શંકરિયાને રાતે સપનાં બહુ આવતાં રે

16 Aug, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC:

નર્મદ એમની યુવાનીમાં અત્યંત સાહસી હતા, જે બાબતના આપણી પાસે અનેક પ્રમાણો છે. આ તો ઠીક આપણા જેવા અનેકોને સાહસ ખેડવા માટે પોરસ ચઢાવે એવું અમર કાવ્યસહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે…’ પણ લખેલું. પરંતુ પોતાના મોસાળમાં શંકરિયા તરીકે ઓળખાતા નર્મદને બાળપણમાં ઘણા ડરામણા સપનાં આવતા, જેને કારણે તેઓ સતત ભયમાં રહેતા. આ ઉપરાંત વિદ્યાર્થીકાળ દરમિયાન નર્મદ થોડા વહેમી અને અંધશ્રદ્ધાળું પણ હતા.

ભારતીય ભાષાઓમાં પ્રથમ કહી શકાય એવી એમની આત્મકથામારી હકીકતના ત્રીજા વિરામના સત્તરમાં મુદ્દામાં પોતાના ડર વિશે નર્મદ લખે છેઃ

મને બિહામણાં સપનાં બહુ આવાતાં-રે હમણાં આઠેક વર્ષ થયાં ઝાઝાં નથી આવતાં.’

સમજણા થયાં પછી તો નર્મદે એમના સપનાંની નોંધ લેવાનું પણ શરૂ કરેલું, રોજ સવારે ઊઠે એટલે એમણે જોયેલું સપનું યાદદાસ્ત મુજબ લખી નાંખે! પરંતુ પાછળથી સપનાં વિશે લખવાનું એમને વ્યર્થ લાગતા એમણે એ બંધ કર્યું. નાનપણમાં એમને આવતા ડરામણા સપનાંને કારણે તેઓ રાત્રે અનેક વાર ચીસો પાડી ઉઠતા. સુરતના જે ઘરમાં તેઓ રહેતા ત્યાં એમને એટલો ડર લાગતો કે, તેઓ રાત્રે ઉંઘતા જ નહીં. આ કારણે બાળ નર્મદાશંકર ઉંઘી જાય એ માટે એમના માતા નવદુર્ગા એમને સુરતની એમની પોળના ઘરોમાં કે જુદાં જુદાં સગાને ઘરે લઈ જતા અને એમને ઉંઘાડવાનો પ્રયત્ન કરતા. આ તો થઈ એમના ડરની વાત. પોતાના વહેમો બાબતે નર્મદે એમની આત્મકથામાં નોંધ્યું છે કેઃ

હું એટલો વહેમી હતો કે ક્લાસમાં જો કોઈ છોકરાનું થુંક ઊડ્યું એવી જો મને ભ્રાંતિ પડતી તો મારા હોઠને લોહી નીકળે તેટલે લગી અંગરખાની ચાળવતી ઘસી નાંખતો. નિશાળે જતાં કાળદેવીનાં દર્શન કરતો ને એટલું માગતો કે, ‘હું ઘણો અપરાધી છઊં, ક્ષમા કરજે ને મા મ્હારૂં સારૂં કરજેને ગાલે તમાચા મારતો. એ હું નિશાળમાં પહેલો નંબર રહેવાને માટે એમ કરતો નહીં, પણ ભાવિકપણાની ટેવ પડી ગયલી તેથી. એક દહાડો હું માતાની સામાં ઊભો રહી તમાચો મારતો હતો તે પેટી ઘડનાર એક કંતારીએ દીઠું. તે બોલ્યો હતો કેમાર જોરથી.’ તે દહાડા પછી હું તમાચા મારતાં શરમાતો, પણ દર્શન કરી રહ્યા પછી ચાર પાસ જોતો કે કોઈ મને જોતું તો નથી પછી ડાબો હાથ આડો રાખી જમણે હાથે ધીમે રહી તમાચો મારતો.’

ઉપરની વાતમાં નર્મદે એમ કહ્યું છે, નિશાળમાં પહેલો નંબર રહેવાને માટે તેઓ ગાલ પર તમાચા મારતા નહીં. જોકે ભણતરમાં પ્રથમ રહેવા કે પ્રથમ પાંચ ક્રમમાં રહેવા બાબતે પણ નર્મદે એક વહેમ પાળ્યો હતો. મુંબઈમાં તેઓ જ્યારે બાળગોવંદ મહેતાની નિશાળમાં ભણતા ત્યારની વાત નોંધતા તેઓ લખે છેઃ

જ્યારે હું બાળગોવંદને ત્યાં પહેલા વર્ગમાં હતો ત્યારે મને એક છોકરવાદિયો વ્હેમ હતો. – કે રોજ નિશાળનું તાળું હું ઉઘાડતો ને આંખ મીંચીને પૃથ્વીનો નક્સો ટાંગેલો હતો ત્યાં જઈને પાસિફિક મહાસાગરમાં સેન્ડવિચ અને સોસાયટી એ બે ટાપુઓ છે તે જગાપર આંગળીઓ મુક્તો ને પછી આંખ ઉઘાડતો. જો બરાબર તે જ ઠેકાણે આંગળીઓ મુક્તો ને પછી આંખ ઉઘાડતો. જો બરાબર તે જ ઠેકાણે આંગળીઓ મુકાતી તો હું જાણતો કે વર્ગમાં પહેલો રહીશ- ને ઘણું ખરૂં તેમ જ થતું.’

જોકે નર્મદની બુદ્ધિ પહેલાથી જ અત્યંત તેજ હતી અને એમની પ્રતિભા પણ એટલી જ મેઘાવી હતી. એટલે એમને અંઘશ્રદ્ધા ભલે હોય, પરંતુ પરંતુ એમની મેઘાવી પ્રતિભા એમને એ સમયના અનેક વિદ્યાર્થીઓથી નોખા પાડતી હતી. ભાષા ઉપરાંત ગણિતના વિષયોમાં સમીકરણો ઉકેલવામાં તેઓ અત્યંત માહેર હતા. મુંબઈમાં અંગ્રેજી સ્કૂલમાં તેઓ ભણતા ત્યારે એમને એક બ્લેકવેલ નામના મેથેમેટિક્સના શિક્ષક સાથે ઝાઝું બનતું ન હતું. એ બ્લેકવેલે વિદ્યાર્થીઓને સમીકરણનો એક દાખલો ગણવા આપેલો. વર્ગના બધા વિદ્યાર્થીઓ ચોપડીની રીતે સમીકરણ ઉકેલી રહ્યા હતા (ચોપડી કે ગાઈડની રીતે દાખલા ઉકેલવાનો ચીલો ક્યારથી ચાલી આવે છે એ ધ્યાનમાં આવ્યું?) પરંતુ નર્મદને એવું કરવામાં રસ નહોતો. એટલે એમણે દાખલો કંઈક જુદી પદ્ધતિથી ગણ્યો. બ્લેકવેલ પણ આજના કેટલાક ગોખણિયા શિક્ષક જેવા જ હશે એટલે એમને નર્મદની એ રીત સમજાઈ નહીં અને નર્મદે ગણેલો દાખલો ખોટો છે એમ જાહેર કરીને નર્મદને ક્લાસની બહાર કાઢ્યા.

નર્મદના નસીબે એ દિવસે મગડૂગલ નામના મેથેમેટિક્સના પ્રોફેસર ત્યાં આવી ચઢ્યાં એટલે નર્મદે એમની આગળ ફરિયાદ કરી અને પોતાની સ્લેટ બતાવી. મગડૂગલ માસ્તર નર્મદની રીતથી અત્યંત પ્રભાવિત થયા અને એમણે ક્લાસમાં જઈને બ્લેકવેલને કહ્યું, ‘એ છોકરાએ બરાબર હિસાબ કીધોછ. એ છોકરો હોંશિયાર છે.’ પછી નર્મદ બ્લેકવેલની દશા વિશે લખે છે, ‘તે વેળા બ્લાકવાલસાહેબનું મ્હોડું ચલ્લી જેવું થઈ ગયું હતું!’

બાળપણમાં એમણે સુરત અને મુંબઈની વિવિધ શાળામાં અભ્યાસ કરેલો પરંતુ વારંવારના સ્થળાંતરની એમના ભણતર પર કોઈ અસર નહોતી થઈ. સ્કૂલમાં લેસનને ખાતર એમણે ક્યારેય ઠપકો સાંભળવા પડ્યો નથી એવું પણ તેઓ નોંધે છે. તો નાનપણમાં નર્મદને માતા-પિતા તરફથી ઠપકા સાંભળવાના પ્રસંગ પણ ઘણા ઓછા બનેલા. માતા-પિતાનો માર તો એમણે માત્ર બે જ વખત ખાધેલો એવું તેઓ આત્મકથામાં બે કિસ્સા વિશે નોંધે છે.

વિદ્યાર્થીકાળ દરમિયાન એમને વિવિધ દેશોના વર્ણનો, કુદરતના વર્ણનો અને કવિતાઓ વાંચવામાં ખૂબ આનંદ આવતો. તેઓ નોંધે છે કે, ‘દેશના વર્ણન, કુદરતી દેખાવોનાં વર્ણન અને કવિતા વાંચતાં મને એક જુદી જ રીતનો આનંદ થતો. તે દેશ કેવા હશે, ત્યાંની રતોની કેવી મઝા હશે, પોએટ્રીના તર્કનો આનંદ મ્હારાં પોતાનાં તર્કનાં બિડાયેલા કમળને લાગતો. આહા જ્યારે હું ટેલરની એનશંટ હિસ્ટરી શિખતો હતો ત્યારે ઈજિપશિયન લોકોની રીતભાતનાં વર્ણન, ત્યાંની પિરમિડ, ત્યાંની નાઈલ વગેરેના વર્ણનથી ખરેખર મને કેવો આનંદ થતો? રે એ બાળપણમાંનો આછો આછો આનંદ હાલ તે જ વર્ણનો ફરીથી કવિ દાખલ વાંચતાં પણ થતો નથીઆનંદ તો બહુ જ થાયછ પણ તે જાતનો નહીં.’

આ તો થઈ નર્મદના શાળા જીવનની વાત. પણ કૉલેજના ભણતર સુધીમાં નર્મદ ઘણા પરિપક્વ થઈ ગયેલા અને કૉલેજ સુધીમાં એમની અંદરનો ભય અને એમના વહેમો પણ ઘણે અંશે દૂર થઈ ગયેલા. કૉલેજમાં આવ્યા પછી તેઓ કેટલીક સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વળ્યાં, જે પ્રવૃત્તિઓ જ આવનારા ભવિષ્યમાં નર્મદાશંકરને કવિ નર્મદ કે વીર નર્મદ જેવી ઓળખાણો આપાવવાની હતી.

કૉલેજમાં આવ્યા પછી એમને રસાયણશાસ્ત્રમાં ઘણો રસ પડતો. કૉલેજના પ્રેક્ટિકલ્સ ઉપરાંત કૉલેજના મિત્રોને ઘરે બોલાવીને તેઓ કેમેસ્ટ્રીના પ્રયોગો કરતા. એ જ ગાળામાં એ મિત્રોને વિચાર આવ્યો કે, આપણું એક અલાયદું પુસ્તકાલય હોવું જોઈએ, એટલે બધા મિત્રોએ પોતપોતાના પુસ્તકો તેમજ કેટલાક અન્ય પુસ્તકો ખરીદીને નર્મદના મુંબઈના ઘરે એમનું પુસ્તકાલય બનાવ્યું. એ દિવસોમાં નર્મદ અને એમના મિત્રો સુધારાની નવી હવાના પ્રભાવમાં આવી ગયા, જે હેઠળ એમણે નક્કી કર્યું કે, એમણે સૌએ મહિનામાં ચાર વખત ભેગા થવું, જેમાં બે વખત એમણે પોતે લખેલા નિબંધોનું પઠન કરીને વાદ કરવો અને એ રીતે લખતાં, બોલતાં અને વાદ કરતા શીખવું અને મહિનામાં બે વાર જાહેર સભાઓ કરીને લોકોમાં સુધારાના વિચારોનો ફેલાવો કરવો.

આ પ્રવૃત્તિ માટે નર્મદે એમના મિત્રો સાથેજુવાન પુરૂષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભાજેવું નામ નક્કી કર્યું, જે હેઠળ તેઓ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સભાઓ યોજીને સો-સવાસો માણસોની વચ્ચે સુધારાને લગતા એમના વિચારો પ્રકટ કરતા. આ સમય એટલે ઓગણીસમી સદીનો મધ્યભાગ હતો, ગાંધીજીના જન્મ પહેલાના બે દાયકા! જે સમયમાં પાછળથી બુદ્ધિવર્ધક હિંદુ સભા તરીકે ઓળખાયેલી નર્મદની મંડળીએ વિધવા વિવાહ અને સ્ત્રી શિક્ષણ જેવા વિષયો પર એમના ક્રાંતિકારી અને સુધારાવાદી વિચારો રજૂ કરેલા. નર્મદે પણ એમનું પ્રખ્યાત વક્તવ્યમંડળી મળવાથી થતા લાભ’, આ સમયગાળા દરમિયાન જ કર્યું હતું. જોકે પછી નર્મદે સુરત આવી જવું પડેલું એટલે થોડા સમય સુધી એમણે બુદ્ધિવર્ધક સભાની એમની પ્રવૃત્તિ પર અલ્પવિરામ મૂકવું પડેલું.

નર્મદ વિશેની અન્ય કેટલીક વાતો આવતા મંગળવારે.

ફીલ ઈટઃ

સને 1850ના સપટેમ્બરમાં મારી જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડ્યું- હું બાળપણમાં નઠારી સંગતમાં ન છતાં, ને બૈરાઓસંબંધી વાતો મેં વાંચેલી નહીં તે છતાં મ્હારાં મનની વૃત્તિમાં નવો ફેરફાર થયોમને બૈરાંની ગંધ આવવા માંડી. હમે મુંબઈમાં જે ઘરમાં ભાડે રહેતાં તે ઘરમાં બીજા ભાડુતો પણ રહેતાં. તેમાંના બૈરાંઓ ગમે તે ગમે તે વાતો કરતાં હતાં તે મેં છાનાંમાનાં સાંભળવા માંડી; બૈરાંઓ પોતાના એકાંતમાં શું વાતો કરતાં હશે તે જાણવાનો મેં અંદેશો કરવા માંડ્યો; શામળ ભટની વાર્તાની ચોપડીઓ વાંચવા માંડી. એ સઘળાંથી ઉશ્કેરાયેલી હાલતમાં સંભોગ ઈચ્છાનો જોસ્સો ઘણો થવો જોઈએ તે મ્હને ન્હોતો; પણ એવી ઈચ્છા થતી કે કોઈ સ્ત્રી સાથે સ્નેહ બંધાય તો સારૂં. અસલથી ઘણો જ ઠાવકો ને શરમાળ તેથી અને ઈશ્કબાજીથી વાફક એવા દોસ્તો નહીં તેથી મારાથી મારા જોસ્સાને લગાર પણ બ્હેકાવાયો નહીં. કોઈ બઈરી પોતાની મેળે મને બોલાવે તો હું બોલું એવી ઈચ્છા થતી. એ જોસ્સો મને જારે કાલેજમાં રજા હોય ને ઘેર નવરો હોઊં તારે જ થતોને તે પણ દહાડે જરાતે નહીંએ જોસ્સો મને મહિનો દહોડેક રહ્યો પણ તેથી હું કંઈ બળ્યાં કરતો નહીં.

 

(યુવાન વયે પોતાની કામનાવૃત્તિ વિશે નર્મદની નિખાલસ કબૂલાત.)  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.