હું સરહદ પરથી બોલું છું...

30 Sep, 2016
11:41 AM

અંકિત દેસાઈ

PC: ndtv.com

ગઈકાલે સાંજની આ વાત. ગુજરાતી પત્રકારોની ટિપિકલ ભાષામાં લખું તો ‘મોડી સાંજની ઘટના’. ગઈકાલે જ પાકિસ્તાનમાં ઈન્ડિયન આર્મીએ સર્જિકલ સ્ટ્રાઈકનું બહાદૂરીભર્યું પગલું ભરેલું અને એ સમાચારથી છાતી અમસ્તીય ગર્વથી ફાટ ફાટ થઈ રહી હતી. ઉરીની ઘટનાએ આપણને સૌને હચમચાવી દીધેલા અને રહી રહીને થઈ રહ્યું હતું આ નામર્દોની આવી હિંમત? છેક ઘરમાં આવીને આપણા 18 જવાનોને જીવતા ભૂંજી નાખ્યાં? ગુસ્સો એટલો હતો કે, ઉરી ઘટનાનું ફ્રસ્ટ્રેશન સરકારના પગલાં અને વડાપ્રધાનના ભૂતકાળના બયાનો પર નીકળી રહ્યું હતું. એવામાં ઈન્ડિયન આર્મીની સર્જિકલ સ્ટ્રાઈકે નવું જોમ ભરી દીધું અને ઉરી બાદ દિલમાં જે ચચરાટ, જે અસંતોષ ઊઠેલો એને કંઈક અંશે શાંત થયો. મેં તો દિવાળીની જેમ ઉજવ્યો એ દિવસ અને ‘khabarchhe.com’ના મારા સહકર્મચારીઓ સાથે બૂંદીના લાડવા ખાઈને ‘ભારત માતા કી જય’ના નારા બોલાવ્યા, જવાનોની બહાદૂરીનો જશ્ન મનાવ્યો અને જે સરકારને ઉરી વખતે ભાંડેલી એ જ સરકારના ઓવારણાં પણ લીધા…!

એ દિવસની મોડી સાંજે એટલે કે સાડા નવેક વાગ્યે દિવસભરના થાકેલા મોબાઈલની સ્ક્રીન પર અચાનક એક નામ બ્લિંક થવા માંડ્યું. થોડા વખતથી એ નામ મારા સંપર્કમાં હતું અને અમારો નાતો હતો લેખક અને વાચકનો. આનાથી વિશેષ કશું જ નહીં. એ માણસ ક્યાંનો છે અને જીવનમાં શું કરે છે એ વિશે કશી જ ખબર નહીં. મને થયું છેક આટલા વાગ્યે આ ભાઈને શું સૂઝ્યું હશે? સહેજ કંટાળા સાથે મેં ફોન રિસીવ કર્યો અને ‘કેમ છો મજામાં’ની ઔપચારિક વાતો શરૂ થઈ. એ ભાઈએ કહ્યું, ‘મને તમારી આજની ફેસબુકની પોસ્ટ ખૂબ ગમી. ઈન્ડિયન આર્મીના પરાક્રમને સેલિબ્રેટ કરવા તમે લાડવા મગાવીને ખાધા? આ બદલ તમારો આભાર.’ મને થયું અમે લાડવા ખાધા એમાં આ ભાઈને આટલો બધો આનંદ? 

એટલામાં એ ભાઈએ કહ્યું, ‘અંકિતભાઈ મેં આજ સુધી મારી ઓળખ છતી નથી કરી પણ આજે પહેલી વાર તમને કહેવાની ઈચ્છા થાય છે કે, હું ઈન્ડિયન આર્મીનો જ એક સભ્ય છું. હું સરહદ પરથી જ બોલું છું અને છેલ્લા બે દિવસથી ચોવીસ કલાક ફ્રન્ટ પર ખડેપગ છું! આ તો તમારા બધાનું સેલિબ્રેશન જોયું તો મને આનંદ થયો. એ રાજીપો વ્યક્ત કરવા જ મેં આ ફોન કર્યો.’

સામેના માણસની વાત સાંભળીને હું ચોંકી ગયો અને એમના માટે જે કંટાળો હતો એ પળવારમાં એમના પ્રત્યેના માનમાં પરિવર્તિત થયો. પછી તો એ ભાઈએ એમની વાતો આગળ ચલાવી. એમણે જણાવ્યું, હાલમાં તેઓ એમની ટૂકડી સહિત હરિયાણાના કોઇ ગામમાં છે, અને પાકિસ્તાન સરહદ પર તૈનાત ભૂમિદળનો એક એક સૈનિક હાઈએલર્ટ પર છે. એમના ઉપરીઓ દ્વારા એમને સજ્જ રહેવાના આદેશો અપાયા છે અને આખી રાતમાં ગમે ત્યારે કૉલ આવે ત્યારે ઘટનાસ્થળે પહોંચવાનું છે.

એમણે એ પણ કહ્યું કે, આઈબી દ્વારા એમને મળેલી ઈન્ફર્મેશન મુજબ તેઓ જે ફ્રન્ટ પર છે એની આસપાસ જ પાકિસ્તાની નામર્દો ક્યાંક ધમાલ કરે એવી શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખતા સરહદીય વિસ્તારોના કેટલાક સંવેદનશીલ ગામડાં રાતોરાત ખાલી કરાવાયા છે તો બીજી તરફ એમની ટૂકડી અત્યંત સતર્ક છે અને સામેની તરફ શું ચાલી રહ્યું છે એ વિશેની જાણકારી અન્ય ટૂકડીઓ દ્વારા મળી રહી છે. આજની રાતે જો પેલી તરફથી નાનો સરખો પણ અટકચાળો થયો તો એમના છોતરાં કાઢી નાખવાની તૈયારી સાથે જવાનો રાત પસાર કરી રહ્યા છે.

પત્રકારસહજ ઉત્સુક્તાથી મેં એમને મળેલી બાતમી અને વિસ્તારને લગતા કેટલાક સવાલો પૂછ્યાં. જોકે આ બાબતે કેટલીક મર્યાદાઓનું પાલન કરવાનું હોઈ, એમણે સ્પષ્ટ શબ્દોમાં મને ના કહી દીધી કે, ‘હાલની ડ્યુટી બાબતે હું તમને રજમાત્ર જાણકારી પણ આપી શકું એમ નથી.’

આ બધી વાતોની સાથે દેશના રાજકારણના સૈન્યના કામમાં ચંચુપાત અને દેશના જવાનોની કફોડી હાલત વિશે પણ વાતો થતી રહી. એમણે જણાવ્યું, આર્મીમાં પણ કંઈક અંશે ક્લાસિઝમ જોવા મળે છે અને અહીં પણ ઉપરી અફસરોને ઘીકેળાં અને એમના જેવા જવાનોને ભાગે ઘોર નિરાશા સાંપડી રહી છે. એમણે દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિમાં તો દિવસ-રાત પસાર કરવાના જ હોય, પણ એની સાથે એમના પગારભથ્થાં પણ એક સૈનિકને છાજે એવા નથી. દેશનો સામાન્ય સિવિલિયન જેમ ચારેબાજુઓથી ભીંસમાં છે એ જ રીતે લશ્કરનો સામાન્ય જવાન પોતાના સંસારના ગુજરાનની માથાકૂટો, કામનું પ્રેશર અને મોરલ ડાઉન કરી દે એવી અનિશ્ચિતતાઓ વચ્ચે ઝઝૂમતો રહે છે. જોકે તમામ મોર્ચે જ્યારે આટલી બધી નિરાશા હોય ત્યારેય આ જવાનોના દિલમાં ભારતમાતાની રક્ષા માટે સળગતી મશાલ જરા સરખીય મંદ નથી પડતી એ જોઈને એમને સેલ્યુટ કરવાનું નહીં, પણ સાષ્ટાંગ દંડવત્ કરવાનું મન થાય. આખરે નાગરિક તરીકે દેશ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા કેટલી? નાના-મોટા ભ્રષ્ટાચારોમાં આપણા હાથ નથી ખરડાયેલા શું?

ઉરી હુમલા પછી ખબર નહીં કેમ પણ મને એવો ઘ્રાસ્કો હતો કે, હવે જો પઠાણકોટ કે ઉરી જેવી ઘટનાનું પુનરાવર્તન થશે તો લશ્કર બળવો કરી બેસસે અને કેટલીક સત્તા હાથમાં લઈને સરકારની પરવાનગી વિના કોઈ પગલાં લેશે. અલબત્ત આ એક ચાઈલ્ડિશ પ્રિડિક્શન અથવા ડર હતો, પરંતુ લશ્કરની ધીરજ ખૂટી ગઈ તો? મારા આ ડર વિશે મેં એ જવાન સાથે વાત કરી તો એ જવાને માત્ર એક વાક્યમાં મારી ચિંતા હંમેશને માટે દૂર કરી દીધી અને લશ્કર પ્રત્યેના માનમાં ઓર વધારો કરી દીધો. જવાને કહ્યું, 

‘અંકિતભાઈ, ભારતીય સૈન્ય માત્ર આપણા પ્રદેશોની રક્ષા જ નથી કરતું, અમે દેશની લોકશાહીની પણ રક્ષા કરીએ છીએ. અમારી ધીરજ કંઈ ચીનનો સામાન નથી કે, એની કોઈ ગેરેંટી ના હોય. અમારી ધીરજ અખૂટ છે અને દેશના લોકતંત્રમાં અમને અપાર શ્રદ્ધા છે. અમે વળી શું કામ લોકતાંત્રિક અને બંધારણીય પદો સામે બળવો કરવાના?’

આ જવાનની અન્ય એક ખાસિયત એ છે કે, તેઓ સરહદ પરની પોતાની જવાબદારીઓ ઉપરાંત ગુજરાતના હિતમાં અન્ય એક પ્રવૃત્તિ પણ ધોમધોકાર ચલાવે છે. ગયા વર્ષે એમનું પોસ્ટિંગ આસામમાં હતું, જે દરમિયાન ગુજરાત માટેની એ પ્રવૃત્તિ માટે એમણે યશસ્વી યોગદાન આપેલું અને સોશિયલ મીડિયામાં અસરકારક કામ કરેલું. એ પ્રવૃત્તિ શું છે અને ઓન ડ્યુટી જ્યારે એમને આરામ કરવા માટે માત્ર ચાર કલાક ફળવાતા એ કલાકો દરમિયાન ઉંઘવાની જગ્યાએ છેક આસામથી ગુજરાત માટે શું કરેલું એ વિશેની તમામ વિગતો પણ એમણે જણાવી. 

એ કામ કયું હતું અને એ જવાન કોણ છે વિશેની તમામ વાતો આપણે ‘khabarchhe.com’ મેગેઝિનના દીવાળી સ્પેશિયલ ઈશ્યુમાં આલેખવાનો પ્રયત્ન કરીશું. હાલમાં એ જવાન નથી ઈચ્છતા કે, એમનું નામ કે એમનું કામ જાહેર થાય. અંગતપણે મને એવી ઈચ્છા હતી કે, હું એ જવાનનું નામ, એમની સરાહનિય પ્રવૃત્તિઓ અને એમનો ફોટોગ્રાફ પ્રકાશિત કરું. પરંતુ તેઓ ઈચ્છે છે કે, તેઓ ગુજરાત આવે પછી નિરાંતે અને વધુ વિગતે વાત કરીશું. આ વાતો ચાલી રહી હતી એ દરમિયાન એમણે એક વાત કહી, જે સાંભળીને આંખો ભીની થઈ ગઈ. એમણે કહ્યું, ‘આ તો મને એવી ઈચ્છા હતી કે, તમારો આભાર માનું અને હું મારા કામ વિશે કોઈને જાણકારી આપું. શું ખબર કાલની સવાર જોવા ન મળી તો? દુશ્મનની ગોળીઓ પર કોઈની છાતીના સરનામાં થોડા લખ્યાં હોય?’

હું ગળગળો થઈ ગયો. એક જવાન સરહદ પર અત્યંત તણાવપૂર્ણ માહોલમાં રાત ગુજારી રહ્યો હતો અને આવતી કાલની અવઢવો વચ્ચે છેક ગુજરાતમાં મને ફોન કરીને એમના કામ અને જીવન વિશેની વાતો વર્ણવી રહ્યો હતો. અધવચ્ચે અટકાવી મને કહે હવે એક ફોન ઘરે કરી દઈશ. ફરી પાછી એ જ વાત કહી, ‘શું ખબર કાલનો સૂરજ જોવા મળે કે ન મળે.’ આ વખતે મારાથી કશું બોલાયું નહીં, બસ આંખો અનરાધાર હતી. તેઓ કહે, ‘આજે ભલે તણાવ હોય, પરંતુ બીજી સવારના સૂરજની અનિશ્ચિતતાના પ્રશ્નનો અમારે રોજ સામનો કરવો પડે છે!’ 

મેં કહ્યું, અમે સૌ તમારી ખેરિયત માટે પ્રાર્થના કરીશું. ‘તમે અમારા માટે લડો છો તો અમે તમારા માટે પ્રાર્થના નહીં કરી શકીએ?’ એમણે એ વાતે આભાર માન્યો અને કહ્યું, ‘હું તમને મારા કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. કોઈને બતાવતા નહીં. જો…..’ જો પછી નહીં કહેવાયેલા શબ્દો હું સમજી ગયો. મેં કહ્યું આવતી કાલે સવારે તમે મારો આ લેખ વાંચશો. મારું કમનસીબ એટલું જ કે, આ લેખ સાથે હું તમારો ફોટો નહીં પબ્લિશ કરી શકું. બાકી કશું થવાનું નથી.’ એમણે કહ્યું, ‘ઉપરવાળાની રહેમ હશે તો એ પણ કરીશું, દીવાળી આવવા દો…’

આ પછી થોડી ઔપચારિક વાતો થઈ અને લાઈન કટ થઈ. થોડી જ મિનિટોમાં એમણે એમના પાંચેક ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપ કર્યા. ત્યાં સુધીમાં મારી મા-એ પણ એ જવાનની રક્ષા માટે એક દીવો પ્રકટાવી દીધેલો. મા અંબાને પ્રાર્થના કરેલી કે, ‘જગતજનની તારા આ સંતાનોના જીવની રક્ષા કરજે…’ મેં એ દીવાની જ્યોતનો ફોટોગ્રાફ એમને મોકલ્યો. એ શ્રદ્ધા સાથે કે, આ જ્યોત અમર રહે…. 

સવારે વહેલા ઊઠીને સતત વ્હોટ્સએપ ચેક કરતો રહ્યો. સવારે સાત વાગ્યા સુધી એમનું લાસ્ટ સીન રાત્રે અગિયાર વાગ્યાનું હતું. અંતે સવા-સાત વાગ્યે ફરી ચેક કર્યું તો સાત વાગ્યાની આસપાસ એમનું લાસ્ટસીન બતાવતું હતું. દિલને રાહત થઈ ગઈ… દિલ કહી રહ્યું હતું. જય હિંદ… જય જવાન…

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.