કાળી ચૌદશ, દિવાળી, કકળાટ અને અડઘો-બડઘો

10 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

આજે કાળી ચૌદશ અને આવતી કાલે દિવાળી, વર્ષનો છેલ્લો દિવસ. અમારા દક્ષિણ ગુજરાતમાં વર્ષની છેલ્લી સાંજે ઘરમાંથી ‘અડઘો બડઘો’ કાઢવાની પ્રથા છે. ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કકળાટ કાઢવામાં આવે છે. જોકે અન્ય સ્થળોએ કકળાટ કાળી ચૌદશને દિવસે કાઢવામાં આવે છે. થોડી ઘણી રીતભાતને બાદ કરતા કકળાટ અને 'અડઘો બડઘો'ની પ્રથા લગભગ બધે એકસરખી રીતે, એક જ આશય સાથે નિભાવવામાં આવે છે.

કાળી ચૌદશ અને કકળાટ કાઢવાની પ્રથા વિશે ખાંખાંખોળા કરતી વખતે ફેસબુક પર ઈન્ટ્રેસ્ટિંગ વાત જાણવા મળી. પૌરાણિક વાર્તા પ્રમાણે જે દિવસે સત્યભામાએ નર્કાસુર નામના રાક્ષસનો વધ કરેલો એ દિવસને કાળી ચૌદસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વદીપ બારડ નામના સજ્જને ફેસબુક પર આપેલી માહિતી મુજબ એક વાર નર્કાસુર નામના રાક્ષસે ઈન્દ્રને પરાસ્ત કરીને એના અતિ કિંમતી કુંડળ છીનવી લીધેલા અને સ્વર્ગના અનેક દેવી દેવતાઓને કેદ કરેલા.

નર્કાસુરના ત્રાસમાંથી છૂટવા માટે ભગવાન કૃષ્ણના પત્ની સત્યભામાએ કૃષ્ણનું સ્મરણ કરીને નર્કાસુરનો વધ કરવાની શક્તિ માગી. આમેય નર્કાસુરને કોઈ સ્ત્રીના હાથે મરવાનો શાપ હતો. દેવોને નર્કાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ભગવાન કૃષ્ણએ ચતૂરાઈ પૂર્વક નર્કાસુર પર ચઢાઈ કરી અને દેવી સત્યભામાએ રણભૂમિમાં નર્કાસૂરનું ડોકું કાપીને એનો વધ કર્યો.

આ યુદ્ધના સન્માનરૂપે કૃષ્ણ ભગવાને નર્કાસૂરના લોહીથી પોતાના લલાટે ચાંદલો કર્યો અને વહેલી સવારે સ્વનગરે પરત ફર્યાં. કૃષ્ણ પાછા ફર્યા ત્યારે નગરની સ્ત્રીઓએ કૃષ્ણને સુગંધી તેલ, સુખડ અને પવિત્ર જળ વડે સ્નાન કરાવીને કૃષ્ણને લલાટે કંકુનો ચાંદલો કર્યો અને એ દિવસને ઉત્સવની જેમ ઉજવવાનું શરૂ કર્યું. બીજી તરફ નર્કાસુરની માતા ભૂદેવીએ પણ એ દિવસે વહેલા ઊઠી, સૂર્યોદય પહેલા સ્નાન કરી, આંગળે સાથિયો પૂર્યો અને નર્કાસુરના વધના દિવસને શુભ દિવસ તરીકે જાહેર કર્યો.

આ કથાને કારણે જ કાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઊઠી જવાની પ્રથા છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પણ આ દિવસે વહેલી સવારે સુગંધી પાણીથી સ્નાન કરીને ચોકમાં સાથિયા પૂરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તરબૂચને નર્કાસુર રાક્ષસના ચહેરાનું પ્રતીક માનીને તરબૂચને કચડવામાં આવે છે. વળી, મહારાષ્ટ્રના ગામડાઓમાં કાળી ચૌદશને દિવસે સવારે દૂધ-પૌઆ અને સાકર-સેવ ખાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કાળીચૌદશની રાત્રે કકળાટ કાઢવામાં આવે છે.

એ દિવસે અડદ કે મગની દાળના વડા તેલમાં તળવામાં આવે છે. અને ગામના ચોતરે અથવા અવાવરું સ્થળે પાણીનું એક કૂંડાળું કરીને એમાં ઘરે તળેલા વડાનો પહેલો ઘાણ મૂકવામાં આવે છે. કેટલાક લોકો કકળાટ કાઢવાની સાથે પોતાના ઘરની જૂની વસ્તુઓનો પણ ગામના ચોતરે ત્યાગ કરે છે. કકળાટ કાઢવાની પ્રથા ગુજરાત સિવાય અન્ય ક્યાંક જોવા મળતી નથી. જોકે ગુજરાતમાં પણ કેટલીક જ્ઞાતિઓ કકળાટ કાઢતી નથી.

કાળી ચૌદશનો દિવસ મારા માટે પણ નોસ્ટાલજીક છે. આ દિવસે અમારી દાદી અમને પાંચેય ભાઈબહેનોને વહેલી સવારે ઊઠાડી પાડતી. અમારામાંથી જો કોઈ ઊઠવાની આનાકાની કરે તો એની તીખી અનાવલી જબાનમાં અમને સંભળાવી દેતી, ‘મૂઆએ અડધી રાત હૂધી ભટક ભટક કરે અને અવે હવારે વેલા ઉઠવામાં જોર પડે. રોજ તો ઠીક છે, પણ આજે તો કાળી ચૌદહ! જો વેલા ની ઉયઠા તો મૂઆએના ડાંચા કારા(કાળા) થેઈ જાહે. તો પછી તમને પણહે કોણ?’ ... અને પછી કાળા થઈ જવાના ભયે અમે પાંચેય ઝડપભેર ઊઠીને નાહી-ધોઈને તૈયાર થઈ જતા. ત્યારે ઉઠાડવાવાળા હતા પણ સવારે વહેલું ઉઠાતું નહીં અને આજે મળસકે આપમેળે આંખો ખૂલી જાય છે, પણ આંખો આગળનો પેલો ચહેરો નથી દેખાતો.

આગળ કહ્યું એમ, દક્ષિણ ગુજરાતની કેટલીક જ્ઞાતિઓ કકળાટ અથવા ‘અડઘો બડઘો’ કાળી ચૌદશે નહીં પરંતુ દિવાળીના દિવસે કાઢે છે. અહીં વડાંની જગ્યાએ ઘરનું જૂનું માટલું ગામની ગઢેરે અથવા ચોતરે મૂકી આવવાની પ્રથા છે. ગુજરાતની બહાર મુંબઈ, બેંગ્લુરુ કે અમેરિકાના કોઈ પણ સ્ટેટમાં વેલની જેમ વિસ્તરી ગયેલી દેહણો આજે પણ દિવાળીના દિવસે અડધો બડધો કાઢે છે એના દૃષ્ટાંતો મળ્યાં છે.

આ પ્રથા પાછળનો આશય માત્ર એટલો કે, વર્ષના છેલ્લા દિવસે આપણા ઘરની ગંદકી, ઘરના ક્લેશ, અશાંતિ તેમજ શરીરના વિકારોને ગામના ચોતરે તિલાંજલિ આપીને બીજા દિવસે નવા સંકલ્પો અને સારા સ્વાસ્થ્ય સાથેના નવા વર્ષની ઉજવણી કરી શકાય. આ માટે દિવાળીની સાંજે જમી-પરવારીને ઘરની સ્ત્રીઓ ઘરના જૂના માટલાની અંદર એક લાકડી ઠોકતી ઠોકતી આખા ઘરમાં ફરી વળે અને સાથે ‘અડઘો જાય, બડઘો જાય, તાવ જાય તરિયો જાય…’ એમ બોલતી જાય.

આ કોઈ જાદુઈ પ્રથા નથી કે ‘આબરા કા ડાબરા…’ બોલો એટલે પળવારમાં આસપાસની સ્થિતિ કે આપણા જીવનમાં જાદુઈ પરિવર્તનો નહીં આવે. આ પ્રથા સદીઓથી ચાલતી આવેલી આપણી સંસ્કૃતિનું એક પ્રતીક છે, જે પ્રતીક આપણને આપણા ઘર અને આપણી જાત પ્રત્યેની જવાબદારીઓનું ભાન કરાવે છે. ઘરની સ્વચ્છતા હોય કે, પછી ઘરની શાંતિ હોય, એ બધુ જાળવી રાખવું આપણા હાથમાં હોય છે. એના માટે મોદી સરકારની કોઈ યોજના પર આધાર નથી રાખવો પડતો. એના માટે માત્ર થોડા સભાન થવાની જરૂર છે, માત્ર થોડા સંકલ્પો લેવાની જરૂર છે.

એ જ રીતે થોડા અપવાદોને બાદ કરતા આપણું સ્વાસ્થ્ય પણ મહદઅંશે આપણા જ હાથમાં હોય છે. પુરતી ઉંઘ, યોગ્ય આહાર, જરૂરિયાત મુજબનો વ્યાયામ અને વ્યસનોથી દૂર રહીએ તો નાનામોટી વાઈરલ બિમારીઓને બાદ કરતા બીજી કોઈ ગંભીર બિમારીની તાકાત નથી કે, એ આપણને સ્પર્શી શકે. પણ આપણે એ બધુ ભૂલી જઈએ છીએ અને શરીર જાણે આપણી રખાત હોય એમ એને ટ્રીટમેન્ટ આપીએ છીએ, પૌષ્ટિકતાનું ધ્યાન રાખ્યા વિના ગમે એમ ખાઈએ છીએ અને ઉજાગરા કરીને, વધુ પડતો શ્રમ કરીને શરીરને આપણે તોડી નાંખીએ છે.

કકળાટ કાઢવાની આ પ્રથામાં પાછળથી ઘણી માન્યતાઓ ભળી, આપણે આપણી મરજી મુજબના અર્થો પણ કાઢ્યાં. પરંતુ એનો મૂળ અર્થ શરીર, હ્રદયની આંતરિક શુદ્ધિ સાથે સંકળાયેલો છે. એટલે આપણી આ સુંદર પ્રથાને માત્ર એક સાંસ્કૃતિક પ્રતીક નહીં ગણતા આપણે એની પાછળના આશયને આત્મસાત્ કરીએ અને કંઈક નવી ઊર્જા, નવી તાજગી અને નવા સંકલ્પો સાથે આપણા નવા વર્ષની શરૂઆત કરીએ.

ઘરનો બાહ્ય કકળાટ કાઢવાની સાથોસાથ આપણે આપણી અંદર ઘર કરી ગયેલા ડર અને આપણી અંદરની ગભરામણને પણ વિના સંકોચ ગામના ચોતરે મૂકી આવવાની. આપણી અંદર જે અમાપ શક્તિઓ ઢબૂરાયેલી છે એને બહાર કાઢવાની છે અને આવનારા નવા વર્ષ દરમિયાન આપણી સામે જે જે પડકારો આવવાના છે એ પડકારોની સામે ઝીંક ઝીલવાની છે. જરાય ડર્યા વિના, પૂરા આત્મવિશ્વાસ સાથે જિંદગી માણવાની છે, જલસાથી જીવવાનું છે અને આપણા તમામ સપનાં પૂરા કરવાના છે.

બીજી એક બાબત આપણામાંના મોટાભાગનાઓમાં ઘર કરી ગયેલી છે, જેને પણ આ કકળાટની સાથે બહાર કાઢવાની છે. એ બાબત છે નાની નાની બાબતો માટેની આપણી આળસ. આ બાબતે કેટલાક લોકો અપવાદ હોઈ શકે છે. એમને આ વાત લાગુ નહીં પડે, પરંતુ આપણી જાત તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી આળસને કારણે આપણે વર્ષ દરમિયાન ઘણી બાબતો કરવાનું ચૂકી જતા હોઈએ છીએ.

વર્ષ શરૂ થતાં જ આપણે જાતને વચન આપતા હોઈએ છીએ કે, આ વર્ષે મારે આટલા વિષયો પર પુસ્તકો તૈયાર કરવા છે, આટલી નવલકથાઓ વાંચવી છે, આ વર્ષે સંગીત શીખવું છે, આટલા પ્રવાસો કરવા છે, જીમ તો સો ટકા જવું જ છે કે સારો કેમેરા લઈને ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવો છે. પણ લાભપાંચમ આવે ત્યાં સુધીમાં જાતને કરેલા એ વાયદા આપણે ભૂલવા માંડીએ છીએ. રોજિંદી ઘટમાળમાં પરોવાઈ જઈએ છીએ.

વચ્ચે વચ્ચે આપણને એ વાયદા યાદ આવે છે ત્યારે આપણે જાતને ફરી વચન આપી દઈએ છીએ કે, 'વાંધો નહીં, આવતા મહિનેથી હું આ બધુ શરૂ કરી દઈશ.' વળી, એ મહિનો જો ગુરુવારથી શરૂ થતો હોય તો આપણે આપણી જાતને એમ કહીએ છીએ કે, 'વીક એન્ડ જવા દઉં, સોમવારથી જ બેસ્ટ રહેશે!' આમને આમ મહિના વીતી જાય છે, ધીમે ધીમે વર્ષ પણ વીતી જાય છે. પરંતુ આળસમાં ને આળસમાં આપણે કશું કરી શકતા નથી. આજના અથવા કાલના કકળાટમાં ઘરની જૂની વસ્તુઓ કે ચોતરે વડાં નહીં મૂકો તો ચાલશે. પણ આપણી અંદરના ડર, આળસ, વ્યસનો અને જાત પ્રત્યેની બેદરકારીને આપણા હ્રદયમાંથી બહાર કાઢવાના છે.

સર્વે વાચકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષની આ મારી છેલ્લી કૉલમ. જીવનની પહેલી નિયમિત કૉલમમાં તમે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જેના કારણે જ હું નિયમિતતા જાળવી શક્યો છું. મારા કામની ગુણવત્તાનું પ્રમાણપત્ર હું નહીં આપી શકું. એ તો તમારે જ આપવું પડે. કંઈક ખૂટતું જણાય તો જરૂર કહેજો. આ યાત્રા મારી એકલાની નથી. આ તો આપણો સહિયારો પ્રવાસ છે. હમઉમ્રો પાસે સહકારની આશા છે તો વડીલો પાસે નવા વર્ષ માટેના આશીર્વાદની યાચના છે. તમારા બધા સપનાં સાકાર થાય અને આનવારું તમારું નવું વર્ષ મંગલમય નિવડે એવી સર્વશક્તિમાનને પ્રાર્થના.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.