વિક્ટર વિનાનું સખ્ય

08 Feb, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: dogtime.com

હિમાંશી શેલતના શ્વાન વિક્ટરનું અકાળ અવસાન થયેલું અને અત્યંત કરૂણરીતે એ વફાદાર શ્વાનનો અંત આવેલો. એ દિવસે વરસાદ ખૂબ જામેલો અને હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી કોઈક કામે કારમાં જઈ રહ્યા હતા. જતી વેળા વિક્ટર બંને પગે કારની બારી પર ઊભો રહી ગયો અને ‘જાઓ છો તો મને પણ લઈ જાઓ’ની કાકલૂદી કરવા માંડ્યો. વિક્ટરની આજીજીથી ઓગળી જઈને એમણે વિક્ટરને પણ સાથે લઈ લીધો અને જાણે વિક્ટર કારમાં બેસીને એના મોત ભણી નીકળી પડ્યો!

આવતીવેળા એક અગત્યના ફોનકોલ માટે તેઓ કારની બહાર નીકળ્યા અને કારનો દરવાજો બંધ કરવાનું ચૂકી ગયા એટલામાં વિક્ટર પણ છલાંગ મારીને બહાર કૂદ્યો અને સામેથી પૂરપાટ આવતી બસે એને અફડેટે લીધો. અને બસ, વિક્ટર હતો ન હતો થઈ ગયો. જીવથીયે વહાલો વિક્ટર આ રીતે ચાલી નીકળે ત્યારે એ અવસાન  હિમાંશીબેન અને વિનોદભાઈને કઈ હદે હચમચાવી જાય એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ હિમાંશીબહેનના જ શબ્દોમાં વાંચીએ તો એમણે લખેલું, ‘એને ભોંયમાં પોઢાડીને ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો. ખૂબ ચાહતો હતો એ મને. જુવાનજોધ દીકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઈ ઘેર આવી હતી એ દિવસે…’

વિક્ટરના મૃત્યુને કારણે ‘સખ્ય’ અચાનક ભેંકાર થઈ ગયેલું. જીવનનો જાણે આધાર જ છીનવાઈ ગયેલો અને હિમાંશીબેન અકારણ રડી પડતા. તેઓ નોંધે છે, ‘એક પ્રાણીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં એવી તે કઈ પાંખો આપી હતી અમને કે એના જવાથી અમે આમ સાવ જ પટકાઈ પડ્યાં હતાં ભોંય પર! મારું મન એટલું તો આળું બની ગયું હતું કે સાવ અકારણ રડી પડાતું હતું.’

પછી તો વિકી સાથે સંકળાયેલી તમામ બાબતો હિમાંશીબેનને મહિનાઓ સુધી ખિન્ન કરતી રહી. એને ભાવતી વાનગી હોય કે, રાત્રે સૂતી વખતે બાજુમાં વિક્ટરની કાયમી ગેરહાજરી હોય, વિકીની ગમે ત્યારે એમને યાદ આવે અને જ્યારે યાદ આવે ત્યારે ઉદાસી અને આંસુને પણ લેતી આવે! માણસના અવસાન પછી આજે સ્વજનો પાધરો શોક નથી કરી શકતા એવા આ સમયમાં પ્રાણીના અવસાનથી કોઈ માણસ ભાંગી પડે એ વાત કેટલાકને હાસ્યાસ્પદ લાગવાની તો કેટલાકને આમાં વેવલાપણું લાગવાનું.

ખૈર, હવે સોનુ પર આવીએ. હું સોનુને બેએક વાર મળ્યો છું. પહેલી વાર હિમાંશી શેલતને મળવા ‘સખ્ય’ પર પહોંચી ગયેલો ત્યારે સોનુએ એની વારસાગત પદ્ધતિથી ભસીને મારું સ્વાગત કરેલું, પણ ‘અરે, આ તો મહેમાન. એમના પર ભસાય?’ એવું હિમાંશીબહેને એને કહ્યા પછી એ લગીર ન ભસ્યો અને અમારી વાતમાં જાણે એને પણ રસ હોય એમ ઓરડામાં બેસીને અમારી વાતોમાં ગુલતાન રહ્યો. ત્રણેક વર્ષ બાદ બીજી વખત જવાનું બન્યું ત્યારે સોનું ‘સખ્ય’ પર હાજર હતો, પરંતુ ઉંમરે પહોંચેલા સોનુનું સ્વાસ્થ્ય અત્યંત નબળું હતું એટલે એ બહાર ઓટલા પર નહીં, પણ અંદર ઓરડામાં આરામ કરતો હતો. હિમાંશી બહેને જ મને જાણકારી આપેલી કે, એને કેન્સર છે અને એની સારવાર માટે તેઓ કેમો થેરાપી અપાવવા લઈ જાય છે. અધૂરામાં પૂરું સોનુંને આંખે દેખાવાનું પણ બંધ થઈ ગયેલું એટલે એને સાચવવામાં અને એની સારવાર કરવામાં હિમાંશીબેનને ઘણી તકલીફ પડેલી.

જોકે ત્યાર પછી સુરતમાં યોજાયેલા જ્ઞાનસત્ર વખતે હિમાંશી શેલત મળેલા ત્યારે એમને સોનુના ખબર અંતર પૂછેલા તો એમણે જણાવેલું કે, હજુ થોડા સમય પહેલા જ સોનુ ચાલી નીકળ્યો અને એના ન હોવાની કઠોર વાસ્તવિક્તામાંથી હું પણ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છું! તો ગયા મહિને જ્યારે હિમાંશીબેનને મળવાનું થયું ત્યારે એમણે સોનુ સંદર્ભે માહિતી આપી કે, થોડા મહિના અગાઉ એમણે ઘરને રંગ કરાવેલો ત્યારે આગલા ઓરડાની એક દીવાલને રંગ નથી કરાવ્યો. કેમ? તોકે સોનુ જ્યારે બીમાર હતો ત્યારે સોનુ એ દીવાલ પાસે આરામ કરતો અને ત્યાં જ હિમાંશીબેન એના શરીર પર દવા કે દુર્ગંધ ન ફેલાય એ માટે સ્પ્રે છાંટતા, જે સ્પ્રેના ડાઘા હજુ પણ એ દીવાલ પર અકબંધ છે!

ખૈર, માણસ માટે માણસ જીવે એતો આપણો સ્વાર્થ કહેવાય, પણ આપણી આસપાસ જે કંઈ ધબકતું હોય એને ઉત્કટતાથી ચાહવું અને પૂરી નિસ્બત સાથે એમના માટે કંઈક કરી છૂટવાની ઝંખના રાખવી એ વાત કંઈક નોખી છે. બધા એવું કરી શકતા નથી, એટલે જ બધા આવું અનોખું ‘સખ્ય’ પણ માણી શકતા નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.