રાષ્ટ્રીય રમતની યાદ અચાનક કેમ આવી?

20 Jun, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: indiatvnews.com

પરમ દિવસે ICC વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ફાયનલ મેચમાં, જ્યારે પાકિસ્તાનનું પલ્લું ભારે થતું જણાયું ત્યારે એક ચમત્કાર થયો. એ ચમત્કાર એટલે આપણા દેશના ફેસબુકશૂરા અને વ્હોટ્સએપશૂરાઓનો દંભ ઉઘાડો પડ્યો અને એમની પાસે કેવીક સ્પોર્ટ્સમેનશીપ છે અને કેવોક એમનો દેશપ્રેમ છે એ વિશે જાણ થઈ. આ તો શું કે અમે તો જીતતા હોય એને જ સપોર્ટ કરીએ, જો હારતા હોઈશું તો ભલેને પહેલા આ રમતમાં હાકોટા પાડી પાડીને અવાજ તરડી નાંખ્યા હોય, પણ હાર્યા એટલે વાત ખલાસ. ત્યારે અમને ખેલના નિયમ ન ખબર હોય તોય અમે અમારી રાષ્ટ્રીય રમતને જ સપોર્ટ કરવાના.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય એટલે રસાકસી થાય એ સ્વાભાવિક છે. વળી, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની સામે ભારત લગાતાર જીતતું આવ્યું છે, જેને કારણે ભારતના ફેન્સના મનમાં એક વાત ઘર કરી ગયેલી અથવા એમણે એ વાત સ્વીકારી લીધેલી, કે આપણે બીજા કોઈકની સામે ભલે હારીએ, પરંતુ પાકિસ્તાનની સામે તો ન જ હારી શકાય.

એ વાત સાચી કે, કોઈ પણ દેશનો નાગરિક, જો એને ક્રિકેટ અથવા અન્ય કોઈ પણ રમતમાં રસ હોય તો એના દેશની ટીમને જ સપોર્ટ કરે. વળી, જો એની ફેવરિટ ટીમ હારે અથવા જે ખેલાડી પર એમને આશા હોય એ ઊણો ઉતરે તો ફેન્સને ફ્રસ્ટ્રેશન થાય એ પણ સ્વાભાવિક છે, પરંતુ એનો અર્થ એ તો નથી જ કે, પોતાની ફેવરિટ ટીમ હારે એટલે આખેઆખી રમતને અવગણીને કોઈક બીજી રમત તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું અથવા પોતાની હારેલી ટીમ વિશે ગમે એમ બોલવાનું.

પરંતુ રવિવારે જ્યારે ભારત હારતુ જણાયું ત્યારે એક નવું જ ચિત્ર જોવા મળ્યું અને વ્હોટ્સ એપ તેમજ ફેસબુક પર જાતજાતના ફોરવર્ડ્સ જોવા મળ્યા. કેટલાકે કોહલી અને રોહિત શર્મા વિશે એલફેલ લખ્યું તો કેટલાકે મેચ ફિક્સિંગના આક્ષેપો મૂક્યા. એમની એવી દલીલ હતી કે, વર્લ્ડ બેસ્ટ બેટ્સમેન આ રીતે આવા ઓછા રનમાં આઉટ થઈ જ ન શકે… દંભના શ્રેષ્ઠ ઉદાહરણો તો ત્યારે મળ્યાં, જ્યારે લોકોએ એવા ફોરવર્ડ્સ શરૂ કર્યા કે, આ ફિક્સ્ડ મેચને શું જુઓ છો? ખરી રમત તો ફલાણી ચેનલ પર છે, જ્યાં હોકીમાં ભારત પાકિસ્તાનને પછાડી રહ્યું છે. હોકીની ગઈકાલની મેચને લઈને બીજા કેટલાક ફોરવર્ડ્સ પણ આવ્યા, જેમાં હોકી આપણી રાષ્ટ્રીય રમત છે એ જ જોવાય ને આ ને તે ને પેલું જેવું કેટકેટલુંય આવ્યું…

ગમ્મત કે મજાક સુધી આ બધુ ઠીક છે. ગમ્મત થવી જોઈએ અને આપણી ટીમ ખરાબ પ્રદર્શન કરતી હોય તો એના પર પણ મજાક કરી શકાય. પણ ફીલિંગ એન્ગ્રીના હેઝટેગ સાથે જે રીતે લોકોને હોકીની યાદ આવી રહી હતી એ પરથી એવું સ્પષ્ટ જણાતું હતું કે, બીજું કંઈ નહીં પણ ક્રિકેટ ફેન્સને આ દ્રાક્ષ ખાટીના હિસાબે હોકીની યાદ આવી હતી. બાકી જો ભારત જીતતું હોત તો મોટાભાગનાને એ પણ ન ખબર હોત કે, આજે ટેલિવિઝન પર આ રમતનું પણ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.

એવે ટાણે એક બાબત સ્પષ્ટ હતી કે, તમારી ટીમ સાથેની તમારી નિસ્બત માત્ર જીત પૂરતી જ સીમિત હતી. જો ટીમ જીતતી રહેતી હોય તો ઈન્ડિયા… ઈન્ડિયા… કરીને ચિયર કરવાનું, પરંતુ જો ટીમ હારતી હોય તો આપણે ક્યાં એ બધા સાથે લેવાદેવા છે? આપણી રાષ્ટ્રીય રમત તો હોકી છેને? કેમ ભાઈ? જે ખેલાડીઓની જીત પર તમે વારીવારી જતા હતા એ ખેલાડીઓ હારતા હોય ત્યારે બેટર લક નેક્સ્ટ ટાઈમ કે અમે તમારી સાથે છીએ એવુંય નહીં લખી શકાય? અલબત્ત ખેલાડીઓ કંઈ એ તમારી પર્સનલ કમેન્ટ્સ વાંચવા નથી જવાના, પરંતુ આવા લાખો અભિપ્રાયો જ ભેગા થઈને એક જનમત બનાવતા હોય છે અને એવા જનમતો જ સોશિયલ મીડિયાથી લઈ ટેલિવિઝન સુધી ટ્રેન્ડિંગ ટોપિક બનતા હોય છે.

આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે, હાર કે જીત એ તો કોઈ પણ રમતની આડઉપજ છે. આપણી ટીમ જીતે અથવા આપણો ગમતો ખેલાડી સારું પ્રદર્શન કરે અને એ જીતે તો એ આનંદની વાત છે. અને એ વાત પણ સાચી કે, જો આપણી ટીમ હારે તો આપણને દુઃખ પણ થાય. પરંતુ જીત વખતે ખેલાડીઓને જે સાથ અપ્યો હોય એ સાથે એમની હાર વખતે છોડી દેવાનો? આને જ તો દંભ કહેવાય કે હાર વખતે આપણે જરા સરખી સ્પોર્ટ્સમેનશીપ નહીં રાખી શકીએ. જો દંભ ન હોત તો પોતાની ટીમમાં એટલો વિશ્વાસ પણ નહીં હોય કે, તેઓ પાકિસ્તાન જેવા દેશ સામે મેચ ફિક્સિંગ ન જ કરે. આનો તો એમ અર્થ થાય કે, અત્યાર સુધી તમે જ જેમને સપોર્ટ કર્યો હતો એમના માટે તમે ઈનડિરેક્ટલી એવું કહો છો કે, આ ખેલાડીઓને એમનો દેશ વહાલો નથી. કારણ કે, પાકિસ્તાન જેવા દેશની કોઈ ટીમને જીતાડવા પૈસા લેવા એનો અર્થ તો એ જ થયો ને એ ખેલાડીઓને દેશ કરતા પૈસા વધુ વહાલા હતા. વળી, એ પણ એવા ખેલાડીઓ, જેઓ હાથમાં બે મિનિટ માટે એક શેમ્પુની બોટલ પકડે તો એમને કરોડોના ચેક મળતા હોય.

ખૈર, ક્રિકેટ જેવી રમત ભારતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને આપણી પ્રજા ક્રિકેટ માટે જીવ આપી દેવા તત્પર થઈ જતી હોય છે. એવા સમયે આપણી ટીમ પાકિસ્તાન જેવી કટ્ટર દુશ્મન કહેવાય એવી ટીમ સામે હારે તો સ્વાભાવિક છે કે, લોકોના દિલ દુભાય કે ટીમે રમત દરમિયાન કરેલી કેટલીક ભૂલો પર એમને ગુસ્સો આવે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે, છેક જ ટીમનો સાથ છોડી દેવાનો અને હોકી જેવી રમત, જેને એમણે ક્યારેય મહત્ત્વ નહીં આપ્યું હોય એને તેઓ મહત્ત્વ આપતા થઈ જાય. ખૈર, સબકી ચોઈસ હોતી હૈ, ઔર સબકી સોચ હોતી હૈ. જીસ કી જૈસી સોચ ઔર જીસકી જૈસી ચોઈસ. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.