ચાલો પરસાઈ સાથે પોપકોર્ન ખાઈએ

24 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

સાહિત્યના ચાહકો હરિશંકર પરસાઈના નામથી અપરિચિત નહીં હોય. પરંતુ મારા જેવાઓ પરસાઈનું નામ વાંચીને એકવાર માથું ખંજવાળી લેશે કે, કોણ હશે આ હરિશંકર પરસાઈ અને એમની સાથે ભલા, આપણે શું કામ પોપકોર્ન ખાવી? એવા લોકો વધુ મૂંઝાય એ પહેલા આપણે સ્પષ્ટ કરી દઈએ કે, હરિશંકર પરસાઈ હિન્દી સાહિત્યના ખ્યાતનામ લેખક હતા, જેમણે વ્યંગના માધ્યમથી એમના સમયની સામાજિક-રાજકીય વ્યવસ્થા પર ફિટકાર વરસાવેલો. પરસાઈ વિશે કહેવાય છે કે, એમની વ્યંગાત્મક ભાષા શૈલીમાં એક પોતીકાપણું હતું, જેની તરફ સમાજના તમામ વર્ગના લોકો આકર્ષાતા. એનું એક કારણ એ પણ હતું કે, પરસાઈએ જેતે સમયની ખોખલી સામાજિક વ્યવસ્થા, આઝાદી પછી ખૂબ વકરેલા ભ્રષ્ટાચાર, ધર્મમાં ચાલતા પાખંડ અને રાજકારણની વિચિત્રતાઓ પર વિવિકેપૂર્ણ પણ ધારદાર કલમ ચલાવેલી, જેમાં દેશના સામાન્ય માણસની વ્યથા અને એની હાડમારી હંમેશાં પ્રમુખ સ્થાને રહેતી. એમ કહેવાય છે કે પરસાઈ અને ઓશો રજનીશ એક જ ગામના હતા અને પરસાઈએ ઓશોને પણ સમયાંતરે અડફેટે લીધા છે. કદાચ આ જ કારણે હિન્દી સાહિત્યના જાણકારો સામાજિક નિસ્બત સાથે લખતા સાહિત્યકારોની યાદીમાં પરસાઈને પ્રેમચંદ પછીના બાજોઠે બેસાડે છે.

જોકે તમને થશે કે, આજે અચાનક પરસાઈ પુરાણ કેમ? નથી તો આ મહિને પરસાઈની જન્મતિથિ કે નથી એમની પૂણ્યતિથિ. કે નથી તો હરિશંકર પરસાઈએ એમને વર્ષ 1982માં મળેલો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પરત કર્યો તો પછી આજે બીજું કોઈ નહીં ને પરસાઈ જ કેમ? એનું કારણ માત્ર એટલું કે, એક ગુજરાતી નાટ્યકારે હરિશંકર પરસાઈના જીવન અને એમના સાહિત્યને આવરીને એક સુંદર નાટક તૈયાર કર્યું છે, જે નાટક હિન્દી ભાષી પ્રદેશોમાં અત્યંત વખણાઈ રહ્યું છે. આ નાટક એટલે 'પોપકોર્ન વિથ પરસાઈ', જેનું દિગ્દર્શન કર્યું છે જાણીતા નાટ્યકાર મનોજ શાહે.

ગુજરાતી વાચક-દર્શકને હવે મનોજ શાહની ઓળખાણ આપવાની જરૂર નથી. કારણ કે, 'હું ચંદ્રકાંત બક્ષી', 'કાર્લ માર્ક્સ ઈન કાલ્બાદેવી', 'મરીઝ', 'માસ્ટર ફૂલમણી', 'મમ્મી તું આવી કેવી' અને 'મોહનનો મસાલો' જેવા ઑફબીટ અને અપ્રતિમ નાટકો તૈયાર કરનાર આ દિગ્દર્શકે ગુજરાતી પ્રેક્ષકોને કંઈક નવીન પ્રકારના નાટકોનો પરિચય કરાવ્યો છે. આ નાટ્યકારને લેખકો-સાહિત્યકારો અને ઈતિહાસની સર્જી ગયેલી વ્યક્તિઓ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય એવું જણાઈ આવે છે. તો જ મનોજ શાહ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરીને ગાંધીજી, ચંદ્રકાંત બક્ષી, મરીઝ, ભામાશાહ , કે હરિશંકર પરસાઈ જેવી વ્યક્તિઓના જીવન પર નાટકો તૈયાર કરી રહ્યા છે. જોકે મનોજ શાહનું સામા છેડાનું સ્વિમિંગ લેખે પણ લાગી રહ્યું છે, કારણ કે, ગુજરાતી પ્રેક્ષકો એમના નાટકોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. અને ગુજરાત- મુંબઈમાં એમના નાટકો હાઉસફુલ જઈ રહ્યા છે.

આ લેખ માટે અમે મનોજ શાહને હુરતથી છેક મુંબોઈ સુધી ફોન જોડ્યો અને 'પોપકોર્ન વિથ પરસાઈ' નાટક વિશે બને એટલી વધુ માહિતી કઢાવવાનો યત્ન કર્યો. સામે છેડે મનોજ શાહે, 'બોલ વાલા' કહીને એમની વહાલુડી શૈલીમાં વાતો શરૂ કરી. ફોન પર ઈન્ટરવ્યુ હતો એટલે ચ્હા-પાણી કે જ્યુસ-શરબતનો તો સવાલ જ નહોતો એટલે આપણે એમને સીધું જ પૂછી નાખ્યું કે, 'આ બીજા કોઈ નહીં ને તમે પરસાઈ તરફ જ કેમ આકર્ષાયા?' આના જવાબમાં મનોજ શાહ કહે છે કે, 'ગુજરાતી પ્રેક્ષકો બાદ મારે બહોળા પ્રેક્ષકો સુધી વિસ્તરવું હતું અને આ માટે હિન્દી સાહિત્ય તરફ જવું અનિવાર્ય હતું. બીજી તરફ મારા સાથી અને વર્ષો જૂના મિત્ર ખ્યાતનામ અભિનેતા દયા શંકર પાંડે ('તારક મહેતા...' વાળા ચાલુ પાંડે) સાથે પણ મને એક નાટક કરવાની ઈચ્છા હતી એટલે અમે નક્કી કર્યું કે, આપણે હરિશંકર પરસાઈના જીવન પર એક નાટક તૈયાર કરીએ.'

'પોપકોર્ન વિથ પરસાઈ' નાટકનું લેખન તો હિન્દીના ખ્યાતનામ લેખક, નિલય ઉપાધ્યાયે કર્યું છે. પરંતુ નાટકની લેખન પ્રક્રિયા દરમિયાન દિગ્દર્શક મનોજ શાહ પણ પરસાઈના તમામ સર્જનોમાંથી પસાર થયા અને ધીમે ધીમે મનમાં એક સોલો નાટકનો ઘાટ ઘડતા ગયા. સોલો નાટક હોવા ઉપરાંત આ નાટકની બીજી ખાસિયત એ છે કે, નાટક દરમિયાન સ્ટેજ પર ઓછામાં ઓછી પ્રોપર્ટીનો ઉપયોગ થયો છે. પરંતુ નાટકની સ્ક્રિપ્ટ અને અભિનેતા દયા શંકર પાંડેનો અભિનય એટલા જોરદાર છે કે, સ્ટેજ પર બીજી કોઈ પ્રોપર્ટી કે ભભકદાર લાઈટિંગ્સ હોય કે ન હોય એનાથી ઝાઝો ફરક નથી પડતો. એક જ નાટકમાં લેખકના જીવન અને એમના સર્જનને આવરી લેવું અત્યંત મુશ્કેલ હોવાને કારણે 'પોપકોર્ન વિથ પરસાઈ'માં હરિશંકર પરસાઈના જીવન કરતા સર્જન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને નાટકમાં પરસાઈએ લખેલા વિવિધ વ્યંગ નિબંધોને તબક્કાવાર રજૂ કરવામાં આવ્યા છે.

લાગ મળતા જ અમે મનોજ શાહને એમ પણ પૂછી લીધું કે, 'તમે અત્યાર સુધીમાં ઘણા સોલો નાટકો તૈયાર કર્યાં છે. સોલો નાટક તૈયાર કરવા પાછળ કોઈ ખાસ કારણ?' એના ઉત્તરમાં મનોજ શાહ જણાવે છે કે, 'એ વાત સાચી કે, મેં અત્યાર સુધીમાં ઘણા સોલો નાટકો તૈયાર કર્યા છે. એની પાછળનું કારણ એ જ કે, મારે દરેક શહેર કે ગામમાં જઈને નાટકો કરવા છે. આ માટે મસમોટા સ્ટેજ કે ભભકાદાર પ્રોપર્ટીની જરૂર નથી હોતી. એના માટે નાટકની સ્ક્રિપ્ટ અને કલાકાર અત્યંત સક્ષમ હોવા જોઈએ. નાટક શરૂ થાય પછી બીજી કે ત્રીજી જ મિનિટે દર્શક પોતાના વિશ્વમાંથી નાટકના વિશ્વમાં તણાઈ જવો જોઈએ, જ્યાં એને સ્ટેજ પરના કલાકાર સિવાય બીજી કોઈ જ બાબત સાથે નિસ્બત ન હોવી જોઈએ. વળી, સોલો નાટકની વિશિષ્ટતા એ કે, અહીં એક જ કલાકારે બેથી અઢી કલાક સુધી જાદુગરી દેખાડવાની હોય છે. દિગ્દર્શક તરીકે મને આવા પડકારો ઝીલવાના ગમે છે, એટલે જ મને સોલો નાટકો તૈયાર કરવાનું ઘણું ગમે છે.'

નાટકના દિગ્દર્શક પાસે જ તમે બધી વાત કઢાવી લ્યો અને નાટકના અભિનેતા સાથે વાત નહીં કરો એ તો કેમ ચાલે? વળી, નાટકના અભિનેતા પણ ઘણું જાણીતું નામ, જેમને આપણે 'સ્વદેશ', 'લગાન' કે 'ગંગાજલ' જેવી ફિલ્મોમાં જોયા છે તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કે 'મહિમા શનિદેવ કી' જેવી ટેલિવિઝન સિરિયલ્સમાં પણ એમણે દમદાર અભિનય કર્યો છે. એટલે પત્રકારત્વના નામે આપણને આવા ગજાના કલાકાર સાથે વાત કરવા મળતી હોય તો એ તક કોણ જતી કરે? દયા શંકર પાંડેને ફોન જોડ્યો ત્યારે આપણને પણ સામાન્ય ફેનની જેમ ચટપટી તો થતી જ હતી, પરંતુ દયા શંકર પાંડે ફોન રિસિવ કરે એ પહેલા આપણે પત્રકારની ઘુવડ ગંભીર મુદ્રામાં આવી ગયા. આખરે આપણે પણ કંઈ ઓછા એક્ટર છીએ?

'હેલ્લો...' સામેથી ભારેભરખમ અવાજ કાને પડતા અમે દયા શંકર પાંડેને અમારી ઓળખાણ આપી અને પછી મનોજ શાહ સાથે તૂટેલી વાતોનો દોર એમની સાથે સાંધ્યો. અમે એમને પૂછ્યું કે, 'ફિલ્મો અને ટેલિવિઝનની વ્યસ્તતા વચ્ચે તમે નાટકનું આ પાત્ર કયા કારણોસર સ્વીકાર્યું?' અભિનેતાએ જવાબ આપ્યો કે, 'કોઈ પણ અભિનેતાનું એક સપનું હોય છે કે, એ પોતાના અભિનય દ્વારા સતત દોઢથી બે કલાક સુધી દર્શકોને વશીભૂત કરે. આવા પડકારો ઝીલવાથી અભિનેતાને ગજબનું સુખ મળે છે. આવું કરવાથી કલાકારને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય એવો સંતોષ મળે છે અને મને એ સુખ મેળવવાની, એ પડકાર ઝીલવાની છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી. એમાંય જ્યારે તમે થિયેટરમાં આવા પડકારો સ્વીકારો છો, ત્યારે એની મજા કંઈક અલગ જ હોય છે. કારણ કે, અહીં તમારે કેમેરા સામે નહીં પરંતુ જીવતા જાગતા લોકો સામે એક્ટ કરવાનું હોય છે. આ કારણે જ મેં આ ભૂમિકા સ્વીકારી.'

મનોજ શાહ અને દયા શંકર પાંડે છેલ્લા ત્રણ દાયકાથી એકબીજા સાથે સંકળાયેલા છે. દયા શંકર પાંડે તો ત્યાં સુધી કહે છે કે, 'મને જ્યારે પણ નાટક કરવાનું મન થાય છે ત્યારે હું માત્ર મનોજ શાહ પાસે જ પહોંચી જાઉં છું.' મનોજ શાહના નાટક 'મરીઝ'માં દયા શંકર પાંડેએ જાણીતા લેખક મન્ટોનો નાનકડો રોલ પણ કર્યો હતો. આ બેલડી છેલ્લા ત્રણેક વર્ષથી પરસાઈના જીવન-લેખન પર નાટક તૈયાર કરવાનું વિચારી રહી હતી, જ્યાં લાંબી રિસર્ચ પ્રક્રિયા બાદ લેખક નિલય ઉપાધ્યાયની મદદથી એમણે 'પોપકોર્ન વિથ પરસાઈ' તૈયાર કર્યું.

ગયા વર્ષે મુંબઈના એનસીપીએના સેન્ટર સ્ટેજ ફેસ્ટિવલમાં આ નાટક પહેલી વખત ભજવાયું હતું, જ્યાર બાદ ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં અનેક વખત 'પોપકોર્ન વિથ પરસાઈ' ભજવાયું છે. નાટકમાં રજૂ કરાયેલા વ્યંગ અને દયા શંકર પાંડેના અભિનયને કારણે દર્શકો તરફથી આ નાટકને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. તો નાટકમાં રજૂ કરાયેલું કનૈયાનું સંગીત પણ નાટકમાં ચાર ચાંદ લગાવે છે. ઉત્તર ભારતની યુનિવર્સિટીઓમાં તો હિન્દી સાહિત્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ આ નાટકના શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વચ્ચે મુંબઈ યુનિવર્સિટીમાં જ્યારે વ્યંગ સાહિત્ય પર એક કોન્ફરન્સ થયેલી ત્યારે આપણા ગુજરાતી નાટ્યકારના આ હિન્દી નાટક પર વિશેષ ચર્ચા થયેલી અને હિન્દી સાહિત્યના અભ્યાસુઓ અને વિવેચકોએ થાળ ભરી શગ મોતીડે આ નાટકને વધાવ્યું હતું.

...અને હવે આ નાટક પહેલી વાર ગુજરાતમાં ભજવાવા જઈ રહ્યું છે. સુરતમાં આગામી સપ્તાહથી એક મજાનો કહાની ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં આ નાટક 29મી નવેમ્બરે સાંજે સાડા-પાંચે સાયન્સ સેન્ટર ખાતે ભજવાશે. આ લખનાર તો આમ પણ મનોજ શાહના ચાહક છે એટલે સ્પેશિયલ લોચો અને ભૂસું લઈને મનોજ શાહ અને દયા શંકર પાંડેને મળવા જવાના, પણ રવિવારનો દિવસ છે તો દક્ષિણ ગુજરાતમાં વસતા અન્ય વાચકોએ પણ આ નાટક ચૂકવા જેવું નથી. અને જે દૂરના દર્શકોથી આ નાટક નહીં જોઈ શકાય એમણે નાટક જોવા માટે સુરત સુધી નહીં લંબાવાનું, પણ પોતાના શહેરમાં જ આ નાટક તેડી લેવાનું, જેથી બીજા લોકોને પણ એનો લાભ મળે.

ફીલ ઈટઃ

નિંદા અપના ઔર સામને વાલે કા મનોરંજન કરતી હૈ

નિંદા મેં પ્રોટીન ઔર વિટામિન હૌતા હૈ, નિંદા પાચન પ્રક્રિયા ઠીક કરતી હૈ

-'પોપકોર્ન વિથ પરસાઈ'નો એક ડાયલોગ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.