મુંબઈના ઇન્સ્પેક્ટર ગોથે અને એક વિદેશી લેખક

12 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

ગુજરાતી ભાષાના જાણીતા અને માનીતા નવલકથાકાર અશ્ચિની ભટ્ટ નવલકથા લખતાં એ પહેલાં ચિક્કાર રિચર્સ કરતા. પાત્રાલેખન વખતે પાત્રોની માનસિકતા, એમની ભાષા કે એમનો પહેરવેશ જેવી બાબતોનું તો તેઓ ધ્યાન રાખતા જ પરંતુ નવલકથામાં જે સ્થળોનું વર્ણન કરવા ધાર્યું હોય એ સ્થળોએ પણ સ્કૂટર પર જઈ આવતા અને ત્યાંનું બારીક નિરીક્ષણ કરીને એ સ્થળોનું નવલકથામાં આબેહૂબ વર્ણન કરતા.

નવલકથાકાર વર્ષા અડાલજાએ પણ એમની લેખનની કેફિયતમાં એમના રિસર્ચ વિશે ઘણી રસપ્રદ વાતો આલેખી છે. એમની નવલકથાનું કોઈ પાત્ર જેલમાં સબડવાનું હોય તો પાત્ર જેલમાં જાય એ પહેલાં વર્ષા અડાલજા પોતે જેલની મુલાકાત લઈ આવીને ત્યાંના માહોલ અને રીતભાતની વિગતો એકઠી કરી આવતાં. તો બીજી કોઈ નવલકથામાં પાત્ર જંગલના પરિવેશમાં જીવવાનું હોય તો પોતે ભર ઉનાળે મધ્ય પ્રદેશનાં જંગલોમાં જઈ આવે અને આદિવાસીઓ વચ્ચે જીવીને એમની જીવનશૈલી વિશેની માહિતી લઈ આવે. આ ઉપરાંત હરકિસન મહેતા પણ જગ્ગા ડાકુને વારંવાર મળ્યાં છે, તો સૌરભ શાહ પણ ‘મહારાજ’ વખતે સુરતની વૈષ્ણવોની હવેલીની મુલાકાતે આવેલા.

ઘણાના મનમાં એમ હશે કે, વાર્તાઓ-નવલકથાઓ લખવું ડાબા હાથનો ખેલ હોય છે. વાર્તાઓ જ લખવાની છે ને? એમાં શું મોટી ધાડ મારવાની છે? કાગળ અને પેન (અથવા લેપટોપ) અને બેસી ગયા અને કોઈ પણ એક લવસ્ટોરી, ક્રાઇમ કે સસ્પેન્સની વાર્તા ઢસડી મારી એટલે વાર્તા પૂરી! અલબત્ત, એવી મેન્ટાલિટીથી વાર્તા કે નવલકથા ઢસડી શકાય ખરી, પરંતુ એ વાર્તાનો પહેલો ડ્રાફ્ટ લખાયા પછી એને કોઈ પબ્લિશર તો શું ખુદ લેખક પણ વાંચી શકતો નથી. કારણ કે એ વાર્તાનું સર્જન વાંચવા માટે નહીં પણ કચરાપેટીમાં પધરાવવા માટે જ થયું હોય છે!

વાર્તા-નવલકથા લખવા માટે લેખકે રીતસર પરકાયા પ્રવેશ કરવો પડતો હોય છે, નવલકથાનાં જુદાં જુદાં પાત્રોને પહેલા પોતે જીવવા પડતા હોય છે, એમની લાક્ષણિકતાઓનો પૂરતો અભ્યાસ કરવો પડતો હોય છે અને વાર્તામાં આવતા જેતે સ્થળો કે સિચ્યુએશનને નિખારવા માટે તાદૃશ અને અત્યંત રોમાંચક વર્ણનો કરવા પડતાં હોય છે. વળી, ભાષાની મર્યાદાઓ અને ભાષાના નિયમોનું પાલન કરવાનું હોય એ વાધારાનું! જાત નીચોવાઈ જતી હોય છે આ બધામાં. નવલકથા લખવી એ કંઈ ખાવાના ખેલ નથી.

જોકે, દર વખતે લેખક નવલકથામાં આવતાં સ્થળો કે શહેરોની મુલાકાત લઈ આવીને વાર્તામાં એનું વર્ણન કરે એવું શક્ય હોતું નથી. લેખકે એના જીવનમાં ખૂબ પ્રવાસ કર્યો હોય અને એનાં પાત્રોને પણ પોતે ગયેલો હોય એવાં સ્થળોએ ફેરવી લાવે અને એ બહાને અમુક સ્થળોનાં વર્ણનો કરી નાંખે એ વાત અલગ છે પરંતુ સતત પ્રવાસો કરનારો લેખક પણ જો પૂરતું સંશોધન નહીં કરે તો એ જ્યાં ફર્યો હોય ત્યાંની જ કેટલીક જાણીતી બાજુઓથી એ અજાણ રહી જાય એવી સંભાવનાઓ રહે છે.

નવલકથામાં સ્થળો અને શહેરોનાં વર્ણનો વખતે ઘણા લેખકો કલ્પનાનો સહારો લેતા હોય છે. કલ્પનાના ઘોડા દોડાવતી વખતે અને હવામાં ગોળીબાર કરતી વખતે ઘણી વખત ‘લોચાલાપસી’ (બંને સુરતી આઈટમ છે!) થઈ શકે છે. બાપડો લેખક જીવનમાં પેરિસ કે વેનિસ ભલે દસ વખત જઈ આવ્યો હોય કે દિલ્હીથી મુંબઈ પણ સેંકડો વખત વિમાનમાં ઊડ્યો હોય, પરંતુ એની નવલકથાનો મધ્યમવર્ગીય હીરો કોઈ કામે દિલ્હીથી મુંબઈ જવા ટ્રેનમાં રવાના થયો હોય અને વેસ્ટર્ન રેલવેના પાટા પર સફર કરતી ટ્રેન એને ચોવીસ-પચીસ કલાક બાદ મુંબઈ ઉતારતી હોય ત્યારે નવલકથાનો હીરો છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશને નહીં જ ઊતરી શકે અને ચાલો માની લીધું કે, વાર્તાકારથી ભૂલ થઈ હશે, પણ પછી એના પાત્રએ CSTથી ગ્રાંટરોડ જવું હોય તો સ્ટેશનથી ગ્રાંટરોડની ઑટો નહીં કરી શકે એટલે નહીં જ કરી શકે. નહિતર મુંબઈ મહાનગરપાલિકાના નિયમોના ધજાગરા ઊડી જશે. વળી, મુંબઈના રહેવાસી અને મુંબઈના જાણકાર વાચકો નવલકથાકારના નામનું નાહી મૂકશે એ વધારાનું!

મારો કહેવાનો અર્થ એટલો જ કે નવલકથાકારે એની નવલકથામાં એક એક ઘટનાની તો ખરી જ પરંતુ એક એક શબ્દની રિસર્ચ કરવી પડતી હોય છે અને એ રિસર્ચ, એ મહેનત જ એને નવલકથાકારમાંથી સફળ કે લોકપ્રિય નવલકથાકાર બનાવતી હોય છે. જોકે, કેટલાક વીરલાઓ એવા પણ હોય છે, જેઓ બાપજન્મારે કોઈ સ્થળે નહીં ગયા હોય તોય એમની વાર્તામાં આવતાં શહેરોનું હૂબહૂ વર્ણન કરતા હોય છે. જે વાંચીને વાસ્તવમાં તે શહેરમાં રહેતો વાચક પણ અચંબામાં પડી જતો હોય છે કે, ‘સાલું મારા શહેરની આ સાઇડ વિશે તો મને ખબર જ નહોતી!’

આવા એક વિદેશી લેખક અમારા ધ્યાનમાં આવ્યા છે, જેમણે એમની નવલકથામાં મુંબઈનાં વર્ણનો લખ્યાં છે. અરે, એમની આખી નવલકથા જ મુંબઈ શહેરમાં આકાર લેતી હોય છે અને કથાનાં પાત્રો ત્યાંની ભાષા બોલતા હોય કે, ત્યાંનો ખોરાક આરોગીને ત્યાંની ગલીઓમાં ખૂનામરકી કરતા હોય છે. મજાની અને આશ્ચર્યની વાત એ છે કે, એ વિદેશી લેખક મુંબઈ બેઝ્ડ અનેક નવલકથાઓ લખ્યા પહેલાં કે એ બાદનાં અમુક વર્ષો સુધી મુંબઈ તો ઠીક ભારત સુદ્ધાં નથી આવતા. પણ નવલકથામાં વર્ણનો એવા ધારદાર છે કે, કોઈ મુંબઈકર એમની નવલકથામાંથી એક નાનોસરખો વિગતદોષ પણ નથી શોધી શકતો!

એ લેખક એટલે લંડનના હેનરી રેમંડ ફિટ્સ વૉલ્ટર કિટિંગ. લેખકનું નામ જરા લાંબું હોવાને કારણે એમણે એચઆરએફ કિટિંગનું નામ અપનાવેલું. કિટિંગનું નામ જેટલું લાંબું હતું એનાથી લાંબી યાદી એમનાં પુસ્તકોની છે. લગભગ, બસો કે એથી વધુ પુસ્તકોના આ લેખક પશ્ચિમમાં ક્રાઇમ ફિક્શનના શહેનશાહ ગણાતા, જેમનું હજુ થોડાં વર્ષો પહેલાં 2011માં 84 વર્ષની ઉંમરે અવસાન થયું.

આ કિટિંગ સાહેબે એક જાસૂસી કથાશ્રેણી આલેખેલી, જેનો હીરો હોય છે, ઇન્સ્પેક્ટર ગણેશ ગોથે અને આ મરાઠા ગોથે સાહેબ મુંબઈ શહેરની પોલીસમાં એમની બહુમૂલ્ય ફરજ બજાવતા હોય છે.

લંડનના ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ અખબારમાં બુક રિવ્યુઅર અને પત્રકાર તરીકે કરિયરની શરૂઆત કરનારા એચઆરએફ કિટિંગે જ્યારે ક્રાઇમ ફિક્શન લખવાની શરૂઆત કરી ત્યારે એમણે પણ પ્રકાશકોને ત્યાં આંટાફેરા કરવા પડેલા. શરૂઆતમાં લખેલી કેટલીક નવલકથાઓ એમણે અમેરિકન પ્રકાશકોને મોકલી ત્યારે પ્રકાશકોએ એવી માગ કરી કે, ક્રાઇમ ફિક્શનમાં લંડન, વેનિસ કે મેક્સિકો અને લેટિન અમેરિકાના પ્રદેશો અને પાત્રોનું વર્ણન બહુ થઈ ગયું. હવે કોઈક એવો પ્રદેશ લાવો, જેનાં વર્ણનો અને ત્યાંની વાતો-રીતભાતોથી વાચકો અજાણ હોય. સાથે જ એક એવું પાત્ર ઊભું કરો, જે પાત્રને કેન્દ્રમાં રાખીને આખી સિરીઝ કરી શકાય! અને બસ એચઆરએફ કિટિંગે એમની રિસર્ચ શરૂ કરી દીધી અને જોતજોતામાં મુંબઈ શહેરની ધરતી પર આકાર લેતી ઇન્સ્પેક્ટર ગોથે સિરીઝ આલેખવાની શરૂઆત કરી.

ઇન્સપેક્ટર ગોથે સિરીઝની સૌથી પહેલી નવલકથા લખાઈ 1964માં, જેનું નામ હતું, ‘ધ પરફેક્ટ મર્ડર’. ત્યાર પછી તો ‘ઇન્સ્પેક્ટર ગોથે હંટ્સ ધ પીકોક’, ‘ઇન્સ્પેક્ટર ગોથે ગોસ બાય ટ્રેન’, ‘ધ શેરીફ ઑફ મુંબઈ’, ‘ડુઈંગ રોંગ’ અને ‘બ્રેકિંગ એન્ડ એન્ટરિંગ’ જેવી અનેક નવલકથાઓ આ સિરીઝ હેઠળ લખાઈ, ખૂબ વંચાઈ અને દુનિયાભરમાં ખૂબ વખણાઈ. વર્ષ 2000માં કિટિંગે ‘બ્રેકિંગ એન્ડ એન્ટરિંગ’ લખ્યા બાદ નક્કી કર્યું કે, હવે ઇન્સ્પેક્ટર ગોથે સિરીઝ પર પૂર્ણવિરામ મૂકવું છે. પણ ગોથે સિરીઝની માગ એટલી હતી કે, લેખકે આ સિરીઝની બીજી બે નવલકથાઓ લખવી પડી, જ્યાં 2008માં ‘ઈન્સ્પેક્ટર ગોથે’ઝ ફર્સ્ટ કેસ’ અને 2009માં ‘અ સ્મોલ કેસ ફોર ઇન્સ્પેક્ટર ગોથે’ પ્રકાશિત થઈ. ગોથે સિરીઝની એક પણ નવલકથા આ લખનારે વાંચી નથી પરંતુ ગુગલ પર સંશોધન કરતી વખતે આંકડો મળ્યો કે, નવલકથાકાર કિટિંગે ગોથે સિરીઝની પૂરી પચીસ નવલકથાઓ લખી હતી, જેની લોકપ્રિયતા એટલી બધી હતી કે, એ સિરીઝની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો સુદ્ધાં બની.

ગોથે સિરીઝની પહેલી નવલકથા 1964માં લખાઈ પછી એંસીના દાયકામાં સિરીઝની નવમી નવલકથા લખાઈ ત્યાં સુધીમાં કિટિંગે ભારતમાં પગ પણ નહોતો મૂક્યો. 1988માં ગોથે સિરીઝની પહેલી નવલકથા પરથી જેમ્સ આઈવરી અને ઇસ્માઇલ મર્ચન્ટે ‘ધ પરફેક્ટ મર્ડર’ ફિલ્મ બનાવી ત્યારે 1987માં ફિલ્મના શૂટિંગ વખતે કિટિંગ પણ મુંબઈ આવ્યા અને પહેલી વાર એ શહેરની હવા- એ શહેરના માહોલ સાથે રૂબરૂ થયા, જે માહોલને તેઓ એમની નવ નવલકથામાં વર્ણવી ચૂક્યા હતા!

આશ્ચર્યની વાત એ પણ છે કે, ‘ધ પરફેક્ટ મર્ડર’ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થયેલું અને એ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, અમઝદ ખાન અને રત્ના પાઠક જેવા અત્યંત સક્ષમ કલાકારોએ ભૂમિકાઓ ભજવેલી પણ અંગ્રેજીમાં તૈયાર થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાયેલી, જેને નસીર સા’બ અને અમઝદ ખાન પણ બચાવી શક્યા નહોતા.

મુંબઈ પર આધારિત ફિલ્મનું મુંબઈમાં જ શૂટિંગ થયું હોય, જેમાં વર્ષોથી મુંબઈમાં વસતા કલાકારોએ ભૂમિકા ભજવી હોય એ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ તો પછી કિટિંગની નવલકથાઓ કેમ આટલી બધી સફળ રહી? આખરે મુંબઈને જોયાં-જાણ્યાં વિના કિટિંગ એમની નવલકથામાં મુંબઈને તાદૃશ કઈ રીતે કરી શક્યા? એનો જવાબ છે, નવલકથાઓ લખતાં પહેલાં કિટિંગે મુંબઈ શહેર વિશે પણ ખૂબ સંશોધન કરેલું અને મુંબઈની ભૌગોલિક સ્થિતિ તેમજ મુંબઈના ઇતિહાસ અને એના કલ્ચર વિશેની જાણકારી આપતાં એમને મળેલાં એટલાં બધાં પુસ્તકો તેઓ ધ્યાનથી વાંચી ગયેલા. આ ઉપરાંત વર્ષો સુધી મુંબઈમાં રહી ગયેલા એક અંગ્રેજ પાસે પણ એમણે મુંબઈ શહેરનો ચિતાર મેળવી લીધેલો. આમ કલ્પનાના આકાશમાં ઊડતી વખતે એમણે વાસ્તવિકતાના રન વે પરથી ઉડાન ભરેલી, જેથી ‘લોચાલાપસી’ને કોઈ અવકાશ નહીં રહે.

કિટિંગના ઇન્સ્પેક્ટર ગોથે સિરીઝનાં પુસ્તકો ભારતના બજારમાં મળતા નથી અને મોટા ભાગના ભારતીયોને એચઆરએફ કિટિંગ વિશે પણ કોઈ જાણકારી નથી. આવું હું નહીં પણ કિટિંગ કૂળના જ ભારતીય ક્રાઇમ ફિક્શનના બાદશાહ સુરેન્દ્ર મોહન પાઠક કહી રહ્યા છે. કિટિંગ વિશેનો આખો લેખ લખવાની પ્રેરણા મને સુરેન્દ્ર મોહન પાઠક પાસે મળી છે. એમના એક પુસ્તક ‘6 કરોડ કા મુર્દા’ની લાંબી પ્રસ્તાવનામાં એમણે કિટિંગનો ઉલ્લેખ કર્યો છે અને બસ ત્યાંથી થોડી વિગતો લઈને આપણે ખણખોદ કરી નાંખી.

ઘણા દિવસોથી મારાથી કથા સાહિત્ય વંચાતું નહોતું અને વળી ઓનલાઇન ખરીદી કરતા રહેવાને કારણે પુસ્તકોની દુકાનમાંથી પુસ્તકો પણ ખરીદી શકાતા નહોતા. આ કારણે સમથિંગ ઈઝ મિસિંગ જેવું ફીલ થતું હતું. આ માટે શનિવારે સ્પેશિયલ સમય કાઢીને હું ક્રોસવર્ડ પહોંચ્યો અને પુસ્તકોને વહાલ કરીને, એમનાં પાનાં ફેરવી એમની ખુશબૂ લઈને માત્ર કથાસાહિત્યનાં થોડાં પુસ્તકો લીધાં. એમાં પાંચ પુસ્તકો સુરેન્દ્ર મોહન પાઠકનાં પણ લીધાં. પલ્પ ફિક્શનનો ભાગ ગણી શકાય એવી આ પાંચ નવલકથાઓ વાંચીને સુરેન્દ્ર મોહન પાઠક અને એમના લેખન વિશે એક લેખ લખવાની ઇચ્છા હતી પણ એ નવલકથાઓ વાંચતા વાંચતા કિટિંગનો કિસ્સો ધ્યાનમાં આવી ગયો અને એમના પર લેખ લખી નાંખ્યો. સુરેન્દ્ર મોહન પાઠક વિશેની વાતો હવે બીજા લેખમાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.