સોશિયલ મીડિયાની રામાયણમાં હેશટેગનું મહાભારત

04 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

#. સોશિયલ મીડિયાનું આ અતિપ્રચલિત સિમ્બોલ તમે સૌથી પહેલાં ટચ ટોન ફોન(એટલે ટેલિફોનનાં ડબલાં) પર જોયું હશે. અથવા ટાઈપ રાઈટર પર એને સૌથી પહેલું જોયું હોય એમ પણ બને. જોકે આ ચિહ્ન પહેલેથી જ ઘણું વિચિત્ર છે, જેનો અર્થ અને ઉપયોગ ત્યારે પણ સામાન્ય લોકોને નહોતો સમજાતો અને આજે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એની આપણામાંથી મોટાભાગનાને આવડત નથી. પહેલા એ ચિહ્નને ‘હેશટેગ’ નહીં પણ ઓક્ટોથોર્પ કહેવાતું. અમેરિકામાં કેટલાક ટેક્નોસેવી લોકો એને પાઉન્ડ કી પણ કહેતા. આ ઉપરાંત # સિમ્બોલને નંબર સાઈન, હેશ, સ્ક્વેર, ટીક-ટેક-ટો અને ક્રન્ચ જેવા નામોથી પણ ઓળખવામાં આવતું. પણ આ તો વર્ષ ૨૦૦૭ પહેલાની વાત છે. ટ્વિટરે #ને સ્વીકાર્યા બાદ હવે સામાન્ય લોકો એ સિમ્બોલને હેશટેગ તરીકે ઓળખે છે. એટલે હવે તમે કોઈને ઉપરના નામોના અર્થ વિશે પૂછશો તો તમને સામે બીજો પ્રશ્ન પૂછાશે કે, આ ક્રન્ચ અને ટીક-ટે-ટો એ વળી કઈ બલા છે?

હેશટેગ સિમ્બોલની શોધ ક્યારે થઈ એ વિશે ઈન્ટરનેટ પર જાતજાતની વાતો વાંચવા મળી, જેમાંની અડધી વાતને મોંમાથાંય નો'તા એટલે # સિમ્બોલના જન્મ વિશેની વાતો જતી કરીએ. પણ #નો સૌથી પહેલો ઉપયોગ ૧૯૬૦ના દાયકામાં બેલ લૅબોરેટ્રીઝના સ્ટાન્ડર્ડ અમેરિકન ટાઈપરાઈટરમાં થયો હતો. આ માટે બેલ લૅબોરેટ્રીએ તેમની રિસર્ચ ટીમને અમેરિકામાં વિવિધ જગ્યાએ ખાસ રિસર્ચ કરવા મોકલી કે, ‘જાઓ લોકો પૂછી આવો કે નવીન ટેક્નોલોજીમાં તમને ક્યા પ્રકારના સિમ્બોલ્સ ફાવે એવા છે?’ ને લાખો સેમ્પલ લેવાયા પછી આવેલા રિઝલ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકન્સને * અને # આ બે સિમ્બોલ ઘણા ગમે છે. આથી એ બંને સિમ્બોલને પૂરા સન્માન સાથે બેલના નવા સ્ટાન્ડર્ડ અમેરિકન ટાઈપરાઈટર પર સ્થાન અપાયું, જ્યાં *ને –કી સાથે અને #ને ત્રણ નંબરની કી પર ગોઠવી દેવાયું.

# સિમ્બોલને ઓક્ટોથોર્પ નામ પણ ન્યુજર્સીની બેલ લૅબોરેટ્રીઝમાં જ અપાયું. આ કંપનીએ જ્યારે ટચ ટોન ફોન બનાવવાની શરૂઆત કરી ત્યારે એ કંપનીના કર્મચારી ડૉન મેક્સ્ફેર્સને કોઈ આઠ નામોના પહેલા શબ્દો લઈને ‘ઓક્ટો’ શબ્દ બનાવ્યો અને તેના પ્રિય ઓલમ્પિયન જીમ થોર્પના નામમાંથી થોર્પ લઈને તેને ઓક્ટો સાથે જોડી દીધું. આમ # સિમ્બોલ માટે ‘ઓક્ટોથોર્પ’ શબ્દ તૈયાર થયો, જે બેલ લૅબોરેટ્રીઝમાંથી બહાર નીકળીને દુનિયાભરમાં ફેલાયો. ટેલિફોન પર સ્થાન પામેલો # સિમ્બોલનો ઉપયોગ શું હતો એ તો આપણે સૌ જાણીએ છીએ એટલે એની ચર્ચા અસ્થાને છે.

હવે સીધા ઈન્ટરનેટ પર આવીએ તો ઈન્ટરનેટ પર આ સિમ્બોલનો સૌથી પહેલો ઉપયોગ IRC એટલે કે ઈન્ટરનેટ રિલે ચેટ પર નેવુંના દાયકામાં શરૂ થયો. આજના સોશિયલ મીડિયાનું પૂર્વજ એવું IRC એક નેટવર્ક હતું, જેના પર લોકો ચેનલના માધ્યમથી એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા. IRCમાં વિવિધ ચેનલ્સને # સિમ્બોલથી વર્ગીકૃત કરાતી. એટલે ધારોકે જે લોકો હોલિવુડ સંદર્ભે ચર્ચા કરતા હોય એ લોકો #hollywood ચેનલ પર ભેગા થતાં અને જેણે ‘khabarchhe.com’ની ચર્ચા કરવી હોય એ બધા #khabarchhe.com પર ભેગા થતાં. જોકે એ આડવાત છે કે, ત્યારે ‘khabarchhe.com’ નહોતું. પણ જ્યારે ઈન્ટરનેટ યુઝર્સમાં IRCની બોલબાલા વધવા માંડી અને #ને કોઈ ચોક્ક્સ નામ આપવાની જરૂરીયાત ઊભી થઈ અને લાંબી ચર્ચા બાદ # સિમ્બોલને જે નામ અપાયું એ નામ હતું ‘હેશટેગ’!

આ એક ઘણો સુંદર વિચાર હતો કે, એક હેશટેગ હેઠળ દુનિયાભરના લોકો એક જ છતની નીચે ગરમાગરમ કે ફાલતુ ચર્ચા કરી શકે અને વિવિધ વિષયો પર પોતાનો મત રજૂ કરી શકે. જોકે વર્ષ ૨૦૦૦ પછી ચલણમાં આવેલી વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ હેશટેગના ઉપયોગ સંદર્ભે ઘણા વર્ષો સુધી અજાણ અને પછાત હતી. એવામાં કોઈ સોશિયલ મીડિયા એક્સપર્ટ નામે ક્રિસ મિસિનાભાઈએ ટ્વિટરવાળાને #ની ભલામણ કરતી ટ્વિટ કરી કે, ‘તમારેય આ #નો પ્રયોગ કરી જોવા જેવો છે. જોવ તો ખરા શું થાય છે?’ જોકે ત્યારે ભારતીયોની જેમ છાશ પણ ફૂંફી ફૂંકીને પીતા ટ્વિટરના સ્થાપક ઈવાન વિલિયમ્સે ક્રિસ મિસનાને તેનો આઈડિયા સાભાર પરત કરેલો.

પણ પાછળથી વર્ષ ૨૦૦૭ના ગાળામાં એજ ટ્વિટરે હેશટેગને અપનાવ્યું અને લોકો ધીરેધીરે એનો ઉપયોગ કરતા પણ થયાં. જોકે શરૂઆતમાં મોટાભાગના ટ્વિટર યુઝર્સ હેશટેગના ઉપયોગથી અજાણ હતા. એવામાં વર્ષ ૨૦૦૮માં ()બરાક ઓબામા જગતના ધણી બનવાની ફિરાકમાં હતા અને તેમણે અમેરિકાની આવામ સાથે કનેક્ટ થવા ટ્વિટર પર #askobama નામનું અભિયાન છેડી દીધું. બસ, આ અભિયાન જ ટ્વિટરના હેશટેગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિ થયું અને ધીરે ધીરે એ હેશટેગ હેઠળ ટ્વિટર પર લોગ જુડતે ગયે ઔર કારવા બનતા ગયા ને ધીરે ધીરે વહી લોગ હેશટેગનો ઉપયોગ શીખતા પણ ગયા. વળી, વર્ષ ૨૦૦૯માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ઈરાનમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું અને ઈરાનના લોકોએ #iranelectionના હેશટેગ સાથે આંતરાષ્ટ્રીય સ્તરની હોહા મચાવી. શરૂઆતના સમયમાં આ હેશટેગ પણ ઘણું ચાલેલું. કેટલાક લોકો તો ઈરાનના એ ગૃહયુદ્ધને ‘ટ્વિટર રિવોલ્યુશન’ તરીકે પણ ઓળખે છે. આમ હવે ટ્વિટર યુઝર્સને હેશટેગનો ઉપયોગ આવડી ગયો અને લોકોને તેનો ઉપયોગ કરવાની મજા પણ આવી ગઈ.

પછી તો ટ્વિટર પર કામના અને નકામા હજારો હેશટેગ હેઠળ રોજ જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ અને અનેક સમાચાર પત્રોએ પોપ્યુલર હેશટેગ હેઠળની ચર્ચાના સમાચાર પણ બનાવવા માંડ્યાં. ઈનશોર્ટ હેશટેગ નામનો આ નવો શબ્દ સોશિયલ મીડિયા યુઝર્સના રોજિંદા જીવનમાં ભળી ગયો હતો. હેશટેગની સફળતા જોઈને પછીના વર્ષોમાં યુટ્યુબ, ટમ્બલર, ગુગલપ્લ, ફ્લિકર અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સે પણ # ફીચરનો ઉમેરો કર્યો. એ બધામાં ફેસબુક સૌથી છેલ્લી એવી પોપ્યુલર સાઈટ કહી શકાય, જેણે સૌથી છેલ્લે હેશટેગની સુવિધા એડ કરી.

એક સત્ય એ પણ છે કે, આપણે ત્યાં એક મોટા વર્ગને હેશટેગનો ઉપયોગ કઈ રીતે કરવો એની ગતાગમ નથી. આપણે ત્યાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામનું ચલણ વધારે છે એટલે આ ત્રણ સાઈટ્સનો જ અભ્યાસ કરીએ તો એક એકથી ચઢે એવા હાસ્યાસ્પદ હેશટેગ્સ આપણને જડી આવશે. કોઈ વીરલાઓ તો એવા પણ છે જેઓ ફેસબુક, ટ્વિટરના સ્ટેટમાં આખા વાક્યના દરેક શબ્દની આગળ પ્રાઉડલી # મૂકે છે. પરંતુ સોશિયલ મીડિયાના એટીકેટ્સ એમ કહે છે કે, એક સ્ટેટસમાં વધુમાં વધુ બે જ હેશટેગ હોવા જોઈએ. જોકે જુદી જુદી સોશિયલ સાઈટ્સ પર હેશટેગનું ગણિત અલગ અલગ છે એટલે બે હેશટેગવાળું મેનરિઝમ ફૉલો નહીં થાય તો સમજ્યાં, પરંતુ હેશટેગ કયા શબ્દની આગળ અપાઈ રહ્યું છે એ બાબતનું તો ધ્યાન રાખવું જ રહ્યું. દા.. તમે ‘Reading a book and enjoying Coffee’ જેવું સામાન્ય (અને નકામુ!) સ્ટેટ્સ લખવાના હો તો ‘#Reading #a #book #and #enjoying #Coffee’ લખીને અક્કલનું પ્રદર્શન કરો એ ઠીક નથી. આમ તો આ વાક્યના એક પણ શબ્દને હેશટેગ નહીં લગાવો તોય ચાલશે પરંતુ જો તમારે તમારું સ્ટેટ્સ કોઈના માથે ઝીકવું જ હોય તો #book અને #Coffeeને હેશટેગ કરી શકો. એટલે પરીક્ષામાં જેમ જવાબ ખોટો લખ્યો હોવા છતાં કોઈકવાર સારા અક્ષરનો એકાદ માર્ક મળી જાય એમ કો’કને તમારા પર દયા આવી તો બુક અને કોફીના હેશટેગને લીધે એ એકાદ લાઈક કે ફેવરિટની ભેટ આપી જશે.

સોશિયલ મીડિયામાં હેશટેગને કારણે એક ફોરમ તૈયાર થાય છે, જ્યાં તમે તમારા ફ્રેન્ડલિસ્ટ સિવાયના કે ફોલોઅર્સ નહીં હોય એવા લોકો આગળ પણ તમારો વિચાર શેર કરી શકો છો. આ કારણે જ જે-તે વિષય મુજબ પ્રોપર હેશટેગ આપવું અત્યંત જરૂરી બની જાય છે. હવે તો કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટમાં સર્ચ ઓપ્શનમાં તમને પ્રોપર હેશટેગ શોધવાની પણ સુવિધા મળે છે એટલે સ્ટેટ અપડેટ કરવાની હરખ પદૂડાઈ પર થોડી રોક લગાવીને તમારા સ્ટેટસ સંબંધિત હેશટેગ શોધી લેવું, જેથી તમારું સારું પણ દેખાશે અને બાપ જિંદગીમાં જેને પચાસ લાઈક્સ નહીં મળી હોય એવાનેય પ્રોપર હેશટેગની મદદથી પાંચ-પંદર લાઈક્સ અને નસીબ હશે તો બે-પાંચ કોમેન્ટ્સ પણ મળી રહેશે.

યાદ રહે કે, હેશટેગને કારણે સોશિયલ મીડિયામાં એક હાઈપર લિંક તૈયાર થતી હોય છે, જેથી તમારું સ્ટેસ્ટસ કે ફોટોગ્રાફ હેશટેગ અપાયા બાદ પ્રાઈવેટ રહેતો નથી અને તે આપોઆપ પબ્લિક ફોરમમાં આવી જાય છે. એટલે જો તમે તમારા ફોટોગ્રાફ્સ તમારા મિત્રો પૂરતા જ સીમિત રાખવા માગતા હો તો પછી હેશટેગની માયા છોડી દેવી. બાકી જેને પોતાની પ્રાઈવસીની ચિંતા નથી અને જેમણે સોશિયલ મીડિયામાં ખરેખર સેન્સિબલ ચર્ચા કરવી છે એમણે યોગ્ય ખાંખાંખોળા કરીને હેશટેગ પસંદ કરવું. અને જેઓ સ્વરચિત હેશટેગ આપવા ઈચ્છે છે એ લોકો માત્ર એટલું ધ્યાન રાખે કે, એમનું હેશટેગ માત્ર એક જ શબ્દનું હોય તેમજ તેમાં ક્યાંક અલ્પવિરામ, %, $, @ જેવા સ્પેશિયલ કેરેક્ટર્સ આવતા નહીં હોય.

હા, હેશટેગમાં આંકડાનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આંકડાવાળા હેશટેગ પ્રમાણમાં ઓછા જોવા મળે છે. આ ઉપરાંત તમે પ્રાદેશિક ભાષાઓમાં પણ હેશટેગ કરી શકો છો, જ્યાં ટ્વિટર આપણને દેવનાગરી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઓરિયા, તમીલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં હેશટેગ કરવાની આપે છે. જાણવા જેવું એ છે કે, વર્ષ ૨૦૧૧થી ટ્વિટરે પ્રાદેશિક ભાષાઓમાં હેશટેગની પરવાનગી આપી હોવા છતાં ટ્વિટર પર સૌથી પહેલા ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ #जयहिन्द નામનું હેશટેગ પોપ્યુલર બન્યું હતું. દિવસે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને વર્લ્ડકપમાં લગાતાર છઠ્ઠીવાર હરાવ્યું હતું અને દેશભરમાં #जयहिन्द ગાજી ઉઠેલું. મૌકા મૌકા... રાઈટ?

 

ફિલ ઈટઃ

હેશટેગ એટલે કોઈ જીવતા જણની ઠાઠડી ઉઠાવવી.

-પત્રકારમિત્ર તેજશ વૈદ્યના ફેસબુક પ્રોફાઈલ પરથી સાભાર.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.