તમે છો કોણ? ટુરિસ્ટ કે ટ્રાવેલર?

18 Apr, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: kingofwallpapers.com

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલીક સરસ મજાની ઈમેજીસ જોવા મળેલી. એ દસેક ઈમેજીસમાં ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચેના ભેદ દર્શાવાયા હતા, જે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું. આમ તો શબ્દકોશ મુજબ ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે ઝાઝો ફેર નથી. છતાં આ ઈમેજીસને ફોલો કરીએ તો ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. 

ટુરિસ્ટ્સ હંમેશાં ટોળામાં નીકળતા હોય, જ્યારે ટ્રાવેલર એક કે એથી વધીને બે હોય. ટુરિસ્ટ પ્રવાસ દરમિયાન બને એટલી કમ્ફર્ટ શોધતા હોય, જ્યારે ટ્રાવેલર્સ એમને મળતી કમ્ફર્ટની ઐસી કી તૈસી કરીને જાણીજોઈને ખરબચડો પ્રવાસ કરતા હોય. ટુરિસ્ટ જ્યાં ફરે ત્યાં શહેરના મુખ્ય માર્ગો પર ગુગલ મેપ લઈને કાર કે ટેમ્પોમાં ફરતા હોય અને સાઈટ સીઈંગ કરતા હોય, જ્યારે ટ્રાવેલર્સ આખા શહેરની તમામ ગલી-મહોલ્લાના ચપ્પા-ચપ્પા છાની મારીને સાઈટ સીઈંગ નહીં પરંતું જે-તે શહેર અને એના કલ્ચરનું ઈનસાઈડ સીઈંગ કરતા હોય.

ટુરિસ્ટ્સ પેરીસમાં પાતરા, સ્વિટ્ઝરલેન્ડમાં શ્રીખંડ અને લંડનમાં લાપસી શોધતા હોય ત્યારે અલગારી ટ્રાવેલર્સ જે-તે શહેરના લારી-ખુમચે સમાન્ય લોકો આરોગતા હોય એવું ત્યાંનું ભોજન આરોગતા હોય, ત્યાંની ધરાના ધાન્યને પોતાની જીભ વાટે પોતાના ઝહેનમાં ઉતારતા હોય અને ત્યાંના આહાર દ્વારા ત્યાંની સંસ્કૃતિને, એ સિવિલાઈઝેશનને માણતા જતા હોય. વળી, ક્યારેક પોતાની જ ધૂનમાં હોય તો એમણે વાળુ કીધું છે કે નહીં એ પણ ભૂલી જતાં હોય છે.

ટ્રાવેલર અને ટુરિસ્ટ વચ્ચે પાયાનો ભેદ જ એ છે કે, ટુરિસ્ટ એના પ્રવાસ દરમિયાન પણ એની રોજિંદી જિંદગીથી, એના સામાન્ય નિત્યક્રમથી અલિપ્ત નથી રહી શકતો અને બાપડો એ ટુરિસ્ટ જ્યારે એની બેગ પેક કરતો હોય ત્યારથી જ એ તેની બેગમાં એની રોજિંદી કંટાળાજનક ઘટમાળને પેક કરતો જતો હોય છે.

‘આટલા જોડી કપડાં લીધા? પ્રવાસ દરમિયાન ઠંડી વાગી તો? ધાબળા લીધા? શૉલ કેટલી લીધી? અને સ્વેટર? તરસ લાગી તો? એક મોટી બોટલ સાથે લઈ લઈએ? મોબાઈલ માટે ચાર્જર અને સેફ્ટી માટે બે પાવરબેન્ક લીધી? મારે કદાચ થોડું ઓફિસનું કામ આવી શકે છે, મારા સિવાય એ કોઈ કરી શકે એમ નથી! તો લેપટોપ લીધુ? ડોંગલ લીધુ? રસ્તે ક્યાંક ખાવાનું નહીં મળ્યું તો? તો? તો? તો? થેપલા લીધા? પૂરી, શક્કરપારા અને ચકરી લીધી? આમને આમ બે દિવસ સુધી લીધો…. લીધુ… લીધી… લીધા ચાલે અને જોતજોતામાં આખું ઘર અને રોજિંદુ જીવન પ્રવાસની બેગમાં પેક થઈ જતાં હોય છે. અને પછી જતી વખતે આવા શૂરાઓ ફેસબુક પર સ્ટેટ્સ મૂકશે… ‘...ઓન માય મચ નીડેડ બ્રેક!’

‘ઝિંદગી મિલેગી ના દોબારા’ના આ ઋત્વિક રોશનોને આવો મચ નીડેડ બ્રેક લખવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે જ્યારે તેઓ બ્રેક લઈ જ નથી રહ્યા તો વેકેશન કેવું ને આરામ કેવો? ને પ્રવાસ કેવો? આવા લોકો એમની બેગ પેક દરમિયાન એક બાબત હંમેશાં સાથે લેવાની ભૂલી જતાં હોય છે અને એ બાબત હોય છે પોતાની જાત! ટુરિસ્ટો હંમેશાં પોતાની જાતને પોતાના ઘરે કે પોતાની ઑફિસની કેબિનમાં જ મૂકી જતાં હોય છે, જેના કારણે જ તેઓ જેસલમેર હોય કે આગ્રા કે પછી મસૂરી હોય કે ઉંટી, જ્યાં હોય ત્યાંથી ફોન પર વાત કરીને કે વ્હોટ્સ એપ પર ચેટ કરીને પેલું, જે એમનાથી જ થઈ શકે એવું કામ કરતા રહેતા હોય છે!

એટલે જ તમને અમે આ લાખેણી સલાહ આપીએ છીએ કે પ્રવાસો ગોઠવો ત્યારે ટુરિસ્ટ નહીં પણ ટ્રાવેલર બનો. ઓછામાં ઓછી વસ્તુ સાથે લેવાનું રાખો અને વળતી વખતે વધુમાં વધુ યાદો સાથે ઘરે આવે એવો પ્રવાસ ખેડો. પ્રવાસ પહેલા બેગ પેક કરો ત્યારે દરેક વસ્તુને પૂરી આશંકા સાથે તરાશો-ચકાસો કે આ વસ્તુને મારી રુટિન લાઈફ સાથે કોઈ લેવાદેવા તો નથીને? જો એ વસ્તુમાં કશું પણ સંદિગ્ધ જણાય તો એને તરત જ ત્યજી દો, જેથી પેલી રોજિંદી ભૂતાવળ તમારી સાથે નહીં આવે અને બેગ પણ થોડી હળવી થશે.

પ્રવાસ દરમિયાન બીજું કંઈ સાથે હોય કે નહીં હોય, પણ આપણી જાતનું આપણી સાથે હોવું અત્યંત જરૂરી છે. પ્રવાસ તો કોઈ ફિલ્મ કે નાટક જેવો હોય છે. જેમ કોઈ ફિલ્મ કે નાટક માણવા આપણને કંપનીની જરૂર નથી હોતી અને ફિલ્મો આપણી નજરે જ જોવાની હોય છે. એ જ રીતે આપણો પ્રવાસ પણ આપણી જાતે જ માણવાનો હોય છે. કોઈ અજાણ્યું શહેર હોય કે કોઈ ઘટાટોપ જંગલ કે પછી હોય આકાશને આંબતા ડૂંગરા કે ઉંડી કંદરા! એ બધાયને આપણી અંદર સમાવી લેવાના હોય. ત્યાંની સુગંધ, ત્યાંના લોકો, ત્યાંની ભાષા કે સંસ્કૃતિ, ત્યાંની સવાર, ત્યાંનો સૂર્યાસ્ત એ સઘળુંય… જે આપણાથી અજાણ્યું છે એને જાણવાનું હોય અને આત્મસાત કરવાનું હોય.

આવા પ્રવાસો આપણા અંતરને ફળદ્રુપ કરતા હોય છે, જે ફળદ્રુપતાને કારણે જ જીવન પ્રત્યેની હકારાત્મકતા, નવી પ્રેરણા, બધા કરતા કંઈક જુદો દૃષ્ટિકોણ, હરીભરી તાજગી, માનવજાત અને પ્રાણી-પ્રકૃતિ માટેનો લખલૂટ પ્રેમ અને કંઈક નવું કરવાના સાહસની મબલખ ફસલ ઉતરે છે.

જોકે આ ફસલ ઉતારવા માટે તમારે હાર્ડકોર ટ્રાવેલર બનવું પડે. આયોજન પૂર્વકની નહીં, પણ થોડી અલગારી રખડપટ્ટી કરવી પડે અને ઉમાશંકર જોશી કહેતા એમ ભોમિયા વિના ડૂંગરા ભમવા પડે. પ્રવાસ દરમિયાન એવું એક પણ કામ નહીં કરવું, જે આપણે રોજ કરતા હોય. રોજ ભલે તાજા કે ગોલ્ડના દૂધમાં બનેલી ચ્હાની ચૂસ્કી માણતા હોઈએ, પરંતુ જો લદ્દાખ ગયા હો તો ફોર અ ચેન્જ બે’ક દિવસ યાકના દૂધની ચ્હા માણી જ શકાય. કે દક્ષિણમાં ગયા હોઈએ તો છરી-કાંટા ભૂલીને હાથથી જ આંગળીઓ ચાટીને બિરયાનીનો સ્વાદ લઈ શકાય.

પ્રવાસ દરમિયાન બને ત્યાં સુધી ઈન્ટરનેટ ડેટા બંધ રાખો અને બને તો દિવસ દરમિયાન ફોન પણ સ્વિચ્ડ ઑફ રાખો. અગાઉથી કૅબ કે રૂમ જેવું બધુ બુક કરાવી દેવા કરતા ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવો અને જ્યાં-ત્યાંના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, બ્લડી ગુગલ મેપનો ઉપયોગ કર્યા વિના ત્યાંની પ્રજાને રસ્તાઓ વિશે પૂછો અને જાતજાતની સ્ટ્રીસ્ટમાં ફરી-રખડીને પ્રમાણસરની હોટેલ્સ કે સારા ગેસ્ટહાઉસ માટે થોડી રકઝક કરો અને થોડાં લમણા ઝિંકો. ત્યાં ફરો ત્યારે આસપાસના માહોલને આસપાસની ચહલપહલને ઝીણવટથી જુઓ, ત્યાંના લોકોની મેનરિઝમ ઑબઝર્વ કરો અને ત્યાંની ભાષાના લહેકાને અથવા એ ભાષાના કેટલાક શબ્દોને શીખવાનો પ્રયત્ન કરો. તાંબ્રપત્ર પર લખી લેજો કે, તમારો પ્રવાસ જેટલો સરળ રહેશે એટલી જ એ પ્રવાસ સાથેની તમારી યાદો પણ સરળ, ફ્લેટ રહેવાની. અને તમારો પ્રવાસ જેટલો ચટપટો રહેશે એટલી જ તમારી યાદો પણ ચટપટી અને રંગીન રહેવાની.

બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવી કે, પ્રવાસ હંમેશાં વેલ માઈન્ડેડ પીપલ સાથે જ કરવો. અક્કલના ઓથમીરો સાથે દિવ-દમણ સુધી ઠીક છે. એવા ડમ્બુ-બમ્બુઓ સાથે એકાદ બિયર પણ પી શકાય. પરંતુ જે ડફોળો ડાંગના જંગલોને ઝાડવા-ઝાંખરા કહેતા હોય કે, જેઓ તારાઓથી છલકાતા સ્વચ્છ આકાશને જોવાનું ટાળીને હોટેલના રૂમમાં ભરાઈને પાના ટીચવાની વાત કરતા હોય એવા નાદાન પરિંદાઓને ભૂલમાં પણ પ્રવાસમાં સાથે નહીં લેવા. નહીં તો તેઓ ત્યાં પણ રોજની જેમ સવારે નવ વાગ્યે ઊઠશે અને રખડપટ્ટી કરતી વખતે ક્યાંક મોલ જેવું કંઈક રુટિન જોશે તો ત્યાં પહોંચી જશે, જેને કારણે તમારા ટ્રાવેલિંગની મજા કિર-કિરી થશે અને તમે ન તો વહેલા ઊઠીને ત્યાંના રસ્તાઓ પરની ફ્રેશ ચહલકદમી માણી શકશો કે ન તો ત્યાંની સ્ટ્રીટ્સ ખૂંદવાની મજા લઈ શકશો.

પ્રવાસ કરવાની આ પદ્ધતિને આપણે આપણા જીવનમાં પણ લાગુ પાડી શકીએ છીએ. સતત આયોજન કરતા રહેવા કરતા, કાલની સતત ચિંતા કરવા કરતા કે, સતત રિઝર્વ્ડ રહેવા કરતા થોડા અનરિઝર્વ્ડ થઈએ, કેટલાક આયોજનો હાથે કરીને ટાળીએ, સતત મુક્તિનો અહેસાસ કરીએ, એક સારા માઈન્ડેડ કંપેનિયન અને એવા જ મિત્રોની કંપનીમાં આ જીવન પ્રવાસ ખેડીએ અને દર વખતે પત્તા જોઈને બાજી રમવા કરતા ક્યારેક બંધમાં રમીએ. પછી ભલે ને દો, તીન-પાંચની બાજી આવતી! આપણી બાજીમાં શું હશે એની ચિંતા આપણી છે જ નહીં. એ ચિંતા તો ઉપરવાળાની છે. અને બકા, આપણી ચિંતા પણ આપણે જ કરીશું તો પેલો પરવરદિગાર કોની ચિંતા કરશે? આપણે યાદ રાખવાનું છે કે, આપણી જવાબદારી તો માત્ર પ્રવાસ પુરતી જ છે. અને અંતે જો પ્રવાસ જ ખેડવાનો છે તો પછી ટુરિસ્ટ શું કામ બનીએ? ટ્રાવેલર કેમ નહીં? 

હેવ અ હેપી જર્ની!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.