નાટકની ભઠ્ઠીમાં તપીને મલ્ટિપ્લેક્સની સ્ક્રીન પર પહોંચેલો ક્લાકાર

08 Dec, 2015
12:59 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે ગજબ થયું. ત્રણ અઠવાડિયા પહેલા મુંબઈ સહિત ગુજરાતભરના સિનેમાઘરોમાં ક્રિષ્નદેવ યાજ્ઞિકની 'છેલ્લો દિવસ' ફિલ્મ રિલીઝ થયેલી. પહેલું અઠવાડિયુ તો ફિલ્મ સરસ ચાલી. જેટલા લોકોએ જોઈ એ બધાએ ખૂબ વખાણી. પણ બીજા અઠવાડિયે ઈમ્તિયાઝ અલીની 'તમાશા' રિલીઝ થવાની હતી એટલે બીજા અઠવાડિયે સ્વાભાવિક જ ઑડિયન્સ 'તમાશા' તરફ ડાઈવર્ટ થવાનું હતું. આફ્ટરઓલ સ્ક્રીન પર રણબીર અને દીપિકા રોમાન્સ કરવાના હતા! જ્યારે બીજી તરફ 'છેલ્લો દિવસ'ની આખી સ્ટારકાસ્ટમાં સમ ખાવા પૂરતોય કોઈ કલાકાર જાણીતો ન હતો. વળી, બીજું એક સત્ય એ હતું કે, 'કેવી રીતે જઈશ', 'બે યાર', 'ગુજ્જુભાઈ' કે 'પ્રેમજી' જેવી ફિલ્મો વખણાઈ ચૂકી હોવા છતાં પ્રાધાન્યની બાબતે હજુ પણ ગુજરાતી ઑડિયન્સ બોલિવુડ અને હોલિવુડને જ પ્રિફર કરે છે. પણ... પણ... પણ... આ વખતે બધી ગણતરીઓ ઊંઘી પડી અને માસ ગુજરાતી ઑડિયન્સે 'તમાશા', 'સ્પેક્ટર' અને ચાર અઠવાડિયાથી અમસ્તી થિયેટર્સમાં ઝૂલી રહેલી 'પ્રેમ રતન ધન પાયો' જેવી બિગ બજેટ, બિગ સ્ટારર ફિલ્મો જોવાનું ટાળીને ફક્કડ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ને પસંદ કરી. અને અમોના મતે તો આ એક મોટું અને સુખદ આશ્ચર્ય હતું!

અન્ય ફિલ્મો ઑડિયન્સને પસંદ ન પડી એટલે લોકો વિકલ્પ તરીકે 'છેલ્લો દિવસ' જોવા ગયા હોય એવું પણ નથી, કે 'ચાલો ભાઈ કંઈ નથી તો આ જોઈ નાંખીએ!' પણ, ફિલ્મની સ્ટોરીથી લઈને, લોકેશન કે કેમેરા અને મ્યુઝિકથી લઈને કલાકારોના અભિનય સુધીની બાબતોમાં કશુંક અસામાન્ય હતું. વત્તા 'પ્રેમ રતન ધન પાયો' અને 'તમાશા'ના હાઈડોઝમાંથી બહાર આવી શકાય એવી કૉમેડી પણ ફિલ્મમાં હતી. એટલે ઓવરઑલ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી અને જેમણે ફિલ્મ જોઈ એમણે ફેસબુક પર કે, પોતાના વ્હોટ્સએપ ગ્રુપ્સમાં ફિલ્મના ખોબલા નહીં પણ ટોપલા ભરીને વખાણ કર્યાં. થયું શું? આ પ્રકારની માઉથ પબ્લિસિટીથી બીજા લોકો પણ ફિલ્મ જોવા પ્રેરાયા અને ફિલ્મ જોરદાર હિટ ગઈ. મજાની વાત એ છે, ઓડિયન્સ ફિલ્મ સાથે એટલી હદે કનેક્ટ થયું કે, લોકોએ સોશિયલ મીડિયામાં 'અમો... તમો'ની ભાષાની વાત કરવાનું શરૂ કર્યું અને મિત્રોના ટોળામાં જુવાનિયાઓ એકબીજાને 'જાને હવે ટોપાઆઆઆ...' કહીને ચીડવવા માંડ્યા. આ જ તો સફળતા હતી ફિલ્મની!

ખૈર, અમો જ્યારે ફિલ્મ જોતાં હતા ત્યારે ત્રણ પાત્રો રહી રહીને અમોનું ધ્યાન એમની તરફ આકર્ષિત કરી રહ્યા હતા. જબરદસ્ત અભિનય અને એથીય ચઢે એવી 'અમો...તમો'ની લાઈન્સને કારણે નરેશનું પાત્ર તો પહેલા અડધા કલાકમાં જ આપણું દિલ જીતી લે છે. પરંતુ લિડ કેરેક્ટર નિખિલ એટલે કે નિક અને વિકી પણ ધીમે ધીમે આગળ વધતી ફિલ્મની સાથે ઉત્તમ અભિનેતા તરીકેનો એમનો સિક્કો જમાવી રહ્યા હતા. ફિલ્મ તો અમોને ગમી જ પરંતુ આ ત્રણ કલાકારોના અભિનયે અમોને બહુ પ્રભાવિત કર્યા. અમોના માંહ્યલામાં જીવતો પત્રકાર રહી રહીને ઠેકડા મારતો અને મુજને કે'તોતો કે, તમો આ કલાકારોનો સંપર્ક કરો અને જાણો કે, તમો આવો જોરદાર, ધારદાર અને પાણીદાર અભિનય શીદ રીતે કરી શકો છો? જરા અમોને પણ તો સમજાવો...

બસ. હવે ફિલ્મના નશામાંથી બહાર આવીએ. નહીંતર લેખ એની ગંભીરતા ખોઈ બેસસે અને મને નુકશાન જશે. કારણ કે, અમો તો મૂળે ભવાઈબાજ એટલે અમો તો 'અમો તમો'માં આખો લેખ ખેંચી નાંખીએ. પણ પછી તમો આવતા અઠવાડિયેથી અમોને નહીં વાંચો એનું શું?

સૌથી પહેલા મેં મારા ફેવરિટ એક્ટર યશ સોનીને ફોન કર્યો. ટેલિફોનિક ઈન્ટરવ્યુ માટે યશને ક્યારે કન્વિનિયન્ટ રહેશે એ માટે જ ફોન તો કરેલો પરંતુ ફિલ્મની કોઈ ઈવેન્ટમાંથી થાકીને ઘરે આવેલા યશ કહે કે, 'આપણે હમણા જ પતાવી દઈએ' એટલે અમે વાતો શરૂ કરી. મારો પહેલો સવાલ એ હતો કે, 'તમારા અભિનયમાં ઘણી પરિપક્વતા દેખાય છે. તમે કેટલા વખતથી અભિનય કરો છો?' એના જવાબમાં યશે જણાવ્યું કે, તેઓ છેલ્લા બારેક વર્ષથી અભિનય સાથે સંકળાયેલા છે. અને અભિનયની શરૂઆત એમણે નાટકના માધ્યમથી કરેલી.

તમને જાણીને આશર્ય થશે કે, યશ સોની હજુ માત્ર ઓગણીસ વર્ષના છે. આઠ વર્ષની ઉંમરની તેઓ નાટકો કરી રહ્યા છે. જોકે યશ અભિનયની દુનિયામાં કઈ રીતે આવ્યા એ પાછળ એક મજેનું કારણ છે. યશ કહે છે કે, 'અમારા પરિવારમાં કોઈને અભિનય સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. પરંતુ નાનપણમાં મને કોઈ પૂછતું કે, તારે મોટા થઈને શું બનવું છે? તો હું એમને જવાબ આપતા ગૂંચવાઈ જતો. કારણ કે, મારે તો બધું જ બનવું હતું. ઉંમરના એ પડાવ પર આપણે નાદાન હોઈએ છીએ એટલે ક્યારેક મને ડૉક્ટર બનવાનું મન થતું તો ક્યારેક મને પાઈલટ બનવાનું મન થતું. તો ક્યારેક મને સ્પોર્ટ્સમેન બનવાનું મન થતું. જોકે નાદાનિયતના એ વર્ષોમાં જ મને મારી અવઢવનો ઉકેલ મળી ગયેલો. મને થયું કે, બોસ, આપણે અભિનેતા બનવું જોઈએ. કારણ કે, અભિનેતાને ડૉક્ટર પણ બનવા મળે અને પાઈલટ કે સ્પોર્ટ્સમેન પણ બનવા મળે! અને બસ આમ જ મને એક્ટિંગ તરફ આકર્ષણ થયું અને હું નાટકો કરતો થયો.'

ક્યા બાત હૈ બોસ! આ તો જબરા કલાકાર! આનંદની વાત એ છે કે, નાટકોની દુનિયામાં પ્રવેશ કર્યા બાદ યશને તખતાનો જબરો ખુમાર ચઢ્યો અને દિનપ્રતિદિન અભિનયમાં એમનો રસ વધુને વધુ વિકસતો ગયો અને બારેક વર્ષની ઉંમર પછી તો નાટકો અને અભિનય જ યશનું પેશન બની ગયા. યશ કહે છે કે, 'મને ફોટોગ્રાફી કરવી ગમે છે અને હું સારો સ્વિમર પણ છું. આ ઉપરાંત સ્કેટિંગ કે કરાટેમાં પણ મને રસ છે. પરંતુ ફોટોગ્રાફી કે સ્વિમિંગ જેવી બાબતો પ્રત્યેનું મારું આકર્ષણ હંગામી હતું. થોડા દિવસો કે મહિનાઓ સુધી એમના પ્રત્યે લગાવ રહે, પછી એમાંથી મારો રસ ઉડી જાય અને હું બીજે ક્યાંક ડાઈવર્ટ થાઉં. પરંતુ નાટકોમાં મારો રસ અકબંધ રહ્યો છે. ખબર નહીં કેમ, પણ આ દુનિયાનું મને ગજબનાક આકર્ષણ છે.'

નાટકોમાં પણ યશને એક્સપરિમેન્ટલ થિયેટર વધુ ગમે છે. અત્યાર સુધી એમણે એક જ કમર્શિયલ નાટક કર્યું છે. તમને ખ્યાલ હશે જ કે, એક્સપરિમેન્ટલ થિયેટરમાં પ્રેક્ષકોની સંખ્યા ઓછી હોય છે. યશની ઉંમર હજુ નાની છે એટલે એમના પર પ્રોફેશનલ એક્ટરનું ટેગ તો કેમ લગાડી શકાય? પરંતુ એક્સપરિમેન્ટલ થિયેટરના પ્રેમને કારણે એમણે સાવ નજીવું મહેનતાણું સ્વીકારીને કે, કોઈ વાર તો એક પણ રૂપિયાની ફી લીધા વિના એમણે મોહન રાકેશ કે શિતાશું યશશ્ચંદ્ર જેવા લેખકોના એક્સપરિમેન્ટલ નાટકો કર્યા છે.

વાતચીત દરમિયાન યશ વારંવાર એક્સપરિમેન્ટલ થિયેટરનો ઉલ્લેખ કરી રહ્યા હતા એટલે એમને વચ્ચેથી અટકાવીને અમે પૂછ્યું, 'એક્સપરિમેન્ટલ નાટકો તરફ લગાવ પાછળનું કોઈ ખાસ કારણ?' તો યશ કહે કે, 'આ થિયેટરમાં જે સર્જનાત્મક આનંદ આવે છે એવો ક્યાંય નથી આવતો. સાવ નોખા વિષય અને ઉંડી વાતો લઈને તમે મંચ પર જાઓ છો ત્યારે કલાકાર તરીકે તમારું અંતર સતત છલક છલક થતું હોઈ. એમ માનો ને કે સ્ટેજ પર જઈએ એટલે કોઈ દિવ્ય અનુભૂતિ થાય. અરે, ઘણી વખત તો એવું પણ બનતું કે, પ્રેક્ષકો કરતા મંચ પર અમે કલાકારો વધુ હોઈએ! પણ તોય યાર, એક આગવી મજા છે એક્સપરિમેન્ટલ થિયેટરની.' યશના આ જવાબમાં મને મારા સવાલનો જવાબ તો મળી ગયો. ફિલ્મ જોતી વખતે યશના એટલે કે નિકના પરફોર્મન્સ દરમિયાન જે એક અદૃશ્ય નિખાર ઊભરી રહ્યો હતો એની પાછળ એમનો રંગમંચનો અનુભવ જ જવાબદાર છે.

આગળ વધીએ. મારી જેમ ઘણાને એ જાણવાની ઉત્સુકતા હશે કે, 'તો પછી યશને આ ફિલ્મ અને ફિલ્મનું લિડ કેરેક્ટર મળ્યું કઈ રીતે?' આ સવાલના જવાબમાં યશ જણાવે છે કે, 'ફિલ્મના ઓડિશન ચાલતા હતા ત્યારે કોઈકે મને ત્યાં જવાની સલાહ આપેલી ખરી. બટ સમ હાઉ, હું ઓડિશન્સ ચૂકી ગયેલો. જોકે પાછળથી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહે મારી યાજ્ઞિકસર સાથે મુલાકાત કરાવી આપેલી. પહેલી મિટિંગ દરમિયાન જ મેં સ્ક્રીન ટેસ્ટ આપેલો, જ્યાં મેં એક સોલો એક્ટ કરેલું. યાજ્ઞિકસરને એ પરફોર્મન્સ ખૂબ ગમેલું. અને બસ ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, નિકનું કેરેક્ટર હું પ્લે કરું છું.'

પછી મેં ટિપિકલ પત્રકાર બનીને સમગ્ર બ્રહ્માંડના પત્રકારો વતી યશને એક સવાલ પૂછી લીધો, 'આપ કો ઈસ ફિલ્મ મેં કામ કર કે કેસા લગા?' યશે પણ એ જ શૈલીમાં દુનિયાના તમામ કલાકારો વતી જવાબ આપી દીધો કે, 'અજી, બહોત બઢીયા.' જોકે યશે એ જવાબમાં એમ પણ ઉમેર્યું કે, 'આ આખી ફિલ્મ જ મારા માટે એક જોરદાર એક્સપિરિયન્સ રહી છે. કારણ કે, નાટકોની દુનિયામાંથી આવેલી મારા જેવી વ્યક્તિ માટે એચડી કેમેરાથી લઈને બીજી અનેક અવનવી ટેક્નોલોજી નવી વાત હતી. લાઈટ-કેમેરા-એક્શનની એક અનોખી દુનિયા સાથે હું પહેલી વાર કામ પાર પાડી રહ્યો હતો. એટલે 'છેલ્લો દિવસ'ના શૂટિંગ દરમિયાન પળેપળ હું કંઈક ને કંઈક શીખી રહ્યો હતો.'

જોકે નાટક અને ફિલ્મના અભિનય વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. નાટકોમાં વન ટેક પરફોર્મન્સ હોય છે તો ફિલ્મોમાં ચોક્કસ જગ્યાએ ઊભા રહીને, ચોક્કસ લાઈટની સામે વારંવાર ટેક આપવા પડતા હોય છે. સ્વાભાવિક છે કે, બંને માધ્યમોના પોતાના આગવા પડકારો હોવાના. નાટકો સાથે તો યશ એક ડઝન જેટલા વર્ષોથી જોડાયેલા છે એટલે આ ક્ષેત્રના પડકારોથી તો તેઓ અવગત હોવાના જ. પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન એમણે કયા પ્રકારના પડકારોનો સામનો કર્યો? યશ કહે છે કે, 'ફિલ્મ સાઈન કરી ત્યારે મારા મનમાં અજાણ્યા પડકારોનો છૂપો ભય હતો. પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા, અમે બધા કલાકારોએ ભેગા મળીને વીસ દિવસ સુધી રિહર્સલ્સ કરેલા. રિહર્સલ્સનો એ તબક્કો મારા માટે અત્યંત લાભદાયી નીવડ્યો. આ સમયગાળામાં મારે કઈ જગ્યાએ કયા પ્રકારનું ધ્યાન રાખવાનું છે એ વિશેનો ખ્યાલ આવી ગયેલો. એટલે શૂટિંગ દરમિયાન મને ઝાઝી તકલીફ નહીં પડી.'

ચલો ઠીક હૈ. દોઢેક કલાક વાતો થઈ ફોન પર. અમો આ કલાકારના ફેન તો હતા જ પણ એમના વ્યક્તિત્વથી બહું ઈમ્પ્રેસ થયાં. આજે ટેલિવિઝન સિરિયલમાં નાનામોટા રોલ કરતા અભિનેતાઓને જરા સરખી ફેઈમ મળતા એમના પગ જમીન પર નથી ટકતા. ત્યાં ઓગણીસ વર્ષના આ સ્ટારની વાતોમાંથી એક વાત તો તારવી જ શકાય કે, તેઓ ડાઉન ટુ અર્થ છે. યશ અત્યંત નમ્ર માણસ છે એટલું હું જાત અનુભવ પરથી કહી શકું છું, જેમની વાતોમાં ફિલ્મની સફળતાની ખુશી અને ગર્વ સાફ છલકે છે પરંતુ અભિમાન જેવું ક્યાંય નજરે નથી ચઢતું. આ કલાકાર નાટકની ભઠ્ઠીમાંથી તપીને બહાર નીકળેલા છે એટલે એમના તરફથી હજુ કંઈક જોરદાર આવે તો નવાઈ નહીં. લંબી રેસ કા ઘોડા હૈ યે, લીખ લેના.

કાલે વિકી વિશે એટલે કે, મલ્હાર ઠાકર (રિપિટ ઠાકર) વિશેની કેટલીક વાતો જાણીશું. સાયોનારા

 ફીલ ઈટ

મારા માટે પાત્ર નાનું છે કે, મોટું છે એ મહત્ત્વનું નથી. મારા માટે મહત્ત્વનું પરફોર્મન્સ છે એટલે કાલ ઉઠીને મને અત્યંત નાનું પાત્ર ઑફર થાય તો હું એ પણ પરફોર્મ કરીશ અને મારી કળા દ્વારા પાત્રમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરીશ.

-યશ સોની

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.