભેગા થયા. દૈવેગૌડા સરકાર તૂટી પડ્યા બાદ ફરી સંયુક્ત મોર્ચાએ કમાન હાથમાં લીધી અને ઈન્દ્રકુમાર ગુજરાલને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરાયું. દેવેગૌડા ગયા પછી ફરી વખત બંગાળના મુખ્યમંત્રી અને ડાબેરી નેતા જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરાયેલું, પરંતુ બંગાળ અને દક્ષિણ ભારતના  ડાબેરીઓને વિનાશકાળે વિપરિત બુદ્ધિ સૂઝેલી અને ખૂદ ડાબેરી પક્ષોએ જ્યોતિ બસુના નામે નન્નૈયો ભણેલોએટલે આઈ. કે. ગુજરાલને વડાપ્રાધાન બનાવાયા અને જે કોંગ્રેસે સંયુક્ત મોર્ચાની દેવેગૌડા સરકારને તોડી પાડેલી કોંગ્રેસે ફરી સંયુક્ત મોર્ચાને સરકાર બનાવવામાં મદદ કરી.

વર્ષ 1996ની ચૂંટણી વખતે અગિયારમી લોકસભા હતી. અને રાજકીય કાવાદાવાને કારણે એ લોકસભામાં ત્રણ વખત વડાપ્રધાન બદલાયા. આ પહેલા ત્રીજી લોકસભા વખતે ચાર વડાપ્રધાનોએ વારફરતી સરકાર ચલાવેલી, જોકે ત્યારે બે વડાપ્રધાનોના અવસાન થયેલા. પહેલા જવાહરલાલ નહેરુનું અવસાન થતાં ગુલઝારી લાલ નંદાને તેર દિવસ માટે કાર્યકારી પ્રધાનમંત્રી બનાવાયેલા. ત્યાર બાદ લાલબહાદૂર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવાયા, પરંતુ શાસ્ત્રી પણ ચાલું કાર્યકાળે અવસાન પામ્યા એટલે ફરીથી ગુલઝારીલાલ નંદાને તેર દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન બનાવાયા અને પછી ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવાયેલા.

જોકે ત્રીજી અને અગિયારમી લોકસભા વચ્ચે ભારતના રાજકારણે કરવટ બદલીને એની દશા અને દિશા બદલેલી. અગિયારમી લોકસભા સુધીમાં આવેલી સરકારો અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચારોથી લથબથ થતી રહી. અને જોડતોડના રાજકારણે માથું ઉંચકેલું, જેના પગલે દેશનું રાજકારણ માત્ર સત્તા પૂરતું સીમિત રહી ગયું.

ખૈર, આપણે આઈ.કે. ગુજરાલ પર હતા. ઈન્દ્રકુમાર ગુજરાલને વડાપ્રધાન બનાવાયેલા ત્યારે પત્રકારોએ એમને પૂછેલું કે, 'તમને શું લાગે છે? કોંગ્રેસના ટેકાવાળી તમારી સરકાર એનો કાર્યકાળ પૂરો કરી શકશે?' ત્યારે ગુજરાલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડેલી કે, 'ના. સરકાર એનો કાર્યકાળ પૂરો નહીં કરે. કોઈ સમજદાર માણસ ક્યારેય કોંગેસ પર મદાર રાખી શકે. જોકે સમયે સરકાર બનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી!

આખરે થયું પણ એવું . વડાપ્રધાન તરીકે ગુજરાલ એમનું એક વર્ષ પૂરું કરવામાં હતા ત્યાં રાજીવ ગાંધીની હત્યાની તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો અને રિપોર્ટમાં તામિલનાડુના પક્ષ ડીએમકેના નેતાઓની સંડોવણીની પણ વાતો હતી. હસવા જેવું ત્યારે થયું કે, સંયુક્ત મોર્ચાની ગુજરાલ  સરકારમાં ડીએમકેનો પણ ટેકો હતો એટલે સંસદમાં ભારે હંગામો થયો અને ડીએમકે પક્ષને સરકારમાંથી દૂર કરવાની માગ ઊઠી અને કોંગ્રેસનું દબાણ પણ હતું. જોકે સંયુક્ત મોર્ચા સરકાર બાબતે નહીં ઝૂકી એટલે કોંગ્રેસે ફરીથી ટેકો ખેંચી લીધો અને માર્ચ 1998મા ગુજરાલ સરકાર  પડી ભાંગી! સાથે એવું ચોથી વખત બન્યું કે, કોંગ્રેસે ટેકો ખેંચી લીધો હોય અને દેશની સરકાર તૂટી પડી હોય. પહેલા ચૌધરી ચરણસિંઘની સરકાર, ચંદ્રશેખરની સરકાર અને દેવેગૌડાની સરકારને તોડી પાડીને દેશની લોકશાહી ડામાડોળ કરવાનો યશસ્વી શ્રેય કોંગ્રેસને ફાળે ગયો હતો!

અત્યાર સુધીમાં દેશના રાષ્ટ્રપતિ પણ બદલાઈ ચૂક્યા હતા અને કે.આર. નારાયણે લોકસભાનો ભંગ કરીને સામાન્ય ચૂંટણીઓ કરાવવાનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ મુખ્ય મુદ્દા પર મદાર રાખીને ચૂંટણીઓ લડવાનું નક્કી કર્યું અને એ ત્રણ મુદ્દા એટલે રામ મંદિર, કોમન સિવિક કૉડ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી. જરા આડવાત કરીને આજના સંદર્ભમાં ભાજપનું મૂલ્યાંકન કરીએ તો જે ભાજપે રામ મંદિરને નામે વર્ષો ગામ ગજવ્યું હતું અને રથયાત્રાઓ કાઢી હતી ભાજપે હવે રામ મંદિરનો મુદ્દો કોરાણે મૂકીને પ્રજાને વિકાસની ગોળી પીવડાવી દીધી છે. તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં ભાજપ સરકારે લોકસભામાં 370ની કલમ વિશે હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. અધૂરામાં પુરું કાશ્મીરમાં મહેબૂબા મુફ્તિને ખોળે માથું મૂકી દીધું છે. અલબત્ત, કોમન સિવિક કોડ બાબતે સરકાર નક્કર પગલાં ભરી રહી છે.

આમ, ઉપર જણાવેલા ત્રણ મુદ્દા ઉપરાંત વર્ષ 1996ની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ અન્ય એક બાબતે નક્કર કામ કરેલું અને એ કામ એટલે સાંપ્રદાયિક પક્ષ તરીકેની એની ઈમેજમાં સુધારો આણેલો, જેનો ફાયદો ભાજપને 1998ની ચૂંટણીમાં મળ્યો અને ભાજપને182 બેઠકો મેળવવામાં સફળતા મળેલી, જ્યારે કોંગ્રેસનું 141 બેઠકો પર ફીંડલું વળી ગયેલું. અધૂરામાં પૂરું નાનાં-મોટા 14 પક્ષોએ ભાજપને ટેકો આપવાનું જાહેર કર્યું, એટલે ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની અને વાજપેયીજીએ બારમી લોકસભામાં સરકાર બનાવી.

જોકે આ સરકાર માત્ર તેર મહિના જ ચાલી શકી. અગિયારમી લોકસભામાં જેમ સુષ્માસ્વરાજે કહેલું એમ શકુનિઓ અને મંથરાઓએ દરેક યુગમાં એમનું કામ કર્યું છે અને રાજ્યના સાચા ઉત્તરાધિકારીને સત્તાથી દૂર રાખ્યા છે એવું જ આ વખતે પણ થયું. જોકે વાજપેયી સરકાર તેર મહિનામાં કઈ રીતે તૂટી પડી એ પહેલા એક નજર કરીએ એક વર્ષના ગાળામાં સરકારે લીધેલા બે મહત્ત્વના કાર્યો પર. એક તો સરકારે અત્યંત ગુપ્ત રીતે પોખરણમાં સફળ અણું પરીક્ષણો કર્યા હતા, જેને પગલે પાકિસ્તાન અને ચચ્ચા સેમના દાંત ખાંટા થયેલા અને દુનિયાભરમાં ભારતની શાખ મજબૂત થયેલી. તો કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ભોં ભેળું કરીને એને એની હેસિયત બતાવી દેવાઈ હતી. દેશની સુરક્ષાને લગતા આ બે મહત્ત્વના નિર્ણયો- કાર્યો વાજપેયી સરકારે માત્ર એક જ વર્ષના ગાળામાં કર્યા હતા.  

પરંતુ આ બધા છતાં સરકાર તૂટી પડી એ એક આશ્વર્યની વાત છે! આ વખતે વિલન હતા સુબ્રહ્મણ્યન સ્વામી જેની એક અબળખા પૂરી ન થતાં એમણે વાજપેયી સરકાર સાથે વેર વાળ્યું હતું. 1998મા એક વર્ષ પહેલા જ્યારે વાજપેયીજીએ ‘નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ’ હેઠળ સરકાર બનાવેલી ત્યારે જયલલિતાએ વાજપેયીજી સમક્ષ એવી શરત મૂકેલી કે, એમના સાથી સુબ્રહ્મણ્યન સ્વામીને નાણાં મંત્રી બનાવાય. આ માગને લીધે સ્વામીએ ઘણા સપનાં જોયેલા, પરંતુ વાજપેયીજીએ જયલલિતાને સમજાવી લીધા અને  એક સમયે કોંગ્રેસ અને રાજીવ ગાંધીના ખાસ સ્વામીને સરકારથી દૂર રાખ્યા અને યશવન્ત સિંહાને નાણાં મંત્રી બનાવ્યા!

સ્વામીને સતત આ વાત ખૂંચતી હતી એટલામાં તામિલનાડુમાં જયલલિતા પર પણ પસ્તાળ પડી કારણ કે, કરુણાનિધિ તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા, જેને કારણે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ એમના પર ઘણા ખટલા શરૂ થયા. વાજપેયી સરકાર જયલલિતાની કોઇ મદદ કરી શકે એમ ન હતું એટલે સ્વામીએ જયલલિતાને ચાવી આપી કે, આવા સમયે કોંગ્રેસના ખોળે પનાહ લેવા જેટલું રૂડું કામ બીજું કોઇ નથી. અને જયલલિતાએ તો વડાપ્રધાન બનવાનું પણ સપનું જોવા માંડ્યું હતું, કે જો વાજપેયી સરકાર તૂટી પડે અને કોંગ્રેસ એમને ટેકો આપે તો એમનું વડાપ્રધાન બનવાનું સપનું પણ સાકાર થશે! આ માટે સ્વામીએ જયલલિતા અને સોનિયા ગાંધીની મિટિંગ પણ નક્કી કરાવી આપેલી. આમ, થોડા જ દિવસોમાં જયલલિતાએ વાજપેયી સરકારને આપેલો ટેકો ખેંચી લીધો અને સંસદમાં જ્યારે વિશ્વાસ મત પસાર થયો ત્યારે વાજપેયી સરકાર માત્ર એક વોટને કારણે હારી ગઈ અને સરકાર તૂટી પડી.

તેર મહિનામાં સરકાર તૂટી પડ્યા બાદ સોનિયા ગાંધીને પણ વડાપ્રધાન બનવાના ઓરતા જાગેલા, પરંતુ કોંગ્રેસની બહાર અને અંદર ઉહાપોહ મચતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો વિચાર માંડી વાળ્યો. સોનિયા ગાંધી વડાપ્રધાન નહીં બની શકે એ માટે એમના પર અંગત પ્રહારો કરવામાં આવેલા અને મુલાયમ સિંઘ યાદવ અને શરદ પવારે ચાણક્યની ભૂમિકા ભજવેલી. પણ એ બધી વાતો આવતા લેખમાં ટૂંકમાં પતાવીશું અને એ પણ જોઈશું કે જ્યારે સોનિયા ગાંધી પર અંગત પ્રહારો થઈ રહ્યા હતા ત્યારે વાજપેયીજી કઈ રીતે એ બધા દૂર રહેલા. આ સિરીઝના છેલ્લા લેખમાં મળીએ આવતા મંગળવારે. સિરીઝ કેવી લાગી એ કહેજો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.