બેઠકો, ચર્ચાઓ, મિજલસોનો મહોત્સવ

12 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

મન્ડે બ્લૂઝ. મંગળવારના દિવસે તમને આ શબ્દ વાંચીને આશ્ચર્ય થતું હશે, પરંતુ આ શબ્દો જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે આ લખનાર મન્ડે બ્લૂઝનો સામનો કરી રહ્યા છે. જીવ બળીને ખાક થઈ રહ્યો છે અને જે કીબોર્ડ અમને હંમેશાં પિયાનો જેવું લાગ્યું છે એના પર  ખટખટાખટના સૂર રેલાવવાનો કંટાળો આવી રહ્યો છે. દર સોમવારે આવું સામાન્યતઃ નથી થતું, પરંતુ જે રવિવારે તમે દિલોજાન દોસ્તોને માણ્યા હોય, એમની સાથે ચુસકીઓ (અલબત્ત ચ્હાની!) લગાવી હોય અને એમની સાથે સેલ્ફી-ગ્રુપીની રમઝટ જમાવી હોય તો ક્યા શૂરાને સોમવારની સવાર સલૂણી લાગે?

પરસો અપન GLF મેં ગયે થે. GLF યાની ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ. રવિવારનો એ દિવસ GLFનો આખરી દિવસ હતો અને આપણો ત્યાં પહેલો દિવસ હતો. આવી સભાઓ, ફેસ્ટિવલો અને બેઠકો આપણને ક્યારેય આકર્ષી નથી. ભૂતકાળના અનુભવો એવા કે, બેઠકોના વિષયો વાંચીને મોટે ઉપાડે આવી બેઠકોમાં ઉપડી ગયા હોઈએ અને પછી ચંદ્રકાંત બક્ષીને કવિ સુંદરમને પહેલીવાર મળીને થયેલો એવો અનુભવ લઈને ફરી ઘરભેગા થયા હોઈએ. જે વિષય નક્કી કરાયો હોય એ વિષય મંચ પર ઝૂલતા બેનર પૂરતો જ સીમિત રહી ગયો હોય, બેઠકમાંનુ એકાદુ જણ રાબેતા મુજબના અનિવાર્ય સંજોગો હેઠળ આવી નહીં શક્યું હોય, બેઠક નિયત સમય કરતા ઘણી મોડી શરૂ થઈ હોય અને મોટા ભાગે વિષયાંતર થાય, જેમાં પણ વાદ કરતા વિવાદ વધુ હોય. વળી, આપણે પક્ષે આવી બેઠકોમાં અનિવાર્ય એવી ઘુવડગંભીરતાની તાતી ખોટ હોય એ વધારાની. સ્મશાનમાં પણ આપણે શાંતિથી નથી બેસી શક્યાના ઉદાહરણો પ્રાપ્ય છે, ત્યાં બેઠકોમાં ક્યાં શિસ્ત રાખવાના? એટલે અન્ય કોઈને ખલેલ નહીં પડે એ વાતનું ધ્યાન રાખીને આપણે બેઠકો-સમારંભો- ફેસ્ટિવલોમાં જવાનું કેન્સલ રાખેલું.

પણ આ વખતે GLF માં જવાનું નક્કી કર્યું. વિચાર્યું જોઈએ તો ખરા, કે કેવોક કારભાર ચાલે છે અહીં? ફેસબુક પર આ કાર્યક્રમ ત્રણેક વર્ષથી ખૂબ ગાજે છે અને જેન્યુઈન પીપલો એમાં હાજરી આપી રહ્યા છે અને એના વખાણ કરી રહ્યા છે એટલે બની શકે કે, આ ફેસ્ટિવલ કંઈક યુનિક હશે. વળી, 'તૂ કિસી રેલ સી ગુજરતી હૈ...', 'મન કસ્તૂરી રે...' કે 'નર્વસાઓ નહીં મૂરા...' જેવા ગીતોના રચયિતા વરુણ ગ્રોવર ત્યાં આવવાના હતા અને બબ્બે બેઠકોમાં પોતાની સર્જન યાત્રા અને કૈફિયત વિશેની વાતો કરવાના હતા. લેખન-પત્રકારત્વ સાથે સંકળાયેલા નાતીલાઓને મળવાનો અભરખોય ખરો. એટલે આપણે નર્મદના પ્રતીનિધિ તરીકે હુરતથી સીધા પહોંચ્યા અમદાવાદ.

સૌથી પહેલા વરુણ ગ્રોવરનો માસ્ટર ક્લાસ એટેન્ડ કર્યો. અમારા જેવા જ ચાહકો ત્યાં ઉમટી પડેલા એટલે ક્લાસ ફૂલ થઈ ગયેલો અને અમારા જેવા કેટલાય લોકોએ સભાખંડમાં ઊભા ઊભા કે દાદર પર બેસીને ક્લાસ એટેન્ડ કરવો પડ્યો. વરુણે કોમેડીથી લઈને ગીતોના સર્જન કે તેઓ કઈ રીતે ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી એની મજ્જેદાર વાતો કરી. એમણે જ જણાવ્યું કે, 'મસાન'માં તો તેઓ નકરી વેઠ ઉતારવાની ફિરાકમાં હતા. ફિલ્મના ગીતો લખવાની એમની લગીરે ઈચ્છા નહીં અને એની જગ્યાએ એમણે એવો આઈડિયા શોધી કાઢ્યો કે ફિલ્મ સાથે બંધ બેસે એવી હિન્દી કવિતાઓ એમાં ગોઠવી દેવી. આ માટે કુમાર ગંધર્વના 'ઉડ જાયે હંસ અકેલા...' જેવા ગીતો એમણે શોધી પણ કાઢેલા અને એ ગીતો લઈને 'ઈન્ડિયન ઑશન બેન્ડ' પાસે પહોંચેલા. જોકે ભલું થજો 'ઈન્ડિયન ઑશન બેન્ડ'નું કે, જેમણે આ ગીતો કંપોઝ કરી શકાય એમ નથી એવું કહીને વરુણના આઈડિયાને ફગાવી દીધો અને કંઈક નવું અને યુનિક લાવવાનું ફરમાન કર્યું. એટલે વખાના માર્યા વરુણે 'મસાન' ફિલ્મ માટે ગીતો લખવા પડ્યા અને 'મન કસ્તૂરી રે...' કે દુષ્યંત કુમારની ગઝલ, 'મૈં જીસે ઓઢતા બિછાતા હું, વો ગઝલ આપ કો સુનાતા હું...'માંથી એક પંક્તિ લઈને 'તૂ કીસી રેલ સી ગુઝરતી હૈ...' જેવા ગીત લખાયા.

આ ઉપરાંત વરુણે સેન્સર બોર્ડના ફિલ્મો પ્રત્યેના વલણ, સેન્સર બોર્ડની આવડત, કેટલાક સામાજિક કે રાજકીય મુદ્દા સાથેનું એમનું જોડાણ, કે ફિલ્મની મૂળ સ્ક્રીપ્ટમાં લેખકની જાણબહાર કેવા કેવા સંજોગોમાં બદલાવ આવી જાય એ વિશેની રમૂજી શૈલીમાં જાણકારી આપી. કલાકેકના એ સેશનમાં વરુણ ગ્રોવરની એ વાતો સાંભળીને અમે તો સાતમે આસમાને વિહરવા માંડ્યા. થયું મૂકો આ કૉલમો અને સમાચારો અને ફિલ્મો અને ગીતો જ લખવાનું શરૂ કરો! વરુણના આકર્ષણને કારણે અમે એમને બેઠક પછી પણ ઝાલ્યા અને એમની સાથે 'આપ કો ક્યા લગ રહા હૈ? કૈસા લગ રહા હૈ'ની પત્રકારગીરી પણ કરી.

ત્યારબાદ તરત જ શરૂ થયેલા બીજા સેશન દરમિયાન ઘણા લોકો જોરદાર અવઢવમાં મૂકાયા. કારણ કે, સમાંતર ચાલેલી બે બેઠકોમાંથી કઈમાં જવુંની મુશ્કેલી ઊભી થઈ. આયોજકોને દોષ પણ શું દેવો? આખરે અમે વરુણ ગ્રોવર, ભાવના સૌમયા, પૅન નલિન, શ્રીરામ રાઘવન, મિહિર ભૂતા અને સાડીના ફોલવાળા મયૂર પૂરીની બેઠક 'સાહિત્યને બોલિવુડનો બૂસ્ટર ડોઝ' માણવા બેઠા.

બાલકૃષ્ણ દોશીએ ડિઝાઈન કરેલા આલાગ્રાન્ડ કેમ્પસના એક દાદર પર જાણીતા પત્રકાર તેજશ વૈદ્ય અને આપણા 'હોરર કાફે' વાળા ભાવિન અધ્યારુ સાથે બેસીને ફિલ્મો અને પ્રાદેશિક સાહિત્ય વિશેની વાતો સાંભળી. બેઠકમાં સેન્સર બોર્ડના બે સભ્યો મિહિર ભુતા અને ભાવના સૌમૈયા બેઠાં હતા એટલે વચ્ચે વચ્ચે વિષયાંતર થતું રહ્યું, જાણ્યે અજાણ્યે વાતો સેન્સર બોર્ડ અને સેન્સરશિપની આસપાસ ફરતી રહી અને મિહિર ભૂતા લોકોને વિષયાંતરનું રેડ એલર્ટ બતાવીને સેન્સર બોર્ડની વાતો પર સેન્સરશિપ લાદતા રહ્યા.

એ બેઠક અને ત્યાર પછીની પૅન નલિનની 'ટિકિટ ટુ હોલિવુડ' બેઠક એટેન્ડ કર્યા બાદ આપણે તો પૅનના ફેન થઈ ગયા. કાઠિયાવાડની ધરતીથી છેક હોલિવુડ ફિલ્મો સુધી તેઓ કઈ રીતે પહોંચ્યા અને કયા કયા સંજોગોમાં તેમજ કેવી રીતે એમણે 'સમસારા', 'ફેઈથ કનેક્શન' કે 'એન્ગ્રી ઈન્ડિયન ગોડેસ' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી એ વિશેની એક આખો સ્વતંત્ર લેખ બને એવી રોમાંચક વાતો કરી. આપણા પેશન સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના આપણા લક્ષ્યને કઈ રીતે વળગી રહેવું અને એમાં સફળ થવું એ વિશેની વાતો આપણને અમસ્તા જ પૅન નલિનના જીવનમાંથી મળી રહે એવી છે. ભવિષ્યમાં મેળ પડશે તો આપણે પૅન નલિનના ઈનપુટ સાથેનો એક ફુલ લેન્થનો લેખ કરીશું જ. આ વ્યક્તિત્વ એક ફકરામાં પતે એવું નથી!

GLFમાં મજ્જાના ચાર પુસ્તકોના વિમોચન પણ થયેલા. એક તો 'ફિલમની ચિલમ'વાળા સલિલ દલાલનું 'કુમારકથાઓ... ફેસબુકના ફળિયે!' હતું અને બીજું લેખિકા કામિની સંઘવીનું 'દિલકે ઝરોંખોં સે' પુસ્તક હતું. આ ઉપરાંત ધૈવત ત્રિવેદીનું 'રમેશાયણ' અને ચીનુ મોદીનું 'ઈર્શાદ' પણ ખરા. સલિલ સાહેબ તો ત્યાં જ હાજર રહીને ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ સાથે બુક આપી રહ્યા હતા એટલે આપણે તક ઝડપીને 'કુમારકથાઓ...' લીધું અને સલિલ સાહેબ સાથે થોડીબહોત વાતો કરીને એમની મુલાકાતનો લાભ લીધો. તો કામિની સંઘવી પાસે એમની ઘારાવાહિક 'બૂમરેંગ'ના પુસ્તકની ઓટોગ્રાફ્ડ કોપીનો પ્રિ ઑર્ડર બુક કરી દીધો.

આવું સરસ મજાનું આયોજન જોરદાર વિષયો જોઈને આપણે તો ખુશખુશાલ થઈ ગયા. સાહિત્ય, પત્રકારત્વ સાથે સંકળાયેલાઓ માટે તો જાણે આ કાર્યક્રમ મોંઘી મિરાત, જ્યાં ગમતા માણસોને સાંભળવા પણ મળે અને આમ તેમ વિહરતા ફેસબુક ફ્રેન્ડ્સને મળવાની તક પણ મળે. મજાની વાત એ છે કે, ફેસબુકને કારણે અનેક લોકોને પહેલી વખત મળતા હોઈએ તોય આપણને એવું નહીં લાગે કે, આ માણસને આપણે પહેલી વખત મળી રહ્યા છીએ. અહીં તમે ફરતા હો ત્યારે અહીંની હવામાં તમને સતત તરવરાટ અનુભવાય. ચોમેર બસ યુવાની જ યુવાની નજરે ચઢે, જાતજાતની વાતો, સેલ્ફી-વેલ્ફીની રમઝટ, રોમાંચક બેઠકો અને ચ્હા-કોફીની મિજલસો કંઈક ક્રિએટીવ માહોલ ઊભો કરે, જેનો એવો તો નશો હોય છે કે, અમારા જેવાઓને પણ કંઈક લખી નાંખવાની ચાનક ચઢે!

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ખરેખર કાબિલેદાદ કાર્યક્રમ છે. એક જ દિવસની બેઠકોમાં હાજર રહ્યા હો તો બીજા દિવસોમાં ન આવી શકાયુંનો ચચરાટ તમને જરૂર થઈ આવે. કદાચ આ ચચરાટ જ GLFની સફળતાની ચાડી ખાય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.