પવન જલ્લાદની વાત...

23 May, 2017
10:00 AM

અંકિત દેસાઈ

PC: simondetreywhite.com

દરેક માણસનું પ્રોફેશન સીધુ-સરળ, ઘણી કમ્ફર્ટ્સ સાથેનું, અઢળક પૈસો રળી આપતું હોય જ એવું શક્ય નથી. ઘણા પ્રોફેશન્સ એવા છે, જેને સામાન્યતઃ બધા લોકો રાજીખુશીથી અપનાવતા નથી. ગંદા-ગોબરા- ચીતરી ચઢે એવા અથવા જાન જોખમમાં મૂકવા પડે એવા અત્યંત પડકારજનક અનેક પ્રોફેશન્સ ક્યાં તો લોકોએ પૈસાની મજબૂરીથી અપનાવવા પડતા હોય અથવા ક્યાં તો એણે સામાજિક શોષણના ભોગ બનીને અપનાવવા પડતા હોય છે. અલબત્ત, એવા પ્રોફેશનોમાં ય માણસો કે કારીગરોની કમી નથી હોતી. ગટર સાફ કરવાની હોય કે મરેલા ઢોર કે કૂતરાં હટાવવાના હોય અથવા ખાટકી બનીને પ્રાણીઓ કાપવાના હોય કે ચર્મ ઉદ્યોગ માટે એમની ચામડી ઉતારવાની હોય અને આવા તો ઘણા કામોમાં મને-કમને જોડાયેલા માણસોની સંખ્યા વધુ હોય છે. પણ એક પ્રોફેશન એવું છે, જેના કારીગર અથવા કામ કરનારા માણસની સંખ્યા દેશભરમાં આંગળીને વેઢે ગણાય એટલી છે. એ પ્રોફેશન એટલે જલ્લાદનું એટલે કે જીવતા માણસોને ફાંસીએ લટકાવી દેવાનું… જે પ્રોફેશનની સૌથી મહત્ત્વની માગ છે, તમારું સંવેદના હિન હોવું…

જોકે જલ્લાદ જેમને ફાંસીએ લટકાવી દેતા હોય એ બધા કંઈ ભગત સિંઘ કે ઈસુ ખ્રિસ્ત નહીં હોય. આજના સમયમાં જેમને ફાંસી થાય છે એ બધા ક્યાં તો બળાત્કારી હોય, ખૂની હોય અથવા આતંકવાદી હોય. પણ તોય એક જીવતા માણસને સવારના પહોરમાં ફાંસીએ લટકાવી દેવાનો અને એ મરી જાય પછી તરત ચ્હા-નાસ્તો કરીને રોજિંદા કામે ચઢી જવાનું કામ કંઈ ઢીલાપોચા માણસનું નહીં. આજે આ વાત માંડવાનું એટલે મન થયું કે, આ લેખના વિષય માટે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે આપણે ત્યાં અપાતી ફાંસી વિશે થોડું રસપ્રદ જાણવા મળ્યું અને એ બધુ વાંચતા વાંચતા પવન જલ્લાદ અને એના દાદા કલ્લુ જલ્લાદ વિશે વાંચવા મળ્યું. તો થયું ચાલો આજે ફાંસી અને પવન જલ્લાદ વિશે લખીએ. 

અમને વાંચવા મળ્યું કે, પાછલા દસ વર્ષમાં આપણા દેશમાં કુલ 1300 ગુનેગારોને ફાંસીની સજા ફરમાવાયેલી, પરંતુ એમાં ત્રણ આતંકવાદીઓ અજમલ કસાબ, યાકૂબ મેમણ અને અફઝલ ગુરુને જ ફાંસી જ અપાઈ છે. બાકીના ગુનેગારોને સજા અપાઈ હોવા છતાં ક્યાં તો એમના કેસ ઉપલી અદાલતોમાં ચાલે છે અથવા ક્યાં તો એમની દયા અરજીની પ્રક્રિયા ચાલે છે. હજુ તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કેસના ગુનેગારોની ફાંસી બરકરાર રાખી, જે સજાને હવે ક્યારે અંજામ અપાશે એ ભગવાન જાણે.

ફાંસી માત્ર જેલમાં જ અપાતી હોય છે અને ફાંસી અપાતી વખતે જેલના સુપરિન્ટેન્ડટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જલ્લાદનું હાજર હોવું ફરજિયાત છે. જલ્લાદ ગેરહાજર હોય તો તો સ્વાભાવિક જ ફાંસી નહીં આપી શકાય, પરંતુ જેલ સુપરિન્ટેન્ડટ અને મેજિસ્ટ્રેટ હાજર નહીં હોય તો ય ફાંસી આપી શકાતી નથી. વળી, ફાંસી હંમેશાં વહેલી સવારે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે, જેથી જેલના અન્ય રોજિંદા કામ પર અસર નહીં થાય. 

ફાંસી પર લટકાવવાનું દોરડું પણ વિશેષરૂપે તૈયાર કરવામાં આવે છે, જે આપણે ત્યાં માત્ર બિહારના બક્સરની જેલમાં જ ત્યાંના કેદીઓ દ્વારા તૈયાર થાય છે. જેલનો રેકોર્ડ કહે છે કે વર્ષ 1930થી બક્સર જેલમાં ફાંસી માટેના દોરડા તૈયાર થાય છે, જે દોરડું ઓર્ડરના પંદર દિવસમાં તૈયાર કરી આપવામાં આવે છે. ફાંસીનું દોરડું તૈયાર કરતી વખતે ગુનેગારની ઉંચાઈની માહિતી ખાસ માગવામાં આવે છે અને દોષિતની ઉંચાઈ કરતા દોઢ ગણું લાંબું દોરડું તૈયાર કરવામાં આવે છે. એ દોરડાને મનિલા કહેવાય છે, જેની કિંમત અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી ત્યારે 180 રૂપિયા કિલો હતી. જોકે બક્સર જેલના કેદીઓ માત્ર ફાંસી માટેનું જ દોરડું તૈયાર નથી કરતા. તેઓ ટેન્ટ માટેની રસ્સી, હાથે બાંધવાના દોરડા અને અન્ય કેટલાક પ્રકારના દોરડા પણ તૈયાર કરે છે, જેને ઓર્ડર પ્રમાણે આઠ માણસની ટીમ ખાસ મશીનથી તૈયાર કરવામાં આવે છે. 

ફાંસી આપતી વખતે ગુનેગારના બંને હાથ અને પગ પણ દોરીથી સજ્જડ બાંધી દેવામાં આવે છે અને ચહેરો ઢાંકીને એમને ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. જોકે ફાંસીએ ચઢાવતા પહેલા જલ્લાદ એ ગુનેગારો માટે વિશેષ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કર્યા બાદ જ એ ગુનેગારને ફાંસીએ લટકાવે છે. ફાંસી પર કેટલા સમય સુધી ગુનેગારને લટકાવવો એ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પરંતુ ફાંસીએ લટક્યા બાદ પાંચથી દસ મિનિટ સુધી ગુનેગાર તરફડતો બંધ થાય પછી ડૉક્ટર એને તપાસે છે અને ડૉક્ટર મૃત જાહેર કરે પછી જ ગુનેગારને ફાંસીને માચડેથી ઉતારવામાં આવે છે.

જલ્લાદોમાં સામાન્ય રીતે વારસાગત ધંધા જેવું કશું હોતું નથી, પરંતુ પવન જલ્લાદના પરિવારમાં છેલ્લી ચાર પેઢીથી ફાંસીએ લટકાવવાનું કામ થાય છે. મેરઠમાં રહેતા પવન જલ્લાદના પરદાદા અંગ્રેજી સલતનના નોકર હતા, જેમણે એ સમય ભગતસિંઘને ફાંસીએ લટકાવેલા, જેનો વસવસો જલ્લાદ પરિવારને આજ સુધી છે. તો પવનના દાદા કલ્લુ જલ્લાદ પણ એમના સમયમાં નામી જલ્લાદ હતા. ગુનેગારોને ફાંસીએ લટકાવવાની એમની એવી તો હથોટી હતી કે, એમને મેરઠથી દિલ્હી કે દેશના અન્ય સ્થળોની જેલોમાં ફાંસીને અંજામ આપવા બોલાવવામાં આવતા. અપહરણ કાંડના દોષિત રંગા-બિલ્લાથી લઈ ઈન્દિરા ગાંધીના હત્યારા અને બળાત્કારના અનેક દોષિતોને કલ્લુ જલ્લાદે ફાંસીને માચડે ચઢાવ્યા છે. આ ઉપરાંત પવન જલ્લાદના પિતા મમ્મુ સિંઘ ફાંસીનો ફંદો તૈયાર કરવા માટે દેશભરમાં જાણીતા હતા. મમ્મુ જલ્લાદને નામે પણ બાર ફાંસીઓ બોલાય છે.

દાદા કલ્લુ જલ્લાદથી પ્રભાવિત પવન જલ્લાદે પણ નાનપણમાં જ જલ્લાદ બનવાનું નક્કી કરેલું અને પરદાદા, દાદા અને પિતાના રસ્તે જઈ એણે પણ ગુનેગારોને ફાંસી આપવાનું કામ શરૂ કર્યું. ઈન્ટરનેટ પર પવન જલ્લાદના અનુભવો રજૂ કરતી એક-બે ડૉક્યુમેન્ટરી પણ જોવા મળે છે. ગુનેગારોને ફાંસી આપવાના કામને પવન પોતાનું કર્મ ગણે છે અને આ કામ કરતી વખતે નથી તો એને કોઈ ખચકાટ થતો કે નથી એને દયા આવતી. એ જણાવે છે કે, ફાંસીએ લટકટતી વખતે કેટલાક ગુનેગારો અત્યંત આક્રંદ પણ કરતા હોય છે, પણ એવા સમયે તે ગુનેગારના કૃત્યો યાદ કરે છે અને એ અનેક નિર્દોષોની ચીસો યાદ કરે છે, જેમનો જીવવાનો અધિકાર એ ગુનેગારોએ છીનવી લીધો હોય છે. જેથી પવન પર એ આક્રંદની અસર થતી નથી.

ફાંસી તો કંઈ દર મહિને કે દર વર્ષે અપાતી નથી હોતી. પરંતુ સરકાર દ્બારા પવનને મહિને ત્રણ હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. અલબત્ત આટલી રકમમાં કંઈ પવનના ઘરનું ગુજરાન નહીં ચાલે એટલે ઘર ચલાવવા પવન કાપડનો ધંધો કરે છે અને ક્યારેક ફેરી પણ મારે છે. જલ્લાદ પરિવારની પાંચમી પેઢી હવે એમની ટીનએજમાં આવી ગઈ છે. હવે થોડા જ વર્ષોમાં તેઓ પણ કામધંધે વળગશે, પરંતુ પવન કહે છે કે, મારા દીકરાએ જલ્લાદ થવું હોય તો ઠીક, નહીંતર એને ગમતી નોકરી કે ધંધો કરશે તોય મારે કોઈ વાંધો નથી.  

અનેક લોકોને ફાંસી આપી ચૂકેલા પવન જલ્લાદ જોકે યાકુબ મેમણની ફાંસી વખતે સરકારથી થોડા રિસાયેલા હતા. કારણ કે, યાકુબ જેવા આતંકવાદીને એ પોતે ફાંસીએ લટકાવવાની ઈચ્છા ધરાવતો હતો. તો નિઠારી કાંડના નિષ્ઠુર સુરીન્દર કોલીની ફાંસીની સજા રદ્દ થયેલી એનો એને ભારોભાર વસવસો છે. પોતાની કરિયરમાં આ બે ગુનેગારોને ફાંસી ન ચઢાવી શક્યાનો વસવસો પવને અનેક ઈન્ટરવ્યૂઝમાં વ્યક્ત કર્યો છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.