ફ્રિડમ ઑફ એક્સપ્રેશન્સ, ચોઈસ ઑફ ધોલધપાટ

16 May, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: zenfs.com

સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પરના એક ઑબ્ઝર્વેશન પરથી આ લખવાનું મન થયું. ફેસબુક પર અને વાસ્તવિક જીવનમાં આપણે વર્ષભર અનેક વિશેષ દિવસો ઉજવતા રહેતા હોઈએ છીએ. વેલેન્ટાઈન ડે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન, હજુ બે દિવસ પહેલા જ ગયો એ મધર્સ ડે કે આવતા મહિને આવનારો ફાધર્સ ડે… અને આવા તો બીજા અનેક એવા દિવસો હોય ત્યારે ફેસબુક યુઝર્સ એટલે કે, આપણે વ્યક્ત થતાં હોઈએ છીએ અને આપણને આવડે એવી ભાષામાં દેશ પ્રત્યે અથવા આપણા સ્વજનો પ્રત્યેનો પ્રેમ, આદર વ્યક્ત કરતા હોઈએ છીએ.

આવે ટાણે કેટલાક લોકોનો એવો મત હોય છે કે, આવી ‘દિન વિશેષ’ લાગણીઓ માત્ર એક દિવસ પૂરતી જ સીમિત હોય છે. અને વિશેષ દિવસોએ મૂકાયેલી વિશેષ પોસ્ટ્સ માત્ર ને માત્ર લાઈક્સ કે કમેન્ટ્સમાં છબછબિયાં કરવા જ મૂકાતી હોય છે. એવું કહેનારાઓની વાતમાં થોડું ઘણું તથ્ય હોઈ શકે, કારણ કે આપણા સમાજમાં દંભીઓ પણ હોવાના જ. પરંતુ એમની વાત ભારોભાર સાચી નથી. કારણ કે, ફેસબુક જેવા માધ્યમ પર ‘મેં સમોસા ખાધા’ જેવું સાવ વાહિયાત સ્ટેટ્સ અપલોડ કરો તોય જો તમારું ફ્રેન્ડલિસ્ટ મોટું હોય તો સો-દોઢસો લાઈક્સ અને ‘વાઉ…’, ‘કેવા હતા?’, ‘લકી યુ…’, ‘આઉચ… મને પણ ખાવા હતા…’ જેવી પાંચ-દસ કમેન્ટ્સ આવી શકતી હોય ત્યારે મોટાભાગે લોકોને લાઈક્સ કે કમેન્ટ્સની પરવા નથી હોતી.

વળી, કેટલાક લોકો એવી દલીલ રજૂ કરતા હોય છે કે, આવા બધા દિવસો તો પશ્ચિમ તરફથી આવેલા છે. આપણી સંસ્કૃતિ મુજબ આવું બધું યોગ્ય નથી. ખરું જોતા એવા લોકોની ફેસબુક વોલ અને મગજનો થોડો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે, આ ભાઈસાહેબ અથવા બેનસાહેબા ભારતીય સંસ્કૃતિના પૂરતા અભ્યાસ અને એનું ઊંડાણ કે એની ઉંચાઈઓ જાણ્યા, સમજ્યા વિના જ એમના અભિપ્રાયોની ઠોકમઠોક કરે છે. જે સંસ્કૃતિમાં સ્વીકાર સહજ છે ત્યાં પશ્ચિમથી આવ્યું હોય કે પૂર્વથી આવ્યું હોય એમાં ફરક શું પડે? અને કેટલો પડે?

જોકે લેખનો ખરો મુદ્દો એ છે જ નહીં. આ તો દસ-પંદર બંદરને આવી કેટલીક કરતા ઑબ્ઝર્વ કર્યા એટલે થયું એમની દલીલોનો પ્રતિભાવ આપીએ. પણ પછી થયું શું કામ છે આપણે એમની સાથે માથાકૂટમાં ઉતરવાનું? એટલે હવે મૂળ મુદ્દા પર આવીએ. મૂળ મુદ્દો એ છે કે, સોશિયલ મીડિયામાં આવા કોઈ વિશેષ દિવસોએ કે પ્રસંગોએ અથવા વિવિધ સામાજિક-રાજકીય ઘટનાઓ અથવા ફિલ્મો જોઈ હોય તો એ બાબતે પ્રતિભાવ આપવો અથવા સમયાંતરે પોતાના પિક્ચર્સ કે વીડિયોઝ અથવા ચેક-ઈન કરતા રહેવું એ યોગ્ય છે ખરું? 

અભિવ્યક્તિ બાબતના આ સવાલનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોવાનો. હોવો જ જોઈએ. પણ આ બાબતે એક માત્ર શરત એટલી કે, તમારા જવાબ અથવા તમારી માન્યતાઓના ત્રાજવામાં અન્યના સ્ટેટ્સ, ફોટોગ્રાફ્સ અથવા એની એક્ટિવિટીઝને તોળી શકાય નહીં. ‘સેક્સ સમસ્યા’માં પ્રકાશ કોઠારી જવાબ આપતા એમ આ સવાલનો જવાબ એમ આપી શકાય કે, ‘કોઈને ચ્હા ભાવતી હોય તો કોઈને કોફી ભાવતી હોય….’ પણ ચ્હા ભાવે છે એટલે કોફી ખરાબ એવું માની કે કહી શકાય નહીં. એ જ રીતે ધારો કે કોઈ પોતાની ફેસબુક વોલ પર એના પર્સનલ અથવા આવા-તેવા-ગમેતેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરે, ફળિયામાં જ સામેવાળાને ત્યાં પહોંચ્યો છે એનું ચેક ઈન કરે કે ટ્રમ્પે હવે શું કરવું જોઈએ એ બાબતે અભિપ્રાય આપે ત્યારે પર્સનલી તમને આમાંનું કશું જ કરવાનું નહીં ગમતું હોય તોય તમે એમ નહીં કહી શકો કે ફલાણો કે ઢીંકણો કરે છે એ યોગ્ય નથી. એને જજમેન્ટલ થયા કહેવાય અને પહેલેના ડોસલા એમ કહી ગયેલા કે બીજું બધુ યોગ્ય હોય કે ન હોય, પણ જજમેન્ટલ થવું યોગ્ય નથી. 

ફેસબુક અથવા ટ્વિટર અથવા ઈન્સ્ટાગ્રામ અથવા સ્નેપચેટ અથવા વ્હોટ્સ એપ અથવા આ અથવા તે જેવી અનેક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ (જોકે વ્હોટ્સ એપને તો મેસેન્જર કહી શકાય) આપણા માધ્યમથી આમ ભલે કરોડોનો બિઝનેસ કરતી હોય, પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ આપણને સાવ મફતમાં અભિવ્યક્ત થવાનું, આપણી અંદર જે કંઈ પણ ભર્યું, પડ્યું છે એને બીજા સાથે શેર કરવાનું અને ખાલી થઈને ફરી ભરાવાનું અને બીજાનું જોઈ-વાંચી-સાંભળીને નવું કશુંક શીખવાનું પ્લેટફારમ પૂરું પાડે છે. આપણે પર્સનલી એ વાતનો અનુભવ કર્યો છે કે અભિવ્યક્ત થતો માણસ અભિવ્યક્ત ન થતાં માણસ કરતા વધુ હેપી હોય છે કારણ કે, એણે શેર કરવાનો આનંદ માણ્યો હોય છે.

સોશિયલ મીડિયા પર ફ્રિડમ ઑફ ચોઈસ અને ફ્રિડમ ઑફ એક્સપ્રેશન બંનેને અવકાશ હોય છે, જે બંનેને ભારત જ નહીં, દુનિયાભરના લોકશાહી દેશોના બંધારણો માન્યતા આપે છે. એવા ટાણે જેણે જે અપલોડ કરવું હોય અથવા જે કહેવું હોય એ કહે. એને જજ ન કરી શકાય અથવા એને અનુલક્ષીને કમેન્ટ નહીં કરી શકાય. નહીંતર કોઈની અડફટે ચઢ્યા તો તમારો અલ્લાહ જ બેલી…

અલબત્ત, જો નાગરિકને પસંદગી અને શેરિંગ એટલે કે અભિવ્યક્તિનો અધિકાર અને સ્વતંત્રતા મળતી હોય તો એની સાથે એને માથે ઘણીબધી જવાબદારીઓ પણ આવતી હોય છે. ગમતું હોય એ શેર કરી જ શકાય પણ મનફાવે એ શેર નહીં કરી શકાય. એટલે કે, ચાહે તમે દિવસમાં તમારા દસ ફોટોગ્રાફ અપલોડ કરો અથવા કોઈ પણ સામાજિક-રાજકીય બાબતો, ફિલ્મો અથવા પુસ્તકો વિશે ગમે એવા અભિપ્રાયો આપો. એવે ટાણે બીજા શું વિચારશે એની પરવા ન જ કરવાની હોય, પરંતુ તે સાથે એ પણ એટલું જ સાચું કે, જ્યારે આપણે કોઈ પ્રતિભાવ આપીએ ત્યારે ફેંકાફેંકી કરીએ એ પણ યોગ્ય નહીં. અથવા કોઈના વિશે છેક નિમ્ન ભાષામાં કશુંક લખાય એ પણ યોગ્ય નહીં. એ જ રીતે એક વાત હંમેશાં માઈન્ડમાં કીપ કરવાની કે, સોશિયલ મીડિયામાં સોશિયલ એટલે કે સમાજ શબ્દ આવે છે. એનો મતલબ એ છે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ એ જ વાસ્તવ સમાજ હાજરાહજૂર છે, એટલે ગમે એવા ફોટોગ્રાફ્સ અથવા કંઈક અંશે પર્સનલ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ પણ શેર કરતા રહેવું સારું ન કહેવાય. 

જોકે આ તો એક વાત કરી. બાકી કોઈએ ગમે એવું લખવું હોય અથવા ગમે એવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો તોય તમને કોઈ ના કહેવા નહીં આવે. હા, કોઈને કંઈક વાગી પડ્યું અને એણે કાયદાનો સહારો લીધો અથવા કાયદાને હાથમાં લઈને જ તમારો કાઠલો ઝાલ્યો તો તમારો અલ્લાહ જ બેલી… આફ્ટરઑલ જેમ તમને ફ્રિડમ ઑફ ચોઈસ હોય એમ એનેય કંઈક વાગી જાય તો ધોલધપાટની ચોઈસ કરતી વખતે કોઈ રોકી શકવાનું નથી…

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.