કદરદાન દર્શકોના દિલોજાન અભિનેતાની દાસ્તાન

10 Dec, 2015
12:45 AM

mamta ashok

PC:

'છેલ્લો દિવસ' ફિલ્મના ત્રણ કલાકારોની મેં લીધેલી ટેલિફોનિક મુલાકાતમાં આજની આ છેલ્લી મુલાકાત આજે પ્રસ્તુત છે. સાચી વાત કરું તો આ ત્રીજી મુલાકાત વાચકોની ડિમાન્ડ બાદ જ શક્ય થઈ શકી છે. મંગળવારે અભિનેતા યશ સોનીની મુલાકાત પ્રકાશિત થયેલી એમાં જ છેલ્લે મલ્હાર ઠાકરની મુલાકાત વિશેની પણ જાહેરાત કરેલી. એટલે વહાલા વાચકોએ વ્હોટ્સ એપ અને ફેસબુક પર પૂછપરછ આદરી કે, 'તમે નરેશનો ઈન્ટરવ્યુ નહીં કર્યો?', 'અમને નરેશ વિશે પણ જાણવાની જિજ્ઞાસા છે. તમે એમની મુલાકાત ક્યારે છાપશો?' 'છેલ્લો દિવસ' ફિલ્મના પાત્ર નરેશ એટલે કે અમદાવાદ સ્થિત અભિનેતા તેમજ RJ મયૂર ચૌહાણની મુલાકાત પણ અમારી યાદીમાં હતી જ, પરંતુ એમની વ્યસ્તતાને કારણે મંગળવાર સુધી એમની સાથે કોમ્યુનિકેશન નહોતું થઈ રહ્યું. અંગતપણે મેં પણ આશા છોડી દીધી હતી કે, 'હવે મયૂર ચૌહાણ સાથે વાત નહીં જ થાય.' પરંતુ વાચકોએ એમના વિશે સતત પૂછતાછ કરતા મેં ફરી એમનો સંપર્ક કરવાનો શરૂ કર્યો. મારા નસીબે એમનો સંપર્ક થઈ ગયો અને મયૂર ચૌહાણે થોડો સમય ફાળવ્યોય ખરો.

ઉપરની આખી વાતમાં વાચકોનો નરેશના પાત્ર પ્રત્યેનો પ્રેમ સાફ દેખાઈ આવે છે. ફિલ્મમાં માત્ર બે વખત થોડી વાર માટે સ્ક્રીન પર દેખાતા, 'અમો-તમો'ની ભાષામાં વાત કરતા આ પાત્રને દર્શકો બેહદ પસંદ અને પ્યાર કરી રહ્યા છે. અરે, લોકો પોતાની સામાન્ય વાતચીતમાં કે, વ્હોટ્સ એપ, ફેસબુકની ચેટિંગ દરમિયાન પણ 'અમો તમો'ની શૈલીમાં ગુજરાતી બોલી રહ્યા છે. ખૂદ ફિલ્મના ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકે લખેલા આ સંવાદોને ધ્યાનથી સાંભળીશું તો ખ્યાલ આવશે કે, આ સંવાદો લખવામાં ખાસું એવું સંશોધન થયેલું છે.

અલબત્ત, ફિલ્મોમાં માત્ર સંવાદો જોરદાર હોવું પૂરતું નથી. અહીં પાવર પરફોર્મન્સની પણ ઘણી જરૂર હોય છે. નહીંતર કેટરીનાના કૂળના કંઈ કેટલાય એક્ટર્સ એવા હોય છે, જેઓ અસરકારક સંવાદોનું પણ છડેચોક ચીરહરણ કરતા ખચકાતા નથી. પણ, મયૂર  ચૌહાણની વાત અલગ છે. આ કલાકારે 'અમો તમો'ના સંવાદો ભજવતી વખતે ખરા અર્થમાં કલાકારી બતાવી છે, એ પાત્રમાં પ્રાણ પૂર્યા છે અને પાત્ર નાનું હોવા છતાં, લાખો ગુજરાતી દર્શકોને પાત્રની નોંધ લેવા મજબૂર કર્યા છે.

મયૂર જીવનમાં ઘણો સંઘર્ષ કરીને ઉપર આવેલા કલાકાર છે. જોકે અહીં આપણે એમના સંઘર્ષની નહીં પણ, એમની ટેલેન્ટ અને એમના અભિનયની જ વાત કરવી છે. કારણ કે, આ કલાકારને ભૂતકાળ વાગોળતા રહેવામાં નહીં પરંતુ ટટ્ટાર ઊભા રહીને વર્તમાનમાં જીવવામાં અને સહેજ ઉંચુ જોઈને ભવિષ્યનાં સપનાં જોવામાં રસ છે! મયૂરને ફિલ્મોનો ગાંડો શોખ છે. એય આજકાલથી નહીં પરંતુ નાનપણથી! મયૂર કહે છે કે, 'સિનેમાને હું મારી બીજી મા ગણું છું. નાનો હતો ત્યારથી મને દર શુક્રવારે પહેલા શૉમાં ફિલ્મ જોવાની આદત છે. મને હજુ યાદ છે એ દિવસો, જ્યારે હું પપ્પા સાથે સાયકલ પર બેસીને ફિલ્મો જોતો. ફિલ્મો પ્રત્યેના આ આકર્ષણને કારણે જ મારામાં અભિનય પ્રત્યે રસ કેળવાયેલો. જોકે નાનપણમાં મેં ક્યારેય અભિનય નથી કર્યો.'

હજુ પાંચેક વર્ષ પહેલાંની જ વાત છે, જ્યારે મયૂર ચૌહાણ એક પ્રસંગમાં ગયેલા, જ્યાં કેટલીક ફિલ્મી હસ્તીઓ આવી હતી. ત્યાં એમણે ચિરાગ ત્રિપાઠી નામની એક વ્યક્તિને વાત કરી કે, એમને નાટકોમાં અભિનય કરવાની ઘણી ઈચ્છા છે. પેલા ભાઈએ મયૂરને અમાદાવાદની ખ્યાતનામ નાટ્ય શાળા 'દર્પણ એકેડમી'માં જવાની સલાહ આપી અને ત્યાં જઈને નાટ્યકાર નિસર્ગ ત્રિવેદીને મળવાની સલાહ આપી. અભિનય પ્રત્યેની પેશનને કારણે મયૂર વિના કોઈ ખચકાટ 'દર્પણ એકેડમી'માં જઈને નિસર્ગ ત્રિવેદીને મળ્યાં એમની આગળ પોતે અભિનય શીખવા ઈચ્છે છે એવી ઈચ્છા પ્રકટ કરી. જોકે ત્યારે મયૂરનો એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ હતો એટલે નિસર્ગ ત્રિવેદીએ એમની પાસે પ્રોમિસ માગ્યું કે, 'તમારે નાટક કરવા હોય તો ભલે કરો, પરંતુ ભણતરના ભોગે તમે નાટકો કરો એ હું નહીં ચલાવી લઉં.' એટલે ગુરુની સલાહ માનીને મયૂરે એન્જિનિયરિંગ અને નાટકો સમાંતરે ચાલું કર્યા.

આમ, પાછલાં પાંચ વર્ષોમાં મયૂરે પોતાનો આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો અને વિવિધ નાટકોમાં અભિનય કરીને પોતાના અભિનયની ધાર પણ કાઢી. અધૂરામાં પૂરું 'દર્પણ'માં મયૂરને નિસર્ગ ત્રિવેદી અને અભિનય બેંકર જેવા તખતાના મહારથીઓ તરફથી ઊંડું માર્ગદર્શન પણ મળી જ રહ્યું હતું. આ પાંચ વર્ષના ગાળામાં મયૂરે 'કડક બાદશાહી' કે 'અકૂપાર', જેવાં વિવિધ જોનરના નાટકોમાં અભિનય કર્યો. આ નાટકોએ એમને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાના બે રાષ્ટ્રીય એવોર્ડ પણ અપાવ્યાં અને એવા જ કોઈ નાટક વખતે 'છેલ્લો દિવસ' ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહનું એમના પર ધ્યાન ગયેલું. એટલે જ્યારે નરેશના પાત્ર માટે શોધ આદરવામાં આવી ત્યારે મયૂરનો સંપર્ક કરવામાં આવ્યો.

'છેલ્લો દિવસ'માં મયૂરને કેવો એક્સપિરિયન્સ રહ્યો એની વાત પછી કરીએ. એ પહેલા એમની આરજે તરીકેની કરિયર વિશે જાણીએ. આ માટે મયૂર કહે છે કે, 'મારી અભિવ્યક્તિ ઘણી સારી છે. મારા મનમાં ચાલતા વિચારોને લોકો સમક્ષ રજૂ કરવાની આવડત મને હાથવગી છે. એવામાં 'ગુજરાતી રેડિયો' શરૂ થયો, જેના પર માત્ર ને માત્ર ગુજરાતી લિટરેચર અને ગુજરાતી સુગમ સંગીતની વાતો થવાની હતી. મને 'ગુજરાતી રેડિયો'માંથી આરજેઈંગ માટેની ઑફર આવી અને મને રેડિયોની કન્સેપ્ટ પણ ગમતી હતી એટલે મેં એ જોઈન કર્યું.'

આમ આ રીતે આરજે માઈકલનો જન્મ થયો. અને ગુજરાત અને ગુજરાતની બહાર દુનિયાના ખૂણે ખૂણે પથરાયેલા ગુજરાતીઓએ મયૂર એટલે કે આરજે માઈકલનો 'અક્ષરનો અવાજ' નામનો કાર્યક્રમ ખૂબ પસંદ કર્યો. વચ્ચેના ગાળામાં મયૂરને ત્રણેક ગુજરાતી ફિલ્મો પણ ઑફર થઈ પરંતુ કોઈને કોઈ કારણોસર મયૂર એ ફિલ્મો સાથે નહીં જોડાઈ શક્યા. પરંતુ 'છેલ્લો દિવસ' માટે જ્યારે વાતચીત શરૂ થઈ ત્યારે બધું સમુંસૂતરું પાર પડ્યુ અને મયૂરે આ ફિલ્મનો નરેશનો રોલ સ્વીકાર્યો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, મયૂરના મનમાં આ પાત્ર વિશે ઘણો ભય હતો કે દર્શકો આ પાત્રને સ્વીકારશે કે નહીં. અધૂરામાં પૂરું મયૂરે આ રોલ માટે ફિલ્મના અન્ય કલાકારોની જેમ વીસ દિવસના રિહર્સલ્સ પણ નહોતા કર્યા. આ કારણે જ શૂટિંગ પહેલા એમને થોડો ખચકાટ હતો. મજાની વાત એ છે કે, ફિલ્મની શરૂઆતમાં જે 'અમો તમો'નો સીન આવે છે એને મયૂરે વન ટેકમાં શૂટ કર્યો હતો! શૂટિંગ સમાપ્ત થયું પછી લોકેશન પર હાજર લોકોએ એમના અભિનયને ખૂબ વખાણેલો. પરંતુ આવો સરસ વન ટેક શૉટ આપ્યાં પછી પણ મયૂરને એવો ધ્રાશકો હતો કે, દર્શકોને આ કેરેક્ટર હથોડો જ લાગવાનું. પણ ફિલ્મ રિલીઝ થઈ પછી ગજબ બન્યું. એની ગાથા અહીં આલેખવાની કોઈ જરૂર છે ખરી? એમના એ પરફોર્મન્સ પછી 'છેલ્લો દિવસ'ની ટીમના કેટલાક લોકોએ ડિરેક્ટરને ફિલ્મમાં નરેશનો રોલ વધારવાની પણ સલાહ આપેલી અને ત્યારબાદ ફિલ્મમાં નરેશના કેટલાક સીન વધારવામાં પણ આવેલા. પરંતુ કામની વ્યસ્તતાને કારણે મયૂર એ સીન શૂટ નહોતા કરી શક્યા.

જોકે ફિલ્મમાં માત્ર બે સીન હોવા છતાં દર્શકોએ એમને જે રીતે સ્વીકાર્યા છે એ વાતથી મયૂર અત્યંત આનંદિત છે. મયૂર કહે છે કે, 'ફિલ્મ રિલીઝ થયાં બાદ મને માત્ર ને માત્ર પ્રેમ જ મળી રહ્યો છે. આ એક અપ્રતિમ અનુભવ છે મારા માટે! હજુ થોડા દિવસો પહેલા જ હું કુશ નામના એક બાળકને મળ્યો, જે અંધ હતો. અત્યાર સુધીમાં એ બાળકે અમારી ફિલ્મ ત્રણ વખત અનુભવી છે અને એ ફિલ્મ અનુભવ્યા બાદ એણે અમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મને એ બાબત બહુ સ્પર્શી ગઈ કે, અમે તમામ પ્રકારના લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. આખરે લોકોને મનોરંજન આપવું એ જ તો અમારો મુખ્ય હેતુ છે!'

નરેશના આ પાત્રને કારણે દર્શકોના મનમાં મયૂરની એક ચોક્કસ ઈમેજ બની ગઈ છે. દર્શકો મયૂરને મળે છે ત્યારે એમની સાથે 'અમો તમો'ની શૈલીમાં વાત કરે છે અથવા એમની પાસે એ રીતનું કંઈક બોલાવડાવે છે. કોઈ કલાકાર જ્યારે દર્શકોના મનમાં કોઈ ચોક્કસ ફ્રેમમાં બંધાઈ જાય ત્યારે એ બંધિયારપણામાંથી બહાર આવવું કલાકાર માટે મોટી ચેલેન્જ હોય છે. મયૂરની સામે હવે કંઈક આવો જ પડકાર આવીને ઊભો રહ્યો છે. જોકે મયૂર એ બાબતે જણાવે છે કે, આવતે વર્ષે એમની 'એક પાઘડી' અને ‘દાવ થઈ ગયો યાર’ નામની ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં એમણે ડિફ્રન્ટ રોલ કર્યો છે. એટલે મયૂરને એવો વિશ્વાસ છે કે, આગામી ફિલ્મથી જ તેઓ એમની ચોક્કસ ઈમેજમાંથી બહાર આવી જશે. આ ઉપરાંત હાલમાં પણ એમને કેટલીક ફિલ્મોની ઑફર થઈ રહી છે, એટલે એ ફિલ્મો પસંદ કરતી વખતે પણ તેઓ એમના રોલનું ધ્યાન રાખશે.

'છેલ્લો દિવસ' પછી મયૂરને ઉપરાછાપરી પાંચ ફિલ્મોની ઑફર આવી છે, સાથે એમનું આરજેઈંગ પણ ચાલું છે, પણ આ બધામાં તેઓ નાટકો સાથેનો એમનો સંબંધ અકબંધ રાખવા ઈચ્છે છે. તેઓ માને છે કે, આજે તેઓ જે કંઈ પણ છે કે, અભિનેતા તરીકે જે રીતે વખણાઈ રહ્યા છે એની પાછળ એમના નાટકો જવાબદાર છે. એટલે નાટકો સાથેને નાતો તેઓ ક્યારેય નહીં તોડે. બલ્કે, હાલમાં તેઓ તેઓ એમના એક ડ્રીમ પ્લે પર કામ કરી રહ્યા છે, જે નજીકના ભવિષ્યમાં ભજવાશે. આ ઉપરાંત મયૂર એમની સફળતાનો બધો શ્રેય એમના નાટ્યગુરુ નિસર્ગ ત્રિવેદી અને અભિનય બેંકરને આપી રહ્યા છે. આ કલાકાર માત્ર કલા ખાતર કલામાં માનતા નથી. તેઓ કલા લોકભોગ્ય બને એ બાબતના હિમાયતી છે. ફિલ્મમાં ભલે એમણે કોમિક રોલ કર્યો હોય, પરંતુ રિયલ લાઈફમાં તેઓ અત્યંત ઠરેલ અને ગંભીર છે. તેઓ માણવા જેવા કલાકાર તો છે જ, પણ મળવા જેવા માણસ પણ છે.

ફીલ ઈટઃ

મારી કલા જો કોઈને આનંદ આપતી હોય તો એ મારા માટે બમણા આનંદની વાત છે.

                                                                          -મયૂર ચૌહાણ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.