ધર્મ અને રાજકારણની આપણને જરૂર કેટલી?

20 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

દેશભરના લેખકો- બૌદ્ધિકો દ્વારા દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડ્સ પરત કરવાની ઘટનાને લઈને વ્હોટ્સએપ ગ્રુપ્સ સહિત અન્ય જનસંચાર માધ્યમોમાં ભારે ચર્ચા મચી છે. લોકો બે પક્ષોમાં વહેંચાઈ ગયા છે. એક પક્ષના લોકો કહી રહ્યા છે કે, દેશનો માહોલ બહુ ઠીક નથી અને સર્વત્ર અસહિષ્ણુતા વર્તાઈ રહી છે અને અમારો શ્વાસ રુંધાઈ રહ્યો છે! તો સામે પક્ષે એવી દલીલ થઈ રહી છે કે, હમણા તમને ગૂંગળામણ થઈ રહી છે તો ગોધરામાં ટ્રેન સળગાવાયેલી ત્યારે કે કાશ્મીરી પંડિતોને મારી મારીને કાશ્મીરમાંથી કઢાયેલા ત્યારે કે, છેક ત્રણ દાયકા પહેલા થયેલી શીખોની કત્લેઆમ વખતે આ ડહાપણ ક્યાં ગયેલું? વરિષ્ઠ પત્રકાર નિખિલ મહેતાએ કહેલું એમ દેશના લેખકો-પત્રકારો સહિત સામાન્ય લોકો મોદી તરફી અને મોદી વિરોધી, એમ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને બંને જૂથના લેખકો-પત્રકારો એમના અંતિમવાદી વલણો સાથે અખબારના સ્તંભો ભરતા જાય છે. પૂર્વગ્રહયુક્ત સાવ બાયસ્ડ એવી પોતાની માન્યતાઓ સામાન્યજને માથે થોપતા જાય છે.

એક જૂથ વડાપ્રધાન મોદીની ભક્તિમાં તરબોળ થઈને સરકારની સારી-નબળી નીતિઓનું તટસ્થ મૂલ્યાંકન કર્યા વિના સરકારના પ્રશસ્તિગાથામાં લિન છે. એમને સરકારની કોઈ ખામી દેખાતી જ નથી. જાણે રામ રાજ્ય આવી ગયું હોય એમ તેઓ ડંકાની ચોટે માને છે કે, આ સરકાર જે કરે એ બધું સાચું જ છે, એમાં કશી ખોડખાંપણ હોય જ નહીં શકે. આ તો નરેન્દ્ર મોદી છે. તેઓ તે કંઈ વળી ભૂલ કરે? તો બીજું જૂથ એવું માની બેઠું છે કે, હવે આ સરકાર આવી છે એટલે વર્ષ 2019 સુધીમાં આ દેશનું ધનોતપનોત નીકળી જવાનું. કેપિટલિસ્ટ અપ્રોચ ધરાવતી આ સરકાર ક્યારેય કોઈ સારા નિર્ણય કરી નહીં શકે! ખેડૂતો અને મજૂરવર્ગની સ્થિતિ હજુ કથળવાની અને એક યુદ્ધ તો પાકું જ સમજો!

એમાંય બીજા જૂથમાંના કેટલાક શૂરાઓ તો એમ જ માની બેઠાં છે કે, હવે આ દેશમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ કે અન્ય લઘુમતિ કોમનો કોઈ વાલીવારસ નથી અને આ બિચારાંઓના બૂરાં હાલ થવાના! એટલે આવા લોકો જ્યારે સમય અને તક મળે ત્યારે લઘુમતિઓના હકોની વાતો લઈને એમને છાવરવા બેસી જાય છે. આપણે ત્યાં માણસને માણસ તરીકે નથી જોવાતો કે કોઈ નાગરિકને ભારતીય તરીકે નથી જોવાતો. આ દેશમાં માણસને હિન્દુ અથવા મુસલમાન કે ખ્રિસ્તી તરીકે જોવાય છે. બધી સમસ્યાના મૂળ જ અહીં સમાયેલા છે. એક યુવક કોઈ યુવતિની છેડતી કરે છે ત્યારે જો યુવક મુસલમાન હોય અને યુવતિ હિન્દુ હોય તો મૂળ સમસ્યા બાજુએ ધકેલાઈ જાય છે અને મુદ્દાને 'મુસ્લિમ યુવકે હિન્દુ યુવતિની છેડતી કરી'ના નામે ચગાવાય છે. આવા નીચ કૃત્યને કારણે મામલો વધુ વણસે છે અને વાત કોઇક બીજું જ રૂપ ધારણ કરી બેસે છે.

એમાં વળી, રાજકારણ અને મીડિયા ઘૂસે અને પછી એને વધુ ચોળીને ચીકણું કરવામાં આવે. પછી શરૂ થાય છે 'અમારાવાળા ને તમારાવાળા'ની વાત, લીલા રંગ અને ભગવા રંગની વાત... વિવાદ ગાંડા બાવળની જેમ વધતો જ જાય છે... વધતો જ જાય છે.... એનું કોઈ જ સોલ્યુશન નથી મળતું! આપણે લડતાં રહીએ છીએ, કળણમાં વધુને વધુ ખૂંપતા રહીએ છીએ. પેઢીની પેઢી ખલાસ થઈ જાય છે, પણ એમાં કશો ફરક નથી પડતો. આપણે બસ, ભોગવતા જ રહીએ છીએ. અહીં આપણે એટલે 'હું', આપણે એટલે 'તમે', આપણે એટલે આ દેશનો એ દરેક સામાન્યજન, જેને આ બધા મુદ્દા સાથે કોઈ જ નિસ્બત નથી, પણ તોય એને આ બધા મુદ્દામાં ઢસડવામાં આવે છે. એને તો રોટી સાથે મતલબ છે, બે-પાંચ રૂપરડી સાથે મતલબ છે, સારા આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ સાથે મતલબ છે. નાનકડા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, મિત્રો સાથે વીકએન્ડમાં રખડવું છે. તો પછી એને કેમ દ્રોપદીની જેમ આ દુશાસનો બધા મુદ્દામાં ઢસડી લાવે છે? આ દ્દ્યૂતસભામાં આમજનની કોઈ જરૂર છે ખરી?

આવું થવા પાછળનું કારણ શું છે ખબર છે? એની પાછળ જવાબદાર છે, આપણી આંખો પર ચઢેલા એક અદૃશ્ય ચશ્માં! જેની એક તરફ ધર્મનો કાચ ચઢ્યો છે અને બીજી તરફ રાજકારણનો કાચ ચઢ્યો છે. આ અદૃશ્ય ચશ્માંની આજના માણસને બહુ જરૂર નથી. જરૂર પડ્યે એ ચશ્માં પહેરી પણ શકાય, પરંતુ આપણે એને સતત પહેરી રાખીએ છીએ. આપણું કમનસીબ એ છે કે આ બંને બાબતો આપણા રોજબરોજના જીવનની નાનીમોટી બાબતોમાં સતત ચંચૂપાત કરતી રહે છે.

આ એવોર્ડ વાપસીની ઘટના જ લઈ લ્યો. આ વિવાદમાં ધર્મ અને રાજકારણ સિવાય બીજું કશું જ નથી. એક પક્ષને ધાર્મિક અસહિષ્ણુતા નજરે ચઢી રહી છે તો બીજો પક્ષ એની દલીલમાં અગાઉની ઘટનાઓનો હિસાબ આપી રહ્યો છે. એક પક્ષ એમ માને છે કે હાલની નેતાગીરી જ દેશની આ હાલત માટે જવાબદાર છે. તો બીજો પક્ષ સાંઠ વર્ષ સુધી રાજ કરી ગયેલી અગાઉની સરકારોને ભાંડી રહ્યો છે. છેલ્લા પંદર દિવસથી ચાલતી આ બબાલમાં આરોપ-પ્રતિઆરોપ સિવાય બીજું કશું નક્કર થયું નથી.

પણ, આ બાબતોને કારણે આપણે વધુ ને વધુ ફંટાઈ રહ્યા છે. બહુ જૂજ લોકો એમની માન્યતાઓ આપણા પર થોપીને ઈરાદાપૂર્વક આપણી વચ્ચેનું અંતર વધારી રહ્યા છે, જેને કારણે આપણો વિકાસ રુંધાઈ રહ્યો છે. હજુ કહું છું, હાલના સમયમાં આપણા જીવનમાં ધર્મ અને રાજકારણનો જેટલો પ્રભાવ છે એટલા પ્રભાવની આપણને ખરેખર જરૂર નથી. પરંતુ આપણને આવી બધી વાતોમાં ગૂંચવેલા રાખીને રાજકારણીઓ અને ધર્મગુરુઓ પોતપોતાના એજન્ડા, સ્થાપિત હિતો સિદ્ધ કરવામાં સફળ થઈ રહ્યા છે. આવી બધી વાતોમાં આપણને ઉલઝેલા રાખીને કોઈ રાજસત્તા મેળવી રહ્યું છે, કોઈક ધર્મસત્તા મેળવીને સમાજમાં ધાક જમાવી રહ્યું છે, કોઈક કાયદાની ઐસી કી તૈસી કરીને બિઝનેસ-વ્યવસાય વિસ્તારીને અધધધ પૈસો કમાઈ રહ્યું છે. તો વળી કોઈક અખબારો અને માધ્યમોમાં આ બધા સત્તાધિશો, કોર્પોરેટ્સની સાચી-ખોટી પ્રશસ્તિ કરીને પદ્મશ્રી મેળવી રહ્યું છે કે એ માટેની તૈયારી કરી રહ્યું છે.

આ બધામાં આપણે ક્યાં? અને એ બધા આપણે શું? આપણે તો સવારે વહેલા ઊઠીને પાંચ-પંદર-પચાસ હજાર રૂપરડી કમાવા લોકલ ટ્રેનના ધક્કા ખાવાના જ છે. સ્ટેશનથી ઓફિસની રિક્ષા પકડીને રિક્ષાવાળા સાથે ઓફિસ વેળાસર પહોંચાડવા લમણા ઝિંકવાના જ છે. ઓફિસ પહોંચવામાં પાંચેક મિનિટ મોડું થઈ ગયું તો HRવાળાની પ્રોફેશનલ ચેતવણીનો સામનો કરવાનો જ છે. આખો દિવસ ગધેડાંની કામ કરવાનું જ છે દોરીએ લટકાવેલા ગાજરને ખાવા દોડતા સસલાંની જેમ એક પછી એક ટાર્ગેટ પૂરા કરવાના જ છે. થાકીને ઘરે પહોંચવાનું જ છે અને ઘરે આવીને મોંઘી દાળના શાક કે કચુંબરમાં મોંઘા કાંદા ખાઈને પેટ ભરવાનું જ છે. આમાંથી કોઈ છૂટકો છે ખરો? નહીં. જીવનના ભાગરૂપે પણ, કર્મના ભાગરૂપે પણ આપણે એ કરવાનું જ છે. આ બધુ કરવાની પણ એક મજા છે.

પરંતુ સમયાંતરે ઔવેસીઓ, તોગડીયાઓ, આઝમ ખાનો આપણને ઉશ્કેરતા રહેશે. આપણા ધર્મો, આપણી સંસ્કૃતિ ખતરામાં છે એમ કહેતા રહેશે. આ બધામાં ઉલઝેલા રહીને આપણે જ આપણે માટે દાદરીવાળી કરતા રહીશું, ગોધરા-અનુગોધરા કરતા રહીશું. આપણે જ લડીશું-બળીશુ-જેલોમાં સડીશું. કોડનાનીઓ અને બજરંગીઓનો ન્યાય વર્ષો બાદ તોળાશે, ન્યાય તોળાયા બાદ પણ કાયદો એમને 'માનવતા'ની રુહે જામીન પર જામીન આપતો રહેશે. પણ ધર્મ-કોમ-રાજકારણના આ ખપ્પરમાં આપણી પેઢીની પેઢીઓ હોમાઈ જશે. આટલું બધું ગુમાવ્યા- ભોગવ્યા બાદ પણ આ વાત હજુ સુધી આપણા મગજમાં કેમ નથી ઉતરી?

નાગ જેમ જૂની કાંચળી ઉતારી કાઢે એમ 2015માં જીવતા નાગરિકો તરીકે આપણે આ કાંચળીઓ ઉતારી દેવાની છે. ઈતિહાસ વાંચવાનો હોય એનું વારંવાર પુનરાવર્તન કરવાનું નહીં હોય. એટલે જૂની વાતો, જૂની ઘટનાઓને દફનાવી દઈએ. કોઈ જૂના ઉદાહરણો આપે કે, 'ફલાણે વર્ષે ફલાણાઓએ આપણી સાથે આમ કરેલું' તો એ વાતો માત્ર સાંભળવાની જ છે. એ બધું સાંભળીને ઉશ્કેરાવાની જરૂર નથી. યાદ રહે, આપણી પ્રાથમિકતા આ બધું નથી. આપણી પ્રાથમિકતા તો રોટી છે, માથે છત છે, પરિવારનું સુખ છે, અમન છે ચેન છે. ચાલો, પેલા ચશ્માં ઉતારી દઈએ, સાથે રહીએ. આગળ વધીએ. શું કહો છો?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.