મૃત્યુ વિશે મંથન

11 Jul, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: gannett.com

જીવન અને મૃત્યુમાં મને મૃત્યુ વધુ પસંદ છે. મૃત્યુ વિશે આમ મારી કોઈ ફિલોસોફી નથી. ફિલોસોફી જીવનની હોય, પૂર્ણવિરામની તે વળી ફિલોસોફી કેવી? મારી સામાન્ય વાતોમાં પણ મૃત્યુની વાતો સહજપણે આવે છે. એનો અર્થ એ નથી થતો કે મને જીવવામાં કોઈ રસ નથી અને મારે મરવું છે. મારે તો છલોછલ જીવવું છે, પણ પૃથ્વી પરના તમામ જીવો સાથે સંકળાયેલી આ અદ્દભુત બાબત મને એના તરફ સતત આકર્ષે છે, મને સતત કુતૂહલ રહે છે મૃત્યુનું! લોકો મૃત્યુ પહેલાની ભૌતિક અને ઠાલી બાબતોમાં રચ્યાંપચ્યાં રહે છે. વળી, શાસ્ત્રો અને ધર્મો મૃત્યુ બાદનું જ્ઞાન આપે છે, પરંતુ મને માત્રને માત્ર મૃત્યુ નામની અવસ્થા પ્રભાવિત કરે છે. જીવન સામાન્ય લાગે છે, મૃત્યુ અસામાન્ય લાગે છે. શરીરમાંથી જીવ નીકળી ગયા પછી એ શરીર પંચતત્ત્વમાં ભળે ત્યાં સુધીનું સ્થિતપ્રજ્ઞત્વ મને ગમે છે!

જીવનને હરખ છે, એને શોક છે. સ્વાર્થ છે, લોભ છે. કોઈને પામવાની ઝંખના છે, કોઈને પછાડવાની લાલસા છે. જીવન છે ત્યાં સુધી લવ છે, એ છે ત્યાં સુધી પેઈન છે. પણ મૃત્યુમાં આવું કશું નથી હોતું. જીવનનો આલેખ સતત ઉંચો નીચો થયાં કરે છે. મૃત્યુનો આલેખ હંમેશાં સુરેખ રહે છે. જીવન બંધન છે, મૃત્યુ મુક્તિ છે. જીવન આખુ આપણે ઠરીઠામ થઈ જવા મથીએ છીએ, પણ આપણો મેળ નથી પડતો અને મૃત્યુમાં એક જ ઝાટકે સ્થિરતા આવી જાય છે. પરંતુ આપણી એ વક્રતા છે કે, આજીવન સ્થિરતા માટે ઝૂરતા રહેતા આપણે મૃત્યુની પરમ સ્થિરતા સ્વીકારવા તૈયાર નથી. એ મુક્તિ, એ એમ્પ્ટીનેસ સ્વીકારવા તૈયાર નથી. મને એ સ્થિરતા, સુરેખતા, એમ્પ્ટીનેસ અને મુક્તિ ગમે છે. એટલે જ કદાચ મને જીવન કરતા મૃત્યુ વધુ ગમે છે!

લોકો કહે છે, આ ઉંમરે તે કંઈ મૃત્યુની વાતો થતી હશે? આ ઉંમર તો જીવવાની છે. મને એમને પૂછવાનું મન થાય કે, મૃત્યુ ક્યારેય ઉંમર જોઈને આવે છે? મેં મારા કરતા નાના સ્વજનોના મૃત્યુ જોયાં છે. જો મૃત્યુને એવું કોઈ વૈરાગ્ય નથી નડતું તો આપણે શું કામ મૃત્યુનો વિચાર નહીં કરી શકીએ?

મૃત્યુને લોકો ઘણા ખોટા સંદર્ભમાં લેતા હોય છે. કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે લોકો ‘મેં સ્વજન ગુમાવ્યું’ એમ કહેતા હોય છે. હું એવું માનતો નથી. મૃત્યુ પામેલા દરેક સ્વજનોની સંપૂર્ણ હાજરી મેં મારા વિચારોમાં, મારા કર્મોમાં અને મારા જીવનમાં અનુભવી છે. એ બધા સતત યાદ આવતા રહ્યા છે, ક્યારેક કોઈ બાબતે પ્રેરણા આપતા રહ્યા છે, સાચા-ખોટાનું ભાન કરાવતા રહ્યા છે. તો પછી ગુમાવવું એટલે શું?

એમના શરીરની ગેરહાજરીને સ્વજનને ગુમાવવું કહી શકાય? આંખો આગળ હસતો ચહેરો અચાનક અદૃશ્ય થઈ જાય એને આપણે ગુમાવવું એમ કહેતા હોઈશું? શરીરમાંથી મુક્ત થયેલા જીવના હોવાપણાની સતત પ્રતીતિ હોવા છતાં, એના શરીરની ગેરહાજરીને આપણે ‘લૉસ’ કહીએ છીએ. પણ આ તો નકરો સ્વાર્થ છે. શરીર કામ કરી શકે છે, શરીર મહિને પંદર-પચાસ હજાર રૂપરડી કમાઈ શકે છે, શરીર પ્રેમ કરી શકે છે અને શરીર સેક્સ કરી શકે છે, એટલે આપણને શરીર પ્રત્યે મોહ છે અને એટલે જ જ્યારે કોઈ શરીર નષ્ટ થાય છે ત્યારે આપણે છાતી કૂટી લઈએ છીએ અને થોડું રડી લઈએ છીએ.

મૃત્યુ વિશેનું મારું કોમન ઑબ્ઝર્વેશન છે કે, જનારને ક્યારેય કોઈ રડતું નથી હોતું. બીજાના મૃત્યુ વખતે પણ લોકો પોતાની પીડાનું, પોતાના અભાવોનું રડે છે. હવે ‘મારું’ કોણ?, ‘હું’ એકલો પડી ગયો. ‘મારા’ માથેથી તમારો હાથ ઊઠી ગયો! પણ ‘મારી, મારો, મારું’ની પળોજણમાં જનારનું શું?

જેમ જેમ સમજણ વધતી જાય છે એમ મૃત્યુ મને દુખદ કરતા દિવ્ય વધુ લાગવા માંડ્યું છે. શૂન્ય થઈને પડેલા શરીરની બાજુમાં બેસીને આક્રંદ કરવાનું મન નથી થતું હવે. બસ, જે થોડો ઘણો સમય મળ્યો છે એ સમયમાં એ શરીરને વારંવાર સ્પર્શ કરી લેવાનું મન થાય છે. એ શરીર સાથે જીવાયેલી ક્ષણોને યાદ કરી લેવાનું મન થાય છે. આવે સમયે એમ થાય છે કે, જીવન અને મૃત્યુ વચ્ચે ફરક માત્ર સ્પર્શની અનુભૂતિનો છે. જીવન છે ત્યાં સુધી શરીર છે એટલે ત્યાં સુધી સ્પર્શ છે. એ શરીરને અડકી શકાય છે, એના ખભે ધબ્બો મારી શકાય છે, ક્યારેક એ શરીરને તમાચો મારી શકાય છે, એ શરીર સાથે બેસીને બિયરના ગ્લાસ ટકરાવીને ચિયર્સ કરી શકાય છે, એના હોઠોમાં આપણા હોઠ ભીડીને એને ચુંબન કરી શકાય છે. પણ મૃત્યુ પછી એ જીવ આપણી સાથે હોવા છતાં પણ આવું કશું કરી શકાતું નથી.

આવા સમયે શૂન્ય થઈને પડેલા એ નશ્વરને એમ કહેવાનું મન થઈ આવે છે કે, તારા શરીર સાથેની મારી યાત્રા બસ અહીં સુધીની જ! હવે તું સંપૂર્ણ છે અમે હજુ ય અપૂર્ણ રહેવાના. તું તો તૃપ્ત થયો, પણ અમારી અતૃપ્તિ ક્યાં સુધીની છે એની કોઈ જાણ નથી! હવે તું જાય છે ત્યારે તારો આભાર માનવાનું મન થાય છે. આપણે આનંદ-શોકમાં સાથે રહ્યા. એવું તે કયું ઋણાનુબંધન હશે કે, અબજોની ભીડમાં માત્ર તારી સાથે મારે આ યાત્રા કરવાની આવી! પણ ખૈર, આપણા સૌની નિયતિ હોય છે, તને તારી નિયતિ લઈ ગઈ. અમને પણ અમારી નિયતિ ક્યાંક લઈ જશે.

નશ્વરનો આભાર માનતી વખતે હ્રદય થોડું ભીંજાય છે. ક્યારેક એ ભીનાશ આંખને રસ્તે બહાર આવે છે. પણ એવા સમયે પણ જાતને પ્રશ્ન થઈ જાય છે કે, આંખે બાઝેલી આ ઝાકળમાં ક્યાંક મારો સ્વાર્થ તો નથી ને? આ આંસુમાં 'મારું મારું' તો નથી ને? કે એમાં સાથે જીવાયેલી પેલી સુગંધી ક્ષણોનું પ્રતિબિંબ છે? આંખોમાંથી સહજભાવે સરી પડતા એ મોતી પેલા શરીર સાથે કરાયેલી યાત્રાને અર્પણ થઈ જાય છે.

મૃત્યુ વખતનો વિષાદ બસ આટલો જ. આનાથી વિશેષ કશું જ નહીં. આને રીઢાઈ કહેવાતી હશે? કોઈકની દૃષ્ટિએ એમ હોઈ પણ શકે. પણ આ મારી સમજણ છે. જીવન ઉત્સવ હોય તો મૃત્યુ મને મહાઉત્સવ લાગ્યું છે. એનો આનંદ ન હોય તો એનો શોક પણ ના જ હોવો જોઈએ. જીવન અસ્થાયી છે, મૃત્યુ સ્થાયી છે. પણ આપણે એ સ્થાયિત્વ સ્વીકારી શકતા નથી.

મૃત્યુને આપણે વળગણોથી બાંધી દઈએ છીએ. જોકે મૃત્યુ દુનિયાના તમામ વળગણો, ખેવનાઓ, લાલસાથી ઉંચું છે. એને કોઈ બાંધી શકતું નથી. બંધાયેલા તો આપણે હોઈએ છીએ. આપણે આપણી જંજીરોનું રડતા હોઈએ છીએ, આપણે આપણા સ્વાર્થનું કૂટતા હોઈએ.

પણ એ કાગારોળ કરવા કરતા આપણી સાથે થોડી જ પળો માટે રહેલા શરીરનો સહવાસ માણી લેવો જોઈએ. એને નજરભરીને નીરખી લેવું જોઈએ. પછી એ ચહેરો ક્યારેય આપણી સાથે બોલવાનો નથી કે નથી તો એ આપણી સાથે ક્યારેય પ્રવાસ કરવાનો. એનું મુકામ આવી જ ગયું છે તો એને માનપૂર્વક (માન આપવું એટલે ફાજલ રડારોળ તો નહીં જ!) ઝાંપા સુધી વળાવી આવવો જોઈએ. ચિતા પર એ દેહને મૂકાય ત્યારે એની સમીપ રહેવું જોઈએ. એની સાથેનું એ છેલ્લું સામીપ્ય માણી લેવું જોઈએ.

પછી તો એ શરીરને અગ્નિ સ્પર્શે છે, ધીરે ધીરે શરીર અદૃશ્ય થવા માંડે છે. પંચતત્ત્વમાંથી ઉદભવેલું એ શરીર ફરી પંચતત્ત્વમાં ભળવા માંડે છે. અને એક ક્ષણે આપણી સહયાત્રા સમાપ્ત થાય છે. બસ, ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. ત્યાર પછીના બેસણા કે બારમામાં મને રસ નથી. અસ્તિ મટી જાય છે પછી અસ્થિવિસર્જનની વાત મને અર્થ વગરની લાગે છે. મૃત્યુ પછી શું થતું હશે કે જીવ ક્યાં જતો હશે એ બધી વાતોમાં પણ મને રસ નથી. મને માત્ર મૃત્યુમાં રસ છે. મને એનું વિસ્મય રહ્યું છે. મૃત્યુની ગૂઢતા મને એની તરફ આકર્ષે છે! મૃત્યુ વિશે હું કંઈક આમ માનું છું. બની શકે કે આ વાતોનો કોઈ અર્થ ન હોઈ શકે. તમારી અને મારી દૃષ્ટિમાં ફરક હોઈ શકે છે. આ વિચારો સાથે સહમત નહીં હો તો કૉલમનું સ્લગ 'ટેક ઈટ ઓર લીવ ઈટ'ને અનુસરવું.

ફીલ ઈટ

જેને જીવવાનો ડર હોય છે એને જ મરવાની બીક લાગે છે. જે જીવનને ભરપૂર માણે છે એ ગમે ક્ષણે મરવા તત્પર હોય છે.

-માર્ક ટ્વેઈન

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.