સરદાર પટેલ અને એમના જીવનનું અંતિમ વર્ષ

27 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

એક તરફ તાજા આઝાદ થયેલા દેશને પહેલીવાર અપનાવાયેલી લોકતાંત્રીક પદ્ધતિથી બેઠો કરવાનો હોય, દેશની બહુમતી અને લઘુમતી કોમ વચ્ચે લોહીયાળ સંઘર્ષ ચાલતો હોય, એમાં ક્યારેક ક્યારેક દેશી રજવાડાં એમની મનમાની ચલાવવા સરકારનાં શિંગડાંમાં શિંગડું ભેરવીને બેઠા હોય, બીજી તરફ દેશની બંને તરફ પથરાયેલા પાકિસ્તાનના જરા જરા વાતે ડખા ચાલું હોય અને દેશની ઉત્તર-પૂર્વની સરહદો પર ચીનની કનડગત હોય ત્યારે દેશની સરકાર અને અગ્રહરોળના નેતાઓ માટે સ્વાભાવિક જ કપરા સંઘર્ષનો સમય કહેવાય. આવા સમયે ભલભલી સત્તા એક સમયે એક જ મોરચે લડી શકે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને એમની સરકાર તમામ મોરચે લડી શકી અને એમાંના મોટાભાગના મોરચે એ સરકાર ફતેહ પણ મેળવી શકી. જોકે એના પાયામાં જવાહરલાલનું શાસન માત્ર જવાબદાર નથી. સ્વરાજ પછીની સરકારની કેટલીક સફળતાઓ પાછળ બે કારણ અત્યંત મહત્ત્વના હતા, જેમાનું પહેલું કારણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજું કારણ હતું સરદાર પટેલની કુનેહ!

નહેરુએ વડાપ્રધાન બન્યાં પછી પણ પોતાનું ચાઈલ્ડિશ બિહેવિયર ચાલું જ રાખ્યું હતું અને સરકાર તેમજ કોંગ્રેસમાં પોતાનો દબદબો જાળવી રાખવા કે પોતાની વાત મનાવવા માટે છાશવારે પોતાના રાજીનામાની ધમકીઓ ઉચ્ચારી હતી! આવા સમયે સરદાર પોતાના વિભાગો સિવાય સરકારના અન્ય વિભાગો તેમજ દેશના અન્ય પ્રશ્નોમાં પણ ઉંડો રસ લેતા અને સરકારને યોગ્ય માર્ગદર્શન આપતા રહેતા.

આપણે વાત કરીએ વર્ષ 1950ની જ્યારે, પૂર્વ પાકિસ્તાનમાંથી લાખો હિન્દુઓ ભારતમાં હિજરત કરી રહ્યા હતા. હિન્દુઓની હિજરતને કારણે ભારતમાં અને એમાંય ખાસ કરીને બંગાળમાં વાતાવરણ તંગ થઈ રહ્યું હતું. ભારતના મુસ્લિમો આ વાતને લઈને ફફડી રહ્યા હતા કે, આ હિન્દુઓને જેમ તેમ પાકિસ્તાનમાંથી તગેડી મૂકાયા છે એમ અમને પણ અહીંથી તગેડી નહીં મૂકાય! મુસલમાનોની આ ચિંતા સાવ અવગણી શકાય એમ પણ ન હતી. કારણ કે, એ સમયે એટલે કે, વર્ષ 1950ના ગાળામાં દેશના હિન્દુઓમાં પાકિસ્તાન અને મુસ્લિમ વિરોધી લાગણી મહદંશે પ્રવર્તી રહી હતી. નહેરુ આ બાબતને લઈને ચિંતામાં રહેતા અને આ મુદ્દે શું કરી શકાય અને પરિસ્થિતિને કઈ રીતે થાળે પાડી શકાય એ સંદર્ભે સરદાર સાહેબને પત્રો લખીને સતત એમની સલાહ લેતા રહેતા.

આ મુદ્દાને લઈને એકવાર તો નહેરુએ એવો નિર્ણય કર્યો કે, તેઓ થોડા સમય માટે વડાપ્રધાન પદેથી ઉતરી જાય અને એ સમય દરમિયાન પૂર્વ બંગાળ (બાંગ્લાદેશ) અને પશ્ચિમ બંગાળમાં રહીને બંને કોમ વચ્ચે શાંતિ સ્થપાય એ દિશામાં કંઈ નક્કર થાય એવા પગલા ભરે. દેશમાં સ્થપાયેલી અશાંતિને થાળે પાડવા માટેનો નહેરુનો આ નિર્ણય પણ ચાઈલ્ડિશ જ કહેવાય. કારણ કે, એક તરફ દેશમાં અશાંતિ વ્યાપેલી હોય અને દેશના લોકપ્રિય વડાપ્રધાન કોઈ નક્કર પગલા લેવાની જગ્યાએ પદ પરથી ઉતરીને અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં જવાની વાત કરે એ તો હાલના વડા પ્રધાનના મૌન કરતા પણ ઘાતક હતી!

જોકે સરદારે નહેરુના આ નિર્ણયનો આકરા શબ્દોમાં વિરોધ કરેલો અને નહેરુને પદ છોડવાનું ગાંડપણ નહીં કરવાની પણ સલાહ આપેલી. સરદાર સાહેબને એવો ભય પણ હતો કે, જો આ રીતે નહેરુ બંગાળમાં જઈને રહેશે તો એમની હત્યા પણ થઈ શકે છે.

અલબત્ત, ભારતમાં એ સમયે સર્જાયેલી કોમી તંગદિલી દરમિયાન નહેરુ અને સરદારના વલણો જુદાં હતા. દેશની લઘુમતી કોમની બાબતે પણ સરદાર અને નહેરુના અભિગમોમાં જમીન-આસમાનનો તફાવત હતો. સરદાર બિનસાંપ્રદાયિકતા અને દેશમાં હિન્દુ-મુસ્લિમના સમાન અધિકારોના હિમાયતી તો હતા જ, પરંતુ સાથે તેઓ એમ પણ સ્પષ્ટપણે માનતા કે, હાલમાં દેશમાં જે કોમી તંગદિલી પ્રવર્તી રહી છે એની પાછળ પાકિસ્તાન વધુ જવાબદાર છે. આ કારણે ભારતના મુસલમાનોએ ભારત પ્રત્યેની એમની વફાદારીનો પુરાવો આપવો જોઈએ! આશ્ચર્યની વાત એ છે કે, એ સમયે નહેરુના પ્રધાન મંડળના મોટાભાગના નેતાઓ સરદારના અભિપ્રાયને ટેકો આપતા હતા, જ્યારે નહેરુ મુસલમાનોના પુરાવા આપવાની બાબતે સરદારના વલણની સખ્ત ખિલાફ હતા.

સરદારના આ વલણ પરથી સરદાર કોમવાદી માનસિકતા ધરાવતા હતા એવું માની લેવાની જરૂર નથી. ફરક માત્ર એટલો જ હતો કે, નહેરુ લઘુમતીના દોષોને અવગણીને એમના પ્રત્યે વધુ પડતાં ઢળેલા હતા, જ્યારે સરદાર લઘુમતી હોય કે બહુમતી હોય, દેશના તમામ નાગરિકો સાથે સરકારના એકસરખા વર્તનની હિમાયત કરતા હતા.

વર્ષ 1950ના એ ગાળામાં સરદારને એમનું સ્વાસ્થ્ય પણ બહુ સાથ આપતું ન હતું. પોતાના છેલ્લા સમયમાં સરદારને નિવૃત્ત થઈને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હતી. નહેરુને લખેલા એક પત્રમાં સરદાર લખે છે કે, ‘દેશને ખતરામાં મૂકતી કટોકટીઓ ઉપરાઉપરી આવી ન હોત તો ઈશ્વરે મારે માટે બાકી રાખેલો સમય મેં રચનાત્મક કામમાં ગાળ્યો હોત.’ સરદારને એ વાતનો પૂરો ખ્યાલ હતો કે, પોતે જો સત્તાત્યાગ કરીને સરકારથી દૂર થઈ જશે તો નહેરુ માટે એકલે હાથે નિર્ણયો લેવા કે સરકાર ચલાવવું મુશ્કેલ થઈ પડશે! અને આ કારણે જ પોતાની શારીરિક પીડાઓ અને નહેરુ સાથેના વૈચારીક મતભેદોને કોરાણે મૂકીને તેઓ નહેરુની પડખે ઊભા રહ્યા.

1950ના આ જ વર્ષે સરદારને નહેરુ સાથે કોંગ્રેસના પ્રમુખ પદને લઈને પણ ડખો થયેલો અને એમનો મતભેદ લાંબો ચાલેલો. એ વર્ષે નાશિકમાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું હતું અને એમાં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થવાની હતી. પ્રમુખપદ માટે પુરુષોત્તમદાસ ટંડન, કૃપાલાની અને શંકરરાવ દેવ એમ ત્રણ મોટા નેતાઓએ દાવેદારી નોંધાવી હતી, જેમાં કૃપાલાની સામે સરદાર અને નહેરુ બંનેને વિરોધ હતો એટલે કૃપાલાનીનો એકડો ચૂંટણી પહેલા જ ભૂંસાઈ ગયેલો. પણ બીજા બે દાવેદારોમાં સરદાર પુરુષોત્તમદાસ ટંડનનું સમર્થન કરતા હતા તો નહેરુ શંકરરાવ દેવનું સમર્થન કરતા.

કોંગ્રેસના પ્રમુખપદ માટે શંકરરાવ દેવ એવા કોઈ મજબૂત નેતા નહોતા. પરંતુ સ્યુડો સેક્યુલર નહેરુને ટંડન કોમવાદી લાગેલા. એટલે તેઓ એમ માનતા કે, જો કોઈ કટ્ટર કોમવાદી નેતા કોંગ્રેસની કમાન સંભાળશે તો પક્ષના મૂલ્યોનું ધોવાણ થશે! મજાની વાત એ હતી કે, સરદાર પોતે સરકારમાં ગૃહખાતાની મહત્ત્વની જવાબદારી સંભાળતા હોઈ, એમને એ એમની ગરિમાનું ભાન હતું કે, પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાં બહુ ઈન્વોલ્વ નહીં થવાય. પરંતુ નહેરુ પક્ષની એ સામાન્ય ચૂંટણીને લઈને પણ ઈગો પર આવી ગયેલા અને એમણે સરદારના સમર્થનવાળા ટંડનને હરાવવા એડીચોટીની મહેનત કરેલી. હમણાં આપણા વડાપ્રધાન પોતાના પદની ગરિમા ભૂલી જઈને લાલુ-નિતિશને હરાવવામાં પડેલા છે બિલકુલ એમ જ!

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ટંડનની સામે શંકરરાવ દેવનું પલ્લુ નમતું લાગતા નહેરુએ એ કૃપાલાનીને સમર્થન આપવાનું શરૂ કરેલું, જેમને નહેરુ સાથે અત્યંત ખટપટ હતી અને એ જ કૃપાલાની એક વખત ત્યાં સુધી બોલી ગયેલા કે, ‘નહેરુ-સરદારની સરકારને ખતમ કરવી એ મારું મિશન છે!’

કૃપાલાનીનું ગુજરાત કનેક્શન ઘણું મજબૂત હોવા છતાં, આવા બેહુદા વિધાનો સરદાર ચલાવી લે એમાંના ન હતા. એટલે સરદાર કૃપાલાનીને સમર્થન આપે એ વાતમાં તો કોઈ દમ ન હતો. પરંતુ સરદાર ટંડનને સમર્થન આપવાનું બંધ કરે એ માટે નહેરુએ એમને કાગળ લખીને એમ ધમકી આપેલી કે, જો ટંડન કોંગ્રેસ પ્રમુખ બન્યાં તો તેઓ કોંગ્રેસની એમની તમામ જવાબદારીઓમાંથી તેમજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશે!

પટેલે નહેરુની આ ધમકીની બહુ દરકાર નહીં કરી. કારણ કે સરદાર જાણતા હતા કે, નહેરુને આવી નાની-નાની વાતોમાં રાજીનામું ધરી દેવાની ધમકી ઉચ્ચારવાની આદત હતી. અને સત્તા લાલસુ નહેરુ સાવ નાંખી દેવા જેવી પક્ષની ચૂંટણીને મુદ્દે રાજીનામું ધરી દે એ વાતમાં કોઈ માલ નથી! આમ, સરદાર પોતાની વાતને વળગી રહ્યા અને વર્ષ 1950ની 29મી ઓગસ્ટે કોંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી થઈ, જેમાં સરદારના સમર્થનવાળા ટંડનની જીત થઈ. જોકે પોતાનું ધાર્યું નહીં થયું હોવા છતાંય નહેરુએ રાજીનામું ન આપ્યું એ ન જ આપ્યું!

આ બાબત પરથી તારણ એમ કાઢી શકાય કે, સ્વરાજની સરકાર આવી પછી નહેરુ અને સરદાર વચ્ચે ફરક એટલો જ હતો કે, નહેરુ અત્યંત હઠીલા નેતા હતા, જ્યારે સરદાર પોતાના નિર્ણયોની બાબતે દૃઢ હતા. હઠમાં ભારોભાર અહંમ ભરેલો હોય છે અને એમાં ક્યારેય સત્ય નથી હોતું, જ્યારે દૃઢતા ઘણી કઠોર હોય છે, એમાં વ્યક્તિના મક્કમ મનોબળની પરીક્ષા પણ થઈ જતી હોય છે, પરંતુ દૃઢતામાં ભારોભાર સત્ય સમાયેલું હોય છે.

ઓગસ્ટ મહિનામાં યોજાયેલી આ ચૂંટણી બાદ સરદારનું સ્વાસ્થ્ય ઉત્તરોઉત્તર કથળતું જ ગયું. સરદારને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે, હવે તેમનું શરીર ઝાઝું કાઢે એવું નથી. બીજી તરફ ભારતની આજુબાજુના દેશો આપણને ભારે કનડગત કરી રહ્યા હતા. સરદારને એ વાતનું દુખ હતું કે, નહેરુએ વિદેશ મંત્રાલય પોતાની પાસે હઠપૂર્વક સુરક્ષિત રાખ્યું હતું અને નહેરુની વિદેશનીતિ દેશને કોઈ ખપમાં આવતી ન હતી. સરદારને એ વાતની હંમેશાં ફરિયાદ રહેતી કે, નહેરુ ચીન અને પાકિસ્તાન મુદ્દે નકામી ઉદારતા દાખવી રહ્યા છે, જેનો બંને દેશો ભરપૂર ગેરલાભ લઈ રહ્યા છે.

આ દરમિયાન ઑક્ટોબર મહિનામાં તેઓ થોડા દિવસ અમદાવાદ ખાતે રહી ગયા, જ્યાં એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો. છેલ્લી વખત તેઓ ગાંધી આશ્રમ ખાતે પણ જઈ આવ્યા અને ગુજરાત ખાતેના બધા સ્નેહીઓ, મિત્રો અને મોરારજી દેસાઈ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામના સહસૈનિકોની મુલાકાત લીધી. મિત્રો સાથેની વાતમાં તેઓ એમ પણ ઉચ્ચારી ગયેલા કે, આ એમની છેલ્લી મુલાકાત છે. જોકે મિત્રોએ એમની વાત હસી કાઢેલી.

બીજી તરફ નવેમ્બર મહિનો બેઠો ત્યાં સુધીમાં ચીને તિબેટમાં કડક લશ્કરી કાર્યવાહી કરેલી અને આ બાબતને લઈને સરદાર ભારે ઘૂંઘવાયેલા. પણ હવે તેઓ લાચાર હતા. સરદારને વિદેશી બાબતોમાં રસ લેવાની ઈચ્છા હતી પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ એમના ખાતા પણ યોગ્ય રીતે સંભાળી શકતા ન હતા. આ ગાળામાં સરદાર અને નહેરુ વચ્ચે ફરીથી વૈચારીક સંઘર્ષ શરૂ થયેલો. સરદારને એવું લાગતું હતું કે, નહેરુ એમના મંત્રાલયમાં વધુ પડતો ચંચુપાત કરી રહ્યા છે અને પોતાને જે અધિકારીઓ કે સચિવો વફાદાર રહે છે એ બધા પર ખોટી કાર્યવાહીઓ કરીને એમની બદલી કરી રહ્યા છે. જોકે વાસ્તવિકતા સાવ એવી ન હતી, પણ ખરાબ તબિયતને કારણે સરદારને એવા વિચારો આવ્યા કરતા કે નહેરુ સરદારના નિર્ણયોને પડકારી રહ્યા છે!

નવેમ્બર મહિનાના મધ્યભાગ સુધીમાં સરદારને કાને સંભળાવાનું ઓછું થઈ ગયું અને કોઈ વાતમાં એમનું ધ્યાન રહેતું ન હતું. એક દિવસ તો એમના મોઢાંમાંથી રીતસરનું લોહી પડ્યું, જેને કારણે એમને એક રાત ઑક્સિજન પર રાખવા પડ્યાં. સરદારની આ સ્થિતિ વિશે જાણીને નહેરુ મારતે ઘોડે સરદારને મળવા પહોંચ્યાં. એ દિવસે સરદાર અને નહેરુ વચ્ચે થોડો જ પરંતુ ઈમોશનલ સંવાદ થયેલો. સરદારે નહેરુંને કહ્યું, ‘મને એવી લાગણી થઈ રહી છે કે, તમે મારામાં વિશ્વાસ ખોવા માંડ્યો છે.’ તો સરદારના મૃત્યુની ઘડીઓ નજીક છે એ વાતથી વાકેફ થયેલા નહેરુએ જવાબ વાળ્યો કે, ‘હવે હું મારામાંથી જ વિશ્વાસ ખોવા માંડ્યો છું!’ સરદાર અને નેહરુના સંબંધની એ ખાસિયત હતી કે, તેઓ સિદ્ધાંતો અને વિચારોની બાબતે ભલે એકબીજાથી વિરુદ્ધ છેડાનો મત ધરાવતા હોય, પરંતુ તેમને એકબીજા પ્રત્યે ઉત્કટ આદર હતો અને એમનું અંતિમ લક્ષ્ય દેશ હતો.

ડિસેમ્બર શરૂ થતાં જ સરદારે રાજકારણમાંથી પોતાનું ધ્યાન હટાવી દીધું અને ઈશ્વર ચિંતનમાં પોતાનું મન પરોવ્યું. આજીવન વહીવટના કામકાજમાં રચ્યાંપચ્યાં રહેલા સરદારને ઈશ્વરનું સ્મરણ કરતા કે, ગાંધીજીની જેમ પ્રાર્થના કરતા કોઈએ જોયા નહીં હોય. પરંતુ 1950ના ડિસેમ્બરમાં તેઓ

‘હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ;

દેખ લો ઈસકા તમાશા ચંદ રોજ;

જિન્દગી કા હૈ ભરોસા ચંદ રોજ.’

જેવા ગીતો અને ગાંધી આશ્રમમાં નિયમિત ગવાતા કેટલાક ભજનો ગણગણતા સંભળાતા. ડિસેમ્બરના મહિનામાં દિલ્હીમાં ઠંડી ઘણી પડવાને કારણે મણીબહેન સહિત સરદારની નજીકના લોકોએ એવું નક્કી કર્યું કે એમને દિલ્હીથી મુંબઈ લઈ જવા, જેથી મુંબઈની પ્રમાણસરની આબોહવા એમને માફક આવે. આથી સરદાર માટે હવાઈદળનું એક ખાસ વિમાન તૈયાર કરાયું અને બારમી ડિસેમ્બરે એમને દિલ્હીથી મુંબઈ લઈ અવાયા. મુંબઈ એરપોર્ટ પર બાળાસાહેબ ખેર અને મોરારજી દેસાઈ એમને લેવા આવેલા પરંતુ સરદારની તબિયત એટલી હદે લથડી હતી કે, તેઓ એરપોર્ટ પર સત્કારવા આવેલા એક સમયના સાથીઓને ઓળખી સુદ્ધાં નહીં શક્યા.

જેમ જેમ કલાક વીતતા જતાં હતા એમ સરદાર સાહેબ વધુને વધુ કણસી રહ્યા હતા, તેઓ વધુને વધુ પીડાઈ રહ્યા હતા. એમની આવી હાલત જોઈને મણીબહેને ભગવાનને પ્રાર્થના કરી કે, ક્યાં તો સરદારને બેઠા કરી દે અથવા એમને ઉઠાવી લે! પણ આ પીડામાંથી એમને મુક્ત કર.

એમને એમ સરદારે ત્રણ દિવસ બેભાન અવસ્થામાં કાઢ્યાં, પરંતુ પંદરમી ડિસેમ્બરે મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ સરદાર સાહેબને હ્રદયરોગનો હુમલો આવ્યો. આને કારણે તેઓ સાનભાન ગુમાવી બેઠા. ચારેક કલાક પછી ફરી ભાન આવ્યું અને એમણે તરત પાણી માગ્યું. મણીબેન પિતાની સ્થિતિ સમજી ગયા હતા એટલે એમણે ગંગાજળમાં મધ ભેળવીને આપ્યું. આવી નાદુરસ્ત તબિયત અને મગજ લગભગ અસક્રિય થઈ ગયું હોવા છતાં, સજાગ સરદારે મણીબહેનને ટકોર કરી કે, આ પાણી આટલું બધું મીઠું કેમ લાગે છે? મણીબહેન સાથેની આ એમની છેલ્લી વાત. આટલું બોલીને તેઓ ફરી બેભાન થઈ ગયા.

ધીમે ધીમે સવાર પડવા માંડી, આકાશમાં સૂરજ ઉગવા માંડ્યો અને બીજી તરફ ભારત ભૂમિને અખંડ કરનારો એક દીવડો ધીમે ધીમે એનું તેજ ખોઈ રહ્યો હતો. ડૉકટર્સ થોડા થોડા સમયે એમની નાડ ચકાસતા રહેતા. સવારે સાડાનવે ફરીથી નાડ ચકાસવામાં આવી. એમનું શરીર ઠંડું પડી ગયું હતું અને એક મહામાનવે અહીંથી વિદાય લઈ લીધી હતી. આ એ જ સરદાર હતા, જેમણે શરૂઆતમાં ગાંધીજીને બહુ ગણકારતા ન હતા, આ એ જ સરદાર હતા, જેમણે પાછળથી ગાંધીને પિતાતુલ્ય ગણીને એમનો પડ્યો બોલ ઝીલ્યો હતો, આ એ જ સરદાર હતા, જેમને નેહરુ સાથે આઝાદી પહેલાથી વૈચારીક મતભેદો હતા અને આ એ જ સરદાર હતા, જેમણે જીવનના અંત સુધી નહેરુ સાથે કામ કર્યું હતું અને અવારનવાર નહેરુની પડખે ઊભા રહ્યા હતા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.