વિરોધનો જો હો વિષય તો કારણની શી જરૂર?

22 Dec, 2015
12:05 AM

mamta ashok

PC:

લેખની શરૂઆત કરીએ એ પહેલા જલન માતરી સાહેબની માફી માગી લઈએ. કારણ કે, એમના પ્રખ્યાત શેર સાથે છેડખાની કરીને લેખનું ટાઈટલ કરવામાં આવ્યું છે. આજના સંદર્ભમાં મને આ ટાઈટલ ઘણું યથાર્થ લાગે છે કારણ કે પ્રજા તરીકે આપણને ભારતીયોને હવે નક્કર કારણો વિના વિરોધ પ્રદર્શનો કરવાની આદત પડી ગઈ છે. આપણે બસ જ્યાં ને ત્યાં કૂદી પડવું છે અને કૂદી પડ્યાં બાદ ફરી ઊભા નથી થવું. પરિણામની ચિંતા કર્યા વિના હાથ પર હાથ ધરીને બેસી રહેવું છે અને કાગારોળ કરવી છે. જેમ શિયાળામાં ‘કોલ્ડ વેવ’, ઉનાળામાં ‘હિટ વેવ’ આવે એમ આપણને ભારતીયોને સાવ તુચ્છ અને નાંખી દેવા જેવી બાબતોએ ‘વિરોધ વેવ’ આવે અને પછી એ વેવની અસર ઓછી થાય એટલે આપણે હતા ત્યાંના ત્યાંની સ્થિતિમાં આવી જઈએ છીએ.

લોકતંત્રમાં લોકોનું અગ્રિમ સ્થાને હોવું અત્યંત જરૂરી છે અને દેશના વિવિધ મુદ્દામાં લોકોનું હન્ડ્રેડ પર્સન્ટ ઈનવોલ્વમેન્ટ હોવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ મોકાણ ત્યારે થાય છે, જ્યારે બહુમતીમાં ભેગા થયેલા લોકો, ટોળું કે ઝૂંડ સાબિત થાય. લોકોની બહુમતી જ્યારે ટોળું સાબિત થાય ત્યારે અનર્થ થઈ જાય છે અને ત્યારે જ સંઘ કાશીએ નથી પહોંચી શકતો. અને જે-તે મુદ્દે નક્કર પરિણામ નથી આવી શકતું.

ગયા ગુરુવાર-શુક્રવારની ઘટનાઓ આ લેખનું નિમિત્ત બની છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલવાલે’નો દેશના એક ચોક્કસ વર્ગે જમ કે વિરોધ કર્યો. કેમ? તો કે શાહરૂખ ખાને એના જન્મ દિવસે આપેલા કોઈ ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે, 'દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે.' જોકે આ વાતમાં બહુ તથ્ય નથી. શાહરૂખનો આખો ઈન્ટરવ્યુ સાંભળશો તો ખ્યાલ આવશે કે, શાહરૂખને પૂછાયેલું શું, એણે કહેલું શું અને હોબાળો મચાવવા માટે એણે જે કહ્યું એને રજૂ કઈ રીતે કરાયું. એમાં વળી આમીર ખાને કિરણ રાવની દેશ છોડી જવાવાળી વાતે બળતામાં ઘી હોમ્યું અને પછી તો આ વિવાદની આગ તડતડ કરતી ભડકી ઊઠી. ફેસબુક અને વ્હોટ્સ એપ પર શાહરૂખ અને આમીર ખાનની ફિલ્મોને બોયકોટ કરવાની વાતો પૂરબહારમાં ચાલી અને લોકોએ ‘દિલવાલે’ ફિલ્મના પોસ્ટર પર ચોકડી મારેલા ફોટોગ્રાફ્સ ખૂબ ફેરવ્યાં.

આપણે કંઈ શાહરૂખના ફેન-બેન નથી કે એની તરફદારી કરવા માટે નીકળી પડીએ. બાયસ્ડ રહીને નહીં પરંતુ તટસ્થ રહીને કામ કરવું એ કોઈ પણ પત્રકારનો ધર્મ હોવો જોઈએ. એ ધર્મને અનુસરીને જ હું આ મુલ્યાંકન લખી રહ્યો છું. કદાચ ખોટો પણ હોઈ શકું પરંતુ આ મારો મત છે.

ગયા અઠવાડિયે થયેલા વિરોધનું પોસ્ટમોર્ટમ કરીશું તો ખ્યાલ આવશે કે, આમાં કેટલાક સ્થાપિત હિતોને બાદ કરતા મોટા ભાગના ઘેંટા દેશપ્રેમના નામે અમસ્તા જ રસ્તા પર બેં… બેં… કરતા ઉતરી પડેલા. હજુ પણ કહું છું કે, જે ઈન્ટરવ્યુને કારણે શાહરૂખ વિવાદમાં સપડાયેલો એ ઈન્ટરવ્યુમાંની વાતને તોડી મરોડીને રજૂ કરાઈ હતી. પણ તોય માની લીધું કે, શાહરૂખ ખાને એમ કહી પણ દીધું કે, ‘આજકાલ દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે.’ એટલે શું એનો અર્થ એમ કરવાનો કે એણે દેશને ગાળો ભાંડી કે દેશ સાથે ગદ્દારી કરી?

કોઈ વ્યક્તિ દેશની સ્થિતિ વિશે પોતાનું કોઈ મંતવ્ય આપે એટલે એને દેશનો ગદ્દાર કે દેશદ્રોહી જાહેર કઈ રીતે કરી શકાય? આપણે કદાચ એને એમ પૂછી શકીએ કે, ભાઈ તને દેશમાં અસહિષ્ણુતા દેખાય છે તો જરા અમને પણ બતાવ ક્યાં છે એ અસહિષ્ણુતા અને એના કોઈક દાખલા આપ. શું આપણે ત્યાં સામાન્ય નાગરિકોને બસ કે ટ્રેનમાંથી બોચીએથી ઝાલીને નીચે ઉતારી પાડવામાં આવે છે? શું આપણે ત્યાં છડેચોક મા-બહેનોના શિયળ લૂંટાય છે કે પછી તારા બોલવા-ચાલવા કે ટ્વિટર પર ટહુકા કરવા પર પ્રતિબંધ લદાયા છે? સોશિયલ મીડિયાના આ જમાનામાં આ સવાલો એને સીધા જ પૂછી શકાયા હોત. અને સવાલ નહીં પૂછીને એના આ વલણની આકરી ટીકા પણ કરી શકાઈ હોત.

પણ નહીં, આપણે તો એને દેશદ્રોહી જ જાહેર કરવો છે. એણે એમ કહ્યું જ કેમ કે, દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે? દેશની સરકાર, દેશની ગરીબી કે ભ્રષ્ટાચાર વિશે આવા જ કોઈ પ્રતિભાવો આપણે નથી આપતા હોતા? આપણે પણ હાલતા-ચાલતા મોંઘવારી કે વિવિધ ટેક્સને મામલે સરકારને ગાળાગાળ કરીએ છીએ કે, ચોતરે બેસીને મોઢાંમાં ગુટકા ફાંકી કહી દેતાં હોઈએ છીએ કે, 'આ દેશનો ક્યારેય ઉદ્ધાર નહીં થાય.'

જોકે ત્યારે આપણે આવી બાબતોને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું રૂપકડું લેબલ લગાવી દઈએ છીએ. આ જ અભિવ્યક્તિ સ્વતંત્રતાના ઓઠા હેઠળ કેટલાય હોશિયારો સ્તર છોડીને ફેસબુક-વ્હોટ્સ એપ પર ફાવે એવી લવારી કરી નાંખે છે, કોઈને છેલ્લી કટનું કહી, સંભળાવી દે છે. પણ શાહરૂખ જો દેશમાં (તથાકથિત) પ્રવર્તમાન સ્થિતિ પર એનું મંતવ્ય આપે, કે 'આજની પેઢી ત્વરિત રિએકશન આપે છે અને એમનામાં ધીરજની કમી છે.' એમ કહે તો એને દેશદ્રોહી જાહેર કરી દેવાનો.

ઘેંટાઓને બાદ કરતા શાહરૂખનો વિરોધ કરનારામાંનો એક વર્ગ તો એનો માત્ર એટલે વિરોધ કરી રહ્યો છે કે, શાહરૂખ મુસ્લિમ છે. એમનો એ વિરોધ ઈરાદાપૂર્વકનો છે. શાહરૂખની જગ્યાએ કોઈ હિન્દુધર્મી વ્યક્તિએ આવું કંઈક કહ્યું હોત તો પેલો વર્ગ એ વ્યક્તિને સ્યુડો સેક્યુલર જાહેર કરતે અને હોબાળો મચાવતે. પણ આ મુદ્દે હોબાળો તો મચવાનો જ હતો. કેમ? તો કે, રાજદીપ સરદેસાઈ સાથેના એ ઈન્ટરવ્યુમાં શાહરૂખે ધર્મ ઝનૂનીઓને સાફ શબ્દોમાં ઝૂડી કાઢ્યાં હતા કે, દેશની કેટલીક સાંપ્રદાયિક તાકાતો દેશમાં નાહકનો કોલાહલ મચાવી રહી છે, જેમના કારણે નકારાત્મકતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

એના આ વિધાનમાં બધા જ સાંપ્રદાયિકો આવી જાય છે. હિન્દુ કટ્ટરપંથીઓ પણ આવી જાય, મુસ્લિમ અંતિમવાદીઓ પણ આવી જાય અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં ચૂપચાપ ધર્મપરિવર્તન કરતા ખ્રિસ્તીઓ પણ આવી જાય.

ફિલ્મોમાં શાહરૂખ ખાનના અભિનય કે સાવ કચરાછાપ ફિલ્મોને બસો-ત્રણસો કરોડની કમાણી કરાવી આપવા પાછળની એની સ્ટ્રેટેજી સાથે સહેમત થવાય કે નહીં થવાય પરંતુ રાજદીપ સરદેસાઈ સાથેના એના ઈન્ટરવ્યુમાં એણે કહેલી એક વાત સાથે સો ટકા સહેમત થવાય કે, 'ડિજિટલ માધ્યમો આવ્યા બાદ અવાજ(કોલાહલ) થોડો વધી ગયો છે અને એમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ અવાજનું પ્રમાણ વધુ છે.' આ વાત પર એક આખો લેખ લખી શકાય એમ છે. કારણ કે, માધ્યમો વધતા આપણને અભિવ્યક્ત થવા કે આપણી વાત, આપણી સમસ્યા રજૂ કરવામાં સરળતા જરૂર થઈ છે, પરંતુ એની સાથે એક વર્ગ એવો પણ ઊભો થયો છે, જે વગર વિચાર્યે સોશિયલ મીડિયાનો દેમાર ઉપયોગ કરે છે. અભિવ્યક્તિને મામલે તેઓ નકરો કોલાહલ મચાવે છે અને તેઓ ક્યાં તો અફવાઓ ફેલાવે છે અથવા અલ્પશિક્ષિત વર્ગને ગેરમાર્ગે દોરે છે.

ડંકાની ચોટે કહીશ કે, સોશિયલ મીડિયાનો સરખો ઉપયોગ કરતા મીડિયાને પણ નથી આવડ્યો, જ્યાં સોશિયલ મીડિયામાં ફરતી જે-તે અફવાઓની ખરાઈ કર્યા વિના સોશિયલ મીડિયામાં ફરતી વાતને સાચી માનીને મીડિયાકર્મીઓ અહેવાલો તૈયાર કરે છે.

હવે વિરોધો અને આંદોલનો વિશેનું થોડું વિશ્લેષણ કરીએ. આ લેખનો મૂળ મુદ્દો જ એ છે. વિવિધ મુદ્દામાં વિરોધની બાબતે આપણે ઘેંટા પણ સાબિત થયાં છીએ અને વાંદરા પણ સાબિત થયાં છીએ. પહેલા વિના કોઈ વિચાર ઘેંટાની જેમ ટોળામાં રસ્તા પર ઉતરી પડવું અને પછી વાનરોની જેમ ઉત્પાત મચાવવો એ પ્રજા તરીકેના આપણા મુખ્ય લક્ષણો છે. હજુ થોડા મહિના પહેલા જ ગુજરાતમાં પાટીદાર આંદોલન થયેલું ત્યારે વિના કોઈ કારણ સરકારી સંપત્તિને મોટાપાયે નુકસાન પહોંચાડાયેલું. જોકે એ તો જે-તે પ્રજાની અભિવ્યક્તિ હતી, એને રાષ્ટ્રનું અપમાન કહી પણ કઈ રીતે શકાય? ગૂર્જરોએ પણ દર વર્ષે આંદોલનને નામે રેલવેના પાટા ઉખેળીને એમની અભિવ્યક્તિ સ્વતંત્રતાનો લાભ લીધો જ હતો ને? આ ઉપરાંત પણ આપણી પાસે તોડફોડ કરવાના અને જાહેર સેવાઓ ઠપ કર્યાના અનેક ઉદાહરણો છે.

લોકતંત્રમાં વિરોધ કરવું કશું ખોટું નથી. પણ વિરોધના કારણમાં વજૂદ પણ હોવું જરૂરી છે. લોકપાલ માટેના અન્ના આંદોલનથી હું ઑબ્ઝર્વ કરી રહ્યો છું કે, રસ્તા પર મીણબત્તી લઈને ઉતરી પડતા મોટાભાગનાઓ વિરોધ કે આંદોલનના મુદ્દાથી ધરાર અજાણ હોય છે.

વર્ષ 2011માં જ્યારે અન્નાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પૂરજોશમાં ચાલેલું ત્યારે આ લખનાર પણ માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી હતા અને પત્રકારત્વના ક્ષેત્રમાં કંઈક કરી નાંખવાની ચાહત ધરાવતા હતા. 'AAP'ના જન્મ પહેલાના એ આંદોલનને કારણે દેશભરમાં લોકજુવાળ ઉમટેલો અને દેશના મોટાભાગના શહેરો-ગામડામાં પ્રતીક રેલીઓ નીકળેલી. અમારા હુરતમાં પણ લાગલગાટ ચાર-પાંચ દિવસ સુધી અઠવાલાઈન્સ ચોપાટીથી પિપલોદ પરના કારગીલ ચોક સુધી રેલીઓ નીકળેલી.

આપણને પણ કંઈક કરી નાંખવાની ઈચ્છા હતી એટલે મિત્ર સાથે આપણે મીણબત્તી લઈને ટોળામાં સામેલ થયેલા. હુરિયો બોલાવાની મજા આવતી હતી હુરિયો બોલાવતા બોલાવતા ફેસબુક માટે ફોટોગ્રાફ્સ પણ ઘણા પડાવ્યાં. પરંતુ મોહભંગ ત્યારે થયો, જ્યારે રેલીમાં બાજુમાં ચાલતા બે લોકો એમની વાતચીતમાં એમ કહી રહ્યા હતા કે, 'લોકપાલ તો આવવું જ જોઈએ. તો જ આપણા દેશનું કાળું નાણું દેશમાં પરત આવશે!' ત્યાર પછી ડાબો કાન ચીમળ્યો કે હવે પછી આવા કોઈ વિરોધ પ્રદર્શનોમાં જવું નથી, જેથી આપણે પણ ટોળાના ભાગ સાબિત નહીં થઈએ.

ઉપરનું ઉદાહરણ ટાંકવાનો આશય એ જ કે, મોટેભાગે આપણે મુદ્દાના પહેલુઓથી અજાણ હોઈએ છીએ. પણ આપણા દેશના મોટાભાગના વિરોધ પ્રદર્શનોમાં મુદ્દા વિશેની જાણકારી હોવી એ આડવાત બની જાય છે. મહત્ત્વનું એ નથી હોતું નથી હોતું કે, આપણે સ્થિતિનાં તમામ પહેલુઓને જાણતા હોઈએ. મહત્ત્વનું માત્ર એ જ હોય છે કે, આપણે રસ્તા પર ઉતરી પડ્યાં છીએ.

શાહરૂખની સામે થયેલા કે 'દિલવાલે' રિલીઝ થયેલી ત્યારે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં કંઈક આવું જ થયું. 'નળ્યું ખસ્યું અને કૂતરું ભસ્યું'વાળી આ ઘટનામાં કેટલાક સ્થાપિત હિતોને બાદ કરતા મોટાભાગના લોકો શાહરૂખને દેશદ્રોહી તો કહી રહ્યા હતા, પરંતુ એમાંના કેટલાયને એ ખબર નથી કે, ધારો કે શાહરૂખ દેશદ્રોહી છે તો કેમ છે? પરંતુ આપણને ક્યાં એની પરવા છે? પણ, આ તો વિરોધ એડિક્ટેડ પ્રજાને વિરોધ કરવાનો કૈફ ચઢ્યો એટલે વિરોધ કરી નાંખવાનો.

અને રહી વાત દેશપ્રેમની તો વર્ષમાં બે દિવસ ઝંડો ફરકાવવાથી કે શાહરૂખને દેશદ્રોહી જાહેર કરી દેવાથી કંઈ દેશપ્રેમી નથી થઈ જવાતું. દેશના નાગરિક તરીકે દેશ પ્રત્યેની તમામ ફરજો બજાવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ તો પણ આપણે દેશના કાયદા અને બંધારણનું અપમાન કરતા હોઈએ છીએ. અરે, બીજું બધું તો ઠીક આપણે દેશમાં રંધાયેલા અન્નનો બગાડ સુદ્ધાં નથી અટકાવી શકતા, જે બગાડ અટકાવી શકાયો હોત તો કંઈ કેટલાયની આતરડી ટાઢી થઈ હોત.

આ માટે આપણે આપણી જાતને પણ પ્રશ્ન કરવા જ રહ્યા કે, દેશના નાગરિક તરીકે હું ખરેખર બંધારણના નિયમોનું યોગ્ય પાલન કરું છું? નાના-મોટા ભ્રષ્ટાચારથી દૂર રહું છું? દેશની ઉન્નતિ થાય એ માટે મારી જવાની ખર્ચીને, ખૂનપસીનો એક કરીને કંઈક પ્રોડક્ટિવ કામ કરું છું? દેશને સ્વચ્છ રાખવા માટેના કોઈ પ્રયત્ન કરું છું? કે મન થયું ત્યારે ગુટકાની પીચકારી મારીને મા ભારતીની ધરતીને દૂષિત કરું છું?

ખૈર, તોય આ દેશમાં રહેવાની એક આગવી મજા છે. વિવિધતામાં એકતાની જેમ અનેક વિરોધો વચ્ચે પણ આપણે એકતા જાળવી શક્યા છીએ. સાંપ્રદાયિક કે કોમવાદી તત્ત્વો કે રજકારણીઓ પોતાના નાના-મોટા હેતુઓ સર કરવા છાશવારે સામાન્યજનને જરૂર ભડકાવતા રહ્યા છે, કે નાના-મોટા છમકલા પણ જરૂર કરાવતા રહ્યા છે. પરંતુ એ બધા વચ્ચે પણ ભારતના ભાગ્ય વિધાતાઓ અડિખમ રહી શક્યા છે. કદાચ આ જ આપણી સૌથી મોટી ઉપ્લબ્ધી છે.

ફીલ ઈટઃ

'દિલવાલે' ફિલ્મના ઘેંટાશાહી વિરોધ વખતે સૌથી વધુ આશ્ચર્ય તો મને ત્યારે થયું જ્યારે ત્રણ-ચાર દાયકાથી વિદેશમાં વસીને નોન રેસિડેન્ટ ઈન્ડિયન બની ગયેલા વિદેશીઓ ફેસબુક-ટ્વિટર પર શાહરૂખને દેશદ્રોહી કહીને પોતાનો 'ડિજિટલ દેશપ્રેમ' રજૂ કરી રહ્યા હતા. અરે, તમે તો દેશને તમારી જવાની પણ નથી આપી શક્યા તો સિનેજગતમાંથી સૌથી વધુ ટેક્સ ભરીને દેશ પ્રત્યે વફાદારી દાખવતી વ્યક્તિને દેશદ્રોહી હહેતી વખતે જરા તો વિચાર કરવો હતો. રાજકીય પક્ષોને ફંડ રૂપે કાળાંનાણાં પધરાવ્યા એટલે તમે દેશપ્રેમી થઈ ગયા? તમારા એ પૈસાની તો અમારા દેશના કોઈ ચોપડે નાની સરખી નોંધણી સુદ્ધાં નથી.

હજુ કંઈકઃ

જે વીડિયો બાદ આખો વિવાદ થયેલો એ વીડિયો સાંભળવા નીચે ક્લિક કરો.

[embed width="640" height="480"]https://youtu.be/w0Q78FHkMME[/embed]

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.