- National
- બિઝનેસમેને એક મહિલાની જાહેરાત જોઈ 'મને ગર્ભવતી બનાવો' અને પછી અસલી ખેલ થયો શરૂ
બિઝનેસમેને એક મહિલાની જાહેરાત જોઈ 'મને ગર્ભવતી બનાવો' અને પછી અસલી ખેલ થયો શરૂ
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક કોન્ટ્રાક્ટર 'પ્રેગ્નન્ટ જોબ્સ' નામના સાયબર છેતરપિંડીનો ભોગ બની ગયો. છેતરપિંડી કરનારાઓએ તેને એક ઓનલાઈન જાહેરાત દ્વારા લલચાવ્યો હતો, જેમાં લખ્યું હતું, 'એક એવા પુરુષની શોધમાં છું જે મને ગર્ભવતી બનાવી શકે.' જાહેરાત જોઈને, કોન્ટ્રાક્ટરે સ્કેમર્સનો સંપર્ક કર્યો અને ત્યારપછી તેની સાથે રૂ. 11 લાખની છેતરપિંડી કરવામાં આવી.
ફરિયાદ મુજબ, આરોપીએ મહિલા તરીકે ઓળખ આપીને પહેલા એક વીડિયો મોકલ્યો અને પછી નોંધણી, સભ્યપદ, ગોપનીયતા અને પ્રોસેસિંગ ચાર્જના નામે તેની સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, પીડિતને કુલ રૂ. 11 લાખ ઓનલાઈન વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું એ રીતે તેને છેતરવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર સાવંતે જણાવ્યું હતું કે, આ કેસ 'પ્રેગ્નન્ટ જોબ્સ' અથવા 'પ્લેબોય સર્વિસ' રેકેટ તરીકે ઓળખાતા મોટા સાયબર નેટવર્ક સાથે જોડાયેલો છે. આ ગેંગ 2022થી દેશભરમાં સક્રિય છે અને ખાસ કરીને બેરોજગાર અથવા આર્થિક રીતે વંચિત યુવાનોને નિશાન બનાવે છે.
બાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં, કોન્ટ્રાક્ટરને 'પ્રેગ્નેન્ટ જોબ'ની જાહેરાત કરતો એક વીડિયો મળ્યો. વીડિયોમાં, મહિલા કહે છે, 'મને એક એવો પુરુષ જોઈએ છે જે મને મા બનાવી શકે.' તેણે ઉમેર્યું, 'મને કોઈ ફરક પડતો નથી કે, તે શિક્ષિત છે, તે કઈ જાતિનો છે, અથવા તે ગોરો છે કે શ્યામ છે.' ત્યારપછી કોન્ટ્રાક્ટરે વીડિયોમાં આપેલા નંબર પર ફોન કર્યો. તેણે એક પુરુષ સાથે વાત કરી, જેણે પોતાને 'પ્રેગ્નેન્ટ જોબ' ફર્મમાં સહાયક તરીકે ઓળખાવ્યો. તેણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે, મહિલા સાથે રહેવા માટે, તેણે નોંધણી કરાવવી પડશે અને ઓળખ કાર્ડ મેળવવું પડશે.

થોડા દિવસો પછી, કોન્ટ્રાક્ટર પાસેથી નોંધણી ફી, ઓળખ કાર્ડ ફી, ચકાસણી અને GST સહિતના વિવિધ બહાના હેઠળ વારંવાર પૈસા માંગવામાં આવ્યા. તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી 23 ઓક્ટોબર સુધી, કોન્ટ્રાક્ટર પાસેથી અનેક હપ્તાઓમાં કુલ રૂ. 11 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેતરપિંડી કરનારાઓએ લગભગ બે મહિના સુધી કોન્ટ્રાક્ટરને વિવિધ બહાનાઓ સાથે લલચાવ્યો હતો, ઘણી વખત તેને ધમકી પણ આપી. જ્યારે કોન્ટ્રાક્ટરે સાયબર છેતરપિંડી કરનારાઓની પૂછપરછ શરૂ કરી, ત્યારે તેમણે તેને બ્લોક કરી દીધો. ત્યારે જ કોન્ટ્રાક્ટરને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. પુણે પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.

આ ગેંગ ફેસબુક, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને ઓફર કરે છે, જેમાં વાંઝણી મહિલાઓને ગર્ભવતી બનાવીને રૂ. 5 લાખથી રૂ. 25 લાખ કમાવવાનું કહેવામાં આવે છે. પછી પીડિતો પાસેથી આધાર, પાન અને સેલ્ફી માંગવામાં આવે છે, ત્યાર પછી, સુરક્ષા ફી, કર અને હોટેલ બુકિંગ જેવા બહાના હેઠળ, તેઓ લાખો રૂપિયા જબરજસ્તીથી પડાવી લે છે.
છેતરપિંડી કરનારાઓ ખોટા કરાર, નકલી પ્રમાણપત્રો અને સેલિબ્રિટીના નામે સહી કરેલા દસ્તાવેજો બતાવીને વિશ્વાસમાં લેવામાં આવે છે, ત્યાર પછી પીડિતોને પોલીસ કાર્યવાહી કરવાનું કહીને તેમની પાસેથી વધુ પૈસા પડાવવાનું ચાલુ કરે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રેકેટનો મુખ્ય આધાર બિહારના નવાદા જિલ્લામાં છે, જ્યાંથી આ છેતરપિંડી નેટવર્ક દેશભરમાં ચલાવવામાં આવે છે. પોલીસ માને છે કે આ ગેંગે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે.

