વિભાજનની વરસી અને આસ્વાદનો આસ્વાદ

11 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

ત્રણ દિવસ પછી ભારતનો સ્વાતંત્ર્યદિન આવી રહ્યો છે. બરાબર અડસઠ વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટે સ્વતંત્ર ભારતનું ભાગ્ય લખાયેલું. જોકે ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે, જેને પારાવાર પીડા બાદ સ્વતંત્રતા મળેલી. જે દિવસે દેશ આઝાદ થયેલો એ દિવસે રસ્તા પર ઉતરીને આઝાદીનો જશ્ન મનાવવો કે છાતી કૂટીને મરસિયા ગાવા એની મૂંઝવણ લાખો ભારતીયો અનુભવી રહ્યા હતા. આજે પણ દેશના અનેક વરિષ્ઠ નાગરિકો એ બાબતની અવઢવમાં છે કે, 1947ના એ ઓગસ્ટને શુકનિયાળ ગણવો કે મનહૂસ? કારણ કે, આ એ દિવસો હતા, જ્યારે હિન્દુસ્તાન કોઈની સાથે યુદ્ધમાં નહોતું ઉતર્યું છતાં પંજાબ, બિહાર અને બંગાળ જેવા રાજ્યોમાં રોજ હજારો નિર્દોષોની કત્લ થયેલી અને રોજ દેશની સેંકડો મા-બહેનોના શિયળ લૂટાતાં રહેલા. એ દિવસોમાં દેશના મરદોના માથે એવા તે ઝનૂન ચઢેલા કે બે જૂથમાં વહેંચાઈ ગયેલા એ મરદો રીતસરની સ્પર્ધામાં ઉતરી ગયેલા કે, જો સામેવાળા આપણા આટલા માણસોની હત્યા કરે તો એનું સાટું વાળવા આપણે એમનાથી બમણાની ગરદન કાપવાની. જો એ લોકો આપણી આટલી સ્ત્રીઓના બળાત્કાર કરે એની સામે આપણે એમના ઘરોમાં ઘૂસી એક એક ઔરતોના શરીરના લીરેલીરાં ઉડાવવાના. એ દિવસો હતા વિભાજનના, જ્યારે ધર્મ નામનું અફીણ પી પીને ભારતના લોકોના માથે હેવાનિયત સવાર થઈ ગયેલી અને અંગ્રેજોની હલકટાઈ અને પાંચ ટાણાની નમાજ સુદ્ધાં નહીં પઢતા ઝીણાની જીદને કારણે પાકિસ્તાન નામની ભૂલનો જન્મ થયેલો.

આજે અનેક લોકો ભારત અને પાકિસ્તાનના વિભાજનને યોગ્ય ગણાવે છે. જોકે આ ભાગલાને યોગ્ય ગણનારા લોકો ચોક્કસ બંગાળ, બિહાર, પંજાબ કે ઉત્તરપ્રદેશ તરફના નહીં જ હોય. આ ઉપરાંત વિભાજનની તરફેણ એ જ લોકો કરી રહ્યા હશે, જેમનો જન્મ 1947 પછી થયો હશે અને તેમને આઝાદી ભેટમાં મળી હશે. બાકી, જેઓ 1947 પહેલાં એકબીજાની સાથે રહ્યા છે કે, જેમણે ભેગા મળીને દશેરા કે ઈદના તહેવારો ઉજવ્યા છે કે જેમણે ખભાથી ખભા મેળવીને એક સદીથી વધુના સમયમાં અંગ્રેજો વિરુદ્ધના હિંસક-અહિંસક આંદોલનોમાં ભાગ લીધો હશે એ લોકોએ ક્યારેય વિભાજનની તરફેણ કરી ન હતી. કારણ કે એ લોકો ત્યારે હયાત હતા અને તેઓ વિભાજનની કિંમત સમજતા હતા.

પણ હવે જ્યારે ઈતિહાસ પર સમયની રેત ફરી વળી છે ત્યારે ભારત-પાકિતાનનું વિભાજન કેટલું યોગ્ય હતું એ પ્રશ્ન આજે અપ્રસ્તુત થઈ ગયો છે. હવે બંને દેશોના પ્રશ્નો અલગ છે અને જે પ્રજાએ આ વિભાજન વખતે ભોગવેલું એ પણ કંઈક અંશે ઠરીઠામ થઈ ગઈ હશે. પાછળ રહી ગયો છે એક રક્તરંજિત ઈતિહાસ, જેને તળિયે જતાં કોઈ પણ સંવેદનશીલ માણસને એક જ પ્રશ્ન થવાનો કે શું જરૂર હતી આ ભાગલાની? કારણ કે ત્યારે બે કોમને લડાવવા જે રેડાયેલો તેજાબ આજે પણ દઝાડી રહ્યો છે બંને દેશના સામાન્ય લોકોને. એક દેશમાં આ ધર્મઝનૂન આતંકવાદ સુધી વિસ્તરી ગયું છે તો એક દેશમાં બંને કોમ આજે પણ એકબીજાને શંકાની નજરે જુએ છે અને એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ કરે છે. ગાંધી, નહેરુ અને સરદાર જેવા લોકો જે કાળમાં જીવતા હતા એ કાળમાં થોડાં કડક અને સમજણભર્યાં પગલાં લઈને આ નિર્ણય ટાળી નહીં શકાયો હોત? જૂજ લોકોની બૂરી મનસાને ત્યારે જ ધરબી દેવામાં આવી હોત તો આજે દેશનો નકશો અને આપણી સમસ્યા કંઈક જુદી હોત.

ભારત-પાકિસ્તાન વિભાજનના ઈતિહાસને અનેક ઈતિહાસકારોએ પોતપોતાની રીતે આલેખ્યો છે. ઈતિહાસ મોટે ભાગે તટસ્થ રીતે નથી લખાતો અને એમાં કોઈને કોઈ રીતે ચેડાં થયાં જ હોય છે. ઈતિહાસ હંમેશાં આંકડાં અને જે-તે સમયનો હેવાલ આપે છે. એમાં ક્યારેય માનવીય સંવેદના કે પીડાની દાસ્તાનનું બયાન નહીં થયું હોય. હિન્દુસ્તાનની આ માનવસર્જીત દુર્ધટના વખતે કોણે શું ગુમાવ્યું કે કોણે કેટલું વેઠ્યું એની હકીકતનું નિરૂપણ પણ નહીં થયું હોય.

આ બધા માટે જવું જે-તે સમયના કથાસાહિત્ય પાસે, જેમાં જે-તે સમયના સંવેદનશીલ લેખકોએ એમના સમયની વાસ્તવિકતાને પોતાની કાલ્પનિક વાર્તામાં ગૂંથી લીધી હોય. ભારત-પાક વિભાજન સમયની માણસની પીડા-યાતનાઓ ચકાસવા માટે પણ કથાસાહિત્યને સહારે જ જવું પડે. જોકે આ એક ઊંડું સંશોધન માગી લે એવું કામ છે. ગુજરાતીમાં વિભાજનનો અછડતો ઉલ્લેખ કરતી જૂજ વાર્તાઓ મોજૂદ હોય ત્યારે સામાન્ય વાચકે હિન્દી, અંગ્રેજી ઉપરાંત ઠેઠ ઉર્દૂ-પંજાબી જેવી ભાષાઓ સુધી નજર દોડાવવી પડે. સામાન્ય વાચક માટે આ કામ મુશ્કેલ છે કારણ કે, કેટલીક વાર તે એની માતૃભાષાની ઉત્તમ કૃતિથી અપરિચિત રહી જતો હોય છે ત્યાં બીજી ભાષામાં કયા લેખકો મોજૂદ છે કે એમણે એમની ભાષામાં શું લખ્યું છે એની લપમાં એ બીચારો ક્યાં પડવાનો? પણ આપણે નસીબદાર છીએ કે, વિભાજને કેન્દ્રમાં રાખીને અન્ય ભાષાઓમાં લખાયેલી કૃતિઓના ભાષાંતર અને આસ્વાદ આપણને મળ્યા છે. સંશોધન-ભાષાંતર અને આસ્વાદનું આ ભાગીરથ કાર્ય કર્યું છે શરીફા વીજળીવાળાએ, જેમણે વિભાજનને કેન્દ્રમાં રાખીને આપણને ‘વિભાજનની વાર્તાઓ’, ‘વિભાજનની વ્યથા’ અને ‘વ્યથાની કથા’ નામના ત્રણ પુસ્તકોની ભેટ આપી છે.

આપણે વાત કરીએ ‘વિભાજનની વ્યથા’ની, જેમાં ઉર્દૂ, પંજાબી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલી દસ નવલકથાઓ, બે ફિલ્મો, એક અનુભવકથા, એક નાટક અને એક સમાજશાસ્ત્રીય દસ્તાવેજનો આસ્વાદ કરાવાયો છે. બે પૂંઠાની વચ્ચે આટલી બધી નવલકથાઓ, ફિલ્મો અને નાટક વિશે જાણવા મળે તો કોઈ પણ વાચકને મોજ પડી જાય, જોકે પુસ્તકની થીમ એટલી બધી સંવેદનશીલ છે કે, જ્યાં માનવતાની હત્યા વિશેની વાર્તાઓ હોય ત્યાં વાચકને મોજ તો શું પડવાની? અહીં રજૂ થયેલી તમામ કૃતિઓમાં તારસ્વરે એક જ વાત કહેવાઈ છે કે, આ વિભાજનમાં જૂજ લોકોના રાજકીય હિતોને બાદ કરતાં આખા ભારતીય ઉપખંડમાં કોઈને રાતી પાઈનો ફાયદો નથી થયો અને એ દરમિયાન એવા માણસોએ ભોગવવું પડ્યું છે, જેને અંગ્રેજો, આઝાદી, કોંગ્રેસ કે મુસ્લિમ લીગ સાથે નાહવા નિચોવવાનો સંબંધ ન હતો.

ઉર્દૂ લેખિકા કુર્તલૈન હૈદરની ‘આગ કા દરિયા’ નવલકથા હોય કે, કમલેશ્વરની ‘કિતને પાકિસ્તાન’ હોય અથવા અબ્દુલ્લા હુસૈનની ‘ઉદાસ નસ્લેં’ કે, ખુશવંત સિંઘની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ હોય. આ તમામ નવલકથાઓમાં સ્પષ્ટપણે ભલે નહીં કહેવાયું હોય, પરંતુ એ તમામનો અર્ક તો એક જ નીકળે છે કે, ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક કે ભાષાકીય રીતે એકબીજામાં ઓતપ્રોત થયેલી આ પ્રજાને ધર્મની લકીર દ્વારા છૂટી પાડવી અત્યંત મોટી ભૂલ હતી. દુનિયાનું આ એકમાત્ર વિભાજન હતું, જે ધર્મને આધારે કરાયું હતું. અહીં રજૂ કરાયેલી નલકથાઓમાં આઝાદી પહેલાંનો, આઝાદી વખતનો અને ત્યારબાદના પાંચેક વર્ષનો સમય જીવંત કરાયો છે. કુર્તલૈન હૈદરની ‘આગ કા દરિયા’માં ભારતીય ઉપખંડના 2200 વર્ષોના ઈતિહાસને આવરી લેવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા યુગના સામાન્ય માણસની વેદનાનો પડઘો પાડવામાં આવ્યો છે. દરેક યુગમાં સત્તાધીશોએ કાવાદાવા કર્યાં છે અને દરેક યુગમાં સામાન્ય માણસે કોઈ પણ લેવાદેવા વિના ભોગવ્યું છે એની અહીં વાત છે. અહીં તમામ યુગના સામાન્ય માણસનો એક જ પ્રશ્ન છે કે, ‘આ બધી લડાઈઓમાં મારો શું વાંક?’ કોઈની સત્તાલોલુપતા કે ધર્માંધતાને કારણે સામાન્ય માણસે કેમ દર વખતે ઘરથી બેઘર કે વતનથી બેવતન થવું પડે?

અહીં કમલેશ્વરની બહુચર્ચીત ‘કિતને પાકિસ્તાન’ કૃતિનો પણ બેનમૂન આસ્વાદ કરાવાયો છે. ‘કિતને પાકિસ્તાન’માં કમલેશ્વર માટે પાકિસ્તાન શબ્દનો અર્થ કોઈ દેશ કે સ્થળ નહીં પરંતુ એમના માટે પાકિસ્તાન એટલે વિભાજન અથવા માણસ માણસ વચ્ચેની તિરાડ છે. આ કૃતિમાં ભારતના ઈતિહાસને સારી નરસી અસર પહોંચાડનારા વિવિધ પાત્રોની કાલ્પનિક અદાલતમાં ઉલટતપાસ કરવામાં આવે છે. જેમાં બાબરને પણ કેટલીક પ્રશ્નોત્તરી થાય છે. આજે પણ ભારતના હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે બાબત કોર્ટ મેટર છે અને જેના કારણે ઘણા કોમી છમકલાં થયાં છે એવી અયોધ્યાની બાબરી મસ્જિદ અને રામમંદિરના વિવાદને માટે બાબરને કસૂરવાર ઠેરવીને તેને અદાલતમાં હાજર કરવામાં આવે છે અને તેને બાબરી મસ્જિદ વિશે પૂછવામાં આવે છે. પરંતુ નવલકથામાં બાબર એવી દલીલ કરી છે કે, તેણે કોઈ રામમંદિર તોડ્યું નથી અને અયોધ્યામાં તેણે ક્યારેય પગ સુદ્ધાં નથી મૂક્યો તો ત્યાં એ મસ્જિદ બાંધવા ક્યાં જવાનો?

બાબરની આ દલીલ બાદ અંગ્રેજોના વખતના આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના ડિરેક્ટર એ. ફ્યૂહરરને અદાલતમાં બોલાવવામાં આવે છે અને તેને બાબરી મસ્જિદ સંદર્ભે પૂછવામાં આવે છે. ત્યારે ફ્યૂહરર એ વાતની કબૂલાત કરે છે કે, 17-09-1523ના રોજ ઈબ્રાહીમ લોદીએ ખુલ્લી જમીન પર એ મસ્જિદનો પાયો નાંખેલો, જ્યાં કોઈ મંદિર મોજૂદ ન હતું અને વર્ષ 1524માં એ મસ્જિદ તૈયાર થયેલી. જોકે દુષ્ટ અંગ્રેજોએ 1857 પછી એ મસ્જિદ પરનો સાચો શિલાલેખ નષ્ટ કર્યો અને બાબર ક્યારેય અયોધ્યા ગયો જ નથી એ પુરવાર કરતા ‘બાબરનામા’ના કેટલાક પાના પણ નષ્ટ કર્યાં અને એ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે જાહેર કરી. કેમ? એનું કારણ એ જ કે, 1857ના બળવામાં હિન્દુ અને મુસ્લિમો ખભેખભા મિલાવીને અંગ્રેજો સામે લડ્યાં હતા. અને અંગ્રેજો ત્યારે જ પામી ગયેલા કે જો ભારત પર રાજ કરવું હોય અને આ દેશની કમ્મર તોડવી હોય તો હિન્દુ અને મુસલમાનોને લડતા રાખવું અત્યંત જરૂરી છે. પાછળથી અંગ્રેજોએ તેમના ફૈઝાબાદ ગેઝેટિયરમાં એ વાતનો પણ વઘાર કર્યો કે, ‘બાબર અયોધ્યા રોકાયો હતો અને તેણે રામ મંદિર તોડ્યું હતું.’ અને બસ, હિન્દુ અને મુસ્લિમ બંને કોમે જરા સરખોય તર્ક લડાવ્યા વિના બહારથી આવેલા ખંધા અંગ્રેજોની વાત સાચી માની અને માત્ર એક ખોટા દસ્તાવેજના આધારે આ બંને કોમ એકબીજાના લોહીની તરસી થઈ ગઈ, જેના પડઘમ છેક વર્ષ ૨૦૦૨ સુધી વાગ્યા.

વિભાજનની વ્યથા’ની વાતો મારે એક જ લેખમાં સમેટી લેવી હતી. પરંતુ સમાજ જીવનને અસર કરતી આ વાતો એક લેખમાં સમાપ્ત થાય એમ નથી. હજુ તો ભીષ્મ સાહનીની ‘તમસ’, રાહી માસુમ રઝાની ‘આધા ગાંવ’, બૅપ્સી સિધ્વાની ‘આઈસ કેન્ડીમેન’ જેવી અન્ય મહત્ત્વપૂર્ણ નવલકથાઓ ઉપરાંત ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ જેવા સુંદર નાટક વિશે વાતો કરવાની બાકી છે. અહીં એ વાતોને ખેંચીને લેખ લંબાવવાનું કે એનો અછડતો ઉલ્લેખ કરી લેખનું પોટલું વાળી દઈને મારે આ સુંદર પુસ્તકને અન્યાય નથી કરવો. આવતા મંગળવારે બાકીની વાતો કરીએ અને જો થોડી સ્પેસ મળી તો ‘વ્યથાની કથા’ પુસ્તકની ચર્ચા પણ કરીશું, જેમાં શરીફા વીજળીવાળાએ જાણીતા સાહિત્યકારો, પત્રકારો અને વિભાજનનો ભોગ બનનારાઓની મુલાકાત લઈને એમને વિભાજન અંતર્ગત કેટલાક પ્રશ્નો પૂછ્યાં છે. તો આવતા મંગળવારે મળીએ. હેપી ઈન્ડિપેન્ડન્સ ડે!

 

ફિલ ઈટઃ

મઝહબ કો સબ માનતે હૈ, પર મઝહબ કી કોઈ નહીં માનતા

કિતને પાકિસ્તાન’નો સંવાદ

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.