મારું સુખ દુઃખ, આપણું સુખદુઃખ

29 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

માર્ચ એન્ડિંગ છે એટલે આજકાલ સરવૈયાની મોસમ પૂરબહારમાં ચાલે છે. થયું ચાલો આપણે પણ એક મજાનું સરવૈયું કરીએ. આગામી મે મહિનામાં આપણા 'khabarchhe.com'ને એક વર્ષ પૂરું થવાનું. કોઈ ખેડૂત એની ફળદ્રુપ જમીનને ખેડીને એમાં પાકનું વાવેતર કરે અને પછી યોગ્ય પાક થાય ત્યાં સુધી એમાં એનો જીવ રેડીને પાકનું જીવની જેમ જતન કરે એમ મેં અને 'khabarchhe.com'ના સંસ્થાપક ઉત્કર્ષ પટેલે 'khabarchhe.com'ના મેગેઝિન વિભાગનું જતન અને એનો ઉછેર કર્યો છે.

ગયા માર્ચ-એપ્રિલમાં હું અને ઉત્કર્ષભાઈ સવારથી મિટિંગમાં બેસી જતા અને પછી કલાકો સુધીની વિચારણા કરીને વિવિધ કોલમો નક્કી કરતા. બંનેનો આશય માત્ર એક જ કે, સેક્સ, સેન્સેશન અને હલકી ક્રાઇમ સ્ટોરીને સદંતર અવગણવી છે અને જે કંઈ સત્ત્વશીલ છે એને આપણી પોર્ટલ પર સ્થાન આપવું છે. જાતજાતની કોલમો ડિઝાઇન કરતી વખતે એક મસ્ત મજાની કોલમ નક્કી કરી 'મારું સુખ દુઃખ' જેમાં ગુજરાતના કળાકારો-લેખકો-કેળવણીકારો કે પત્રકારો (હા, પત્રકારો પણ!)ના દર અઠવાડિયે નાનકડા ઇન્ટરવ્યૂ કરવાના અને પોતાની કરિયર અને એમના સંબંધો વચ્ચે તાલમેલ સાધતા એ જીવોનાં સુખ-દુઃખ અને એમની આનંદ-પીડા વિશેની વાતો જાણવાની, જેથી નાની નાની વાતોમાં ગભરાઈ જતાં કે નાંખી દેવા જેવી વાતોએ રાતની ઊંઘ નહીં પામી શકતા ગુજરાતી વાચકને બે વાત તો જાણવા મળે જ, પણ સાથે કંઈક હકારાત્મક્તા પણ મળે.

છેલ્લાં દસ મહિનાથી દર રવિવારે નિયમિત ચાલતા આવેલા 'મારું સુખ દુઃખ'માં અત્યાર સુધીમાં રઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, કાન્તિ ભટ્ટ, આબિદ સુરતી, વિપુલ કલ્યાણી જેવા પીઢ લેખકો-પત્રકારોથી લઈને એમની બીજી પેઢીના કૃષ્ણકાંત ઉનડકટ, નંદિની ત્રિવેદી, શરીફા વીજળીવાળા, પિંકી દલાલ, સંજય ભાવે જેવા લખવૈયાઓ કે પછી તુષાર શુક્લ, અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા, ઇલિયાસ શેખ, સૌમ્ય જોષી અને ડૉ. રઈશ મનીયાર જેવા કવિઓ તેમજ મેહુલ સુરતી, ઇસ્માઈલ દરબાર, ગાર્ગી વોરા, પ્રહર વોરા જેવા સંગીતની દુનિયાનાં નામો અને યઝદી કરંજિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, સનત વ્યાસ, ઉત્કર્ષ મઝુમદાર કે મીનળ પટેલ, સ્નેહા દેસાઈ કે કપિલદેવ શુક્લ જેવા નાટ્યજગતના ચહેરા કે સંજય વૈદ્ય, આરતી અને સંદીપ પટેલ, ડો. મનીષા મનીષ કે મિત્તલ પટેલ જેવા મળવા જેવા માણસોની સાથે વાતચીત કરીને એમનાં સુખદુઃખ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.

આ તમામ લોકોએ એમના અભ્યાસ અને જીવનના અનુભવોના નિચોડરૂપે સોનાની લગડી કહી શકાય એવી વાતો કરી છે. એ વાતો એમના સુખ દુઃખની ભલે હોય, પરંતુ આપણે જ્યારે એમાંથી પસાર થઈએ ત્યારે આપણા સુખ દુઃખમાં આપણને ઝઝૂમવાની તાકાત મળી રહે એવી એ વાતો છે. આજકાલ આપણી ભાષામાં વિવિધ સંપાદનોના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે 'મારું સુખ દુઃખ'ના આ ઇન્ટરવ્યૂઝનું એક પુસ્તક કરીએ તો એડિશન ખપવામાં વાર નહીં લાગે એ દાવાપૂર્વક કહી શકાય. અલબત્ત, એનું પુસ્તક કરવાની ઇચ્છા અને આયોજન બંને છે, પરંતુ પુસ્તકની મિજલસ પછી ક્યારેક માણીશું. આજે એ ઇન્ટરવ્યૂઝમાંની કેટલીક વાતો ફરી મમળાવીએ અને માણીએ.

આ સિરીઝ માટે અમને સૌથી પહેલો ઇન્ટરવ્યૂ કવિ ડૉ. રઈશ મનીયારનો મળેલો. સુખ દુઃખ વિશે એમણે જ લખેલા એ લેખમાં એમણે અદભુત ગઝલ ટાંકી છે, જે એમણે 'મારું સુખ દુઃખ' માટે જ ખાસ લખેલીઃ

'છો વેદ વાંચનારાને માનહાનિ લાગે,
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે.
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે,
આનંદ ઉચ્ચ લાગે, પીડા ગજાની લાગે.
પોણા છ ફૂટની કાયા નહિતર તો નાની લાગે,
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે.'

ગઝલ અત્યંત માર્મિક અને મજાની છે. આપણા શરીરની જરૂરિયાત ઓછામાં ઓછી છે, પણ આપણે તો પડછાયાને પણ એટલે કે, વધુ પડતી ભૌતિકતા અને ઠાલા સંબંધોને પણ સાથે લઈને ચાલવું છે. આવા પડછાયાઓની સાથે જીવીએ તો સ્વાભાવિક આપણા જીવનમાં તંગી સર્જાવાની અને એ તંગીઓ જ આપણને પીડતી રહેવાની, દુઃખી કરતા રહેવાની. એના કરતાં જરૂરિયાતો પર જ લગામ રાખવાની, જેથી શરીર હોય કે સંબંધ કે પછી કોઈ વસ્તુ હોય, એની જીવનમાં ગેરહાજરી સર્જાય ત્યારે આપણા ભાગે દુઃખી થવાનું નહીં આવે. જરૂરિયાતો અને ઇચ્છાઓ વિશે તો કવિ ઇલિયાસ શેખે પણ બહુ મજાની વાત કરી છે. એમના સુખની વ્યાખ્યાના જવાબમાં તેઓ કહે છે કે, 'હું માનું છું કે, જો માણસમાં એની જરૂરિયાત(નીડ)ને મિનિમાઈઝ કરવાની આવડત હોય તો એ ચોક્કસ જ સુખી થતો હોય છે, અને હું બિલકુલ આ જ વાતને મારા જીવનમાં લાગુ પાડવાનો નિયમિત પ્રયત્ન કરતો રહું છું. આપણે જો આપણી ઇચ્છાઓને કાબૂમાં રાખતા નહીં શીખીશું અને ઇચ્છાઓને વિસ્તારતા જ રહીશું તો આપણે ભાગે દુઃખી થવાનું જ આવશે. કારણ કે, ઇચ્છાઓને છેડો પણ નથી અને નિવેડો પણ નથી! એટલે આપણે વિવેક બુદ્ધિ વાપરીને ઇચ્છાઓ પર લગામ રાખતા શીખી જવું જોઈએ,જેથી આપણને આપણા હિસ્સાનું સુખ મળી રહે.'

આ તમામ લોકોને જ્યારે સુખના આધારનો સવાલ પુછાયો ત્યારે એમાના લગભગ તમામે આપણા સુખના આધારનો સ્વીકાર કર્યો છે. આપણે સૌ સમૂહના માણસો છીએ અને નાની નાની વાતો માટે બીજા માણસ, પ્રાણી કે વસ્તુ પર આધાર રાખીએ છીએ. આપણે કોઈ સાધુ મહાત્મા તો છીએ નહીં કે, બધું છોડીછાડીને અલખ નિરંજન કરતા હિમાલય તરફ નીકળી જઈએ. આપણે તો અહીં જ રહેવાનું છે અને આપણને મળેલા સંજોગો અને આપણને મળેલા માણસો સાથે જ જિંદગી વીતાવવાની છે એટલે સ્વાભાવિક છે કે, કોઈનું આપણા પ્રત્યેનું ખરાબ વર્તન આપણને દુઃખી કરી જાય અથવા કોઈનો થોડો અમસ્તો સ્પર્શ આપણને આનંદ આપી જાય. એટલે આપણું સુખ કે દુઃખ અથવા આપણો આનંદ કે પીડા બીજા પર આધારિત હોવાના જ પરંતુ આગળ જેમ જરૂરિયાતોની વાત કરી એમ સુખ-દુઃખના આધારની બાબતે પણ આપણે આપણી જાત પર લગામ નાથી શકીએ છીએ. નાટ્યકાર-અભિનેત્રી અને લેખિકા સ્નેહા દેસાઈ આ બાબતે જવાબ આપે છે કે, 'તમારું સુખ બીજી વ્યક્તિ કે વસ્તુઓ પર આધારિત ન રાખો તો તમને લાઈફ ટાઈમ સુખી થવાનો મંત્ર મળી જતો હોય છે. કારણ કે, એ વ્યક્તિ કે વસ્તુ આપણી પાસેથી છીનવાઈ જાય તો આપણું સુખ પણ છીનવાઈ જતું હોય છે. એટલે એ બાબતે સ્વાલંબી થઈ જવું ઘણું જરૂરી છે.'

આ જ ઇન્ટરવ્યૂમાં સ્નેહા દેસાઈ ના કહેવાની સ્વતંત્રતા વિશે પણ અત્યંત સુંદર વાત કરે છે. લાઈફમાં ઘણી વખત આપણે કોઈને 'ના' કહેવામાં ગોથું ખાઈ જતાં હોઈએ છીએ, જેના કારણે પાછળથી આપણે ઘણું ભોગવવાનું આવતું હોય છે. કેટલીક વખત કેટલીક બાબતો આપણી ઇચ્છા કે મરજી વિરુદ્ધ કરવી પડતી હોય છે અથવા આજીવન આપણું ન ગમતું કામ કરીને જિંદગીને વેંઢારવા પડતી હોય છે. સ્નેહા દેસાઈ આ બાબતે કહે છે કે, 'જો તમે કોઈ કામ કરવામાં અસમર્થ હો તો તમારે એ બાબતે સ્પષ્ટ ના પાડી દેવી. આવા સમયે, 'જોઈશું' કે 'કદાચ' જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો અને નકામા કમિટમેન્ટ્સમાં નહીં બંધાવું. કે જેથી પાછળ જઈને મુશ્કેલીઓ ઊભી થાય.'

આ ઇન્ટરવ્યૂનો એક ઇન્ટ્રેસ્ટિંગ સવાલ એમ છે કે, 'આસપાસના સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે ખરું?', જ્યાં મોટાભાગના કળાકારો ગૂંચની સ્થિતિમાંથી પલાયન કરીને ક્યાંક ભાગી જવાની વાતને નકારી દે છે અને પોતાના એકાંતને ખૂબ મહત્ત્વ આપે છે. જાણીતા પત્રકાર અને 'મારી સહેલી'ના તંત્રી નંદિની ત્રિવેદી આ સવાલના જવાબમાં કહે છે કે, 'કોકવાર એવો વિચાર ઝબકી જાય, પણ મન ન થાય! મન ક્યારેક અણગમતી પરિસ્થિતિમાં આવો વિચાર કરી શકે. એમ થાય કે થોડા સમય માટે સરસ મજાના બર્ફીલા પહાડો વચ્ચે જઈને ફક્ત એકાંત માણું. આજની ભાગદોડભરી, અવિરત બીબાંઢાળ જિંદગીમાં એકાંત એ માણસજાતને ભાગ્યે જ મળતો વૈભવ છે. એકાંતને માણવું એ એક પ્રકારનું મેડિટેશન છે.'

તો અત્યંત સૌમ્ય અને અલગારી જીવ તેમજ ફોટોગ્રાફર સંજય વૈદ્ય કહે છે કે, 'મને સંબંધોથી ભાગી છૂટવાનું મન ક્યારે નથી થયું પરંતુ બીજું સત્ય એ પણ છે કે, હું ટોળાનો માણસ નથી. મેં મારી ડૅન બનાવી છે, જ્યાં હું મારી એકલતાને બહુ સારી રીતે માણી શકું છું. મારા સ્ટુડિયોમાં હું કામ કરતો હોઉં ત્યારે પણ હું ભાગ્યે જ કોઈને મળતો હોઉં છું. મને મારી જ કંપની માણવાનું વધુ ગમે છે. આ ઉપરાંત સંબંધોથી ભાગી છૂટવાનું મન મને એટલે પણ નથી થતું કે, હું દરેક સંબંધમાં ચોક્કસ અંતર રાખુ છું. મેં અનેક લોકોને જોયા છે, જેઓ કળણમાં ખૂંપેલા હોય એમ સંબંધોમાં ખૂંપી જાય છે અને પછી એમને ગૂંગળામણ થવા માંડે. યુ નો? એક્ચ્યુઅલી, આવા સમયે મને મારા કેમેરાનો એક ભૌતિક સિદ્ધાંત બહુ કામ લાગે છેઃ 'સબ્જેક્ટથી અમુક ડિસ્ટન્સ જાળવો તો જ એ ફોકસ થઈ શકે. નહીંતર ઇમેજ બ્લર થઈ જાય!' બિલકુલ આ જ સિદ્ધાંત સંબંધોની બાબતે પણ લાગુ પડે છે, સંબંધોમાં જો તમે અમુક અંતર જાળવો તો જ એ તમને મીઠો લાગે અને તો જ તમે એની મજા પણ માણી શકો'

આપણા સૌના પ્રિય લેખક કૃષ્ણકાંત ઉનડકટ પણ આ સવાલનો અત્યંત સુંદર જવાબ આપે છે, તેઓ કહે છે કે, 'આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને મને ક્યારેય ભાગી છૂટવાનું મન નથી થયું. આટલી લાંબી લેખનયાત્રામાં મેં આ વાત અનેક વખત લખી છે કે, માણસ ભાગીને ક્યાંય જઈ શકતો નથી. ભાગીને પણ અંતે તો એણે પોતાના તરફ જ વળવું પડે છે. અલબત્ત, મને લોકોની નજીક જવાનું હંમેશાં મન થયું છે. એનું કારણ એ જ કે, તમે જેમ તમારા લોકોની નજીક જશો એમ તમે એમનામાં સમરસ થતાં જશો, એમ તમારું ઐક્ય વધતું જશે, જેના કારણે તમને એ સંબંધમાંથી ભાગી છૂટવાનું મન ક્યારેય નહીં થાય.'

આપણા જેવા માણસોને કામમાં આવે એવો એક અત્યંત અગત્યનો સવાલ એમ છે કે, 'જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?' કૃષ્ણકાંત ઉનડકટ અહીં પણ જોરદાર જવાબ આપે છે કે, 'મને કોઈ વાતે પીડા થાય તો એ પીડા સાથે હું લાંબો સમય જીવી શકતો નથી. કમળના પાંદડેથી જેમ ઝાકળ સરી પડે એમ હું મારી વ્યથાઓને પણ લાંબે સુધી ટકવા દેતો નથી. આ ઉપરાંત આવા સમયે હું એકલો રહેવાનું પસંદ કરું, જેથી થોડુંઘણું ચિંતન કરીને હું મારા દુઃખને સમજી શકું. જેમ સુખ શાશ્વત નથી, એમ દુઃખ પણ શાશ્વત નથી. દરેક માણસે એની જાત સાથે સમય પસાર કરવો જોઈએ, એને સમજાવવી જોઈએ અને એને જરૂરી સાંત્વન આપવું જોઈએ.' તો અભિનેતા અને નાટ્યકાર યઝદી કરંજિયા આ સવાલના જવાબમાં કહે છે કે, 'જો ક્યારેક હું ડાઉન ફીલ કરું અથવા કોઈક વાતે મને પીડા થાય તો, મારી એ પીડામાંથી બહાર નીકળવા માટે હું એકાંતમાં ચાલી જાઉં છું અને મારા ઇશ્વરને યાદ કરું છું. મારા માટે મારું એકાંત સૌથી મહત્ત્વનું છે. આ ઉપરાંત આવા સમયે મને સ્વિમિંગ કરવાનું પણ ઘણું ગમે છે.'

વડીલ પત્રકાર પ્રકાશ. ન. શાહ વળી, આ પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં આપે છે, જે અત્યંત ગહન છે. 'પીડાના સમયે હું આજુ બાજુ નજર નાખું અને અન્ય લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સામે મારી પીડા કંઈ જ નથી એવી સમજ કેળવું.' એમની વાત શતપ્રતિશત સાચી છે. આપણે આપણા કોઈ અભાવને ધ્યાનમાં રાખીને આપણા નસીબને ભલે કોસતા હોઈએ, પણ આપણે એ વાત હંમેશાં ભૂલી જઈએ છીએ કે, આ દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ આપણા કરતા અત્યંત દુઃખી છે. ડિનરને ટાઇમે આપણું શાક બળી જાય તો આપણે જીવ બળાપા કરતા હોઈએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ નથી આવતો કે, આ જ સમયે એવા કેટલાય લોકો હશે, જેમના નસીબમાં આ સહેજ બળેલું શાક પણ નહીં હોય! એટલે આપણે શીખ એટલી જ લેવાની કે, આપણી પાસે જે છે એનો ઉત્સવ ઉજવવાનો, જે નથી એનો રંજ ક્યારેય નહીં રાખવાનો.

સુખ દુઃખ વિશેની અહીં જે વાતો કરી એ ઘણી ઓછી કહેવાય. એક લેખમાં બધી વાતો સમાવી શકાય નહીં. જોકે રસ્તો જરૂર છે કે, મેગેઝિન સેક્શનના 'મારું સુખ દુઃખ' વિભાગમાં જઈને બધા ઇન્ટરવ્યૂઝ વાંચી શકાય ખરા. સવારના સમયે દસેક મિનિટની નિરાંત કાઢીને એક ઇન્ટરવ્યૂ વાંચીએ તો પણ દિવસ અમસ્તો જ સુધરી જાય. આખરે આપણા સૌનો અલ્ટીમેટ ગોલ સુખી થવાનો છે અને સુખી થવા માટે આપણા સૌનું સુખેથી જીવવું અત્યંત જરૂરી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.