ફિલમની ચિલમ અને કુમારોની કથા

19 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

આપણા ગુજરાતના ગૌરવસમા બોલિવુડ એક્ટર હરિહર જરીવાલા એટલે કે, સંજીવ કુમાર જ્યારે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરવાના હતા ત્યારે એમનું નામ સંજીવની જગ્યાએ ગૌતમ કુમાર રાખવાનું નક્કી કરાયેલું એ વિશેની વાતો તમને ખબર છે? 'જાનીઈઈઈ… યે ચાકુ હૈ...' વાળા રાજકુમાર એમની કરિયર દરમિયાન એક પણ ફિલ્મના ડાયલોગમાં 'જાની' નહોતા બોલ્યા એ વિશે તમને ખબર છે? અભિનેતા અશોક કુમારે કંઈક અંશે ઉતરતી કક્ષાનું કહી શકાય એવું અભિનયનું કામ ક્યારેય કરવું જ નહતું અને એમને જબરજસ્તીથી ફિલ્મોમાં અભિનયનું કામ આપનાર વ્યક્તિ આગળ અશોક કુમારે આવું હલકુ કામ નહીં સોંપવાની કાકલૂદી કરેલી એ વિશે તમને ખબર છે?

કદાચ નહીં ખબર હોય. અને ખબર પણ હોય તો આ બધા કુમારોની બીજી કેટલીક વાતોથી તમે જરૂર અજાણ હોવાના અથવા જો એમના વિશેની જાણકારી તમને હશે તો એ આધીઅધૂરી અથવા અફવાઓના વઘાર સાથેની તડકામાર માહિતી જ હોવાની. તો પછી હિન્દી ફિલ્મો અને બોલિવુડ સ્ટાર્સ વિશેની ઑથેન્ટિક માહિતી મેળવવી ક્યાંથી? અંગ્રેજીમાં તો નસરીન મુન્ની કબિર જેવાઓના અનેક પુસ્તકો મોજૂદ છે. પણ ગુજરાતી વાચકનું શું? જોકે ગુજરાતના સિનેમા લવર્સ માટે આ બાબતે સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ આપણી ભાષામાં એક મસાલેદાર નહીં પણ, મજેદાર પુસ્તક લોન્ચ થયું છે. એ પુસ્તક એટલે 'કુમારકથાઓ... ફેસબુકના ફળિયે!', જેના લેખક છે આપણા સૌના પ્રિય લેખક સલિલ દલાલ.

સરળ દલાલ કહેવાનું મન થઈ આવે એવી સરળતાના માલિક લેખક સલિલ દલાલની અખબારી કૉલમ 'ફિલમની ચિલમ' વિશે ગુજરાતી વાચક  માહિતગાર  છે. વળી, બૃહત વર્ગ એવો છે, જે આ કૉલમનો ચાહક વર્ગ છે. ગુજરાતની બે પેઢી આ કૉલમ વાંચીને ઉછરી છે અને આ કૉલમ વાંચીને જ સિનેમા જેવા માધ્યમમાં અનેક ગુજરાતીઓની રસ-રુચિમાં અભિવૃદ્ધિ થઈ છે. 'ફિલ્મની ચિલમ' કૉલમની સફળતાનું કારણ માત્ર એમાં આવતી રસપ્રદ માહિતી જ નહીં, પરંતુ કૉલમમાં આલેખાયેલી શૈલી અને એમાં સમાવાયેલા હ્યુમરના તણખાના પણ લોકો ડાઈહાર્ડ ફેન હતા. પણ, ફિલ્મની આ ચિલમ સળગી કઈ રીતે? અને એ ચિલમ દાયકાઓ સુધી મશાલ પેટે ઝળહળતી રહી એની પાછળના કારણ શું? જોકે બીજે ક્યાંક ખાંખાંખોળા કરવા કરતા એના મૂળ શોધવા અમે સલિલ સા'બના શરણે ગયા અને સીધું એમને જ આ બાબત લગતું પૂછી લીધું.

સલિલ સા'બ જણાવે છે કે, વર્ષ 1974ની આસપાસ આણંદમાં એમના ભાઈ જોડે એમણે એક સાપ્તાહિક શરૂ કરેલું. એ સાપ્તાહિક આમ ભલે નાનું કહેવાતુ પરંતુ એના દિવાળી અંકમાં બક્ષીથી લઈને વિઠ્ઠલ પંડ્યા સુધીના જાણીતા સાહિત્યકારોની વાર્તાઓ કે વિનોદ ભટ્ટના હાસ્યલેખો આવતા. સીત્તેરના એ દાયકામાં સલિલ સા'બ અને એમના ભાઈનું નેટવર્કિંગ પણ એટલું જોરદાર હતું કે તેઓ તે સમયના મોટાભાગના સાહિત્યકારોને ત્યાં એમનું સાપ્તાહિક પહોંચાડતા. એ જ સાપ્તાહિકમાં સલિલ દલાલ 'ફિલમની ચિલમ' પણ લખતા, જોકે ત્યારે ન તો એ કૉલમ સાથે કોઈ લેખકનું નામ છપાતું કે, નહીં તો હસમુખ ઠક્કરે સલિલ દલાલ જેવું પેન નેમ અપનાવેલું!

એ દરમિયાન હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એ સાપ્તાહિકમાં છપાતી 'ફિલમની ચિલમ' કૉલમ નિયમિત વાંચતા અને તેમની હીરાપારખુ નજરે એ વાત નોંધી લીધી કે, આ કૉલમ માત્ર આણંદ પૂરતી સીમિત રહી જાય એ યોગ્ય નથી. એટલે લાગ આવતા એમણે 'સંદેશ'માં વાત કરી કે, ‘આ કૉલમ અહીં ચાલુ કરાય તો મોટા વાચક વર્ગને કંઈક અલગ અને રસપ્રદ માહિતી મળે એવું છે.’ નસિબજોગે યોગ્ય રીતે બધી ગોઠવણ થઈ પણ ગઈ અને વર્ષ 1978ના મે મહિનાથી 'ફિલમની ચિલમ' 'સંદેશ'માં શરૂ થઈ, જેની સાથે જ સલિલ દલાલનું નામ કહો તો નામ અને બ્રાન્ડ કહો તો બ્રાન્ડનો જન્મ થયો. આ બાબતે સલીલ સા’બ ફિલ્મી પુરક માહિતી પણ આપે છે કે, ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મ રિલીઝ થયાના બીજા શુક્રવારથી ‘સંદેશ’ને પાને ‘ફિલમની ચિલમ’ સળગી હતી!

પોતાનું સાપ્તાહિક ચાલતું હતું ત્યારે દલાલ સાહેબ સિનેમા ઉપરાંત પત્રકારત્વ અંગેનું લેખન કે હાસ્ય લેખો પણ લખી ચૂક્યા હતા. પરંતુ એક તબક્કે એમણે એમ નક્કી કર્યું કે, એમણે જનરલ ફિઝિશ્યન બનવા કરતા દાંતના ડૉક્ટર બનવું છે. એટલે કે, તમામ વિષયો પર કલમ ચલાવવા કરતા એમણે એક જ વિષય પર કલમ ચલાવીને સ્પેશિયાલિસ્ટ બનવું છે. એટલે એમણે બાકી બધા વિષયો પર લખવાનું બંધ કર્યું અને ફિલ્મો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મો પણ કઈ? તો કે, ગુજરાતી ફિલ્મો પણ નહીં કે નહીં હોલિવુડ અથવા વર્લ્ડ સિનેમા. માત્ર ને માત્ર હિન્દી સિનેમા જ! મજાની વાત એ છે કે, ફિલ્મો વિશે લખતા આ કૉલમનિસ્ટ એમની કૉલમ લખવા માટે ક્યારેય મુંબઈ જઈને સ્ટાર્સની મુલાકાત લઈ આવ્યા હોય એવું બન્યું નથી. તમને ખ્યાલ હોય તો આપણા જાણીતા શાયર ખલિલ ધનતેજવી મુંબઈ જઈને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુઝ લઈ આવતા ખરા. અરે ખલિલ સાહેબ તો દેશભરના એવા જૂજ પત્રકારોમાંના એક હતા, જેમણે રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાના લગ્નમાં પણ હાજરી આપેલી, અને ગુજરાતી ભાષામાં એ લગ્નનો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ પ્રકાશિત કરેલો! પણ સલીલ સા'બની બાબતે આવું કશું ન હતું.  તેઓ આ બાબતે અનેક વખત છોછ વિના કહી અને લખી ચૂક્યા છે કે, કૉલમોમાં તેઓ જે માહિતી પીરસે છે એ માહિતી સેકન્ડ હેન્ડ છે!

વળી, કોઈકને સવાલ થશે કે, સેકન્ડ હેન્ડ એટલે શું? ગુજરાતી અખબારોની પસ્તી તૈયાર કરતા કેટલાક ઉતારાબાજ કૉલમનિસ્ટોની જેમ સલિલ સા'બ પણ કૉલમને નામે અંગ્રેજીમાંથી ઊતારા કરતા હશે કે શું? પણ નહીં. સલિલ સાહેબની આખી ટેક્નિક અલગ છે. આજની પેઢીના સંશોધકો-પત્રકારોએ આ ટેક્નિક નોંધી લેવા જેવી છે. સલિલ સા'બને હિન્દી ફિલ્મ સંબંધિત સામયિકો અને એમાં છપાતા ઈન્ટરવ્યુઝ કે સમાચારો વાંચવાનો શોખ તો છે જ, પરંતુ એ શોખની સાથે એમને એ સામગ્રીનો સંગ્રહ કે ડૉક્યુમેન્ટેશનનો પણ શોખ છે, જેને કારણે એમની પાસે  સંખ્યાબંધ કબાટોમાં સમાય એટલી સ્ટારડસ્ટ, ફિલ્મફેર કે અન્ય કોઈ પણ ફિલ્મી સામયિક કે ફિલ્મને લગતી ન્યુઝ આઈટમ્સની જૂની ફાઈલ્સ હાજરાહજૂર છે.

તેઓ જ્યારે પણ વિષય પસંદ કરીને લેખ લખવા બેસે છે ત્યારે તેઓ એમના એ વિશાળ સંગ્રહમાં ડૂબકી મારી જે-તે સ્ટારે ભૂતકાળમાં આપેલા ઈન્ટરવ્યુ કે એમના સાથી કલાકારો વિશે એમણે કહેલી વાતોનો રેફ્રન્સ લઈ તેઓ લેખમાં ટાંકે. જોકે જે-તે ઘટના કે કિસ્સો ટાંક્યા પછી લેખમાં સલિલ સા'બ પોતાનો યુનિક દૃષ્ટિકોણ પણ વ્યક્ત કરે અને અત્યંત રસાળ શૈલીમાં આખી વાતને લેખમાં રજૂ કરે. સલિલ દલાલ કહે છે એમ, 'ફિલ્મો વિશેના મારા લેખોમાં ન્યૂઝ, વ્યૂઝ અને રૂમરની સાથે હું હ્યુમરનું પણ ખાસ ધ્યાન રાખું છું. મને જો એમ લાગે કે, લેખ બહુ બોરિંગ છે કે, એ સાવ શુષ્ક છે તો હું લેખમાંની કેટલીક વિગતોને બાદ કરીને શૈલીમાં ફેરફાર કરતા પણ ખચકાતો નથી. વાચકને વાંચતી વખતે મજા આવે એ મારી પ્રાથમિકતા હોય છે.'

આપણે જે પુસ્તક સંદર્ભે આ કથા માંડી છે એ પુસ્તક ‘કુમારકથાઓ…’ના લેખો તો એમણે છેક હમણા ગુગલ અને મોબાઈલ એપ્સના જમાનામાં આલેખી છે. પણ આ લેખો તૈયાર કરવા પણ એમણે પોતાની સામગ્રીનો જ ભરપૂર ઉપયોગ કર્યો છે. ક્યાંક કોઈ બાબતે વિગત દોષ જેવું લાગે તો હરિશ રઘુવંશી જેવા ઉસ્તાદોને પૂછીને વિગતની ખરાઈ કરી લે, પરંતુ એક જ ઘટનાના ત્રણ ચાર વર્ઝન ધરાવતા ઈન્ટરનેટનો એમણે માહિતીની બાબતે નહીંવત ઉપયોગ કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 2008માં જ્યારે તેઓ કેનેડા શિફ્ટ થયાં ત્યારે તેમણે એમના અથેતિ ડૉક્યુમેન્ટ્સ સ્કેન કરાવી લીધેલા અને કેનેડાની ધરતી પર એમણે લેખનની નવી સિઝન શરૂ કરી.

હવે પુસ્તક પર આવીએ. 'કુમારકથાઓ... ફેસબુકના ફળિયે' પુસ્તકનું સર્જન અત્યંત નોખી રીતે થયું છે. અત્યાર સુધી એવું બન્યું છે કે, કોઈક પુસ્તકમાંની માહિતી ફેસબુક પર સ્ટેટ્સ કે નોટ્સ તરીકે મૂકાઈ હોય. પરંતુ 'કુમારકથાઓ'ના સંદર્ભે એવું બન્યું છે કે, આ પુસ્તકમાંના લેખો પહેલા ફેસબુક પર પ્રકાશિત થયાં હતા. અને પછીથી ફેસબુક પરની સફળતા અને લેખમાંની માહિતીના ચિરંજીવીપણાને ધ્યાનમાં રાખીને તેને પુસ્તકનું રૂપ આપવામાં આવ્યું. આ કારણે જ પુસ્તકના નામમાં 'ફેસબુકના ફળિયે' જેવા શબ્દો જોડવામાં આવ્યા છે. ' સલિલ સા'બને કુમાર સિરીઝનું નામ 'કુમારની અગાસી' રાખવાની ઈચ્છા હતી, પરંતુ ગગનવાલા મધુ રાયે આ બાબતે કંઈક બીજુ વિચારવની ટકોર કરી એટલે પછી કુમારની અટારી નક્કી કરાયું. જોકે પાછળથી જાણીતા પત્રકાર ઉર્વિશ કોઠારીએ 'કુમારકથાઓ' નામ સૂચવ્યું અને એ જ નામ ફાઈનલ થયું.

‘કુમારકથાઓ...’માં બોલિવુડના પાંચ કુમારો અશોક કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને કિશોર કુમારની ફિલ્મી કરિયર તેમજ એમના જીવન વિશેની રસપ્રદ વાતો આલેખવામાં આવી છે. રસાળ શૈલીમાં આલેખાયેલી આ વાતોમાં આ કુમારોની ફિલ્મી કરિયરની શરૂઆતથી લઈને એમના અવસાન સુધીની કેટલીક મહત્ત્વની વાતો આવરી લેવામાં આવી છે. પાંચેય કલાકારોના અંગત જીવનની ખટ્ટમીઠી વાતો હોય કે એમણે છોડેલી ફિલ્મો કે દિગ્દર્શકો સાથેના એમના સંબંધ, એમના અંગત શોખ, એમની માન્યતાઓ કે શૂટિંગ દરમિયાન સેટ પર એમની શિસ્ત હોય. આ બધી વાતો પુસ્તકમાં બેનમૂન વણી લેવાઈ છે. પુસ્તકમાં વર્ણવાયેલા કિસ્સા અહીં આલેખીને વટાણા વેરી દઈશું તો પુસ્તકને અન્યાય થશે, પરંતુ આ પાંચેય કુમારના ચાહકોએ આ પુસ્તક ચૂકવા જેવું નથી. અધૂરામાં પૂરું પુસ્તકનો લે-આઉટ અત્યંત આકર્ષક રીતે તૈયાર કરાયો છે. કોફીટેબલ સાઈઝના આ પુસ્તકના દરેક પાને વાચકોની કોમેન્ટ્સ પણ પ્રકાશિત કરાઈ છે. તો ફેસબુક પર જ્યારે સિરીઝ પ્રકાશિત થયેલી જેટલા વાચકોએ કોમેન્ટ્સ કે લાઈક્સ દ્વારા એ લેખોને વધાવેલા એ તમામ વાચકોના નામ પણ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. ઈનશોર્ટ પુસ્તક બધી રીતે લાજવાબ છે, બેમિસાલ છે. બહોત ખૂબ બહોત ખૂબ. થેંક યુ સલિલ સા’બ.

ફીલ ઈટઃ

‘કુમારકથા…’ના પાના કરિના કપૂર જેવા ઝીરો ફીગર નહીં, પણ વિદ્યા બાલન જેવા મસ્ત મજાના છે.

-સલિલ દલાલ 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.