અનન્ય અને એકાગ્ર મોરારજી

01 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ વિરોધ પક્ષના નેતાઓને તો પરેશાન કરેલા જ, પણ સાથોસાથ નેતાઓના પરિવારજનોને પણ કંઈ ઓછો ત્રાસ નહોતો આપ્યો. ઈન્દિરા ગાંધીના આદેશોને કારણે જેલમાં બંધ વિરોધ પક્ષના નેતાઓને ત્યાં છાશવારે પોલીસ છાપો મારતી અને કલાકો સુધી બધાને ઘરમાં ગોંધીને ઘરની જડતી લઈ બધુ વેરવિખેર કરતી. અધૂરામાં પૂરું પરિવારના સભ્યોએ જેલમાં બંધ પોતાના સ્વજનને મળવું હોય તો સરકાર દ્વારા એની પણ પરવાનગી નહીં! પોતાનું સ્વજન જીવે છે કે કેમ અને જીવે છે તો કઈ સ્થિતિમાં જીવે છે એની કોઈ ભાળ નહીં!

બીજી તરફ -સાત મહિનાથી માણસ વિના કોઈ ગુને જેલમાં સબડતો હોય, એને અખબારો કે બહારની જાણકારી યોગ્ય રીતે નહીં મળતી હોય કે, પોતાના સ્વજનોને પણ મળવા દેવામાં આવતો નહીં હોય તો ભલભલો શૂરવીર સત્તા આગળ નમતું જોખીને સત્તાનો વિરોધ કરવાનો પોતાનો મનસૂબો માંડી વાળે. પરંતુ આ તો મોરારજી હતા, અંગ્રેજોની યાતના ભોગવી ચૂકેલા આ સ્વાતંત્ર્યવીરને પોતાના જ દેશના સત્તાધિશ ઈન્દિરાની દમનનીતિથી દુખ ભલે થયું હોય, પરંતુ ઈન્દિરાના અત્યાચારોથી તેઓ ભાંગી પડે એવા લગીરે નહીં. ભલભલી યાતનામાં પોતાના લક્ષ્યથી ચલિત નહીં થવાની અને મરણિયા થઈને પણ લોકસેવાના કાર્યોમાં રચ્યાંપચ્યાં રહેવાની કળા એમને હાથવગી હતી, જેના પગલે જ તેઓ ભ્રષ્ટાચાર અને કટોકટી નામના રાક્ષસની સામે ટકી પણ શક્યા અને સંઘર્ષના તમામ મોર્ચે લડી પણ શક્યા.

જેલમાં મોરારજીનો નિત્યક્રમ કંઈક આમ હતો. મળસકે ત્રણના ટકોરે ઊઠી પડવાનું અને ચાર વાગ્યા સુધીમાં નાહીધોઈને પરવારી જવાનું. સવા ચારની આસપાસ પૂજા શરૂ કરવાની અને પૂજા દરમિયાન નાહકના કર્મકાંડો નહીં, પરંતુ ગીતાપાઠ કરવાનો. સવારે પાંચથી છ વાગા સુધી પદ્માસન કરવાનું અને છથી સાત એક કલાક બહાર ચાલવા જવાનું. શરૂઆતના થોડા સપ્તાહો સુધી એમને ઘરની બહાર નીકળવાની પરવાનગી ન હતી એટલે તેઓ ઓરડામાં જ આંટા મારતા અને ચાલતા ચાલતા આખી ગીતા બોલી જતાં!

સવારે સાત વાગ્યે દૂધ લેતા અને સાડા સાત વાગ્યાથી કાંતણ અને વાંચન શરૂ કરતાં. સામાન્ય દિવસોમાં મોરારજી દિવસના એક હજાર મીટર ખાદી કાપતા, પરંતુ જેલમાં એમને અઢળક સમય મળતા તેઓ બે હજાર મીટર મિનિમન અને કોઈક વખત ત્રણ હજાર મીટર ખાદી કાંતતા! સવારના સાડા દસ સુધી આ ક્રિયા કર્યા બાદ સાડા દસે મોરારજી ભોજન લેતા અને ભોજનમાં માત્ર ગાયનું દૂધ અને થોડા ફળો આરોગતા. પછી કલાકેક તેઓ આરામ માટે ફાળવતા, જોકે આરામ બાબતે એમણે ખાસ સ્પષ્ટિફિકેશન આપ્યું છે કે, આરામ દરમિયાન તેઓ માત્ર આડા પડતા, ઉંઘી જતાં નહીં!

વળી, બપોરે એક વાગ્યે ઊઠીને એક કલાક પદ્માસન કરે અને સાથે ગાયત્રી મંત્રના જાપ કરે. અઢી વાગે એટલે ફરી વાંચન અને કાંતણ શરૂ કરે અને રામચરિતમાનસના પાઠ કરે. પાંચ વાગ્યા સુધીનો આ નિયતક્રમ પતાવીને તેઓ સાંજે ફરવા નીકળતા અને પોણા કલાક જેટલું ચાલતા. સૂર્યાસ્ત થાય એ પહેલા છ વાગ્યે તેઓ વાળું કરી લેતા, જેમાં બપોરનું મેનુ રિપિટ થતું!

સાંજના પોણા સાતે પ્રાર્થના કરીને ફરી પદ્માસન કરે અને રાતના નવ વાગતા સુધીમાં ટૂંકી પ્રાર્થના કરીને ઉંઘી જતાં. માણસ એકાંતમાં હોય કે, એને બળપૂર્વક એકલો પાડવામાં આવ્યો હોય, ત્યારે જાતને ટકાવી રાખવાના એની પાસે બે જ વિકલ્પ બચતા હોય છે. એક તો એણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ઈશ્વરમાં એનું રોવવું અને બીજું એની જાતમાં શ્રદ્ધા રાખીને જાતમાં રમમાણ થઈ જવું. કટોકટીના જેલવાસ દરમિયાન મોરારજીએ આ બંને બાબતો સુપેરે કરી અને જાત અને ઈશ્વર સાથે સંવાદ સાધી નકારાત્મકતાથી દૂર રહી માનસિક રીતે સ્વસ્થ રહ્યા.

કટોકટી વખતના જેલવાસ દરમિયાન મોરારજીએ તુલસીદાસના રામાયણનું પાંચ વખત અધ્યયન કર્યું હતું. રામચરિતમાનસના આ અભ્યાસ બાદ તેઓ એમ તારણ પર આવેલા કે, જીવનમાં કર્મના જેટલી જ આવશ્યક્તા ભક્તિની પણ છે અને જો અનાસક્ત કર્મ કરવું હોય તો ભક્તિ એમાં મદદગાર નીવડી શકે છે. રામાયણ વિશે તેઓ એમ પણ નોંધે છે કે, ‘આ વાચને પ્રભુ પ્રત્યેની મારી નિષ્ઠા ને શ્રદ્ધા સઘન કરવામાં ભારે મોટો ભાગ ભજવ્યો. આનાથી મને મનની સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ.’

કટોકટી દરમિયાન અખબારોમાં તો સરકારની નીતિઓ વિશેના સાચા સમાચાર આવતા ન હતા, પરંતુ પોતાની સુરક્ષામાં સજ્જ પોલીસ અધિકારીઓ પાસેથી મોરારજીને થોડાઘણા સાચા સમાચાર મળી રહેતા ખરા. સંજય ગાંધી દ્વારા સંતતિનિયમનના નામે દેશના ગરીબ લોકો પર થયેલા અત્યાચારોના સમાચાર સાંભળીને તેઓ અત્યંખ દુખી થઈ જતાં, પરંતુ જેલમાં જીવ બાળવાનો કે ચિંતા કરવાનો કોઈ અર્થ નહોતો એટલે વાંચન, કાંતણ કે પાર્થનામાં તેઓ જાતને વ્યસ્ત રાખતા.

માણસની ચિંતાઓ વિશે એમણે આત્મકથામાં સુંદર વિચારો રજૂ કર્યા છે, જે એમના જ શબ્દોમાં માણીએઃ ‘હું જાણું છું કે ચિંતા કરવાથી કોઈ અર્થ સરતો નથી, ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગૂંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્યને સહાયભૂત થતી અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાંખે છે.’

મોરારજીને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા હતી અને ઈશ્વર બાદ એમને કર્મમાં અતિશ્રદ્ધા હતી. વિજ્ઞાનમાં જે ગતિના સિદ્ધાંતો પ્રસ્થાપિત થયાં છે એ સિદ્ધાંતોને તેઓ કર્મના સિદ્ધાંતો સાથે સરખાવે છે. ઉદાહરણ આપતા તેઓ લખે છે કે, જેમ આધાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મુલ્યના અને વિરુદ્ધ દિશાના હોય એમ કર્મના સિદ્ધાંતમાં પણ કંઈક આવું જ હોય અને માણસને જેવા એના કર્મ હોય એવા જ ફળ મળતા હોય છે. તેઓ એમ માનતા કે, સૃષ્ટિના અસ્તિત્વ માટે જેમ ગતિના સિદ્ધાંત અત્યંત મહત્ત્વના હોય છે, એમ માણસો માટે કર્મનો સિદ્ધાંત અત્યંત મહત્ત્વનો છે.

કર્મમાં એમની શ્રદ્ધા ગીતાને કારણે દૃઢ થયેલી. ગીતાના નિયમિત અધ્યયન અને ગીતામાં આલેખાયેલી વાતોનું નિયમિત ઊંડું ચિંતન કરતા રહેવાથી તેઓ જીવનભર અત્યંત સહજ અને સમૃદ્ધ થતાં રહેલા. એક જગ્યાએ એમણે એમ પણ નોંધ્યું છે કે, ‘ગીતાના અભ્યાસને કારણે જ મારી સર્વધર્મ સમભાવની ભાવના પાકી થઈ છે.’ ગીતાનો અભ્યાસ કર્યા વિના આજે જે લોકો હિન્દુ ધર્મના રખોપા થઈ પડ્યા છે એમણે આ વાત ગાંઠે બાંધવા જેવી છે!

દરેક માણસને પોતાનો મત હોઈ શકે છે અને એ માણસને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર પણ હોય છે. પરંતુ ઘણી વખત આપણે કે, બીજા કોઈ માણસ આ બાબતે ધીરજ દાખવતા નથી અને બીજાનો મત સાંભળવાની કે મતને માન આપવાની દરકાર રાખતા નથી. એમાંય જો સામેની વ્યક્તિનો મત આપણા મતથી ભિન્ન કે વિરુદ્ધ છેડાનો હોય તો પેલી વ્યક્તિનું આવી બનવાનું અને એ વ્યક્તિ સાથે આપણે દુશ્મનાવટ કરી બેસીએ છીએ. આ તો ઠીક ઘણી વખત દેશની સરકારો પણ દેશના નાગરિકોના મતનું માન રાખતી નથી અને તેને દેશદ્રોહના આંચળા હેઠળ કેદ ફરમાવે છે.

ભિન્ન મત વિશે દેસાઈએ એક જ વાક્યમાં અત્યંત ઉંડી વાત લખી છે. એમણે લખ્યું છે કે, ‘સ્વવિકાસ કરવાનો અબાધિત અધિકાર જેટલો મારો છે એટલો જ અધિકાર દરેક પ્રાણીનો અગર વ્યક્તિનો છે એમ હું માનું છું અને તેથી મતભેદ થાય તો પણ બીજાના મત પ્રત્યે અસહિષ્ણુ થવું જોઈએ નહીં.’ આપણે ત્યાં તો અસહિષ્ણુતાની વાત કરનારા જ સૌથી પહેલા અસહિષ્ણુતાનો ભોગ બન્યાના દાખલા છે!

રાજકારણમા ઝંપલાવેલું એના શરૂઆતના દિવસોમાં મોરારજીએ ધર્મ વિશેનું પણ ઘણું ચિંતન કરેલું. આ માટે વર્ષ 1935માં તેઓ મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવેલા. પોંડિચેરીના આશ્રમમાં અરવિંદ મુલાકાતીઓને દર્શન આપતા ખરા પરંતુ કોઈની સાથે વાતચીત કરતા નહીં. એટલે મોરારજીએ અરવિંદને પત્ર લખીને એમના મનને વ્યગ્ર કરતા કેટલાક પ્રશ્નો પૂછેલા, જેનું સમાધાન તો એમને મળેલું, પરંતુ અરવિંદથી તેઓ બહુ પ્રભાવિત નહોતા થયાં. તો ત્યાંથી સીધા રમણ મહર્ષિના આશ્રમે ગયેલા અને રમણ મહર્ષિથીના સત્સંગમાં રહીને તેઓ અત્યંત પ્રભાવિત થયેલા.

આજના સમયને તેઓ ધર્મ અને અધર્મના સંઘર્ષનો યુગ ગણતા. આ વિશે એમણે લખ્યું છે કે, ‘આજે ભૌતિક આકર્ષણ વધારે છે. સામ્યવાદ એ ભૌતિકવાદનો નિચોડ છે. એટલે જ્યાં સુધી માણસો માત્ર ભૌતિકવાદ તરફ ખેંચાય અને અધ્યત્મવાદને સાવ ભૂલી જાય ત્યાં સુધી સામ્યવાદનું આકર્ષણ રહેવાનું છે.’ પાછળથી તેઓ ઉમેરે છે કે, ‘બધા સંપ્રદાયોનો ઉદ્દેશ સાચો જીવનધર્મ શીખવવાનો જ છે, પરંતુ આજે એ બધા સંપ્રદાયોના પ્રચારકો પોતાની કમજોરીમાં ફસાઈ ગયા છે અને એને લઈને માંહોમાંહે ઝગડે છે. તેથી જનતામાં ધર્મની ભાવના જે રીતે જાગ્રત થવી જોઈએ એ રીતે થતી નથી.’

આ વીર સ્વાતંત્ર્ય સેનાનીએ આજીવન ઈશ્વર, ધર્મ અને કર્મમાં શ્રદ્ધા દાખવી હતી. આ શ્રદ્ધાને પગલે જ તેઓ માણસોની સમાનતા અને અદના માણસના હકો માટે હંમેશાં લડતા રહ્યા હતા. ધર્મએ એમને માનસિક સ્વસ્થતા આપી તો કર્મએ એમને શારીરિક સ્વસ્થતા બક્ષી, જેને પગલે તેઓ એક સદી જેટલું દીર્ધ આયુષ્ય ભોગવી શક્યા હતા. એક્સક્લુઝિવ કે યુનિક જેવા શબ્દો માટે શબ્દકોશમાં અનન્ય અર્થ વપરાયો છે. અનન્યનો બીજો અર્થ એકતાન અને એકાગ્ર પણ થાય છે. મોરારજીબાપા માટે આ શબ્દ સહજતાથી વાપરી શકાય કારણ કે,મોરારજી અનન્ય હતા.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.