જ્યાં જ્યાં વસે એક ઝંસ્કારી…

11 Feb, 2016
12:07 AM

mamta ashok

PC:

કાલે આપણે તિલદ પરની પહેલી રાત પર અટકેલા. આગલા લેખમાં કહેલું એમ પહેલા દિવસે તો બરફ પર ચાલવાની તક નથી મળતી, પરંતુ બીજા દિવસે તિલદથી સિગના કુરમાના કેમ્પ સુધી પહોંચવાનું હોય અને આ દરમિયાન સળંગ છ કિલોમિટર માત્ર બરફ પર ચાલવાનું હોય.

જોકે ચાલવા કરતા મહત્ત્વનું હોય છે, વહેલી સવારે ઉઠવાનું અને સ્લીપિંગ બેગમાંથી બહાર આવવાનું! આ માટે સવારે સાત-સાડા સાતના ગાળામાં પોર્ટર્સ અને તમારા ટીમ લિડર્સ સીટી વગાડતા જાય અને 'જાગને જાદવા...' કરીને તમને ઉઠાડતા જાય.

આપણને સાત વાગ્યે ઉઠાડવા માટે બાપડા પોર્ટર્સ અને લિડર્સ સવારે પાંચ વાગ્યાના ઉઠ્યા હોય અને આપણે ઉઠીને ગરમાગરમ ચ્હા અને નાસ્તાની લિજ્જત માણી શકીએ એની તૈયારીઓ પણ એમણે કરી રાખી હોય. ટ્રેકિંગ દરમિયાન આપણને ઉઠાડવાની એમની રસમ પણ કેવી? આપણા ટેન્ટ પાસે આવીને તેઓ સીધા ટેન્ટના પરદા ઊંચા કરશે અને ચોવીસ કેરેટના હાસ્ય સાથે 'સા'બજી ચાઆઆઆય...' એમ કહીને આપણા હાથમાં ચ્હાનો મગ પકડાવી દેશે. બહાર હાડ થીજાવી દેતી ઠંડી પડતી હોય તો પણ તમે પોર્ટરના હૂંફાળા સ્મિતને અવગણી નહીં શકો અને તમે ફટાક દઈને સ્લીપિંગ બેગમાંથી બહાર આવીને ચ્હાનો મગ હાથમાં લઈ લેશો. બેડ ટી તો તમે જીવનમાં ઘણી વાર પીધી હશે, પરંતુ ઝંસ્કારીઓના પ્રેમ નિતરતી ટેન્ટ ટી પીવાનો લહાવો તો ચાદર ગયા હોઈએ તો જ મળે!

ઝંસ્કારમાં ભયંકર ઠંડી હોય એટલે સાત દિવસના રોકાણ દરમિયાન નહાવાની વાત તો ભૂલી જ જવાની, પણ ટુથબ્રશ કરવા કે ચહેરો ધોવાની વાતે પણ વિચાર કરીએ તો આપણો કંપારો છૂટી જાય. કારણ કે, ડબલ ગ્લવ્ઝમાંથી હાથ બહાર કાઢીને ગરમ પાણીએ મો ધોઈએ અને હજુ બે મિનિટ નહીં થઈ હોય ત્યાં ચહેરા અને વાળમાં બાઝેલા પાણીના ટીપાં બરફ થઈ જાય, જેના કારણે ચહેરો લૂછવો નહીં પરંતુ રીતસરનો ખંખેરવો પડે. અને એ દરમિયાન હાથમાં અને ચહેરા પર જે ટાઢ વાગે એ ટાઢ તમને 'ઓ માઆઆઆ... ઓ બાઆઆઅપ… મરી ગયા રે….'થી લઈને ધાણીફૂટ સુરતી સુધીની સફર કરાવી નાંખે! જોકે ઝંસ્કારના નિવાસ દરમિયાન ઠંડીનો ત્રાસ માત્ર આટલો જ. આટલી એક-બે વિધિમાં જ પાણી સાથે સીધો મુકાબલો કરવો પડે. બાકી ઠંડીને તો ચાર-પાંચ લેયર કપડા, ઈનર્સ, જેકેટ, ડબલ વુલન મોજા અને ડબલ ગ્લવ્ઝની મદદથી આરામથી પહોંચી વળાય.

ચ્હા-નાસ્તાની રમઝટ પછી રસાલો પહેલી બરફ યાત્રા કરવા માટે નીકળી પડે. બરફ પર ચાલવાનો મહાવરો થાય એ માટે ટ્રેકિંગ ગાઈડ દ્વારા બીજા દિવસે માત્ર છ કિલોમિટરનું જ અંતર રાખવામાં આવતું હોય છે. બરફ પર ચાલતી વખતે હાઈકિંગ પોલ (આપણી ભાષામાં લાકડો!) ખાસ સાથે રાખવો અને પગમાં કોઈ પણ ફેન્સીશૂઝ નહીં પહેરતા આપણા ખાનદાની ગમબૂટ પહેરવા. ગમબૂટ તમને ઠંડીથી તો રક્ષણ આપશે જ પરંતુ એના સૉલ તમને બરફની વિવિધ સતહ પર આસાનીથી ચાલવામાં મદદરૂપ પણ થઈ રહેશે. આ ઉપરાંત માર્ગમાં જ્યારે ચાદર પાતળી થઈ ગઈ હોય કે ચાદર તૂટી ગઈ હોય અને આ કારણે જો ઠંડા પાણીમાં ચાલવાની સ્થિતિ ઊભી થાય તો ગમબૂટની લંબાઈને કારણે એક-દોઢ ફૂટ સુધીના પાણીમાં તમે મર્દાનગીથી ચાલી શકો.

જાડા બરફ પર ચાલવાનો અનુભવ અત્યંત રોમાંચક હોય છે. બાળકને પહેલી વાર ચાલતી વખતે જે અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ બરફની ચાદર પર ચાલતી વખતે થાય. બિલકુલ બાળકની જેમ અનેક લોકો લપસતા પણ જાય અને તમે એમને ઊભા થવામાં મદદ કરો એમ હસી-મજાકના ફુવારા સાથે તમારા બેચ મેટ્સ સાથેના તમારા સંબંધ પણ કેળવાતા જાય, જે સંબંધ જ પાછળથી દોસ્તીમાં પરિણમતો હોય છે. અને હા, જો વિજાતિય પાત્રો હોય અને દાનત ખોરી હોય તો ઈલુ ઈલુ પણ થઈ જાય! ટ્રેકિંગ દરમિયાન મેં ઑબ્ઝર્વ કર્યું છે કે, કેટલાય થનગનભૂષણો સ્પેશિયલ લવ- અફેર કરવા માટે જ ટ્રેકિંગ પર આવતા હોય છે. જોકે ટ્રેક પર આવવાની એમની દાનત પહેલાથી જ ખોરી હોય હોય એટલે ઘરેથી ટ્રેક માટે નીકળે ત્યારે પણ એમનું ફેસબુક સ્ટેટ્સ 'સિંગલ' હોય અને ટ્રેક પરથી આવે પછી પણ એ કમઅક્કલો સિંગલ જ રહી જતાં હોય છે.

zulie-556

ટ્રેકિંગ માટે ચાલતી વખતે શરૂઆતમાં જ રસ્તામાં બરફની અત્યંત પારદર્શક શિલાઓ આવી જાય, જ્યાં નીચે ઝંસ્કાર તળિયે પડેલા પથ્થર નજરે ચઢે. પથ્થરો દેખાય ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે કે, જો આ બરફ તૂટી ગયો તો અમારું શું થશે? જાણકાર ઝંસ્કારીઓ એમ પણ સલાહ આપે છે કે, જે બરફમાંથી નીચે સ્પષ્ટ જોઈ શકાતું હોય એ બરફની પરત જાડી હોય તો પણ એના પર બહુ ભરોસો કરવો નહીં. તો જાતઅનુભવ પરથી એટલું કહીશ કે, ટ્રેકિંગ વખતે બને ત્યાં સુધી નદીના ઝરણથી અંતર થોડું વધારે રાખવું, નહીંતર ઝરણ પાસે બાઝેલી છ-સાત કે દસ-બાર ફૂટ જાડી અને લાંબી ચાદર ઝરણના સતત ટકરાવને કારણે તૂટીને ધબાક દઈને ઝરણભેગી થયાની ઘટના આ લખનારે રૂબરૂ જોઈ છે. અને એવી જ એક ઘટનામાં એક બેચ મેટ્સને ઝરણમાંથી બંને હાથે ખેંચવો પણ પડ્યો છે. એ મિત્ર લગભગ ખભા સુધીના ઠંડા પાણીમાં ગરક થઈ ગયેલો અને એની સાથે એના મોબાઈલ અને કેમરાએ પણ ઝંસ્કાર સ્નાન કરેલું!

પર્વતીય વિસ્તારોમાં વહેવાને કારણે ઝંસ્કાર બહુ જૂજ જગ્યાએ ઉંડી હોય છે. એટલે ઝંસ્કારના ઉંડાણથી બહુ ડરવાની જરૂર નથી, પરંતુ એના ઝરણનો પ્રવાહ અને પ્રવાહના પાણીની ઠંડક અત્યંત ભયંકર હોય છે, જેના કારણે સખત તકેદારી રાખવું અત્યંત મહત્ત્વનું બની જાય છે.

ઝંસ્કારમાં તમે જેમ જેમ આગળ વધો એમ દિવસ અને રાતની ઠંડીનું પ્રમાણ વધતું જાય. દિવસે તો ચાલવાને કારણે શરીરમાં ગરમી જનરેટ થતી રહે, પરંતુ બપોર પછી અર્જુને કહેલું એમ ગાત્રો થીજાવા માંડે. બપોરના સમયે વાતા વાયરાને કારણે આપણે રીતસર સૂરજને આજીજી કરવા માંડીએ કે, ‘હે આદિત્ય નારાયણ, પ્લીઝ બે-ત્રણ કલાક અમને કંપની આપો. નહીંતર અમે ઠૂઠવાઈ મરીશું.’ પણ સૂરજ આપણી એક નહીં માને અને ઊંચા પહાડોને કારણે બપોરના ત્રણ વાગ્યાથી સંતાકૂકડી રમવા માંડે.

ઓછા કિલોમિટરને કારણે બીજા દિવસે જલદી નવરા પડી જવાનું હોય. સિગના કુરમાના કેમ્પ પર પહોંચીએ એટલે પોર્ટર્સે આપણા માટે સ્વાદિષ્ટ અને ગરમાગરમ લંચ તૈયાર કરી રાખ્યું હોય. લંચ પછી કોઈ કામ-ધંધો નહીં હોય એટલે ટ્રેક લિડર ચાર-ચારના ગ્રુપમાં લાકડા શોધવાનું કામ સોંપે, જેથી રાત્રે મોડે સુધી કેમ્પફાયર પણ કરી શકાય અને લાકડીને બહાને આસ-પાસની કોતરો પર ચઢવાને કારણે થોડું એડવેન્ચર પણ થાય અને શરીરમાં થોડી ગરમી પણ જળવાઈ રહે.

સિગના કુરમાના પડાવ પરનો એક અંગત અનુભવ વર્ણવવાની લાલચ થાય છે. સાંજે ડિનર કર્યા બાદ બેચ મેટ્સ રોજ કેમ્પફાયર કરતા હોય છે, જેનાથી થોડે દૂર ઝંસ્કારી પોર્ટર્સ પણ એમનું તાપણું કરતા હોય. ઝંસ્કારીઓની ટેવ એવી કે, તેઓ તાપણા વખતે એમના લદાખી લોકગીતો ગાય અને દૂરના કોઈક ગામમાં વસતા એમના સ્વજનોને યાદ કરે. ઘનઘોર અંધકાર, માથે તારા મઢેલું આકાશ, નજીકમાં શ્વેત ચાદર ઓઢીને હલચલ કરતી ઝંસ્કાર, કાતિલ ઠંડી અને તાપણાના પીળા પ્રકાશમાં લદાખી ગીતો ગાતા ઝંસ્કારપુત્રોને જોવા ખરેખર લહાવો બની જાય છે. ચિત્રકાર હોત તો આ ચિત્ર કેનવાસ પર ઉતાર્યું હોત, પણ કમનસિબે પત્રકાર છું અને ચીલાચાલુ શબ્દો એ દૃશ્ય માટે ખરેખર નાના પડે છે!

એ દિવસે બેચ મેટ્સ સાથેના કેમ્પ ફાયર અને ચીલાચાલુ અંતાક્ષરીને પડતી મૂકીને અમે ચાર ગુજરાતી મિત્રો ઝંસ્કારીઓ પાસે આવી ગયેલા. ઈચ્છા હતી કે, ભલે એમની ભાષા નહીં સમજાય પણ એમના ગીતોમાં પ્રકટ થતી એમની લાગણીને પામવાનો પ્રયત્ન કરીએ, એ ગીતોના આરોહ- અવરોહ જાણીએ અને એમના ગીતોને માણીએ.

zulie-98

પણ થયું એવું કે, અમે ગુજરાતી છીએ એમ જાણીને એમણે સામેથી અમારી આગળ ગરબાનો (જેને એ લોકો ગારબા કહે!) પ્રસ્તાવ મૂક્યો. એમની લાગણીને માન આપીને અમે ચાર મિત્રોએ ગરબા શરૂ કર્યા અને પછી જે રમઝટ જામી છે એ લાગણી શબ્દોમાં બાંધી શકાય એમ નથી. અમે ન તો અવિનાશ વ્યાસ હતા કે ન હતા મેહુલ સુરતી, પરંતુ અમને આવડ્યા એવા ગરબા અને અમારા દક્ષિણ ગુજરાત ઘરૈયા અમે ગવડાવ્યા. ઝંસ્કારીઓએ પણ અમારી સાથે અદલ ગુજરાતી શૈલીમાં ગરબા ગાયા અને ‘અંબે માત કી જય, અંબે માત કી જય…’ કરીને તેઓ ખૂબ નાચ્યા. પછી તો પંજાબીઓએ પણ અમને જોઈન કર્યા અને મદ્રાસીઓએ પણ ગરબામાં સાથ આપ્યો. ઝંસ્કારને કિનારે જ્યારે ‘મારી મહિસાગરને આરે…’ ગવાતું હતું ત્યારે થોડા ઠેકડા વધુ લાગતા હતા. કવિ અરદેશર ખબરદાર રહી રહીને યાદ આવતા હતા અને ઝંસ્કારીઓ, પંજાબીઓ, મદ્રાસીઓ અને દુબઈના લોકોની વચ્ચે પણ સદાકાળ ગુજરાતના પડધમ વાગતા હતા. ગરબાને કારણે ઠંડી કોણ જાણે ક્યાં ભાગી ગયેલી અને છાતી ગર્વથી ફાટ ફાટ થતી હતી.

હવે ઝાઝી વાતો નથી કરવી. બરફના વિવિધ પળ અને નેરક ગામમાં ઝંસ્કારીઓની થોડી વિધિ, થીજેલા ધોધ અને સ્થાનિક દારુની વાતો કરીને લેખમાળા સમેટી લઈશું. અંગત અનુભવો ઝાઝા નથી વર્ણવીને તમને ત્રાસ નથી આપવો. પણ હા, જો એમાં રસ હોય તો કોમેન્ટબોક્ષમાં લખજો, લેખમાળા જરૂરથી લંબાવીશું. જૂલે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.