સ્વામીજી, ગાંધીજી અને બ્રહ્મચર્ય

13 Sep, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

બ્રહ્મચર્ય વિશે આપણે ત્યાં ખૂબ ચર્ચાઓ થઈ છે અને તર્કબદ્ધ દલીલો સાથે  બ્રહ્મચર્ય બાબતે ખૂબ લખાયું પણ ખરું. ઋષિમુનિઓથી લઈને અનેક સંતો અને છેક ગાંધીજી સુધીના લોકોએ બ્રહ્મચર્ય વિશેના પ્રયોગો કર્યા છે અને એ વિશેની છણાવટ કરી છે. અરે, આસારામ જેવા આસારામે 'યુવાધન સુરક્ષા' નામની એક પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેમાં એમણે બ્રહ્મચર્ય વિશેની કેટલીક વાતો કરી છે! ગાંધીજીએ તો એમના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન છેક 1906મા બ્રહ્મચર્યનું વ્રત લીધેલું અને ત્યાર બાદ પણ જીવનની સંધ્યા સુધી તેઓ બ્રહ્મચર્યને લઈને જાતજાતના પ્રયોગો કરતા રહ્યા અને એ વિશે લખતા રહ્યા. બ્રહ્મચર્ય શું કામ પાળવું અને માનવ જીવનમાં એની જરૂરિયાત શું થી થઈ લઈ બ્રહ્મચર્યનું પાલન કરવા કયા પ્રકારના આહાર લેવા જેવી અનેક બાબતોને આવરીને એમણે 'નીતિનાશને માર્ગે' નામનું એક પુસ્તક 1921મા પ્રકાશિત કર્યું હતું, જેમાં એમણે વિવિધ અખબારો, સામયિકોમાં બ્રહ્મચર્ય વિશે પોતે લખેલા લેખો સંકલિત કર્યા  છે. 'નવજીવન' દ્વારા પ્રકાશિત આ પુસ્તકની વાતોનું અનુકરણ કરી શકાય કે નહીં અથવા એ દલીલો સાથે સહમત થઈ શકાય કે નહીં એ બે નંબરની વાત છે, પરંતુ પુસ્તક વાંચવા જેવું તો ખરું જ!

આપણે તો સ્વામી સચ્ચિદાનંદના પુસ્તક 'મહાભારતનું ચિંતન'માં વર્ણવાયેલા બ્રહ્મચર્યના બે કિસ્સા અને એના પર સ્વામીના ચિંતન વિશેની વાતો કરવી છે. પરંતુ સ્વામીજીના તર્ક પર આવીએ એ પહેલા ગાંધીજી બ્રહ્મચર્ય વિશે શું માનતા અને ગાંધીજીએ બ્રહ્મચર્યા પાળવા કયા પ્રકારના ઉપાયો આપેલા એ વિશે જોઈએ. ગાંધીજી કહે છેઃ

આરોગ્યની ઘણી બધી ચાવીઓ છે અને તે બધી ચાવીઓ અગત્યની છે પણ તેની મુખ્ય ચાવી તો બ્રહ્મચર્ય છે. સારી હવા, સારો ખોરાક, સારું પાણી વગેરેથી આપણે આરોગ્ય મેળવી શકીએ, પણ જેટલો પૈસો કમાઈએ એટલો ઉડાવી દઈએ તો કંઈ બચતું નથી તેમ જેટલું આરોગ્ય મેળવીએ એટલું જો ખર્ચી નાખીએ તો આપણી પાસે શું પૂંજી રહેવાની? સ્ત્રી અને પુરુષ બંનેએ આરોગ્યરૂપી ધન સાચવવાને સારું બ્રહ્મચર્યની સંપૂર્ણ જરૂર છે એમાં કોઈ શક નથી. પુરુષે સ્ત્રીને જોઈને ઘેલા ન થવું જોઈએ અને સ્ત્રીએ પુરુષને જોઈને ઘેલા ન થવું જોઈએ. તમે જો એમ કહેતા હોવ કે વિષયની ઈચ્છાઓ તો કુદરતી છે તો એની સામે કુદરતે આપણને પ્રચંદ બુદ્ધિશક્તિ અને મન પણ આપ્યા છે જેનાથી આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. આપણી આસપાસ આપણે કેટલાંય લોકોને મોહમાં ડૂબેલા જોઈએ છીએ. એ વિકારોના હુમલા વખતે આપણે ગાંડાતૂર બની ગયેલા હોઈએ છીએ. આપણી બુદ્ધિ કામ નથી કરતી. આપણી આંખોએ પડદા પડી જાય છે અને આપણે કામાંધ બની જઈએ છીએ. મારો પોતાનો અનુભવ પણ એનાથી જુદો નથી. હું પોતે આ દશામાંથી પસાર થયેલો છું. કારણકે એ વસ્તુ જ એવી છે.' 

તો બ્રહ્મચર્યનું પાલન કઈ રીતે કરી શકાય અને વિષયથી દૂર રહેવા કયા પ્રકારનો આહાર લેવો એ બાબતે ગાંધીજીએ દસ મુદ્દા આપ્યાં છે, જેનું પાલન આદર્શવાદમાં માનતી ગાંધીયુગની આખી પેઢીએ કર્યું હતું. આ રહ્યા એ દસ મુદ્દાઃ

- માફકસર ખાઓ, હંમેશાં થોડી મીઠી ભૂખ રાખીને ઊઠો.

- અન્નાહારી ભલે હો, પણ અત્યંત મસાલાવાળા અને તેલ-ધીવાળા ખોરાક તો ત્યાજય છે. બહારનું ખાવાનું બંધ કરો. લોકો ભલે તમને જૂનવાણી અને સંકુચિત મનના કહે, પણ તમારું આરોગ્ય તમારે સાચવવાનું છે, જો સ્વસ્થ અને તંદુરસ્ત જીવવું હોય તો. આ ઉપરાંત સૌ કોઈએ મરચાં, ગરમ વસાણાંનો ત્યાગ કરવો. ચરબીવાળા અને ભારે ખોરાક, ભારે મિષ્ટાન્ન, મીઠાઈ અને તળેલા પ્રદાર્થો ખાવાના છોડી દેવા.

- શરીર અને મન સદા સ્વચ્છ વ્યવસાયમાં જ રોકાયેલાં હોવા જોઈએ.

- વહેલા સૂઈને વહેલા ઊઠવાનો નિયમ જ કરી દેવો જોઈએ.  પ્રજોત્પત્તિ બાદ, પતિપત્નીએ જુદા જુદા ઓરડામાં સૂવું અને એકાંત ટાળવું. યાદ રાખવું કે ઈન્દ્રિયો બહુ બળવાન છે અને મન ચંચળ છે, ક્યારે તમને પાડી દે કંઈ કહેવાય નહીં.

- આ ઉપરાંત સંયમિત જીવન માટે ઈશ્વરપ્રતિ શ્રદ્ધા રાખવી અને એવો ભાવ રાખવો કે મારા શરીરને ઈશ્વર પોતાનું સાધન માની સ્વચ્છ અને વ્યવસ્થિત રાખશે જ.

- લગ્ન એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ લગ્ન થયા એટલે પહેલી જ રાત્રે દંપતીએ વિષયભોગમાં આળોટી જિંદગી બરબાર કરવાનો પાયો ખોદવો ન જોઈએ. સંયમિત જીવન, શીલ અને સંસ્કારથી પ્રજોત્પત્તિ કરવી જોઈએ. આ દેશને લોકેત્તર અને વિદ્વાન સંતાનોની જરૂર છે, ખાઈ-પીને પોતાનું પેટ ભરે એવા સંતાનો થી શું વળશે ? સમગ્ર દેશને ઉચ્ચ બનાવે, દુનિયાને શાંતિનો સંદેશો આપે એવી જો વિભૂતીને આ પૃથ્વી પર અવતરવા દેવાની ઈચ્છા રાખતા હોવ તો સંયમિત જીવન એ એનું પહેલું પગલું છે.

- કોઈપણ જાતનું બીભત્સ અને હલકું સાહિત્ય, ફિલ્મો આદી ન જોવા કે ન વાંચવા. મલિન વિચારોનું ઓસડ નિર્મળ વિચારો છે. મનોવિકાર જાગૃત કરે એવા નાટકો પણ ન જોવા. એમ માની ને બેસી ન રહેવું કે મને તો કોઈ અસર થતી નથી, મારું મન મજબૂત છે. – મનમાં એકવાર ગયેલું ગમે ત્યારે બહાર નીકળી શકે છે. યુવાનોને સ્વપ્નદોષ થાય તો ગભરાઈ ન જવું. તંદુરસ્ત માણસે ઠંડા પાણીથી નાહી લેવું, એ સર્વથી સુંદરમાં સુંદર ઈલાજ છે.

- કૃત્રિમ સંતતિનિયમોના સાધનો વાપરવા એ જ નિર્બળ અને ખલાસ થઈ ગયેલા મનની નિશાની છે. પશુઓ આવેગો પર કાબૂ ન રાખે એ તો સમજ્યા, પણ આટલુ ભણેલો માણસ પોતાના આવેગોને ઓળખીને એને યોગ્ય દિશાના આપી શકે તો પછી મનુષ્ય જીવનનો અર્થ શું ?

- સૌથી મહત્ત્વનું તો એ છે કે, કોઈ પણ વ્યક્તિ- પતિપત્ની વચ્ચે- સુદ્ધાં  સંયમ અત્યંત અધરો છે એમ માનવું નહીં. ઊલટું સૌ કોઈએ સંયમને જીવનની સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિ તરીકે માનીને ચાલવું જોઈએ.

- રોજ ઊઠીને પવિત્રતા અને નિર્મળતા માટે એકાગ્ર મનથી પ્રભુ પ્રાર્થના કરવી. એથી આપણે દિન પ્રતિદિન નિર્મળ અને પવિત્ર બનતા જઈશું.

અહીં ખાસ નોંધવું રહ્યું કે, બ્રહ્મચર્ય પાળવા માટે ગાંધીજી સંસાર ત્યાગીને કોઈ તપ આદરવાની વાહિયાત વાત નથી કરતા. બ્રહ્મચર્યને તેઓ સમર્થન તો આપે જ છે, પરંતુ સાથે પ્રજોત્પત્તિની વાત પણ કરે છે. કુદરતા નિયમોને સાવ તડકે મૂકી દેવાની વાત નથી કરતા. કુદરતના આવેગો, નિયમોનું પાલન કર્યા વિના બ્રહ્મચર્યનું પાલન કરવાની વાત કરનારાને ભાગે હંમેશાં વિધ્વંસ ભોગવવાનો આવે છે. કુદરતની વિરુદ્ધ જઈને બ્રહ્મચર્યનું પાલન થાય ત્યારે શું સ્થિતિ થાય એના ઉદાહરણ આપણા મહાન મહાકાવ્ય 'મહાભારત'માં જોવા મળે છે. એક કિસ્સામાં મહાભારતની શરૂઆતમાં અપ્સરા મેનકા તપસ્વી વિશ્વામિત્રનું તપ ભંગ કરે એ ઉદાહરણ છે. તો બીજા કિસ્સામાં ભિષ્મ પિતામહના પિતા પ્રતીપ અને ગંગાની વાત થઈ છે.

વર્ષોથી તપમાં બેઠેલા વિશ્વામિત્રનું બ્રહ્મચર્યનું તપ ભંગ કરવા આવે છે અને બાપડા વિશ્વામિત્ર પણ મેનકા જેવી સુંદરીને જોઈને પળવારમાં પાણીપાણી થઈ જાય છે અને એમનું બ્રહ્મચર્ય તૂટે છે. બ્રહ્મચર્ય તૂટતા જ વિશ્વામિત્રની હાર થાય છે અને મેનકાની જીત થાય છે અને એ તપભંગનું પરિણામ એટલે એમની દીકરી શકુંતલા, જેના જન્મ સાથે જ મહાભારતના પાયા નંખાય છે. 

પોતાના પુસ્તક 'મહાભારત ચિંતન'માં સ્વામી સચ્ચિદાનંદ વિશ્વામિત્રના બ્રહ્મચર્યના તપને મૂર્ખામી કહે છે. કારણ કે, વિશ્વામિત્ર કુદરતની વ્યસ્થાને અવગણીને વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. તેઓ કહે છે, 'જે લોકો કુદરતી વ્યવસ્થા સામે સતત વિરોધી માર્ગે ચાલે છે તે મૂર્ખામી કરે છે, તે હારવા જ લાગે છે. કુદરત કદી હારતી નથી. કુદરત -વિરોધી જીવન જ હારતું હોય છે. જે તપસ્યા કુદરતી વ્યવસ્થાના સથવારે થતી હોય છે તેમાં કુદરત માતા બનીને તપસ્વીને સાથ આપતી હોય છે, રક્ષા કરતી હોય છે, સિદ્ધિએ પહોંચાડતી હોય છે, કારણ કે કુદરત માયા પણ છે અને માતા પણ છે. વિરોધીઓ માટે તે માયા છે અને સહયોગીઓ માટે તે માતા છે. કુદરતની વ્યવસ્થાનો સતત વિરોધ અંતે હારીને મહબૂર થઈને કુદરતી માર્ગે આવી જતો હોય છે.' 

કંઈક આવી જ ઘટના 'મહાભારત'માં ભિષ્મના દાદા મહારાજા પ્રતીપ સાથે બને છે. એકવાર મહારાજા પ્રતીપ ગંગાને કિનારે સંધ્યા પૂજા કરતા હતા. મહારાજાનું પૌરુષત્વ જોઈને ગંગા એમના પર મુગ્ધ થઈ જાય છે અને કામાતૂર બની પ્રતીપ રાજાની જમણી જાંઘ પર જઈને બેસે છે. સામાન્ય રીતે પુરુષો આવી તક ચૂકતા નથી, પરંતુ મહારાજા પ્રતીપ મહાપ્રતાપી હતા. વિશ્વામિત્રની જેમ તેઓ ચલિત નહીં થયા અને પૂરા સંયમ સાથે એમણે ગંગાને સમજાવી કે, 'જમણી જાંઘ પર તો માત્ર પુત્ર-પુત્રી અને પુત્રવધૂ જ બેસી જ શકે. પત્ની તો ડાબી જાંઘ પર બેસતી હોય છે એટલે તું મારી પત્ની નહીં થઈ શકે. પરંતુ  મારે શાન્તુ નામનો એક યુવાન પુત્ર છે. તું એની પત્ની થાય તો તારું કલ્યાણ થશે.'

પ્રતીપ રાજાની શરત મુજબ જ પાછળથી ગંગા શાન્તુ સાથે પરણે છે, જેમના પેટે મહાન ભિષ્મનો જન્મ થાય છે. આ કિસ્સા વિશે સ્વામી સચ્ચિદાનંદ લખે છેઃ

રાજા પ્રતીપ કોઈ બ્રહ્મચારી મુનિ નથી પણ પત્નીવાળા સદ્ગૃહસ્થ છે. તેમનો ગૃહસ્થાશ્રમધર્મ તેમનું રક્ષણ કરે છે. જે આક્રમણ સામે વિશ્વામિત્ર જેવા અનેક ઋષિમૂનિઓ ટકી ન શક્યા તે આક્રમણ સામે રાજા પ્રતીપ અડગ રહ્યા, કારણ કે તે તૃપ્ત હતા, ભૂખ્યા ન હતા. પેલા ભૂખ્યા હતા. તીવ્ર ભૂખ ભોગો સામે ટકી શકતી નથી, તૃપ્તિ જ ટકી શકે છે.

ગાંધીજી અને સ્વામીજી બંને પોતપોતાની રીતે સાચા છે. બ્રહ્મચર્યનું પાલન મહત્ત્વનું ખરું, પરંતુ એ પાલન ક્યારે કરવું એ વિશે ગાંધીજી અને સ્વામીજીના વિચારો ઉપયોગી થઈ રહે છે. આખરે માણસે કુદરતના નિયમોનું પાલન કરવું જ રહ્યું. એ સાથે એ વાત પણ સાચી કે, વિકારોને મન પર હાવી થવા ન દેવાય. બંને જગ્યાએ સપ્રમાણતા જરૂરી છે. વિરોધ હંમેશાં અતિનો હોય છે, કારણ કે, જ્યાં અતિ થાય ત્યાં જ અનર્થની સંભાવનાઓ વધી જાય છે. જ્યાં સંતુલન હોય ત્યાં વિરોધ કેવો ને વિધ્વંશ કેવો?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.