એક અનોખી યાત્રાનો અંત

17 May, 2016
12:05 AM

અંકિત દેસાઈ

PC:

ફોટો સાધક વિવેક દેસાઈ અને નાગા સાધુ સિરીઝનો આ પાંચમો અને છેલ્લો લેખ. નાગા સાધુઓ સાથેના એમના અનુભવો વિશેની વાતો એમણે 'ઈસ ઘટ અંતર અનહદ ગરજે...' નામની એમની સ્મરણકથામાં આલેખી છે. આ સિરીઝમાં અત્યાર સુધી આપણે જે આસ્વાદ માણ્યો એ આ સ્મરણકથાને જ આભારી છે. અત્યાર સુધી આપણે વિવેક દેસાઈની ફોટોગ્રાફી માટેની પેશન, અલાહાબાદ અને બનારસમાં નાગા સાધુઓ સાથેના અલૌકિક અનુભવો, નાગા સાધુઓના ગુરુ પ્રાણગિરિસ્વામી પાસે એમણે લીધેલી પરવાનગી, સાધુઓ સાથેનો એમનો પહેલો દિવસ અને વિદેશી મિત્ર યેલ સાથે કૅમેરા અને બેટરી માટે કરેલી ગોઠવણ જેવી રસપ્રદ અને રોમાંચક વાતો માણી. આજે એક અઘોરી બાવા સાથે તેમજ મહાશિવરાત્રીના દિવસે વિવેક દેસાઈને નાગા સાધુઓ સાથે જે અનુભવો થયેલા એ વિશે જોઈએ.

આ કિસ્સો અત્યંત દિલધડક અને રોમાંચક છે. નાગા સાધુઓ સાથે રહેતી વખતે વિવેક દેસાઈએ એક વાત ઑબ્ઝર્વ કરેલી કે એમના ટેન્ટથી બે ટેન્ટ દૂર રહેતો એક સાધુ અન્ય નાગા સાધુઓ કરતા કંઈક નોખો તરી આવતો હતો. એ દેખાવે પણ થોડો વિચિત્ર અને ડરામણો લાગે અને એ રહે પણ એકલો જ. ક્યારેક એને વિચિત્ર અવાજો કાઢતા પણ વિવેકે જોયેલો. કુતૂહલવશ વિવેકે એમના ટેન્ટના એક સાધુ ચંદનગિરિને એ સાધુ વિશે પૂછ્યું. ચંદનગિરિએ જાણકારી આપી કે, જટાયુ નામનો એ સાધુ અઘોરી હતો અને મડદાનું લોહી પીને એનું પેટ ભરતો હતો. રોજ સાંજે એ ગંગા તરફ જતો અને રાત્રે મોડેથી પરત ફરતો. એની પાસે કંઈક ચમત્કારિક શક્તિ હતી, પણ વિવેક દેસાઈએ જટાયુથી દૂર રહેવું એવી ચંદનગિરિએ એમને હિદાયત આપી. જોકે વિવેકે જટાયુ પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે ચંદનગિરિ એમને જટાયુ પાસે લઈ ગયા. શરત માત્ર એટલી જ કે જટાયુ સાથે વાત કરતી વખતે એની આંખમાં આંખ નાંખીને વાતો નહીં કરવી!

ચંદનગિરિએ જટાયુ સાથે વિવેકની ઓળખાણ કરાવી આપી. લકીલી જટાયુએ સાંજે વિવેકને એની સાથે ગંગા કિનારે આવવાની પરવાનગી પણ આપી. જોકે એણે કૅમેરાને સાથે લેવાની મનાઈ ફરમાવી એટલે ગંગા કિનારે જટાયુની ગતિવિધિની ફોટોગ્રાફી કરવાની તક હાથમાંથી સરી ગઈ. વિવેકને હવે જટાયુ સાથે જવામાં ઝાઝો રસ નહોતો, પણ જો તેઓ જટાયુ સાથે જવાની ના પાડે તો જટાયુ અને ચંદનગિરિ એમ બંને સાધુઓનો ખોફ વહોરવા પડતે. આખરે સાંજે ચાર વાગ્યે વિવેક જટાયુ પાસે પહોંચે છે અને એ બંને જણા ગંગા તરફ ચાલી નીકળે છે. છ ફૂટની કદાવર કાયા ધરાવતો જટાયુ હાથમાં કમંડળ લઈને આગળ ચાલતો જતો હતો અને પાછળ વિવેક ઓમ નમઃ શિવાયના જાપ કરતા ચાલતા હતા.

ગંગાને કિનારે કિનારે બે-ત્રણ કિલોમીટર ચાલી નાંખ્યા બાદ એક જગ્યાએ જટાયુ થંભી ગયો. સાંજ થઈ ગઈ હતી અને ઠંડીનો ચમકારો સખત હતો, જેના કારણે પાંચેક વાગ્યાના સમયે પણ ગંગા કિનારો નિર્જન થઈ ગયેલો અને ગાઢ ધુમ્મસના આલિંગનમાં પોઢી ગયેલો. કિનારે પહોંચીને જટાયુએ ખોબામાં ગંગાનું પાણી લીધું અને કંઈક ગણગણ્યો. ગંગા તરફ જોઈને એ વિચિત્ર પ્રકારના અવાજો કાઢવા માંડ્યો અને નાનાં બાળક્ની જેમ કૂદાકૂદ કરવા માંડ્યો. વળી, થોડી જ ક્ષણોમાં ડાહ્યો થઈને જમીન પર પલાંઠી વાળીને બેસી ગયો. જટાયુની હરકતો જોઈને વિવેક દેસાઈના શ્વાસના ધબકારાની ગતિ વધી ગયેલી, પરંતુ જટાયુનો ખેલ જોયા વિના હવે કોઇ છૂટકો ન હતો.

કિનારે પલાંઠી વાળીને બેઠેલા જટાયુએ અચાનક ગંગા તરફ એક હાથ લાંબો કર્યો અને કંઈક મંત્રજાપ કરવા માંડ્યો. ગંગાનો પ્રવાહ એની ગતિમાં વહી રહ્યો હતો અને ઘુમ્મસને કારણે ત્રણ-ચાર મીટરથી આગળ કશું દેખાતું ન હતું. દસેક મિનિટ બાદ એણે 'આજા બેટા... આજા...' કહીને ત્રાડ નાંખી અને અટ્ટહાસ્ય કરતો એ કૂદવા માંડ્યો. વિવેકે જોયું કે, ગંગાના પ્રવાહથી ફંટાઈને એક લાશ જટાયુ તરફ આવી રહી હતી. વિવેકને આશ્ચર્ય ત્યારે થયું, જ્યારે એ મૃતદેહ સીધો જટાયુના પગ પાસે આવીને ઊભો રહ્યો. આવા સમયે આપણને બે સવાલ થાય કે, નદીમાં તરતો મૃતદેહ પ્રવાહથી ફંટાઈને બીજી દિશામાં કઈ રીતે જઈ શકે? અને ધારો કે એ ફંટાઈને બીજી દિશામાં જાય તો પણ એ માત્ર જટાયુના પગ પાસે જ કઈ રીતે આવે? જોકે અલૌકિકતાને લોજિક સાથે ક્યારેય કોઇ સંબંધ નથી રહ્યો એટલે આ સવાલોના જવાબ શોધવાની નાહકની મથામણ નહીં કરીએ તો જ ભલું.

જટાયુએ મૃતદેહના ચહેરા પર ગંગાનું પાણી છાટ્યું અને એની આંખો પહોળી કરી જોઈ. મૃતદેહની આંખોમાં પણ એને કયા ભાવ વંચાયા હશે એ તો જટાયુ જ જાણે પણ, વિવેક દેસાઈ તરફ જોઈને એ બોલ્યો, 'યે બહોત લુચ્ચા આદમી થા... ઈસને બહુત લોગોં કો નુકસાન પહોંચાયા હૈ, મેં ઉસે નહીં છોડૂંગા...' આટલું કહીને એણે મૃતદેહની બંને આંખો બહાર ખેંચી કાઢી. એ બંને આંખોને કિનારા પરની જમીન પર ગોઠવી અને એની આસપાસ એક કૂંડાળું કરીને કંકુથી રેખા દોરી. આ બધુ જોઈને વિવેક હચમચી ગયેલા અને નિર્વિકલ્પ એ ખેલ જોતા રહેલા.

પછી જટાયુએ એના ખિસ્સામાંથી દાતરડા જેવું તીક્ષ્ણ ધારવાળું હથિયાર કાઢ્યું અને મૃતદેહના ગળા પર ઘા કરીને એના બે ટૂકડા કરી નાંખ્યા. માથાનો ભાગ હાથમાં લઈ એણે પાણીથી ધોયો અને એમાંથી માંસના લોચા કાઢીને માત્ર ખોપડી જ બાકી રહે એ રીતે એ એણે ખોપડી સાફ કરી. નાળિયેરમાનું પાણી ચેક કરવા આપણે નાળિયેર હલાવીએ એમ એણે એ ખોપડી હલાવી જોઈ અને ફરી એને પાણીથી ધોઈ નાંખી. ખોપડી લઈને જટાયુ આંખો પાસેના કુંડાળા પાસે ગયો અને કુંડાળાના ચાર ચક્કર માર્યા. ખોપડીને સહેજ ઉંચી કરી અને એની ખોપડીની મધ્યમાં પેલા તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યો. ઘા કરતા જ ખોપડીમાંથી લોહીની ધાર ફૂટી અને જટાયુએ એમાં મોઢું માર્યું. જ્યાં સુધી લોહી નીકળતું રહ્યું ત્યાં સુધી જટાયુ એ પીતો રહ્યો અને એનો ચહેરો લોહીઝાણ થતો રહ્યો.

લોહી પૂરું થયું એટલે એણે મોટો ઓડકાર ખાધો અને ગંગાના પાણીથી પોતાનો ચહેરો સાફ કર્યો. સાથે પેલી ખોપડી પણ ધોઈ નાંખી અને કિનારે આવીને પેલી બે આંખોનો ગંગામાં ઘા કર્યો. પછી એ સહેજ પાણીમાં ઉતર્યો અને નમસ્કાર કરીને પેલા ધડને પાણીમાં વહેડાવી દીધું. મૃતદેહને ફરી જાણે ગતિ મળી હોય એમ એ ઝડપભેર વહેવા માંડ્યો અને થોડી જ પળોમાં એ દેખાતો બંધ થઈ ગયો. મૃતદેહ દેખાતો બંધ થયો ત્યાં સુધી જટાયુ નમસ્કારની મુદ્રામાં ઊભો રહ્યો અને પછી પેલી ખોપડીને એના થેલામાં નાંખીને એણે ટેન્ટ ભણીની વાટ પકડી. અંઘારું થઈ ચૂક્યું હતું અને જટાયુની ચાલવાની ઝડપ એટલી વધુ હતી કે, એણે દસેક મિનિટમાં ત્રણેક કિલોમીટર ચાલી કાઢ્યું! સ્મરણકથામાં આ વિશે વિવેક દેસાઈ લખે છે કે, આ ઘટના પછી મારું મગજ સુન્ન મારી ગયેલું. ટેન્ટ પર ચિલમનો દોર ચાલું હતો, પણ વિવેક કોઇની સાથે બોલવાની સ્થિતિમાં ન હતા એટલે ચિલમના ત્રણ ઊંડા કશ મારીને ઉંઘી ગયા.

સાધુઓની સવારની સાધના અને ધ્યાનના સમયને બાદ કરવામાં આવે તો સાધુઓના જીવનમાં કશી જ નવીનતા હોતી નથી. આખો દિવસ તેઓ ચિલમ ફૂંકતા રહેતા અને કંઈ જ કર્યા વિના દિવસ પસાર કરતા. પાંચ- છ દિવસ સુધી વિવેકે એમના અઢળક ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા, પણ હવે એમને મોનોટોનીની ફોટોગ્રાફી કરવાનો કંટાળો આવતો હતો. એવામાં મહાશિવરાત્રિનો દિવસ આવી ગયો. મહાશિવરાત્રિનો દિવસ નાગા સાધુઓ માટે અત્યંત મહત્ત્વનો દિવસ હોય. આ દિવસે તેઓ મળસકે બે-ત્રણ વાગ્યે ઊઠી પડે અને આખા શરીરે ભસ્મ ચોપડીને ગલગોટાના ફૂલથી દુલ્હનની જેમ તૈયાર થાય. વિવેકે પણ શરીરે ભસ્મ ચોપડી અને ગળે ગલગોટાનો હાર પહેર્યો.

હરિશ્ચંદ્ર ઘાટ પરથી વહેલી સવારે જુલૂસ નીકળ્યું, જે બે કલાક પછી કાશીવિશ્વનાથના મંદિરે પહોંચ્યું. મહાદેવના દર્શન થવાના હોવાનાથી નાગા સાધુઓ અત્યંત ઉત્સાહમાં હતા. આનંદની છોળો વચ્ચે બાવાઓ વિવેકને જાતજાતના પૉઝ આપી રહ્યા હતા. એ ફોટોગ્રાફ્સ ક્લિક કરવાની એમને ખૂબ મજા આવી. ટોળું મંદિર પાસે પહોંચ્યું ત્યારે દ્વાર પર બાવાઓના કમંડળ અને લાકડીઓ ઉઘરાવી લેવામાં આવતી હતી. મંદિરમાં કશું પણ લઈ જવાની મનાઈ હતી. વિવેક દેસાઈએ પણ 'દર્શન કરને કે બાદ લેકે જાતા હું...' એમ કહીને એમનો કૅમેરા એક જવાનને આપી દીધો. કૅમેરાવાળા આવા નાગા સાધુને જોઈને પેલા જવાનને પણ આશ્ચર્ય થયું, પણ બાપડો કશું બોલ્યો નહીં. બાવાઓના ઉત્સાહ સાથે વિવેક ગર્ભગૃહમાં પ્રવેશ્યા. વાતાવરણ એટલું એનર્જેટીક હતું કે, બધાની સાથે એમણે પણ જોરજોરથી 'હર હ મહાદેવ'ના નારા લગાવ્યા અને કાશીવિશ્વનાથ ના દર્શન કર્યા. બહાર આવીને પેલા જવાન પાસે પોતાનો કૅમેરા લીધો ત્યારે એમણે જવાનને એમની હકીકત જણાવી. કામ પ્રત્યેના વિવેકના આવા સમર્પણભાવને જોઈને પેલો જવાન પણ વિવેકને ભેટી પડ્યો.

મંદિરથી હરિશ્ચંદ્ર ઘાટ એકાદ કિલોમીટરના અંતર પર હતો. રસ્તે ચાલતા ચાલતા વિવેકને થયું કે, આ યાત્રા હવે અહીં અટકાવવી જોઈએ. આવતી કાલે સવારથી હું ફરી સંસારિક જીવન શરૂ કરું! કૅમ્પ પર પહોંચીને કૅમ્પના મુખ્ય ગુરુજીને કહ્યું, 'મેં કલજાના ચાહતા હૂં...' ગુરુજીએ અખાડાના એક સાધુને વિવેકના કપડાં પરત કરવાનો આદેશ કર્યો. ગુરુજીએ એમને કહ્યું, 'સુબહ ક્યૂ...? અભી નિકલ પડો... સબ જા હી રહે હૈ... હમ ભી દો તીન દિનો મેં નિકલ જાએંગે...' ગુરુજીની વાત માનીને વિવેકે કપડાં પહેરી લીધા અને ત્યારે જ ત્યાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. આઠ દિવસ સુધી ગંગા કિનારે સાધુઓ વચ્ચે દિગંબર અવસ્થામાં બેસતા વિવેકને અનેક લોકો સાધુ સમજીને પગે લાગતા અને કંઇક દક્ષિણા દઈ જતાં. આઠ દિવસમાં એમની પાસે 6,734 રૂપિયા ભેગા થયેલા. સાધુઓએ વિવેકને એ દક્ષિણા પોતાની સાથે લઈ જવા કહ્યું, પણ વિવેકે એમ ન કરતા અખાડાના રસોડામાં એ રકમ જમા કરાવી દીધી.

પ્રાણગિરિસ્વામીને મળવાની વિવેકને ઇચ્છા હતી, પણ પ્રાણગિરિસ્વામીએ હિમાલયની વાટ પકડી લીધી. આખરે વિવેકે કૅમેરાની બેગ હાથમાં લીધી અને ત્યાંના તમામ સાધુઓને નમસ્કાર કર્યા. સાધુઓએ વિવેકના લલાટે રાખનું તિલક કર્યું અને સૌ કોઇ એમને હરિશ્ચંદ્ર ઘાટના દરવાજા સુધી મૂકવા આવ્યા. આઠ દિવસના સહવાસ બાદ સાધુઓથી છૂટા પડતી વખતે વિવેકની આંખમાં આંસુ હતા. જોકે સાધુઓને ન તો હરખ હતો કે ન કશો શોક. અત્યંત સ્વાભાવિકતાથી તેઓ વિવેકને થોડે સુધી મૂકી આવ્યા અને પરત ફરીને પોતાના જીવનમાં ગૂંથાઈ ગયા. સાધુઓને શિવ સિવાય બીજું કશું જ સ્પર્શતું નથી.

ફીલ ઈટઃ

એ આઠેય દિવસ મેં ક્ષણ-ક્ષણ, કણ-કણની જેમ માણી. ચરસ-ગાંજાનો કેફ ક્યારેય મારા ફોટોગ્રાફીના નશાને હલાવી શક્યો નહીં, કે ના તો દિગંબર અવસ્થાનો મને ભાર લાગ્યો!

- વિવેક દેસાઈ, 'ઈસ ઘટ અંતર અનહદ ગરજે'માં

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.