નિશાન ચૂક માફ, પણ...

02 Aug, 2016
12:05 AM

mamta ashok

PC:

માણસ પાસે પૈસો, ફેઈમ અને લખલૂંટ લક્ઝરી આવી ગયા પછી પણ એવી કઈ બાબત એને સતત દોડતો રાખે કે એને દિવસના બાર-તેર કલાક કામમાં રમમાણ રહેવાની તાકાત આપે? મુકેશ અંબાણીથી લઈને શાહરૂખ ખાન સુધીના કે નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન સુધીના ઉંમરના ચોક્કસ પડાવે પહોંચેલા મહાનુભાવો અચાનક કામ કરવાનું બંધ કરી દે કે જીવનના બાકીના વર્ષો નિરાંતે પસાર કરવાનું નક્કી કરે તો એમણે જીવનમાં કોઈ તકલીફનો સામનો કરવો પડે ખરો? સ્વાભાવિક જ એમને કોઇ તકલિફ નહીં જ પડે અને સામાન્ય માણસ કરતા ખૂબ આરામદાયક, ભૌતિક સંપદાથી સજ્જ અને તણાવમુક્ત જીવન તેઓ જીવી શકે અને કશુંક ગમતું કામ કરીને લાઈફને એન્જોય કરી શકે. પરંતુ નામ અને ખૂબ દામ કમાયા પછી પણ આ મહાનુભાવો સામાન્ય માણસ કરતા વધુ કલાક કામ કરે છે, જેનું કારણ છે એમના કામ પ્રત્યેની એમની પેશન અને ડેડિકેશન, જે એમને સતત કશુંક નવું પામવાનું પ્રોત્સાહન પૂરું પાડતા રહે અને એક ગોલ પૂરો કર્યા પછી કોઈ મોટો પડકાર ઝીલવાની તાકાત આપે છે.

ઉપરનો આખો સંદર્ભ ઑલિમ્પિક્સ ગેમ્સના સંદર્ભમાં આપ્યો, કારણ કે ઑલિમ્પિક્સ ખેલાડીઓ પણ માત્ર ને માત્ર એમની પેશન અને ડેડિકેશનના હિસાબે જ એમનું જીવન જીવતા હોય છે. માત્ર અડધા કે એક કલાકની રમત અને એ રમતમાં પોતાનું કૌશલ્ય દર્શાવવા તેઓ આખી જિંદગી દાવ પર લગાવી દેતા હોય છે. આ શુક્રવારથી ઑલિમ્પિક્સની શરૂઆત થઈ રહી છે. રિયો ડી જાનેરોમાં યોજાનારા આ ખેલ મહાકુંભની જુદી જુદી કેટેગરીમાં હિન્દુસ્તાનમાંથી પણ અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અભિનવ બિન્દ્રાથી લઈને યોગેશ્વર દત્ત, શિવા થાપા, સાયના નહેવાલ, દીપિકા કુમારી, અપૂર્વી ચાંડેલા, વિકાસ ગોવાડા, દીપા કર્મકર કે ગગન નારંગ જેવા ખેલાડીઓએ ઑલિમ્પિક્સ માટે એડીચેટીની મહેનત કરી છે. કેટલાક ખેલાડીઓ પહેલીવાર ઑલિમ્પિક્સમાં જઈ રહ્યા છે તો કેટલાક અગાઉ એકથી વધુ વાર બેજિંગ કે લંડન જેવા શહેરોમાં પોતાનો કસબ અજમાવી ચૂક્યા છે.

વળી, એમાંના કેટલાક તો ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ પણ ઝબ્બે કરી આવ્યા છે, પરંતુ એ દરેકને પોતાની આગલી સફળતાથી ધરાર સંતોષ નથી. આ અસંતોષ જ એમને ફરી મહેનત કરવા મજબૂર કરે છે અને ફરી નવા ઑલિમ્પિક્સમાં નામાંકન કરવા માટેની પ્રેરણા આપે છે. બિજિંગ ઑલિમ્પિક્સ વખતે અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ ઝબ્બે કરેલો, પરંતુ લંડનમાં એમને બ્રોન્ઝ પણ નહોતો મળ્યો. તો યોગેશ્વર દત્તને લંડનમાં ઑલિમ્પિક્સનો પહેલો બ્રોન્ઝ ઝબ્બે કરવામાં સફળતા મળેલી. પરંતુ આ બંને ખેલાડીઓ વચ્ચે સામ્યતા એ છે કે, બંનેને એમના લંડન ઑલિમ્પિક્સના પ્રદર્શનથી સંતોષ નહોતો એટલે લંડનથી ભારત આવ્યા બાદ તરત એ બંનેએ રિયોની તૈયારી શરૂ કરી દીધેલી અને 2012માં જ એમણે એમનું લક્ષ્યાંક નક્કી કરી લીધેલું કે, કોઇપણ ભોગે રિયોમાં ગોલ્ડ જીતવો જ છે.

અભિનવ બિન્દ્રાએ બિજિંગ ઑલિમ્પિક્સ દરમિયાન શૂટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરેલો ત્યારે એમની વાહવાહી તો થયેલી જ પરંતુ સાથે એ ચર્ચા પણ ચાલેલી કે, આવા પૈસાદાર પિતાના દીકરાઓને જ આવા મોંઘા શોખ પરવડે! અભિનવ વિશે એવું કહેનાર દરેક વ્યક્તિને કદાચ ત્યારે ખ્યાલ નહીં આવ્યો હોય કે, પેશનને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી હોતી. ઑલિમ્પિક્સ સુધી પહોંચવા કે ગોલ્ડ મેડલ ઝબ્બે કરવા જેવી કાબેલિત મેળવવા અભિનવે જે પ્રેક્ટિસ કરી હશે કે બીજું બધુ જ ભૂલીને દિવસનો મોટાભાગનો સમય શૂટિંગ રેન્જમાં વીતાવીને અર્જૂનની જેમ પક્ષીની આંખ વિંધવાની કપરી તાલિમ લીધી હશે એ એમના ધ્યાનમાં નહીં આવ્યું હોય. ઘરની આટલી બધી લક્ઝરી અને ભોગવિલાસ માટે તમામ બાબતો ઉપ્લબ્ધ હોવા છતાં એમને માત્રને માત્ર રાઈફલ ઊંચકવાનું જ મન થાય અને સતત નિશાન તાકવાની જ ઈચ્છા થયાં કરતી હોય ત્યારે એમના પિતા પાસે કેટલો પૈસો છે એ બાબત ગૌણ બની જતી હોય છે. મહત્ત્વની બની જાય છે એની ધખના, જેને આપણે ભૂખ પણ કહી શકીએ, જે ભૂખ જ અભિનવને સાત કોમનવેલ્થ મેડલ અને એક ઑલિમ્પિક્સ ગોલ્ડ અપાવી શકી છે.

જાણીને આશ્ચર્ય થાય એવી વાત છે કે, બિજિંગ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધા પછી અભિનવે નક્કી કરેલું કે, હવે એમણે રાઈફલ નથી ઉંચકવી અને કશુંક બીજું કરવું છે. જે માણસે પોતાનું નાનપણ અને જુવાનીના મુલ્યવાન અને કુલમિલાકે જીવનના પંદરથી વધુ વર્ષો શૂટિંગને આપ્યા હોય એ અચાનક શૂટિંગ છોડી દેવાનો નિર્ણય કરે ત્યારે સ્વાભાવિક છે કે, એને દ્વિધા થાય. અભિનવને પણ આ બાબતે ખૂબ અસમંજસ અનુભવાયેલી, પણ એ અસમંજસ હોવા છતાં દોઢ વર્ષ સુધી રાઈફલને હાથ સુદ્ધાં નહોતો અડાડયો.

એક ઈન્ટરવ્યૂમાં અભિનય આ બાબતે કહે છે કે, 'સમજણા થયાં પછી મેં મારા જીવનમાં માત્ર એક ક્ષણ (ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા!) વિશે વિચારેલું અને એ ક્ષણ માટે જ મેં મારી બધી ઊર્જા ખર્ચેલી. પરંતુ એ ક્ષણ પછી મારે શું કરવું છે એ વિશે મેં ક્યારેય નહોતું વિચાર્યું. બિજિંગ ઑલિમ્પિક્સમાં એ ક્ષણ જીવાઈ અને જીતાઈ ગયા પછી સર્જાયેલા ખાલીપામાં મેં આ રમત છોડી દેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછીના દોઢ વર્ષ સુધી મેં કશું જ નહીં કર્યું.'

જોકે એમ કંઈ સ્પોર્ટ્સ છોડીને કંઈક નવું કરવાનું મન થાય એટલે સ્પોર્ટ્સ છૂટી નહીં જાય. આફ્ટરઑલ આટલા વર્ષોની મહેનત બાદ શૂટિંગ એ અભિનવ બિન્દ્રાની પેશન જ નહીં, પણ જીવન પણ બની ગયું હતું. દોઢેક વર્ષની અસમંજસ બાદ અભિનવ વિપશ્યના જેવા એક મેડિટેશન કેમ્પમાં જાય છે અને દસ દિવસ સુધી મેડિટેશન કરે છે. મેડિટેશન દરમિયાન રોજના આઠ કલાક મૌન રહીને સાધના કરવાની અને જીવનમાં હવે શું કરવું છે કે, શું કરી શકાય એ વિશે કંઈક નક્કર વિચાર કરવાનો. અભિનવ જણાવે છે કે, 'એ દસ દિવસ સતત મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો અને એ વિચાર હતો શૂટિંગનો. મને રહી રહીને રાઈફલ અને મારી શૂટિંગ રેન્જ યાદ આવી રહી હતી. અને ત્યારે જ મને એ વાતનું રિયલાઈઝેશન થયું કે, આ સ્પોર્ટ્સથી દૂર ભાગવા માટે હું ભલે લાખ પ્રયત્ન કરું, પરંતુ મારો આત્મા હજુય શૂટિંગ તરફ આકર્ષાય છે અને મારે ફરીથી આ સ્પોર્ટ્સમાં જ આગળ વધવું છે.'

અને પછી અભિનવ બિન્દ્રાએ ફરી પ્રેક્ટિસ શરૂ કરી અને નેક્સ્ટ ઑલિમ્પિક્સમાં ક્વોલિફાઇડ થઈ તેઓ લંડન પણ પહોંચ્યા. પરંતુ ત્યાં એમનો પનો ટૂંકો પડ્યો અને રિયો ઑલિમ્પિક્સની નવી આશાએ એમણે ભારત પરત ફરવું પડ્યું. અભિનયની અત્યાર સુધીની ઑલિમ્પિક્સ યાત્રા પર નજર કરીશું તો ખ્યાલન આવશે કે, 2004ના એથેન્સ ઑલિમ્પિક્સ વખતે અભિનવે શૂટિંગમાં અત્યંત કંગાળ પ્રદર્શન કર્યું હતું. પરંતુ હારી જવા છતાં તેઓ તૂટી નહોતા ગયા. પોતાની આત્મકથા 'અ શૉટ એટ હિસ્ટરી'માં એમણે જણાવ્યું છે એમ, 'એથેન્સની પછડાટ પછી હું નિરાશ જરૂર થયો હતો, પરંતુ મેં તરત જ હિંમત ભેગી કરી અને ફરી મારી પ્રેક્ટિસમાં મંડી પડ્યો. મારી તમામ ઊર્જા અને ફોકસ મેં આવનારા ઑલિમ્પિક્સની જીતમાં કેન્દ્રિત કર્યા. એવું કહી શકાય કે, એક કલાકની સ્પર્ધા માટે મેં મારા જીવનના ચાર વર્ષો ખર્ચી કાઢ્યા.'

અને પછી બિજિંગમાં શું થયું એ વિશે તો આપણે જાણીએ જ છીએ. વળી, લંડન ઑલિમ્પિક્સમાં પણ અભિનવ બિન્દ્રાને ધારી સફળતા નહોતી મળી. એ ઉપરથી એમ કહી શકાય કે, સફળતા-નિષ્ફળતાનો એમનો આલેખ ક્યારેય સુરેખ નથી રહ્યો, ક્યારેક સફળતાનો આલેખ એકદમ ઊંચાઈએ પહોંચી ગયો હતો તો ક્યારેક નિષ્ફળતા એમને છેક તળિયા સુધી લઈ ગયેલી. પણ આલેખ ભલે ઊંચો-નીચો થયો હોય, પરંતુ અભિનવે પોતાની પેશનમાંથી એમની શ્રદ્ધા નથી ગુમાવી અને પોતાની પ્રેક્ટિસ સતત ચાલું રાખી છે. અને નવી તક માટે આવનારા ભવિષ્ય માટે તૈયારીઓ જરૂર કરી છે, જે તાલિમના જોરે જ એમને એક ઑલિમ્પિક્સ મેડલ અને બાકીના દસ જેટલા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ચંદ્રકો પ્રાપ્ત થયા છે.

દર વખતની જેમ આ વખતે ફરી અભિનવે ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આ ઑલિમ્પિક્સ કદાચ એમની કારકિર્દીનો છેલ્લો ઑલિમ્પિક્સ હશે. આ કારણે તેમણે એમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. ગયા વર્ષે જ્યારે ટેસ્ટ ઈવેન્ટ માટે અભિનવ રિયો ગયેલા ત્યારે એમણે ત્યાંની શૂટિંગ રેન્જના તમામ ખૂણાના ફોટોગ્રાફ્સ પાડેલા. ત્યાં લાઈટ્સની વ્યવસ્થા કઈ રીતની છે થી લઈને ત્યાંનું ઈન્ટિરિયર કેવું હશે સુધીના તમામ ફોટોગ્રાફ્સ લઈને એમણે ભારતમાં એમની માતાને મેઈલ કરી દીધેલા. અભિનવ પોતાની ટેસ્ટ ઈવેન્ટ પતાવીને ભારત આવે એ પહેલા એમની માતા બબલીએ ચંદીગઢ પાસેના એમના ફાર્મહાઉસ પરના પ્રાઈવેટ શૂટિંગ રેન્જની કાયાપલટ કરી દીધેલી અને રિયોમાં જે રીતની વ્યવસ્થા રાખવામાં આવી છે એવી જ વ્યવસ્થા કરી રાખેલી, જેથી અભિનવને રિયોમાં અજાણ્યું નહીં લાગે. અલબત્ત સામાન્ય પરિવારમાંથી આવતા ખેલાડીઓને આવી સાહ્યબી નહીં પરવડે, પરંતુ અહીં વાત ડેડિકેશનની થઈ રહી છે, જે ડેડિકેશન જ સામાન્ય વ્યક્તિને પણ પરફેક્શનિસ્ટ બનાવી શકે છે અને સફળતાનો સ્વાદ ચખાડી શકે છે.

ફીલ ઈટઃ

દરેક ખેલાડીએ એમના લક્ષ્યમાં સતત રમમાણ રહેવું પડશે. અહીં એમણે સતત અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરવો પડશે. એમણે એ વાતનો પણ ખ્યાલ રાખવો પડશે કે, અહીં એમણે સફળતા કરતા નિષ્ફળતાનો સામનો વધુ કરવો પડશે. પણ તોય એમણે એમના લક્ષ્યથી ચલિત નહીં થવાનું. સફળતા માટે એમણે સતત આગળ વધતા રહેવું પડશે અને ઘણી મથામણો કરવી પડશે. એમણે ક્યારેય એમની આશા છોડવાની નથી, કદાચ એમને સફળતા નહીં મળે તોય અંતમાં એમને કંઈક કર્યાનો ગર્વ જરૂર થશે અને મને લાગે છે કે, જીવનમાં ગર્વ અને આત્મસંતોષ જ અત્યંત મહત્ત્વના છે.

- અભિનવ બિન્દ્રા

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.