હિમાલયપુત્રી: નમસ્તુભ્યમ

17 Feb, 2016
12:04 AM

mamta ashok

PC:

ત્રણ દિવસની ગેરહાજરી પછી ચાદર સિરીઝનો આ છેલ્લો લેખ. ચાદર સિરીઝ વિશે મેં ધાર્યા નહોતા એવા પ્રતિભાવો ફેસબુક અને વ્હોટ્સ એપ પર વાચકો તરફથી મળ્યાં, જે બદલ વાચકોનો આભાર માનવો જ રહ્યો. વાચકો જો ઉમળકો નહીં દર્શાવતે તો આ સિરીઝના છ લેખો લખાતે જ નહીં. હવે મુદ્દા પર આવીએ.

તમારી મંડળી નેરક ગામ સુધી પહોંચે એટલે બીજા દિવસથી ડાઉન જર્ની શરૂ થાય. ડાઉન જર્ની દરમિયાન બે રાત અને ત્રણ દિવસ તમારે ઝંસ્કારને કિનારે જ વીતાવવાના હોય, પણ તોય તમને એમ લાગે કે, હવે ઘર બહુ દૂર નથી. બસ, હવે આ પહોંચવાના જ!

અમે નેરકથી નીકળ્યાં ત્યારે થોડુંઘણું ચાલ્યા ત્યાં જ અમને ખ્યાલ આવી ગયો કે, ચાદર જોઈએ એટલી જાડી નથી. ચાદરનું રૂપ બદલાઈ જવાને કારણે ગઈકાલે સાંજે હજુ થોડા કલાકો પહેલા જ જે રસ્તે અમે આવેલા એ રસ્તો અમને અજાણ્યો લાગી રહ્યો હતો. જેમ જેમ ડગલું માંડીએ એમ નળિયા તૂટતા હોય એમ બરફ તૂટતો જાય અને ક્યાંક ક્યાંક આપણા પગ એકાદ ફૂટ બરફમાં ખૂંપી પણ જાય.

પહેલા દિવસે અમે નિયત સમયે ટીબ કેમ્પ સુધી તો પહોંચી ગયા, પરંતુ નેરકથી ટીબ સુધીમાં ડાઉન જર્ની કરી રહેલા ટ્રેકર્સ સિવાય નેરક તરફ જતું કોઈ નહીં મળ્યું. રસ્તે બધાએ આ સંદર્ભે વાતો પણ કરી કે, આજે કોઈ નેરક તરફ જતું કેમ નથી? નેરકથી ટીબનો રસ્તો એવો પણ મુશ્કેલ નહોતો કે માણસોની આવાજાહી સમૂળગી જ અટકી જાય.

ટીબ કેમ્પ પર પહોંચ્યા ત્યારે પણ ત્યાં અમારા ગ્રુપ સિવાય અન્ય કોઈ ગ્રુપના તંબૂ દેખાયા નહીં. એનો મતલબ એ થયો કે ગઈકાલે રાત્રે જ્યારે અમે નેરક રોકાયા હતા ત્યારે ટીબમાં કોઈ રોકાયું ન હતું, એટલે કે, ટીબ સધી કોઈ પહોંચી જ નહોતું શક્યું. ટીબ કેમ્પ પહોંચ્યા પછી એક-દોઢ કલાક તો અમે રમતમાં અને અમારી પ્રવૃત્તિઓમાં કાઢ્યો પરંતુ પાંચેક વાગ્યાના સુમારે સ્થાનિક ઝંસ્કારીઓનું એક ટોળું સિગના કુરમાથી ટીબ તરફ આવતું નજરે ચઢ્યું. થાકીને લોથપોથ થયેલા એ સ્થાનિકોએ ટીબમાં જ એક ગુફા શોધીને એમાં પડાવ નાંખ્યો અને અમને સમાચાર આપ્યાં કે, સિગના કુરમાથી ટીબ સુધીની ચાદર ભયાવહ રીતે ઓગળી ગઈ છે અને ક્યાંક ક્યાંક તો છ-છ ફૂટ સુધીના ખળખળ વહી રહ્યા છે.

સ્થાનિક ઝંસ્કારીઓએ અમને આવા સમાચાર આપ્યા પછી અમારા ગ્રુપમાં ગુપુ તો શરૂ થઈ ગયેલી, પરંતુ એકાદ કલાક પછી એરફોર્સના જવાનોનું એક ગ્રુપ ટીબ આવી પહોંચ્યું પછી એ ગુપુસ કોલાહલમાં પરિણમી. એરફોર્સમાંથી છૂટ્ટી લઈને ચાદર ટ્રેક કરવા આવેલા ગ્રુપે મરીમસાલા ભરીને અમને ઝંસ્કારની સ્થિતિનું વર્ણન કર્યું કે, સિગના કુરમાથી ટીબ સુધી ચાદર જેવું કશું બચ્યું જ નથી અને અમારે આજુબાજુની ચટ્ટાનો કે પર્વતો પરથી દોરીથી ક્લાઈમ્બ કરીને આવવું પડ્યું.

છોગામાં એરફોર્સના એક જવાને અમને એમ કહ્યું કે, ‘અમે આટલા બધા કસાયેલા છીએ અને તોય અમને આટલી બધી હાડમારી થઈ તો તમે બધા તો શું કરશો? કાલે જઈ શકાય એમ હોય તો જ જજો નહીંતર ફરી ચાદર બને ત્યાં સુધી એકાદ દિવસ રાહ જોજો.’ અમને થયું આ તો કિનારે આવીને હોડી ડૂબી જવાની અને અમારા જેવા કેટલાયની મુખ્ય તકલીફ તો એ હતી કે ટ્રેકિંગ પછીના બીજા જ દિવસની સવારે અમારી ફ્લાઈટ હતી. એટલે એકાદ દિવસ તો ઠીક નિયત કરાયેલા આયોજન કરતા ત્રણ-ચાર કલાક પણ આમતેમ થાય તો અમારી ફ્લાઈટ મિસ થઈ જાય!

અમે ટ્રેકર્સ જ્યારે કૂંડાળે વળીને આ બધી ચર્ચા અને ચિંતા કરી રહ્યા હતા ત્યારે અમારા ટ્રેક લીડર અને બીજા ઝંસ્કાર પુત્રો એકદમ સ્વસ્થ હતા અને મૂછમાં મલકાઈ રહ્યા હતા. અમે એમને પૂછ્યું કે, ‘કાલે કેમ કરીશું?’

એમણે અત્યંત સ્વસ્થતાથી જવાબ આપ્યો કે, ‘જે અત્યાર સુધી કર્યું એ જ કાલે કરીશું. ચિંતા શેની કરો છો?’

એરફોર્સના જવાનો તો કંઈક આવી વાત કરી રહ્યા છે.’ અમે ઝંસ્કાર પુત્રોને એરફોર્સના જવાનોએ અમને કહેલી એ બધી વાતો કરી.

પણ એમણે જવાબ આપ્યો કે,એ જવાનો અને અમારી વચ્ચે માત્ર એક જ ફરક છે. અને એ ફરક છે એમના ખભે લાગેલા બિલ્લાનો! અમે ઝંસ્કારની રગેરગ જાણીએ છીએ, એમણે જે પ્રકારે વાતો કરી છે એવી ઝંસ્કાર ક્યારેય નથી બની. રસ્તે થોડીઘણી જગ્યાએ ચાદર ઓગળી જરૂર હશે, પરંતુ એનો અર્થ એ પણ નથી કે, કાલે આપણે સિગના કુરમા નહીં પહોંચી શકીએ. તમે બધા જલસા કરો, કાલે સાંજે આપણે સિગના કુરમા હોઈશું, એની જવાબદારી અમારી.’

[caption id="attachment_56096" align="alignnone" width="1920"]PC: facebook.com/khiladi.harsh PC: facebook.com/khiladi.harsh[/caption]


આગળ પણ કહેલું અને હમણા ફરી કહું છું કે, ચાદર ટ્રેક માટે ગયા હોઈએ ત્યારે ઝંસ્કાર અને ઝંસ્કારના લોકો પર પૂરો ભરોસો રાખવો અને બીજું ડહાપણ કર્યા વિના એ લોકો જે કહે તે પૂરી શ્રદ્ધા સાથે કરવું. અમારા લીડર પર ભરોસો રાખીને અમે નચિંત થઈ ગયા અને અમે રોજની જેમ ધમાલ-મસ્તી શરૂ કરી. કેટલાક લોકોએ આગલા દિવસે નેરક ગામથી આવેલી છંગ અને અરખ બચાવી રાખી હતી એટલે તેઓ એની મિજલસમાં બેઠા!

આગલા દિવસે સાંજે નક્કી કરાયેલું કે, વહેલી સવારે બરફ થોડો ઘટ્ટ થયેલો હોય એટલે આપણે સવારની ઠંડકનો (એટલે કે, કાતિલ ઠંડીનો!) લાભ લઈ લેવો અને સાડાસાતેક વાગ્યાથી જ ટ્રેકિંગ શરૂ કરી દેવું. એટલે પહો ફાટે એ પહેલા પોર્ટર્સે અમને ઉઠાડી પાડ્યા અને ચ્હા-નાસ્તો કરાવીને અમને સિગના કુરમા તરફ રવના કર્યા. ઝંસ્કારની સ્થિતિ અમને શરૂઆતથી જ ખબર પડી ગયેલી, પણ અમારા લીડરની વાતમાં શ્રદ્ધા રાખીને એ દિવસની ચૌદ કિલોમિટરની યાત્રા એમના ભરોસે શરૂ કરી દીધી.

પાંચેક મિનિટ ચાલ્યાં હોઈશું ત્યાં તો સામે બંને કાંઠે વહેતા ઝંસ્કાર માતા દેખાયા, પણ હજુ કોઈ કંઈ વિચારે એ પહેલા ટ્રેક લીડર કિનારા પરની એક ચટ્ટાની રેકી કરવાની શરૂ કરી અને પાંચેક મિનિટ બાદ એમણે અમને આદેશ આપ્યો કે, બધાએ વારાફરતી આ ચટ્ટાન ચઢીને સામે પાર ઉતરવું. વળી, પાછું મોકાણ એ થયું કે, તીક્ષ્ણ પથ્થરોની બનેલી એ ચટ્ટાનો પર હેન્ડ ગ્લવ્ઝ વિના પકડ નહોતી આવતી અને ગ્લવ્સની બહાર હાથ કાઢીએ એટલે મોંમાંથી ઘાણીફૂટ સુરતી ફૂટવા માંડે! અધૂરામાં પૂરું ચટ્ટાનોની તીક્ષ્ણતાથી હાથમાં કંઈક વાગી નહીં જાય એનું પણ ધ્યાન રાખવાનું હતું, તો ખભે સાત- આઠ કિલોની બેગનું વજન લટકતું હતું, જેના કારણે ક્લાઈમ્બ કરતી વખતે અત્યંત તકલીફ પડી રહી હતી.

ચાદર પીગળી જવાને કારણે નાનું અમસ્તું અંતર કાપવા માટે અમારે કિનારા પરની વિશાળ ચટ્ટાનો પર ચઢવું અને ઉતરવું પડતું અને ઉતરતી વખતે કેટલીય વખત એવું બનતું કે, આધાર માટે અમે જે પથ્થર પર પગ મૂક્યો હોય એ પથ્થર પોતે જ રામ ભરોસે ચટ્ટાન પર લટકી રહ્યો હોય. ઉતરતી વખતે એક વખત તો મનમાં વિચાર આવે જ કે, ‘જો આ પથ્થર ખસી ગયો તો આપણું શું?’

ચૌદ કિલોમિટરનો આ જ રસ્તો જતી વખતે અમને બગીચો લાગી રહ્યો હતો, પણ ઝંસ્કાર ઓગળી જતાં હવે આ રસ્તો અમારા ટ્રેકનો સૌથી મોટો પડકાર બની ગયો હતો. આખરે એક જગ્યાએ એવી નોબત આવીને ઊભી રહી કે, ઝંસ્કાર તો પીગળેલી હતી જ, પરંતુ કિનારાની આસપાસની ચટ્ટાનો પર ક્લાઈમ્બ કરી શકાય એવું પણ નહોતું. આ કારણે અમારે ફરજિયાત ઝંસ્કારમાં ઉતરવું પડ્યું અને પાંચેક મિનિટ સુધી અઢી - ત્રણ ફૂટ સુધીના પાણીમાં અમારે ચાલવું પડ્યું. હજુ તો નદીમાં પગલું માંડીએ ત્યાં ઝંસ્કારના ઠંડા પાણી અમારા ગમબૂટમાં ભરાઈ ગયા અને અમે ‘ઓ… માડી રે… ઓ… બાપ રે…’ કરી ઉઠ્યા. ઝંસ્કારના પાણીની એ ઠંડકે અમારી કેવી સ્થિતિ કરી હતી એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

એવામાં જેવો અમને રેતાળ કિનારો મળ્યો કે, તરત અમે બધા જમીન પર બેસી પડ્યાં અને બને એટલી ઝડપે બધાએ ભીના મોજા કાઢીને નવા મોજા પહેરી લીધા. (એ પણ પાછા બે જોડી!) જોકે પડકારો હોવા છતાં અમને એ દિવસે ખૂબ મજા આવી. જે એડવેન્ચર કરવા ગયેલા એડવેન્ચર કરવા મળ્યું અને અમે ગુજરાતીઓએ તો જાહેર પણ કર્યું કે, ‘ભાઈ, આજે અમારા પૈસા વસૂલ થયાં!’

ટીબથી સિગના કુરમા દરમિયાન અમે જ્યારે ચટ્ટાનો પર ચઢી-ઉતરી રહ્યા હતા ત્યારે સૌથી મહત્ત્વની વાત એ બની કે, અમારા ગ્રુપના સભ્યો આપસમાં અને પોર્ટર્સથી ખૂબ નજીક આવી ગયા. ચટ્ટાન પર ચઢતી વખતે જો કોઈ માણસ કંઈક ભૂલ કરે કે એને કોઈ તકલીફ થાય તો એ એની પાછળવાળાને જરૂરી સૂચના અને ટિપ્સ આપતો જાય, જેથી પોતાના ભાગે કંઈક વેઠવાનું આવ્યું હોય તો એ બીજાના ભાગમાં એ વેઠવાનું નહીં આવે. ગ્રુપમાં કોઈકની બાબતે એવું લાગે કે, એ વ્યક્તિને ચઢવામાં અથવા ઉતરવામાં ઘણી તકલીફ પડે છે, ત્યારે તમામ લોકો એની આસપાસ ભેગા થઈ જાય અને ક્યારેક તો બીજા મિત્રને નીચે ઉતરતી વખતે પગ મૂકવા માટે પોતાનો ખભો પણ આપે!

બાપડા પોર્ટર્સના માથે વળી, બમણી જવાબદારી હતી. એમણે તો અમારા કેમ્પનો બધો સામાન ( આઠેક ટેન્ટના કાપડ, ટેન્ટના સળિયા, ત્રીસ સ્લિપિંગ બેગ, સાત દિવસનો ત્રણ ટાઈમનો ખાધા ખોરાકીનો સામાન, સ્ટવ, કેરોસિનના ડબ્બા અને લાકડા!) પણ લઈ જવાના હતા અને સાથે અમને પણ સાચવવાના હતા. અહીં એ વાતનો ઉલ્લેખ ખાસ કરવાનું મન થાય છે કે, ટ્રેકિંગ દરમિયાન અમારી જવાબદારી અમારે જ ઉઠાવવાની હતી, પોર્ટર્સનું કામ તો માત્ર સામાન ઉંચકવાનું અને અમને સમયે સમયે જમવાનું આપવાનું હતું. પરંતુ આ ઝંસ્કાર પુત્રોએ અમારી જવાબદારી વધારાની ઉંચકી હતી, જેનું એમને કોઈ વળતર મળવાનું નહોતું.

એમની મદદને કારણે જ અમે અમારા પડકારોનો સામનો કરી શક્યા અને નિયત સમય કરતા દોઢેક કલાક મોડા સિગના કુરમા કેમ્પ પર પહોંચ્યાં. હવે લેહ માત્ર એક રાત દૂર હતું અને બીજા દિવસની સાંજે અમે નેટવર્કમાં આવી જવાના હતા અને સ્વજનોને અમારી ખેરિયતના સમાચાર આપી શકવાના હતા. જોકે એના કરતા વધુ આનંદ અમને એ વાતનો હતો કે, અમે એ દિવસે જે કુદરતી પડકારોને સામનો કરેલો એવા પડકારોનો સામનો જીવનમાં ક્યારેય નહોતો કર્યો. આ પડકારોએ અમારા કોન્ફિડન્સમાં વધારો કરી દીધો અને સૌથી મોટી વસ્તુ એ શીખવી દીધી હતી કે, આપણે ભલે આગળ નીકળી ગયા હોઈએ, પરંતુ પાછળ રહી ગયેલાઓ અને મથામણ કરી રહેલાઓને ક્યારેય છોડી દેવા નહીં અને એમને આગળ લાવવા માટે આપણે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરવા.

એ દિવસે સિગના કુરમાની રાતનું કેમ્પફાયર રોજ કરતા વહેલું શરૂ થયું અને રોજ કરતા મોડું સમાપ્ત થયું. ટ્રેકિંગ દરમિયાનની આ છેલ્લી રાત હતી. સૌને ખબર હતી કે, કાલની રાત ઝંસ્કારને ખોળે નહીં હોઈએ. હવે આટલું ગાઢ અંધારું ક્યારેય નસીબ નહીં થાય અને આકાશમાં આટલા બધા તારા ક્યારેય નહીં જોવા મળે. ઝંસ્કાર પુત્રોએ ફરી એ રાત્રે ગરબાની ફરમાએશ કરી અને એમની મહેનતને માન આપીને ફરી સૌ કોઈ ગરબે ઝૂમ્યાં.

 

બીજા દિવસે માત્ર છ કિલોમિટરનો ટ્રેક કરીને તિલદ પહોંચવાનું હતું. તિલદ પર લંચ કરીને કલાકેકનું ઈઝી ક્લાઈમ્બિંગ કરીને ચિલિંગ પહોંચવાનું હતું, જ્યાં અમને લેવા આવેલી બસમાં બેસીને લેહ પહોંચવાનું હતું.

સિગના કુરમાથી તિલદ સુધીના રસ્તે ચાદર ઘટ્ટ હતી એટલે સરળતાથી ચાલવાનું હતું. જોકે એ અંતર કાપતી વખતે મારી અંદરની ચાદ ઓગળી ગઈ હતી, જેના કારણે ખામોશ થઈ જવાયું હતું. સાવ અજાણી આ નદી, વિચિત્ર કહી શકાય એવી ભૂમિ, અહીંનું આકાશ, અહીંના પર્વતો અને એ કોતરોમાંથી સરસરાતી હવા સાથે લગાવ થઈ ગયો હતો અને ત્યાંની વિષમ પ્રકૃતિ પોતીકી લાગી રહી હતી.

સ્વજનોનું મોઢું તો ઠીક એમનો અવાજ પણ સાંભળ્યાને દિવસો થઈ ગયા હતા, તેઓ શું કરતા હશે એમની શું હાલત હશે એની જાણ સુદ્ધાં ન હતી. છતાં ઝંસ્કારને છોડવાનું મન નહોતું થતું. પહાડી ચડીને ચિલિંગ પહોંચ્યા અને બસમાં બેઠો ત્યારે ઉપરથી નીચે ઝંસ્કાર તરફ જોયું ત્યારે ઝંસ્કારના પાણી આંખોમાં ઉભરાવાની તૈયારી કરી હતા. પોતાની ધરતી, પોતાના લોકોની યાદ આવતી હતી, એમની પાસે જવાનો વખત હવે આવી લાગ્યો હતો, પરંતુ સાથે જ એક પ્રશ્ન થતો રહ્યો કે, જો સ્વજનો અને મિત્રો પોતાના હોય તો ઝંસ્કારીઓ પોતાના નથી? જો તાપી પોતાની લાગતી હોય તો ઝંસ્કાર પોતાની નથી? જવાબ આવ્યો બંને પોતાના છે, પણ એકની સાથે જીવવાનું છે અને એક હંમેશાં યાદોમાં જીવશે. ઝંસ્કાર છોડતી વખતે દિલમાં વિષાદ હતો, પરંતુ એ વિષાદ મારા પ્રવાસની સફળતાનો માપદંડ હતો. પ્રવાસ સફળ ગયો અને ઝંસ્કાર પોતાની લાગી તો જ એને છોડતા વિષાદ થાય, નહીંતર હસતા મોઢે ઘરે ભાગ્યા હોત! બસની બારીમાંથી ઝંસ્કાર દેખાઈ ત્યાં સુધી એને જોયા કર્યું અને છેલ્લે શીશ ઝૂકાવી એને પગે લાગ્યો.

હિમાલયપુત્રી: નમસ્તુભ્યમ’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.